Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિવાળી પૂર્વે 'ડિટોક્સીફિકેશન પ્લાન'ની તૈયારી

દિવાળી દરમ્યાન તળેલા નાસ્તા અને મીઠાઇઓ ખાઇ ખાઇને શરીરમાં ઝેર પેદા ન કરતાં

દિવાળી પછીના પ્રથમ અઠવાડિયામાં આલ્કોહોલને સંપૂર્ણ તિલાંજલી આપી દો. તેવી જ રીતે ચા, કોફી, નિકોટીન અને સોફ્ટડ્રીંક લેવાનું ટાળો.

દિવાળી એટલે મીઠાઇ, ચોકલેટ, તળેલાં નાસ્તા, સોફ્ટ ડ્રીંક અને અનિયમિતતાનો તહેવાર. સ્વાભાવિક રીતે જ દિવાળીના પર્વ દરમ્યાન સંબંધીઓ અને મિત્રો એકબીજાને મળે છે. વર્ષભર પોતાના કામમાં ગળાડૂબ રહેતા શહેરીજનો 'દિવાળીના બહાને' એકબીજાને મળવાનો ઉત્સવ ઉજવે છે.

કોઇપણ ઉજવણીમાં ખાણીપીણીની ગેરહાજરી હોય એ શક્ય છે ખરું? વળી દિવાળી જેવા આનંદ પર્વમાં તો વાનગીઓની રેલેમછેલ ચાલે. તહેવારના ઉત્સાહમાં ખાતા ખવાઇ જવાય અને ફરતાં ફરાઇ જવાય, પણ તેની અસર તહેવાર પૂરો થયા પછી જોવા મળે.

અચાનક બદલાઇ ગયેલો ભોજન ચાર્ર્ટ પાચનક્રિયાને સીધી અસર કરે છે. આ ઉપરાંત ગળ્યા અને તળેલા નાસ્તાથી વજન પણ વધી જાય છે. જેમને ડાયાબિટીસની તકલીફ હોય તે જો સાવચેત ન રહે તો ડાયાબિટિસ વધી જવાની પૂરી શક્યતા રહે. તેવી જ રીતે લોહીના ઊંચા દબાણથી પીડાતા લોકોનું બ્લડ પ્રેશર ન વધે તો જ નવાઇ. આ ઉપરાંત એસિડિટી, ગેસ, અપચો, ગભરામણ તો તદ્દન સામાન્ય સમસ્યાઓ ગણાય.

બજારમાંથી ખરીદેલી મીઠાઇમાં નાખવામાં આવતા રંગો અને રસાયણો આપણા શરીરમાં ઝેર ઉત્પન્ન કરે તે છોગામાં. આ બધું જાણતા હોવા છતાં આપણે પરિસ્થિતિ પર કાબૂ નથી મેળવી શકતા. પરંતુ દિવાળી પછી એક મહિના સુધી ચોક્કસ ડાયટ ચાર્ટનો અમલ શિસ્તપૂર્વક કરવામાં આવે અને થોડી કસરત કરવામાં આવે તો 'પ્રદૂષિત' થયેલું શરીર ફરી પાછું 'સાફ' થઇ શકે છે.

દિવાળી પછીના પ્રથમ અઠવાડિયામાં આલ્કોહોલને સંપૂર્ણ તિલાંજલી આપી દો. તેવી જ રીતે ચા, કોફી, નિકોટીન અને સોફ્ટડ્રીંક લેવાનું ટાળો. દિવસમાં પાંચ વખત થોડો થોડો, પણ સાત્વિક ખોરાક લો. આમાં સવારનો નાસ્તો, ત્યારબાદ ફરી પાછો હળવો નાસ્તો અથવા ફળ, બપોરનું ભોજન, સાંજે હળવો નાસ્તો અને રાતનું ભોજનનો ક્રમ રાખો. યાદ રહે, પાંચેય ભોજન સાત્વિક અને સંપૂર્ણ હોવા જોઇએ.

આ ઉપરાંત સવારના ઊઠીને દૂધી અથવા કારેલા જેવાં શાકનો રસ પીઓ અથવા એક ગ્લાસ ઘઉંના જવારાનો રસ પીઓ. રોજ સવાર-સાંજ જોગીંગ, રનીંગ, સ્વીમીંગ, ટેનિસ રમવા જેવી કસરત એક એક કલાક કરો. સાંજે અડધો કલાક ચાલો અને અડધો કલાક પ્રાણાયમ કરો.

કસરત માટેનો ચોક્કસ સમય નક્કી કરીને કસરત શરૃ કરવાથી પહેલાં એક ગ્લાસ સોયા મિલ્ક અને એક આખું એપલ લો. આ બંને વસ્તુ ઓછી કેલેરીની હોવાથી વજન નથી વધતું અને કસરત દરમિયાન થાક પણ નથી લાગતો. યાદ રાખો સાવ ભૂખ્યા પેટે કસરત ભૂલેચૂકેય ન કરો. તેવી જ રીતે વ્યાયામ કર્યા બાદ થોડીવારે એક ગ્લાસ લીંબુના શરબત અથવા સંતરાનો રસ, પ્રોટીનથી ભરપૂર નાસ્તો અથવા શાકભાજી નાખેલો એક બાઉલ ઉપમા અને એક ફળ લો.

બે ભોજન દરમિયાનના સમયમાં એક પ્લેટ ફળ અથવા એક ગ્લાસ ફળનો રસ લો. જ્યારે ભોજન શરૃ કરવા પૂર્વે ૩૦ મિ.લીટર એલોવેરાનો રસ પીઓ. સાથે બંને સમય ભોજન પૂર્વે એક બાઉલ સુપ અથવા ગ્રીન સલાડ ચોક્કસ લો. આહારમાં પ્રચૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન હોવું ખૂબ જરૃરી છે. સામાન્ય રીતે શહેરની દોડધામભરી જિંદગીમાં લોકો રાત્રે ઘરે પહોંચે ત્યાં સુધી સુવાનો સમય થઇ જાય છે, તેથી જ ઘરે પહોંચીને જમતાવેંત સીધા પથારીભેગા થવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

પરંતુ જે લોકો માટે શક્ય હોય તેમણે રાત્રિ ભોજન સુવાના સમયથી ત્રણેક કલાક પહેલાં લઇ લેવું જોઇએ. ગૃહિણીઓ અને બાળકો માટે આ શક્ય છે. સુતી વખતે ત્રણથી ચાર કલાક પાણીમાં પલાળેલી એક ચમચી મેથીના દાણા લો.

પહેલા અઠવાડિયે આ ક્રમથી ચાલ્યા પછી બીજા અઠવાડિયામાં તમારે થોડો ફેરફાર કરવાનો છે. સંપૂર્ણ ભોજન ચાર્ટ પ્રથમ અઠવાડિયા પ્રમાણે ચાલુ રાખો, માત્ર ત્રીજા અને છઠ્ઠા દિવસે રાત્રે ભોજનમાં ફળ ખાઓ.

ત્રીજા અઠવાડિયા દરમ્યાન એક દિવસ સંપૂર્ણ ઉપવાસ અને અડધા ઉપવાસ કરવાના રહેશે. આ ઉપવાસ દરમ્યાન તમારે પુષ્કળ પ્રવાહી ખોરાક લેવાનો છે. બીજા અને છઠ્ઠા દિવસે અર્ધ ઉપવાસ દરમ્યાન ખૂબ પ્રવાહી ખોરાક લો, જ્યારે ચોથો દિવસ માત્ર પ્રવાહી ખોરાક પર ગાળો.

આમાં બપોરના અને રાત્રિના ભોજન વખતે શાકભાજીનો રસ લો. સવારના નાસ્તાના સમયે પણ લીલા શાકભાજીનો રસ લઇ શકાય. જ્યારે બાકીના સમયમાં એક ગ્લાસ નવશેકા પાણીમાં મધ અને લીંબુ નાખેલું પીણું વારંવાર લો. આનાથી તમારા શરીરમાં શક્તિ જળવાઇ રહેશે અને નબળાઇ નહીં વરતાય.

ત્રણ અઠવાડિયામાં તમારા શરીરમાં દિવાળી દરમ્યાન ભેગો થયેલો મોટાભાગનો કચરો અને ઝેરી તત્વો બહાર ફેંકાઇ જશે, પરંતુ શરીરની સંપૂર્ણ સફાઇ માટે ચોથા અઠવાડિયાનું ડાયટ ચાર્ટ અત્યંત મહત્ત્વનું છે. ચોથા એટલે કે છેલ્લા અઠવાડિયામાં એક દિવસ ભોજન અને એક દિવસ માત્ર શાક તેમ જ ફળોનો રસ લો. આ ઉપરાંત નાળિયેરનું પાણી, લીંબુ શરબત પણ લઇ શકાય. લીંબુના શરબતમાં સાકરને બદલે મધ નાખો અને ઠંડા શરબતને બદલે નવશેકા પાણીમાં મધ-લીંબુ ભેળવો.

પરંતુ શરીરને હંમેશાં ઝેરી તત્ત્વોથી મુક્ત અને સ્વસ્થ રાખવું હોય તો કાયમ માટે પહેલા અઠવાડિયાના ડાયટ ચાર્ટને વળગી રહો. પ્રસંગોપાત અથવા તહેવારો દરમ્યાન જો ભારે કેલેરીવાળુ, તળેલું અને ચરબીયુક્ત ભોજન લીધું હોય તો ફરીથી આ એક મહિનાના ડાયટ ચાર્ટનું પુનરાવર્તન કરો.

- નીપા
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments