Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નાનો પણ તલનો દાણો મબલખ સત્વનો ખજાનો

મકરસંક્રાતિના ટાણે જ વધુ યાદ આવતા તલનો મહિમા અનેરો છે. તલની ચીક્કી ખાવાથી જે લહેજત આવે અને જે સત્વ  શરીરને મળે તેનું મૂલ્ય પણ અનેરું છે. ટૂંકમાં તલ બહુ મહત્ત્વની ચીજ છે. કોઈ કામમાં મહેનત કરવા છતાં કામ પાર પડે એમ ન હોય તો આપણા સમાજમાં એક કહેવત છે કે 'આ તલમાંથી તેલ નીકળે એમ નથી.' જૂના જમાનાના વડીલો તો દરેક કામમાં સલાહ આપતા હતા કે 'શરૃ કરતાં પહેલાં જોઈ લો કે તલમાં કેટલું તેલ છે!''

આજના જમાનાના શહેરમાં રહેતા બાળકોમાંથી ઘણાએ તલ નહિ જોયા હોય. બાકી જૂના જમાનાના લોકોએ તો તલ જોયા જ હશે, કારણ કે એ જમાનામાં ઘેરઘેર તલ ભરી રાખવાનો રિવાજ હતો. રોજ સવારે તલનો મૂઠો ભરીને ચાવી ખાવાનો રિવાજ હતો. ગામડામાં આજે પણ ઘેર-ઘેર તલ જોવા મળે છે. તલનો આકાર પાણીનું ટીપું પડતું હોય એવો હોય છે. તલના દાણા સાવ નાના અને ચપટા હોય છે.

આપણે ત્યાં કોઈના ચહેરા પર અથવા શરીરની ચામડી પર ગમે ત્યાં કાળો ટપકાં જેવો ડાઘ પડી જાય તો એને પણ તલ કહેવાય છે. સુંદરતાની નિશાની ગણાય છે.

'તલ' એ શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યપ્રદ આરોગ્ય બક્ષનારાં રસાયન સમાન છે. ઉત્તરાયણના પર્વે પ્રાંતે-પ્રાંતે તલની વિવિધ વાનગીઓ બનાવાય છે. વૈદિક યુગના આરંભથી આધુનિક યુગ સુધી તલની વિવિધ વાનગીઓ બનતી રહી છે. વૈદિક યુગમાં તલનું જેટલું મહત્ત્વ હતું  એટલું  આધુનિક યુગમાં   રહ્યું નથી. કદાચ તલનું મહત્ત્વ આપણે જાણતાં નથી. વેદિક યુગમાં તલનો યજ્ઞામાં હ્તદ્રવ્ય તરીકે પણ ઉપયોગ થતો હતો.

તલ અને ગોળ તો પરાપૂર્વના સમયથી ખવાતા હતાં. તલ અને ગોળ ખાવાથી ઊંચાઈ વધે છે તેમ વૈદરાજો પણ બતાવે છે. આજે પરંપરાગત શૈલીથી તલનું મહત્ત્વ છે. તેથી તલનું દાન પણ આપવામાં આવતું જે અત્યંત ઉત્તમ ગણાતું.

અસલી તલ તેલીબિયાં ગણાય છે. એટલે કે એવા બિયા કે જેમાંથી તેલ નીકળી શકે. તલના દરેક દાણામાં ભરપૂર તેલ હોય છે. તલ ત્રણ જાતના આવે છે, સફેદ તલ, લાલ તલ અને કાળા તલ! એમાંથી કાળા રંગના તલ સહુથી સારા અને સહુથી વધારે ફાયદાકારક ગણાય છે. અને લાલ રંગના તલ સહુથી ઓછો ફાયદો આપે છે. એ ભાગ્યે જ ખાવામાં વપરાય છે.

તલની ખેતી આપણા દેશમાં સેંકડો વર્ષથી થાય છે. વેદ અને પુરાણોમાં પણ તલનો ઉલ્લેખ છે. યજ્ઞામાં પણ તલ હોમવામાં આવતા હતા. કહે છે કે આપણા દેશમાં જૂનામાં જૂની ખેતી તલની થતી હતી. નિષ્ણાતો માને છે કે તલનું મૂળ વતન આફ્રિકા છે. ત્યાંથી વેપારીઓ અને સૈનિકો સાથે તલના બી દેશ-પરદેશ પહોંચ્યાં છે.

એટલે જ આર્યોના જમાનાના વેદ-પુરાણોમાં તલની વાત લખાઈ છે. સંસ્કૃત ભાષામાં તલને તિલ કહે છે. હિન્દી, મરાઠી અને બંગાળી ભાષામાં પણ એને તિલ કહે છે. તેલુગુ ભાષામાં નુબુલ્લુ કહેવાય છે. ફારસી ભાષામાં તલને કુન્જદ કહેવાય છે, જ્યારે અંગ્રેજી ભાષામાં તલને સિસેમ કહે છે. તલનું લેટિન ભાષાનું વૈજ્ઞાાનિક નામ સિસેમ ઇન્ડિકમ છે.

તલની ખેતી સૂકા અને ગરમ હવામાનવાળા બધા વિસ્તારોમાં થાય છે. આફ્રિકા, ઇજિપ્ત, સુદાન, ગ્રીસ, જાપાન, રશિયા, બ્રહ્મદેશ, ચીનમાં પણ તલની ખેતી થાય છે. પણ તલની ખેતીમાં આપણા દેશનો નંબર સૌથી પહેલો છે. આપણા દેશમાં લગભગ દરેક રાજ્યમાં તલ થાય છે. એમાં આપણા ગુજરાત રાજ્યમાં બનારસકાંઠા, ખેડા, મહેસાણા, સાબરકાંઠા અમરેલી, ભાવનગર, જામનગર અને સુરેન્દ્ર નગર જિલ્લાઓમાં તલની ખેતી વધારે થાય છે. તલનો જે લખલૂટ પાક ઉતરે છે એમાંથી મોટા ભાગના તલ તેલ કાઢવા માટે વપરાઈ જાય છે.

ગુજરાતના તલમાં કેટલું તેલ છે એ જાણવું હોય તો એમ કહી શકાય કે ગુજરાતના તલમાંથી લગભગ પાંત્રીસ હજાર ટન તેલ નીકળે છે. તલના છોડ ત્રણ ફૂટ ઊંચા થાય છે. એની ડાળી લીલી અને લીસી હોય છે. પાંચ ગાંઠ સુધી તલનો છોડ સીધો ઊગે છે. ત્યાર પછી એની ડાળીઓ ફૂટે છે. તલના છોડ આઠ-દસ ઈંચના થાય ત્યારે એના પાંદડાં તોડીને એની ભાજી રાંધવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

તલના છોડ વાવ્યા પછી લગભગ બે મહિને છોડ પર સરસ મઝાના પીળા ફૂલ આવે છે. ફૂલ આવ્યા પછી દોઢ મહિને તલની ફળીઓ પાકીને તૈયાર થાય છે. તલની ફળીને ખેડૂતો 'બેઠા' કહે છે. છોડ પર ફૂલ આવવાના બંધ થઈ ગયા હોય અને 'બેઠા' પીળા પડવા લાગ્યા હોય ત્યારે ખેડૂતો તલના છોડ કાપી લે છે.  એની નાનીનાની ઝૂડી બનાવીને એને ઊભી રાખીને ઢગલો બનાવે છે.  આવી ઝૂડીઓ ઊભી રાખીને બનાવેલા ઢગલાને ઊભડા કહે છે. આ ઊભડા બને ત્યારે શિયાળો બેસી ગયો હોય છે. એટલે શિયાળાના તડકા તથા ઠંડી હવાથી તલની બેઠા કહેવાતી ફળી સુકાઈ જાય છે.

તલના 'બેઠા' સુકાઈ જાય ત્યારે એના પડ જોરથી તડાક કરતાં ફાટે છે. અને તલના દાણા ચારે બાજુ વેરાઈ જાય છે. છેલ્લે ખેડૂતો જમીન પરથી તલના દાણા એકઠાં કરી લે છે.

તલના દાણા થોડાક દિવસ તડકે રાખ્યા પછી ભેગા કરીને કોઠીમાં ભરી લેવામાં આવે છે. મોટા ભાગના તલ ધાણીમાં પીલીને તેલ કાઢવામાં વપરાય છે. તેલ કાઢ્યા પછી જે કૂચ્ચા બચે એને ખોળ કહે છે. ખોળ ગાય, ભેંસ અથવા બકરીને ખવડાવવામાં આવે તો એ વધારે દૂધ આપે છે.

આજે શહેરના લોકો શિયાળામાં તલનું કચરિયું હોંશથી ખાય છે. એ અડધા પીલાયેલા તલનો ખોળ જ હોય છે. એમાં ગોળ, કોપરું વગેરે નાખીને કચરિયું બનાવાય છે. તલનું તેલ આજે ખૂબ ઓછા માણસો ખાય છે, પણ જૂના જમાનાના વડીલો તલનું તેલ જ રાંધવામાં વાપરતા હતા. તલનું તેલ બાકીના બધા તેલ કરતાં સારામાં સારું ગણાય છે. વૈદો અને વડીલો કહે છે કે તલનું તેલ ખાવામાં અને શરીરે લગાવવામાં વપરાય તો તંદુરસ્તી સુધરે છે. ચામડી તાજી થઈ જાય છે.

પિતૃઓનું તર્પણ, યજ્ઞા તથા હવન અને ગણેશજીના   પૂજન જેવા ખાસ  ધાર્મિક કામોમાં પણ તલ અચૂક જોઈએ છે. રોજ સવારે ઊઠીને  બ્રશ કર્યા વગર મૂઠી ભરીને તલ મોમાં મૂકીને ધીમે ધીમે ચાવો અને આખરે ખાઈ જાવ તો દાંત સરસ ચોખ્ખા થઈ જાય છે. ચમકી ઊઠે છે અને મજબૂત બને છે. જમ્યા પછી મુખવાસ તરીકે પણ મૂઠી ભરીને તલ ચાવી-ચાવીને ખાવાથી દાંત મજબૂત બને છે. તથા ખોરાકનું પાચન પણ સારું થાય છે.

તલના તેલની ખાસ ખૂબી એ છે કે તેલ લાંબા સમય સુધી ખોરું પડતું નથી. એમાં વિટામીન પણ લાંબા સમય સુધી સચવાયેલા રહે છે. એટલે અથાણા બનાવવામાં તલનું તેલ વપરાય છે. સાબુ, અત્તર, અને સેન્ટ બનાવવામાં તલનું તેલ વપરાય છે.

સફેદ તલ પીલવા માટે વપરાય છે તથા તલસાંકળી લાડુ વગેરે બનાવવામાં વપરાય છે. જ્યારે લાલ તલ સહુથી ઓછો ફાયદો કરનાર ગણાય છે. એનો વપરાશ ખાસ થતો નથી. લાલ તલને જંગલી તલ પણ કહે છે. કારણ કે એની ખેતી થતી નથી. કાળા તલ ધાર્મિક કામોમાં અને દવાઓ બનાવવામાં વપરાય છે.

તલના દાણામાં કેલ્શિયમ ભરપૂર હોય છે. વૈજ્ઞાાનિક રીતે જોઈએ તો એક સો ગ્રામ કાળા તલમાં દોઢ ગ્રામ કેલ્શિયમ હોય છે. દસ મિલિગ્રામ લોહ તત્ત્વ હોય છે. અઢાર ગ્રામ પ્રોટીન હોય છે તથા પચ્ચીસ ગ્રામ ચરબી કે ચિકાશ હોય છે. આ ચારેય ચીજો શરીરને ફાયદો કરે છે. 

આપણા શરીરમાં તેલની ચિકાશ હોય તો ચામડી કોરી પડીને સુકાઈ જતી નથી. તરડાઈ જતી નથી. ફાટી જતી નથી. એટલે શિયાળામાં તલના તેલની માલિશ કરવાનો રિવાજ છે. ઘણા લોકો તલ વાટીને એનો લેપ આખા શરીરે લગાવે છે. આખા શરીરે તલના તેલની માલિશ કરવાથી શરીરમાં ભરાયેલા વાયુ અને પિત્ત છુટા થાય છે.

તલ અને જૂનો ગોળ ભેગા કરીને એના લાડુ બનાવીને રોજેરોજ ખાવાથી વધારે પડતો પેશાબ થવાની બીમારી મટી જાય છે. જો મોટું બાળક રાત્રે પથારી ભીની કરી દેતું હોય તો કાળા તલ અને ગોળના દસ દસ ગ્રામના લાડવાને સવાર-સાંજ એક એક લાડુ ખવડાવવામાં આવે છે. દોઢ-બે મહિના સુધી આ રીતે નિયમિત લાડુ ખવડાવવાથી બાળક ઊંઘમાં પેશાબ કરતું નથી.

આયુર્વેદના જાણકારો કહે છે કે કબજિયાત હોય અથવા હરસ, મસા થયા હોય તો મરી-મસાલા અને તળેલી ચીજો, ગરમ ચીજો ખાવાનું બંધ કર્યા પછી તલનો ઇલાજ કરી શકાય. એક ચમચો કાળા તલ પલાળીને વાટયા પછી માખણમાં મેળવીને રોજ સવારે ચાટી લેવા જોઈએ. એનાથી ધીમે ધીમે એસીડીટી કબજિયાત તથા હરસ-મસા મટી જાય છે. ઘણા લોકો કાળા તલ વાટીને માખણને બદલે થોડા દહીમાં મેળવીને ચાટી લે છે. એમાં પણ આરામ થાય છે.

વાળ સફેદ થવા લાગ્યા હોય તો એના માટે પણ કાળા તલ ખવડાવવામાં આવે છે. આયુર્વેદ કહે છે કે બસો ગ્રામ કાળા તલ, બસો ગ્રામ ભૃંગરાજ અને બસો ગ્રામ આમાળા. આ ત્રણેને વાટીને ગરણીમાં ગાળીને ઝીણો પાઉડર બનાવી લો. આ પાઉડર રોજ સવારે પણી સાથે એક-એક ચમચી લેવાથી વાળ સફેદ થતા અટકી જાય છે. આ ચૂર્ણમાં બસો ગ્રામ સાકર વાટીને મેળવી લેવાય અને પછી એ ભૂકી રોજ એક ચમચીના હિસાબે એક વર્ષ ખાવામાં આવે તો શરીરની તંદુરસ્તી અને રૃપરંગ લાજવાબ બની જાય છે.

એ જ રીતે એક સો ગ્રામ કાળા તલ અને એકસો ગ્રામ તજ લઈ બન્નેને દળીને એનો ભૂકો બનાવી લેવાય તો એ શક્તિ આપનાર ટોનિકની ગરજ સારે છે. આ ભૂકો રોજેરોજ એક એક ચમચી ખાતા રહેવાથી શરીરમાં શક્તિ આવે છે. ઉત્સાહ આવે છે.

ગર્ભવતી સ્ત્રીને તથા ધાવણા બાળકવાળી સ્ત્રીને નિયમિત રીતે તલ ચાવવા આપવાથી એને દૂધ વધારે આવે છે. એટલે બાળકને ભરપેટ દૂધ પીવડાવી શકે છે. આપણા સમાજમાં તલના આ ફાયદા જોયા પછી જ તલના લાડુ, તલ સાંકળી, તલની રેવડી વગેરે વાનગીઓ અવારનવાર ખાવાનો રિવાજ પડયા છે.

તલની કોઈ વાનગી બનાવ્યા વગર એને મુખવાસ તરીકે ભુકડો મારીને ખાવામાંય વાંધો નથી આવતો, કારણ કે તલનો સ્વાદ તીખો, કડવો, તૂરો અને મીઠો એમ ભેળસેળિયો હોવાથી ચાવીને ખાવાની મઝા આવે છે. તલ બારે મહિના કરિયણાની દુકાને મળતા રહે છે તથા કિંમતમાંય ખાસ મોંઘા નથી હોતા એટલે જેની ઇચ્છા થાય એ તલ ખાઈ શકે છે. અનુભવી ગૃહિણીઓ કહે છે કે તલ બજારમાંથી લાવ્યા પછી બારોબાર ખાવા નહિ કે રાંધવામાં પણ ન વાપરવા. એને પાણીમાં પલાળીને મસળીને ધોઈ નાંખો તથા નિતારીને તડકે સૂકવી દો. ત્યાર પછી જ વાપરવા લો.

અહીં તલની વિવિધ ચીજોની રસપ્રદ વિગતો આપી છે:

- તલની ચિક્કી ઘીમાં ખાંડ કે ગોળનો પાયો કરી તલ નાંખીને થાળીમાં કાઢી લઈને કકડા કરવામાં આવે છે. કેટલીક વાર કોઈ વ્યક્તિને કડક અને કેટલાંકને પોચી ચિક્કી ભાવે છે.

- મહારાષ્ટ્રમાં તલની ચિક્કી, તલ કોપરા તથા સાકરની ચાસણીમાંથી બનાવવામાં આવે છે. સહેજ ઘીમાં કે પાણીમાં ગોળ કે ખાંડની ચાસણી કરીને તલ, કોપરાં અથવા સીંગના ટુકડા નાંખીને બનાવવામાં આવે છે. લોનાવાલાની ચિક્કી તરીકે તે પ્રખ્યાત છે.

- ગુજરાતનું તેમાંય ખાસ કરીને કાઢિયાવાડનું તલનું કચ્ચરિયું ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ ગણાય છે. જેમાં તલને પીસી ખારેક, ગોળ, સૂંઠ પાઉડર, એલચી વગેરેનું મિશ્રણ કરવામાં આવે છે.

-  તલનો ખોળ નીકળે તે પહેલાનાં તલમાં જે થોડુંક તેલ રહી ગયું હોય તેવા તલમાં સાકર ભેળવીને ખાવાથી શરીર તંદુરસ્ત બની રહે છે.

- રાજકોટના તલ અને સીંગની ચિક્કી ખૂબ જ વખણાય છે તથા કરોડોનો વેપાર થાય છે.

- બિકાનેરના તલનાં પાપડ- સફેદ બિકાનેરી તલના પાપડથી કોણ અજાણ છે? તલના એક એક દાણાને અલગ તારવી શકાય એ રીતે સાકરની ચાસણી કરી વણીને તૈયાર કરવામાં આવે છે.

તલનાં સ્વાસ્થ્યપ્રદ ઉપયોગ

વાનગીનો રસથાળ તો આરોગીએ પણ તલના વૈદકીય ગુણો પણ જાણવા જરૃરી છે. દાકતરોના મોંઘાદાટ બીલો ભરવા કરતા શિયાળામાં તલનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પણ જળવાય છે.

(૧) તલ સાંકળી તથા ચીક્કીથી બાળકો હૃષ્ટપૃષ્ટ બને છે.

(૨) ધોળા તલને સાકરની ચાસણી સાથે મેળવી રેવડી બનાવાય છે.

(૩) તલને અધકચરા ખાંડે તેની સાની (કચરિયું) બનાવાય છે. સાની ખૂબ પૌષ્ટીક હોય છે અને શેકેલા તલ મુખવાસ તરીકે વપરાય છે.

(૪) શિયળામાં તલ અને ગોળનું સેવન કરવાથી શરીર પૃષ્ટ થાય છે.

(૫) તલવટ, તલ, તલના લાડુ, તલ સાંકળી વગેરે બનાવીને ખાવાનો રિવાજ છે.
તલ સ્નેહનું પ્રતિક છે.

તલના વૈદકિય ગુણો

- તલના તેલના કોગળા કરવાથી દાંત પણ મજબૂત બને છે.

- તલના તેલની માલિશ કરવાથી શરીરની વધારાની ચરબી દૂર થઈને શરીર સ્ફુર્તિવાળું બને છે.

- સાંધાનો દુખાવો પણ દૂર થાય છે.

- તલના તેલમાં દીપનનો, સ્નેહનો ગુણ રહેલો છે. જે શુષ્ક ત્વચાને મુલાયમ બનાવે છે. આંતરસ્ત્રોત્રોની ભિનાશ તરલતા-ચિકાશને જાળવવામાં મદદરૃપ બને છે.

- તલને ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાય છે. કાળા તલને રાત્રે બાળકને ખવડાવવાથી રાત્રે તે પથારીમાં પેશાબ કરતા નથી.

- તલનો જુનો ખોળ ગાયના મૂત્રમાં ઠાલવી એનો લેપ મોં ઉપર કરવાથી યુવાનીમાં થતાં ખીલ દૂર થાય છે.

- ફિક્કી ચામડી ચમકતી કરવા તલના તેલને સહેજ ગરમ કરી રોજ માલિશ કરવી. નાના બાળકના કાન સણકા મારતા હોય તો તલનાં તેલમાં લસણની કળી નાંખી તેલને ગરમ કરી કકડાવી ઠરે એટલે કાનમાં ટીપા નાખવાથી સણકા બંધ થાય છે.

- કેડના સાંધાના દુ:ખાવા માટે તલના તેલમાં સહેજ હિંગ કે સૂંઠ નાંખવી અને માલિશ કરવી. શરદી માટે મરી કે અજમો નાખી ગરમ કરેલું તેલ સૂંઘવું કે નાકમાં ટીપાં નાખવાં.

દરરોજ સવારનાં નરણાં કોઠે ચાર તોલો કાળા તલ ખાવા, થોડા થોડાક ખાવા. તલ મોમાં લઈને બારિક ચાવીને જ એકરસ થાય પછી ગળામાં નીચે ઉતારવી. ત્યાર બાદ ઠંડુ પાણી પીવું. બે કલાક સુધી કશું ખાવું નહીં.

આ પ્રયોગથી પૃષ્ટ અને સુદ્રઢ બનાય છે. દાંત મજબૂત અને શરીર તેજસ્વી બને છે. બહેનો પણ આ પ્રયોગ કરશે તો શરીર કાન્તિમય  તેજસ્વી લાગશે. વાળ કાળા ભમ્મર   થશે. તેમ જ વાળ ઉતરતા અટકશે. એક વર્ષ સુધી આ પ્રયોગ કરવો.

યુરોપમાં જેને ઓલિવ ઓઈલ કહીએ તેવું જ ભારતનું તલનું તેલ છે. તેલ માલિશ કરવાથી મેદનો પણ ક્ષય થાય છે. ચાલો ત્યારે તલ માટે મરાઠીમાં વપરાતી ઉક્તિ 'તિલ ગુડ ખાવા ગોડ ગોડ બોલા' (તલ-ગોળ ખાવ અને મીઠું મીઠું બોલો)નો અમલ કરીએ.

-  તલનો ખોળ નીકળે તે પહેલાનાં તલમાં જે થોડુંક તેલ રહી ગયું હોય તેવા તલમાં સાકર ભેળવીને ખાવાથી શરીર તંદુરસ્ત બની રહે છે.

- રાજકોટના તલ અને સીંગની ચિક્કી ખૂબ જ વખણાય છે તથા કરોડોનો વેપાર થાય છે.

- બિકાનેરના તલનાં પાપડ- સફેદ બિકાનેરી તલના પાપડથી કોણ અજાણ છે? તલના એક એક દાણાને અલગ તારવી શકાય એ રીતે સાકરની ચાસણી કરી વણીને તૈયાર કરવામાં આવે છે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamacharPost Comments