Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાર્તા-નવો મારગ

''કુમાર, આ પાપની દુનિયા છોડી દે, એ રસ્તા ઉપર શા માટે ચાલવું, જેની કોઇ મંઝિલ ન હોય? હું તારા સુખદુ:ખની સાથીદાર બનીશ. આપણો પ્રેમ આપણને મંઝિલ શોધતાં શીખવી દેશે.''

મહાનગરની છાતી ઉપર જાળની જેમ ફેલાયેલી રેલવે લાઇન ઉપર અડધી રાત્રે તે લોકલ ટ્રેન ઝડપથી ધડધડાટ કરતી જઇ રહી હતી. એવું લાગતું હતું, જાણે દિવસ આખો અહીંથી તહીં દોડયા પછી તે પોતાની છેલ્લી સફર પણ જેમ બને તેમ જલદી પૂરી કરવા માગતી હોય.

ટ્રેનના ડબ્બામાં એકલદોકલ લોકો હતાં. કેટલાંક જાગી રહ્યા હતાં તો કેટલાંક ઝોકાં ખાઇ રહ્યા હતા.
શીલા બારી પાસે ઊંડા વિચારમાં લીન થઇને બેઠી હતી. તેની આંખો સૂઝેલી હતી અને હોઠ સૂકાઇ ગયા હતા. તે ખૂબ હતાશ દેખાતી હતી અને બાજુમાં તેનો થેલો પડયો હતો.

ન જાણે કેટલા સમય સુધી તે પોતાના વિચારોમાં ડૂબેલી હતી. જ્યારે ટ્રેન એક નાનકડા સ્ટેશન પરથી પસાર થવા માંડી ત્યારે તે એકાએક પોતાના વિચારોમાંથી બહાર આવી.

અચાનક તેની નજર સામેની સીટ ઉપર પડી તો એ ગભરાઇ ગઇ. ત્યાં એક મજબૂત બાંધો ધરાવતો યુવક બેસીને તેને ઘૂરી રહ્યો હતો. તેના ચહેરા પર આછી દાઢી હતી, માથા ઉપર રૃમાલ બાંધેલો હતો અને કાંડામાં મોટી સાંકળ લટકાવી હતી.

એ ડબ્બામાં છવાયેલી ચૂપકીદી દર્શાવતી હતી કે રસ્તામાં બધાં જ મુસાફરો ઉતરી ચૂક્યા હતા. કદાચ એ ડબ્બામાં તે યુવક અને શીલા સિવાય બીજું કોઇ જ નહોતું. તે ડરીને વિચારવા માંડી, ''ખાલી ડબ્બો, રાતનો સમય, ક્યાંક આ અપરાધી જેવો દેખાતો માણસ...'' તેણે પોતાના વિચારો બીજી બાજુ વાળવાનો પ્રયત્ન કર્યો પણ કાંઇ વળ્યું નહીં.

ટ્રેન ઝડપથી ધસમસતી જઇ રહી હતી. શીલાનો ગભરાટ સતત વધી રહ્યો હતો. તે બારીની બહાર જોવા માંડી હતી પણ ફરી એણે આંખના ખૂણેથી એ યુવક તરફ જોયું તો તેને સમજાયું કે તે માણસ સતત હજી પણ તેને જ ઘૂરી રહ્યો હતો.

અચાનક ટ્રેનની ઝડપ ધીમી થવા માંડી. કદાચ કોઇ સ્ટેશન આવી રહ્યું હતું. શીલાનું મગજ ઝડપથી કામ કરવા માંડયું. જ્યારે ટ્રેન સ્ટેશન પર ઊભી રહી ત્યારે તે પોતાની બેગ ઊંચકી ઝડપથી ડબ્બાની બહાર ઊતરી ગઇ.

પ્લેટફોર્મ લગભગ ખાલી હતું. જોવા જાવ તો ત્યાં પ્રકાશ જ નહોતો. તે જલદી પ્લેટફોર્મ પરથી બહાર નીકળી આવી પણ અંધારામાં તેને લાગ્યું કે તેની પાછળ કોઇક આવી રહ્યું છે.

શીલાએ સૂમસામ રસ્તા ઉપર આવીને ડાબે-જમણે જોયું અને એક બાજુ ઝડપથી ચાલવા માંડી. ઘણાં લોકો ફૂટપાથ ઉપર બેશુદ્ધની જેમ સૂતા હતા. જે જાગી રહ્યા હતા તે રાત્રિના સમયે આમ એકલી યુવતીને ઝડપથી જતી જોતાં શંકાની નજરે જોઇ રહ્યાં હતાં.

થોડે દૂર જઇને તેણે પાછા ફરીને જોયું. તેનો શક સાચો નીકળ્યો. એ ટ્રેનવાળો યુવક તેનો પીછો કરી રહ્યો હતો. તે ગભરાઇને એક અંધારી ગલીમાં ઘૂસી ગઇ અને દોડવા માંડી.

થોડીવાર પછી તે એક મોટા રસ્તાના ફૂટપાથ ઉપર હતી. ફૂટપાથ સાવ ખાલી હતું. ત્યાં આછું અજવાળું હતું. તે પરસેવાથી લથબથ થઇ ગઇ હતી. હજી તે વિચારી જ રહી હતી કે ક્યાં જવું ત્યાં તો એની સામે કોણ જાણે ક્યાંથી ચાર ગુંડા આવીને ઊભા રહ્યાં અને તેનું હૃદય જોરથી ધડકવા માંડયું.

ડરને કારણે શીલાનાં હાથપગ ધુ્રજવા માંડયા. તે હાથ જોડીને રડી પડી. ''મને જવા દો. હું એક ગરીબ છોકરી છું... મુસીબતમાં છું.''

ચારે ગુંડાઓ એકબીજા સામે જોઇને સ્મિત કરવા માંડયા અને પછી તેને વાસનાભરી નજરે ઉપરથી નીચે જોવા માંડયા. તેમાંના એકે ઝટકો મારીને તેનો દુપટ્ટો ખેંચી લીધો અને જોરથી અટ્ટહાસ્ય કર્યું.
શીલાએ હિંમત એકઠી કરી અને પાછળ ફરી ઝડપથી ભાગવા માંડી. ચારે ગુંડા ઝડપથી તેની પાછળ દોડયા.

હજી તે થોડે દૂર પહોંચી કે એક જોરદાર ઠોકર ખાઇને પડી ગઇ. જ્યારે તે ઊઠી ત્યારે તેના મોઢામાંથી ચીસ નીકળી ગઇ. હવે તેની સામે પેલો ટ્રેનવાળો યુવક ઊભો હતો. ચારે ગુંડા દોડતા તેની પાસે આવી પહોંચ્યા હતા.
એ ટ્રેનવાળા યુવકે  શીલાના ચહેરા ઉપર ધ્યાનથી નજર ઠેરવીને જોયું તે પછી ચારે ગુંડાઓને જોયાં. એક ગુંડાએ આગળ આવીને તેને કહ્યું, ''સલામ ગુરુ, આજે અડધી રાત્રે અહીં ક્યાંથી?''
યુવકે તેને કોઇ જવાબ આપ્યો નહીં.

તે ગુંડો ફરીથી બોલ્યો, ''ખાન ભાઇએ તમને યાદ કર્યા છે. કહેતા હતા કે સોદામાં તમારી જરૃરત છે.'' પછી તેણે શીલા  તરફ જોઇને વંકાયેલું સ્મિત કરતાં કહ્યું, ''લાગે છે, ઘરેથી ભાગી આવી છે. લઇ જઇએ આપણા અડ્ડા ઉપર. આપણી સાથે એશ કરશે.''

ત્યારે ટ્રેનવાળા યુવકે શીલાનું કાંડું પકડીને તેને પોતાની પાછળ ખસેડી અને પછી કરડા અવાજે કહ્યું, ''છોકરીને હાથ લગાવવાનો પ્રયત્ન કરતાં નહીં. નહીં તો બધાના હાથ ઉખાડીને રસ્તા ઉપર ફેંકી દઇશ.''
ચારે ગુંડાઓના કપાળ ઉપર કરચલી વળવા માંડી. તેમણે એકબીજા સામે જોયું. તે ટ્રેનવાળા યુવકે શીલાનો હાથ પકડયો અને પાછળ ફરીને ચાલવા માંડયો. પણ ચારે ગુંડા તેની સામે આવી ગયાં.

એકે કહ્યું, ''જો ગુરુ, આ સમયે તું અમારા એરિયામાં છે અને તેં જ નક્કી કરી રાખ્યું છે કે આપણે એકબીજાના એરિયામાં હાથ નહીં નાખીએ. પણ આજે એક છોકરી માટે તું બેઇમાની ઉપર ઉતરી આવ્યો છે.''

''મારો  રસ્તો છોડ.'' તે યુવકે ધમકીભર્યા અવાજે કહ્યું.
''તું છોકરીને લઇને નહીં જઇ શકે.'' બીજા ગુંડાએ કહ્યું.

યુવકનો હાથ હવામાં લહેરાયો અને સીધો તેના જડબા ઉપર જઇ પડયો. તે ગુંડો રસ્તા ઉપર ફેંકાઇ ગયો.
બાકીના ગુંડાઓ યુવકને કાંઇ કરે તે પહેલાં તો તેણે રિવોલ્વર કાઢીને તાકી દીધી. ''એક એકની ખોપડી ખોલી નાખીશ... નીકળી જાઓ અહીંથી.''

ગુંડાઓ પાછલા પગલે ચાલવા માંડયા. જે ગુંડાને મુક્કો પડયો હતો તે રસ્તાના કિનારેથી ઊઠીને લોહી નીકળતો હોઠ લૂછી રહ્યો હતો અને તેણે યુવકને ગુસ્સાથી જોયું. પછી તેણે પોતાના સાથીઓને કહ્યું,

''ચાલો,  ખાનભાઇ પાસે.'' અને તે ચારે પાછા વળીને દોડતા દોડતાં અંધારામાં ગુમ થઇ ગયાં.
શીલા આ બધામાં લાગ જોઇને ભાગી ચૂકી હતી. જેવી તે એક ગલી પાસે પહોંચી કે સામે ફરીથી તે ટ્રેનવાળો યુવક આવી ગયો હતો.
''મને છોડી દો... મને જવા દો...'' શીલા કરગરવા માંડી.

''ગામ શા માટે છોડી દીધું શીલુ ? એકલી છોકરીએ આ રીતે ઘરથી બહાર નીકળવું જોઇએ નહીં. પાછી ઘરે જતી રહે.'' તે યુવકે કહ્યું.
શીલા  ખરાબ રીતે ચોંકી ઊઠી અને ફાટેલી આંખે તેને જોતી રહી. ''તું... તું મને કેવી રીતે જાણે છે? કોણ છે તું?''

''આટલી રાતે અહીં ઊભા રહીને વાતો કરવી ઠીક નથી. ચાલ, હું તને ગાડીમાં બેસાડી દઉં છું.'' યુવક બોલ્યો.
''ક્યાંક તું... તું કુમાર તો નથી?'' શીલાએ ધડકતા હૃદયે કહ્યું અને બીજી જ ક્ષણે તેના ગળે વળગીને રડવા માંડી. ''કુમાર, ક્યાં હતો સાત વર્ષો સુધી... હું તને કેટલો યાદ કરતી હતી... કેટલો બદલાઇ ગયો છે તું... હું તો તને ઓળખી શકી નહીં...''
કુમારની સખત છાતી પણ મીણની જેમ ઓગળવા માંડી. તેણે શીલાને પોતાના બાહુમાં જકડી લીધી. ''તું તો સાત વર્ષમાં ઘણી મોટી થઇ ગઇ છે પણ તારા ચહેરા પરની માસૂમિયત હજી એવીને એવી છે.

''હું તને ઓળખવામાં વાર કેવી રીતે લગાડી શકું. તું ક્યારેક તારી સાવકી માથી છુપાઇને મને બે રોટલી આપી દેતી હતી. તો ક્યારેક પોતાના આંસુ મારા જેવા અનાથને નામે કરી નાખતી હતી...''

''આમ તો તેં બરાબર કહ્યું. હું ખૂબ બદલાઇ ગયો છું. હવે હું કુમાર રહ્યો નથી. આ શહેરનો ગુરુ છું. મને ઓળખતી નહીં અને પાછી જતી રહે.''

''નહીં કુમાર... મેં તને મેળવી લીધો છે. હવે હું મારી સાવકી મા પાસે ક્યારેય પાછી નહીં જાઉં. તે મને એક ખરાબ માણસના હાથમાં સોંપી દેવા માગે છે. એટલે હું ઘરેથી ભાગી ગઇ હતી... પણ હવે હું તારી પાસે જ રહીશ... નસીબે આજે ફરી મને તારી સાથે મેળવ્યો છે.''

''નહીં શીલા , તારે મને ભૂલવો જ પડશે. હું તારી દોસ્તી અને આપણા બાળપણના પ્રેમને બદનામ નહીં થવા દઉં...
''ભલે, હું આજે આ શહેરનો જાણીતો ગુંડો છું... મારી પાસે બધું જ છે... પણ હું તને સમ્માનની જિંદગી નહીં આપી શકું... તારે ગામ પાછા જવું જ પડશે.''

''કુમાર, તું આ બધું છોડી દે.''શીલા રડતાં રડતાં બોલી. ''ચાલ, આપણે કોઇક નાની જગ્યાએ દૂર દૂર જઇ નવી જિંદગી શરૃ કરીએ.... તું મહેનત કરીને માત્ર બે વખતની રોટલી લાવશે તો પણ હું તારી સાથે ખુશ રહીશ...
''કુમાર, આ પાપની દુનિયા છોડી દે, એ રસ્તા ઉપર શા માટે ચાલવું, જેની કોઇ મંઝિલ ન હોય? હું તારા સુખદુ:ખની સાથીદાર બનીશ. આપણો પ્રેમ આપણને મંઝિલ શોધતાં શીખવી દેશે.''

''શીલા, ગરીબી અને લોકોની અવહેલનાએ મને નાનકડા ગામમાંથી બહાર કાઢીને જ્યાં પહોંચાડયો છે, તેની સીમાઓતો અનેક છે પણ અહીંથી બહાર નીકળવાનો કોઇ દરવાજો નથી.''
''નહીં કુમાર,'' શીલા તડપી ઊઠી. ''આ ખોટું છે... તું રસ્તો બદલી શકે છે... ચાલ મારી સાથે... હમણાં જ ચાલ.''

તે જ સમયે અંધારામાં કેટલાક લોકોના પગલાંનો અવાજ સંભળાવા લાગ્યો. તેને સમજતાં વાર લાગી નહીં કે કુમારે જે ગુંડાઓને મારીને ભગાડી મૂક્યા હતા તે પોતાના અન્ય સાથીઓ સાથે અહીં આવી રહ્યા હતાં.

કુમારની છાતી અક્કડ થઇ ગઇ. તેની આંખોમાં લોહી ઊતરી આવ્યું. શીના બોલી, ''ચાલ કુમાર... ચાલ અહીંથી...''
''શીલા , તું ગભરા નહીં... હું એક એકને જોઇ લઇશ...''

''નહીં કુમાર, તને મારા સોગંદ છે. અહીંથી ચાલ.'' શીલા  બોલી અને કુમારનો હાથ પકડીને દોડવા માંડી. કુમાર ખેંચાતો ગયો. તેણે પાછળ ફરીને જોયું પણ ખરું. પણ આજે તેનો મજબૂત હાથ શીલાનાં નાજુક હાથમાંથી બહાર નીકળી શક્યો નહીં.

કુમાર અને શીલા દોડતાં દોડતાં સ્ટેશન સુધી પહોંચી ગયાં. કુમારે પાછળ ફરીને જોવાનો પ્રયત્ન કર્યો પણ શીલા  તેને લઇને પ્લેટફોર્મ ઉપર પહોંચી ચૂકી હતી.

તે સમયે પ્લેટફોર્મ ઉપર ગાડી ઊભી હતી. તે કુમારનો હાથ પકડી તરત એક ડબ્બામાં ચઢી ગઇ અને એ જ સમયે ગાડી ચાલવા માંડી.

ગ્રીન સિગ્નલ હોવાથી  ગાડી પાટા ઉપર ઝડપથી દોડવા માંડી અને થોડીવારમાં શહેર પાછળ રહી ગયું. એક નવા જીવનની આશામાં તેઓ આગળ વધી ચૂક્યા હતાં.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments