Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

ભારતમાં ૧૩ કરોડની વસ્તી દીઠ એક નોબેલ વિજેતા !

અમેરિકાએ આઠ લાખની વસ્તી દીઠ એક એવા ૩૬૩ અને બ્રિટને સાડા પાંચ લાખની વસ્તી દીઠ એક એમ ૧૨૩ નોબેલ વિજેતા વિશ્વને ભેટ આપ્યા છે

વિજ્ઞાનીઓ જોડેનો વાર્તાલાપ સત્સંગ કરતા કમ નથી હોતો

વિજ્ઞાનીને ઋષિ કે જગત ઉધ્ધારક જેવો દરજ્જો મળે તો જ ભારત જગદ્ગુરૃ બની શકશે

ભારત વિશ્વનું છઠ્ઠા ક્રમાંકનું અર્થતંત્ર છે પણ માથાદીઠ આવકની રીતે ૧૨૧માં ક્રમના કેપ વેર્ડે (દેશનું નામ સાંભળ્યું છે ?) અને ૧૨૩માં ક્રમના નાઇજીરિયાની વચ્ચે ૧૨૨માં નંબરે છે.

ડિજીટલ ક્રાંતિની વાતો કરતું ભારત ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યાની રીતે વિશ્વમાં ત્રીજા નંબરે છે પણ ઇન્ટરનેટ સ્પિડમાં ૧૧૨મો ક્રમાંક ધરાવે છે. સાઉથ કોરિયામાં ૧૫.૭ એમબીપીએસ, જાપાન ૧૦.૯, હોંગકોંગ ૪૯.૩ની સ્પિડ છે. વિશ્વના ૧૩૫થી વધુ દેશોની સરેરાશ સ્પિડ ૨.૪૫ છે તેના કરતા પણ ભારત ઘણુ પાછળ છે ૧.૦૦ થી ૧.૫૦ એમબીપીએસ એવરેજ ઇન્ટરનેટ સ્પિડ ધરાવે છે.

વર્તમાન વિશ્વમાં જો ખરા અર્થમાં 'ઇન્ડિયા રાઇઝિંગ' કે 'જગદ્ગુરુ' જેવા બિરૃદો સાર્થક કરવા હોય તો માથાદીઠ આવક, ઇન્ટરનેટ સ્પિડ અને શોધ સંશોધનની રીતે ભારતે આગામી દાયકામાં વિશ્વના ટોચના દેશોને કંઇક કરી બતાવવું પડશે.

આપણે તમામ ક્ષેત્રોમાં જે પણ કંઈ ચીજવસ્તુ, સેવા, ટેકનોલોજી, કે માનવજીવન માટે આશીર્વાદ સમાન સંશોધનો થકી ૨૧મી સદીના ફળો માણીએ છીએ તેમાં વિશ્વને ભારતનું નહીવત પ્રદાન રહ્યું  છે. ભારતને અત્યારે ટોચના દેશો તેની ૧૩૧ કરોડની વસ્તીને ગ્રાહક તરીકે અને આટલા વિશાળ દેશને ઇન્ફ્રાસ્ટ્રકચર અને સર્વિસિસથી ખડો કરવાની ખાણ તરીકે જોતા હોઈ મહત્વ આપે છે.

આપણી કોઈ પ્રોડકટ એટલે કે 'મેઇડ ઇન ઇન્ડિયા' વિશ્વમાં પ્રણેતા સમાન છે ? આપણે જે ચીજવસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તેના સિધ્ધાંતો, મેકિંગ પધ્ધતિ વિદેશમાં શોધાયેલું છે.

જરા જુદી રીતે જોઈએ. ભારતની વસ્તી ૧૩૧ કરોડ છે અને ભારતે કુલ માત્ર ૧૦ નોબેલ પ્રાઈઝ મેળવ્યા છે. એટલે ૧૩ કરોડની વસ્તી દીઠ એક નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત કર્યો છે.

ભારતના નોબેલ વિજેતાઓ તરફ નજર નાંખીએ તો દસમાંથી બે નોબેલ વિજેતાઓ રોનાલ્ડ રોસ કે જેને ૧૯૦૨માં મેડિસિન અને ૧૯૦૭માં સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મેળવનાર રૃડયાર્ડ કિપલિંગ બંને બ્રિટિશર હતા પણ ભારતમાં જન્મ થયો હોઈ તેઓ ઓન રેકર્ડ ભારતના નોબેલ વિનર્સમાં સ્થાન પામે છે. મધર ટેરેસાને શાંતિનું નોબેલ ૧૯૭૯માં મળ્યું હતું.

તેઓ મેસેડોન્યિામાં જન્મ્યા હતા. મેડિસિનનું નોબેલ પ્રાપ્ત કરનાર (૧૯૬૮) હરગોબિંદ ખુરાના અમેરિકાના નાગરિક બન્યા હતા. તે જ ધોરણે સુબ્રમણ્યમ ચંદ્રશેખર (ફિઝિકલ નોબેલ ૧૯૮૩) પણ અમેરિકન નાગરિક અને કેમેસ્ટ્રીના ૨૦૦૯ના નોબેલ વિજેતા વેંકટરમન રામક્રિષ્નન બ્રિટિશ અને અમેરિકન નાગરિકત્વ ધરાવે છે.

એટલે કે રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય ૧૯૧૩, સી વી રમન ફિઝિક્સ ૧૯૩૦, અમર્ત્ય સેન અર્થશાસ્ત્ર ૧૯૯૮ અને કૈલાશ સત્યાર્થી શાંતિ ૨૦૧૪ને બાદ કરતા છ નોબેલ વિજેતાઓની સિધ્ધીમાં ભારતના વિજ્ઞાાન-સંશોધન જગતનું સીધુ પ્રદાન નથી. એમ તો અમર્ત્ય સેને પણ પ્રેસિડેન્સી કોલેજ કોલકાતામાં ગ્રેજ્યુએટ થઈ ૨૦ વર્ષની વયે કેમ્બ્રીજ તરફ કાયમી પ્રયાણ કર્યું હતું.

નોબેલના નકશામાં ભારતની સ્થિતિ કેવી છે તેનો આપણા શિક્ષણના રખેવાળો અને માત્ર અને માત્ર પૈસા પાછળ દોટ મૂકતા વ્યવસાયીઓ  સમક્ષ અરીસો ધરવો જ રહ્યો.

ભારતની વસ્તી ૧૩૧ કરોડ છે અને અગાઉ જે રીતે પણ ગણાવ્યા તે ૧૦ નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતના ખાનામાં જ મુકાતા હોઈ તેમ ગણતરી કરીએ તો ભારતમાં ૧૩ કરોડની વસ્તી દીઠ એક નોબેલ વિજેતા છે.

આની સામે નોબેલની ટંકશાળ પાડનારા દેશોની બુલંદી જોઈએ. યુનાઈટેડ કિંગ્ડમ ૫ લાખ ૨૬ હજારની વસ્તી દીઠ એક નોબેલ પ્રાઇઝની એવરેજથી ૧૨૩ નોબેલ પ્રાઇઝ મેળવી ચુકયું છે. ગુજરાત જેટલી વસ્તી બ્રિટનની છે અને ૧૨૩ નોબેલ પ્રાઇઝ ! અમેરિકાની વસ્તી અંદાજે ૩૨ કરોડ લઈએ તો ૮.૮૬ લાખની વસ્તીએ એક પ્રમાણે તેઓએ ૩૬૩ નોબેલ પ્રાઇઝ, જર્મનીએ ૭.૬૮ લાખની વસ્તી દીઠ એક એમ ૧૦૫ નોબેલ પ્રાઇઝ, ફ્રાંસે ૬૨, સ્વિડને ૩૦ સ્વિત્ઝર્લેન્ડે ૨૫, જાપાને ૨૫, કેનેડાએ ૨૩, રશિયાએ ૨૩, ઓસ્ટ્રીયાએ ૨૧, ડેન્માર્કે ૧૪ અને ઇઝરાયેલ ૧૨ એમ ૪ થી ૧૫ લાખની વસ્તી દીઠ એક નોબેલ પ્રાઇઝ આ દેશોએ મેળવ્યા છે. ભારત જો ચીનનું જ તેનું નજીકનું હરિફ ગણતું હોય તો ચીન કરતા ભારતનો દેખાવ સારો છે કેમ કે ચીને ૧૫,  કરોડની વસ્તીની સરેરાશે ૯ નોબેલ મેળવ્યા છે.

જો કે એ ના ભુલવું જોઈએ કે અમેરિકા અને યુરોપના નોબેલ વિજેતાઓની સંયુક્ત યાદીમાં ૧૫ જેટલા ચીની વિજ્ઞાાનીઓ છે. ચીને બાર્સેલોનાની ૧૯૯૨ની ઓલિમ્પિક વખતે અમેરિકાને પડકાર આપ્યો હતો કે ૨૦૦૦ની ઓલિમ્પિક પછી ક્રમશઃ તમારી ઇજારાશાહી રોકી નાંખીશું. ચીન તે વખતે ગોલ્ડ મેડલની યાદીમાં ચોથા ક્રમે હતું જે હવે બીજા, ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.

ચીને વિજ્ઞાાન અને સંશોધનમાં તો છેલ્લા દાયકામાં કાઠુ કાઢયું જ છે પણ તેઓએ ઇન્ફ્રાસ્ટ્રકચર, જંગી ઉત્પાદન, અમેરિકાને હંફાવતા ઇ કોમર્સના ધૂરંધરો તેમજ તેમની પોતાની ભાષાની આઇ ટી સર્વિસથી વિશ્વને હંફાવ્યું છે. ડિફેન્સ ટેકનોલોજીમાં ચીન તેની પુરી તાકાત લગાડે છે.

આની સામે ભારતમાં 'ઇસરો' પ્રશંસનીય સિધ્ધી મેળવી છે. જો કે એ વાતને સ્વીકારવી જ પડે કે ભારતના વડાપ્રધાન મોદી વિશ્વના નોબેલ પ્રાઇઝ વિજેતાઓને આમંત્રીને એક વાતાવરણ ઉભું કરવા તરફ આગળ વધી રહ્યા છે.

૨૦૩૦માં તેમણે ભારતને વિજ્ઞાાનનું હબ બનાવવાનો પણ ધ્યેય મૂક્યો છે.અબ્દુલ કલામ સાહેબે જે પ્રેરણા, ચેતન અને હવા ઉભી કરી હતી તેને આગળ ધપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભારતની એક પણ યુનિવર્સિટી વિશ્વની ટોચની ૨૦૦ યુનિવર્સિટીમાં સ્થાન નથી પામતી. માની લો કે, આ સર્વે એ હદે વિશ્વસનિય ના હોય તો પણ ટોચની ૧૦૦ થી ૨૦૦માં એકાદ આઇઆઇએમ કે આઇઆઇટી કોલેજ બહુ તો સ્થાન પામી શકે.

આ ટોચની યુનિવર્સિટીના સ્નાતકો પણ મલ્ટીનેશનલ કંપનીના તગડા પેકેજમાં જ પલળી જાય છે. માઇક્રોસોફટના સત્ય નડેલા કે ગુગલના સુંદર પીચાઇ ટેકનો બ્રેઇન છે પણ ભારતમાં સ્થાયી થઇને તેવી પ્રોડકટ નથી આપી શકતા.

ભારતમાં બીબાઢાળ ડીગ્રીઓ અને કારકિર્દી માર્ગદર્શનની પાઘડીનો  છેલ્લો વળ તો પેકેજ કેટલું તે જ આવીને અટકે છે. જેની ડિમાન્ડ તે લાઇન લેવાની, તેવું તો આપણું માનસ છે.

આપણે ત્યાં વિજ્ઞાાન અને સંશોધનમાં બાળ વયથી જ પ્રતિભાઓ પડેલી છે. શાળા-કોલેજોમાં વિજ્ઞાાન કે ટેકનો ફેસ્ટમાં અવનવા સિધ્ધાંતો લઇને મૌલિક મોડલો મૂકાતા હોય છે. ખરેખર તેનું પેટેન્ટ થઇ શકે તે માટે પ્રો. અનિલ ગુપ્તા જેવા દેશમાં ૧૦૦ મસ્તફકીરો જોઇએ, જેઓ ભેખધારી હોય.

પેટન્ટને વિશ્વ સ્તરે લઇ જવા જરૃરી સંશોધન માટેનું સંસ્થાઓ જોડે જોડાણ તેમજ તેવી સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટી લેબમાં બજેટ ઠાલવવું જોઇએ. ત્રણ મંદિર દીઠ એક લેબ તો હોવી જોઇએ ને ? દાતાઓએ રીસર્ચ માટે થતા દાનને શ્રેષ્ઠ માનવાનો અભિગમ કેળવવાની જરૃર છે.

ઉદાહરણ તરીકે જો કોઇ તરસ્યાને પાણી પીવડાવવું તે પૂણ્ય છે. બે માટલા મૂકીને પરબ કરો તો દિવસમાં ૨૫-૫૦ વ્યક્તિની તરસ છીપે.

પણ ગામ આખાને પેટાળમાંથી પાણી બહાર ઉલેચી લાવતી બોરની ટેકનિક કે પાણીની રીસાયકલ માટેના પ્રોજેક્ટથી ૫૦૦૦-૧૫૦૦૦ની વસ્તીની પ્યાસ બુઝાય અને કૃષિ શક્ય બને તો તે શોધક, સંશોધક કે સિસ્ટમ અપનાવનાર પૂણ્યનો અધિકારી ના મનાય? એક વડીલ કે કમજોરની નજીક બેસીને કલાક સુધી હાથ પંખો વીંઝો અને અનુકંપા કે પૂણ્ય મનાતું હોય તો એક વિજ્ઞાાની તો પંખા, કુલર કે એસીની શોધ કરીને જે કૃપા કરે છે તેમાં તેનું જીવન આવા સંશોધનમાં સોંપી દે છે. ે તેને સંત પુરૃષ માનીને મનોમન આશીર્વાદ આપ્યા છે ખરા ? કોડિયામા દીવડો પૂરનાર પરમ કૃપાળુ દાતા અને વીજળીની શોધ કરનાર વિજ્ઞાાની બે કોડીનો ?

બીમારીથી તમને ઉગારનાર ભગવાન... તે ડૉકટર પણ ભગવાન.. પણ તેની રસી, દવા, લેબ રીપોર્ટના સાધનો, સર્જરીની ટેકનીકના શોધકોને રજભાર પણ જશ ના મળે ?

આપણે વિજ્ઞાાનીઓ, સંશોધકોને ઋષિ કે સંતોનો દરજ્જો આપી મનોમન તેઓને નતમસ્તક વંદન કરવા જોઇએ. તેઓની એક જ નિષ્ઠા રહી છે કે કઇ રીતે માનવ જગતને માટે વધુ અનુકૂળ અને પીડામુક્ત વાતાવરણ સર્જવું .  આ સંશોધકોની પણ કોઇ સાધક સંત જેવી જ  તપશ્ચર્યા હોય છે.

ધર્મ અને તત્વજ્ઞાાન-આત્મા સાક્ષાત્કારની બડી બડી વાતો સાંભળવા જનારાઓએ વિજ્ઞાાનીઓના પ્રવચનો, પ્રદર્શનોમાં હાજરી આપવી જોઇએ.

જો દુનિયાનો માપદંડ ગાડી, બંગલો અને ભૌતિકતા જ હોય તો આ સગવડો પણ વિજ્ઞાાનીઓને  આપવી જ રહી !

Post Comments