Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય સંજીવની

- ગરમીનો મોસમ અને આયુર્વેદ

આજ-કાલ ગરમીની મોસમ ચાલી રહી છે. તો આજે ગરમીની ઋતુમાં આયુર્વેદ શું કહે છે, તો વિશે ચર્ચા કરીશું. આયુર્વેદમાં દરેકે-દરેકે ઋતુનાં આહાર, વિહાર, તથા દરેક ઋતુની ઋતુચર્યાની વાત કરવામાં આવેલી છે.

ગ્રીષ્મઋતુ એટલે ઉનાળો. આ ઋતુમાં સ્વાભાવિક જ ગરમી, રુક્ષતા તથા તીખારસની વૃધ્ધિ થાય છે, તેથી આ ઋતુમાં ઠંડા, સ્નિગ્ધ, રસસભર, તથા મધુર ગુણવાળી ચીજો લેવાનો સિધ્ધાંત છે. આ ઋતુમાં શરીરમાંથી પાણી ખૂબ ઘટી જાય છે. તેથી આ સમયે પ્રવાહી પદાર્થો ખાસ લેવાના સિધ્ધાંત છે.

આ ઋતુમાં કુદરતી રીતે જ બળનો ક્ષય થાય છે અને વીર્ય ધાતુ પાતળી બને છે. તેથી આ ઋતુમાં સંયમ, બ્રહ્મચર્યપાલન તથા હળવી છતાં બળવર્ધક ચીજો ખાવાનો સિધ્ધાંત છે. આ ઋતુમાં કફ જન્માવનાર પણ પચવામાં ભારે નહિ તેવી ચીજો વાપરવી જોઇએ. આ ઋતુમાં કફનો ક્ષય થાય છે, પિત્ત વધે છે અને વાતદોષનો સંચય થાય છે.
આ ઋતુમાં પાચનશક્તિ નબળી પડે છે. અને કફનો ક્ષય થાય છે. તેથી સખત વ્યાયામ, કે સખત પરિશ્રમ ન કરવાનો આયુર્વેદમાં ઉલ્લેખ છે. મનચીડિયું રહેતું હોય તથા ભૂખ પણ બરાબર ન લાગતી હોય તેવા લોકોએ સવારનાં સૂર્યોદય પૂર્વે જ ૧-૨ માઇલ ઝડપથી ચાલવાનો અભ્યાસ રાખવો જોઇએ. આથી તેમની પાચનશક્તિ સુધરશે, મન પ્રસન્ન રહેશે અને કબજિયાત નહિ રહે.

જો કે આ ઋતુનો સૌથી સુંદર વ્યાયામ તો પાણીમાં તરવું એ જ છે. આ ઋતુમાં સવાર-સાંજ બે વાર શીતજળથી સ્નાન કરવું જોઇએ. ગરમીથી થયેલ પ્રસ્વેદ, દુર્ગંધ મેલ વગેરેથી બચવા માટે સાંજનાં કે સવારનાં તરવાથી એક સાથે બે લાભ થાય છે. વ્યાયામ દ્વારા શરીરની શુધ્ધિ થાય છે અને પાચનશક્તિ સારી રહે છે. તરવાથી ફેફસાં મજબૂત બને છે, શરીરમાં સ્થાયી સ્ફૂર્તિ આવે છે અને શરીર સુગઠિત બને છે.

આ ઋતુમાં રંગીન વસ્ત્રો ન પહેરવા જોઇએ. પણ સફેદ રંગના વસ્ત્રો પહેરવા જોઇએ. કારણ કે રંગીન વસ્ત્રો સૂર્યની ગરમીનો સંગ્રહ કરે છે. તેથી ગરમી વધુ લાગે. જ્યારે સફેદ રંગ સૂર્યનાં કિરણોને પાછાં ફેંકે છે. જેથી ગરમી વધુ જણાતી નથી. આ ઋતુમાં મલમલ જેવાં બારીક, હળવાં, ખૂલતાં, સુતરાઉ કે રેશમી કપડાં પહેરવાં જોઇએ. ઉનાળામાં બહાર નીકળતી વખતે માથે સફેદ ફેંટો કે ટોપી અવશ્ય પહેરવા જોઇએ.

આ ઋતુમાં રાત્રિજાગરણ કરવાની, વધુ પરિશ્રમ કરવાની તેમજ તડકાનું સેવન કરવાની મનાઇ છે.

ગ્રીષ્મઋતુમાં આહાર : આ ઋતુમાં પિત્તની વૃધ્ધિ થાય છે, માટે આ ઋતુમાં ખારો, ખાટો અને તીખોએ ત્રણે રસો કે જે પિત્તની વૃધ્ધિ કરે છે, તે ત્યજવા જોઇએ અને તેની જગ્યાએ પિત્તદોષની શાંતિ કરનાર મધુર, ઠંડા, સ્નિગ્ધ અને પ્રવાહી પદાર્થોનો ઉપયોગ કરવો જોઇએ. આ દ્રષ્ટિએ ચોખા, મગ, ઘઉં, જૂના જવ તથા જુવારની બનાવટો આહારમાં લેવા જોઇએ. સાકર, ઘી, દૂધ, છાશ, સૂપ લઇ શકાય છે. આ ઋતુમાં શીખંડ, રબડી, મલાઈ, બાસુંદી વગેરે પણ લઇ શકાય છે. આ ઋતુમાં મસૂર તથા તુવેરની દાળ પણ લેવાય.

ઉનાળામાં પાણી ઠંડુ પીવું. પણ બરફ નાખી ઠારેલું પાણી હોજરી માટે હિતકર નથી. બપોરનાં ભોજન પછી તાજા ઠંડી છાશ પીવી કે લીંબુનું શરબત પીવું ખૂબ હિતકર છે. આ ઋતુમાં માટીનાં નવા વાસણમાં ભરેલું પાણી અથવા પાણીમાં ખજૂર નાખેલું હોય તેવું પાણી પીવું ખૂબ હિતકર છે.

આ ઋતુમાં સંતરા, મોસંબી, ફાલસા, તરબૂચ, કેળાં, સેતૂર, સક્કરટેટી, જાંબુ, પાકી કેરી, શેરડી, કાકડી, અનાનસ (પાકું), રાયણ, દાડમ, અંજીર, મધુર અને પાકી દ્રાક્ષ, કાજુ વગેરેનો ઉપયોગ હિતકર્તા છે.

શાકભાજીમાં કાકડી, કોબી, કંકોડા, ગલકાં, ગાજર, ટીંડોળા, તૂરિયાં, તાંદળજાની ભાજી, દૂધી, પાલકની ભાજી, કોળું, શક્કરિયા વગેરે હિતકર છે.

આ ઋતુમાં સરસિયા તેલનો ઉપયોગ વર્જ્ય છે. ખાટા રસમાં લીંબુની ખટાશ હિતકારી છે. આ ઋતુમાં જેમને નડતી ન હોય તેઓ આમલીની ખટાશ પણ લઇ શકે છે. જેમને ગરમીનાં ઉપદ્રવો વિશેષ રહેતાં હોય તેઓએ આ ઋતુમાં ગુલકંદ, આંબળાનો મુરબ્બો, ઉશીરાસવ, ખદિરાસવ વગેરેનો ઉપયોગ કરવો.

આ ઋતુમાં કોઈ પણ રીતે ડુંગળીનો ઉપયોગ હિતકારી છે. કારણ કે ડુંગળી વાપરવાથી વાયુદોષનો નાશ થાય છે. પિત્તદોષનું શમન થાય છે. તેથી આ ઋતુમાં લૂ લાગતી નથી. ડુંગળીએ લૂ અને કેલરી માટે ખૂબ શ્રેષ્ઠ મનાય છે. ગરમીથી જો નસકોરી ફૂટે તો લોહી નીકળતું હોય તો તે ભાગ પર ઠંડા પાણીની ધાર કરવી અને નાકમાં ડુંગળીનાં રસનાં બે-ચાર ટીપાં નાખવાથી રક્તસ્ત્રાવ અટકી જશે. અને દર્દીને રાહતનો અનુભવ થશે.
- જ્હાનવીબેન ભટ્ટ

Post Comments