Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

મોદી વિરોધી ચહેરા યશવંત; શૌરી; શત્રુઘ્ન..

યશવંત સિંહાને બ્રિક્સ બેંકના ચેરમેન થવું હતું; શૌરીને પ્રધાનપદું જોઇએ છે અને શત્રુઘ્નને બિહારના મુખ્યપ્રધાન બનવું છે..

ક્યાંક ઈગો ટકરાય છે; તો ક્યાંક નેતાગીરી સામે બંડ પોકારાય છે તો કોઇ અધૂરી ઈચ્છાઓમાં તડપ્યા કરે છે : આવા લોકો એકલશૂરા હોય છે; અંતે અટવાઇ જાય છે..

યશવંત સિંહા, અરૃણ શૌરી; શત્રુઘ્ન સિંહા એ ત્રણેય નામો વડાપ્રધાન મોદીની ગુડબુકમાં નથી. પત્રકારો આ ત્રણેયની પાછળ એટલા માટે દોડે છે કે તે કોઇ મોદી વિરોધી નિવેદન કરે જ્યારે ભાજપવાળા તેમનાથી દૂર એટલા માટે ભાગે છે કે તેમનો પક્ષ એમ ના માને કે આ વિરોધીઓ સાથે તે જોડાયેલા છે.

યશવંત સિંહા તો સંઘ વિચારને પચાવી શક્યા છે; અરૃણ શૌરી 'પેન'ના જોરે (લખાણના જોરે) આગળ આવ્યા છે પણ તેમનામાં વ્યવહારૃ સૂઝનો અભાવ છે એટલે તેમને પક્ષવિરોધી એટલે શું અને પક્ષની તરફેણ એટલે શું તેની ખબર જ નથી હોતી. શત્રુઘ્ન સિંહા તો પોતાના પક્ષની નેતાગીરી વિરૃધ્ધ બોલવાને ફેશન જાણે છે.

આ ત્રણેય એટલે કે યશવંત સિંહા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં તૈયાર થયા છે; અરૃણ શૌરી પત્રકાર-તંત્રીનો જીવ છે તો શત્રુઘ્ન સિંહા બોલીવુડમાંથી આવ્યા છે. આ ત્રણેય વચ્ચે બે સામ્ય છે. એક તો તે ભાજપમાં છે અને બીજું સામ્ય એ કે આ ત્રણેય પોતાના પક્ષ ભાજપનો જ વિરોધ કરે છે.

કોંગ્રેસની સદ્નસીબી એ છે કે જ્યાં ભાજપમાં છે એવા યશવંત સિંહાઓ કે અરૃણ શૌરીઓ નથી. કેન્દ્રમાં યુપીએ સરકાર હારી અને કોંગ્રેસે અનેક રાજ્યો ગુમાવ્યા છતાં કોંગ્રેસમાંથી કોઇએ ગાંધી પરિવાર વિરૃધ્ધ કે પોતાના પક્ષ વિરોધી કોઇ બળાપો નથી કાઢ્યો. બધા જ ફરી સત્તા મળે એની ચૂપચાપ રાહ જોઇ રહ્યા છે.

કોઇપણ પક્ષને વિપક્ષના સભ્યો આક્ષેપ કરે ત્યારે જેટલું દુ:ખ નથી થતું તેનાથી અનેક ગણું દુ:ખ પક્ષની અંદરનો સાથી વિરોધ કરે ત્યારે થાય છે. યશવંત સિંહા, નરેન્દ્ર મોદી, અરૃણ જેટલી વગેરે તો એક થાળીમાં જમનારા હતાં છતાં યશવંત સિંહાએ મોદી સરકાર સામે માથું ઊંચું કર્યું હતું.

શત્રુઘ્ન સિંહાને તો રોજ રાત્રે બિહારના મુખ્ય પ્રધાન બનવાનાં સપનાં આવે છે. આ બિહારી બાબુની ઈમેજ બિહારમાં પણ બગડી છે. જ્યારે પણ મોદી સરકાર વિરોધી કોઇ સૂર આવે ત્યારે તે તેમાં ઢોલ વગાડવા તૂટી પડે છે.

શત્રુઘ્ન સિંહા બોલીવુડની ફિલ્મોમાંથી રાજકારણમાં આવ્યા. બિહારી બાબુ તરીકેનું લેબલ તેમણે પોતે જ પોતાની જાત પર ચીપકાવી દીધું હતું. તે એ તાનમાં જીવે છે કે ભાજપ જ્યારે બિહારની કોઇ સેલિબ્રિટીને મુખ્ય પ્રધાન પદનો ચાન્સ આપશે ત્યારે તેમને મુખ્ય પ્રધાન બનાવાશે. ભાજપે તો આ માણસને કોણીએ ગોળ ચોપડી રાખ્યો છે. ભાજપના વિરોધની એકપણ તક તે છોડતા નથી. ભાજપ તેમને પક્ષમાંથી કાઢી મૂકી શકે છે પણ વિપક્ષને લાભ થાય એવું પગલું લેવા તૈયાર નથી.

આવા લોકોના વિરોધ પાછળ ચોક્કસ કારણ હોય છે. તેમને દુ:ખે છે પેટ અને કૂટે છે માથું જેવી સ્થિતિનો અનુભવ થાય છે. યશવંત સિંહાને બ્રિક્સ દેશોની બેંકોના ચેરમેન બનવું હતું. તેમણે 'સંઘ'ની પરવાનગી મેળવી લીધી હતી. તેમને એમ હતું કે વડાપ્રધાનની પરવાનગી ચપટીમાં મળી જશે કેમ કે સંઘે ઓ.કે. કર્યું છે. જો કે વડાપ્રધાન મોદીએ યશવંત સિંહાની ફાઇલ પર નજર પણ નહોતી કરી.

યશવંત સિંહાએ ફરી હિંમત કરીને સચિવોને કહ્યું કે તમે ફાઇલ મૂકીને રીએકશન તો જુઓ, મને ના નહીં પાડે કેમ કે આ તો (વડાપ્રધાન) મારો ચેલકો છે, અને સંઘે ફાઇલ ઓ.કે. કરી છે. એક-બે સચિવોએ હિંમત કરીને મોદી સમક્ષ ફાઇલ મૂકી તો તેમણે કહ્યું કે ''પછી રાખોને'' !! શ્રૂડ મેનેજમેન્ટ કર્તા રીજેકશન શબ્દના બદલે 'પછી રાખોને' શબ્દ વાપરે છે.

જ્યારે યશવંત સિંહાને ખબર પડી ત્યારે તેમને બરાબરની ચચરી હતી. એટલે તેમણે મોદીની મુલાકાત માગવી શરૃ કરી હતી. તેમાંય મેળ ના પડતાં તે મેદાનમાં આવી ગયા હતા. મોદી વિરૃધ્ધ અને મોદી સરકાર વિરૃધ્ધ તેમણે નિવેદનબાજી શરૃ કરી કે તરત જ લોકો તેની પાછળના કારણો શોધવા લાગ્યા હતા.

યશવંત સિંહાની નારાજગી પાછળનું કારણ 'બ્રિક્સ' બેંકનું ચેરમેનપદું હતું.

અરૃણ શૌરી પત્રકાર હોવાની સાથે સાથે અર્થશાસ્ત્રી પણ હતા. અટલ બિહારી વાજપેઇની સરકારમાં તે પ્રધાન હતા. મોદી સરકારે તેમને બહુ ભાવ ના આપતાં તેમણે ટીકા-ટીપ્પણ શરૃ કર્યો હતો. એનડીટીવી પર રેડ પડી ત્યારે શૌરીએ તેને મીની ઈમરજન્સી સાથે સરખાવી હતી. અરૃણ શૌરી છાશવારે મોદી સરકારની ટીકા કરી છે જ્યારે મોદી સરકારે અરૃણ શૌરીના મુદ્દે 'મૌન' રાખ્યું છે. આ 'મૌન'થી સરકાર જીત મેળવી જાય છે. સરકાર કોઇ પ્રતિભાવ નથી આપતી એટલે  અરૃણ શૌરી ઠંડા પડી જાય છે.

શત્રુઘ્ન સિંહાનો સૌથી વધુ ઉપયોગ લાલુ પ્રસાદ યાદવના ફેમિલીએ કર્યો છે. મોદી વિરોધી બોલનાર કોઇપણની સાથે તે બેસી જાય છે. છેલ્લે જ્યારે જનતા દળ (યુ) અને ભાજપની સરકાર બની ત્યારે શત્રુઘ્ન સિંહાએ પોતાને નાયબ મુખ્ય પ્રધાન બનાવવા પ્રચાર લોબી સક્રીય કરી હતી. પરંતુ આ માણસે પક્ષને અનેકવાર એવી ક્ષોભજનક સ્થિતિમાં મૂક્યો હતો કે કોઇ તેમની સામે પણ જોવા તૈયાર નહોતું. સુશીલ કુમાર મોદીએ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા ત્યારે શત્રુઘ્ન ગેરહાજર હતા. જો તે હાજર રહેત તો લોકો તેમનો હૂરીયો બોલાવત !!

પોતાના જ પક્ષનો વિરોધ કરતાં લોકો એકલશૂરા હોય છે. તે વળવા તૈયાર નથી એવો ડોળ કરે છે પરંતુ બંધ બારણે નેતાગીરી આગળ સાષ્ટાંગ દંડવત્ કરતા હોય છે.

આ લોકો ફરી પાછા પક્ષમાં સમાઇ શકતા નથી. પ્રજાની નજરમાંથી પણ ઉતરી જાય છે. યશવંત સિંહા, અરૃણ શૌરી, શત્રુઘ્ન સિંહા સમય ઓળખવામાં થાપ ખાઇ ગયા છે.

રાજકારણમાં સમયસરની નિવૃત્તિનો અભાવ હોય છે; એટલે ૧૭ વર્ષે રાજકારણમાં જોડાયેલા ૭૭ વર્ષ સુધી પોતાનો પતંગ ચગ્યા કરે એટલે ઠમકા માર્યા કરે છે. આ લોકો એ નથી સમજતા કે રાજકારણમાં તેમનો સમય પૂરો થયો છે. હવે તો બચાવી રાખેલી ઈમેજને વટાવીને દિવસો પસાર કરવાના હોય છે. યશવંતસિંહા 'હું મેં'માંથી ઊંચા ના આવ્યા અને કાશ્મીરની સમસ્યાનો ઉકેલ બતાવવા સુધી પહોંચી ગયા હતા.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments