Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા

મૌસમ હૈ બારિશાના

ધોધમાર, ગાંડો કે સાંબેલાધાર, બધો અક્ષરનો ઠાલો અસબાબ છે સૌને વરસાદ એના ખાનગી ઉખાણાનો સાગમટે જડતો જવાબ છે! (ધુ્રવ ભટ્ટ)

રેઇનકૉટમાં કુરૃપ લાગતા શરીરો અને ચહેરાઓની જેમ જ અંદરથી પ્લાસ્ટિકના રહેલા ઇન્સાનોને કદાચ ડહાપણ નહિ પણ બરખા બહાર ભીના કરી શકે છે

મારા મનનું ગીત એટલે લીલુંછમ ચોમાસું,
પહેલી પહેલી પ્રીત એટલે લીલુંછમ ચોમાસું!
બીજું બધું હું કાંઈ ન જાણું હું તો એટલું જાણું;
બે હોઠોનું સ્મિત એટલે, લીલુંછમ ચોમાસું!
સપને પણ જે ના દીઠેલો, સંગ શું તેનો કરવો?
માનેલો મનમીત એટલે લીલુંછમ ચોમાસું!
સાચવનારો સાવ ગુમાવે, વાપરનારો પામે;
પ્રેમની આવી રીત એટલે લીલુંછમ ચોમાસું!
હાર એટલે તો બળબળતા ઉનાળાના દહાડા!
મારે મન તો જીત એટલે લીલુંછમ ચોમાસું!
ઝરણાં, ઝાંઝર, પવન, વાંસળી, ઇન્દ્રધનુષી સરગમ;
કુદરતનું સંગીત એટલે લીલુંછમ ચોમાસું!
બળબળતા બપોરે પણ મનમોરને એવું લાગે;
હોય ગઝલ કે ગીત એટલે લીલુંછમ ચોમાસું!

વિપિન કિકાણીની આ પંક્તિઓ અષાઢમાં નહિ, તો શું જેઠ મહિનામાં યાદ કરવી? જાતભાતના મૃત્યુ, ધર્મઝનૂન, હિંસા, જડતા, ક્રૂરતાના સમાચારોથી ઘાયલ મનને કુદરત હૂંફનો ધાબળો ઓઢાડવા માંગે, એનું નામ બારી બહાર વરસતા વરસાદનું મૌન અવલોકન. આ ય ઉપરથી થતું 'કાર્પેટ બોમ્બિંગ' જ છે. ફરક એટલો કે, એ જીવ નથી લેતું, જીવન આપે છે.

ધોધમાર વહી જતા પાણીના શેરીએ શેરીએ ભરાતા કામચલાઉ તળાવમાં ઉપરથી મોટા ફોરાં ટપકે ત્યારે ઉપસતા અર્ધપરપોટાંઓ અને ફેલાતા વમળો નીરખ્યા કરવા લીલીછમ શેવાળની સાક્ષીએ- એ ય હીલિંગ થેરેપી છે!

ક્યારેય વિચાર્યું છે, વરસાદ પડયા પહેલા વાદળો સાથે સંતાકૂકડી રમતો સૂરજ નિસ્તેજ લાગે. પણ વરસાદ તાજો પડે અને વરાળ પછી જે સૂરજ નીકળે એ તાજો સ્નાન કરેલો સ્વચ્છ સુંદર લાગે. વિચારોનું ય આવું જ છે. નીતરીને નીચોવાઈ ગયા પછી આઘાત- આક્રોશ- અજંપા- અકળામણમાંથી ચોખ્ખું થયેલું મન વધુ ઉજાસવાળું હોય છે.

એનલાઇટન્ડ, પીસફૂલ. લેન્ગટન  હ્યુજીસે એટલે જ લખ્યું હશે કે, 'ભલે વરસાદ તમને ચુંબન કરે, ભલે એ તમારા (તપી ગયેલા) કપાળે ચાંદીના પ્રવાહી ટીપાંનો શીતળ લેપ કરે, ભલે વરસાદ તમારા માટે (શાંત આરામ આપતું) હાલરડું ગાય!'

બંધ આંખો અને ખુલ્લા મોંએ ભીંજાવ નહિ, ને માત્ર નિહાળો તો ય રેઇન એ પેઇનકિલર છે. પ્રકૃતિ, પાણી, પવન અને પ્લાન્ટ્સ એકસાથે બધું રિફ્રેશ કરી નાખે છે. મેહમત મુરાત કહે છે કે, 'વરસાદ કુદરતી કળા છે, છત્રી માણસની કળા છે. અને વરસાદમાં ઉઘાડી છત્રી સાથે ચાલતી વ્યક્તિ એ બે ય કળાનો સુપર સંગમ છે!' એકચ્યુઅલી, વરસાદ સદીઓથી માનવ જાતને ગમે છે, એનું કારણ એ છે કે એ 'કોમ્બિનેશન ઓફ ઓલ ઇમોશન્સ' છે... માણસની જેમ જ એક સાથે અનેક લાગણીઓ એમાં હોય છે.

વીજળી, ગડગડાટ, ઝંઝાવાત, ક્યાંક ક્રોધના કડાકા, ક્યાંક મનમાં ફૂંકાતા વિચારોના ચક્રવાત, ક્યાંક શાંત એકરસ જળધારાની ઠંડક, તો ક્યાંક આવેશની ગર્જના, ક્યાંક ઉન્માદક ફોરાંનું નૃત્યુ, ક્યાંક કાદવ-કીચડનો વિષાદ, ક્યાંક થીજવી દેતી ગંભીર ક્ષુબ્ધતા, ક્યાંક રમાડીને હસાવતી મુગ્ધ ચંચળતા, ઝબકારાની જેમ તૂટી પડતા સપના અને સંબંધો - બધું જ વરસાદમાં એક સાથે હોય છે! આ સિક્રેટ છે : મોન્સૂન મેજીકનું!

ઇવેન્જ્લીન ડયુરાંનું ક્વોટ હતું : રેઇન એ ડલ આઉટડોરને 'સ્પાર્કલ' (જરી છાંટણા?) કરીને ઝગમગતું કરવાનો કુદરતનો કીમિયો છે.

અનુભવીઓ જાણે છે, કિસિંગ ઇન ધ રેઇન ઇઝ બેસ્ટ એક્સપિરિયન્સ. ધરતી ને આકાશની જેમ ભીનાશ ભીતર અને બહારની બેય જણાની સંયોજાય એ અસ્તિત્વનું ચોથું પરિમાણ, ફોર્થ ડાયમેન્સન છે. કોઈ કમ્પોઝર નથી છતાં વરસાદી ટીપાઓનું એક અદ્રશ્ય તાલબદ્ધ સંગીત હોય છે ઓલ્વેઝ ઇન સરાઉન્ડ સાઉન્ડ! પાણીના પાણી સાથે મળવાના ધ્વનિથી વધુ સૂધિંગ, આહ્લાદક ભાગ્યે જ બીજું કશું છે.

જળ થકી જ જીવન છે અને વ્યક્તિ- સૃષ્ટિ વચ્ચેનો ય આ જ નાતો હશે? એટલે એ અવાજ ગમતો હશે? ઘરમાં ધાતુના એક મોટા પાત્રમાં સ્વચ્છ પાણી ભરી રાખો એમાં હળવે હળવે જળબિંદુઓના વોટરડ્રોપ્સ પડે કે પહાડી જળધારાની જેમ ખળખળ વહેતી જળધારા પડે એવી વ્યવસ્થા કરો. આવા તો તૈયાર યંત્રો પશ્ચિમમાં મળે છે. અમેરિકામાં ડો. પ્રજ્ઞાાબહેનના ઘેર હિંચકાના સેલારા સાથે જળધ્વનિ સાંભળતા સહજ ધ્યાન- સમાધિ લાગી જાય એવો સેલ્ફ એક્સપિરિયન્સ છે!

એક વરસાદના કેટલા રૃપ? ક્યાંક છતમાંથી ટપકીને નીંદર વેરણ કરી દેતું પાણી, ક્યાંક વધુ વરસીને સ્કૂલમાં રજા પડાવતું પાણી, ક્યારેક છત્રી એક હોય ને યુવાનહૈયા બે તો મસ્ત મિલન થાય, ને ક્યારેક દો છાતે, ઔર ફિર દો રાસ્તે! ક્યાંક વધી પડતા જીવડાઓના પંખ અને, કયાંક વળી એના જ ઘરની અંદર આવીને લાગતા ડંખ! ક્યાંક બંધ કમાડ- બારીમાંથી ચૂવાક થતા પાણીની જેમ ઝરતી રીસતી એકલતા, ક્યાંક તેલના તાવડામાંથી તળાતા બટાકાની હિપ્નોટાઇઝ કરીને મદહોશ કરી દેતી સોડમ.

રસ્તા પર ભરાયેલા પાણીમાં પડતું ઝળૂંબતી લહેરાતી લીલીછમ ડાળીઓનું પ્રતિબિંબ અને ભરબપોરે પંખા- એ.સી. બંધ કરીને ગરમ ડ્રિન્કની પ્યાસ પેદા કરતું ઝાપટું, બધો જ બરસાતી ખેલ છે.

હરિવંશરાય બચ્ચન લખે છે ને : 'આજ ગગન કી સૂની છાતી, ભાવોં સે ભર આઇ... ચપલા કે પાવો કી આહટ આજ પવનને ખાઈ... બિજલી કી અલકોને અંબર કે કંધો કો ઘેરા...મન બરબસ, યહ પૂછ રહા હૈ, કૌન કહાં પર મેરા ?.. ઘન છાયે, મન મીત કી બેલા આઇ, બાદલ ઘિર આયે, ગીત કી બેલા આઇ!'
    
'હરાભરા ગઢબાબ'

લો-કેલરી છતાં વિટામીનની શક્તિથી છલોછલ, ઝીરો સ્યુગર છતાં મીઠાશથી ભરપૂર, નાના મોટાં બધાં માટે પ્યોર કાઠિયાવાડી વાનગી.

સામગ્રી :

પરી તળાવ, ડેમ રૃપાયતન, નવઘણની સરવાણી, હવેલી ગલીની હવા, નાની શાક માર્કેટનું સેન્ટ, વ્રજલાલની દુકાના મસાલા.

રેસિપી :

પ્હોફાટે એ પહેલાં પરી તળાવ પહોંચી જાવ. ધીમા પગલે પરી તળાવને 'ચોરસ' ચક્કર મારો. તળાવની પાળ પર દાતાર સન્મુખ બેસી આંખો બંધ કરી ઊંડાશ્વાસ લઈ નિર્મળ હવાથી ફેફસા ચિક્કાર ભરો. ઊભા થાઓ અને બે ઘડી તળાવના કાચ જેવા સ્થિર પાણીમાં ઝળુંબીને લીલ વચ્ચે તમારું પ્રતિબિંબ નીચોવો.

હવે થોડું રૃપાયતન લ્યો. સૂરજના ઝાંખા ને કૂણાં કિરણો ખોબે ખોબા ભરો. થોડા એમાં મોરના ટહુકા ભેળવો. વાંદરાના ઠેકડાથી હાલક- ડોલક ડાળી- પાંદડાનો અવાજ ઉમેરો. એમાં થોડો દેડકાનો અવાજ ખમણો. ત્યાં એક 'પોંડ' તળાવ છે એમાં દુનિયાની બધી ચિંતા ઠાલવો અને 'દિવ્ય સેતુ' પાસે ઊભી 'સૂતેલા સાધુ' પર હેતનું કેસર ઢોળો.

વાદળા ગોરંભાય ત્યારે ડેમ પહોંચો અને એને ચદ્દરથી પલળવા દો. દાતારના ડુંગરમાંથી ઘસમસતા ધોધના ફીણ સપાટી પર તરવા દ્યો, એમાં ગિરનારનું વાદળિયું પ્રતિબિંબ પડવા દ્યો. ડેમના છલકાતા પાણીમાં થોડા દાળિયા નાખો કાવાની તીખાશ ચાખો, હાઇસ્કૂલ બાજુ આછી નજર નાખો અને દિલમાં 'ભૂલી-બિસરી' યાદો સાંતળો.

હવે, ઉપરકોટના નવઘણ કૂવે આસ્તેથી ઉતરો અને ઇતિહાસની ફૂટતી સરવાણીમાં ઉપરથી ઝળુંબતું અચરજનું આકાશ ભભરાવો. પછી, આ બધા ઉપર ઇચ્છાનુસાર પંચહાટડી, નાની શાકમાર્કેટનો કોલાહલ છાંટો, અને છેલ્લે હવેલી ગલી અને વ્રજલાલની દુકાનમાંથી ભરાય એટલા ભરી લો સંભારણાની સોડમ!

આલ્યો, તમને થયેલા આહ્લાદક અનુભવ અને અલૌકિક અનુભૂતિરૃપી 'હરાભરા ગઢબાબ' પીરસવા માટે તૈયાર! આવી ગયા ને મોઢામાં (આંખમાં) પાણી?!

નરમાથી નોસ્ટાલ્જીક નિરીક્ષણોની નકશી કરનારા અનુપમ બુચના મૌલિક નિરીક્ષણો વરસાદી છાંટાની વાછંટની જેમ પડઘાયા કરે. આ ઉપર લખેલી રેસિપી જ્યાંનો વરસાદ માણવા જેવો હોય છે, એવા ગિરનારી ગોદમાં વસેલા જૂનાગઢને અપાયેલી વર્ષાંજલિ છે.

છાપરું જ ન હોય ત્યારે સ્મરણોનો વીંટો કોરો કેમ રહે, એવું હરીન્દ્ર દવેએ પૂછેલું પણ આ શબ્દોથી સ્વાદિષ્ટ વાનગી ચાખવા માટે માત્ર જૂનાગઢમાં જ જવું એવું કોણે કહ્યું? તમારા બધાની પાસે એક ક્યારેય 'અનમાઉન્ટ' ન થાય એવું ડિફોલ્ટ મેમરી કાર્ડ હશે, બચપણ જ્યાં વીતાવ્યું હોય એ ગામ, શેરી, નગર, મહાનગરનું. એમાં પડતા વરસાદથી ભીની માટીની સુગંધે રચાતા દૃશ્યો યાદ કરો.

કોઈ ખાસ મહેક હશે, બારિશ સાથે જડબેસલાક જોડાયેલી. કોઈ ભીંત હશે, કોઈ મંદિર, કોઈ દેરું, કોઈ પલળતી વ્યક્તિ, કોઈ હોડી, કોઈ લહેરખી. મનમાં છપાઈ ગયેલા હાઈ રિઝોલ્યુશન મલ્ટીકલર વરસાદી પોસ્ટકાર્ડ. ઘેરાયેલા 'પ્રેગનન્ટ' વાદળોનો કાળો ડિબાંગ ભાર, આવનારા વરસાદની એંધાણી આપવા 'એલર્ટ' થઇને ખામોશ થયેલું સચરાચર, છાતી પર વરતાતો એનો કોઈ અકથ્ય બોજ અને પછી અનિલ ચાવડાના શબ્દોમાં 'વાછટ છે, ઝરમર છે,

છાંટા છે... ક્યાંક વળી નેવેથી દડદડતો રેલો... કોકે ત્યાં આભ મહીં પાણીથી લસલસતો વાદળનો ખોલ્યો છે થેલો!' એવો તડકાને નવડાવતા દોમદોમ વરસાદની એન્ટ્રી! અને પછી સતત વરસાદની થપાટથી કાળી પડેલી કોઈ દીવાલ કે ડાળીએ ધીરે ધીરે ફેલાતો લીલો મખમલી શેવાળની દમકતી જાજમ! અને અવાવરૃ મકાનોની અગાસીએ ખેતરની જેમ વગર વાવણીએ ઉગી જતું ઘાસ!

વર્ષામિત્ર ઘાસ! એના પર નરેશ સકસેનાની મસ્ત હિન્દી કવિતા છે : વહી જો ઘોડે કી નસો મેં ખૂન બનકર દૌડતી હૈ.. જો ગાય કે ધનોં મેં દૂધ બનકર ફૂટતી હૈ, વહી જો બિછી રહેતી હૈ ધરતી પર... ઔર કુચલી જાતી હૈ લગાતાર! કિ અચાનક એક દિન, મહલ કી મિનારોં ઔર કિલે કી દીવારોં પર શાનસે ખડી હો જાતી હૈ... ઉન્હેં ધ્વસ્ત કરને કી શરૃઆત કરતી હુઈ!

અહાહા. ઘાસ જે ઘોડાના ખોરાક તરીકે એની દોડતી રેવાલ ચાલની રવાની બને અને જેનું ગાયના દેહમાં દૂધ બને એને નિર્માલ્ય સમજી આપણે કચડીએ છીએ. પણ એક દિવસ ખાલી પડીને ખંડેર બનેલા કિલ્લાઓ કે મહેલો પર ઘાસ છવાઇ જાય છે, એ એના અંતની શરૃઆત છે. બહારથી લીલાશ પણ ભીતરમાં કાળાશ!

કુન્દનિકા કાપડિયાના બેનમૂન ઋતુવર્ણનો યાદ કરીએ તો, 'આકાશ ચારે કોર ક્ષિતિજ સુધી લળી આવે, અને ઘડિયાળમાં સવાર પડે તો ય સૂરજની સવાર ન પડે' એનું નામ ચોમાસું! અજવાળું જ્યાં અંધકારના ખોળામાં લપાઈ અને સૂરજ શ્યામલ મેઘના સાત પડદા પાછળ પોઢી જાય! કુન્દનિકાબહેન એવી તો સરસ કલ્પના કરે છે (પણ અંગ્રેજીમાં હોય તો વાઇરલ થાય, ગુજરાતીમાં વૉટ્સએપથી આગળ વાંચવાની તૈયારી કેટલાની?) કે, વરસાદમાં કામચલાઉ ધોરણે જે દદૂડા વહે ને નાના નાના 'લોકલ ઝરણા'ઓ રચાય એ નાના નાના કૂમળા કૂમળા હજુ બોલતા ય ન શીખ્યા હોય એવા બચ્ચાંઓ જેવા અવાજો.

એની આસપાસ ભીની માટી, કથ્થાઇ રંગની ઠંડી અને સુગંધભરી... બંને બાજુ છુટાંછવાયા વૃક્ષો. હારબંધ ઉભેલા અક્કડ સિપાઇ જેવા નહિ, ગામડાના રઝળુ વાંસળીવાળા જેવા. - આમતેમ ક્યાંક મોજતી વંકાઈને, ક્યાંક ઝૂકી પડીને, ક્યાંક અલપઝલપ એકમેકની પાછળ સંતાઇને ઉભેલા પાછળ દૂર સુધી પાણીથી ભીંજાયેલા એકલવાયાં ખેતરો.

ક્યાંક કોઈક ખાબોચિયાં પાસે, ડોક પર પહોળો સફેદ પટ્ટો પહેરીને, એકલી ઉભી ઉભી વિચાર કરતી ટિટોડી. ખાબોચિયાની વચ્ચે એક સફેદ પથ્થર, એના પર એ જ પાણીમાં નહાઇને આવી પૂંછડી ઊંચીનીચી કરતો દિવાળીઘોડો. વીજળીના લંબાતા તાર પર બેઠેલો એક કાળોકોસી. ડાબે-જમણે ઉડતો 'નીલકંઠ' જેના વાદળી રંગના ઝબકારથી છલકાઈ જતી હવા! પાંદડાની વચ્ચેથી જોતાં નકશીકામવાળું લાગતું આકાશ!

ઉત્તમ સર્જક શબ્દોની પીંછીએ વર્ષાચિત્ર બનાવી શકે, એનો પુરાવો કુન્દનિકાબહેનની કલમ માણો તો મળે. કાલુંઘેલું લખીને બીજાની એપ્રુવલ ઝંખતા નવોદિતોએ શબ્દ અને ભાષા શું છે, એ જાણવા માતૃભાષામાં બે કાંઠે વહેતી આવી સરસ્વતીમાં ધુબાકા-મારવા જોઈએ. પરવીન શાકિર 'આજ ભી બરસાત કી રાતોં મેં બદન તૂટતા હૈ, જાગ ઉઠતી હૈ અજબ ખ્વાહિશે અંગડાઇ કી' લખે એથી ય આગળ ભીની સંવેદનાથી ઝરમર ઝળહળ ધબકારે કુન્દનિકા કાપડિયા શું લખે છે? વાંચો :

'ટીપાં પડવા માંડયા અને આખી પૃથ્વી જાણે સહેજ થડકી ઉઠી. ઝાડ-પાંદડા-ઘાસની આંખમાં ચમક પ્રગટી. માટીમાંથી સુગંધ ઉઠી. હવા સજીવ અને ગંધવતી બની ગઈ. ચારે બાજુથી (પંખીનો, જંતુઓનો, દેડકાઓનો, લહેરાતા પાનનો) અવાજ પ્રગટવા લાગ્યો. મને થયું - દિશાઓ આભારનું ગીત ગાઈ રહી છે.. ખૂન અને હત્યાના સમાચારોથી ભરેલા છાપાવાળી મુંબઇની સવારથી, આકાશ અને ધરતીના સંગીતથી ભરી આ સવાર પાંચસો ને પચાસ માઇલ દૂર હતી!'

હા, જે શિશુના સ્મિતને જોઈને, અને વરસતા એકરસ વરસાદને જોઈને રાજી થાય એ ધર્મના નામે શસ્ત્ર કે શબ્દથી હિંસા કરનારા ત્રાસવાદી ન બની શકે. એ માટે સંકુચિત બનવું પડે. નિર્દોષોની મરણચીસો તરફ મૂકબધિર જડસુ થવું પડે. વરસાદ એ વિશાળતાની યુનિવર્સિટી છે. જે યાદ અપાવે છે કે આ બધો કોલાહલ, શોરબકોર માણસ સર્જે છે. એના અહં કે મોહ, ભય કે ક્રોધ ખાતર. પૃથ્વી, આકાશ, સમુદ્ર, વાયુ, તેજ - આ પંચમહાભૂતોને એની કંઈ પડી નથી. સૃષ્ટિ એના જ લયમાં ચાલે છે.

પોતાની પર્સનલ લાઇફની અધૂરપના ફ્રસ્ટ્રેશન બહાર કાઢવા મનફાવે એવો ગંદવાડ, હિંસાખોરી, નફરત, નાદાની, કકળાટ, ઉકળાટ બધું સોશ્યલ નેટવર્ક પર જાણે આર્મી કે સરકાર ખુદ ચલાવી શકે એમ ઠાલવતા રહેવું, એ ય સામૂહિક વિકૃતિ છે. ત્રાસવાદ આવી જ અણસમજના અંધાપાની કૂખેથી જન્મ લેતો શોભન છે. ઇસ્લામના કાળા ચશ્મા પહેરીને લાલ લોહી વહેવડાવનારા જેહાદીઓ તો જગત આખાના મુસલમાનોને એમના પાપકૃત્યો થકી રિસિવિંગ એન્ડ ટાર્ગેટ પર મૂકી દેવાના છે.

અલબત્ત એનો મુકાબલો કરવા માટે એની ઝેરીલી નકલ કરવાથી દૂર રહીને વ્યૂહાત્મક અક્કલથી કામ લેવું પડે, ઘોંઘાટ કરતા વરસાદના ઝાપટાં ખાલી ધમાધમ ઉત્પાત મચાવી નુકસાન કરી શકે કે મચ્છરો- મકોડા પેદા કરી શકે. નવા ધાન, મજબૂત વૃક્ષ તો યોગ્ય સમયે પડતો એકરસ વરસાદ જ ખીલવી શકે અને જીવનદાતા બની શકે. પૂછો  કોઈ પણ ખરા ખેડૂતને.

પણ આ લોહીઉકાળા અને સ્વદેશ ચિંતાના ઉઝરડા પર મલમ પણ વરસાદી મોસમ કરે છે. રોમ રોમ જેમ જળ ભીંજવે એમ જ, મનને રંગીન કરી શકે છે. દૂજો પહેરો રેનરો, વધિયા નેહ-સનેહ... ધણ્ય ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢી એક. મધરાતના બીજા પહોરે પ્રેમની ભરતી ઉઠી ઘરમાં. સ્ત્રી ધરતીની જેમ ઝીલતી રહી, પુરૃષ અષાઢી મેઘની જેમ વરસતો રહ્યો!

કાલિદાસે અમસ્તી વિનંતી કરેલી મેઘને, કે રાતના અભિસારે (પિયુને મળવા) નીકળેલી યુવતીઓએ ગાજીગાજીને બીવડાવતો નહિ, પણ સોનાની પરબ કરવા માટે કસોટીના પથ્થર પર ઘસો ને સોનાની લીટી એના પર ઝગમગે, એમ અંધકારમાં વીજળી કરીને એમને પ્રેમપંથ પર દોરી જજે!

વરસાદ એ કદાચ આસમાનનું ય કેથાર્સીસ છે. રેઇનકૉટમાં કુરૃપ લાગતા શરીરો અને ચહેરાઓની જેમ જ અંદરથી પ્લાસ્ટિકના રહેલા ઇન્સાનોને કદાચ ડહાપણ નહિ પણ બરખા બહાર ભીના કરી શકે છે. જીભના ટેરવે ફોરું ઝીલીને ચગળતાં ચગળતાં થોડોક અવસાદ નિતારી શકાય છે. વરસાદ એ વાર્ષિક ધોવાણની મોસમ છે.

નક્કી આપણે કરવાનું છે કે એના કીચડ-મકોડા તરફ જ જોયા કરવું છે, કે હરિયાળી તરફ પણ નજર કરીને ભીની હવાને શ્વાસમાં લઈને તરબોળ થવું છે. સિન્થેટિક સોફટ ડ્રિંક્સ પીવા છે કે લીલી માંડવીના ગરમાગરમ-ગુલાબી ઓળાની શ્વેત છાલને જીભથી પંપાળવી છે!

અને વરસાદ લઈ આવે તોફાન. એ લઈ આવે હોનારત. એ લઈ આવે વિષાદ. એમાં પડઘાય મૃત્યુ. એમાં અનુભવાય કોઈ અકથ્ય ઘૂટન. કોઈ સ્વજન વિદાય લે અને વરસાદની ધારાઓ જેમ માટીને ઉખાડીને ડહોળવાળું પાણી કરતી જાય, એમ ગયેલા ને કદી પાછા ન ફરનારા સ્વજન સાથેના સ્મરણોના પોપડાં ઉખાડીને ડહોળ જમા કરતા જાય.

પછી વગર ગુરૃ પૂર્ણિમાએ વાચનકૂલ ખીલવતા ગુરૃજનનો વરસાદમાં બેઠેલો હોય એવો સાદ સંભળાય, જેમાં શરણ લેવાનું હોય - પ્રવાસ, કળા, સાહિત્યનું. અમુક પુસ્તકના પાનાઓ પણ મેઘલી રાતોની પ્રતીક્ષા કરતા હોય છે. ઉઘડી જાય ત્યારે ઉદયન ઠક્કર યાદ આવે : ઉછળી ઉછળીને ફોરાં, વારે વારે દઈ ટકોરા, બહાર બોલાવી રહ્યા... ડોકિયું કાઢીને કૂંપળ એમ કહેતી હસતાં હસતાં : વાર તો લાગે જ  ને!

ફાસ્ટ ફોરવર્ડ

આ ઝરમર ઝરમર ઝરી રહ્યા, તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની, સાંકળને ઝીલો
આ એક જ ટીપું આખેઆખા સરવર દેશે
ધરો હથેળી અચરજના અવસરને ઝીલો
આ કણ કણ લીલી લીલા છે નાચી ચોગરદમ
જીવતર જેણે પ્રગટાવ્યા એ બળને ઝીલો
આ નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો
ઘટ ઘટ ઉમટી ઘેરાયા, વાદળને ઝીલો
આ ઉમ્મર પદવી નામ ઘૂંટયા તે ભૂંસી દઈને
અંદર અનારાધાર વસ્યા  બાળકને ઝીલો,
આ મહેર કરી છે મહારાજે મોટું મન રાખી
ખોલી દો ઘૂંઘટપટ વરસ્યા વરને ઝીલો! (ધુ્રવ ભટ્ટ)
 

Post Comments