Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

વિપક્ષોનું હલ્લાબોલ

નાના પ્રાદેશિક પક્ષોના ભાવ બોલાય છે, અતડા રહેતા સોનિયા ગાંધી અને કોંગી નેતાઓ કાર્યકરો સાથે નમીને વાત

વિપક્ષી એકતાના પડદા પછળના ચાણકયો શરદ પવાર + શરદ યાદવ + મમતા બેનરજી આ ત્રણેય રાહુલને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા સંમત નથી...

મોદી સરકારને ચાર વર્ષ પુરા થયાની ઉજવણી જેટલી ફિક્કી ફસ હતી એટલું જ ફિક્કું-ફસ વિપક્ષોનું હલ્લાબોલ છે. 'શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી' જેવા હાલ વિપક્ષી એકતાના છે. પેટા ચૂંટણીઓની જીતને લોકસભાની જીતમાં ફેરવી નાખવાના પ્રયાસો બહુ લાંબા ચાલી શકે એમ નથી.
મોદી સરકારના ચાર વર્ષના શાસનમાં વરઘોડો પેપર ટાઇગર બની રહ્યો હતો, વરઘોડામાં માત્ર એક જ ઢોલી હતો અને તે હતા વડાપ્રધાન મોદી ! અન્ય વાજીંત્રો વગાડનારા દેખાતા નહોતા.

આમ, મોદી સરકાર વન-મેન શૉ વાળી છે. એમ દેખાઈ આવ્યું હતું. કોઈ મંત્રાલયનું કામ ચિત્તાકર્ષક નથી એટલે વરઘોડામાં કોઈ ખોંખારીને ભાગ લઈ શક્યું નથી.

હકીકત તો એ છે કે ઉજવણીઓથી દૂર રહેવું જોઈએ. શાણો વિદ્યાર્થી પોતાની માર્કશીટ બધાને નથી બતાડતો. રાજકારણમાં એકેડેમીક કેરીયરવાળા શોધવા મુશ્કેલ છે, બધા જ પક્ષો 'ઠોઠ નિશાળીયા' ચલાવે છે.

ગુજરાતમાં બહુ લોકપ્રિય કોલમ 'ઠોઠ નિશાળીયો'ના લેખક બકુલ ત્રિપાઠી વારંવાર લખતા કે નપાસ થયા છો તેની ચિંતા ના કરો !! રાજકારણ નામનો ધીકતો ધંધો તમારી રાહ જોઈ રહ્યો છે !!
વિપક્ષી હલ્લાબોલ વારંવાર રાજકીય તખ્તો ગરમ કરવા મથે છે પરંતુ પ્રાદેશિક પક્ષોના નંબર-વન ચૂપ છે જ્યારે નંબર-ટુ બબડાટ કર્યા કરે છે. ઉદાહરણ તરીકે બહુજન સમાજવાદી પક્ષના માયાવતી મૌન ધારણ કરીને બેઠા છે.

કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ સમારોહમાં સોનિયા ગાંધી અને માયાવતી વચ્ચેનું 'ઇલુ-ઇલુ' સૌએ લાઇવ જોયું હતું. જોકે ત્યાર પછી આ બંનેનું મિલન નથી થયું. પેટા ચૂંટણીના ગયા અઠવાડીયાના પરિણામો પછી પણ માયાવતીએ તેમના રાજકીય પત્તાં ખોલવાની વાત નથી કરી. માયાવતી ૪૦ બેઠકો માગે છે એ ટેબલ સ્ટોરીથી વિશેષ કશું જ નથી.

જેમ માયાવતી મોં નથી ખોલતા એમ મમતા બેનરજી પણ ખોંખારીને કશું નથી બોલતા. વિપક્ષી એકતાની ચાવી મહિલા નેતાઓના હાથમાં છે. કોંગ્રેસની બાજી ફરી સોનિયા ગાંધીએ સંભાળી લીધી છે. દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઇને મળતા સોનિયા ગાંધી હવે ઓફિસના દ્વાર ખુલ્લા રાખીને બેઠા હોય છે.

વિપક્ષી હલ્લાબોલ આસાન નથી કેમ કે દરેક નેતા પોતાને કિંગ કે કિંગ મેકર સમજે છે.

વિપક્ષી હલ્લાબોલ પોઝીટીવ નથી, તેમનો એક માત્ર હેતુ 'મોદી હટાવ' છે પરંતુ દેશની સળગતી સમસ્યાઓનું નિવારણ પણ તેમની પાસે નથી. પ્રજાના દિલમાં ઉતરવા ચાર નવા આઇડયા આપવા પડે છે. મોદીને હટાવવાથી સમસ્યાઓ ઉકલી જવાની હોય તો તેની બ્લ્યુ પ્રિન્ટ પણ પ્રજા સમક્ષ મુકવી પડશે.

વિપક્ષો પાસે કોઈ એક રાજ્ય એવું નથી કે તેને મોડલ રૃપે પ્રજા સમક્ષ મુકી શકે. પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા કે ઓડિસામાં ગુડ ગવર્નેસ શોધવી મુશ્કેલ છે. ભાજપની પણ આવી જ સ્થિતિ છે પરંતુ હલ્લાબોલ તો વિપક્ષોનું છે એટલે તેમણે જ મોડલ બતાવવું પડશે.

વિપક્ષી હલ્લાબોલ જોઇને ભાજપ ડરી ગયું છે તે પણ નક્કી છે. ભાજપે તેની જુની-પુરાણી વ્યૂહ રચનાને બદલવી પડશે. લઘુમતી તરફની ભાજપની છાપને પણ સુધારવી પડશે. ભાજપ શાસિત રાજ્યોમાં ચાલતા ભ્રષ્ટાચારના ડખાનું નિવારણ લાવવું પડશે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઝારખંડ જેવા અનેક રાજ્યો વિવાદમાં અટવાયેલા છે.

વિપક્ષી એકતાના પડદા પાછળના ચાણક્ય મનાતા શરદ પવાર અને શરદ યાદવ એ બંને મમતા બેનરજીના સંપર્કમાં છે. આ ત્રણેયની જોડી કોંગ્રેસ વિરોધી છે. આ ત્રણેય રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નથી ઇચ્છતા. કોંગ્રેસ પણ જાણે છે કે આ ત્રિપુટી વીના વિપક્ષી એકતા સંભવ નથી. કોંગ્રેસ લાંબી બાંધછોડ કરવાના સ્વભાવવાળી નથી પરંતુ જો એક તબક્કે મોદીને હટાવવાની વાત કે ભાજપને કેન્દ્રમાંથી હટાવવાની વાત આવે તો રાહુલ ગાંધી માટેનો આગ્રહ કોંગ્રેસ છોડી શકે છે.

જો વિપક્ષના નેતાઓ રાહુલ સિવાયના કોઇ નામ માટે તૈયાર થાય તો કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવા તૈયાર છે. કોંગ્રેસમાં ગાંધી પરિવારના વફાદારો રાહુલ બાબાના નામ સાથે કોઇ બાંધછોડ કરવા તૈયાર નથી. જો અને તો વચ્ચે અટવાતી પસંદગીમાં વિપક્ષે એક વાત તો એવી પણ વહેતી કરી છે કે અમારી સરકાર આવશે તો રાષ્ટ્રપતિ પદે મનમોહન સિંહ હશે !!

ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી આ વાત સાથે વિપક્ષના ઘણાં નેતાઓ નારાજ છે. હાલમાં મોદી સરકાર વિરોધી કોઇ પવન નથી પણ વિપક્ષ વિરોધી પવનનું બ્લોઅર ફેંકે છે. અનેક પ્રાદેશિક પક્ષો સત્તા વીના પણ જીવતા શીખી ગયા છે. માયાવતી, અખિલેશ, સોનિયા ગાંધી, શરદ પવાર, શરદ યાદવ વગેરે સત્તા વીના પણ ઠાઠથી જીવે છે.

કોંગ્રેસમાં કેન્દ્રીય સત્તા રચવા જેટલી ઉતાવળ છે એવી આ પ્રાદેશિક પક્ષોમાં દેખાતી નથી કેમ કે તેમને ખરું સત્તા સુખ રાજ્યની નેતાગીરીમાં દેખાય છે.

માયાવતીએ એકવાર કહ્યું હતું કે, મને ઉત્તર પ્રદેશની મુખ્ય પ્રધાન બનાવો તો હું વડાપ્રધાન પદ જતું કરવા તૈયાર છું !! જોકે કમનસીબી એ છે કે તેમના હાથમાં આ બંનેમાંથી કોઇ સત્તા નથી.

સત્તા મેળવવાની વાતો ચ્યુઇંગમ જેવી હોય છે. દરેક નેતા તને ચગળ્યા કરે છે. ચગળવાની મજા આવે છે તે ભૂખ મટાડી શકતી નથી પણ ભૂખને વધુ પ્રદિપ્ત કરે છે. સત્તાની ભૂખ વિપક્ષોમાં પ્રદિપ્ત થઇ ચૂકી છે.

વિપક્ષી હલ્લાબોલ માટે જોઇતો ફોર્સ હજુ ઉભો નથી થયો. પેટા ચૂંટણીમાં વિજય એટલે લોકસભામાં વિજય એ ભ્રમની માયાજાળમાંથી વિપક્ષ જેટલો વહેલો બહાર આવી જાય તે  તેમના માટે જ લાભદાયી છે.

નાના પ્રાદેશિક પક્ષોના દિલ્હીના આંટા વધી ગયા છે.તેમને માન પણ મળવા લાગ્યું છે.
હકીકત તો એ છે કે વિપક્ષોના ભાવ બોલાય છે. એક-બે બેઠકોવાળા વિપક્ષો સાથે ટોચના વિપક્ષી નેતાઓ લળી-લળીને વાતો કરે છે.

હજુ તો વિપક્ષોએ સત્તાની રાણીનો બાયોડેટા જોયો છે, ફોટો પણ નથી જોયો પણ લગ્નની તારીખ નક્કી કરી નાંખી છે. પ્રથમ તસ્વીર જોવાય પછી કુંડળી મેળવાય પછી વિવાહ થાય અને પછી લગ્ન થાય !!

વિપક્ષોએ તો સત્તાની રાણીનો બાયોડેટા જોઇને તે પોતાની છે એમ નક્કી કરી લીધું છે. સત્તાની રાણી અર્થાત્ લેડી લક કોને આંખ મારશે ? મોદી ને કે વિપક્ષને ? જવાબ માટે ચૂંટણીની રાહ જુઓ.
બંગાળના ઉપસાગરમાંથી ઉભું થયેલું ચક્રવાતની અસર થોડા સમય બાદ મંદ પડી જાય છે એવું વિપક્ષોનું છે. કર્ણાટકના તખ્તા પરથી શરૃ થયેલું હલ્લાબોલ એક મહિનામાં તો મંદ પડી ગયું છે.

Post Comments