Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાર્તા-મુક્તિનું બંધન

સમીરને મળીને પુષ્પાને અહેસાસ થયો કે ત્રીસી વટાવ્યા છતાં પોતે સુંદર અને આકર્ષક હતી અને સમીર તેના તમામ અભરખાને બહેલાવી શકે તેવો હતો. પવન સાથે અનાયાસ વહી જતી ખુશબૂની માફક સમીરના ખેંચાણ સામે પુષ્પા વિવશ બની ગઈ હતી.

'હા સમીર... હું હમણાં જ આવું છું. તમે મારી રાહ જોજો.' આટલું કહીને પુષ્પાએ ફોન મૂક્યો ત્યાં જ તેને નીરવનો અવાજ સંભળાયો : 'કોની સાથે વાતો થઈ રહી છે? અને ક્યાં જવાની તૈયારી છે?' નીરવે પુષ્પાની પાસે બેસતાં પૂછ્યું.

'કંઈ નહિ. બસ મારી એક ખાસ ફ્રેન્ડને મળવા જવાનો પ્રોગ્રામ બનાવતી હતી.' પુષ્પાએ સહેજ સંકોચાતાં કહ્યું. નીરવે પુષ્પાની ઝુલ્ફો પસવારતાં કહ્યું, 'ગુડ... ગુડ. સહેલીઓને અવારનવાર મળતા રહેવું જોઈએ. તેનાથી સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે છે. અને તે સ્નેહભીના રહે છે.' પછી પુષ્પાનો હાથ પોતાની હથેળીમાં લેતાં બોલ્યો, 'હું ભલે કદાચ ક્યારેય તને કહી શકતો નથી કે હું તને કેટલો પ્રેમ કરું છું. પરંતુ હું જાણું છું કે તને ખબર છે કે તું જ મારી જીવનશક્તિ છો. મારું ઘર, મારો પરિવાર, મારું સાહસ-હિંમત બધાં તારાં ઋણી છે.'

પુષ્પાએ નજર નીચી કરીને પૂછ્યું, 'આજે આ બધું કહેવાની જરૃર કેમ પડી?' નીરવે તરત માથું હલાવતાં કહ્યું, 'બસ અમસ્તાં જ. મનમાં સ્ફૂર્યું અને કહી દીધું.'

નીરવે ઊભા થતાં કહ્યું, 'ચાલ. હું તને કોલેજ પાસે ડ્રોપ કરીશ અને પછી ઓફિસે પહોંચી જઈશ.'

કારમાં બેસતી વખતે પુષ્પા નીરવને નીરખતી રહી, અને તેનું મન પાંચ વરસ પહેલાંના ભૂતકાળમાં ખોવાયું.

શ્યામ રંગ, સામાન્ય કદ, ગાલમાં પડતાં ખંજન અને ભૂરી આંખો. લગ્નને પાંચ વરસ વીતી ગયા છતાં જાણે તે કોઈક અજનબી-અપરિચિત હોય એવો લાગતો હતો. પુષ્પા જેમ જેમ નીરવને નિકટતાથી ઓળખવા, તેની સાથે આત્મીયતા કેળવવાની કોશિશ કરતી હતી તેમ તેમ તે તેનાથી દૂર ને દૂર ચાલ્યો જતો. જ્યારે જ્યારે તેને એમ લાગતું કે હવે તે નીરવને પૂરેપૂરો ઓળખવા લાગી છે, ત્યારે ત્યારે નીરવની વર્તણૂક તેને એક આઘાત આપી જતી.

લગ્નની પ્રથમ રાત્રિએ જ્યારે પુષ્પા સજીધજીને થોડાક ફફડાટ સાથે પતિના પ્રથમ આલિંગનનો અધીરાઈથી ઇંતેજાર કરી રહી હતી ત્યારે શયનખંડમાં આવતાંવેંત નીરવે કહ્યું હતું, 'પુષ્પા, તું ઝટ ઝટ કપડાં બદલીને સૂઈ જા. બહુ થાકી ગઈ હોઈશ.' અને આ સાંભળતાં જ પુષ્પાના આવેશ પર જાણે હિમ પડયું હોય તેમ તે સ્તબ્ધ થઈ ગઈ હતી.

હિન્દી ફિલ્મોમાં અવારનવાર જોયેલાં સુહાગરાતનાં દ્રશ્યોની માફક તેણે કેટકેટલી કલ્પનાઓ કરી હતી, કેવાં કેવાં સપનાં ઉછેર્યાં હતાં! પણ નીરવે તેને કહી દીધું, 'પ્લીઝ ડોન્ટ મિસ-અન્ડરસ્ટેન્ડ મી, પુષ્પા! આપણાં લગ્ન એટલાં ઉતાવળે થઈ ગયાં કે તને જાણવા-સમજવાનો મોકો જ મને ન મળ્યો. એટલે જ હું ઇચ્છું છું કે પહેલાં આપણે એકમેકને સારી રીતે ઓળખી લઈએ, સમજી લઈએ અને પછી પતિપત્નીના સંબંધને ગાઢ બનાવીએ.'

પુષ્પાને નીરવની વાત સાવ નિરર્થક તો ન લાગી, પણ થોડીક નીરસ જરૃર લાગી હતી. લગ્નના આઠ મહિના પછી બન્નેએ સુહાગરાત મનાવી હતી.

'પુષ્પા... પુષ્પા... અરે! ક્યાં ખોવાઈ ગઈ? તારી કોલેજ આવી ગઈ!' નીરવે તેને હલાવી કે તરત અતીતના ઘેરામાંથી નીકળીને પુષ્પા કારમાંથી ઊતરી ગઈ.

કોલેજમાં પ્રવેશતાં જ તેની સહેલી પ્રોફેસર દક્ષાએ તેને અટકાવતાં પૂછ્યું, 'આજે સમીરજી સાથે નથી આવ્યા?'

'હા... આજે અમારે જવાનું છે.'

પુષ્પાનો જવાબ સાંભળતાં દક્ષા એને એકીટશે જોતી જ રહી. 'પુષ્પા, શું કહે છે? શું તેં નીરવને છોડી દેવાનું નક્કી જ કરી લીધું છે?'

'હા... અને મને ખાતરી છે કે એનાથી નીરવને કશો ફરક નહિ પડે.'

'પુષ્પા... તું કદાચ આજ સુધી નીરવને સમજી નથી શકી. અરે! આટલો સીધો-સરળ પતિ મળે એ મોટું સદ્ભાગ્ય કહેવાય. અને તું એને ઠુકરાવીને જઈ રહી છે?'

પુષ્પાના મનની ભીતર રહીરહીને દક્ષાની આ વાત ઘૂંટાયા કરતી હતી: શું ખરેખર હું આજદિન સુધી નીરવને સમજી નથી શકી? પરંતુ એક આદર્શ પત્ની બનવા મેં તો પૂરેપૂરી કોશિશ કરી હતી. નીરવની પ્રકૃતિ જ કંઈક અલગ હતી. તે પુષ્પાને પોતાની મિત્ર માનતો અને પોતાની સ્વતંત્રતાને અકબંધ રાખવાની સાથે પુષ્પાને પણ મુક્તિ આપવા માગતો હતો.

પરંતુ પુષ્પાના સંસ્કારોને નીરવનો એ મિજાજ જ ખટકતો હતો. તે એક એવા પરિવારમાંથી આવી હતી, જ્યાં પતિને 'પરમેશ્વર'નો દરજ્જો અપાતો હતો. પતિની પ્રત્યેક વાત કશી પ્રતિક્રિયા વગર માનવામાં આવતી. પુષ્પાને પણ એવો પતિ જોઈતો હતો, જે તેને વાતવાતમાં રોક-ટોક કરે, તેનાં નખરાં પોષે, તેની સાથે વાદવિવાદ કરે... પણ નીરવ અલગ માટીનો હતો.

જોકે નીરવને પુષ્પાની જરૃરતોની પરવા નહોતી અથવા તેના પ્રત્યે પ્રેમ નહોતો એવું નહોતું. છતાં કશુંક એવું હતું જે સતત પુષ્પાને ખટકતું રહેતું. પુષ્પાને યાદ આવ્યું કે નીરવ જ્યારે પોતાના બિઝનેસમાં ગળાડૂબ રહેતો અને તેને પૂરતો સમય ફાળવી નહોતો શકતો ત્યારે સામે ચાલીને તેણે પુષ્પાને કહ્યું હતું કે 'પુષ્પા, તું કોઈક નોકરી ગોતી લે. તેનાથી તારા ભણતરનો સદુપયોગ થશે અને તારું મન પણ પરોવાયેલું રહેશે.' પુષ્પા ફરી ચોંકી ઊઠી હતી. ખેર, પુષ્પાએ નોકરી શોધી જ લીધી હતી.

'મેડમ... મેડમ... તમારો ફોન છે.'

સમીરનો ફોન હશે એમ માની પુષ્પાએ ફોન ઉપાડયો, તો સામેથી નીરવનો અવાજ સાંભળીને ફરી ચોંકી ઊઠી. 'પુષ્પા, આર યુ ઓ. કે.?' 'યસ... આઈ એમ ક્વાઈટ ઓ. કે... કેમ એવું પૂછો છો?'

'કોણ જાણે. આજે મનમાં ગભરાટ અનુભવું છું. મને લાગ્યું કે તું પરેશાન હોઈશ. ખેર, તું આજે જલદી ઘરે પાછી ફરજે. હું પણ પહોંચી જવાનો પ્રયાસ કરીશ.'

પુષ્પા વિચારવા લાગી: તમને વળી મારી પરેશાનીનો અહેસાસ ક્યારથી થવા લાગ્યો નીરવ? શું હજી મારા મનના તાર તમારા મન સાથે જોડાયેલા છે?

પુષ્પાએ જેવો ફોન મૂક્યો કે તરત ફોનની ઘંટડી ફરી રણકી. 'હેલ્લો પુષ્પા, હું સમીર બોલું છું. તું પાંચ વાગ્યા સુધીમાં એરપોર્ટ પહોંચી જજે. હું તને ત્યાં જ મળીશ. પુષ્પાએ પૂછ્યું, 'તું ક્યાં છે? ઘરે...'

'ઓકે, તો હું ચાર વાગ્યા સુધીમાં તારા ઘરે જ આવી જઈશ. ત્યાંથી આપણે સાથે જઈશું.' આટલું કહીને પુષ્પાએ ફોન મૂકી દીધો.

સમીર સાથેની ઓળખાણને માંડ એક વરસ થયું હતું. તેની જ કોલેજમાં તે અંગ્રેજીનો પ્રોફેસર હતો. ગોરો વાન, મોહક વ્યક્તિત્વ, આંખે ચશ્માં અને જીભ પર કાયમ અંગ્રેજ કવિઓ શેલી, કીટ્સ અને વર્ડઝવર્થની રોમેન્ટિક કવિતાઓ. આ જ સમીરની ઓળખ. પહેલી મુલાકાતમાં જ સમીરની આંખોમાં પુષ્પાને પોતાના માટેના ખાસ ભાવ દેખાયા હતા.

સમીરને મળીને પુષ્પાને અહેસાસ થયો કે ત્રીસી વટાવ્યા છતાં પોતે સુંદર અને આકર્ષક હતી અને સમીર તેના તમામ અભરખાને બહેલાવી શકે તેવો હતો. પવન સાથે અનાયાસ વહી જતી ખુશબૂની માફક સમીરના ખેંચાણ સામે પુષ્પા વિવશ બની ગઈ હતી.

એક વાર પુષ્પાને ઘર સુધી મૂકવા સમીર આવ્યો ત્યારે નીરવ સાથે તેની મુલાકાત થઈ હતી. પુષ્પાને લાગ્યું હતું કે કદાચ નીરવને જલન થશે અને તે કંઈક કહેશે. પરંતુ નીરવ કશું જ ન બોલ્યો ત્યારે પુષ્પા અવાક્ રહી ગઈ. તેને થયું : આ તે માણસ છે કે કોઈ દેવતા છે! હંમેશા સંયમિત, સંતુલિત અને સૌજન્યશીલ! નીરવનાં બાવડાં ઝાલીને તેને કહેવાનું મન થઈ આવતું કે મને પતિસ્વરૃપે એક સામાન્ય માણસ જોઈતો હતો, કોઈ દેવતા નહિ. બૂરા માણસોને તો એક વાર સાંખી શકાય. પરંતુ દેવતાઈ પુરુષોનું દેવત્વ ક્યારેક ભસ્મીભૂત કરી મૂકે છે.

અને આ ઘટના બાદ કોણ જાણે કેવી અમૂંઝવણ કે અજંપાવશ પુષ્પા સમીર તરફ વધુ ને વધુ ઢળતી ગઈ. કલાકો સુધી બાગબગીચામાં સમીરની બાંહોમાં પડયા રહેવું અને અવારનવાર રેસ્ટોરાંમાં સાથે ભોજન લેવું એ પુષ્પાની દિનચર્યા બની ગઈ હતી.

અને એવા જ એક દિવસે જ્યારે બન્ને કોઈક હોટેલમાં કોફી પી રહ્યાં હતાં એવામાં અચાનક કોઈકની સાથે નીરવ આવી ચડયો. સમીર એને જોતાં છોભીલો પડી ગયો. નીરવે બન્નેની પાસે આવીને કહ્યું, 'શું એકલાં એકલાં કોફી પિવાઈ રહી છે?' સમીરે વિવેક કરતાં કહ્યું, 'આવો આવો. બેસો ને.'

નીરવે હસતાં હસતાં કહ્યું, 'નો, થેન્કસ. હું અમસ્તી મજાક કરતો હતો. હું રોકાઈ નહિ શકું. જરા ઉતાવળમાં છું.' એટલું બોલીને નીરવ તો નીકળી ગયો.

સમીરે હાશકારો અનુભવતાં કહ્યું, 'આજે તો તારી ખેર નથી, પુષ્પા.' પુષ્પાએ કટાક્ષમાં હોઠ મચકોડતાં કહ્યું, 'નીરવ મને કાંઈ જ નહિ કહે. એને આ બધાથી કશો ફરક પડતો નથી.'

સમીરે અચરજ પામતાં કહ્યું, 'નીરવની જગ્યાએ હું હોત તો આખું ઘર માથે લેત. મારી પત્ની બીજા કોઈ પુરુષ સાથે હરે ફરે એ હું ક્યારેય સહન ન કરી શકું.'

પુષ્પાએ સ્મિત વેરતાં કહ્યું, 'કદાચ એટલે જ હું તમારી સાથે છું. તમને ખબર છે સમીર, તમે એ બધું જ છો જે નીરવ નથી. તમે સારા પણ છો અને ખરાબ પણ, પરંતુ નીરવ માત્ર અને માત્ર સારો અને પરફેક્ટ છેઅને એનું આ પરફેકશન મારાથી ખમાતું નથી.' પછી તો પુષ્પા અને સમીર એકમેકની એટલી નિકટ આવી ગયાં કે જ્યારે સમીરે પુષ્પાને કહ્યું કે, 'છોડી દે નીરવને. ચાલ, આપણે શહેર છોડી ક્યાંક દૂર ચાલ્યાં જઈએ અને લગ્ન કરી લઈએ' ત્યારે પુષ્પા ઇન્કાર ન કરી શકી. અને આજે જ્યારે એ ઘડી નજીક આવી ગઈ, ત્યારે પુષ્પા અતીતના ખયાલોમાં ખોવાઈ ગઈ હતી. ઘડિયાળમાં જોયું તો સાડા ત્રણ થઈ ગયા હતા. તે સમીરના ઘર તરફ ચાલવા લાગી.

એનાં ડગલાં સમીરના ઘર ભણી ધસી રહ્યાં હતાં, પરંતુ હૈયામાં માત્ર નીરવ ઘેરાઈ ગયો હતો. તે વિચારતી હતી: નીરવને આ હકીકતની જાણ થશે ત્યારે તેની શું હાલત થશે? શું તે આ આઘાત ખમી શકશે? આમાં પણ શું તે પોતાની જ ભૂલ શોધશે? હું તો કાયમ એનાથી દૂર જવા માગતી હતી. છતાં આજે એનાથી દૂર જતાં મારું મન કેમ એના તરફ ખેંચાઈ રહ્યું છે? તો શું હું સમીરને પ્રેમ નથી કરતી?...' પુષ્પા કોણ જાણે કેટલો સમય આવા સવાલો વચ્ચે ફંગોળાતી રહેત, પણ અચાનક ટેક્સીચાલકે તેને ઉતરવા કહ્યું અને તેની તંદ્રા તૂટી.

તે સમીરને મળી. સમીરે તેને બાંહોંમાં જકડતાં કહ્યું, 'ખૂબ મોડું કર્યું, પુષ્પા. હવે જલદી કર. એરપોર્ટ ખાસું દૂર છે.' પુષ્પા બાહુપાશ છોડાવતાં બોલી, 'હું તમારી સાથે નહિ આવી શકું.'

સમીર આભો બની ગયો: 'શું થયું? શું તું મને પ્રેમ નથી કરતી?'

પુષ્પાએ ફિક્કું સ્મિત વેરતાં કહ્યું, 'પ્રેમ... ખબર નથી... પહેલાં પણ કરતી હતી કે નહિ... કદાચ નીરવના અહમ્ને ઠેસ પહોંચાડવા, એની લાગણીઓને આઘાત આપવા હું મારી સીમા ઓળંગી રહી હતી, પરંતુ આજે જ્યારે ખરેખર જવાની પળ આવી પહોંચી છે ત્યારે એમ લાગે છે કે નીરવે મને જડમૂળથી જકડી રાખી હતી, જેને પ્રતાપે જ મારી ડાળીઓ સમીરને સ્પર્શી શકી, એને પ્રેમ કરી શકી અને પછી મારામાં એવો ઘમંડ આવી ગયો કે, હવે હું મૂળિયાં વગર પણ જીવી શકું છું, પરંતુ આજે એ જડમૂળને ઉખેડવાનો સમય આવ્યો ત્યારે મને અહેસાસ થયો કે મને ફૂટેલી ડાળીઓ એ મજબૂત મૂળિયાને જ આભારી છે. એના વગર મારી હયાતી નામશેષ થઈ જશે. મને માફ કરજો સમીર.. હું મારા મૂળિયારૃપી નીરવથી વિખૂટી નહિ પડી શકું. હું તમારો પણ આભાર માનું છું, કેમ કે તમારે કારણે જ હું નીરવને નિકટથી ઓળખી શકી, એનાં અંતરંગ મિજાજને પારખી શકી. ગુડ બાય, સમીર!'

પુષ્પા ઘરે પાછી ફરીને જેવી અંદર પ્રવેશી તો આખો ખંડ, રજનીગંધા અને ગુલાબનાં ફૂલોથી સજાવેલો હતો અને નીરવ બેચેનીથી આંટા મારતો હતો.

પુષ્પાને જોતાં જ નીરવે હરખભેર તેને બાહુુપાશમાં જકડી લીધી. નીરવનો આ ઉમળકો પુષ્પા માટે સાવ અણધાર્યો અને નર્યા અચરજસમો હતો. પુષ્પાના ગાલ, કપાળ, આંખો અને હોઠો પર ચુંબનો વરસાવતાં નીરવ બોલ્યો, 'મને ખાતરી હતી કે તું જરૃર પાછી આવીશ, પુષ્પા! તું મને આમ રઝળતો મૂકીને કદાપિ જઈ ન શકત.'

પુષ્પા હેબતાઈ ગઈ, 'તો શું તમે... તમે આ બધું જાણતા હતા?' પુષ્પાએ ફફડાતાં પૂછ્યું.

'હા... આજે સવારે મેં તમારી બધી વાતો સાંભળી લીધી હતી.' પુષ્પાની આંખોમાંથી આંસુ સરવા લાગ્યાં. તેણે નીરવનો હાથ પકડતાં પૂછ્યું, 'તો તમે મને રોકી કેમ નહિ? શું મારી પર તમને આટલો પણ અધિકાર નથી?'

નીરવે બેઉ હાથ વચ્ચે પુષ્પાનો ચહેરો દબાવતાં કહ્યું, 'રોકવાનંુ મન તો થઈ આવ્યું હતું, પણ પછી લાગ્યું કે જો તારે જવું જ હોય, તો પછી તને રોકવાનો શો અર્થ? અને હું તને ખુશ જોવા માગતો હતો.

ગમે તે રીતે અને ગમે તેની સાથે, પણ સાચું કહું પુષ્પા? હું ડરી તો ગયો હતો. કદાચ તું ખરેખર ચાલી જાત તો મારું શું થાત? પણ હવે... હું મારી જાતને બદલવાની કોશિશ કરીશ. 'તને' ગમે એ રીતે તને ખુશ રાખવાની.'

પુષ્પાએ ઉમળકાભેર નીરવનું માથું ચૂમતાં કહ્યું, 'ના. તમારે બદલાવાની જરૃર નથી. તમે જેવા છો એ રીતે જ મને સ્વીકારો, નિખાલસ અને બાળકની જેમ. ભૂલ તો મારી હતી કે હું તમને સમજી ન શકી. પ્લીઝ મને માફ...' પુષ્પા આગળ કશું બોલે તે પહેલાં જ નીરવે તેના હોઠ પર પોતાના હોઠ જડી દીધા.
-અનામિકા


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments