Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બુધવારની બ૫ોરે - અશોક દવે

યે આંખે દેખકર હમ....

આપણા પૂરા શરીરનું એક માત્ર અંગ આંખની કીકીઓ છે, જે જન્મ્યા ત્યારથી એકની એક સાઇઝમાં વાપરવી પડે છે. કીકીની સાઇઝ જન્મ્યા ત્યારથી નાની મોટી ક્યારેય થતી નથી, એવું વિજ્ઞાાન કહે છે. મૂછો આડીઅવળી વધારી શકાય, કીકી લાંબી-ટૂંકી કરાવી શકાતી નથી.

મૂછો ધોળી થવા આવી હોય તો કાળો કલપ લગાવાય, આંખો મૂળભૂત રીતે કાળી-ધોળી જ છે, તેથી એમાં ફેરફાર કરવો સજ્જનોને શોભે નહિ. ગુસ્સે થાઓ તો મગજ તપાવી શકાય, કીકી તપાવી કે ઠારી શકાતી નથી. લાલ આંખો થવી એ વાત ભાષાપ્રયોગ પૂરતી બરોબર છે, પણ શારીરિક રીતે આંખમાં મરચાંની ભૂકી નાંખ્યા સિવાય લાલ કરી શકાતી નથી. કેટલાક વિદ્વાનો માટે પ્રેમમાં પડી જવું ડાબા હાથનો ખેલ ગણાય છે, પણ ડાબી આંખના ખેલો કરવા જાય તો છીછરી ભાષા મુજબ, 'આંખ મારી' એ રૃઢિપ્રયોગ એના કર્તાને ધોલધપાટ કરાવે છે.

કિડનીની માફક ઇશ્વરે આંખો પણ બે ની પેરમાં આપી છે. પણ કિડની ફૅઇલ જાય તો ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકાય, આંખો નહિ. એક માત્ર હાથ-પગના આંગળા આઠ-આઠ આપ્યા છે, એમ બે થી વધારે આંખો હોતી નથી. સ્કૂલમાં હતો ત્યારે માસ્તર અમને બીવડાવવા એવી ધમકી આપે ખરા કે, 'હું બૉર્ડ પર લખવા જઉં, ત્યારે મારે પાછળની બે આંખો આખા કલાસને જુએ છે....' અમે આ ધમકી સાચી માનીને ચૂપ થઇ જતા. આજે આવી પાછળની બે આંખોની બીક વાઇફની હોય, એવી લાગે છે. 'આપણે ગમે તે કરીશું...વાઇફ જોઇ જશે,' એવી ચકોર આંખોવાળી છે....'એ ખૌફ મારા મનમાંથી તો હજી જતો નથી, કાંઇ કર્યું હોતું નથી તો ય...!

આપણે મોટા-એટલે કે, મોટી ઉંમરના-થઇ જવા છતાં મોડી ખબર પડે છે કે, આપણી આંખો ય મોટી થઇ ગઇ છે. આ 'મોટી' એટલે ટૅબલ-ટૅનિસના ગોળ બોલ જેવી નહિ, પણ ઉંમરમાં પુખ્ત થવાની જાણ લગભગ ૧૨-૧૩ની ઉંમર પછી પડે છે અને એ ય આપણા પહેલા આપણા મમ્મી-પપ્પાને પહેલી ખબર પડી જાય છે, એટલે પુખ્ત વયની આંખોને સ્કૂલે મૂકવાની હોય એમ આપણી પોતાની પુખ્ત વયને છાજે એવી સલાહો આપવા માંડે છે, ''જો બેટા, ધ્યાન ભણવામાં રાખવાનું...કલાસની છોકરીઓમાં નહિ ! તને કોઇ છોકરી વૉટ્સઍપ મોકલે તો ઉઘાડવાનો જ નહિ અથવા મને ફૉરવર્ડ કરી દેવાનો !....''

મને સો-સો કીલોવાળી તાજ્જુબી થાય છે કે, ફિલ્મી ગીતોમાં મનુષ્ય-દેહના સેંકડો અંગોમાંથી મોટા ભાગે આંખોને જ પ્રેમનું પ્રતિક કેમ માનવામાં આવે છે ? 'યે આંખે દેખકર હમ સારી દુનિયા ભૂલ જાતે હૈં...,' 'આંખો હી આંખો મેં ઇશારા હો ગયા...' 'તેરી આંખોેં કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યા હૈ...?' તમામ ગીતોમાંથી આંખ કાઢી લઇ શરીરનું અન્ય કોઇ પણ અંગ ગોઠવી દો, તો કોઇ પણ લૅવલનો મેળ પડે છે ? તમારા મનનું જ નહિ, પ્રેમમાં પડેલા એ બન્ને યુવા હૈયાઓના મનોનું ય સમાધાન નહિ થાય.

દા.ત. (એટલે કે, દાખલા તરીકે...દેસી વ્યાકરણની સમજણ પૂરી) 'બાંહો હી બાંહોં મેં ઇશારા હો ગયા...' જામે છે, જરા ય ? ઓકે. બીજાનો ટ્રાય કરી જોઇએ. ''તેરે દાંતોેં કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યા હૈ...હોઓઓ !''ના જામ્યું ને...? હું તો પહેલેથી કહેતો હતો ! 'યે મૂછેં દેખકર હમ સારી દુનિયા ભૂલ જાતે હૈં...' આપણે દાઢી-મૂછ સંબંધી વ્યવસાય હોય તો પણ કોઇ ગ્રાહકને એવો ચઢાવી ન મરાય કે, તારી દાઢી-મૂછ જોયા પછી બીજું બધું ભૂલી જવાય છે...આવું ભૂલી જવામાં બીજા કોઇ ગ્રાહકના ગાલનું છડદું ઊખડી જાય ! સુઉં કિયો છો ? અહીં ભાષાનો કોઇ પણ વિદ્વાન મને ખોટો નહિ પાડી શકે. પ્રેમમાં જો આંખનું આટલું મહત્ત્વ હોય તો બાકીના અંગોનું કેમ નહિ ?

અલબત્ત, માણસ છીએ એટલે કેવળ આંખો જ નહિ, દેહના તમામ અવયવો એકસરખા મહત્ત્વના લાગવાના. નખ અને માથાના વાળને બાદ કરતા શરીરનું એકે ય અવયવ આપણે બસ, એમ જ ફેંકી દેતા નથી. યોગાનુયોગ કેવો છે, કે જેને ફેંકી દઇએ છીએ, એને જ ફક્ત સજાવી શકાય છે.

વાળમાં કેટલી બધી હૅરસ્ટાઇલો કરી શકાય ? નખ ભલે આમ તો ઘરમાં ઝગડા પછી બહુ કામમાં આવે, તેમ છતાં ય મહિલા વિભાગ અને નીતનવા આકાર અને રંગોમાં મનોહર બનાવે છે. દાંત અને વાળની જેમ નખોની ય વિગ (!) મળે છે, અર્થાત, બનાવટી નખ પણ મળે છે. સજાવટમાં વાળ અને નખને બાદ કરતા શરીરના કોઇ પણ અંગમાં ફેરફારો કરાવી શકાતા નથી.

બીજાં અંગોની વાત ચાલુ રાખીએ તો, ગાલમાં ખાડા પડી ગયા હોય તો સારા દેખાવા માટે ફૂલાવીને ફરી શકાય નહિ. મૅક્સિમમ, એની ઉપર પાવડર કે ફાઉન્ડેશનના લપેડા કરી શકાય. પરમેશ્વરે ભલે પગના ઢીંચણ આકર્ષક અને પરફૅક્ટ ગોળાકાર આપ્યા હોય તો પણ સમાજમાં એ બહાર કાઢીને બતાય-બતાય કરી શકાતા નથી. આંખની અંદર તો કાંઇ કરી નહોતું શકાતું, પણ એને હવે રંગીન બનાવવા કૉન્ટૅક્ટ લૅન્સ આવી ગયા, એમાં અત્યાર સુધી જે છોકરીઓનું ક્યાંય ગોઠવાતું નહોતું, એ બધીઓ થાળે પડી ગઇ. ભારે નંબરના ચશ્માવાળી કન્યાઓ મૅક્સિમમ 'બહેન બનાવવાના' કામમાં આવતી.

શહેરની ભોળી યુવતી, મેઘાણીની ચારણકન્યા જેવી સિંહની સામે બથ્થ ભલે ભરી લે, પણ આંખે કોકા કોલાની બૉટલના તળીયાના કાચ જેવા ભારે નંબરના ચશ્મા ન હોય તો જ ! સિંહ કઈ બાજુ ઊભો છે એ દેખાવું તો જોઇએ ને ! વરરાજાઓને ખબર જ પડતી નહોતી કે, દૂરબીન નુકસાની આવ્યું છે. એ તો હનીમૂનની શુભરાત્રીએ કૉન્ટેક્ટ-લૅન્સની ડબ્બી આડીઅવળી મૂકાઇ ગઇ હોય ને માતાજી પલંગને બદલે લૅન્સ કઇ બાજુ પડયા છે, એ શોધવામાં કલાક ખેંચી નાંખે ત્યારે ગોરધનને ખ્યાલ આવે કે, ''આની આંખે ય મારી જેવું જ છે...!''

હવે જો કે ટેટુ મૂકાવવાની ફેશનો ઊઠી છે. અસલના જમાનામાં ગામડાની ડોસીઓ હાથ ઉપર ટપકાં-ટપકાંવાળા છુંદણાં છુંદાવતી હતી. હવે ડોસીઓ જ નહિ, ડોસાઓ-આઇ મીન, યુવાન ડોસા-ડોસીઓ પણ છુંદણાં છુંદાવે છે, આખા શરીરે. એક માત્ર આંખો જ સલામત છે અને કોઇની હિંમત નથી કે આંખ ઉપર ટેટા-ફેટા મૂકાવે ! 'આંખેં વો હી જો ટેટુ બીન દેખે...'

અલબત્ત, આંખોને જ મૌનની ભાષા કહેવામાં આવી છે. એ બોલે કાંઇ નહિ, તો ય ઘણું બધું બોલી નાંખે છે. શબ્દની એને ગરજ નથી. ફિલ્મ 'મુગલ-એ-આઝમ' નામની એક ફિલ્મ આવી હતી, જેના તમામ કલાકારોની આંખો પાસેથી દિગ્દર્શક કે.આસીફે સંવાદોનું કામ લીધું હતું.

એક પાત્ર બીજાની સામે જોયા પછી એ જ દ્રષ્ટિ ત્રીજા ઉપર લઇ જાય, એમાં પ્રેક્ષકો સમજી જતા કે, આટલા મૌન સંવાદોમાં આંખો કેટલું બધું બોલી ગઇ ? મિત્રો, આ તો આંખો હતી તો આવું કામ લઇ શકાયું. શું એક પાત્ર પરથી બીજા અને બીજા ઉપરથી ત્રીજા ઉપર હાથની કોણી ઘુમાવીને એકે ય સંવાદ બોલી શકાયો હોત ખરો ? આંખની પોતાની એ શક્તિ છે કે, એ સ્વયં વ્યક્ત થઈ શકે છે. મૅક્સિમમ, એને ઉપલા માળે રહેતી ભ્રમરોની જરૃર પડે છે.

દ્રષ્યને વધુ કરૃણ ટચ આપવો હોય તો એની બાલ્કનીમાં રૅલિંગની સેવાઓ આપતી પાંપણોને ભીની કરવી પડે છે. તાજ્જબી છે કે, પાંપણોનો આ સિવાય અન્ય કોઇ ઉપયોગ સાયન્સે પણ ધ્યાનમાં લીધો નથી. એનું કામ ભીનાં થવાનું, જેથી સ્ત્રી રૃમાલથી એને લૂછી શકે. કેટલીક પરગજુ મહિલાઓ આવું લૂછવા માટે ક્વચિત પોતાનો રૃમાલ પણ વાપરતી અને એને જ પ્રેમનો એકરાર ગણાતો !
આનાથી વધારે તો આંખ કેટલું કામ કરી શકે...? આ તો એક વાત થાય છે !

સિક્સર
- ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે?
- એ તો પોસ્ટરમાથી ઉતરે તો પ્રજા ઓળખી શકે! આવનારા ૩-૪ વર્ષોમાં સન્માન અને ધાર્મિક સમારંભો પૂરા થઈ જશે, પછી કદાચ પ્રજાને મળશે!

Post Comments