Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

રાજકારણમાં પિતાની જેમ પુત્રોના ડંકા નથી વાગતા..

રાજકારણમાં પુત્રો નિષ્ફળ જાય છે  :  અખિલેશે તો પિતાએ તૈયાર કરેલી બાજી જીતી છે..

કૌટુંબિક ડખા અંતે તો પક્ષની ઇનેજ તોડે છે  :  દેવગૌડા ફેમીલી, કરૃણાનીધી ફેમીલીને ફરી સત્તા મળી શકે એમ નથી :  અખિલેશના શિંગડા યાદવ કુટુંબને ભારે પડશે

કોઇ ટીવી સિરીયલ જોતા હોઇએ એવું ઉત્તર પ્રદેશના યાદવ રાજમાં થતું જોવા મળે છે. બાપ-બેટા વચ્ચેની વૉર સમાજવાદી પક્ષને ખતમ કરવા લડાતી હોય એમ લાગે છે. આશ્ચર્યની વાત તો એ છે કે મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવ એ બંનેના ટેન્ટમાંથી સમાધાનની વાત કરવાના બદલે 'માર-સાલેકુ' જેવી ચીસો સંભળાય છે.

સમાજવાદી પક્ષની વિચારસરણી સત્તા મેળવવા સુધીની સીડી હતી. આ વિચારસરણી તો ક્યારનીય ગંગામાં પધરાવી દેવાઇ છે. હવે આખા પક્ષ પર સંપૂર્ણ કાબુ જમાવવાની વૉર શરૃ થઇ છે.

કમૂરતાના પ્રારંભે શરૃ થયેલી આ વૉર કમૂરતા ઉતરતા (૧૪ જાન્યુઆરી) સુધીમાં તો સમાજવાદી પક્ષને રફે-દફે કરી નાખશે. લાચાર પિતા મુલાયમસિંહ અને બાપ કરતા પોતાને સવાયો સમજતો પુત્ર અખિલેશ વચ્ચેના અહમ્ની લડાઇમાં ત્રીજો ફાવશે તે નક્કી છે. આ 'ત્રીજો' એટલે ભાજપ એમ ભાજપવાળા પોતે માની બેઠા છે. પરંતુ આ 'ત્રીજા'ના દાવેદાર ઘણાં છે, જેમ કે કોંગ્રેસ, બહુજન સમાજવાદી પાર્ટી !!

કોર્પોરેટ કંપનીઓ કે પ્રાઇવેટ કંપનીઓમાં બાપ-બેટા વચ્ચેના સંબંધો સુમેળભર્યા હોય છે. જ્યાં પુત્રને તૈયાર કરતા પિતા જોવા મળે છે. જોકે રાજકારણ સાથે સંકળાયેલા કુટુંબમાં આંતરીક ડખા ના હોય તો તેને આશ્ચર્ય ગણવું જોઇએ.

ભારતમાં કોઇ નેતા સામે બંડ પોકારાય તે નવી વાત નથી પરંતુ રાજકીય ફેમીલીમાં જ બળવો થાય એવી અનેક ઘટનાઓ છે. જેમ કે ગાંધી પરિવાર સામે પરિવારની જ વહુ મેનકા ગાંધીએ બળવો પોકારતાં તેમને કુટુંબ બહાર કઢાયા હતા. આજે સ્થિતિ એ છે કે મેનકા ગાંધી કેન્દ્રીય પ્રધાન છે. તેમનો પુત્ર વરૃણ વિધાનસભ્ય છે, જ્યારે દેશનો સૌથી જુનો પક્ષ કોંગ્રેસ પર સોનિયા-રાહુલની પક્કડ છે.

આંધ્રપ્રદેશમાં જમાઇ ચંદ્રાબાબુ નાયડુએ સસરા એનટી રામારાવ સામે બળવો કરીને તેને ઉથલાવ્યા હતા. તમિળનાડુમાં ડીએમકેના બૉસ કરૃણાનીધી સામે તેમના એક પુત્ર અઝગીરીએ બળવો કર્યો છે.

અખિલેશ યાદવે તો પિતા સામે બળવો કર્યો છે માટે તેને હાઇલાઇટ્સ મળે છે તેની પાસે વધુ વિધાનસભ્યો છે.

રાજકારણમાં ટોપ પર આવેલા નેતાઓના પુત્રોમાં બહુ ઝળક્યા નથી. આ પુત્રો તેમના પિતા જેવા સ્માર્ટ નથી હોતા. અખિલેશ યાદવ તો સ્માર્ટ છે.  તેણે  તો પિતાને નેતાજી - નેતાજી કહીને ધક્કો માર્યો છે.

અખિલેશ જેવી સ્માર્ટનેસ રાહુલ ગાંધીમાં હોત તો તે મોદી સરકારને હચમચાવી શકત !! માત્ર રાહુલની વાત નથી પણ અનેક કોંગી નેતાઓના સંતાનોને રાજકીય ભમરડો ફેરવતા નથી આવડતો. જ્યોતિરાદિત્ય સિંધિયા, સંદિપ દિક્ષીત,  ઓમર અબ્દુલ્લા, કાર્તિ ચિદમ્બરમ્ વગેરે.. વગેરે.

રાજકારણીઓના પુત્રો આગળ નથી આવી શકતા કેમકે તેમના પુત્રો ગોલ્ડન સ્પૂન સાથે જન્મ્યા હોય છે. તે માટીમાં રમવા ટેવાયેલા નથી હોતા. વડાપ્રધાન મોદીને વિપક્ષ ચિત્ એટલા માટે નથી કરી શકતો કમકે તે માટીમાં રમીને તૈયાર થયા છે.

ટૂંકમાં રાજકારણી પાયામાંથી તૈયાર થવો જોઇએ. ઉદાહરણ તરીકે લાલુ પ્રસાદ યાદવ ભારતના રાજકારણમાં બહુ મોટું માથું છે. તેમનો પુત્ર તેજસ્વી યાદવ બિહારના નાયબ મુખ્ય પ્રધાન છે. કોઇએ ભેટ આપેલા મોરના પીંછાને તે માથે લટકાવીને ફર્યા કરે છે. તેમની નબળી કામગીરી છે. મુખ્યપ્રધાન નીતીશ કુમાર સાથે તે કદમ મીલાવી શકતા નથી.

આ પુત્રોની જોકે એવી દલીલ છે કે અમને સત્તા પર આવવાનો ચાન્સ નથી મળતો. જોકે આ લોકો પાસે ઘણાં ચાન્સ હોય છે. પોતાના મત વિસ્તારની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરીને પણ તે લોકપ્રિય બની શકે છે. રાજકારણમાં માત્ર સત્તા હોય તો જ પ્રજાના કામ થઇ શકે એવું નથી હોતું.

આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાજશેખર રેડ્ડી એક સમયે સોનિયા ગાંધીની કીચન કેબીનેટમાં હતા. આજે તેમનો પુત્ર રાજશેખર રેડ્ડી જેલની હવા ખાઇ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના વગદાર નેતા ફારૃક અબ્દુલ્લાનો પુત્ર ઓમાર અબ્દુલ્લાનો દિવો કોંગ્રેસના જોરે બળે છે. કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર નથી એટલે તેમના ફાળે નિવેદન કર્યા સિવાય બીજું કશું નથી આવતું.

બે કેન્દ્રીય પ્રધાનોના પુત્રો પાસે ચાન્સ છે છતાં ઝળકી શકતા નથી. રામવિલાસ પાસવાનનો પુત્ર ચિરાગ પાસવાન બિહારમાં લોકપ્રિયતા મેળવી શક્યો નથી. મેનકા ગાંધીના પુત્ર વરૃણ ગાંધીએ ઉત્તર પ્રદેશનું મુખ્ય પ્રધાન મેળવવા ઘણાં કાવા-દાવા કર્યા હતા પણ તેમનો પતંગ હવામાં ના ચઢી શક્યો.

ભૂતપૂર્વ નાણાંપ્રધાન ચિદમ્બરમ્ના પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ સામે તો સીબીઆઇની તપાસ ચાલે છે. ગાંધી પરિવારના પ્રિન્સ રાહુલ ગાંધી સામે અનેક તકો છે છતાં તે રાજકારણમાં છવાઇ શકતા નથી.

જે રાજકારણીના પુત્રો વિદેશ ભણીને આવ્યા છે તે રાજકારણના ગંદા તળાવમાં હાથ બોળવા પણ તૈયાર નથી. આવા પુત્રો સ્વતંત્ર રીતે આગળ આવે છે. ચંદ્રાબાબુ નાયડુનો એકનો એક પુત્ર પણ રાજકારણમાં આવવા તૈયાર નથી. પોતાના નામ પાછળ તે ચંદ્રાબાબુ પણ નથી લખતો.

સામાજીક સમસ્યા નિવારતા નિષ્ણાતો કહે છે કે પિતા ઉંમરના કારણે કદાચ સામનો ના કરી શકે પણ તેમને નબળા માનવાની ભૂલ કોઇ પુત્રએ ના કરવી જોઇએ.

રાજકારણમાં જ્યારે કુટુંબો અંદરો-અંદર લડે છે ત્યારે તેમનું રાજકીય ભાવિ ડૂબી જાય છે. કર્ણાટકમાં દેવગૌડા કુટુંબ અંદરો-અંદર લડે છે, તો તમિળનાડુમાં કરૃણાનીધીનું કુટુંબ તો જાહેરમાં લડે છે. દેશના સૌથી જુના અને જાણીતા ગાંધી પરિવારની સદ્નસીબી એ છે કે મેનકા ગાંધીને હટાવ્યા  સિવાયના કોઇ ઝઘડા ત્યાં  જોવા નથી મળ્યા.

રાજકારણમાં નવો ટ્રેન્ડ એવો છે કે કોઇ પોતાના પુત્રને રાજકારણમાં લાવવા તૈયાર નથી. વાંકદેખાઓ એમ કહે છે કે પિતા જ એટલી કમાણી ઉસેટી લાવે છે કે પુત્રએ રાજકારણમાં જવાની કોઇ જરૃર નથી રહેતી. તેમ છતાં પત્નીને ટીકીટ કે પુત્રને ટીકીટ આપવામાં ઝઘડા થતા જોવા મળે છે.
રાજકારણમાં એક સુંદર રમૂજ સમજવા જેવી છે..

એક પુત્રએ રાજકારણ સાથે સંકળાયેલા પિતાને કહ્યું કે મારે તમારા જેવા બાહોશ રાજકારણી બનવું છે. તમે મને શીખવાડો.. પિતાએ પુત્રની વારંવારની વિનંતીને માન આપીને કહ્યું કે જો પ્રથમ લેસન એ છે કે રાજકારણમાં કોઇ પર ભરોસો નહીં કરવાનો !! બાજુમાં ઊભેલો પણ ટાંટીયો ખેંચી શકે છે.. પિતા પર પણ ભરોસો નહીં રાખવાનો !!

પુત્રના મગજમાં ઉતરી ગયું. પિતાએ તેને ૧૦૦ વાર લખવા આપ્યું કે 'કોઇ પર ભરોસો નહીં રાખવાનો !! પોતાની લખેલી નોટ પિતાને બતાવવા જનાર પુત્રની પીઠ થાબડીને વેરી ગુડ કહી પિતા તેને રાજકારણનો બીજો પાઠ ભણાવા બંગલાની અગાશી પર લઇ ગયા.

ત્યાં પિતાએ પુત્રને રોડ પર ચાલતો ટ્રાફીક બતાવીને કહ્યું કે જો આને વિકાસ કહેવાય. પુત્રએ નીચે જોયું કે તરત પિતાએ પાછળથી ધક્કો માર્યો !! પુત્ર ઉથલી પડયો. બે માળનું મકાન હતું. પુત્રને બહુ ના વાગે એટલે પિતાએ નીચે ગાદલા પાથરી રાખ્યા હતા.

સામાન્ય ઈજાગ્રસ્ત પુત્રને દવાખાનામાં દાખલ કરાયો. પિતા તેની ખબર કાઢવા ગયા. એટલે પુત્ર તાડૂક્યો કે તમે મને ધક્કો કેમ માર્યો ? પિતાએ કહ્યું કે બાજુવાળા પર પણ ભરોસો ના રાખવો એવું ૧૦૦ વાર લખવાથી ના સમજાય... મેં કર્યું  એ પ્રેક્ટીકલ ક્લાસ હતો..

Post Comments