Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય પ્રશ્નોત્તરી

- પોણા બે વર્ષનો બાબો ખાવામાં જરાપણ રસ કે રુચિ ધરાવતો નથી. દૂધ પણ પીતો નથી. દુબળો-પાતળો છે..તો શું ક

પ્રશ્ન : આરોગ્ય પ્રશ્નોત્તરી દ્વારા આવું લોકહિતનું કામ કરવા બદલ આપને તથા સહિયરના સંપાદકોને અને ગુજરાત સમાચાર પરિવારને લાખ લાખ અભિનંદન. કેમ કે આ કોલમ દ્વારા અનેક લોકોની જટિલ સમસ્યાઓને વાચા અને માર્ગદર્શન મળે છે. આ કારણે લોકોનો આયુર્વેદમાં રસ પણ વધતો જાય છે.

હું પણ આપની આ કોલમ નિયમિત વાંચું છું. મારી સમસ્યા એ છે કે મારો બાબો પોણા બે વર્ષનો થયો છતાં એને ખાવામાં જરા પણ રુચિ થતી નથી. ખાવાની કોઈપણ વસ્તુને જુએ અને ધક્કા મારે છે. દૂધ પણ પીતો નથી. તીખુ, ગળ્યું, ખાટું વગેરે અલગ અલગ ટેસ્ટ બદલી જોયા. પણ એ ચાખ્યા વગર જ ધક્કા મારી દે છે.

આખો દિવસ એને રમકડામાં ગૂંચવીને ખવરાવીએ તો જ એ ખાય છે. આથી ખૂબ જ ત્રાસ પડે છે. આખો દિવસ એને કેવી રીતે ભૂલવાડીને ખવરાવવું ? આના લીધે એનું વજન પણ ઓછું છે. અને શરીરમાં ચરબી બિલકુલ નથી. ડોક્ટરને કહીએ તો કેલ્શિયમ, આયર્ન, વિટામિન આપે છે. એનાથી ચરબી બનતી નથી.

જો જબરદસ્તી ન કરીએ તો એ આખો દિવસ ખાવાનું માગે નહીં, ભૂખ લાગે ત્યારે કચ કચ કરે પણ ખાય નહીં..તો મહેરબાની કરીને આયુર્વેદમાંથી કોઈ એવા દ્રવ્યો સૂચવવા મહેરબાની કરશો કે જેથી એને ભૂખ લાગે, ખાવા પ્રત્યે રુચિ થાય, ચરબીનું પ્રમાણ વધે અને પરિણામે શરીર ભરાવદાર લાગે. મને વિશ્વાસ છે કે આયુર્વેદમાં આવા ઔષધો જરૃર હશે.

હું આપના જવાબની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈશ. કેમકે આ બાળક મને દસ વર્ષે પ્રાપ્ત  થયેલું છે. એનું ઓછું વજન મારાથી જોવાતું નથી.

આ કોલમ રોજ રોજ લોકપ્રિય થઇ આવા લોકહિતના આરોગ્ય યજ્ઞાને ચાલુ રાખે એવી અભ્યર્થના.

- ચેતના પટેલ (સૂરત)
ઉત્તર : વર્ષોના મારા ચિકિત્સા વ્યવસાયમાં મેં જોયું છે કે જે કુટુમ્બમાં એક જ બાળક હોય, વર્ષોની ઝંખના પછી સંતાન પ્રાપ્તિ થઇ હોય કે પૂરા લાડકોડપૂર્વક જેનો ઉછેર થતો હોય તે બાળકનું મનોવિજ્ઞાાન સામાન્ય બાળક કરતાં કંઇક જુદું હોય છે. મા બાપ આવા બાળકના ઉછેર માટે થોડા ચિંતિત અને કંઇક અંશે આગ્રહી હોય છે.

ખાસ કરીને બાળકને ખવરાવવા માટે, એ જલદી હૃષ્ટપુષ્ટ અને મોટું થાય તે માટે કશુંક પૌષ્ટિક ખવરાવવાના પણ આગ્રહી હોય છે. જ્યાં ખવરાવવા માટે વધુ જોર અપાતું હોય એ ઘરમાં બાળક ખાવા પ્રત્યે ઉદાસ, નીરસ અને કંઇક અંશે જિદ્દી વલણ ધરાવતું થઇ જાય છે. જે વસ્તુ તમે બાળક પાસે બળજબરીથી કરાવો તે વસ્તુ પ્રત્યે એના આંતરમનમાં વિરોધ વધતો જાય છે.

જે ઘરમાં જોઇએ ત્યારે અને જરૃર કરતાં વધારે ખાવાનું મળતું હોય તે ઘરનું બાળક ખાવાની ચિંતા અને ખેવના છોડી દે છે. એને ખ્યાલ જ હોય છે કે માગે ત્યારે અને જોઇએ તે કરતાં વધારે મળવાનું છે, એટલે એ ખાવાના વિષયમાં નીરસ અને આશ્વસ્ત બની જાય છે.

ગરીબ માબાપના બાળકો, જોઇએ ત્યારે અને જોઇએ તેટલું ખાવા ન મળતું હોય તેવા પરિવારમાં જીવતા બાળકો ખાવામાં વધારે રસ ધરાવે છે અને જરૃર કરતાં ક્યારેક વધારે પણ ખાઈ લેતા હોય છે, કેમ કે ફરી ક્યારે ખાવાનું મળે છે તે નિશ્ચિત નથી હોતું. માગીને ખાનારા પરિવારમાં ઉછરતા બાળકને થોડીવાર પહેલાં જ ખાવાનું મળ્યું હોય અને ફરી કશુંક ભાવતું સામે આવી જાય તો એ ભૂખ વગર પણ ખાતા હોય છે અને આવા બાળકોના પેટ ક્યારેક મોટાં થઇ જતાં હોય છે.

તમારો બાબો ચોક્કસ અને સારી રીતે ખાતો થશે એની મને ખાતરી છે અને સરખું ખાશે તો પોષણ મળશે અને તેથી શરીર પણ પુષ્ટ અને તંદુરસ્ત થશે જ.

તમે પોતે જ લખ્યું છે કે ખવરાવવા માટે તમે 'જબરદસ્તી' કરો છો. અને જબરદસ્તી તો કોઇનેય ન ગમે. તમારો પ્રેમ એને ગૂંગળાવે નહીં તે જોજો. એને મુક્ત પંખીની જેમ વિહરવા દો. તમને ખ્યાલ નહીં હોય, પણ બાળક પાસેય સમજ અને નિર્ણય શક્તિ હોય છે. જો તમે બળજબરી ન કરો તો એ ભૂખ્યો રહેશે એવું તમે માનો છો. તમારું માતૃત્વ તમને ચિંતા કરવા પ્રેરે એ સ્વાભાવિક છે.

દસ વર્ષની ઝંખના બાદ જે બાળક પ્રાપ્ત થયું હોય તે જો બરાબર ખાય નહીં કે દુબળું પાતળું હોય તો તમારું હૃદય રડી ઊઠે એ પણ સમજી શકાય તેવી વાત છે. આમ છતાં માત્ર સાત દિવસ માટે જ તમે બળજબરી કરવાનું છોડી દો. ખવરાવવા માટે એની પાછળ પાછળ ન ફરો. એના માટે રમવા કરતાં - ખાવાનું ઓછું આકર્ષક બન્યું છે તે પણ કોઈ અપવાદ રૃપ વાત નથી પણ ક્યાંક ઊંડે મા અને બાળકના મનોવિજ્ઞાાન વચ્ચે પૂરો સુમેળ થયો નથી એટલી જ વાત છે.

... તો સાત દિવસ માટે તમે ખાવાનું જરૃર બનાવો. સ્વાદિષ્ટ અને રુચિકર બનાવો પણ ખવરાવવા માટે બળજબરી બિલકુલ ન કરો. એ જ્યાં રમતો હોય ત્યાં આસપાસ કે થોડે દૂર ખાવાનું મૂકી રાખો અને તમે તમારા કામમાં લાગી જાવ. અવારનવાર આવીને એને પ્રેમ જરૃર કરો પણ ખાવા બાબત કશું જ ન કહો. એક દિવસ, બે દિવસ, વધુમાં વધુ ત્રણ દિવસમાં તો તે સામેથી ખાવાનો રસ ધરાવશે. એને ભૂખ પણ લાગશે.

અને છતાં જાતે ખાવાનો અનુભવ ન હોવાથી દોડીને ખાશે એવું પણ નથી પરંતુ તમે થોડુંક ભાવતું રમતગમતમાં જ મોંમાં મૂકશો તો એ ખાય પણ ખરો. ઔષધો ખાસ કોઈ સૂચવતો નથી બાળકોને મજા પડે અને રુચિ થાય એવા સિરપ તથા અન્ય સ્વાદિષ્ટ ઔષધો કેટલીક ફાર્મસીએ બનાવેલા છે અને હું આવા કેસમાં એવા ઔષધો આપું પણ છું. પરંતુ પેટન્ટ હોવાથી અહીં એકપણ નામ નહીં લખું.

આમ છતાં ફોન કરશો તો એક બે નામ અવશ્ય સૂચવીશ. અને એવા ઔષધો ન આપો તોય હાલ તુરત માત્ર આટલું જ કરો. આદું-લીંબુનું ખાંડ કે ગ્લુકોઝ નાખેલું સરબત એને અવારનવાર આપતા રહો. એ વધારે તીખું કે ખાટું ન હોય એ રીતે માપ ગોઠવશો. દિવસમાં ચાર પાંચ વાર પણ ચમચી બે ચમચી સરબત પાશો તો સાત દિવસના અંતે તમારી સમસ્યા ઘણી ઘટી જશે.

એક બીજું કામ પણ કરી શકો, એની જ ઉંમરના બે ત્રણ કે પાંચ બાળકોને રોજ ઘરમાં બોલાવો. એને પણ રમવા માટે રમકડા આપો અને વચ્ચે વચ્ચે થોડું રુચિકર ખાવાનું પણ આપો. અન્ય બાળકોને ખાતા જોઇને તમારા બાળકને પણ ખાવાની રુચિ થશે. તમે જ્યારે પણ ફોન કરસો આ બાબત હું જરૃર માર્ગદર્શન આપીશ. કેમકે બાળકો પ્રત્યે મને અપાર પ્રેમ છે. અને નવી પેઢી તંદુરસ્ત બને એ માટે હું બધું જ કરવા તૈયાર છું.
- વત્સલ વસાણી

Post Comments