Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગર્ભાવસ્થા સિવાય પણ વિલંબમાં પડી શકે માસિક

વધારે પડતી માનસિક તાણ પણ માસિકની અનિયમિતતા માટે જવાબદાર હોઈ શકે. નિષ્ણાત તબીબો કહે છે કે જે યુવતીઓ હમેશાં માનસિક તણાવ હેઠળ રહેતી હોય તેમને વાળ ખરવા, રાત્રે નીંદર ન આવવી, ત્વચામાં પરિવર્તન આવવું, વજન વધ-ઘટ થવું જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

કૃપાને માસિક આવવામાં વિલંબ થતાં તેનો જીવ તાળવે ચોંટી ગયો હતો. તેના મગજમાં સતત એક જ વિચાર ભમતો હતો કે શું તે ફરીથી ગર્ભવતી બની છે? તેનો મોટો પુત્ર આઠ વર્ષનો હતો અને નાની પુત્રી પાંચ વર્ષની હતી. તેને ત્રીજું સંતાન નહોતું ખપતું.

બાળકોને શાળાએ મોકલ્યા પછી તેણે ઘરમાં જ પ્રેગનેન્સી ટેસ્ટ કર્યો. પણ તે નેગેટિવ આવતાં તેનો જીવ હેઠો બેઠો. આમ છતાં તેને આ ટેસ્ટ પર સો ટકા ભરોસો ન બેઠો. કૃપાએ બીજે દિવસે પોતાના ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો.

બીજે દિવસે ગાયનેકોલોજિસ્ટની મુલાકાત દરમિયાન કૃપાને ખાતરી થઈ કે તે ગર્ભવતી નથી. તેને માટે આ મોટી રાહતની વાત હતી. પણ તો પછી તેનું માસિક મોડું પડવાનું કારણ શું? આના જવાબમાં કૃપાના ગાયનેકોલોજિસ્ટે તેને કહ્યું હતું કે...

ક્યારે પણ માસિક આવવામાં વિલંબ થાય એનો અર્થ એવો નથી થતો કે જે તે યુવતી સગર્ભા છે. માસિક ન આવવાના અન્ય પણ ઘણાં કારણો હોય છે. જેમ કે મેનોપોઝ વહેલું આવવું. તેમણે કૃપાને આનો અર્થ સમજાવતાં કહ્યું હતું કે સામાન્ય રીતે મેનોપોઝ ૪૦ વર્ષની વય પછી આવે છે. પરંતુ ૧૦૦ માંથી એકાદ મહિલાને મેનોપોઝ ઘણું વહેલું આવી જાય એવું પણ બને. જો કોઈ યુવતીનું માસિક લંબાઈ જાય અથવા  અનિયમિત થઈ જાય તો તેણે તરત જ ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. આ સિવાય જો કોઈ યુવતીને વારંવાર શરીરમાં ગરમીનું  મોજું ફરી વળતું હોય, રાત્રે પરસેવાથી રેબઝેબ થઈ જવાતું હોય, ત્વચામાં ફેરફાર જણાતો હોય, રાત્રે વારંવાર નીંદર ઉડી જતી હોય, યોનિમાં શુષ્કતા વરતાતી હોય તો તેણે તરત જ તબીબની સલાહ લેવી જોઈએ. કારણ કે આ બધા લક્ષણો વહેલા મનોપોઝના હોઈ શકે.

વધારે પડતી માનસિક તાણ પણ માસિકની અનિયમિતતા માટે જવાબદાર હોઈ શકે. નિષ્ણાત તબીબો કહે છે કે જે યુવતીઓ હમેશાં માનસિક તણાવ હેઠળ રહેતી હોય તેમને વાળ ખરવા, રાત્રે નીંદર ન આવવી, ત્વચામાં પરિવર્તન આવવું, વજન વધ-ઘટ થવું જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આનું કારણ એ છે કે આપણા મગજના જે ભાગમાં હોર્મોન્સ પેદા થતાં હોય છે તેના ઉપર માનસિક તણાવની ઘેરી અસર પડે છે. તેને કારણે હોર્મોન્સ પેદા થવામાં અડચણ આવે છે. પરિણામે જે તે યુવતીનું માસિક પણ અનિયમિત થાય છે. કોઈક કેસમાં માસિક આવવાનું બંધ થઈ જાય એવું પણ બને. બહેતર છે કે આવી યુવતીઓ સૌથી પહેલા પોતાના ટેન્શનને અંકુશમાં લે.

કેટલીક વખત સઘન કસરત કરતી છોકરીઓનું માસિક લંબાઈ જવાની શક્યતા રહે છે. અલબત્ત, નિયમિત રીતે જોગિંગ કે એક્સસાઈઝ કરવાથી માસિકને કોઈ અસર નથી થતી. પરંતુ જ્યારે કસરત વધારે પ્રમાણમાં કરવામાં આવે ત્યારે તેમાં ભરપૂર ઊર્જાનો વપરાશ થાય છે. આવી સ્થિતિમાં શરીર સ્વયં પોતાનું ઓછું જરૃરી જણાતું કાર્ય અટકાવી દે છે. શરીરની આવી પ્રતિક્રિયામાં માસિકનો સમાવેશ પણ થાય છે. જોકે મહત્ત્વની વાત એ છે કે જો સંબંધિત યુવતી કસરતનું પ્રમાણ ઓછું કરી નાખે તો તેનું માસિક અગાઉની જેમ નિયમિત થઈ જાય છે.

ચોક્કસ પ્રકારની ઔષધિઓ પણ માસિકના સમયને બદલી નાખે છે. નિષ્ણાતો કહે છે કે કેટલીક દવાઓ તમારા શરીરને માસિક અટકાવી દેવાના સૂચનો કરે છે. કેટલીક એન્ટિબાયોટિક્સ, ગર્ભનિરોધક ગોળીઓ અને એન્ટિડિપ્રેશન ઔષધિઓ જે તે યુવતીના હોર્મોન્સના સ્તરને ખોરવી નાખે છે. પરિણામે તેમની મેન્સ્ટ્રુઅલ સાઈકલ પણ અનિયમિત થઈ જાય છે. આથી જો તમે આ પ્રકારની કોઈ દવા લેતા હો અને તમારું માસિક લંબાઈ જાય તો ગભરાવાને બદલે તરત જ તબીબનો સંપર્ક કરવો.

મેનોપોઝ વહેલું આવે તો જે તે મહિલાની નીંદર ઓછી થઈ જાય. પરંતુ જો કોઈના સુવાના સમયમાં ધરખમ ફેરફાર આવે તોય તેના માસિકને અસર થાય. જેમ કે વધારે પડતો પ્રવાસ કરતી યુવતીઓ વારંવાર જુદા જુદા ટાઈમ ઝોનમાં પ્રવેશે છે. તેની સીધી અસર તેના પિરિયડ્સ પર થાય છે. તેવી જ રીતે જે મહિલાઓની કામની શિફ્ટ વારંવાર બદલાતી હોય તેમને પણ માસિકની અનિયમિતતા નડે છે.
- વૈશાલી ઠક્કર

Post Comments