Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

..ખીચડી પોલીટીક્સ..

ગુજરાત અનેક ક્ષેત્રે મોખરે છે એમ ખીચડી પોલીટીક્સમાં પણ મોખરે છે; સૌ પ્રથમ પોલીટીકલ ખીચડી બાબુભાઈ પટેલે બનાવી હતી

૧૯૭૫માં બાબુભાઈ પટેલે ગુજરાતમાં પોલીટીકલ ખીચડી બનાવી હતી; તેના પરથી જયપ્રકાશ નારાયણે આઈડિયા લઇ ૧૯૭૭માં તેનો અમલ કર્યો હતો..

આજકાલ ખીચડીની બોલબાલા છે. ભારતે ૯૬૮ કિલો ખીચડી બનાવીને રેકોર્ડ તોડયો છે. ખીચડીને દાળ - ચોખાનો શીરો પણ કહે છે. જ્યારે આખો દેશ રાજકીય ગરમા-ગરમી વચ્ચે પસાર થઇ રહ્યો છે ત્યારે ભારતના રાજકારણમાં પણ  અનેકવાર રાજકીય ખીચડી પાકી છે; ઘણી વાર તે કાચી પણ રહી છે.

ભારતના રાજકારણમાં ખીચડી સીઝી હોવા છતાં હંમેશા બેસ્વાદ, મીઠા વિનાની રહી છે, એક તબક્કે ખીચડી સરકારો પણ બની છે પરંતુ તે બળી ગયાની વાસ ખીચડી બનાવનારા કરતા પ્રજાને વહેલાં આવી જતી હોય છે.

રાજકારણમાં બનતી ખીચડી સત્તા મેળવવા માટે તૈયાર થાય છે. તે એટલા માટે બળી જાય છે કે તેના રસોઇયા પાક્કા રાજકારણીઓ હોય છે. આ લોકો પોતાના સ્વાદ પ્રમાણે મસાલા નાખે છે. રાજકીય ખીચડી જ્યારે પણ તૈયાર થાય છે ત્યારે બહુ ધામધૂમ હોય છે પણ નથી તો આ લોકો ખીચડી ખાઇ શકતા કે નથી તો તેની સુગંધ લઇ શકતા !! રાજકીય ખીચડી બનાવનારા શિયાળના અવતાર સમાન હોય છે. આ લોકો સત્તાના કાજુ મેળવવા એવી હુંસા-તુંસી કરે છે કે પ્રજાના ભાગે તમાશો જોવાનું આવે છે.

ખીચડી સરકારની તાકાત એવી હોય છે કે જેમાં પક્ષની સંખ્યા કે ટેકાના ગણિત પ્રમાણે વડાપ્રધાન ચૂંટાયા છે. કર્ણાટકના દેવગૌડા આવી જ એક ખીચડી - પ્રોડક્ટ હતી. આ માણસ વારંવાર ઝોકા ખાતો કેમેરામાં ક્લીક થયો છે.

તેમને અચાનક ઉતરી પણ જવું પડયું હતું. તેમને એક જ્યોતિષે કહ્યું છે કે તમે હજુ એકવાર વડાપ્રધાન બનશો. દેવગૌડા ઈચ્છે છે કે ફરી વાર ૨૭૨ બેઠકો મેળવવા વિપક્ષો એક થાય ફરી ખીચડીનું આંધણ મૂકાય અને ફરી દેવગૌડાને વડાપ્રધાન પદની ઓફર થાય !!

ગુજરાત અનેક મુદ્દે ગૌરવ લઇ શકે છે. વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં ખીચડી સરકારનો કોન્સેપ્ટ શરૃ કરનાર ગુજરાત હતું !! તે પણ ગુજરાતનું ગૌરવ કહી શકાય !!

૧૯૭૫ના વર્ષમાં બાબુભાઇ જશભાઇ પટેલે સંસ્થા કોંગ્રેસ અને તે સમયના જનસંઘ સાથે મળીને ખીચડી સરકાર બનાવી હતી. જનતા મોરચાના પ્રયોગની આ શરૃઆત હતી એમ કહી શકાય. તે સમયે આ મોરચો એટલે કે રાજકીય ખીચડી સ્વાદિષ્ટ નીવડી હતી. તેનો સ્વાદ ઠેઠ જયપ્રકાશ નારાયણ સુધી પહોંચ્યો હતો.

આમ, ખીચડી સરકારનો પ્રયોગ દિલ્હીના રાજકારણમાં પહોંચ્યો હતો. જયપ્રકાશ નારાયણે બધાને સાથે રાખીને ચાલવાનું શરૃ કરીને આંદોલન શરૃ કર્યું હતું.

ગુજરાતમાં ૧૯૯૦માં ચિમનલાલ પટેલે જનતા દળ અને ભાજપનું જોડાણ કર્યું હતું. જેમાં જનતા દળને ૭૦ અને ભાજપને ૬૭ બેઠકો મળી હતી. જોકે લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાએ નવા રાજકીય સમિકરણો ઊભા કર્યા હતા. પછી તો, ગુજરાતને રાજકીય  ખીચડી પકવવાની ફાવટ આવી ગઇ હતી.

૧૯૭૭માં દિલ્હીમાં મોરારજી દેસાઇને ખીચડી સરકારનો લાભ મળી ગયો હતો. ૧૯૮૯માં ખીચડી સરકારનું નેતૃત્વ વી.પી. સિંહે કર્યું હતું. જોકે આઈ.કે. ગુજરાલ, દેવગૌડા, ચરણસિંહ જેવા નેતાઓ રાજકીય ખીચડીની બાય બ્રોડક્ટ સમાન હતા.

આયારારામ - ગયારામ એ રાજકીય ખીચડીનો વઘાર છે, ટોચના પક્ષ પલટુઓ સાથે આવતા તેમના ૫૦-૧૦૦ સાથીઓએ એ દાળ-ચોખા સમાન છે. આવા બળવાખોરોને પૈસાનું પીઠબળ આપનારા ખીચડીમાંના આખા લાલ મરચા સમાન છે.

જેમ ખીચડી બનાવવી આસાન નથી એમ રાજકીય ખીચડી બનાવવી પણ આસાન નથી. તેમાં ઘણી બાંધછોડ કરવી પડી છે. ચકલો લાવ્યો ચોખાનો દાણો અને ચકલી લાવી દાળનો દાણો એ બાળવાર્તામાં શોભે છે પણ ઉતાવળમાં ઘણીવાર ખીચડી બળે છે અને આજુબાજુના ચાર ઘર સુધી તેની બળવાની વાસ પ્રસરે છે.

ખીચડી સરકારોની પક્કડ દેશ પર બે દાયકા સુધી રહી છે. વિપક્ષોનું ગઠબંધન અને ખીચડી સરકારમાં ફર્ક છે. ખીચડી સરકારને તો ઘણીવાર મોટા પક્ષો પણ ટેકો આપે છે.

તમિળ ફિલ્મ K0.2નું હિન્દી ડબીંગ કરાયું છે. તેનું હિન્દી નામ એક ક્રિએટીવ ટ્રાન્સલેટર ''પોલીટીકલ ખીચડી'' આપી દીધું છે. આજકાલ જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે ''પોલીટીકલ ખીચડી'' અને તેમાં થતો વઘાર લોકોને જોવો - વાંચવો ગમે છે. ખીચડી સીરિયલ પણ લોકપ્રિય હતી.

એક વાત નિશ્ચિત છે કે દરેકની દિશા સત્તા તરફ છે. જેની પાસે સત્તા છે તે પણ ફાવે છે. જેને કોઇ આવકારતું નથી તે બળવાનો માર્ગ અપનાવે છે. સ્થિતિ એવી આવે છે કે જ્યારે કોઇને બહુમતી નથી મળતી ત્યારે સત્તા રચવા પાંચ-પંદર માથાની જરૃર પડે છે અને ત્યારે બધાને ભેટવાની જરૃર પડે છે.

ખીચડી, ખીચડો, બાજરીની ખીચડી એ બધી ખીચડીની વિશેષતા છે. હવે જાન્યુઆરી માસ આવશે એટલે ઠેર-ઠેર ખાસ કરીને વૈષ્ણવ મંદિરોમાં રણછોડરાય ભગવાનને ગળ્યો તેમજ તીખો ખીચડો ધરાવાય છે. ખીચડાનો દાણો મોટો હોય છે. એવી જ રીતે બાજરીની ખીચડીનો પણ મહિમા છે. ખાંડેલી બાજરીમાંથી બનતી આ બાજરીની વાનગી બનાવવાની કળા બહુ ઓછા લોકો પાસે છે. ભલભલા માસ્ટર શૅફ પણ બાજરીની ખીચડી જોઇને રોમાંચિત થઇ જાય છે.

રાજકારણમાં કેટલીક ખીચડી એવી રીતે તૈયાર થાય છે કે જેની કોઇને ખબર પણ ના પડે !!

ભારતના રાજકારણમાં ખીચડી સરકાર એ કલંકિત ઘટના છે કેમ કે તેના તમામ સાથી પક્ષો લૂંટમાં રચ્યા-પચ્યા રહે છે. પોતાની સરકારનું આયુષ્ય ઓછું હોય છે માટે તે 'લૂંટ શકે ઈતના લૂંટ લો' વાળી થિયરીમાં માને છે.

ભારતમાં આપણે મેંગો-વૉર, બીરીયાની-વૉર જોઇ છે પણ બિચ્ચારી ખીચડી પણ અચાનક તખ્તા પર આવી ગઇ અને ખીચડી વૉર શરૃ થઇ ગઇ હતી. ભારતમાં એનડીએ સરકાર સામે વિપક્ષો એક થઇને લડવા માગે છે. પરંતુ હજુ તેમના નેતા નક્કી થઇ શકતા નથી. શિયાળ ખેંચે સીમ ભણી અને કૂતરું ખેંચે ગામ ભણી જેવી સ્થિતિ છે.

ખીચડી આરોગ્ય માટે આવકારદાયક છે પણ પોલીટીકલ ખીચડી દેશના આરોગ્ય માટે જોખમી બની હતી.

રાજકીય ખીચડી કે ખીચડો દેશને નુકસાનકારક બને છે. વિવિધ સિધ્ધાંતો વાળા જ્યારે દેશનું સ્ટીયરીંગ હાથમાં લે છે ત્યારે પ્રજાને ચીસો પાડવાનો વારો આવે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ખીચડી રાજકારણના કારણે દેવગૌડા જેવા વડાપ્રધાન બની ગયા હતા અને લાલુ પ્રસાદ યાદવ જેવા ભ્રષ્ટ લોકો પણ પોતાની જાતને પીએમ ઈન વેઈટીંગ ગણાવતા હતા !!

૭ દાયકા પછી દેશ જ્યારે યોગ્ય ટ્રેક પર ચાલવા લાગ્યો છે ત્યારે ભારતના લોકો કોઇપણ પક્ષને ભલે ચૂંટે પણ તેને સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટવો જોઇએ જેથી તે પોતાના વિચારો વડે દેશ ચલાવી શકે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments