Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમયાંતર - લલિત ખંભાયતા

એક માણસને વળગેલું અનેક ભાષાનું ભૂર!

બોસ્નિયન નાગરિક મુહામેદ મેસિકને બે-પાંચ-પંદર નહીં, પણ ૬૦ કરતા વધારે ભાષા આવડે છે. એકથી વધુ ભાષા આવડતી હોય એવા અનેક લોકો છે, પરંતુ અનેક ભાષા જેની જિહ્વા પર બિરાજતી હોય એવા બહુ થોડા લોકો પૃથ્વીના પટ પર છે. મેસિક એમાંનો એક છે. તો પણ વિશ્વવિક્રમ તેના નામે નથી!

'અમે ગ્રીસના પ્રવાસે હતા. મારે હોટેલના મેનેજરને કેટલીક વાતો પૂછવી હતી. એટલે મેં ત્યાથી જ તેમની ભાષા શીખવાની શરૃઆત કરી દીધી. એ રીતે મારી ભાષા સિવાય પહેલી પરદેશી ભાષા હું શીખ્યો એ ગ્રીક હતી.' આજે ૬૦થી વધુ ભાષાની જાણકારી ધરાવતો યુવાન મુહામેદ મેસિક પોતે કઈ રીતે પહેલી વિદેશી ભાષાના સંપર્કમાં આવ્યો તેની કથા કહે છે. અત્યારે ૩૩મું વર્ષ પસાર કરી રહેલો બોસ્નિયન નાગરિક મુહામેદ ઊંમર કરતા ડબલ ભાષા જાણે છે! એટલે જ જગતમાં સૌથી વધુ ભાષા જાણનારા વ્યક્તિઓમાં મુહામેદની ગણતરી થાય છે..

ગ્રીક ભાષાનો પ્રયોગ શરૃ કર્યો ત્યારે ભાઈ મેસિક પાંચ વર્ષનો બાબો હતો. એટલે પહેલા તો તેના પરિવાજનોને આઘાત લાગ્યો કે આપણા     દિકરાના શરીરમાં કોઈ પ્રેતાત્માએ પ્રવેશ તો નથી કર્યો ને!? પણ ગ્રીસમાં વેકેશન ગાળવા ગયેલો પરિવાર પરત ફર્યો ત્યાં સુધીમાં એ બાળકે ગ્રીક ભાષાના કેટલાક શબ્દો-વાક્યો સમજવાની શરૃઆત કરી દીધી હતી. અનેક ભાષા શીખવાની એ તેની શરૃઆત હતી..
    
અંગ્રેજી ડિક્શનરીમાં શબ્દ છે, 'પોલીગ્લોટ'. કોઈ વ્યક્તિ ૬થી વધુ ભાષા જાણતો હોય તો તેને પોલીગ્લોટ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં 'મલ્ટીલેંગ્યુઅલ પર્સન' પણ કહી શકાય. અચ્છા કોઈ વ્યક્તિ ૧૨ કે તેનાથી વધારે ભાષામાં ઉસ્તાદ હોય તો તેના માટે 'હાયપરપોલીગ્લોટ' શબ્દ વપરાય છે. મુહામેદ હાયપર કેટેગરીનો ઉમેદવાર છે. આવા ભાષા નિષ્ણાતોનું બનેલું એક 'ધ ઈન્ટરનેશનલ એસોસિએશન ઓફ હાયપરપોલીગ્લોટ' નામક સંગઠન પણ છે.

ગરબડ એ વાતની છે કે કઈ વ્યક્તિ પોલિગ્લોટ છે કે નહીં એ નક્કી કરવાનું કામ અઘરું છે. કેમ કે કઈ ભાષા છે અને કઈ બોલી છે, તેની વ્યાખ્યા સ્પષ્ટ નથી. કમસે કમ આ સંગઠન માટે તો નથી જ. માટે કોઈ વ્યક્તિને ૬થી વધારે ભાષા આવડતી હોય તો એ છ એ છ ભાષા છે કે પછી તેમાં એકાદ-બે બોલી પણ છે, એ નોખાં પાડવાનો કોઈ માપદંડ નથી. પણ એટલુ નક્કી છે કે અનેક બોલીઓ આવડતી હોય તો એટલા માત્રથી પોલીગ્લોટ ન બની શકાય. જેમ કે ગુજરાતમાં રહેતી કોઈ વ્યક્તિને દક્ષિણ ગુજરાતની, કચ્છી, મહેસાણી, સોરઠી બોલી આવડતી હોય તો તેમાં બહુ નવાઈ નથી. કેમ કે એ બધા જ પ્રકારો ગુજરાતી ભાષાની બોલીના છે!

અનેક ભાષા, અનેક ડીગ્રી
ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ સંગઠનમાં કામ કરતો મુહામેદ હવે એક ફોનમાં સ્પેનિશમાં વાત કરતો હોય. એ મુકીને વળી હિબુ્રમાં કોઈ સાથએ દલીલ કરતો હોય. એ વાત પુરી થાય તો ફ્રેન્ચમાં કોઈને ઈ-મેઈલ કરતો હોય.. એવી સ્થિતિ તેના જીવનમાં સામાન્ય છે. વળી કોઈ વાર તેણે એમ પણ કહેવું પડે કે, 'માફ કરશો.. મેં છેલ્લે ૨૦૦૯માં હિન્દીમાં વાત કરી હતી એટલે અત્યારે એમાં જરા ગોથાં ખાઈ રહ્યો છું!'

મુહામેદની અસાધારણ ક્ષમતા જન્મ વખતથી જ હતી. ૧૬ વર્ષની વયે એ પોતાના શહેર તુઝ્લાની સિટી કાઉન્સિલનો મેમ્બર હતો તો વળી ૨૬ વર્ષની વયે જ ૫૬ ભાષા જાણતો હોવાનું સર્ટિફિકેટ મેળવી ચૂક્યો હતો. નાનપણમાં જ બુદ્ધિના ચમકારા દેખાડતા મુહામેદ થોડો મોટો થયો એટલે ૧૯૯૨થી ૧૯૯૫ સુધી બોસ્નિયામાં ચાલેલી કત્લેઆમ (જેનોસાઈડ) પર અભ્યાસ શરૃ કર્યો. એ વખતે તેના રોલ-મોડેલ હતા અમેરિકન યહુદી રાફેલ લમકિન. એ લેમકિને ૧૯૪૪માં 'જેનોસાઈડ' શબ્દ આપ્યો હતો અને વળી તેઓ પોતે પણ ૧૫ ભાષાના જાણકાર હતા.

ભાષાની માફક જ તેની પાસે કાયદાની, જુડેઈઝમની, જાપાનોલોજીની (ઈન્ડોલોજી હોય એમ).. એમ વિવિધ ડીગ્રીઓ પણ છે. થોડી ગરબડ તેનાં ભેજામાં પણ છે. એક વખત ચિંતિત માતા-પિતાએ ડોક્ટરની સલાહ લીધી ત્યારે ખબર પડી કે આ બાળક 'એસ્પર્જર્સ સિન્ડ્રોમ'થી પીડાય છે. એ રોગ નથી, પરંતુ તેના કારણે તેનામાં કંઈ પણ શીખવાની અસાધારણ ક્ષમતા આવી જાય.

યુરોપના નાનકડા દેશો બોસ્નિયા અને હર્ઝગોવાનિયા વર્ષો સુધી ગૃહયુદ્ધમાં સળગતા હતા. એ વખતે આ દેશોમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સેના ખડકાઈ હતી. વિવિધ દેશમાંથી આવેલા સેનાના સૈનિકો સાથે મુહામેદની મુલાકાત થઈ. એટલે તેણે એક સ્વીડીશ સૈનિક પાસેથી સ્વીડનની ભાષા પણ શીખવી શરૃ કરી દીધી. એ વખતે ઉંમર હતી ૯ વર્ષ! ગૃહયુદ્ધ શાંત થયા પછી એક વખત પરિવાર હંગેરી ગયો, જ્યાં મુહામેદના દાદી રહેતા હતા. એ પ્રવાસ વખતે તેણે હંગેરીની ભાષા શીખી લીધી. એટલે હવે તો મુહામેદ પણ કહે છે કે, બોસ્નિયામાં બાળક જન્મે એ સાથે જ તેને ૩ ભાષા તો આવડે. કેમ એ દેશમાં પડયા પાથર્યા રહેતા વિદેશી સૈનિકો-અધિકારીઓ-સત્તાધિશો વિવિધ ભાષા બોલતાં જ હોય.

ભાષા-ભાષા વચ્ચે બોલાચાલી
વ્યક્તિઓની માફક અત્યારે નાની અને મોટી ભાષાઓ વચ્ચે પણ જંગ ચાલે છે. જેમ કે જે ભાષા બોલાય છે, તેનો પ્રચાર વધતો જાય છે. દા.ત.અંગ્રેજી. બીજી તરફ આખા જગતમાં અત્યારે વપરાતી ૬૭૦૦ જેટલી ભાષાઓમાંથી અડધી એવી છે, જે બોલનારા સતત ઘટતા જાય છે. એટલે સરવાળે એ ભાષા નષ્ટ થાય છે. સ્વાભાવિક રીતે જ બોલાતી ન હોય, લખાતી ન હોય, જગત સાથે તાલ મિલાવતી ન હોય, પરિવર્તન પામતી ન હોય, નવા શબ્દો અપનાવતી ન હોય એ ભાષા લાંબેગાળે ગ્રંથોના પાનાંઓ વચ્ચે જ દબાઈ જાય.

લોકો મારી વાત સમજે એટલે ઘણું..
મુહામેદ માને છે કે સ્કૂલમાં ભાષા શીખવાય તેની પાછળનો મૂળ ઉદ્દેશ માર્ક મેળવવાનો હોય છે, કોઈ સાથે સંવાદ-સેતુ સાધવાનો નહીં. ઘણે અંશે એ વાત સાચી છે. મુહામેદ પોતાની કામગીરી માટે જ ભાષાઓ શીખ્યો છે માટે તેને અંગત રીતે રેકોર્ડ સર્જવામાં નહીં, લોકો પોતાની વાત સમજે એમાં રસ છે. એટલે ૧૭ વર્ષનો હતો ત્યારથી તેણે પોતે તો કેટલી ભાષા આવડે એ ગણવાનું વળગણ છોડી દીધું છે. પણ અન્ય લોકો અને સંસ્થાઓ તેની નોંધ રાખે છે.

એટલે એ એમ પણ સ્પષ્ટ માને છે કે આ કોઈ રેકોર્ડ નથી અને 'સૌથી વધુ ભાષા આવડે છે' એવું કોઈ જેન્યુઈન રેન્કિંગ કે સર્ટિફિકેટ પણ નથી. કેમ કે ભાષા આવડવી કોને કહેવી તેની વ્યાખ્યા પણ સીધી-સાદી નથી. મુહામેદ એક ઉદાહરણ આપતાં કહે છે કે કોઈ વ્યક્તિને 'નમસ્કાર', 'કેમ છો?' અને 'આવજો' એમ કહેતા ૫૦૦ ભાષામાં આવડે છે. માત્ર આ ત્રણ જ વાક્યો આવડે છે, તો તેને ૫૦૦ ભાષાના જાણકાર કહી શકાય? એટલે આવા રેકોર્ડના રેકર્ડમાં પડવામાં તેને કોઈ રસ નથી. વળી એ સ્વીકારે છે કે મેં વ્યાકરણ સહિત વૈજ્ઞાાનિક રીતે ભાષાઓ શીખી નથી

અનુભવે વિકસેલી આવડત
કાળક્રમે મુહામેદને સમજાવા લાગ્યુ કે થોડી પ્રેક્ટિસ કરવાથી ગમે તે ભાષાની પ્રાથમિક જાણકારી મેળવવામાં કશો વાંધો આવતો નથી. માટે એ જ્યાં જાય ત્યાંની ભાષા સમજવા પહેલા પ્રયાસ કરે. તેને કંઈ ભાષાનું વ્યાકરણ સમજીને 'હેમચંદ્રાચાર્ય' બનવું નથી. પરંતુ પોતાનું કામ ચાલી જાય, સામે વાળી વ્યક્તિ સાથે સંવાદ કરી શકે, સવાલ પૂછી શકે, જવાબ આપી શકે.. એટલી ભાષા તો તેને આવડતાં વાર નથી લાગતી.

આટલી બધી ભાષા શીખવા શુું કરવું? તેનો જવાબ આપતા એ કહે છે કે તમને કઈ રીતે ભાષા સમજાય છે એ સૌથી પહેલા જાણવું જોઈએ. કોઈને ગીત-સંગીત સાંભળીને, ફિલ્મ જોઈને, કોઈને કોર્સિસ કરીને, કોઈને જે-તે ભાષાનું લખાણ વાંચીને, કોઈને વિડિયો જોઈને ભાષા શીખવામાં મદદ મળતી હોય છે. જેમ કે મારે નવી ભાષા શીખવી હોય તો હું યુટયુબ પર વિડિયો અને બૂક્સની મદદ લઉ છું. એક વખત મારે બે અઠવાડિયાની બિઝનેસ ટ્રીપ માટે લાત્વિયા જવાનું થયુ.

એ વખતે મેં વિડિયો જોયા, બુક્સ ફેંદી અને એ ભાષાના કાર્ટૂનોનો અભ્યાસ કર્યો. બસ પછી મારું કામ અટક્યું નહીં. હવે તો પોતાના આ જ્ઞાાનનો લાભ એ ઈન્ટરનેટ પરના જ્ઞાાનસાગર વિકિપીડિયાને પણ આપે છે અને ત્યાં વિવિધ ભાષાઓની સમૃદ્ધિમાં મદદ કરે છે. વર્ષો પહેલા ગુજરાતી મહાકવિ અખો લખી ગયા એમ મેસિકને અનેક ભાષાનું ભૂર વળગ્યું છે.

આ બધી સિદ્ધિઓ પછી પણ તેને વિચારો તો પોતાની ભાષામાં જ આવે છે!

ભાષાશાસ્ત્રીઓનો વિશ્વભરમાં વિખરાયેલો વારસો

માઈકલ એરાર્ડ નામના સંશોધકને સવાલ થયો કે આવા ભાષા નિષ્ણાતો કેટલા હશે? માટે તેણે જગતભરમાંથી આવા વિદ્વાનો શોધીને 'બાબેલ નો મોર' નામનું પુસ્તક લખી નાખ્યું. તેમાં ભાષા જાણકારોની નોંધ લેવામાં આવી છે. એમાં નોંધાયેલા કેટલાક મહાનુભાવો..

- ૧૮૫૪માં બ્રિટિશ તાબાના હોંગકોંગના ગવર્નર પદે આવ્યા જોન બોવરિંગ. અર્થશાસ્ત્રી, રાજકારણી, બ્રિટિશ સાંસદ.. સહિતની તેમની કરિયરમાં ગવર્નરનો વધુ એક હોદ્દો હતો. બ્રિટિશ અધિકારી તરીકે તેમને જ્યાં-ત્યાં ફરવાનું થતું હતુ. એટલે તેમને વિવિધ ભાષાઓ પણ આવડતી ગઈ. પણ તેમણે જીવનકાળ દરમિયાન ૧૦૦થી વધુ ભાષાઓમાં એક્સપર્ટઈઝ હાંસલ કરી હતી. એટલું જ નહીં ૧૦૦ ભાષા બોલી-વાંચી-લખી શકતા હતા તો પ્રાથમિક ધોરણે સમજી શકતા હોય એવી ભાષાઓની સંખ્યા તો ૨૦૦ હતી.

આ દાવો જરા વધારે પડતો જણાય તો પણ ઓલટાઈમ ગ્રેટ તરીકેનો વિક્રમ તમામ ગ્રંથોમાં તેમના નામે જ નોંધાયેલો છે. તેમણે યુરોપના અનેક દેશોના લોકગીતોનો અનુવાદ કર્યો હતો, જેના કારણે જ તેમની ભાષા પરની પકડ વધતી ગઈ હતી. તેમને આવડતી વિવિધ ભાષાઓમાં એક સંસ્કૃત પણ હતી.

- ૧૭૯૨માં જન્મીને ૧૮૭૨માં મૃત્યુ પામેલા બોવરિંગની ક્ષમતાઓ પર પાછળથી શંકાઓ પણ ઉભી થઈ. એટલી બધી ભાષા કઈ રીતે આવડી શકે એવા સવાલો ઉભા થયા. પરંતુ તેનાથી બોવરિંગની સિદ્ધિઓને કોઈ ખાસ ફરક પડયો નથી. સૌથી વધુ ભાષા જાણનારા કાળા માથાના માનવીઓમાં આજે ય પહેલું નામ તેમનું જ મુકાય છે.

- એલેક્ઝાન્ડર સાબિનો નામના અમેરિકી પ્રોફેસરને ૫૦થી વધુ ભાષા આવડે છે. એટલે એક સમયે તેમના નામેય રેકોર્ડ હતો. સાબિનો હાલ અમેરિકામાં વિદેશી ભાષાઓના એક્સપર્ટ તરીકે ખ્યાતનામ છે, તો વળી કોરિયન ભાષા પરની તેમની પકડ વિશ્વવિખ્યાત છે. યુનિવર્સિટીમાં તેઓ અત્યારે વિવિધ દેશોની ભાષાઓ શીખવે છે, પોતે પણ શીખતા રહે છે.

- ૧૭૭૪માં જન્મેલા ધર્મગુરુ ગીસેપી કાસ્પર મેઝોફાન્તી ૩૮ ભાષા અને ૪૦ બોલીના જાણકાર હતા. એમની આવડત જગત સમક્ષ રજૂ કરવા માટે પોપ ગ્રેગરીએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું એક સંમેલન ભર્યું હતુ. એક ખંડમાં વિદ્યાર્થીઓ ગોઠવાયા, સ્ટેજ પર પોપ અને ગીસેપી સહિતના મહાનુભાવોએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. અને પછી વિદ્યાર્થીઓને છૂટ આપવામાં આવી કે તમારી ભાષામાં જે પૂછવું હોય એ પૂછો! ગીસેપીએ લગભગ તમામને જવાબ આપી રીત સર બોલતાં બંધ કરી દીધાં.

- કેનેડાના પોલીગ્લોટ પોવેલ એલેક્ઝાન્ડરનો સમાવેશ ૧૯૮૫માં ગિનેસ બૂકે પોતાના રેકોર્ડમાં કર્યો હતો. કેમ કે તેમની ૪૨ ભાષાઓ પર ઠીક ઠીક કહી શકાય એવી પકડ હતી. હિન્દી અને પંજાબી સહિતની પોવેલના દાવા પ્રમાણેની તમામ ભાષાના જાણકારોને સામે બેસાડીને તેમની માસ્ટરીની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષા એક મહિનો સુધી ચાલી હતી, કેમ કે રોજ બે કલાક ભાષાની જાણકારીનું ટેસ્ટિંગ થતું હતું. એ ઉપરાંત થોડી ઘણી આવડતી હોય એવી ભાષાઓ પણ ઉમેરીએ તો તેમનો સ્કોર ૬૪ સુધી પહોંચે છે.

જર્મનીના ૧૮૦૭માં જન્મેલા હાન્સ કેનન ખરા અર્થમાં ભાષાશાસ્ત્રી હતા. કેમ કે તેઓ ૩૦ ભાષા પર કાબુ ધરાવતા હતા, થોડી-ઘણી જાણતા હોય એવી ભાષાઓની સંખ્યા ૮૦ હતી. એટલું જ નહીં એકથી વધુ ભાષાઓના વ્યાકરણ પર તેમણે સંશોધન કર્યું હતુ. એટલે ખરા અર્થમાં ભાષાશાસ્ત્રી હતા. હતા જર્મન તો પણ તેમની ઓળખ વળી મંચુ ભાષાના જાણકાર તરીકેની હતી. જર્મનીના એલ્ટનબર્ગ પ્રાંતના તેઓ વડા પ્રધાન પણ રહ્યા હતા.

ઝીયાદ ફઝાહ નામના લાઈબેરિયામાં જન્મેલા પોલીગ્લોટનું નામ પણ ગિનેસના ચોપડે ૫૮ ભાષાઓ જાણનારા તરીકે ચડેલું છે. પરંતુ પાછળથી વિવિધ ટેસ્ટમાં તેઓ પાંચ-પંદરને બાદ કરતા બીજા ભાષાની પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હતા. માટે તેમનો રેકોર્ડ પણ વિવાદાસ્પદ ગણાય છે. એક સમયે સૌથી વધુ ભાષા જાણનારા તરીકે ઝીયાદને ચો-તરફ પ્રસિદ્ધિ મળી હતી.

અસિન થોટ્ટુમકલ યાદ હશે..મૂળ સાઉથની હિરોઈન પણ 'ગજિની'ને કારણે બોલિવૂડમાં ચમકેલી. તેને આવડતી ભાષાઓની સંખ્યા ૧૫ છે, જેમાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે! 'રંગરેઝ' અને 'ફકરી'ની હિરોઈન પ્રિયા આનંદ પણ અડધો ડઝન ભાષાઓ બોલી શકે છે. અત્યારે અજ્ઞાાતવાસમાં સરી પડેલા એક સમયના રાજનેતા જ્યોર્જ ફર્નાન્ડિઝ દસેક ભાષા જાણે છે. 'ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ'ના પ્રમુખ લોકેશ ચંદ્રા ૧૫થી વધુ ભાષાના પણ જાણકાર છે.

પુરાતન ભારતીય ઈતિહાસના જાણકાર ચંદ્રા પાલી, અવસ્તા, જૂની પર્શિયન, તિબેટિયન જેવી અઘરી અને ઈતિગાસ સમજવા માટે અનિવાર્ય ગણાતી ભાષાઓ પર મહારત ધરાવે છે. ઈતિહાસ ફંફોસવા માટે ઈન્ડિયાના જોન્સ સિરિઝની ફિલ્મોની માફક ચંદ્રાએ લીપીનું જ્ઞાાન પણ મેળવ્યું છે. એ રીતે સુપર સ્ટાર રજનિકાંત, કમલ હસન, પ્રકાશ રાજ વગેરે કલાકારો અડધો ડઝન કે તેનાથી વધારે ભાષાઓ પર પકડ ધરાવવા માટે જાણીતા છે. તો વળી પૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવ ડઝનેક ભાષા બોલી-વાંચી-લખી જાણતા હતા.

Post Comments