Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિવાળી: ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણનું પર્વ

દિવાળી નજીક આવી એટલે  મુંબઇવાસીઓએ ફટાકડા ફોડીને  ઉજવણીનો પ્રારંભ કર્યો છે, પણ મહાનગરમાં અમુક એવી વ્યક્તિઓનાં જુથ છે જેઓ દિવાળીના દિવસો દરમિયાન શહેરથી બને તેટલા દૂર રહેવા માગે છે. આ જુથ અસ્થમાના દર્દીઓનું છે.

આ દર્દીઓ ફટાકડા ફૂટવાથી થતો ધુમાડો પ્રદૂષણને કારણે સહન કરી શકતા નથી. ફટાકડાના ધુમાડાથી સર્જાતા પ્રદૂષણને કારણે આ દર્દીઓને અસ્થમાનો તીવ્ર હુમલો આવી શકે છે. જે  ઘણી વખત મરણતોલ પુરવાર થાય છે.

એક તબીબ  જણાવ્યા મુજબ ફટાકડા ફૂટવાથી માત્ર ધુમાડો જ નથી સર્જાતો, પણ સસ્પેન્ડેડ પાર્ટિકલનું ઉત્પાદન પણ થતું હોવાથી અસ્થમાના દર્દીઓના શ્વાચ્છોશ્વાસના માર્ગમાં અંતરાય પેદા થાય છે. ધુમાડો એ બીજું કંઇ નહીં, પણ સલ્ફર ડાયોકસાઇડ,કાર્બન ડાયોકસાઇડ અને મોનોકસાઇડ જેવા વાયુ હોવાથી શ્વાચ્છોશ્વાસ રૃંધાતો હોય છે. અસ્થમાના દર્દીઓ આ ઝેરી વાયુ શ્વાસમાં લે તો તેમના શ્વાચ્છોશ્વાસ માર્ગનો અંદરનો ભાગ અસર પામે છે. અને અમુક કિસ્સાઓમાં  તે દર્દીના ફેફસાને પણ નુકસાન પહોંચાડે છે.

આમ પણ દિવાળીનો તહેવાર હવે પ્રકાશ કરતાં પ્રદૂષણનું પર્વ બની ગયો છે. આ દિવસોમાં અવાજનું પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ ચરમસીમાએ પહોંચે છે. સુપ્રીમ કોર્ટે ચાર વર્ષ પહેલાં ફટાકડા ફોડવા માટે અવાજની માત્રા (ડેસિબલ લેવલ)અને સમયમર્યાદા વિશે આદેશ આપ્યો હતો, પરંતુ તહેવારોમાં ભાગ્યે જ એનું પાલન થાય છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની નેશનલ ફિઝિકલ લેબોરેટરીએ કરેલા સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે ૯૫ ટકા ફટાકડા ૧૨૫ ડેસિબલની સ્વીકાર્ય માત્રાથી વધુ અવાજ કરે છે.

ફટાકડાના અવાજ ઉપરાંત એમાંથી નીકળતા ધુમાડાને લીધે કાન,નાક અને ગળાની તકલીફો થાય છે. ઇયર-નોઝ-થ્રોટ (ઇએનઠી) પ્રોબલેમ્સ તરીકે ઓળખાતી આ તકલીફો તરફ મોટા ભાગના લોકો દુર્લક્ષ સેવે છે, પરંતુ લાંબે ગાળે આ તકલીફો શરીરને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.

દિવાળી દરમિયાન તબીબી વિજ્ઞાાનની મોટા ભાગની શાખાઓમાં ડોકટરો નવરાધૂપ હોય છે. ત્યારે ચેસ્ટ ફિઝિશિયનોના ઓપીડી દર્દીઓથી ઉભરાતા હોય છે. અમુક દર્દીઓ અસ્થમાના હુમલાની આગોતરી સારવાર કરાવવા આવતા હોય છે. જ્યારે અન્યોને શ્વાસોચ્છવાસની તકલીફ થવાથી સારવાર માટે આવતા હોય છે. શહેરમાં અસ્થમાના દર્દીઓની સંખ્યા કુલ વસતિના ૧૦-૧૨ ટકા જેટલી છે. અને દર વર્ષે તેની સંખ્યા અને રોગીઓના દર્દની તીવ્રતામાં વધારો થતો જાય છે, એમ અસ્થમાની સારવાર કરતાં એક તબીબે ઉમેર્યું હતું.

આ તબીબના જણાવ્યા મુજબ અસ્થમાનો હુમલો પેદા કરવામાં પર્યાવરણના પ્રવર્તતા પ્રદુષણો અને શિયાળાની ઋતુ શરૃ થતા વખતે હવામાનમાં થતા ફેરફારો સમાનપણે કારણભૂત છે. હવામાનની હવામાં સતત અને વારંવાર ફેરફારો થતા રહે અને પ્રદુષકો હવામાં ઓગળી જાય તે માટે ફટાકડા ખુલ્લી જગ્યામાં ફોડવાની સલાહ અપાય છે.

બંધિયાર ચાલી, માળના મકાનમાં ગીચ ઝુંપડપટ્ટી વચ્ચે ફટાકડા ફોડવા એ બધી રીતે જોખમી છે. એવું જોવામાં આવ્યું  છે કે દીવાળીના તહેવારોમાં મુંબઇમાં અસ્થમાંથી પીડાતા રહેવાસીઓ ફફડાટ અનુભવતા હોય છે. દીવાળી દરમિયાન ફૂટતું દારૃખાનું શહેરના પ્રદૂષણમાં વધારો કરે છે તથા સ્વચ્છ હવાની નબળી અવરજવર તથા હવામાનમાંના ફેરફારને પગલે અસ્થમાના દર્દીઓ માટે પરિસ્થિતિ વધુ અસહ્ય બને છે.

એક નિષ્ણાતે જણાવ્યું હતું કે ક્યારેક પ્રદુષણ વિખેરાઇ જતાં બે સપ્તાહનો સમય લાગે છે. ડોકટરે જણાવ્યું હતું કે આ પ્રદૂષણની સૌથી ખરાબ અસર બહુમાળી ઇમારતો અને ઝૂંપડામાં રહેનારાઓને થાય છે. વિશેષ કરીને મધ્ય મુંબઇના રહેવાસીઓને એ પ્રદૂષણની વધુ અસર થાય છે.

૩૪ વર્ષીય શાલિની મિશ્રાને અસ્થમાની તકલીફ નથી પરંતુ તેમણે સ્વીકાર્યું હતું કે સામાન્ય રીતે દીવાળી કફ અને શરદીની શરૃઆતનું પ્રતીક બની રહે છે. કોલાબામાં રહેતા શાલિની દીવાળી પછી સતત બે મહિના શરદીથી હેરાન થાય છે. તેમણે જણાવ્યું હતું કે દીવાળી શરૃ થાય તેના એક સપ્તાહ અગાઉથી જ હું સવારે કોગળા કરું છું અનેે રાત્રે વરાળ લઉં છું.

ડો. ચૌગુલેના મતે અનેક ઘરોમાં દીવાળી અગાઉ સાફસફાઇ કરવામાં આવે છે તેથી પણ અસ્થમાની તકલીફમાં વધારો થાય છે. સાફસફાઇથી ઉડતી ધૂળને કારણે અસ્થમાનો પ્રકોપ વધે છે. ફટાકડા સહિતના દારૃખાનામાં એવા ક્યા પદાર્થો છે જે માનવ આરોગ્ય માટે જોખમી છે? બીનસરકારી સંસ્થા ટોકસીક લિન્કે હાથ ધરેલા અભ્યાસમાં જણાયું હતું કે દારૃખાનું સળગતાં સલ્ફર ડાયોકસાઇડ નાઇટ્રોજન ડાયોકસાઇડ તથા કાર્બન મોનોકસાઇડ જેવા વાયુ પેદા થાય છે તથા નાના રજકણો હવામાં ભળે છે. જે શ્વસનતંત્રને વિપરીત અસર પહોંચાડે છે.

દારૃખાનામાં સીસુ,કેડિયમ, તાંબુ અને મેગ્નેશિયમ જેવી જોખમી  તથા  ભારે ધાતુઓનું ઉંચુ પ્રમાણ હોય છે. ઘોંઘાટ વિરોધી ઝુંબેશને કારણે દારૃખાનું ફોડતાં તથા અવાજના સ્તર વિશે સારી એવી જાગૃતિ આવી છે પરંતુ અસ્થમાના દર્દીઓ તથા ડોકટરોને લાગે છે કે દારૃખાાનાની વિષારી અસર વિશે જોઇએ તેટલી જાગૃતિ આવી નથી. આનંદ અને સાવધાની વચ્ચેનું સમતોલન જરૃરી છે.

ગયા વર્ષે દિવાળી નિમિત્તે મુંબઇગરાઓએ ્રૃપિયા ૨૫ કરોડ ફટાકડાનો ધુમાડો કરી નાખ્યો હતો.  બોમ્બે ફાયરવર્કસ ડિલર્સ એસોસિયેશનના આગેવાને જણાવ્યું હતું કે વર્તમાન વર્ષે ફટાકડાની માગમાં ધરખમ વધારો અનુભવાયો હતો.

ગયા વર્ષે લોકોએ વધુ ફટાકડા ફોડયા તે સંબંધે રસપ્રદ છણાવટ કરતા તેમણે જણાવ્યું હતુ કે,''મેં રામાયણમાં વાંચ્યું છે કે ભગવાન રામ પાછા આવ્યા ત્યારે અયોધ્યામાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો.''ફટાકડા ઉજવણી અને શુદ્ધીકરણ માટે છે. ફટાકડામાં રહેલા સલ્ફર અને ફોસ્ફરસ જીવજંતુઓને ખતમ કરી નાખે છે કે જેમનું પ્રમાણ ચોમાસા બાદ બમણું થઇ ગયું હોય છે.

દિવાળીમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફૂટવાને પરિણામે શહેરમાં ધૂમ્ર વલયો જોવા મળ્યાં.

મરીન ડ્રાઇવ ખાતે સવારના પહોરમાં નીકળો તો ચારેકોર શ્વેત ધૂમ્ર વલય જોવા મળે છે.

ફટાકડા ફૂટવાને પરિણામે વાતાવરણમાં રજકણોનું પ્રમાણ વધતા અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ઘણા લોકોની આંખો ચચરે છે અને ગળાની તકલીફો થાય છે, એમ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એન્વાયર્નમેન્ટ મેડિસીનના એકઝિક્યુટિવ ડિરેકટર ડો, રાગિણી ચૌગુલેએ જણાવ્યું હતું.
એક જાણીતા ઈ.એન.ટી. ડૉક્ટરે ફટાકડાને કારણે થતી ઇએનટીની તકલીફો માટે ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે નિષ્ણાત ડોકટરની સલાહ લેવાની ભલામણ કરી છે.

તેઓ કહે છે કે, 'કાન-નાક-ગળામાં પ્રદૂષણને કારણે થતી તકલીફો અને એના ઉપાયો વિશે મોટા ભાગના લોકો અજાણ હોય છે. યોગ્ય સમજણને અભાવે ઘણા લોકો કાનમાં પોતાની મેળે ઇયર ડ્રોપ્સ નાખે કે અલગ પ્રકારનાં તેલ નાખે છે, પરંતુ ક્યારેક આવા ઉપચારો તકલીફ દૂર કરવાને બદલે વધારી શકે છે અને અમુક કિસ્સામાં કાયમી નુકસાન પણ થઇ શકે છે.

ઇએનટી સ્પેલિયાલિસ્ટ ડો. એ. કે ચૌધરી દિવાળી ઉપરાંત સામાન્ય સંજોગોમાં પણ કાન-નાક-ગળાની સંભાળ રાખવાની હિમાયત કરતાં કહે છે, '' ઘણા લોકો કાનમાં ધાક પડી જાય કે કચરો જાય તો પાણીની છાલક મારે છે અથવા આંગળી બડ્સ,પિન કે સળી કાનમાં ખોસીને સાફ કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રકારના ઉપાયો જોખમી છે. આમ કરવાથી કાનનો પડદો ફાટી શકે છે. આવી તકલીફોને લાઇટલી લેવાને બદલે ડોકટર પાસે જવાનું હિતાવહ છે.

અસ્થમા કન્સલ્ટન્ટ ડો. પ્રમોદ નિફાડકર કહે છે, 'દમ કે અસ્થમાના દરદીઓ માટે દિવાળીનો તહેવાર અત્યંત નુકસાનકારક નીવડે છે. ફટાકડાના ધુમાડામાંથી સલ્ફર ડાયોકસાઇડ, કાર્બન ડાયોકસાઇડ, કાર્બન મોનોકસાઇડ,મેન્ગેનીઝ અને કેડિયમ જેવાં પ્રદૂષિત તત્વો નીકળે છે. જે શ્વાસનળી માટે હાનિકારક છે. દમના દરદીઓની શ્વાસનળી આમ પણ સાંકડી થઇ ગઇ હોય છે. એમાં આવાં પ્રદૂષિત રાસાયણિક તત્વો શ્વાસમાં જતાં શ્વાસનલિકાઓ વધુ ફૂલે છે, જેને લીધે દરદીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.'

ફટાકડાથી થતી તકલીફો

કાન                                                

મોટા ધમાકાથી કાનના પડદામાં કાણું પડે છે અથવા પડદો ફાટી જાય છે.

કાનની અંદર શરીરનાં ત્રણ સૌથી નાનાં અને નાજુક હાડકાં જોડાયેલાં હોય છે  જે ડિસલોકેટ થઇ જાય છે.

આંતરકર્ણ (ઇનર ઇયર)માં નસ દબાઇ જાય છે, જેને કારણે થોડો સમય સંભળાતું બંધ થઇ જાય છે, કાન સૂન થઇ જાય છે અને વધુપડતા મોટા અવાજને લીધે કાયમી બહેરાશ પણ આવી શકે છે.
નાક

ફટાકડાના ધુમાડાથી ફેલાતાં પ્રદૂષિત રાસાાયણિક તત્વો સૂકી મોસમમાં હવામાં જ રહી જાય છે. આ તત્વો નસકોરાં વાટે શ્વાસમાં જતાં નાસિકાદ્વારની દીવાલ પર ચોંટી જાય છે અને એલર્જી પેદા કરે છે.

ઝેરી ધુમાડાથી નાક સાથે જોડાયેલી શ્વાસનલિકા સંકોચાય છે,જેને લીધે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

એલર્જીને કારણે શરદી-ખાંસીની માત્રા વધુ ઊગ્ર બની જાય છે.

ગળું

દૂષિત તત્વોથી ગળાની દીવાલના ટિસ્યુઝને નુકસાન થાય છે.

એલર્જીને કારણે અવાજ બેસી જાય છે.

અન્ય તકલીફો

ફટાકડાના સતત અવાજને કારણે અજંપો,ગુસ્સો, ચીડિયાપણું, અનિંદ્રા જેવાં લક્ષણો જોવા મળે છે.વિદ્યાર્થીઓમાં એકાગ્રતાનો અભાવ સર્જાય છે. આ ઉપરાંત થાક,બેચેની,અપચો, માથાનો દુખાવો,વોમિટિંગ જેવી તકલીફ પણ થાય છે.વધુ પડતા અવાજથી રક્તવાહિનીનું સંકોચન કરવાથી બ્લડપ્રેશર વધે છે, જેને પગલે નર્વસ બ્રેકડાઉન પણ થઇ શકે છે.

સમસ્યાનું નિરાકરણ

કાન

કાનના પડદામાં કાણું પડી ગયું હોય કે પડદો ફાટી ગયો હોય તો ઓપરેશન દ્વારા એની સારવાર થઇ શકે છે.

કાનના ત્રણ નાજુક હાડકાં ખસી ગયા હોય તો ઓપરેશન કરીને પાછાં બેસાડી શકાય છે.આંતરકર્ણની નસ દબાઇ ગઇ હોય તો કાનને મળતો લોહીનો પુરવઠો ઘટી જાય છે. આ તકલીફ માત્ર દવા દ્વારા ઘટાડી શકાય છે, પરંતુ નસ વધુ પડતી દબાઇ ગઇ હોય તો રિકવરી મુશ્કેલ બને છે અને કાયમી બહેરાશ આવી જાય છે.

નાક

શ્વાસની બીમારીમાં ઇનહેલર ઉપયોગી નીવડે છે. શ્વાસોચ્છવાસ લેવામાં ખૂબ તકલીફ થાય તો રેસ્પિરેટરની મદદ લેવી પડે છે.

અસ્થમાની ઉગ્રતા વધી જાય તો એન્ટિ-ઇન્ફલેમેટરી ધુમાડો આપીને ફૂલી ગયેલી શ્વાસનળી નોર્મલ કરી શકાય છે.

ગળું

મીઠાના પાણીના કોગળા કરવા. ઠંડુ ને તીખું ખાવું નહીં. એન્ટિ-એલર્જિક દવાથી ગળાની ખરાશ દૂર થાય છે.

હાનિકારક રસાયણો

કોપર : કોપર ડસ્ટ અને ધુમાડાને લીધે શ્વાસનલિકા ફૂલી જાય છે. વધુપડતી માત્રા મગજ,ચામડી,લિવર તથા પેન્ક્રિયાસ પર અસર કરે છે.

કેડિયમ : આ રાસાયણિક તત્વ શરીરમાં જતાં કિડની અને એનિમિયા (રક્તક્ષય) જેવી બીમારી થાય છે. કેડિયમ બ્લડપ્રેશર વધારે છે અને એનાથી હાડકાં બરડ થઇ જતાં મલ્ટિપલ ફ્રેકચર થાય છે.

લેડ : સીસા તરીકે ઓળખાતું આ કેમિકલ મજ્જાતંત્ર પર અસર કરે છે. એનાથી ફેફસાનું કેન્સર અને કિડનીની બીમારી થાય છે અને નાનાં બાળકોના મગજ પર આડઅસર કરે છે.

ફોસ્ફરસ : ફટાકડામાં કેમિકલ રીએકશનને લીધે નીકળતું ફોસ્ફરસ મજ્જાતંત્ર,લિવર તથા આંખોને નુકસાન કરે છે.

સલ્ફર : ડાયોકસાઇડ તરીકે નીકળતું આ રસાયણ ચામડી અને શ્વસનળી માટે અત્યંત હાનિકારક છે.

ધ્વનિ પ્રદૂષણ

અવાજને ડેસિબલમાં માપવામાં આવે છે. આનું માપ ઝીરોથી શરૃ થાય છે. ઝીરો ડેસિબલ એટલે નીરવ શાંતિ. અવાજનું પ્રમાણ દસ ડેસિબલ વધે એટલે આગલા માપ કરતાં અવાજ બમણો થયો ગણાય.

સામાન્ય વાતચીત વખતે ૬૦ ડેસિબલ અવાજ થાય છે. રેફ્રિજરેટર અને વોશિંગ મશીન ૪૫ થી ૫૦ ડેસિબલ અવાજ કરે છે. આની સામે બ્લેન્ડર કે ગાર્ડનમાં ઘાસ કાપવાનું મશીન ૯૦ ડેસિબલ અવાજ કરે છે.

રોક કોન્સર્ટ કે પાવર ડ્રીલ મશીન ૧૪૦ ડેસિબલ, શહેરનો ટ્રાફિક ૮૦ ડેસિબલ, ઘોંઘાટવાળી ઓફિસ ૭૦થી ૮૦ ડેસિબલ તથા લાઉડ પર્સનલ સ્ટિરિયો ૧૨૦ ડેસિબલ જેટલો અવાજ કરે છે.

આની સરખામણીએ અમુક ફટાકડાનું ડેસિબલ લેવલ વધુ હાનિકારક છે. એટમ બોમ્બ,રસ્સી બોમ્બ અને વોલ્કેનો ૧૩૦ ડેસિબલ અવાજ કરે છે.

તાજમહલ ૧૧૦ ડેસિબલ તેમ જ લાંબી લૂમ ૧૪૦થી ૧૫૦ ડેસિબલ જેટલો પ્રચંડ ઘોંઘાટ કરે છે.

ચાઇના ડ્રેગન ૮૦-૧૧૦ ડેસિબલ,ફુવારા ૮૫ ડેસિબલ, ઇલેકટ્રિક ક્રેકર ૧૩૦.પ ડેસિબલ અને ડીલક્સ ઇલેકટ્રિક ક્રેકર ૧૩૧ ડેસિબલ અવાજ કરે છે.

એક અભ્યાસ પ્રમાણે ૮૫ ડેસિબલ જેટલો એવાજ સતત કાને પડતો રહે તો શ્રવણશક્તિને અસર થાય છે. એક મિનિટથી વધુ સમય સુધી ૧૧૦ ડેસિબલ તેમ જ પંદર મિનિટ સુધી ૧૦૦ ડેસિબલ જેટલો અવાજ સાંભળવાથી કાયમી બહેરાશ આવી શકે છે.

૧૨૫થી ૧૫૫ ડેસિબલ જેટલો પ્રચંડ અવાજ કરતા ફટાકડા સરેરાશ દસ ફૂટ દૂર ફૂટે તો કાનને ગંભીર હાનિ પહોંચાડી શકે છે.

આ બધી વાતો વાંચ્યા જાણ્યા પછી તમે જ વિચારો કે દિવાળીનો આનંદ ઉમંગ માણતા કોઈને નુકસાન થાય તો એ શું કામનું. ફટાકડા ફોડવાને બદલે ઝગમગ રોશની ફેલાવતાં દીવડાં પ્રગટાવો અને ફટાકડા ફોડવાં જ હોય તો ધૂમધડાકા ઓછાં થાય, બહુ ધુમાડો પેદા ન થાય તેવા ફટાકડા ફોડો.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Post Comments