Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સદીઓ પુરાણા અલંકારોની આધુનિક ફેશન

ઘરેણાંની પરંપરાગત ડિઝાઇન આજની માર્કેટ સર કરી રહી છે

ફેશન એક ચક્ર છે જે સતત ગોળ ગોળ ફર્યા કરે છે અને  એક પછી એક સ્થળે થોડો સમય રોકાઇને ફરી પાછું આગળ વધે છે. ફેશન કપડાંની હોય, ઘરેણાંની કે પછી મેક અપની, વારંવાર બદલાયા પછી ફરી ત્યાં જ આવીને અટકે છે. ભારતમાં સુવર્ણ અલંકારો, જડાઉ, મીનાકારી, રત્નજડિત અલંકારોની ફેશન રાજા મહારાજાના સમયથી ચાલી આવે છે. મુગલકાળમાં રત્નજડિત ઘરેણાંનો જેટલો ઉપયોગ થયો છે એટલો કદાચ ક્યારેય નથી થયો. ફક્ત ઉચ્ચ  ઘરાનાઓમાં જ નહીં પણ મધ્યમ વર્ગના ભારતીયોમાં પણ સુવર્ણ  અલંકારો પ્રત્યેનું આકર્ષણ જગજાહેર છે.

ખાસ કરીને લગ્ન અને બીજા શુભ પ્રસંગોએ સોનાના ભારે દાગીના પહેરવાની ફેશન  અનેક વર્ષો સુધી ચાલતી રહી હતી. પણ સમય બદલાયો, લોકોની રૃચિ સોનાના કે મીનાકારી, ભારે વજન ધરાવતા ઘરેણાંનેસ્થાને  નાજુક નમણાં હીરાના અલંકારો તરફ વળી. દેખાવમાં નાના પણ ખિસ્સાને ભારે પડે એવા હીરાના દાગીના સોના અને પ્લેટીનમમાં પહેરવાની ફેશન પણ અનેક વર્ષો સુધી રહી. પણ હવે ફરી પાછા મીનાકારી, જડાઉ, રત્નજડિત અને સોનાના ભારેખમ ઘરેણાં પહેરવાની ફેશને જોર પકડયું છે.

આનો મોટો  યશ મહાનગરોમાં ફેશનનો ટ્રેન્ડ સેટ કરતી ફેશન ડિઝાઇનરો અને જ્વેલરી ડિઝાઇનરોના ફાળે જાય છે. હરિફાઇમાં ટકવા માટે અને ગ્રાહકોને જકડી રાખવા માટે નિત્ય નવું  આપવાની વેતરણમાં વ્યસ્ત રહેતી જ્વેલરી ડિઝાઇનરોની મીટ ફરી પાછી પુરાણા જમાનાના ઘરેણાં પર મંડાઇ છે.

બીજું હિન્દી ફિલ્મોમાં આવતી ઐતિહાસિક કહાણીઓના પાત્રોને પહેરાવામાં આવતા તત્કાલીન ઘરેણાં પણ લોકોને ખૂબ આકર્ષે છે. આમ સદી પુરાણા ઘરેણાંની ફરી  આવેલી ફેશને ખરા અર્થમાં 'જુનુ એ સોનુ' ઉક્તિને સાચી ઠેરવી છે. વળી આ અલંકારો ફક્ત સ્ત્રીઓના જ નહીં પુરુષોના વ્યક્તિત્વને પણ આકર્ષક બનાવે છે.

ઋતુપર્ણો ઘોષની ફિલ્મ અંતરમહલનો જ દાખલો લઇએ તો આ ફિલ્મમાં જેકી શ્રોફે જમીનદારના પાત્રમાં પહેરેલા ગુજરાતી અને રાજસ્થાની એન્ટિક અલંકારો દર્શકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

તેની પાઘડીમાં લગાવવામાં  આવેલો કુંદનકારી પીસ, કાંડા પર શોભતું શાહી કડું, બ્રોચ અને ભારેખમ ચેઇને દર્શકોની નજર જકડી રાખી હતી. તેવી જ રીતે આ ફિલ્મના સ્ત્રી પાત્રોએ વાળમાં લગાડેલી પીન, ટીકો, કાનના ઝુમખા, બ્રેસલેટ, પાયલ તેમજ જડાઉના અલંકારો જોઇને સ્ત્રી દર્શકો  મંત્રમુગ્ધ થઇ ગઇ હતી. આવા જ અલંકારો વિધુ વિનોધ ચોપ્રાની આવી રહેલી ફિલ્મ યજ્ઞામાં જોવા મળશે.

ઋતુપર્ણો ઘોષની ફિલ્મ ચોખેર બાલીમાં ઐશ્વર્યા રાયએ સોનાના પરંપરાગત ઘરેણાનું પ્રદર્શન કર્યું હતું. તેવી જ રીતે રવિના ટંડને સાહબ બીવી ગુલામમાં પહેરેલી લાજવાબ એન્ટિક જ્વેલરી ફિલ્મનું મુખ્ય આકર્ષણ બની હતી. પરંપરાગત દાગીનાની વાત ચાલતી હોય ત્યારે વિધુ વિનોદ ચોપ્રાની ફિલ્મ પરિણીતામાં વિદ્યા બાલને પહેરેલા પરંપરાગત બંગાળી અને રાજસ્થાની ઘરેણાંને શી રીતે ભૂલી શકાય?

ફિલ્મી અભિનેત્રીઓએ પહેરેલા અલંકારોની  અસર  હવે શહેરી માનુનીઓમાં સ્પષ્ટ વરતાઇ રહી છે.

અઢારમી અને  ઓગણીસમી સદીમાં કચ્છ અને ગુજરાતની  આયર અને રબારી જાતિની સ્ત્રીઓ જે ખાસ પ્રકારના ચાંદીના બલોયાં, કડાં, કાંસળી, કાનના ઠોળિયા પહેરતી એવા ઘરેણાં આજની તારીખમાં પંચચીકમના નામે  હોટ કેકની જેમ વેચાઇ રહ્યાં છે. ફરક માત્ર એટલો કે તે ચાંદીની સાથે ગોલ્ડ પ્લેટીંગ કરીને પણ વેચાય છે. જ્વેલરી ડિઝાઇનરો આ ઘરેણાં આજે પણ વંશપરંપરાથી જે કારીગરો આ દાગીના ઘડતા હોય તેમની પાસેથી જ ઘડાવે છે.

આ એન્ટિક દાગીનાના એક એક નંગને ઘડતાં બે મહિના જેટલો સમય લાગે છે. તેવી જ રીતે સદીઓ પુરાણી જયપુર અને બંગાળની જ્વેલરીની ડિઝાઇનો ફરી પાછી આજે ટ્રેન્ડ સેટ કરી રહી છે. તેવી જ રીતે જુની હિન્દી ફિલ્મોમાં મધુબાલાએ મુગલે આઝમ ફિલ્મમાં પહેરેલી રત્નજડિત નથ,  પાકીઝા  ફિલ્મમાં મીના કુમારીએ પહેરેલા ઝુમખાં, સુરૈયાનો લાંબો રાણી-હાર  અને નરગીસના કુંદનના બનાવેલા બાજુબંધ ફરી પાછા લોકપ્રિય થઇ રહ્યાં છે. એટલું જ નહીં અઢારમી સદીની  વિક્ટોરિયન જ્વેલરી માટે પણ શહેરી  માનુનીઓ ઘેલી થઇ રહી છે. 

વિક્ટોરિયન જ્વેલરી લોકપ્રિય થવાનું એક કારણ એ પણ છે કે આ ઘરેણામાં ફક્ત સોનામાં  કિંમતી રત્નો જ જડવામાં નથી આવતા પણ તેમાં ચાંદી અને અર્ધ કિંમતી રત્નો પણ જડેલા હોવાથી કિંમતમાં સોંઘા પડે છે. સાથે સાથે તેનો લૂક ગ્લેમરસ હોવાથી તે ફેશન પરસ્ત માનુનીઓને ખૂબ આકર્ષે છે.

પાછલા થોડા વર્ષો દરમ્યાન જ્યારે હીરાના નાના નાજુક ઘરેણાનું ચલણ વધ્યું હતું  ત્યારે મોટા અને  પરંપરાગત ઘરેણાં ફક્ત લગ્ન પ્રસંગે જ પહેરાતા પણ આજની તારીખમાં તે ઓલ ટાઇમ ફેવરિટ ગણાવા લાગ્યા છે. વળી પંચચીકમ જેવા ઘરેણાં મૂળભૂત રીતે ચાંદીના હોવાથી સસ્તા પડે છે આમ  છતાં આ ઘરેણાં બનાવનારા કારીગરો ઓછા છે અને એક એક ઘરેણાને તૈયાર કરતાં લાંબો સમય લાગતો હોવાથી નોખાં તરી આવે છે. 

તેવી જ રીતે મુગલકાળના ઘરેણાંની ડિઝાઇન પણ ઉડીને આંખે વળગે એવી હોય છે. આ જ્વેલરીની લાક્ષણિકતા છે તેના અનકટ રત્નો. જ્યાં સુધી રત્નમાં રહેલી  ખામીને દૂર કરવાની જરૃર  ન પડે ત્યાં સુધી તેઓ રત્નોને અનકટ રાખીને ઘરેણાંમાં જડે છે. મુગલકાળના દાગીનાની અદ્ભૂત ડિઝાઇનોમાં એક એક ઇંચમાં હીરા માણેક જડેલા હોય છે અને તેની ભૌમિતીક ડિઝાઇન તેના આકર્ષણનું  મુખ્ય કારણ બને છે.

આજની તારીખમાં આવા અનકટ હીરા, માણેક અને  રત્નોથી બનાવવામાં આવેલી પક્ષી, ફૂલો, પાંદડા, ઝાડ, હાથીના માથાં જેવી કુદરતમાંથી પ્રેરણા લઇને બનાવવામાં આવેલી ડિઝાઇનો માટે પાર્ટી એનિમલ ગણાતી ફેશનપરસ્ત માનુનીઓ અને ઉચ્ચ ઘરાનાની મહિલાઓ ઘેલી થઇ રહી છે. મુગલકાળની રત્નજડિત જ્વેલરીની જેમ  મીનાકારી જ્વેલરી પણ અત્યંત  લોકપ્રિય બની રહી છે. મીનાકારી વર્ક અત્યંત ઝીણું અને ખૂબ સમય અને ધ્યાન માંગી લે તેવું કામ છે.

સોનાના ઘરેણાં તૈયાર કર્યાં પછી તેની ઉપર મીનાકારી કામ કરવા માટે આ ઘરેણાં  આ કામમાં પારંગત કારીગરોને સોંપી દેવામાં આવે છે.  મીનાકારી વર્કમાં જયપુરના કારીગરો નિષ્ણાત ગણાય છે. મીનાકારી ઘરેણામાં કુંદન વર્કનું સંયોજન કરીને જે  આભૂષણો તૈયાર કરવામાં આવે છે તે લાજવાબ ગણાય છે.

પરંપરાગત ઘરેણાંમાં સૌથી ફાયદાકારક વાત એ છે કે આ દાગીનાની ફેશન કાયમી રહે છે. આધુનિક ડિઝાઇનની જ્વેલરીની જેમ ચાર દિનકી ચાંદનીની જેમ ચોક્કસ સમય પછી તે આઉટ ડેટેડ નથી થઇ જતા.
-નીપા
 

Post Comments