Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિશુના સ્વાસ્થ્ય અને વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવતાં આહાર

તંદુરસ્ત બાળક કે શક્તિશાળી જુવાનનો મજબૂત પાયો તો બચપણમાં જ ચણાય છે. માતાએ નવજાત શિશુના ઉછેરમાં પહેલેથી જ ધ્યાન આપ્યું હોય તો બાળકની પ્રતિકારશક્તિ પણ ખીલી ઊઠે છે. આ મહત્ત્વની વાત સમજીને દરેક માતાએ બાળકનું લાલનપાલન કરવું જોઈએ.

બાળક  ચાર મહિનાનું થાય ત્યાં સુધી એને ધન આહારની જરૃર પડતી નથી. ત્યાં સુધી માતાનું દૂધ પૂરતું છે. પાંચમા મહિનાથી માતાના દૂધ ઉપરાંત બહારનાં દૂધ, અનાજ, કઠોળ, શાકભાજી વગેરે ધીરે ધીરે દાખલ કરવાં જોઈએ.

શરૃઆતમાં એક-બે ચમચી દાળ-ચોખાનું ઓસામણ આપવું. ધીરે ધીરે તે વઘારીને ૧૦-૧૫ ચમચી જેટલું આપી શકાય. આ ઓસામણમાં ભાત, દાળ, બાફેલાં શાકભાજી મસળીને જાડું બનાવી શકાય.

છ-સાત મહિનાનું બાળક સહેજ ઘટ્ટ હોય એવી વસ્તુઓ ખાઈ શકે છે. એક વરસનું બાળક સારી રીતે બાફેલી ઘરની જ વાનગીઓ ખાઈ શકે છે. નાના બાળક માટે મિશ્રણમાંથી કેટલીક વાનગીઓ ઘેર બનાવી શકાય.

દા.ત.: અ: બાજરી (શેકેલી) : ૬૦૦ ગ્રામ

મગની દાળ (શેકેલી) : ૬૦૦ ગ્રામ

સાકર : ૪૦૦ ગ્રામ

બ : આખા ઘઉં (શેકેલા) : ૪૦૦ ગ્રામ

મગની દાળ (શેકેલી) : ૨૫૦ ગ્રામ

ગોળ : ૨૦૦ ગ્રામ

આ બે જાતનાં મિશ્રણો બનાવવાની એક જ રીત છે. બધી વસ્તુઓને શેકીને જુદી જુદી દળવી. બધી પાવડર જેવી બનાવી ભેળવી દેવી.  આ મિશ્રણ હવા ન લાગે એવા ડબ્બાઓમાં ભરવું. મિશ્રણના ત્રણ ચમચા થોડા ગરમ પાણીમાં ભેળવીને બાળકને આપી શકાય.

પૂરક ખોરાક માટે બાળકને નીચે મુજબનું તૈયાર  મિશ્રણ આપી શકાય. ઉંમર અને સ્વાદ અનુસાર એવી અનેક વાનગીઓ બનાવી શકાય.

ઘઉં અથવા બાજરી અથવા રાગી (શેકેલા) : ૬૦૦ ગ્રામ

મગની અથવા કોઈ પણ દાળ (શેકેલી) : ૧૫૦ ગ્રામ

સીંગદાણા (શેકેલા) : ૧૦૦ ગ્રામ

આ પ્રમાણે મિશ્રણ બનાવી, દળાવી, હવાચુસ્ત ડબ્બામાં ભરવું. તે બે કે તેથી વધુ અઠવાડિયા સુધી ટકે છે. દૂધ, ખાંડ, ગોળ, ઘી, તેલ,  શાકભાજી, મસાલા વગેરે વાપરીને આ લોટની કાંજી, રાબ, લાપસી, શીરો, ઉપમા, લાડુ, સુખડી, ચીકી તેમ જ ભજીયાં, પૂરી ઢેબરાં જેવી જુદી જુદી વાનગીઓ બનાવી શકાય છે. મોટા બાળકનાં ખોરાક વિશે કેટલીક ખોટી માન્યતાઓ છે. એ પૈકી કેટલીકની ટૂંકી ચર્ચા કરીએ :

૧) ઘન ખોરાક આપવામાં વિલંબ : અડધો અડધ બાળકોને ધાવણ ઉપરાંતનો ખોરાક વર્ષ પછી જ શરૃ કરવામાં આવે છે. મોડેથી ખોરાક આપવા માટેનાં કારણો આ પ્રમાણે છે :

* બાળકને દાંત આવ્યા પહેલાં ઘટ્ટ ખોરાક ન આપી શકાય.

* બાળક ચાલતાં શીખે એ પહેલાં ઘટ્ટ ખોરાક આપવાથી પેટ ભારે થાય અને મોડું ચાલતાં શીખે.

* અમુક સામાજિક - ધાર્મિક વિધિ પછી જ ખોરાક આપી શકાય.

આ બધી ખોટી માન્યતાઓ છે, તેથી લોકો ડૉક્ટરની સલાહ પણ માનતા નથી! પણ નવાઈની વાત એ છે કે આ જ વસ્તુઓ ડબ્બામાં પાવડર રૃપે (દા.ત. ફેરેક્સ, બાળ અમૂલ) મળે છે, તે પૈસા ખર્ચીને ખરીદતાં તેઓ અચકાતા નથી!

૨) માફક ન આવે તેવો ખોરાક : ધાવણ ઉપરાંતનો ખોરાક બાળકને માફક આવે એ રીતે બનાવવો જરૃરી છે. જો બાળકને ભાખરીનો ટુકડો આપશો, તો તે થોડો વખત ચાવશે, કંટાળશે ને પછી ફેંકી દેશે. મોટાઓ માટે બનાવેલાં તીખાં દાળ-શાક તો તે નહીં જ લે.

૩) આરોગ્ય ખોરાક : ધાવણ છોડવાની સાથે જ્યારે ખોરાકની શરૃઆત કરવામાં આવે ત્યારે બાળકને કાંજીવાળા અને કાર્બોદિત પદાર્થો જ વધારે અપાય છે. (સાબુદાણા, ચોખા, ઘઉં વગેરે) પછી એને દૂધ આપવામાં આવતું નથી, જેને લીધે બાળકને પ્રોટીન ઓછું પડે છે.

૪) વારંવાર ખાવા ન મળે : બાળકને વારંવાર ખાવા જોઈએ છે. પરંતુ કુટુંબના રિવાજ પ્રમાણે એને અનુસરવું પડે છે. ઘણાં કુટુંબોમાં બે જ વાર ખાવાનો રિવાજ હોય છે. વચ્ચે નાસ્તો અપાતો નથી. આવે વખતે બાળકને બે વખતના ભોજનમાંથી જોઈએ તેટલો ખોરાક મળતો નથી.

૫) અપૂરતો ખોરાક : ઉછરતા બાળકને વધુ ખોરાકની જરૃર હોય છે. એક વરસના બાળકનું વજન પુખ્ત ઉંમરની વ્યક્તિના ૧૫ ટકા જેટલું હોય છે. પણ ખોરાકની જરૃર ૪૦ ટકા જેટલી હોય છે. કિશોર અવસ્થામાં (૧૪ વર્ષની આસપાસ) એને મોટા માણસ જેટલો જ ખોરાક જોઈએ છે. પણ વધારે પડતું ખાય છે એ બીકે મા-બાપ એને જોઈએ તેટલો ખોરાક આપતાં નથી.

૬) તાવમાં ભૂખ્યા રહેવું : તાવ દરમિયાન બાળકને ઓછો ખોરાક અપાય છે. ખરું જોતાં શરીરને વધારે પડતું કામ કરવાનું હોવાથી વધારે ખોરાકની જરૃર પડે છે. માંદગી દરમિયાન બાળકનું ૧૦-૨૦ ટકા વજન ઓછું થાય છે. મૂળ સ્થિતિમાં આવતાં ૮-૧૨ અઠવાડિયા થાય છે. માંદગી દરમિયાન બાળક ખાવાનું માગે તો આપવું. રોજિંદો ખોરાક ન ખાવો હોય તો જુદો રૃચિકર ખોરાક આપવો, પણ તેને આગ્રહપૂર્વક ખવડાવવું જોઈએ. અલબત્ત બળજબરી ન કરવી જોઈએ.

૭) ખોરાકની યોગ્યતા વિશે માન્યતા : ખોરાક શરીરને 'ગરમ' કે 'ઠંડો' પડે એવી માન્યતા ઘણાં મા-બાપ ધરાવતાં હોય છે. ખાંસી વખતે 'ઠંડી' વસ્તુઓ (લીંબુ, છાશ, કેળુ, જામફળ, પાલક વગેરે) આપતી નથી. તાવ વખતે 'ગરમ' વસ્તુઓ (રીંગણ, પપૈયું, કેરી, સીંગદાણા) આપતી નથી. બીજી એક ખોટી  માન્યતા છે કે ચણાની દાળ ખાવાથી ઝાડા થાય છે. સીંગદાણા ખાવાથી ખાંસી ને ઉલટી થાય છે. ગળ્યું ખાવાથી કૃમિ થાય છે. ખરું જોતાં કોઈ પણ વસ્તુ વધુ પડતી ખાવાથી અપચો કે ઝાડા થાય છે. જે પદાર્થોમાં કૃમિનાં ઈંડા હોય એવા પદાર્થો ખાવાથી કૃમિ થાય છે.

બજારમાં ઉઘાડી મૂકેલી ખાદ્ય વસ્તુઓ પર માખીઓ બેસે છે. તેમાં કૃમિનાં ઈંડા હોવાની શક્યતા રહે છે. ઘરે બનાવેલી સ્વચ્છ, મીઠી વસ્તુ ખાવાથી કૃમિ થતા નથી. કૃમિના ઈંડાવાળું પાણી પીવાથી પણ કૃમિ થાય છે.

૮) ખોરાક બનાવવાની ખોટી રીતો : ખોરાક પકાવવાની ખોટી રીતને કારણે ખોરાકનું પૌષ્ટિક તત્ત્વ ઓછું થાય છે. વધારે પડતા પોલિશ કરેલા ચોખા, તેને ચોળીને ધોવાની રીત, વધારે પડતું બાફવું કે શેકવું, ખાવાના સોડાનો ઉપયોગ, અમુક શાકભાજીના ઉપયોગી છાલ-પાંદડાં ફેંકી દેવાથી પૌષ્ટિકતા ઘટે છે. શાકભાજીનું વધારાનું પાણી દાળમાં વાપરી શકાય.

કેટલાંક શાકભાજી કાચાં કચુંબર રૃપે ખાઈ શકાય. ફણગાવેલા કઠોળમાં વધારે વિટામીન હોય છે. જુદી જુદી જાતનાં અનાજ, કઠોળ વગેરે ભોજનમાં હોવા જોઈએ. જેથી એકની ઉણપ બીજા દ્વારા પૂરી થાય. ખોરાક બનાવવામાં થોડોક ફેરફાર કરવાથી તે જ ખોરાક વધારે સ્વાદિષ્ટ અને પોષ્ટિક બની શકે.

૯) બાલઆહારના ડબ્બા : જાત-જાતના અનાજ અને કઠોળ વાપરીને જ બાલઆહારના પાવડર બને છે. તો ઉપર બતાવ્યા મુજબ ઘરે પૂરક મિશ્રણ શા માટે ન બનાવવું?

બાળકના ખોરાક વિશે કેટલાંક મહત્ત્વના મુદ્દા

* પહેલા ચાર-છ મહિના સુધી બાળકને ફક્ત ધાવણ આપવું. ચોથા મહિનાથી દર મહિને એક એક વખતનું ધાવણ છોડાવીને તેને બદલે બહારનું દૂધ કે ધન ખોરાક આપવો.

* બાળક ૯-૧૦ મહિનાનું થાય ત્યારે ધાવણ બંધ કરવું.

* ડેરીનું કે દૂધવાળાનું દૂધ, થોડી ખાંડ નાખીને પાણી નાખ્યા વગર વાપરવું. તાજું દૂધ ન મળતું હોય તો જ પાવડરનું દૂધ વાપરવું.

* ચોથે-પાંચમે મહિને દૂધ ઉપરાંત અન્ય ખોરાક ચાલુ કરવો. શરૃઆતમાં ચમચીથી રેડી શકાય તેવો પ્રવાહી ખોરાક દા.ત. દાળભાતનું ઓસામણ, બાફેલાં શાકભાજીનો રસ, મોસંબી, સંતરાનો રસ, કેળાં, પપૈયા, ચીકુ, બાફેલુ સફરજન, છુંદીને, દૂધમાં ઘૂંટીને એકદમ પાતળું બનાવીને આપવું.

* છઠ્ઠે મહિને ખીર, રાબ, લાપસી જેવી જરા ઘટ્ટ વાનગી આપવી.

* સાત-આઠ મહિના પછી નરમ-પોચો ખોરાક આપવો. દા.ત. દૂધ-ભાત, દહીં-ભાત, દાળ-ભાત, ઢીલી ખીચડી દૂધમાં ચોળેલી બાફીને છૂંદેલા બટાકા, અન્ય મિશ્રણ વગેરે.

* બીજા વર્ષમાં ઘરમાં બનતો લગભગ બધો ખોરાક બાળકે લેવો.

* એક સમયે એક જ ખોરાક શરૃ કરો. પછી દર અઠવાડિયે જુદી જુદી જાતનો ખોરાક ઉમેરતાં જાઓ.

* શરૃઆતમાં બાળક ખોરાક ન સ્વીકારે તો બહુ આગ્રહ  ન કરો. પરાણે ખવડાવવાથી અરુચિ થશે. ધીરજ ને સમજાવટથી ખોરાક લેશે.

* શક્ય હોય તેટલો વિવિધ ખોરાક આપો. બાળકની રુચિ મુજબ ગળપણ, ખટાશ, મીઠું, મસાલો ઉમેરવાથી બાળકને ખોરાક ભાવશે.

* દૂધ ન ભાવે તો દૂધની વાનગીઓ જેવી કે દહીં, દૂધ-પૌઆં, ચોખાની ખીર, ખીચડી-દૂધ, રોટલી-દૂધ વગેરે આપો.

* બાળક માગે તેટલું ખવડાવો. વધારે ખાશે તો નહીં પચે, એવી શંકા રાખશો નહીં.

* ધાવતા બાળકને વિટામીનના ટીપાંની જરૃર હોતી નથી.

* દૂધ અને આહારના ડબ્બાની લલચાવનારી જાહેરાતોમાં ફસાશો નહીં.

જંતુઓનો ચેપ લાગીને જે રોગો થાય છે, એને ચેપી રોગો કહેવામાં આવે છે. શરીરમાં જુદા જુદા માર્ગેથી રોગનાં જંતુઓ દાખલ થાય છે. શરદી, ખાંસી, ન્યુમોનિયા, ટીબી, ફટાટિયું, ઓરી અછબડા, શીતળા જેવા રોગોનાં જંતુઓ હવામાં હોય છે.

તે શ્વાસની સાથે નાક, ગળા ને છાતીમાં દાખલ થાય છે. ધનુર, હડકવા અને પરુનાં જંતુઓ શરીર પરના જખમમાંથી દાખલ થાય છે. સૂક્ષ્મ કૃમિ માટીમાંથી ઉઘાડા પગમાં પ્રવેશ કરે છે. ઝાડા, ઉલટી, મરડો, કોલેરા, ટાઈફોઈડ, કમળો, બાળલકવા જેવા રોગનાં જંતુઓ તથા ઘણી જાતના કૃમિ પાણી ખોરાકની સાથે પેટમાં દાખલ થાય છે. હાથ અને નખના  મેલ મારફતે પણ ચેપ લાગી શકે છે.

ચેપથી બચવા નીચે મુજબ સાદા ઉપાયો અજમાવો :

* બાળકને બહાર જતી વખતે બૂટ ચંપલ પહેરાવવાં. પોતે પણ પહેરવાં.

* ખુલ્લામાં ઝાડે ન જવું. સ્વચ્છ જાજરૃનો ઉપયોગ કરવો.

* ઝાડે જઈ આવ્યા પછી સાબુથી હાથ ધોવા.

* શક્ય હોય તો ઉકાળેલું પાણી પીવું. ઘરમાં ઢાંકી રાખેલું પાણી ડોયાથી લેવું.

* શાકભાજી કાચા ખાતાં પહેલાં બરાબર ધોવાં.

* ખાવાની વસ્તુઓ હંમેશા ઢાંકીને રાખવી. બજારની ઉઘાડી વસ્તુ ન ખાવી.

* રાંધતા અને જમતા પહેલાં હાથ સાબુથી ધોવા.

* ઘરની આજુબાજુ કચરો ન ફેંકવો. દૂર કચરાના ખાડા કે પેટીમાં નાંખવો.

* સવારે ઊઠયા પછી ને રાતે સૂતાં પહેલાં દાતણ કે બ્રશથી દાંત સાફ કરવા.

* આંગળાના નખ નિયમિત કાપીને સાફ રાખવા.

* રોજ સાબુથી નાહીને શરીર અને વાળનો મેલ કાઢવો.

- જયંવતી


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamacharPost Comments