Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય પ્રશ્નોત્તરી

૧. સોરાઈસીસ, ડિપ્રેશન, આકારણે કોઢ જેવી સફેદ ચામડી થતી જાય છે.

૨. સાચી ભૂખનો અભાવ, ઓડકાર, ગેસ, કબજિયાત, સુસ્તી, માથાનો દુખાવો, ઊલટી
 

સોરાયસીસ, માથામાં થયેલા સોરાયસીસે વાળના મૂળમાં કોઢ જેવી સફેદ ચામડી પેદા કરી દીધી છે. આ કારણે ડિપ્રેશન આવી ગયું છે.
 

પ્રશ્ન : 'ગુજરાત સમાચાર'માં આવતા આપના લેખો નિયમિત વાંચું છું. આપની આ સેવા ખરેખર પ્રશસ્ય છે. મને ઘણા વર્ષોથી 'સોરાયસીસ'નો રોગ પજવે છે. અનેક દવાઓ કરી પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે. પુષ્કળ ખર્ચ કર્યો તેમાં પૈસે ટકે ખુવાર થઈ ગયો છું. આ કારણે મને ડિપ્રેશન પણ રહે છે. સોરાઈસીસે માથાના વાળમાં કોઢ જેવી સફેદ ચામડી પેદા કરી દીધી છે.

હું ૭૩ વર્ષનો સિનિયર સિટીઝન છું. રોગ મટશે તો આપનો અહેસાન જિંદગીભર નહીં ભૂલું.
- મનુભાઈ ડી પટેલ (એલિસબ્રીજ, અમદાવાદ- ૬)

ઉત્તર : સોરિયાસીસ એ આજના યુગનો એક ચિંતાજનક અને મુશ્કેલીથી મટે એવો વ્યાધિ છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિના નિષ્ણાતો તો સ્પષ્ટ રીતે કહેતા હોય છે કે આ રોગનો કોઈ કાયમી કે મૂળગામી ઇલાજ નથી. એમના મતે આ વ્યાધિ મટતો જ નથી. કાયમ સારવાર કરનારને થોડી રાહત રહે છે. પણ જેવી દવા છોડે એવો ફરીથી રોગનો જોરદાર હૂમલો થતો હોય છે. રોગની શરૃઆતમાં, સમયસર અને એકધારી સારવાર કરવામાં આવે તો આયુર્વેદ દ્વારા ચોક્કસ પરિણામ મળે છે.

છેલ્લા પિસ્તાલીસ વર્ષના મારા ચિકિત્સા અનુભવ દરમિયાન મેં સેંકડો દરદીને આ રોગમાંથી મુક્તિ અપાવી છે અને એટલે આશ્વાસન સાથે કહી શકું કે ભલે ડોકટરો આ રોગને અસાધ્ય અને જિંદગી સાથે જતો રોગ કહે પણ હારવાની કે નિરાશ થવાની કોઈ જરૃર નથી. આયુર્વેદની એકધારી ઔષધીય અને પંચકર્મ ચિકિત્સાથી અવસ્ય પરિણામ મળે છે.

વૃદ્ધાવસ્થામાં મોટાભાગે વ્યકિતની રોગ પ્રતિકાર શક્તિ ઘટતી હોય છે. વળી ખૂબ મોટી ઉંમરે વ્યકિત જો દુર્બળ હોય તો વમન વિરેચન જેવી પંચકર્મ ચિકિત્સા પણ મુશ્કેલ બને છે. ૭૩ વર્ષની વયે પણ જો આ રોગથી મુક્ત થવું હોય તો હતાશા છોડી હિંમત સાથે પ્રતિકાર કરો. તમારી પ્રતિકાર શક્તિ જો સારી હશે તો પરિણામ વહેલું મળશે.

સારવાર આ પ્રમાણે શરૃ કરી શકો છો :

સૌથી પહેલાં તો કોઈ પણ પ્રકારનો વિરુદ્ધ આહાર કરતા હોતો છોડી દેજો. દૂધ સાથે કેરી, કેળા, ચીકુ, સફરજન, જમરૃખ, દ્રાક્ષ કે બીજા કોઈ પણ પ્રકારના ફળ વિરુદ્ધ આહાર બને છે. અને તેના કારણે સોરિયાસીસ વગેરે ચામડીના અને બીજા પણ અનેક રોગો ઉદ્ભવી શકે છે. દૂધ અને ફળના સંયોજનથી થતા મિલ્ક શેઈક, ફુટ સલાડ, ફુટ આઈસ્ક્રીમ વગેરે ખાદ્યપદાર્થો આયુર્વેદની દ્રષ્ટિએ તો વિરુદ્ધ આહારજ છે.

દૂધ સાથે તમામ પ્રકારની ખટાશ, આથો આવીને તૈયાર થતાં ખાદ્ય પદાર્થ જેવા કે હાંડવો, ઢોકળા, ખમણ, ખાંડવી (દહીંવડી), ઇડલી, ઢોંસા, ઉતપમ, બ્રેડ, પાઉં વગેરે વિરુદ્ધ આહાર છે. દૂધ સાથે કઢી, છાશ, દહીં, ટમેટા, લીંબુ, ખાટાં અથાણા, સોસ પણ વિરુદ્ધ છે. એજ રીતે તલ સાથે ગોળ, દૂધ સાથે લસણ, દૂધ સાથે મૂળા, દૂધ સાથે ડુંગળી અને દૂધ સાથે ગાજર અને ગોળ પણ વિરુદ્ધ છે. અને આવો વિરુદ્ધ આહારજો વારંવાર થયા કરે તો સોરિયાસીસ જેવા વ્યાધિઓને પ્રવેશવાની તક મળે છે.

દૂધ સાથે ઇંડા કે તમામ પ્રકારનો માંસાહાર પણ વિરુદ્ધ છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં વિરુદ્ધ આહાર વિશે કશો જ વિચાર નથી થયો અને એટલે વિરુદ્ધઆહાર જન્ય વ્યાધિઓમાં પરિણામ મેળવવું એમના માટે મુશ્કેલ બને છે. સોરાઈસીસથી મુક્ત થવું હોય તો તમામ પ્રકારના વિરુદ્ધ આહારથી મુક્ત થવું અનિવાર્ય છે. આ સિવાય દહીં ગોળ, કેળા કે કોઈ પણ પ્રકારના ફળ, મીઠાઈ, શિખંડ, આઇસ્ક્રીમ વગેરેને છોડવાની તૈયારી હોય તોજ આર્યુવેદિક સારવાર કરવી.

પંચકર્મ દ્વારા પહેલા શરીરની શુદ્ધિ કરવામાં આવે તો ઔષધોની અસર જલદી થાય છે. પણ તમારા માટે એ શક્ય નથી આથી માત્ર ઔષધ ચિકિત્સા જ સૂચવું છું. જે આ પ્રમાણે છે.

૧) પંચતિકતઘૃત: સવાર સાંજ એક એક ચમચી (આશરે દસ ગ્રામ) એક કપ ગરમ દૂધમાં મેળવી હૂંફાળું હોય ત્યારે પીવું. પંચતિક્તઘૃત ચામડીના તમામ રોગોને મટાડે છે.

૨) પંચ નિમ્બાદિ ધનવટી, મંજિષ્ઠાદિ કવાથ ધનવટી, આરોગ્યવર્ધિની કિશોર ગૂગળ અને પંચતિક્તઘૃત ગૂગળ એમ દરેકની બેબેગોળી ભૂકો કરીને સવાર સાંજ પાણી સાથે લેવી.

૩) મરિચ્યાદિ તેલ- જ્યાં સોરાઈસીસ થયેલ હોય ત્યાં અને શરીરના દરેક ભાગ પર લગાવી શકાય, જેથી રોગ આગળ વધતો અટકી જાય.

૪) ગંધક રસાયનની બેબે ટીકડી સવાર સાંજ પાણી સાથે લેવી.

૫) વીસ ગ્રામ જેટલો મંજિષ્ઠાદિ કવાથનો ભૂકો બે ગ્લાસ પાણીમાં પલાળી થોડીવાર પછી ધીમાતાપે ઉકળવા દેવો. પોણોકપ જેટલું પ્રવાહી બાકી રહે ત્યારે ઉતારી ગાળી લેવું અને ઠરે એટલે પી જવું.
સોરાયસીસના દરદીએ ધીરજપૂર્વક, એકધારી અને પૂરેપૂરી પરેજી સાથે જ ચિકિત્સા કરવી. શ્રદ્ધાપૂર્વક વળગી રહેવામાં આવે તો પરિણામ ચોક્કસ મળે છે.

સાચી ભૂખનો અભાવ, ઓડકાર, ગેસ, કબજિયાત, સુસ્તી માથાનો દુખાવો ઊલટી.

પ્રશ્ન: મારી ઉંમર ૩૬ વર્ષની છે. મને ઘણા સમયથી સાચી ભૂખ લાગતી નથી. ગેસ રહે છે અને કબજિયાત પણ છે. આ માટે ડોક્ટર- વૈદ્યની ઘણી સારવાર લઈ ચૂકી છું. પણ કશો ફરક પડતો નથી. ક્યારેક ખૂબ જ હતાશ થઈ જવાય છે. શરીરમાં સ્ફુર્તિ રહેતી નથી. આખો દિવસ ઓડકાર આવ્યા કરે ને પેટ ખૂબ ભારે લાગે. બીજું એકે હું સામાન્ય રીતે (પલાંઠી વાળીને) બેસી શક્તી નથી. અને ક્યારેક ભૂખ લાગે ને એ રીતે બેસું તો ઓડકાર ખૂબ જ આવે, ભૂખ મરી જાય. જમવા બેસું ત્યારે ઢીંચણ પાસે ટેકો લઈને બેસું છું. નોર્મલી (બીજા લોકો બેસે તેમ પલાંઠી વાળીને) જમવા બેસાતું નથી.

૨૦૦૧માં કીડનીમાં પથરી (સ્ટોન) થયેલ પણ દવાથી તે નીકળી ગઈ છે. હાલમાં તેની કોઈ તકલીફ નથી. આ માત્ર જાણ માટે લખેલ છે.

સાચી ભૂખ લાગે એ માટે સવારે હળવી કસરત કરું છું. તેમજ સાંજે ચાલવા પણ જાઉં છું. પરંતુ ખાસ કશો ફરક પડતો નથી. બે ટાઈમ જમવા ખાતર જ જમું છું. પણ સાચી ભૂખ લાગતી નથી. કબજિયાત રહે છે. પેટ એકદમ સાફ થાય એવું થતું નથી. ભારે રહ્યા કરે છે. ગેસના કારણે ક્યારેક માથું પણ દુ:ખે છે અને એ પછી ઉબકા આવી ઊલટી થાય તો જ શાંતિ થાય છે. ઊલટી નહીં પણ ક્યારેક જ થાય છે. મારું વજન ૪૫ કિલો છે તો વજન વધારવા માટેના ઉપાય સૂચવશો.

આવી બધી તકલીફ મને સતત રહ્યા કરે છે. આથી મને સમજાતું નથી કે હું શું કરું ? સ્ફુર્તિના અભાવે કોઈ કામમાં ચેન પડતું નથી. ક્યારેક તો રસોઈના વધારની વાસથી પણ ગેસ અને ગભરામણ જેવું થાય છે. તો જેમ બને તેમ જલદીથી ઉપાય બતાવજો જેથી હું ભરત ગૂંથણ, અનાજ સાફ કરવું, સિલાઈ વગેરે કરી શકું. આપની કોલમમાં મારું નામ છાપશો નહીં...
એક બહેન (ભૂજ-કચ્છ)

ઉત્તર : પત્રમાં લખેલી આપની તમામ તકલીફને ધ્યાનમાં રાખી સારવાર આ પ્રમાણે સૂચવું છું :

૧) અવિપત્તિકર ચૂર્ણ ૧ ગ્રામ, સ્વર્જિકાક્ષાર ૧ ગ્રામ, છર્દિરિયુ (કપૂર કાચલીનું) ચૂર્ણ ૧ ગ્રામ, નારિકેલ લવણ ૧ ગ્રામ... આ બધું મેળવી સવારસાંજ પાણી સાથે લેવું.

૨) શંખવટી.. બપોરે અને રાત્રે જમ્યા બાદ બે ટીકડી ચૂસવી.

૩) ચાર ચમચી પથ્યાદિ કવાથમાં ચાર ચમચી ભૂનિમ્બાદિ કાઢા અને એટલું જ સામે પાણી ઉમેરી સવાર સાંજ પીવું.

૪) રોજ સવારે સારી રીતે પેટ સાફ આવે એ માટે રાત્રે સૂતી વખતે ચાર ગ્રામ જેટલું શિવાક્ષાર પાચનચૂર્ણ અથવા તો એરંડભૃષ્ટ હરીતકીચૂર્ણ ફાકી જવું.

૫) વજન વધારવાની ઇચ્છા હોય તો અશ્વગંધા તથા શતાવરી ચૂર્ણ સરખા ભાગે મેળવી એક કાચની બાટલીમાં ભરી રાખવું. તેમાંથી રોજ સવાર સાંજ એકાદ ચમચી ચૂર્ણ ફાકી ઊપર ગળ્યું ગરમ દૂધ પીવું.

૬) દહીં, આથો આવીને તૈયાર થતી હોય તેવી ખાદ્ય સામગ્રી, શિખંડ, ટમેટા, આમલી, ખાટાં ફળો બંધ કરી દેવા. દૂધ, ઘી, માખણ, દૂધની મીઠાઈ વગેરે ભૂખ અને પાચન પ્રમાણે લઈ શકાય.

૭) વાલ, વટાણા, ચોળા, પાપડી, ગુવાર, બટાકા, ચણા, વાલોળ અને કોદરી જેવા વાયુ કરનારા પદાર્થો ઓછા લેવા.

- વત્સલ વસાણી
 

Post Comments