Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત

એશિયન એથ્લેટિક્સમાં લક્ષ્મણનની ઐતિહાસિક બેવડી સુવર્ણ સિદ્ધિ

લક્ષ્મણનના સારા ઉછેર માટે પાડોશી અને ટ્રેનર લોગાનાથને દત્તક લીધો અને તેની જિંદગી બદલાઈ ગઈ : એથ્લેટિક્સે લક્ષ્મણને આર્મીની નોકરી પણ અપાવી

કુદરતે પ્રત્યેકમાં કેટલીક વિશેષતા મૂકી છે, તો કેટલાક પડકાર પણ મૂક્યા છે. જોકે કુદરતની કમાલ ત્યાં છે કે તેણે વિશેષતાને વ્યક્તિમાં છુપાવી દીધી છે, જ્યારે પડકારને તેની બહાર એટલે કે સામે મૂક્યા છે, જેના કારણે દરેકને તેની સામેના પડકાર પહાડ જેવડા લાગે છે, પણ જ્યારે તે જ વ્યક્તિ પોતાની અંદરની વિશેષતાને ઓળખીને સામેના પડકારની સાથે ટકરાવાના ઈરાદા સાથે આગળ વધે છે, ત્યારે એવરેસ્ટનું શિખર પર તેના ચરણોમાં ઝૂકી જતાં વાર લગાડતું નથી.

આ માટે પોતાની અંદરની વિશેષતાને ઓળખીને, તેના પર આત્મ-વિશ્વાસ મૂકવાની કે આત્મશ્રદ્ધા જગાવવાની જરુર માત્ર છે.

હિન્દીના પ્રખ્યાત કવિ હરિવંશરાય બચ્ચનની એક જાણીતી રચના છે કે, 'હૈ અંધેરી રાત પર દિયા જલાના કબ મના હૈ ?' બોલીવુડના મહાનાયકના વિદ્વાન પિતાએ એક ચોટદાર પંક્તિમાં જ કહી દીધું છે કે, અંધારાની ટીકા કરનારા કે તેનાથી ડરનારાઓની જમાતમાં ભળવા માંગો છો કે, પછી અંધારાને દૂર કરનારા દિવાને પ્રગટાવીને પોતાનું નહિ પણ આસ-પાસનું અંધારુ દૂર કરવાનું ગૌરવ મેળવવા માંગો છો. રેસ્ટમાંથી બેસ્ટ બનવાની ઝંખનાની પૂત માટે રેસ્ટ કરતાં વધુ મહેનત કરનારને જ બેસ્ટ તરીકેનો ખિતાબ એનાયત કરવામા આવે છે.

આ જ પ્રકારે પોતાની આસ-પાસના અંધકારને ભારે સંઘર્ષથી દૂર કરીને ઉજાસ પાથરનારા જૂજ વિરલાઓમાં આંધ્રપ્રદેશના એથ્લીટ ગોવિંદન લક્ષ્મણનનો સમાવેશ થાય છે. એક ગરીબ પરીવારમાં જન્મેલા અને બાળપણથી જ મુશ્કેલીઓની સામે લડતા શીખેલા લક્ષ્મણને આખરે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ૫,૦૦૦ અને ૧૦,૦૦૦ મીટરની દોડમાં બેવડા સુવર્ણચંદ્રકો જીતીને ઈતિહાસ રચી દીધો હતો.

ઓડીસાના ભુવનેશ્વરમા તાજેતરમાં યોજાયેલી ૨૨મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 'ગોલ્ડન ડબલ' તરીકે ઓળખાતી સિદ્ધિ મેળવનારો લક્ષ્મણન ભારતીય સૈન્યમાં નાયબ સુબેદાર તરીકે ફરજ સંભાળી રહ્યો છે અને તેની સાથે સાથે તેણે લાંબા અંતરના દોડવીર તરીકેની કારકિર્દીને પણ આગળ ધપાવી છે.

આમ, પણ મેદાન પર જ્યારે શારીરિક કૌવત બતાવવાનું આવે ત્યારે ભારતીય સૈન્યના જવાનો જ બધા કરતાં આગળ હોય છે. ગોવિંદન લક્ષ્મણને આ બાબતનું પ્રત્યક્ષ પ્રમાણ આપતાં ભારતીય એથ્લેટિક્સમાં એક એવું સુવર્ણ પ્રકરણ જોડી દીધું, જેને લાંબા સમય સુધી લોકો યાદ રાખશે.

ભારતીય એથ્લેટિક્સ જગતમાં નાયર સુબેદાર ગોવિંદન લક્ષ્મણનું નામ છેલ્લા ચાર વર્ષથી ગાજતું થયું છે. ૫,૦૦૦ અને ૧૦,૦૦૦ મીટરની દોડની ઈવેન્ટમાં લક્ષ્મણનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતીય એથ્લેટિક્સ જગતમાં છેલ્લા ચાર વર્ષથી લાંબા અંતરની દોડમાં લક્ષ્મણનને કોઈ હરાવી શક્યું નથી, જેના કારણે ઘરઆંગણે યોજાયેલી એશિયન એથ્લેટિક્સમાં તેણે જીતનો દાવેદાર માનવામાં આવતો હતો.

જોકે તેની આ બેવડી સુવર્ણ સફળતાની ભાગ્યે જ કોઈને કલ્પના હતી. જોકે એશિયન એથ્લેટિક્સમાં આ અગાઉ પણ લક્ષ્મણન સફળતા મેળવી ચૂક્યો છે, પણ બે વર્ષ પહેલા અધુરી રહેલી સુવર્ણ ચંદ્રક જીતવાની તેની ઈચ્છા આ વખતે પુરી થઈ હતી.

ચીનના વુહાન શહેરમાં ૨૦૧૫માં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ૧૦,૦૦૦ મીટરની દોડમાં રજત સફળતા મેળવી હતી. જ્યારે ૫,૦૦૦ મીટરની દોડમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સમાં આ તેની સૌપ્રથમ સફળતા હતી. લક્ષ્મણનની આ સફળતા એ તેને ભારતના એથ્લેટિક્સ જગતમાં આદરપાત્ર સ્થાન અપાવ્યુ પણ ભારતીય રમતજગત અને ચાહકોમાં તેની સિદ્ધિ પ્રભાવ છોડી શકી નહતી. જોકે ઘરઆંગણાની ગોલ્ડન ડબલની સિદ્ધિએ તેની કારકિર્દીને એક અલગ જ ઉંચાઈ પર પહોંચાડી દીધી.

એશિયન એથ્લેટિક્સની સુવર્ણ ચમકની સાથે ઓગસ્ટમાં લંડનમાં યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાય થનારા લક્ષ્મણનની જિંદગી ઘણી અંધકારમય અને કાંટાળી ગલીઓમાંથી પસાર થઈને આજે એવા આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ ટ્રેક પર આવીને ઉભી રહી છે, જ્યાં આખા દેશની નજર તેના પર મંડાઈ છે.

આંધ્રપ્રદેશના પુડુકોટ્ટીમાં આવેલા કાવિનાડુ ગામમાં ગોવિંદન અને જયાલક્ષ્મીના દાંમ્પત્યની ફલશ્રુતિરૃપે લક્ષ્મણનનો જન્મ થયો. દારુણ ગરીબીની સામે સંઘર્ષ કરી રહેલા ગોવિંદન અને જયાલક્ષ્મી પર નાનકડા પુત્રની પણ જવાબદારી હતી, જેના કારણે તેઓએ વધુ મહેનત કરવા માંડી.

ગોવિંદન માત્ર છ જ વર્ષનો હતો, ત્યારે તેના પિતાનું કાર અકસ્માતમાં મોત નિપજ્યું. જેના કારણે છુટક મજૂરી કરીને ગુજરાન ચલાવતી જયાલક્ષ્મી પર જાણે આભ તુટી પડયું. એકલા હાથે દુનિયાની સામે લડીને પોતાના પુત્રને ઉછેરી રહેલી જયાલક્ષ્મીની મદદ તેમના પાડોશી લોગાનાથને કરી. લોગાનાથનને એક પુત્રી જ હતી, જેનું નામ સૂરીયા હતુ. તેમણે લક્ષ્મણનને દત્તક લઈ લીધો અને આ સાથે તેની જિંદગીમાં નવો વળાંક આવ્યો.

લોગાનાથન એક અચ્છા ફિઝિકલ ટ્રેનર હતા. તેઓ તેમની પુત્રી સૂરીયાને એથ્લીટ બનાવવા માટે સતત મહેનત કરતાં. આ કારણે સૂરીયાની સાથે લક્ષ્મણની એથ્લેટિક્સ ટ્રેનિંગની શરૃઆત થઈ. બાળપણમાં તો તેણે દોડવામાં ખાસ રસ ન લીધો, પણ કિશોરાવસ્થામાં બહેન સૂરીયાની સફળતા જોઈને તે એથ્લેટિક્સ તરફ આકર્ષાયો. લોગાનાથન પણ કંઈ બહુ અમીર નહતા. નિમ્ન મધ્યમવર્ગના પરીવારોની જેમ લક્ષ્મણનનો ઉછેર પર અભાવો અને મર્યાદાઓની વચ્ચે થયો હતો. જોકે લોગાનાથને ક્યારેય તેમના ડાયેટ અને શૂઝ પર આથક મર્યાદાનો પડછાયો પડવા દીધો નહતો.

લક્ષ્મણનના શારીરિક બાંધા અને તેની ક્ષમતાને જોયા પછી તેમણે તેને લાંબા અંતરની દોડ માટે તૈયાર કરવાનું શરુ કર્યું. એથ્લેટિક્સ માટેની  સુવિધાના અભાવ વચ્ચે લક્ષ્મણ સવારે વહેલો ઉઠીને હાઈવે પર દોડવા જતો. પિતા લોગાનાથનની આથક પરિસ્થિતિનો તેને અહેસાસ હતો, એટલે શૂઝ ફાટી ગયા હોય તો પણ તે ઘરમાં કહેતો નથી. ઘણી વખત તો તેણે હાઈવે પર ઉઘાડા પગે જ દોડવાની પ્રેક્ટિસ જારી રાખી હતી.

આથક મર્યાદાઓ અને રેસિંગ ટ્રેકના સંઘર્ષ વચ્ચે તેને આર્મીમાં નોકરી મળી ગઈ. નાયબ સુબેદારનો હોદ્દો ધરાવતા લક્ષ્મણનને આર્મીમાં એથ્લેટિક્સની ટ્રેનિંગ માટે વધુ સારી સુવિધાઓ અને તાલીમ મળવા લાગી. જેના કારણે તેની રમતમાં વધુ નિખાર આવ્યો અને તેણે નેશનલ એથ્લેટિક્સમાં પોતાનો દબદબો પ્રસ્થાપિત કર્યો, જે પછી વુહાન એશિયન ચેમ્પિયનશીપમાં સફળતા મેળવી હતી.

હવે લક્ષ્મણનની નજર વર્લ્ડ એથ્લેટિક્સમાં સફળતા મેળવવા તરફ છે. એથ્લેટિક્સમાં ટાંચા સાધનો અને ઓછી સગવડો છતાં ભારે મહેનત કરીને સફળતા મેળવી રહેલા લક્ષ્મણન માટે હવેનું દરેક કદમ મહત્વનું છે. જ્યારે વ્યક્તિ પોતે જ પોતાની સ્થિતિને સુધારવા માટેનો નિર્ધાર કરીને તે દિશામાં પ્રયાસ હાથ ધરે છે, ત્યારે ચમત્કાર સર્જાય છે.

આંધ્રપ્રદેશનના એક નાનકડા ગામડાથી શરુ થયેલી લક્ષ્મણની એથ્લેટિક્સની સફરે તેને લંડન સુધી પહોંચાડી દીધો છે, જ્યાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છે. આ પછી વર્ષ ૨૦૨૦ ટોકિયોમાં યોજાનારા ઓલિમ્પિકમાં ભારતના આશાસ્પદ એથ્લિટ્સમાં લક્ષ્મણનો સમાવેશ કરવામાં આવે છે અને તે ઓલિમ્પિકમાં પણ ચમત્કાર સર્જી શકે છે.
 

Post Comments