Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્વાદ-સોડમના સ્વામી 'આમ'ની ખાસ વાતો

- આંબાના એક શોેખીને એક જ વૃક્ષ પર કેરીની ૩૦૦ વરાયટી ઉગાડતા

* ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં બોગસ જંતુનાશકોએ કેરીના વાવેતરની વાટ લગાડી છે
* વિશ્વનાં સુપરમાર્કેટોમાં આફૂસની સૌરભ
* વસ્ત્રો-ઘરેણાં અને શિલ્પોમાં 'કેરી'ની  ડિઝાઈનનો દબદબો
* દિવાને 'આમ' નારદ, મિર્ઝા ગાલિબ અને અકબર

ફળોના શોખીનોમાં 'રસરાજ' તરીકે જાણીતી 'કેરી' કોઈ પરિચયની મોહતાજ નથી. સદીઓથી ભારતવાસીઓને  દર ઉનાળે સ્વાદ અને સોડમમાં અનેરા આ ફળના વિવિધ  સ્વરૃપે તરબતર રાખ્યા છે.

પણ ફળોના શહેનશાહ 'આંબા'ના એક અનોખા આશિકને રસરાજના પણ 'રાજા'નું  બિરુદ આપી શકાય તેમ છે. લખનૌથી ૩૦ કિ.મી.ના અંતરે આવેલા મલીહાબાદમાં રહેતા અને ૬૭ વર્ષની જૈફ વયે પણ જવાનીના જોશથી છલકતા હાજી કલીમુલ્લાહ ખાને આંબાનું એક એવું વૃક્ષ ઉછેર્યું છે, જેની પર કેરીની ૩૦૦ વરાયટીઓ પાકે છે!

આ વૃક્ષ ૯૫ વર્ષ જૂનું છે અને કલીમુલ્લાહ ખાનની એક અણમોલ અસ્કામત છે. આ વયે પણ ખાનસાહેબ સડસડાટ આ ઝાડ પર ચડી જાય છે. પછી વૃક્ષની એકાદ ડાળી પર બેઠા બેઠા, પોતે ભગીરથ પરિશ્રમપૂર્વક છેલ્લાં ૨૦ વરસથી આ વૃક્ષ પર ઉગાડેલી કેરીની વિવિધ જાતોનો  પરિચય આપતાં કહે છે કે ''પેલી 'કરેલા' કેરી છે. તેના આકારને લીધે તેને એવું નામ આપ્યું છે.  તેની બાજુમાં 'અલ-કુલૂલ' કેરી છે, તે ઠંડક (કૂલનેસ) આપે છે તેથી તેનું આવું નામ પાડયું છે. બીજી એક કેરી એક પીરબાબાના નામે 'ગુડલી શાહ' તરીકે ઓળખાય છે.''

૨૧ એકરમાં પથરાયેલી પોતાની વિશાળ આંબાવાડીમાંથી કલીમુલ્લાહ દર વરસે ૪૦૦ ક્વિન્ટલ કેરીઓ વેચે છે. અત્યાર સુધી તો ઊપજ અને વેચાણ સારાં રહ્યાં છે. પરંતુ ભવિષ્ય વિશે ચિંતા પ્રગટ કરતાં તે કહે છે કે હવે પાક ઘટી રહ્યો છે. અને બજારમાં મળતાં જંતુનાશકો કાં તો બનાવટી હોય છે અથવા ખૂબ મોંઘા હોય છે. કલીમુલ્લાહ ખાનના આ ખુલાસા સાથે લખનૌના મોટાભાગના ખેડૂતો અને બાગાયતી કામના નિષ્ણાતો સહમત છે.

દુનિયાભરમાં પાકતી કેરીઓ પૈકી ૪૦ ટકાથી વધુ ભારતમાં પાકે છે અને દેશભરની ૫૦ લાખ હેક્ટર જમીન પર ઉગાડવામાં આવતાં વિવિધ ફળોમાં ૪૦ ટકા જમીન પર કેવળ કેરીઓ ઉગાડાય છે. પરંતુ રસરાજનું ભાવિ હવે એટલું રસપ્રદ રહ્યું નથી. પંદર વર્ષ પહેલાં હેક્ટર દીઠ ૮.૧ ટન  કેરીનો પાક ઘટીને હવે છ કરતાંય ઓછો થઈ ગયો છે. ૨૦૧૬માં ભારત લગભગ રૃ.૧૫૦૦ કરોડની કિંમતની કેરીઓ અને ગર (પલ્પ) નિકાસ કરતું હતું, જ્યારે વૈશ્વિક બજારોમાં મેક્સિકો તેનાથી ૩૦ થી ૪૦ ટકા વધુ કિંમતની નિકાસ કરી રહ્યું છે.

મલીહાબાદથી ૮ કિ.મી.ના અંતરે રહેમાન ખેડામાં  કેરીઓના સંશોધન માટેની દેશની અગ્રણી સંસ્થા 'સેન્ટ્રલ ઈન્સ્ટિટયુટ ફોેર સબ-ટ્રોપિકલ હોર્ટીકલ્ચર'ના મુખ્ય વિજ્ઞાની ડૉ.અજય વર્માના જણાવ્યા મુજબ ઉત્તર ભારતની ત્રીજા ભાગની આંબાવાડીઓ ૪૦ વરસ જૂની છે. આટલાં વરસો બાદ તેમાંથી કમાણી કરી શકાય  તેમ નથી. આ આંબાવાડીઓને નવપલ્લિત કરવાનું અથવા તેમાં ફરી છોેડ ઉગાડવાનું મુશ્કેલ છે, કેમ  કે આ વિસ્તાર વન્ય કાયદા હેઠળ  સુરક્ષિત છે અને કોઈપણ વૃક્ષ કાપવા માટે દસ્તાવેજો બનાવવાની કડાકૂટ કરવી પડે તેમ છે. ઓછો પાક ઊતરવાનું બીજું કારણ એ છે કે મહારાષ્ટ્રમાં આંબાવાડીઓનો વિસ્તાર ઝડપભેર વધ્યો છે. તેમાં ફળો આવતાં હજી એક દસકો નીકળી જશે.

લખનૌની નજીક આવેલા કાકોરીના ભૂતપૂર્વ મેયર તથા સૌથી મોટા કેરી-ઉત્પાદક મોહમ્મદ કામિલ ખાને ૧૯૮૪માં સમગ્ર વિસ્તારને 'મેંગો-બેલ્ટ' તરીકે જાહેર કરીને ઈંટની ભઠ્ઠીઓ ત્યાંથી નાબૂદ કરી હતી. તેઓ સરકારને વૃક્ષદીઠ ૫૦ પૈસા ચૂકવીને વરસમાં એકવાર ડીડીટી છંટાવતા. પરંતુ હવે સમસ્યા વધી ગઈ છે. ઉત્તરપ્રદેશના મેરઠ અને આંધ્રપ્રદેશના ગુન્ટુરથી આવતાં બોગ જંતુનાશકો સૌથી વધુ કેરી ઉગાડતાં આ બે રાજ્યોનો  પાક નષ્ટ કરી રહ્યાં છે.

આ ઉપરાંત બીજાં સામાજિક-આર્થિક કારણો પણ કેરીના વાવેતરનો વિનાશ નોતરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં ત્રીજા ભાગના જમીનદારો પોતાની આંબાવાડીઓ એક વરસ માટે કમિશન એજન્ટોને વેચી મારે છે. માલિક કે એજન્ટ બેમાંથી કોઈ માટી કે વૃક્ષોની માવજતની પરવા કરતું નથી. તેઓ વરસ દરમિયાન મોટાભાગનો રસકસ નિચોવી લે છે. પાક ઉતારી લીધા બાદ કોઈ કશી કાળજી લેતું નથી. વળી પાકને સલામત રાખવા કૂલ-સ્ટોરેજની સગવડ પણ નથી અને ભારતભરમાં કેરી પકવવા માટે 'કેલ્શિયમ કાર્બાઈડ'  પર ૧૯૫૪થી પ્રતિબંધ મુકાયો હોવા છતાં આ રસાયણનો બેરોકટોક ઉપયોગ થાય છે.

કાકોરીની પડખે 'દશહરી' ગામ આવેલું છે. ત્યાં ૨૦૦ વર્ષ જૂનું આંબાનું વૃક્ષ છે,  જેના પર 'દશહરી' નામની વિશિષ્ટ કેરી સૌપ્રથમ ઉગાડવામાં આવી હતી. ત્યાંના એક નવાબ આ વૃક્ષની માવજત કરતા. લોકો ચોવીસે કલાક તેના પર ચોકીપહેરો રાખતા. પરંતુ અત્યારે તે ફળ આપતું હોવા છતાં કોઈને તેની દરકાર નથી.

જોકે કેરીની વિવિધ જાતોમાં સમ્રાટ કે 'બાદશાહ'ના સ્થાને બિરાજતી કોંકણની 'આફૂસ'  કેરીએ અહીંના કૃષિકારોની સમૃદ્ધિની સૌરભ મધમધતી રાખી છે. દિવસદીઠ ત્રણ ખેડૂતોની આત્મહત્યાના કરુણ કિસ્સા બદલ બદનામ થયેલા મહારાષ્ટ્રમાં કોંકણ વિસ્તારના દોઢ લાખથી વધુ ખેડૂત-પરિવારો  આખું વરસ કામ કરીને 'આફૂસ'ના પાકથી ગ્રામીણ  અર્થતંત્રને ધબકતું રાખે છે. આ દરિયાઈ પટ્ટીનું  ભેજવાળું હવામાન અને ખારી હવા આફૂસ (આલ્ફ્રોન્ઝો)ના વૃક્ષને ઉનાળાથી પહેલાં ઓક્ટોબર-નવેમ્બરમાં પલ્લવિત કરવામાં મદદરૃપ બને છે.

વાશી અને નવી મુંબઈમાં વ્યાપક જથ્થાબંધ માર્કેટ ઊભું થવાથી અહીંના ગામડાંઓના કૃષિ-પરિવારો વરસેદહાડે દોઢ લાખ ટનથી વધુ કેરીઓ મુંબઈ અને નાગપુરથી ઠેઠ દુબઈ અને અબુધાબી સુધી મોકલાવે છે.

તાજેતરના મહિનાઓમાં વેપારી નિયંત્રણોની  વાડાબંધી નાબૂદ થતાં 'આફૂસ'ની સોડમ વિશ્વભરના દેશોમાં અને સુપરમાર્કેટોમાં પ્રસરશે એવું લાગે છે. મુંબઈની દક્ષિણે ૩૯૦ કિ.મી. દૂર આવેલા રત્નાગિરી જિલ્લાના માલગુંડ ગામના એક જાણીતા એક્સપોર્ટર કહે છે કે અમે રિલાયન્સ અને આઈટીસી જેવાં કોર્પોરેટ-ગૃહો મારફત આફૂસની નિકાસ કરવાનું વિચારીએ છીએ. તેથી આફૂસનું ભાવિ ઉજ્જવળ દેખાય છે.

સ્વાદ અને સોડમમાં અવ્વલ સ્થાન મેળવનારી 'કેરી' એ લોકજીભ ઉપરાંત ફેશનરસિક લલનાઓ પર પણ કામણ કર્યું છે, વિવિધ પ્રદેશોના નામ પરથી વખણાતા વણાટકામની માફક 'આંબી' અને 'કૈરી' ની ડિઝાઈનો સ્ત્રીઓનાં વસ્ત્રોમાં મશહૂર છે. ઉપરાંત પથ્થરના શિલ્પો અને કાષ્ઠ (લાકડા)ની કોતરણી જેવાં અનેક કલાત્મક સ્વરૃપોમાં કેરીના આકારનો ઉપયોગ જોવા મળે  છે. સોના-ચાંદીના બુટ્ટી જેવાં ઘરેણાઓમાં મેંગો-શેપ પ્રચલિત છે. પાંદડા જેવા આકારમાં ડાળીઓ સહિત જ્યારે તે 'પ્રિન્ટ' કરાય છે ત્યારે તે 'જાલ' નામે ઓળખાય છે. હેન્ડ-બ્લોક ફેબ્રિક્સમાં કેરીના આકારના ઉપયોગનો ઉલ્લેખ ઠેઠ ત્રીજી સદીની તવારીખોમાં જોવા મળ્યો છે.

આપણી પૌરાણિક કથાઓમાં અને લોકસાહિત્યમાં પણ 'કેરી'ના આકર્ષણની રસપ્રદ વાર્તાઓ વાંચવા  મળે છે. એકવાર કૈલાસ પર્વત પર ફરવા નીકળેલા નારદ મુનિએ અદ્ભૂત ખૂબીઓથી ભરપૂર 'આમ્ર' ફળ શોધી કાઢ્યું હતું. ત્યારથી ગણેશ અને કાર્તિકેય બે ભાઈઓ વચ્ચે એ ફળ મેળવવાની હોડ જામતાં નારદે તોડ કાઢ્યો કે બેમાંથી જે કોઈ સૌથી પહેલાં પૃથ્વીની પ્રદક્ષિણા  કરી આવે, તેને  તે ફળ મળશે.  કાર્તિકેય મોર પર સવાર થઈ ઊપડયા, જ્યારે પ્રખર મેધાવી ગણેશજીએ  બે હાથ જોડીને આંખો મીંચીને મા-બાપની જ પ્રદક્ષિણા કરી લીધી અને ફળના અધિકારી બન્યા.

વિખ્યાત ગઝલ સમ્રાટ મિર્ઝા ગાલિબ પણ દિવાને 'આમ' (કેરીના દિવાના) હતા. તેમણે કોલકાતામાં પોતાના દોસ્ત સરફરાઝ હુસેનને બંગાળની સુપ્રસિદ્ધ 'ગુલબક્ષ' કેરી મોકલવા ૧૫ પત્રો લખ્યા હતા અને હુસેને છેવટે બે ટોપલા ભરીને કેરીઓ મોકલાવી તેમની ફરમાઈશ પૂરી કરી હતી. ગાલિબે પોતાના મિત્રોને લખેલા ૬૩ પત્રોમાં દશહરી, ચૌસા, માલ્ડા, તોતાપુરી, રાતૌલ, સફેદા, મલીહાબાદી, લંગડા, આફૂસ, હુસ્નઆરા અને દિલપસંદ જેવી કેરીની વિવિધ જાતોનો ઉલ્લેખ મળે છે.

શહેનશાહ અકબરના એક જીવનપ્રસંગમાં અકબર અને જોધાબાઈના કેરી-પ્રેમનો રમૂજી કિસ્સો આલેખાયો છે. એકવાર ઉનાળાની બપોરે જોધા-અકબર કેરીની જયાફત માણી રહ્યાં હતાં. અચાનક બીરબલનો પ્રવેશ થતાં અકબરે પોતે ખાધેલી કેરીઓનાં છોતરાં અને ગોટલા સિફતથી રાણીની પ્લેટમાં સરકાવી દીધા અને બોેલી ઊઠયા, 'જોતો ખરો બીરબલ, રાણી  કેટલી બધી કેરીઓ   ખાઈ ગયાં છે? મારા માટે એકપણ રાખી નથી.''

ચતુર અને હાજરજવાબી બીરબલ રાજાની ચાલ સમજી ગયો અને તરત જવાબ આપ્યો કે 'બાદશાહ સલામત, રાણીબાએ તો પ્લેટમાં 'કમ સે કમ છોતરાં અને ગોટલા બાકી રાખ્યા છે, જ્યારે તમે તો બધું સફાચટ કરી ગયા છો, કેમ કે તમારી પ્લેટ સાવ ખાલી છે!''

Post Comments