Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાર્તા : ઘરમાં બેઘર

ચાની ચુસકીઓ લેતાં લેતાં તે વિચારતો તો : આટલો નિકટ હોવા છતાં કેટલા માઈલોનુ અંતર પડી ગયું છે અમારી વચ્ચે? આટલા દિવસો બાદ પાછો ફર્યો છું છતાં પલ્લવીના ચહેરા પર ખુશીની એક લહેરખી પણ વરતાતી નથી. પણ પછી એકાએક બીજો વિચાર  સ્ફૂર્યો   શું આ દૂરતા માટે કેવળ જ દોષિત છે? પતિ-પત્નીના સંબંધો મેં પણ ક્યારે પ્રામાણિકતાથી નિભાવ્યા છે?

'ઘેર જવું કે ન જવું?  અને ન જવું  બીજે ક્યાં જવું?  હરિશંકર ભારે મૂંઝવણ  અને કશ્મકશ અનુભવી રહ્યાં હતાં.

પ્લેટફોર્મ  પર ટ્રેન  આવતાંવેંત હરિશંકરના પૈયાના થડકારા વધી ગયા હોય એવું એમને  લાગવા માંડયું. તે પોતે જાણે કોઈ ભયંકર ગુનો કરીને ઘેર પાછી જઈ રહ્યા  હોય એવી ગિલ્ટ ફીલીંગ થવા લાગી. સામાનાં તેમની પાસે  માત્ર એક મોટી એટેચી હતી, જેમાં તેમનાં કપડાં અને બીજી ચીજવસ્તુઓ હતી.

રિટાયર્ડ  થયા બાદ તેમને પોતાની પત્ની અને બાળકો પાસે જવા સિવાય કોઈ વિકલ્પ સૂઝતો  નહોતો.  છતાં મનચકરાવે  ચડયું હતું. પરંતુ જે કોઈ વ્યક્તિ તેમને મળતી  તે એક જ પ્રશ્ન પૂછતી રહેતી કે ''હરિબાબુ, ઘર કબ જા રહે હો?'' એટલે છેવટે  તેમને ઘરે જે જવાનો નિર્ણય લેવો પડયો.

જો  કે આમ તો તેમની પાસે  ઘણો સરસામાન હતો. પરંતુ આટલા બધા સામાન સાથે  ઘરમાં પ્રવેશવાનું તેમને યોેગ્ય ન લાગ્યું.   તેમને  થયું કે જ્યારે પત્ની અને બાળકોએ ક્યારેય એનો કશો ઉપયોગ કર્યો નથી, તો પછી હવે  શું કરશે? આથી તેમણે કેટલોક સામાન તો વેચી માર્યો અને કેટલોક જરૃરિયાતવાળાઓને મફત આપી દીધો.

''કૂલી ચાહિયે, બાબુજી?'' એક કૂલીએ નજીક આવીને પૂછ્યું.

''નહીં, નિસાસો નાખતા હોય  એમ હરિશંકર બોલ્યા અને પછી સ્ટેશનની બહાર આવીને રિક્ષામાં બેસતાવેંત વિચારોમાં ખોવાઈ ગયા.

એકનું એક સંતાન હોવાને નાતે નાનપણથી જ તેમને મા-બાપનાં ભરપૂર લાડકોડ મળ્યાં હતાં.  ઉંમર વધતા મોજમસ્તીમાં  મશગૂલ રહેવાની ટેવ પડી ગઈ.  દોસ્તોના કાફલો પણ ખાસ્સો વધી  ગયો. ઘરમાં પગ ટકતાં જ નહોતા. જેમતેમ કરીને ગ્રેજ્યુએટ થયા, તો નોકરીની ચિંતા સતાવવા લાગી.  ઘણી રઝળપાટને અંતે એક નોકરી મળી તો ખરી, પણ એવી નહિં કે જેને  માટે ગર્વ અનુભવી શકાય.

નોકરીએ ચડતાંવેંત મા-બાપ ઘરમાં વહુ લાવવા માટે પાછળ પડી ગયાં. પરંતુ હરિશંકરને લગ્ન કરવાં નહોતા. કોઈક સ્ત્રી પત્નીના રૃપમાં તેમતની મુક્ત અને સ્વચ્છંદી જીવનશૈલી પર તરાપ મારે અને  તેમાં રોડારૃપ બને, એવું તે જરાય ઈચ્છતા નહોતા. છતાં મા-બાપના આગ્રહ સામે તેમનું કંઈ ન ચાલ્યું અને તેમણે 'પલ્લવી' સાથે પ્રભુતામાં  પગલાં માંડયા.

જો કે પલ્લવી પરંપરા ્ને આદર્શોથી ઓતપ્રોત એક શિક્ષક પિતાની પુત્રી હતી. તે સુંદર તો હતી જ, સાથે સુશીલ અને  સુશિક્ષિત  પણ હતી.

પરંતુ હરિશંકરને નોકરી બીજા શહેરમાં  મળી હોવાથી  લગ્ન થયાં છતાં તેમને પલ્લવી અને પોતાના તમામ યાર- દોસ્તોને છોડીને જવાનું તું. મા-બાપની ઈચ્છા હતી કે પત્નીને પણ સાથે લઈને જાય. પરંતુ તૈયાર નહોતા.  તેનો વિરોધ  સામે પલ્લવીએ મૌન સાધ્યું.  કશી રાવ - ફરિયાદ કર્યા વગર થોડાક  દિવસો બાદ તેણે એક હાઈસ્કૂલમાં  શિક્ષિકાની  નોકરી લઈ લીધી. પગાર પણ સારો હતો એટલે હવે તે વધુ સ્વતંત્ર  બની હતી.

પત્ની નોકરીએ લાગી જતાં હરિશંકર વધુ બિન્ધાસ્ત અને મનમોજી બની ગયો. ક્યારેક પૈસા મોકલે તો ક્યારેક કશુંય ન મોકલે. અલબત્ત, વરસે દહાડે બે-ત્રણવાર ઘેર જરૃર જઈ આવતો. જો કે એ દરમિયાન પણ ઝાઝો વખત તો ઘરની બહાર  જ વિતાવતો. તે બે પુત્રોનો પિતા બન્યો. એમનાં નામ પણ પલ્લવીએ જ રાખ્યાં. 

એકનું પરાગ અને બીજનું વિમલ. સાસુ- સસરા ગુજરી ગયા બાદ પલ્વવી પરાગ અને વિમલ સાથે એકલી રહેવા માંડી. છતાં હરિએ પત્ની અને બાળકો સાથે રાખવાનો આગ્રહ ન સેવ્યો અને  પલ્લવીએ પણ એ બદલ   પતિ  સામે કશી લાચારી ન બતાવી કે તેમને મેણાં-ટોણાં  ન માર્યા, હા, એટલું જરૃર કહ્યું કે તમારે હવે મને પૈસા મોકલવાની જરૃર નથી.  ત્યાર પછી તો હરિએ પુત્રોને મોટાં થયેલા જ જોયા, મોટા થતાં ન જોયા.

પલ્લવીનું  વર્તન પતિ સાથે કાયમ એક શાલીનતા - સૌમ્યતાની સીમામાં જ રહ્યું. પરંતુ  પરાગ અને વિમલ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ પિતા સાથેના તેમના વ્યવહારમાં  પરિવર્તન આવતું ગયું. આથી જ્યારે જ્યારે તે ઘરે આવતો ત્યારે  ત્યારે પુત્રો તેનીસાથે બહુ  હળતાભળતા નહોતા. બાપ-બેટાઓ  વચ્ચે કાયમ એક પ્રકારનું અંતર સદંતર રહેતું.

હવે બંને પુત્રો કમ્પ્યુટર એન્જિનિયર બની ગયા છે. પલ્લવીએ  વોલન્ટરી રિટાયરમેન્ટ લઈ લીધી છે. પરાગ અને વિમલે  સાથે મળીને એક ગગનચુંબી   એપાર્ટમેન્ટમાં ચાર રૃમનો ફ્લેટ ખરીદી લીધો છે. બંનેના લગ્ન પલ્વવીએ જાતે જ કન્યાઓ પસંદ કરાવી નાખ્યા હતાં. હરિશંકરને તો ફક્ત લગ્નની તારીખો જણાવી દીધી અને તે પણ એક અતિથિ વિશેષની  માફક  લગ્ન- સમારંભમાં સામેલ થયો હતો.

''આપકા ઘર આ ગયા સાહબ,'' રિક્ષાવાળાના આ શબ્દો સાંભળતાં  હરિશંકર વિચારતંદ્રામાંથી જાગ્યો.

''ગેટ પર હી રોક દિજિયે,'' કહેતાં રિક્ષાવાળાને પૈસા ચૂકવીને અંદર જતો રહ્યો. ગેટ પરના ચોકિયાતને   ફ્લેટ વિશે પૂછ્યુ.ં સિક્યુરિટી ગાર્ડે મુલાકાતીઓના રજિસ્ટરમાં નામઠામની જરૃરિ વિગતો લખાવીને  તેને ફ્લેટનું લોકેશન બતાવ્યું.

ફ્લેટ   પહેલાં માળે હતો. દરવાજા પાસે આવતાં જ તે ઘડીભર ઊભો રહી ગયો. તેને થયું.  આટલા દિવસો  બાદ આવી રહ્યો છું. પલ્લવી અને પુત્રો તથા પૂત્રવધૂઓ તરફથી કેવો રિસ્પોન્સ મળશે?  એમ  વિચારતાં તેણે  અનાયસે ડોરબેલ પર આંગળી મૂકી. દરવાજો  ખૂલ્યો અને  સામે જ તેને પલ્લવીનો ચહેરો દેખાયો.

''અરે? તમે  અને અત્યારે?''  પલ્લવી ચોંકી ઉઠતાં બોલી અને દરવજાથી સહેજ દૂર ખસી ગઈ. તે પેસેજમાં આવી  ગયો. પલ્લવી તેને ડ્રોઈંગરૃમમાં  લઈ ગઈ. એટેચી એક ખૂણામાં મૂકીને  તે સોફા પર બેસી ગયો.
'રિટાયર થઈ ગયા?'' આ પ્રશ્ન તો પલ્લવીએ સહજતાથી પૂછ્યો હતો. પરંતુ એને એમ લાગ્યું કે જાણે  પલ્લવી એમ કહી રહી છે કે છેવટે ઘેર પાછા ફરવું પડયું ને?

તેણે ગંભીર મોઢું રાખીને  જવાબ આપ્યો : 'હા'

''શું લેશો? ઠંડુ  કે ગરમ?''

આવો તદ્ન ફોર્મલ  પ્રશ્ન  સાંભળીને તેને થયું કે પોતે જાણે પોતાના  નહિ, પણ કોઈ બીજાના ઘરમાં ઘૂસી ગયો હતો. એક લાંબો શ્વાસ લેતાં તેણે કહ્યું : ચા પીશ.

થોડીવારે  પલ્લવી ચા લઈને બહાર આવી. તે ચા પીવા લાગ્યો. બંને વચ્ચે મૌનનો પડદો લહેરાતો રહ્યો.  કશુંક કહેવા- સાંભળવા જેવું બંને માટે કદાચ કંઈ બચ્યું જ નહોતું.

છેવટે  પલ્લવી એ પડદો ચીરતાં બોેલી : બાળકોની સ્કૂલબસ આવવાનો ટાઈમ થઈ ગયો છે. હું એમને લેવા જાઉં  છું.

''ઓ. કે.  તે હળવે સાદે બોલ્યો.

''તમારે સૂવું હોય તો મારો આ રૃમ ખાલી છે.'' પલ્લવીએ રૃમ તરફ ઈશારો  કર્યો.

પલ્લવી  નીકળી ગઈ. ચાની ચુસકીઓ લેતાં લેતાં તે વિચારતો તો : આટલો નિકટ હોવા છતાં કેટલા માઈલોનુ અંતર પડી ગયું છે અમારી વચ્ચે? આટલા દિવસો બાદ પાછો ફર્યો છું છતાં પલ્લવીના ચહેરા પર ખુશીની એક લહેરખી પણ વરતાતી નથી. પણ પછી એકાએક બીજો વિચાર  સ્ફૂર્યો :  શું આ દૂરતા માટે કેવળ જ દોષિત છે? પતિ-પત્નીના સંબંધો મેં પણ ક્યારે પ્રામાણિકતાથી નિભાવ્યા છે?

એવામાં પલ્લવી બાળકોને લઈને પાછી ફરી. હરિશંકરને  જોતાવેંત બાળકો હેબતાઈ ગયાં. પલ્લવીએ  હસતાં હસતાં કહ્યું, ''અરે, આ તમારા દાદાજી છે. તેમને પગે લાગો. ત્રણે પૌત્રોએ નીચે નમીને 'દાદાજી' ને ચરણ સ્પર્શ કર્યો.

''શાબાશ'' પલ્લવી ખુશ થતાં બોલી : હવે ફટાફટ ડ્રેસ બદલી નાખો. પછી હાથ-મોં સાફ કરીને જમી લો અને સૂઈ જાઓ.

બીજે દિવસે સવારે એ રૃમમાંથી બહાર ન નીકળ્યો. આમેય તે આ શહેર અને આ મકાનનો લોકો માટે એક આગતુંક હતો. પલ્લવી પણ તેના હાથમાં ચાનો પ્યાલો આપીને નીકળી ગઈ. તે ચાના ઘૂંટડા ગળી રહ્યો હતો એવામાં અચાનક તેની નજર રૃમની બહાર થઈ રહેલી હલચલ તરફ ગઈ.

''મને  દાદી ડ્રેસ પહેરાવશે.'' પરાગની ત્રણ વરસની દીકરી રંજનાએ બરાડો  પાડયો, ''દાદી જુઓ મમ્મી  મને મારે છે.''

''લીના, દીકરી પર હાથ નહિ ઉગામતી.'' પલ્લવી  આદેશ આપતી હોય એમ બોેલી  ઊઠી.

''હા મમ્મી.''

''તું ઓફિસે જવાની તૈયારી કર. એને મારી પાસે મોકલી  દે.''

એટલામાં  પાંચ વર્ષના ટીનુનો અવાજ સંભળાયો. હું દાદીના હાથે દૂધ પીશ.

ટીનુ વિમલનો  દીકરો હતો.

''કેમ? મારા હાથ ભાંગી ગયા છે?'' વિમલની પત્ની સરોજ બોલી :  પી લે બેટા, દાદી કેટકેટલા કામ કરશે?

''ના.'' ટીનુએ  મક્કતાથી જવાબ આપ્યો.

લીનાએ વિમલને કહ્યું, ''જુઓને. મને ઓફિસ જવામાં મોડું થાય છે અને આ છોકરો....''

વિમલે છાપામાંથી મોઢું બહાર કાઢ્યા વગર ઠંડે કલેજે કહ્યું, ''એમાં શું કામ ટેન્શનમાં  આવે છે? તું એને મમ્મી પાસે મોકલી દે.''

એવામાં  પરાગનો છ વરસનો દીકરો મિહિર દોડતો કિચનમાં જઈને બોલ્યો, ''જુઓ દાદી, હું તૈયાર થઈ ગયો.''

''વેરી ગુડ.'' પલ્લવી બોલી : હવે તું ઝટઝટ નાસ્તો કરી લે. રંજાન અને ટીનુ પણ તૈયાર થઈ ગયા છે.''
પછી તેણે પરાગને હાક મારી : પરાગ...

''શું  છે મમ્મી?''

''બાળકોને બસમાં ચઢાવી આવીશ, બેટા?

''મમ્મી, તુ દરેક કામ માટે મને જ કેમ બોલાવે છે? ક્યારેક વિમલને  પણ કહે ને. સવારથી છાપું જ વાંચ્યા કરે છે.''

''મારી સાથે  આવવા કોઈ તૈયાર નથી, ભાઈ''

''ટીનુ બેટા, આજે તમે દાદાજીની સાથે જાઓ.'' પલ્લવીએ તોડ કાઢ્યો.

''નહિ દાદી, તમે જ ચાલો, ''  ટીનુએ ખભા ઉલાળતાં કહ્યું.

''હજી એક કપ ચા પિવડાવો ને મમ્મી.'' વિમલે કહ્યું.

''ચા તૈયાર જ પડી છે. હું જાઉં છું બચ્ચાંઓને સ્કૂલબસમાં ચઢાવવા. જાતે જઈને પી લે અથવા સરોજ પાસે મંગાવી લે.''

હરિશંકરને ઘરની આ ચહેલ પહેલ ખૂબ ગમી ગઈ. હવે તેને અહેસાસ થયો કે ઘર-પરિવારથી દૂર રહીને, આત્મીયજનોથી વિખૂટા પડીને તેણે કેટલું બધું ગુમાવ્યું છે. જુવાની તો મોજમજામાં વીતી ગઈ. પરંતુ બુઢાપાના દિવસો કેમ વીતશે? ગૃહસ્થજીવનની આ ખોવાયેલી ખુશીઓને તે અત્યારે પણ હૈયાવગી કરવા માગતો હતો. પરંતુ તે કઈ રીતે પાછી મેળવવી એ તેને સમજાતું નહોતું. આ ઘરમાં તેને એવી કોઈ ખાલી જગ્યા દેખાતી નહોતી, જ્યાં તેના ખાલીપાને ખોડી શકે. નજર કરે ત્યાં ઠેર ઠેર અને બસ પલ્લવી જ દેખાતી હતી.

રવિવારનો દિવસ હતો. કોઈ હલચલ સંભળાતી નહોતી. પલ્લવી ઘસઘસાટ ઊંઘી રહી હતી. પરંતુ હરિશંકરની આંખોમાંથી નીંદર વેરણ થઈ ગઈ હતી. આઠ વાગતાં અવાજ સંભળાયો : મમ્મી.

''અંદર આવી જાઓ.'' પલ્લવી આળસ મરડતાં બોલી અને પલંગ પર બેઠી થઈ. સરોજ ચા લઈ આવી હતી. પલંગની બાજુમાં  રાખેલા ટેબલ પર ટ્રે મૂકતાં તેણે પૂછ્યું : આજે નાસ્તામાં શું બનાવીશું મમ્મી?

''બચ્ચાંઓને જે ભાવતું હોય તે બનાવી લે.''

સરોજ જતી રહી. એક કપ હરિશંકરના હાથમાં પકડાવીને પલ્લવી ચા પીવા માંડી. થોડીક વાર પછી તે ટ્રે લઈને નીકળી ગઈ.

હરિશંકરને અહીં આવ્યાને લગભગ એક અઠવાડિયું વીતી જવા છતાં પુત્રો સાથે, પુત્રવધૂઓ સાથે કે પૌત્ર-પૌત્રીઓ સાથે સુધ્ધાં તેની કશી જ વાતચીત થઈ નહોતી. પલ્લવી સાથે પણ કેવળ જરૃરત પૂરતી ફોર્મલ વાતો થઈ હતી.

બપોરે જ્યારે બધાં એકસાથે ડાઈનિંગ ટેબલ પર બેઠાં ત્યારે હરિશંકરે વાત છેડતાં કહ્યું, ''આપણું ખાનદાની મકાન ખાલી છે કે?''

''ના. એ તો ભાડે આપ્યું છે.'' પરાગે ખુલાસો કર્યો.

''એ ઘરમાં રહીને હું કશીક પ્રવૃત્તિ કરવા માગું છું.'' હરિશંકરે દબાતા સ્વરે કહ્યું.

''પણ તમારે કશું કરવાની જરૃરત શી છે?'' પરાગે પૂછ્યું.

''હાસ્તો. ઘરમાં ચાર જણની કમાણી તો આવે છે. અને જો તમને પૈસાની જરૃરત પડે, તો મમ્મી પાસેથી માગી લેજો.'' વિમલે પરાગને સમર્થન  આપતાં કહ્યું.

''છતાં તમારે કશુંક કરવું જ હોય, તો આ ઘરમાં જ કરોને.'' લીના વચમાં જ બોલી ઊઠી.

''આટલા દિવસો પછી તો અમારી પાસે આવ્યા છો અને એક અઠવાડિયામાં જ પાછા જવા માગો છો, પપ્પા? આવી ઉંમરે પણ પરિવાર છોડીને અલગ રહેવા કેમ માગો છો?'' સરોજે સહેજ અકળાતા સ્વરમાં કહ્યું.

''એમણે પરિવારનું બંધન જ ક્યારે રાખ્યું હતું કે હવે તે છોડી જવા માગે છે? એ તો કાયમ એકલા જ રહ્યા છે. હવે તેમને એકલા રહેવાની આદત પડી ગઈ છે.'' પલ્લવીનાં આ વેણ સાંભળીને હરિશંકર છોભીલા પડી ગયા અને ડાઈનિંગ ટેબલ પર સન્નાટો છવાઈ ગયો.

સાંપડતાં જ હરિશંકર શહેર તરફ નીકળી પડયાં. લગભગ રાત્રે દસેક વાગ્યે પાછા ફર્યા. પલ્લવી ડ્રોઈંગરૃમમાં એકલી બેઠી બેઠી એકલી રહેતી સ્ત્રીઓ વિશેની કોઈક ટી.વી.સિરિયલ જોઈ રહી હતી. ઘરનાં બધાં જ સૂઈ ગયાં હોવાથી સોપો પડી ગયો હતો. તેણે ઓવનમાં મૂકી રાખેલી એક ડિશ કાઢીને ડાઈનિંગ ટેબલ પર મૂકી દીધી અને ફરી ટી.વી. જોવામાં મશગૂલ બની ગઈ.

હરિશંકર જમવાનું પતાવીને પોતાના રૃમમાં ચાલ્યા ગયા. સિરિયલ પૂરી થયા બાદ પલ્લવી હરિશંકરના રૃમમાં આવી. હરિશંકર પલંગ પર પડયા પડયા એકીટશે છત તરફ જોઈ રહ્યા હતા.

''શું વિચારો છો?''

''એજ કે પરિવારમાં હવે મારે માટે કોઈ જગ્યા નથી. હું વહેલામાં વહેલી તકે અહીંથી ચાલ્યો જાઉં એ જ બહેતર રહેશે. તને શું લાગે છે?''

''તમારા કોઈ પણ નિર્ણયમાં પહેલાં પણ હું સામેલ નહોતી અને હવે પણ હું સામેલ નહીં થાઉં.'' પલ્લવીએ સુસ્ત સ્વરોમાં જવાબ આપ્યો.

''મેં તો એવું જ તારણ કાઢ્યું છે કે આ પરિવારને હવે 'હરિશંકર'ની કોઈ જરૃર નથી.''

''જ્યારે જરૃરત હતી ત્યારે પણ તમે ક્યાં હતાં?'' પલ્લવી ઊંચા અવાજે સહેજ આક્રોશપૂર્વક બોલવા માંડી, ''તમે તો એમ જ સમજતા હતા કે પુરુષને પોતાની મરજીથી જીવવાનો અને કંઈ પણ કરવાનો અધિકાર છે. બધાં બંધનો સમાજે કેવળ સ્ત્રી પર જ લાદ્યાં છે. મારી ગેરહાજરી તમને ભલે ક્યારેય નહિ સાલતી હોય, પરંતુ મારો અનુભવ તો ખૂબ જ કડવો રહ્યો છે. હું તો એક એવી સ્ત્રી છું, જે ન તો 'પરિણીતા' બની શકી કે ન તો 'પરિત્યક્તા'. તમારા જેવું વર્તન જો મેં કર્યું હોત, તો સમાજે મને 'કુલટા' કહીને કલંકિત કરી હોત...

''અગર કુટુંબનો દરેક સભ્ય મારી આસપાસ ફરતો હોય અથવા મારા ઉપર નિર્ભર હોય અને મને મહત્ત્વ આપી રહ્યો હોય, તો એમાં મારો શું વાંક? તેમની પ્રત્યેક ખુશી-નાખુશી, દુ:ખદર્દ અને અડચણ-અગવડમાં હંમેશાં મેં જ તેમને સાથ-સહકાર આપ્યો હતો તો પછી તેઓ તમને મહત્ત્વ શા માટે આપે? આટલા બધા દિવસો બાદ તમે આવ્યા છો અને ઈચ્છો છો કે એક જ દિવસમાં બધા તમારા અંકુશ હેઠળ આવી જાય? તમે કેમ નથી સમજતા કે દીકરી-વહુઓ અને પૌત્ર-પૌત્રીઓ માટે તમે માત્ર એક આગંતુક કે અજાણ્યા જણ જેવા છો. તમારી સાથે સંવાદ-સેતુ સાધવા માટે તેમને થોડાંક સમયની જરૃરત છે. તમારા વિશે મેં એમને એવું કશું નથી કહ્યું કે જેનાથી તેઓ તમારી નફરત કરે.'' આટલું બોલીને પલ્લવી પલંગ પર આડી પડી.

''લાંબા સમયગાળાને કારણે આપણા સંબંધોમાં એક લાંબી તિરાડ પડી ગઈ છે, પલ્લવી. તેને આસાનીથી સાંધી શકાય તેમ નથી. પણ તેને માટે હું જ જવાબદાર છું. તેં સાચું જ કહ્યું કે હું પુરુષના અહમથી ગ્રસ્ત છું અને તેથી જ ભયભીત છું. હું નથી ઈચ્છતો કે મારી હાજરીથી પરિવારની પ્રસન્નતા રોળાઈ કે છિનવાઈ જાય. મારું અહીંથી જતા રહેવું એ જ પરિવારના હિતમાં છે, પલ્લવી.''

પલ્લવીએ કશો જવાબ ન આપ્યો. માત્ર તેનાં નસકોરાંનો અવાજ સંભળાતો હતો. હરિશંકર પણ એક લાંબો શ્વાસ ખેંચીને પડખું ફેરવીને સૂઈ ગયા.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments