Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પતિ-પત્ની એકમેકથી અમુક વાતો 'સિક્રેટ' રાખતાં પણ શીખે

- તમારા જીવનસાથીને થોડીક 'સ્પેસ' આપશો તો એ તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે

મુંબઈમાં એવા લોકો પણ છે જેઓ નિજાનંદ માટે પોતાની એક્સ બોયફ્રેડ કે ગર્લફ્રેન્ડ સાથે અલપઝલપ મેળમેળાપ કરી લે છે અને એ પણ પોતાના લાઈફ પાર્ટનરની જાણ બહાર! કોર્પોરેટ એક્ઝિક્યુટિવ નિરંજન પટેલ કહે છે, 'હું હજુ પણ મારી ભૂતપૂર્વ પ્રેમિકાના સંપર્કમાં છું પણ મને ખબર છે કે મારી પત્ની એ સ્વીકારી નહિ શકે. એટલે હું એને કહેતો જ નથી!'

આખા વરસમાં પ્રશાંત વૈદ (નામ બદલ્યુ છે) બે શનિવારે ઓફિસમાં અચૂક 'ગુલ્લી' મારે છે. વરસોથી એણે જુલાઈ અને ડિસેમ્બર એન્ડમાં શનિવારે સીએલ લેવાનો નિયમ બનાવ્યો છે. પ્રશાંત પરણેલો છે અને બે દીકરાનો બાપ છે. છતાં આ બે દિવસોએ એ પોતે ક્યાં જાય છે અને શું કરે છે એ વિશે ઘરમાં પોતાની પત્ની જિજ્ઞાાને પણ કશું કહેતો નથી.

એ ખાસ દિવસે પ્રશાંત રોજના ટાઈમે જ ઓફિસે જવા નીકળે છે પણ ઓફિસે જવાને બદલે મરીન ડ્રાઈવ કે વરલી સી-ફેસની પાળી પર જઈને બેસે છે. જૂન-જુલાઈમાં મેહુલો મન મૂકીને વરસ્યા બાદ ગાંડોતૂર બનેલો દરિયો જોવો એને ગમે છે. લગભગ બે કલાક સુધી મોજાનું એકધારું તોફાન જોયા બાદ પ્રશાંત એકાદ બારમાં જઈને બિયરનો ઓર્ડર આપે છે.

અતીતની યાદો સાથે બિયરની લિજ્જત માણવી એને પસંદ છે. પછી કોઈક સારી હોટલમાં જમી પ્રશાંત મેટ્રો કે ઇરોસ જેવા થિયેટરમાં બપોરના ત્રણના શોમાં ફિલ્મ જોવા બેસી જાય છે. છ વાગે ફિલ્મનો શો છૂટયા બાદ એ ઘરે પહોંચીને પણ પ્રશાંત જિજ્ઞાા અને બાળકો સમક્ષ પોતે ઓફિસેથી આવ્યો હોય એવો જ દેખાડો કરે છે. જિજ્ઞાાને આજ દિન સુધી પતિની આ 'સિક્રેટ' પ્રવૃત્તિ વિશે ખબર નથી.

'આજે મને ઊંઘ નથી આવતી. બહુ એકલુ લાગે છે. હું સેલફોન સામે તાકી રહું છું. હમણાં રાકેશનો ફોન આવશે. અથવા તો એ એસએમએસ કરશે. રાતના ૧૦ થવા આવ્યા છતાં એનો પત્તો નથી. એ ઓફિસમાં 'પેલી'ની સાથે હશે કે પછી કૉમ્પ્યુટર પર પોતાના કામમાં બિઝી હશે? જે હોય તે! હું તો હવે સૂઈ જાઉં છું ગુડનાઈટ!' આ અમિતા જૈન (નામ બદલ્યુ છે)ની સિક્રેટ ડાયરીનું એક પાનુ છે.

અમિતા પોતાનું 'સિક્રેટ' અમારી સાથે વહેંચતા કહે છે, 'ડાયરી લખવાનું હું એક દિવસ પણ ચુકતી નથી. મારા હસબન્ડ સૂતા હોય કે બહાર ગયા હોય ત્યારે જ હું ડાયરી લખું છું. અમારી વચ્ચે ક્યારેક ઝઘડો થયા બાદ હું મારી લાગણીઓ ડાયરીના પાના પર ઉતારી લઉં છું. મારી પર્સનલ ડાયરી મને એક સિક્રેટ પાર્ટનર અને પર્સનલ સ્પેસ આપે છે.'

આ બન્ને કેસ વાંચીને મનમાં એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે શું પતિ-પત્ની એકબીજાથી આવા 'સિક્રેટસ' છુપાવતા હશે? શું એ સારી વાત કહેવાય? સાઈકોલોજિસ્ટો (માનસશાસ્ત્રીઓ) કહે છે કે એકદમ સુખી દંપતિઓ પણ એકબીજાથી અમુક વાતો છુપાવતા હોય છે. 'આપણે સામાજિક પ્રાણીઓ છીએ પરંતુ આપણાં બધાનું એક આંતરમન (ઇન્નર પર્સોના) હોય છે જેના વિશે કોઈ જાણી જાય એવું આપણે બિલ્કુલ નથી ઇચ્છતા.

આવા મનમાં ધરબી રાખેલા સિક્રેટસ વ્યક્તિને અંદરથી વિકસવાનો અને પોતાની એક જુદી ઓળખ ઊભી કરવાનો મોકો આપે છે. આ બહુ કોમન ફિનોમિનન છે અને સાઈકોલોજીમાં એને 'મી એન્ડ આય' સિન્ડ્રોમ કહેવાય છે. એ માનવીને પરિતૃપ્તિનો અનુભવ કરાવે છે,' એમ સાઈકોલોજિસ્ટ મમતા પારેખ કહે છે.

છાનીછપની હોબી રાખીને પણ આવા પરમસુખનો અનુભવ કરી શકાય છે. મિડિયા કન્સલટંટ હીના શાહ પોતાનું 'સિક્રેટ' વહેંચતા કહે છે, 'મને ફોટોગ્રાફી ગમે છે એટલે હું ક્યારેક અમસ્તા જ મને ગમે એવા ફોટા પાડી લઉં છું. મારા બોયફ્રેન્ડને પણ આ વાતની ખબર નથી. કામના ભારણમાંથી હળવા થવાની આ મારી પોતીકી રીત છે.'

હીનાનો આ સ્પેશિયલ 'મી' ટાઈમ છે, જેના વિશે કોઈને કહેવાની એની ઇચ્છા નથી. પોતાના પ્રેમી સાથે પણ એ આ 'સિક્રેટ' વહેંચવા નથી માગતી. લોકો આત્માનંદ માટે જાતજાતની હોબીઓ વિકસાવે છે, સિક્રેટ ઈ-મેઈલ પાસવર્ડસ અને સેલફોન રાખે છે અને કેટલાક છુપેછુપે પોર્ન ફિલ્મો જુએ છે.

અમુક સજ્જનો ખાનગીમાં મિત્રો સાથે મહેફિલ જમાવે છે ત્યારે કેટલાક કુટુંબવત્સલો પોતાના પરિવારને કોઈ જાણી ન જાય એ રીતે મદદરૃપ થાય છે. અલ્પા જોશી (ખોટુ નામ છે) આવી જ એક પરિણીત યુવતી છે. એ કહે છે, 'હું મારા મા-બાપને મારા પતિની જાણ બહાર પૈસા મોકલતી હોઉં છું. હું નથી ઇચ્છતી કે મારા પતિના મનમાં મારા જરૃરિયાતમંદ પિયર વિશે ખોટી છાપ ઊભી થાય. હું મારા પતિ સાથે છેતરપિંડી નથી કરતી પણ આ મારી એકદમ અંગત બાબત છે.'

ક્યારેક જોહુકમી જીવનસાથીને કારણે પણ આવી પર્સનલ સ્પેસ રચવાની જરૃર ઊભી થાય છે. જ્યારે અમુક કેસમાં વ્યક્તિનો ઉછેર પણ એ માટે જવાબદાર હોય છે.

અલબત્ત, નાનકડુ છળ પણ સંબંધોમાં ખાનાખરાબી સર્જી શકે છે અને ક્યારેક શું હાનિકારક છે અને શું હાનિરહિત છે એ વચ્ચે એક પાતળી ભેદરેખા જ હોય છે. મુંબઈમાં એવા લોકો પણ છે જેઓ નિજાનંદ માટે પોતાની એક્સ બોયફ્રેડ કે ગર્લફ્રેન્ડ સાથે અલપઝલપ મેળમેળાપ કરી લે છે અને એ પણ પોતાના લાઈફ પાર્ટનરની જાણ બહાર! કોર્પોરેટ એક્ઝિક્યુટિવ નિરંજન પટેલ કહે છે, 'હું હજુ પણ મારી ભૂતપૂર્વ પ્રેમિકાના સંપર્કમાં છું પણ મને ખબર છે કે મારી પત્ની એ સ્વીકારી નહિ શકે. એટલે હું એને કહેતો જ નથી!'

પ્રાઈવસી અને સિક્રસીને એકબીજાથી જુદી પાડતી રેખા સાવ પાતળી છે. મેરેજ કાઉન્સેલર મહેશ જગત્યાની કહે છે, સંબંધ માટે પ્રાઈવસી સારી છે પરંતુ સિક્રસી આફત નોતરી શકે. દાખલા તરીકે, પોર્ન ફિલ્મ જોવી એ પ્રાઈવસી છે કારણ કે ઘણાં લોકો એ પોતાના આનંદ ખાતર જુએ છે.

પરંતુ ઇન્ટરનેટ પર ચેટિંગ કરતા કોઈની સાથે 'લફરુ' કરવું એ સિક્રસી છે, જે સંબંધ સામે મોટુ જોખમ સર્જી શકે. પાયાનો નિયમ એવો છે કે જો પતિ-પત્ની વચ્ચેના સંબંધોના મૂળમાં વિશ્વાસને કાયમ રાખવો હોય તો વ્યક્તિએ સિક્રેટ ઝોનમાં જવાનું ટાળવું જોઈએ.' ઘણાં કેસમાં લોકો માત્ર રોમાંચ ખાતર એક્સ ગર્લફ્રેન્ડને એસએમએસ કરતા હોય છે.'

જીવનસાથી સાથે પોતાના ભૂતકાળ વિશે ખુલાસો કરી લેવો એ એક સિધ્ધિ છે પણ એ માર્ગ પર બહુ સાવચેતીપૂર્વક ચાલવા જેવું છે. મનીષા આ સંબંધમાં પોતાનો અનુભવ વર્ણવતા કહે છે, 'મારા લગ્નની પહેલી રાતે જ મેં પતિને મારા ભૂતકાળ વિશે બધી વાત કરીને મન હળવું કરી લીધું.

મારા પ્રેમીના પત્રો અને એની ગિફ્ટસ પણ મેં એમને બતાવી. એમણે એ સહજ રીતે લીધું હોય એવું લાગ્યું અને હું આનંદમાં આવી ગઈ. જોકે, થોડા જ દિવસોમાં અમારી વચ્ચે ઝઘડાં શરૃ થઈ ગયા અને એ વખતે પતિદેવ મારા પ્રેમીને વચ્ચે લાવીને મને મ્હેણાંટોણાં કરતા. ત્યારે મને થતું કે મારા જેવી મૂરખ આ દુનિયામાં બીજી કોઈ નહિ હોય.'

ઘણાં નિષ્ણાતો તો દાંપત્ય જીવનમાં નખશીખ પ્રામાણિકતા દાખવવાની વિરુદ્ધમાં છે. મમતા પારેખ વાતને વિગતવાર સમજાવતા કહે છે, 'હું પરિણીત યુગલોને પોતાના ભૂતકાળ ન ઉખેળવાની સલાહ આપું છું. હું એવા ઘણાં યુગલોને ઓળખું છું જેઓ પોતાના જીવનસાથીના રંગીન ભૂતકાળ વિશે જાણ્યા બાદ જીવનમાં કદી એના પર ભરોસો નથી કરી શક્યા.'

લાઈફ પાર્ટનરની અણધારી હકીકતો સાથે વ્યક્તિનો સામનો થાય છે ત્યારે એનું મન દુભાવુ સ્વાભાવિક છે. એથી જ સાઈકોલોજિસ્ટ રાજેન્દ્ર બર્વે સૂચવે છે કે 'જો એનાથી કોઈ નુકસાન ન થવાનું હોય તો તમારા પાર્ટનરને સ્પેસ (મોકળાશ) આપો. એને લીધે તમારો સંબંધ વધુ મજબૂત બનશે.'

તાજેતરમાં જ પરણેલો તરુણ પોતાનો તાજો અનુભવ વર્ણવતા કહે છે, 'મેં લગ્ન કર્યા ત્યારથી હું શક્ય એટલી બાબતોમાં પત્નીને સહભાગી બનાવું છું. જોકે, હું કુંવારો હતો ત્યારની મારી સંપૂર્ણ આઝાદી મિસ પણ કરું છું. પહેલા મારે વેકેશન પર જવું હોય ત્યારે હું બેગ બિસ્તરા લઈને નીકળી પડતો. હવે હું એવું નથી કરી શકતો.'

એક અનુભવી મેરેજ કાઉન્સેલર વાતનું સમાપન કરતા કહે છે, 'જ્યારે પણ તમે કોઈ વાત સિક્રેટ રાખવાનું વિચારો ત્યારે તમારી જાતને જ પૂછો કે શું મારે આવું કરવું જોઈએ? આ બાબતમાં તમારા હૃદયની વાત સાંભળો.'

ટુંકમાં, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી છે એમાં કોઈ મીનમેખ નથી. પરંતુ તમારા જીવનની અમુક ખાટી-મીઠી તમારા લગ્નજીવનને નુકસાન ન કરતી હોય ત્યાં સુધી એ તમારા સુધી જ રાખો. એમાં કાંઈ બહુ ખાટુમોળુ નથી થઈ જતું.

Post Comments