Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રેસ્ટોરાંમાં જમવા જવાનો ક્રેઝ બીમારીની પૂર્વતૈયારી છે

- ચાઇનીઝ કે જંકફૂડમાં પૌષ્ટિક તત્ત્વોની કમી હોય છે

'દર રવિવારે સાંજના અમારા ઘરનું રસોડું બંધ હોય છે. અમે હોટેલમાં જ જમવા જઈએ છીએ. મારા દીકરાને ચાઇનીઝ ફૂડ ખૂબ ભાવે છે અને હું પિત્ઝા ખાવાની શોખીન છું.' અનિતાએ ખૂબ જ ગર્વપૂર્વક કહ્યું હતું.

જોકે આવો ગર્વ માત્ર અનિતા જ લેતી નથી પરંતુ મોટા શહેરોમાં વસતી અનેક ગુજ્જુ ગૃહિણીઓ લે છે. આથી જ રવિવારે શહેરની મોટાભાગની રેસ્ટોરાંની બહાર ભીડ જોવા મળે છે. રેસ્ટોરાંમાં ડિનર લેવા જવું સારી વાત છે. આનાથી રસોડાની રાણીને એક ટંક આરામ મળે છે. પરંતુ પોષણનું શું? રેસ્ટોરાંમાં જમવા જતાં તમામ પરિવારો વાનગીઓના સ્વાદના જ ગુણગાન ગાતાં હોય છે. પરંતુ પોષણ અંગેનો વિચાર ક્યારેય કરતાં જ નથી. અને આ જ કારણે અનેક બાળકોને જંકફૂડની આદત પડી ગઈ છે અને તેઓ મેદસ્વી બની રહ્યા છે.

ડેન્ટિસ્ટ ડો. રૃપાલી શાહે ઘરમાં નિયમ બનાવ્યો છે કે દર ત્રણ મહિને એક વખત દીકરીને 'હેપ્પી મિલ' કે અન્ય જંકફૂડ ખાવા લઇ જશે. પરંતુ ખૂબ ઓછા કુટુંબોમાં આ પ્રકારના નિયમ જોવા મળે છે.
શહેરના અગ્રણી ડાયેટિશિયને કહ્યું હતું કે, આજે બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે અને તે અત્યંત ચિંતાજનક બાબત છે. વાસ્તવમાં બાળક પાંચ વર્ષનું થાય તે પૂર્વે જ તેનામાં યોગ્ય આહાર શૈલી વિકસાવવી જરૃરી છે. નિયમિત રીતે બાળકો સાથે બહાર ખાવા જવું યોગ્ય નથી.

એક સમયે ઘરનું જ ભોજન અને ઘરમાં બનાવામાં આવેલા નાસ્તા ખાવાનો આગ્રહ રાખવામાં આવતો હતો. ત્યારે મોટાભાગની માનુનીઓ પર માત્ર ઘર સંભાળવાની જ જવાબદારી રહેતી હતી. એટલે તે રસોઇ બની ગયા પછી બપોરના સમયે ચેવડો, ચકરી, મસાલાપૂરી, ખાખરા, ચોળાફળી, સેવ, ગાંઠિયા જેવા સૂકા નાસ્તા બનાવતી હતી. તે જ પ્રમાણે બાર મહિનાના અથાણાં, પાપડ, વેફર વગેરે પણ સીઝનમાં બનાવવામાં આવતા હતા. પરંતુ આજે આપણે ત્યાં સામાજિક ચિત્ર બદલાઈ ગયું છે.

આજની કાળઝાળ મોંઘવારીમાં સારી રીતે જીવનનિર્વાહ કરવા તથા સંતાનોની ઇચ્છાઓ સંતોષવા માટે માનુનીએ પણ નોકરી કરવી જરૃરી બની ગઈ છે. નોકરિયાત માનુની સમયનો અભાવ ધરાવતી હોય છે. એટલે તે ઘરે સૂકા નાસ્તા બનાવાને બદલે બજારમાં મળતા તૈયાર નાસ્તા ખરીદી લે છે. તે જ પ્રમાણે અઠવાડિયાના બે-ત્રણ દિવસ સાંજના જમણમાં ભાખરી-શાક કે થેપલાં બનાવાની કડાકૂટ કરવાને બદલે ઝટપટ બનતા નૂડલ્સ કે પાસ્તા જ પીરસે છે. આમ, ઘરની આવક વધી છે. પરંતુ ઘરમાં બનાતાં સમતોલ પૌષ્ટિક ભોજનની માત્રા ઘટી છે. તેના બદલે રેડી-ટુ-ઇટ કે રેસ્ટોરાંના જમણનું પ્રમાણ પણ વધ્યું છે.

વળી આપણે ત્યાં બીજી એક એવી માન્યતા પ્રર્વેત છે કે મોંઘી અને આકર્ષક ઇન્ટિરીયર ધરાવતી રેસ્ટોરાંમાં પીરસાતું ફૂડ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ જ હોય છે. પરંતુ ના, આ અત્યંત ભૂલભરેલી માન્યતા છે. રેસ્ટોરાં એકદમ ફેન્સી અને આકર્ષક હોય ત્યાં વાનગીઓના ભાવ પણ બમણા લેવામાં આવે છે. પરંતુ મોંઘુ ફૂડ 'સારું ફૂડ' હોય તે જરૃરી નથી.

ઘણી ગૃહિણીઓ એવી દલીલ કરે છે કે આખું અઠવાડિયું ઘરમાં બનેલું પૌષ્ટિક ભોજન લીધા બાદ શની-રવિમાં થોડું ચટપટુ, બહારનું ભોજન લેવામાં શું વાંધો હોય? 'સપ્તાહમાં એક દિવસ તો સંતાનોને પણ તેમની ઇચ્છા મુજબનું ખાવાની મંજૂરી આપવી પડે છે.' એવી દલીલ સુલોચનાએ કરી હતી. 'વળી અમે સ્વચ્છતાનો આગ્રહ રાખીએ છીએ. લારી પર ઊભા રહીને ખાતા નથી અને હોટેલમાં પણ મિનરલ વોટર જ પીએ છીએ', એમ તેણે ઉમેર્યું હતું. પરંતુ તબિયતની જાળવણી અંગે માત્ર આટલી કાળજી રાખવી પૂરતી નથી.

પરિવારના સ્વાસ્થ્ય બાબતે ધ્યાનમાં રાખવા જેવી બાબતઃ
* કાર્બોહાઇડ્રેટ યુક્ત બ્રેડ, ભાત, બટાટા વગેરે ખાતી વખતે થોડા સાવધ રહેવું. કાર્બોહાઇડ્રેટ સસ્તું અને પૂરક સાબિત થતું હોવાથી રેસ્ટોરાંમાં અનેક વાનગીઓમાં તેનો ભરપૂર ઉપયોગ થાય છે. પરંતુ યાદ રાખો કે વધુ કાર્બોહાઇડ્રેટ ધરાવતી વાનગીઓમાં પૌષ્ટિક તત્ત્વો હોતા નથી અને કેલેરી વધુ હોય છે. જોકે આવી વાનગીઓ એટલી સ્વાદિષ્ટ હોય છે કે બાળકો તેના આદિ બની જાય છે.

* તેલમાં તળેલા (ડિપફ્રાય) અને ફરી તળીને ગરમ કરેલા (રિ-ફ્રાય) નાસ્તા વચ્ચેનો ભેદ સમજવો જરૃરી છે. જે ખાદ્યપદાર્થને તેલમાં વારંવાર તળવામાં આવે તેમાં કેલેરીનું પ્રમાણ વધી જાય છે, પૌષ્ટિક તત્ત્વો નાશ પામે છે અને તે કાર્સિનોજેનિક બની જાય છે.

* વધારાના રંગ કે સુગંધ નાખેલા કેક કે ઠંડા પીણાં જેવા ફૂડને ટાળવું. આવા ખાદ્યપદાર્થ કે પીણાં બીનસ્વાસ્થ્યપ્રદ અને ધીમા ઝેર જેવા સાબિત થઇ શકે છે.

* કાચા ફળો અને શાકભાજી ખાવા સારા. પરંતુ તે સરખી રીતે ધોયેલા હોવા જોઈએ.

* ઘણી એવી વાનગીઓ હોય છે જેના પર વધારાની ચીઝ કે ડેઝર્ટ પર ચોકલેટ સોસ નાખવામાં આવે છે. આનાથી જે તે વાનગીનો સ્વાદ વધુ સારો થાય છે અને બાળકોને તે ખૂબ ભાવે છે. પરંતુ આ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી બાળકને તે આપવું નહીં.

* આમ જુઓ તો થોડી વધુ કેલેરી ધરાવતા ખાદ્યપદાર્થને આપવાથી તાત્કાલિક તો બાળકને કોઇ નુકસાન થતું નથી. પરંતુ આ દ્વારા તમે જ તમારા બાળકને વધારે કેલેરી અને ઓછું પોષણ ધરાવતાં ખાદ્યપદાર્થને ખાવાની આદત પાડો છે.

* માતા-પિતાએ હંમેશાં પૌષ્ટિક ભોજન લેવાનો આગ્રહ રાખવો જેથી બાળકને પણ તે જ આદત પડે.
* જો તમે જ હોંશેહોંશે પૌષ્ટિક ખોરાક આરોગશો તો બાળક પણ તમારું જોઈને તે ખાશે.

અમેરિકામાં તો મેદસ્વી બાળકો અને આરોગ્ય માટે હાનિકારક જંકફૂડ સાથેની જંગ વ્હાઇટ હાઉસ સુધી પહોંચી ગઈં છે. દેશભરમાં જે ઝુંબેશચાલી રહી છે તે વ્હાઇટ હાઉસના રસોડામાં પણ ચાલે છે.
ડાયેટિશિયનોના જણાવ્યા પ્રમાણે રેસ્ટોરાંમાં ચાઇનીઝ વાનગીઓનો ઓર્ડર આપો ત્યારે ફ્રાઇડ રાઇસને બદલે સ્ટિમ રાઇસને પસંદ કરવા.

ઠંડા પીણાંને બદલે ફળોના તાજાં રસનો અને તેમાં પણ સાકર ન નાંખવાની સૂચના સાથે ઓર્ડર આપવો. ભોજનના આરંભમાં સ્ટાર્ટર તરીકે તળેલી વાનગીઓને બદલે સૂપ મગાવવો. શાકાહારી વાનગીમાં પનીર અને મશરૃમ હોય તે ધ્યાનમાં રાખવું. છેલ્લે ચાર વ્યક્તિ વચ્ચે બે ડેઝર્ટનો ઓર્ડર આપવો જેથી પેટમાં વધુ પડતો ભરાવો ન થાય.

આજે બજારમાં તમામ પ્રકારના સોસ અને મસાલા ઉપલબ્ધ છે. એટલે શક્ય હોય ત્યાં સુધી તો ઘરે જ વિવિધ વાનગી બનાવવાનો આગ્રહ રાખવો. આનાથી સ્વાસ્થ્ય સારું રહેશે અને પૈસાની પણ બચત થશે.

Post Comments