Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

૧૦૨ નૉટ-આઉટ !! સૌથી મોટી ઉંમરના સક્રીય રાજકારણી ગૉવરી અમ્મા (૯૯)

૭૦ પછી હતાશા ઘેરી વળે તો સીએમ કે પીએમ બનવા મથતા રાજકારણીઓને વાંચવા જોઇએ જીવનમાં નવું જોમ આવશે

ડાબેરી નેતાઓ લાંબુ જીવે છે; જોકે ભારતના રાજકારણમાં તેમણે બહુ ફેણ્યું નથી, જ્યોતિ બાસુને વડાપ્રધાન બનવાનો ચાન્સ મળ્યો ત્યારે કોંગ્રેસના વૉશરૃમમાં મોં ધોવા ગયા હતા..

'૧૦૨' નૉટ-આઉટ એ કોમેડી ફિલ્મ છે. ૧૦૨ વર્ષની ઉંમર સુધીની સફર ખેંચવા સુધી વણેલી સ્ટોરી છે. આપણે ત્યાં સમાજ પર ત્રણ ક્ષેત્રોનો પ્રભાવ છે. બૉલીવુડ ક્રિકેટ અને રાજકારણ !! બૉલીવુડમાં ૭૦ વર્ષ પછી પણ લોકપ્રિય રહી શકે એવા અમિતાભ બચ્ચન જેવા બહુ ઓછા ચહેરા છે, ક્રિકેટમાં ૩૫ પછી વિદાય સમારંભ હોય છે જ્યારે રાજકારણ જ એક એવું ક્ષેત્ર છે કે જેમાં જીવો ત્યાં સુધી મેદાનમાં રહી શકાય છે. '૧૦૨' નૉટ-આઉટ સાથે તેની સરખામણી થઇ શકે છે.

ભારતના રાજકારણમાં યુવા ચહેરા શોધવા પડે એવી સ્થિતિ છે. રાજકીય ક્ષેત્રે ૬૦ ઉપરના વધુ અનુભવી તેમજ વધુ દાવપેચ જાણનારા હોય છે. 'ઘરડાં જ ગાડા વાળે' એ કહેવત રાજકીય ક્ષેત્ર માટે વધુ પરફેક્ટ લાગે છે. દેશમાં કોંગ્રેસ સિવાયના મોટા ભાગના પક્ષ પ્રમુખો ૬૦ ઉપરના છે. જેમ કે મમતા બેનરજી (૬૩), મુલાયમસિંહ યાદવ (૭૮), સીતારામ યેચુરી (૬૫), દેવ ગૌડા (૮૪), શરદ પવાર (૭૭), ઉધ્ધવ ઠાકરે (૫૭), રાજ ઠાકરે (૪૯), મહેબુબા મુફતી (૫૮), અસઉદ્દીન ઓવૈસી (૪૮), લાલુપ્રસાદ યાદવ (૭૦), રામવિલાસ પાસવન (૭૧), શરદ યાદવ (૭૮) વગેરે.. વગેરે. આ યાદીમાં ચારેક ચહેરા અંદર  ૫૦ વાળા છે. પરંતુ કેન્દ્રીય રાજકારણમાં તેમની કોઇ ઉપજ નથી. આવા ચહેરા કુટુંબવાદનો લાભ ઊઠાવી રહ્યા છે.

યુવાનોને રાજકારણમાં ચાન્સ આપવો જોઇએ કે તેમને ટીકીટ આપીને ચૂંટણી લડાવવી જોઇએ એવું વારંવાર સાંભળવા મળે છે. જોકે જ્યારે ટીકીટ વહેંચણીની ઘડી આવે ત્યારે બધા જુનવાણી  વિચારને અનુસરવા લાગે છે.

રાજકારણમાં સ્વૈચ્છિક નિવૃત્તિ નથી, વયમર્યાદા પણ નથી પરંતુ ધક્કા મારીને કાઢવા પડે છે. પ્રજાની સેવાના નામે ખાઇ શકાય એટલા વર્ષો આ રાજકારણીઓ ખાય છે. ગયા અઠવાડીયે જ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોના બંગલા-ગાડી કોર્ટના આદેશથી પાછા લઇ લેવાયા હતા. વર્તમાન ગૃહપ્રધાન  રાજનાથસિંહ પણ આવી સવલત ભોગવતા હતા.

ભારતમાં સૌથી મોટી ઉંમરના સક્રીય રાજકારણીઓમાં કેરળના કે. આર. ગૉવરી અમ્માને સમાવી શકાય. તે ૯૯ વર્ષના છે, જુલાઇમાં ૧૦૦મું વર્ષ ઉજવશે. બીજા નંબરે રામ જેઠમલાણી આવે. તે ૯૪ વર્ષના છે. ત્રીજે અચ્યુતવર્ધને આવે, તે પણ ૯૪ના છે, ચોથે અડવાણી આવે, તે ૯૦ વર્ષના છે. ૮૦થી ૯૦ના ગાળામાં તો ઘણાં રાજકારણીઓ છે. જોકે ઉંમરના આંકડા જોતા એમ કહી શકાય કે ડાબેરી નેતાઓ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે. જોકે આ લોકો ભલે લાંબુ જીવ્યા પણ ભારતના રાજકારણમાં કંઇ ફેણી શક્યા નથી. જ્યોતિ બાસુને વડાપ્રધાન બનવાનો ચાન્સ આવ્યો ત્યારે બધા કોંગ્રેસના વૉશરૃમમાં મોંઢું ધોવા ગયા હતા.

૯૯ વર્ષના કે.આર. ગૉવરી અમ્માની વાત કરીએ તો ૧૯૫૭માં પ્રથમ ડાબેરી સરકાર ઈએમએસ નામબુદ્રીપાદની બની તેમાં તે રેવન્યુ પ્રધાન હતા. ત્યારબાદ તે પાંચવાર કેરળમાં પ્રધાન બની ચૂક્યા છે.
કેરળના રાજકારણીઓ પણ લાંબુ જીવ્યા છે તે તો ઠીક પણ લાંબો સમય રાજકારણમાં સક્રીય રહ્યા છે. ૯૪ વર્ષના અચ્યુતવર્ધને તો હજુ મુખ્ય પ્રધાન બનવા રાજકારણ રમી રહ્યા છે. કેરળના ઈ.કે. નયનાર ૯૦ વર્ષ અને કે. કરૃણાકરન ૯૨ વર્ષ જીવ્યા હતા.

જયારે સોશ્યલ મીડીયાની ટીમ નક્કી કરવાની વાત આવે છે ત્યારે ૨૫થી ૩૫ વર્ષની અંદરના યુવાનો યાદ આવે છે. આ યુવાનોમાં જે ક્ષમતા હોય છે એ ૬૦ ઉપરનાઓમાં નથી હોતી. કર્ણાટકની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને ભાજપ બંનેએ ૫૦-૫૦ યુવાનોની સાયબર ટીમ ઊભી કરી છે. આ ૫૦ યુવાનોના હાથ નીચે જિલ્લા પ્રમાણે કમિટી હોય છે. જેથી આ સાયબર સેનાની સંખ્યા ૪૦૦ ઉપર પહોંચી છે.

એકાદ ફેક ન્યુઝ ઑનલાઇન રમતા કરવા હોય તો સાયબર ટીમ તેનો વિષય પણ શોધી લે છે. ઉદાહરણ તરીકે એક મેસેજ એવો વાઇરલ થયો કે વડાપ્રધાન મોદીએ જે રાજનને આરબીઆઇના ગવર્નર પદેથી હકાલપટ્ટી કરી તેને ઈંગ્લેન્ડની બેંકે ચેરમેન બનાવ્યા !! આ મેસેજ મોદી વિરોધી સોશ્યલ ટીમનો હતો. જે ફેક ઠર્યો હતો.

ટૂંકમાં રાજકારણીઓ ગરજૂડા છે. ૬૦ ઉપરનાઓ સોશ્યલ નેટવર્ક પરની ફાઈટ લડી શકતા નથી એટલે સાયબર ટીમ માટે યુવાનોને  શોધે છે.

વૃધ્ધ રાજકારણીઓને જેમ સાયબર ટીમની જરૃર હોય છે એમ દેખાવો કરનારા; વિરોધીઓ સામે સૂત્રોચ્ચાર કરનારા કે જૂતું ફેંકનાર કે સ્યાહી ફેંકનારાની પણ જરૃર હોય છે. જોકે આવા લોકોને ટીકીટ નથી અપાતી પણ જરૃર પડે પીઠબળ પૂરું પાડવામાં આવે છે.

૬૦ ઉપરના લોકો ભલે બૉલીવુડમાં કે ક્રિકેટમાં ના ચાલે પણ રાજકારણમાં તો અવશ્ય ચાલે છે. વૈશ્વિક રાજકીય તખ્તા પર નજર કરીએ તો અમેરિકાના ડૉનાલ્ડ ટ્રમ્પ ૭૧ વર્ષના છે; રશિયાના પુતીન ૬૫ વર્ષના; ચીનના જીનપીંગ ૬૪ અને ભારતના વડાપ્રધાન મોદી  ૬૭ વર્ષના છે.

આમ રાષ્ટ્રીય સ્તરે કે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ક્ષેત્રે ૬૦ ઉપરના વર્ષોને સ્વીટ સીક્સ્ટી  કહી શકાય છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે દેશની સવા અબજની વસ્તી પર જે ત્રણ ક્ષેત્રોનો પ્રભાવ છે તે ક્રિકેટ, બૉલીવુડ અને રાજકારણમાં શિક્ષણની કોઇ જરૃર નથી. બીજું ધોરણ પાસ રાબડી દેવી દેશના સૌથી મોટા રાજ્ય બિહારનાં મુખ્ય પ્રધાન બની ગયા હતા. એસ.એસ.સી. ફેઇલ સચિન તેંડુલકરને ક્રિકેટના ગૉડ તરીકેનું બિરૃદ મળ્યું હતું.

પોતાની લાગણી-માગણી ના સંતોષાય તો વૃધ્ધ રાજકારણીઓને બળવો કરતાં પણ વાર નથી લાગતી જેનું લેટેસ્ટ ઉદાહરણ યશવંતસિંહા છે. તે પક્ષમાં થતી ઉપેક્ષાઓથી કંટાળ્યા હતા. પોતાનો પુત્ર રાજ્ય કક્ષાનો નાણાપ્રધાન હોવા છતાં યશવંતસિંહા નારાજ હતા. તેમણે નવો પક્ષ પણ બનાવ્યો છે જેથી ભાજપ તેમજ આર એસ એસ એમ  બંનેએ તેના  માટે બારણાં બંધ કરી દીધા છે.

રાજ્યપાલ કે ડીરેક્ટરો જેવા હોદ્દા પર સીનિયરોને મૂકવામાં આવે છે, આમ તેમણે કરેલી પક્ષની સેવાને બીરદાવવામાં આવે છે.

કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વી.એસ. અચ્યુતવર્ધને સીપીઆઇ (એમ)ના પોલીટ બ્યુરોના સભ્ય છે. તે ૯૪ વર્ષના છે છતાં ફરી મુખ્ય પ્રધાન બનવા મથે છે.

તમિળનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કરૃણાનીધી ૯૨ વર્ષના છે. તેમના નજીકના પ્રતિસ્પર્ધી જયલલિથાના અવસાન પછી તે આગામી ચૂંટણીમાં ડીએમકેના મુખ્ય પ્રધાન પદનો ચહેરો બનવાના છે. પ્રકાશસિંહ બાદલ ૮૯ વર્ષે પંજાબના મુખ્ય પ્રધાન બન્યાં હતા જ્યારે કર્ણાટકના દેવ ગૌડા ૮૩ વર્ષે પણ ફરી વડાપ્રધાન બનવા લઘુરૃદ્ર યજ્ઞા કરાવે છે.

'૧૦૨' નૉટ-આઉટ કૉમેડી ફિલ્મ છે. પરંતુ તમારી આસપાસ નજર નાખશો તો ૯૦ વર્ષની ઉપરના ઘણાં લોકો સ્વસ્થ જીવન જીવતા જોવા મળશે. તે ક્યારેય ઉંમરના કે માંદગીના રોદણાં નહીં રડે. તેનામાં શરીર તંદુરસ્ત રાખવાનો તરવરાટ અને આત્મવિશ્વાસ જોવા મળે છે. નિદાનની સવલતો અને અસરકારક દવાઓ મળતી થયા પછી લોકો લાંબુ અને સ્વસ્થ જીવતા થયા છે.

૭૦ પછી હતાશ થનારા લોકોએ મોટી ઉંમરે પણ મુખ્ય પ્રધાન કે વડાપ્રધાન બનવા થનગનતા રાજકારણીઓને અનુસરવાની જરૃર છે. આવા રાજકારણીઓ ક્યારેય થાકતા નથી; હતાશ થતા નથી અને ગ્રહોને નચાવે છે.

રાજકારણમાં ૬૦ વર્ષ પછી સ્વીટ સીક્સ્ટીનો કાળ શરૃ થાય છે કે સત્તા ટકાવી રાખવા માટે કે મેળવવા માટેનો સંઘર્ષ કાળ શરૃ થાય છે. ૮૫ કે ૯૦ વર્ષની ઉંમર પછી પણ સત્તાની ખુરશી જોઇને જેમનામાં નવું લોહી પ્રવેશે છે એવા રાજકારણીઓએ દેશને પણ વૃધ્ધ બનાવી દીધો છે. આઝાદીના સાત-સાત દાયકા પછી પણ પીવાનું પાણી; શુધ્ધ હવા, આરોગ્ય, શિક્ષણ જેવી સવલતોના નામે ધાંધીયા ઊભા કરનાર આ સત્તાવાંચ્છુ વૃધ્ધ રાજકારણીઓ જ છે એમ કહેવામાં કંઇ ખોટું નથી.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments