Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

નમસ્તે સદા વત્સલે..

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હવે અસ્પૃશ્ય નથી; ચારેકોર સંઘના સિક્કા; સંઘને ગુજરાત ફળ્યું છે..

સંઘને રાજકારણમાં પ્રવેશવાની સલાહ વાજપેઈએ આપી હતી: લોકસભામાં જેના માંડ બે સભ્યો હતા તેની પાસે સ્પષ્ટ બહુમતીવાળી કેન્દ્ર સરકાર છે; સંઘની ધીરજ-સંઘર્ષ કામ આવ્યા..

દેશમાં સંઘમ્ શરણમ્ ગચ્છામીનો અનુભવ લોકોને કરાવાઇ રહ્યો છે: સંઘ વિચાર પચાવવો મુશ્કેલ છે : બાંગારૃ લક્ષ્મણ લપસી પડયા હતા..

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલા તમામ ''નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ'' પ્રાર્થનાથી પરિચિત છે. આજથી બે દાયકા પહેલાં સંઘ અસ્પૃશ્ય હતો. લાલુપ્રસાદ યાદવ સંઘ માટે ''ચડ્ડીવાળા ગુંડા'' શબ્દનો પ્રયોગ કરતા હતા. હવે સંઘનો યુનિફોર્મ બદલાઇ ગયો છે.

સંઘના સ્વયંસેવકો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ટોપના હોદ્દા પર લોકશાહી ઢબે ચૂંટાઇ આવ્યા છે. દેશ આઝાદ થયા પછી સંઘે સત્તા સુધી પહોંચવા માટે જે ધીરજ ધરી છે તે પ્રશંસનીય છે. પહેલાં જનસંઘ અને પછી ભારતીય જનતા પક્ષ દ્વારા સંઘે રાજકીય સત્તા મેળવવા ધીરજ ધરી હતી.

આઝાદી મળ્યાના ૭ દાયકા પછી દેશની ત્રણેય ટોપ પોસ્ટ પર સંઘ વિચારસરણી સાથે સંકળાયેલા બેઠા છે. ટૂંકમાં દેશનું શાસન સંઘમ્ શરણમ્ ગચ્છામીની સ્થિતિમાં આવી ગયું છે એમ કહી શકાય.

અનેક તડકી-છાંયડીનો સામનો કરનાર સંઘ કટોકટીના સમયમાં ઈન્દિરા ગાંધીના રોષનો ભોગ બન્યું હતું. સંઘ વિચારધારા સાથે સંકળાયેલા નરેન્દ્ર મોદી સહિતના સક્રીય લોકો ભૂગર્ભમાં જતા રહ્યા હતા.

જુની વાતો બહુ ના વાગોળીયે તો પણ કહી શકાય કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને ગુજરાત ફળ્યું છે. સંઘને રાજકારણમાં બહુ ફાવટ નહોતી. સંઘના રૃઢિચુસ્ત અગ્રણીઓને દેશના રાજકારણને સર કરવામાં કોઇ રસ નહોતો. એક સમયે જે વિચારધારા પાસે લોકસભામાં માંડ બે બેઠકો હતી તે આજે સંપૂર્ણ બહુમતીથી કેન્દ્રમાં શાસન કરે છે અને દેશના અડધો-અડધ કરતાં વધુ રાજ્યોમાં તેનું શાસન છે.

સંઘે સૌથી સારું કામ હિન્દુસ્તાનની સંસ્કૃતિનું રક્ષણ કરવાની સાથે સાથે ન્યુ ઈન્ડિયાની દિશામાં આગળ વધવાની વાતને પણ ટેકો આપ્યો છે.

એવું પણ નથી કે સંઘે જ્યાં ખોદ્યું ત્યાં સોનું નીકળ્યું છે. સંઘના નિર્ણયોએ ઘણીવાર ટીકા વહોરી લીધી છે. સંઘના અગ્રણીઓ આડા-તેડા નિવેદનો કરીને વિવાદમાં ફસાયા હતા.

સંઘે રાજકારણમાં પગપેસારો કરવો જોઇએ એ વાત અટલ બિહારી વાજપેઇએ સંઘના ગળે ઉતારી હતી.
સંઘની ટ્રેન એટલી ઝડપથી આગળ વધે છે કે તેમની ટ્રેનમાં કોંગી વિચારસરણી વાળા ચઢી બેઠા છે. આમ સંઘ પર પંજો ફરી વળે એવી સ્થિતિ છે.

સંઘની રાજકીય પાંખ ભાજપને સત્તાનો નશો ચઢી ગયો છે. રાજકારણીઓમાં હોય એટલી બદી સંઘ-વિચારના લોકોમાં જોવા મળે છે. જેમ કે બાંગારૃ લક્ષ્મણ ભાજપના પ્રમુખ બન્યા ત્યારે ગાંધીવાદી દેખાતા હતા. પ્રમુખપદ પર બેઠા પછી તેમના ગળામાં સોનાના દોરા અને બધી આંગળીઓ પર સોનું ચમકવા લાગ્યું હતું. એટલે જ કહેવાય છે કે સંઘ વિચાર પચાવવો અઘરો છે.

સંઘની અન્ય પાંખો તોફાની બની ચૂકી છે જે માટે ઉત્તર પ્રદેશમાં બનતી ઘટનાઓના ઉદાહરણ આપી શકાય.

આઝાદી પછી સંઘ અને ડાબેરી વિચારસરણી અર્થાત્ જમણેરી અને ડાબેરી વિચાર આગળ વધ્યો હતો. ડાબેરી વિચાર સતત અસ્વીકાર્ય રહ્યો અને જમણેરી વિચારની પકડ વધી ગઇ હતી. આજે તો સ્થિતિ એ છે કે ડાબેરી વિચાર શોધ્યો નથી મળતો અને જમણેરી વિચાર ટોચની સપાટી પર છે અને બૉટમ સ્તરે પણ દેશવ્યાપી છે.

ડાબેરી વિચાર શા માટે નિષ્ફળ ગયો તે સંશોધનનો વિષય છે પરંતુ જમણેરી વિચાર શા માટે સફળ થયો તે કહી શકાય એમ છે. જમણેરી વિચારે હિન્દુ તરફી માર્ગ પકડી રાખ્યો હતો. આ માર્ગ પર તેમણે દેશને પણ ખેંચી લીધો હતો.

ભારતમાં વર્ષો સુધી કોંગ્રેસે શાસન કર્યું. તેણે પણ ડાબેરી વિચારને ઘૂસવા દીધો નહોતો. સાથે સાથે તે જમણેરી વિચારને ઘૂસતો પણ અટકાવી શકી નહોતી. ડાબેરી પ્રભુત્વવાળી સરકારે પશ્ચિમ બંગાળમાં ૩૫ વર્ષ શાસન કર્યું હતું. તે સ્થિરતા ટકાવી શક્યું નહોતું. પશ્ચિમ બંગાળ હાથમાંથી  સરકી ગયા બાદ ડાબેરીઓ જમીન પર પગ ટકાવી શક્યા નહોતા.

આજે જમણેરીઓની સ્થિતિ જેટલી મજબુત છે એટલી જ નબળી સ્થિતિ ડાબેરીઓની છે. કોઇપણ વિચારના પાયા મજબુત કરવા આસાન નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે લાંબી મજલ કાપી છે. ભૂતકાળની સરકારો અને તેમના મળતીયાઓએ સંઘની ઘણી ટીકા કરી છે અને 'ચડ્ડી' કહીને મશ્કરી કરે છે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અનેક શાખા - સંગઠનો છે તેમાંથી રાજકીય પાંખ એટલે કે ભારતીય જનતા પક્ષે જોરદાર સફળતા મેળવી છે. મહાદેવ સાથે પોઠીયા પૂજાય એમ આ સફળતાના જોરે સંઘના અન્ય નાના-મોટા સંગઠનોને ચાંદી લાગી ગઇ છે.

સંઘ અને ભાજપની વ્યૂહરચના સફળ થઇ છે. સંઘ એમ કહે છે કે ભાજપ સ્વતંત્ર છે અને ભાજપ એમ કહે છે કે સંઘ અલગ છે અમારા પર કોઇનો દોરી-સંચાર નથી.

જોકે હકીકત એ છે કે સંઘ પીવડાવે એટલું જ પાણી ભાજપે પીવું પડે છે અથવા તો પીવે છે.

ઉદાહરણ તરીકે ઉત્તર-પ્રદેશના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે યોગી આદિત્યનાથની પસંદગી પણ સંઘની છે; રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારો પણ સંઘે પસંદ કર્યા હતા. ભાજપે તો માત્ર ઓ.કે. જ કરવાનું હતું.

તે હકીકત છે પરંતુ ગૌવંશની રક્ષા અને હિન્દુત્વની વાતો ભૂલાઈ જવી ન જોઈએ રામ મંદિરના બદલે સૌના હૃદયમાં રામ વસે તે વિચારવું રહ્યું!

હવે સંઘ અને ભાજપ બંનેની જવાબદારી વધી છે.લવ જેહાદ, ગૌરક્ષાના નામે થતી દાદાગીરી અને તોફાનો અટકાવવા જોઇએ.

લોકશાહી ઢબે ચૂંટણીઓ જીતીને સંઘ પ્રભાવીત ભાજપે અંતે ભારત સર કર્યું છે. હવે તેણે દરેક ભારતીય મારો ભાઇ-બહેન છે તેને અમલમાં મૂકીને પ્રેમ જીતવાની જરૃર છે..
 

Post Comments