Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોંઘવારીમાં ઘર-ખરીદી અને સુશોભન

- થોડી સૂઝ-સમજદારી અને વ્યાવહારિક અભિગમ અપનાવવો જરૃરી

આજના મોંઘવારીના સમયમાં ઘર ખરીદવું સહેલું નથી. મોટા ભાગના લોકો જીવનભરની મૂડીમાંથી ઘર ખરીદવાની ઇચ્છા પૂરી કરે છે. પરંતુ તે અગાઉ અભિમન્યુની જેમ સાત કોઠા પાર પાડવા પડે છે. બેંકમાંથી વીઆરએસ લેનારા સુમનભાઈએ એક ટાઉનશિપમાં ઘર ખરીદવાનો નિર્ણય કર્યો. પરંતુ તેમની અને તેમના દીકરા વચ્ચે કયા મજલે ઘર લેવું તે બાબતે ખટરાગ થયો હતો.

સુમનભાઈ બીજે, ત્રીજે કે ચોથે માળે ફલેટ ખરીદવા ઇચ્છતાં હતા. જ્યારે તેમનો દીકરો વીસમે માળે રહેવા જઈને 'ટૉપ ઓફ ધ વર્લ્ડ'ની અનુભૂતિ કરવા ઇચ્છે છે. સુમનભાઈ કહે છે કે વીજળી જતી રહે ત્યારે લિફટ બંધ પડી જાય તો ૨૦ દાદરા કઈ રીતે ઉતરાય-ચઢાય? આના જવાબમાં તેમનો દીકરો કહે છે કે વીજળી ન હોય ત્યારે જનરેટર દ્વારા લિફટ ચાલુ રહેશે. આ ઉપરાંત ટૉપ ફલોર પર ધ્વનિ અને વાયુ પ્રદૂષણ  પણ ઓછું હોય છે.

આજે ડ્રીમ હોમની કલ્પના કરનારા મોટા ભાગના લોકો સુમનભાઈના દીકરાની જેમ વિચારે છે અને ટાઉનશિપ પ્રોજેક્ટમાં જ ઘર લેવાનું પસંદ કરે છે. આ ઘર સ્ટેશન કે હાઈવેથી દૂર હશે તો ચાલશે. પણ સ્વિમીંગ પૂલ, ગાર્ડન, કલબ હાઉસ જેવી સુવિધા હોય તેવા ટાઉનશિપ પ્રોજેક્ટને હવે પ્રાધાન્ય આપવામાં આવે છે.

આ ઉપરાંત સ્કૂલ, હોસ્પિટલ, માર્કેટ ઘરથી કેટલા નજીક છે, આડોશી-પાડોશી કોણ છે જેવી બાબતોનો પણ વિચાર કરવામાં આવે છે. જેમ કે કમ્પ્યુટર પ્રોગ્રામર જયેશ શાહને પાડોશી તરીકે સર્વિસ સેકટરમાં કામ કરતાં નોકરિયાત જ જોઈએ છે. 'તેઓ અન્યો કરતાં નમ્ર અને પારકી પંચાતમાં ન પડનારા હોય છે. આથી આવા પાડોશીઓ હોય તો રહેવાની મજા આવે. તેઓ સુસંસ્કૃત હોય  છે' એવું જયેશનું માનવું છે.

વળી ટાઉનશિપમાં લોકોની નાની-નાની જરૃરિયાતને ધ્યાનમાં રાખવામાં આવે છે. આથી મેઈન્ટેનન્સ વધારે આપવું પડે તો પણ વાંધો આવતો નથી.

એક સમયે ભાઈ-બહેન તથા અન્ય સગાઓ જે વિસ્તારમાં રહેતા હોય તેની નજીક ઘર લેવાનું પસંદ કરવામાં આવતું હતું. પરંતુ હવે સારા લોકેશનને પ્રાધાન્ય આપવામાં આવે છે. આસપાસ  વૃક્ષો અને હરિયાળી હોય તો સોનામાં સુગંધ ભળ્યા સમાન લાગે છે.

આજે મોટાભાગના લોકો નવા કન્સ્ટ્રકશનમાં જ ઘર લેવાનું પસંદ કરે છે. અગાઉ જીવનભરની ભેગી થયેલી મૂડીમાંથી ઘર ખરીદવામાં આવતું હતું પરંતુ હવે લોન લઈને ઘર ખરીદાય છે. કેટલાક તો ઇન્કમ ટેક્સ બચાવવા લોન લઈને ઘર ખરીદવાનું પસંદ કરે છે. બેંકના વ્યાજને કાઢી નાંખો તો પણ ઇન્કમ ટેક્સ ભરવા કરતાં પોતાના નામ પર મિલકત થઈ જાય છે તે વ્યવહારિક વિચાર ઘર ખરીદી પાછળ હોય છે. આ જ કારણે ૧૫થી ૨૦ ટકા રકમ ભેગી થાય એટલે નવપરિણીતો પણ નવું ઘર ખરીદવાનું વિચારે છે.

વળી લોન લેવામાં આવે ત્યારે સંબંધિત પ્રકલ્પ કાયદેસર છે કે નહિ તેની ખાતરી બેંક કરે છે. આથી બેંકમાંથી લોન લઈને ઘર ખરીદવામાં આવે તો બિલ્ડર પાસેથી છેતરાવાની શક્યતા ઓછી રહે છે.
ઘર ખરીદતી વખતે બિલ્ડરની લોભામણી વાતો અને લલચામણી ઓફરમાં સપડાઈ ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવું. કાર્પેટ એરિયા, બિલ્ડઅપ, સુપરબિલ્ડઅપ, એફએસઆઈ જેવી બાબતે ખાસ સાવધ રહેવું. ઇમારતનું આઈઓડી છે કે નહિ, સીસી મળ્યું છે કે નહિ વગેરે બાબતની ખાતરી કરી લેવી.

ઘર ખરીદી લીધા પછી તેના સુશોભનનો વિચાર કરવાનો હોય છે. ઘર સુંદર દેખાય તે માટે આપણે ઘણા પ્રયત્નો કરીએ છીએ. તેને સજાવવા માટે જુદી જુદી જગ્યાએથી ખાસ વસ્તુઓ ખરીદવામાં આવે છે. ઘરની સુંદરતા સાથે રખાવટ પર પણ ધ્યાન આપવું જોઈએ. જેથી તેમાં રહેનારાઓને આરામદાયક અનુભૂતિ થાય.

જોકે એક કે બે બેડરૃમના ફલેટમાં અલગ ડાઈનીંગ રૃમ, સ્ટડીરૃમ અથવા ગેસ્ટ રૃમની કલ્પના કરી શકાય નહિ. એક જ ઓરડાનો ઉપયોગ એવી રીતે કરવાનો હોય કે તે એક સાથે બે-ત્રણ રૃમનંુ કામ આપી શકે. આ માટે યોગ્ય પ્લાનિંગ જરૃરી છે. જેથી અસુવિધાની અનુભૂતિ ન થાય. ઓરડાના લે-આઉટ પર ખાસ ધ્યાન આપવું.

- લિવિંગ રૃમના આકાર અને ખાલી જગ્યાને જોઈને ડાઈનીંગ ટેબલ માટે અલગ  જગ્યા ફાળવી શકાય છે. ફર્નીચરને વિશેષ સ્થાન પર મૂકીને ઓરડાને આકર્ષક દેખાવ આપી શકાય છે.
- જો બેઠક ખંડ અંગ્રેજી અક્ષર એલ 'ન્' આકારનો હોય તો તેને સહેલાઈથી બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. પડદા, લાકડાનું નકશીદાર પાર્ટિશન અથવા સામેની બાજુ ખોલી શકાય તેવા બે દરવાજાના કેબિનેટને અથવા ખુલી શેલ્ફને વચ્ચે મૂકી શકાય છે. આ રીતે એક જ ઓરડાને સરસ રીતે બે જુદા જુદા કામ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
- જો રૃમની ડિઝાઈન એવી હોય કે તેમાં ફેરબદલની ઝાઝી શક્યતા ન હોય તો તમારી પસંદ અને રૃમની ડિઝાઈન સાથે તાલમેલ બેસે તેવા ફર્નીચરને પસંદ કરવું.
- ફર્નીચર ખરીદતાં અગાઉ કાગળ પર ઓરડાની ડિઝાઈન દોરવી. તેમાં રહેલા દરવાજા, બારી, કબાટ, પાવર પોઈન્ટ વગેરે પણ દોરવા અને તેની ઊંચાઈ અને લંબાઈ લખી લેવી. આનાથી બાકીની જગ્યામાં કયા પ્રકારનું ફર્નીચર અને સુશોભનની વસ્તુઓ મૂકી શકાય તેનો ખ્યાલ આવશે.
- નાના ડ્રોઇંગ રૃમ માટે મોટી સાઈઝનું ફર્નીચર ન ખરીદવું. આવા ફર્નીચરથી હર-ફર કરવામાં તકલીફ થાય.
- સોફા, સ્ટોરેજ કબાટ અને લાંબા છોડના કુંડાને એવી રીતે મૂકો જેથી રૃમ બે હિસ્સામાં વહેંચાયેલો લાગે અને બન્ને હિસ્સા અલગ હોવાની પ્રતીતિ થાય.
- રૃમની સજાવટમાં રોજિંદા સામાનને એટલો ઠાંસી-ઠાંસીને ન ભરવો કે તેને કાઢવામાં તકલીફ થાય.
- ડાઈનીંગ ટેબલ મૂક્યું હોય ત્યાંથી રસોડામાં આવવા-જવામાં તકલીફ ન થાય અને ભોજન પીરસવાનું અસુવિધાજનક ન લાગે.
- શક્ય હોય તો બારીની નજીક ડાઈનીંગ ટેબલને મૂકવું જેથી  બહારના દ્રશ્યો જોતાં જોતાં જમવાની મજા લઈ શકાય.

એક જ રૃમને બે અથવા ત્રણ હેતુસર ઉપયોગમાં લેવાનો હોય તો તેની સજાવટ બે પ્રકારે કરી શકાય છે. પહેલાં પ્રકારમાં પ્રત્યેક વસ્તુ સામાન્ય-સાધારણ હોય. એક જ રંગનો ઉપયોગ રૃમના બન્ને હિસ્સાની દીવાલ તથા સજાવટની વસ્તુઓમાં કરવો. આનાથી નાનો રૃમ પણ મોટો હોવાનો અહેસાસ થશે.

રૃમના બન્ને ભાગની સજાવટમાં આભ-જમીન જેટલું અંતર ધરાવતી સ્ટાઈલનો ઉપયોગ ન કરવો. રંગ અને સ્ટાઈલનો મેળ ખાતો હોય તેવી વસ્તુઓ જ લેવી. જો રૃમમાં ગાલીચો અથવા કાર્પેટ પાથરવાની ઇચ્છા હોય તો ડાઈનીંગ ટેબલના ભાગમાં નીચે મોટા પગલૂછણિયાંને મૂકવું જેથી નીચે પડેલી ખાવાની વસ્તુને સહેલાઈથી સાફ કરી શકાય.

સમયની સાથે ફર્નીચરની સ્ટાઈલમાં પણ બદલાવ આવે છે. હાલમાં સ્ટ્રેઈટ લાઈન ફર્નીચરનો ટ્રેન્ડ છે. પરંતુ પરંપરાગત ફર્નીચર રાખનારાઓનો પણ તોટો નથી. ડ્રોઈંગરૃમ મોટો હોય તો એક ખૂણામાં સ્ટ્રેટલાઈન ફર્નીચર અને બીજા ખૂણામાં પરંપરાગત ફર્નીચર મૂકી શકાય.

હાલમાં લાકડાના ફર્નીચરની ઉપર લેમિનેટ અથવા વિનેયરને વધુ પસંદ કરવામાં આવે છે. કેટલાક લોકોને હજુ પણ પોલિશ કરેલું રાચરચીલું ગમે છે. રૉટ આયર્નનું ફર્નીચર સસ્તું હોય છે. પરંતુ સારું હોતું નથી. ઉઠતાં-બેસતાં તેમાં કપડાં ભરાવાનું અને ફાટવાનું જોખમ રહે છે. તેની ધાર એટલી તેજ હોય છે કે વાગી શકે છે. રૉટ આયર્ન ફર્નીચર ખરીદતી વખતે તેની ધાર પર ખાસ ધ્યાન આપવું. તમને ગમે તો લાકડા અને રૉટ આયર્નના ફર્નીચરને મિક્સ એન્ડ મેચ કરીને પણ સજાવી શકો છો.

સ્ટ્રેટલાઈન ફર્નીચરની જાળવણી કરવી સરળ રહે છે. માત્ર કપડાંથી સાફ કરવાથી તે સાફ થઈ જાય છે. પરંપરાગત ફર્નીચરમાં રહેલા નકશીકામને સાફ કરવામાં મુશ્કેલી થાય છે. આજકાલ ચીનથી આવેલા ફોલ્ડિંગ ખુરશી-ટેબલની પણ ફેશન છે. આ ફર્નીચરને પણ લાકડાના ફર્નીચર સાથે મિક્સ અનેડ મેચ કરી શકાય છે.

ફોલ્ડિંગ ફર્નીચરમાં વિવિધ પ્રકારનું કપડું વપરાય છે. કેટલાકમાં લેધરાઈટ તો કેટલાકમાં સિલ્કનો ઉપયોગ થાય છે. કપડાંનું કવર હોય તેવા ફર્નીચરની જાળવણી પર ખાસ ધ્યાન આપવું પડતું નથી. તેમાંથી દુર્ગંધ નથી આવતી અને તે પરસેવો શોષી લે છે. જ્યારે લેધરાઈટમાંથી થોડા સમય બાદ દુર્ગંધ આવે છે અને તે પરસેવો શોષતું નથી.

ધરતીનો છેડો ઘર હોય છે. પંચતારક હોટલમાં વૈભવી જીવન માણવા છતાં છેવટે તો ઘરની ખોટ સાલે જ છે. ઘરમાં પ્રવેશતાં જ હાશકારો થાય છે અને પ્રત્યેક પળ આનંદમાં વીતે છે. ઘરના સુશોભન સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કુટુંબીજનોને સુખી બનાવે છે.
- નયના

Post Comments