Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા

રજા રાજ, રજા રોજ : હેપી હોલિડેઝ આર હીઅર અગેઇન !

રજા માટે રાજા બનવું પડે, સાજા થવા માટે તાજા રહેવા બ્રેક લેવાનો છે. જવાબદારીને જ બ્રેક મારવા નહી, એ સભાનતા પશ્ચિમમાં જન્મજાત છે

કામ કરવાનો બોજ ઘટાડવાથી કામ ઓછું થવાને બદલે વધારે સારી રીતે થઈ શકે છે! પરાણે કામ ખેંચવા કરતા બ્રેક લઇ રિફ્રેશ થઈ જવું જોઈએ.

શ્રાવણ મહિનામાં જેવું રક્ષાબંધન આવે એટલે અમથા અમથા  ગુજરાતીઓ ગેલમાં આવવા લાગે. ગરમી ઘટી ગઈ હોય અને વરસાદના મોટા રાઉન્ડ પૂરા થઈ ગયા હોય.

વિદ્યાર્થીઓની અઘરી પરીક્ષા દૂર હોય. અડધું વરસ પણ પસાર થઈ ચૂક્યું હોય ને ઇન્કમટેક્સ વગેરેના હિસાબો ય વીતેલા વર્ષના સેટ થઈ ગયા હોય. ફોરેનમાં સમર વેકેશન ચાલે ત્યાંથી સગાવહાલાઓ ટહૂકા કરે અને તહેવારોની રીતસરની સુગંધ નાકમાં પ્રવેશે ગરમાગરમ તળાતા બટાકાવડાની માફક!

તહેવાર એટલે ઉત્સવ અને સંસ્કૃતિઓ...ને એ બધું સમજ્યા. પણ આર્યાવર્તે ભરતખંડે ઉત્સવ એટલે રજ્જાની મજ્જા! સૌરાષ્ટ્રમાં તો તમે આ વાંચતા હશો ત્યારે જન્માષ્ટમીની સોડમ ગામડાઓમાં ફેલાઈ ગઈ હશે. આઠમના આવા મિની વેકેશન કે જેમાં મોટે ભાગે સ્વાતંત્ર્ય દિન આગળ પાછળ આવી જ જતો હોય, એ પછી તરત પર્યુષણ જૈનોના ચાલુ થાય.

એમાં આમ તો તપ હોય, પણ તામઝામ પણ ભળી રહ્યો છે ને ત્યાં તો ગણેશોત્સવ પેરેલલ શરુ થઈ જાય. ગણેશના નિમિત્તે થોડી ભક્તિ ય થાય ને થોડી જે રજાઓ વધારાની ભોગવવા મળી તે! પછી નવરાત્રિ તો મનાવવાની જ હોય ને ધૂમધડાકા સાથે. આફટરઓલ, શક્તિપૂજન ઓછી એ સોંગ એન્ડ ડાન્સ કાર્નિવલ જ છે. ને દશેરા ને લાભપાંચમ ને ક્રિસમસ બધું ય ઉજવી જ નાખવાનું હોય. હોલિડે યુ નો?

આપણે બેઝિકલી રામભક્ત નહીં, આરામભક્ત છીએ!
    
શાળા-કૉલેજોમાં ૯- ૧૦ અઠવાડિયાના વેકેશન ઉપરાંત સાતમ- આઠમ કે ક્રિસ્મસના મિની વેકેશન, વત્તા ૧૨ કેઝ્યુઅલ લીવ, વત્તા સીક લીવ, વત્તા અભ્યાસક્રમ પૂરા થઈ ગયા પછીનો રજાનો આગોતરો માહોલ અને છોગામાં જાહેર રજાઓ તો હોય જ. સરકારી કર્મચારીને પણ શનિ- રવિની ૫૨ વત્તા ૨૬ રજાઓ ઉપરાંત ૩૦ જેટલા દિવસોની પ્રિવિલેજ લીવ, ડઝનેક સી.એલ. અને પંદરેક એસ.એલ. (માંદગીની રજા)... બોનસમાં ફરજના બહાને લઈ લેવાતી ડી.એલ. (ડયુટી લીવ) તો ખરી જ. અગેઇન પચ્ચીસેક જેટલી જાહેર રજાઓ!

વળી રોજની ઓફિસમાં 'ગાપચી લીવ' અને કોઈ ગુજરી જાય કે વરસાદ આવે કે વર્લ્ડ કપ જીતી જવાય એવી બધી ચોરી લીધેલી સરપ્રાઇઝ રજાઓ! અમેરિકા કે જાપાન વગેરેમાં ૧૬૦૦ કલાકના વાર્ષિક કાર્યબોજની સામે આપણે ત્યાં સરકારી તંત્ર માંડ ૭૦૦ કલાક કામ (એ ય ઘણીવાર કાગળ ઉપર જ!) કરે છે. ઇરાનમાં પબ્લિક હોલિડે માત્ર ૩ છે, તો અમેરિકાથી ઇટાલી સુધીના દેશોમાં પણ તેની સંખ્યા માંડ ૬- ૮- ૧૦ જેટલી જ છે.

અમેરિકા અને યુરોપની ઊંચી પ્રોડક્શન કેપેસિટીમાં ચીનની જેમ 'ઓછું વળતર, ઓછું કામ' નથી - પણ 'વધુ વળતર, વધુ કામ'ની સીસ્ટમ છે. દરેકના મોં ભરાઈ જાય તેટલા ચિક્કાર પૈસા, સગવડો અને જરૃરી સાધનો ચપટી વગાડતા હાજર કરી દેવાય છે. લેટેસ્ટ ટેકનોલોજી કર્મચારીઓના ઉપયોગ માટે ચરણોમાં પેશ કરાય છે. મોં માંગ્યા દામ અપાય છે, પણ ૮- ૧૦ કલાકના સખ્ખત પરિશ્રમથી કામ નીચોવીને લેવામાં આવે છે.

એમાં માનવતા, સંવેદના, બાળકો, પ્રસંગો, પરિવાર, ધર્મ, તહેવાર - કશા જ કારણો ચાલતા નથી. ભારતમાં ઝાઝી બધી રજાઓ છે એ બેશક ઇકોનોમી ધીમી પડવાનું અને પ્રોડક્શન ઘટવાનું એક મહત્ત્વનું કારણ છે. કોર્ટથી બેન્ક અને સુધરાઈથી પોસ્ટ ઓફિસ સુધીના તંત્રો વારંવાર કામના ભરાવાને લઈને બિઝી કેમ થઈ જાય છે? કારણ કે મોટા ભાગનો સમય તેઓ (લેઝી) આળસુ હોય છે!
ઉંધુ ઘાલીને જવાબદારીપૂર્વક કામ કર્યા પછી ટેસથી રજાઓ લો તો ઉત્પાદકતામાં મસમોટો ફેર પડે તેમ નથી. ઓછી જાહેર રજાઓ ધરાવતા ઇસ્લામિક દેશોમાં પણ જુમ્મા કે રમઝાનનો આખો મહિનો આરામનો (ખરેખર તો ઇબાદતનો!) હોય છે.

બીજું નાના દેશોમાં કાર્યબોજ પણ ઓછો હોઈ કામના ડુંગરા ખડકાતા નથી. ત્રીજું, એકહથ્થુ રાજાશાહી કે સરમુખત્યારશાહી કે મુક્ત મૂડીવાદની વ્યવસ્થામાં લાંબી લાંબી વહીવટી પ્રોસિજર્સ (પ્રક્રિયાઓ)ને બિલકુલ સ્થાન નથી. યોગ્ય માણસને યોગ્ય કામ સોંપાય છે. લાગવગશાહી નથી. કાયદાઓ સરળ અને સ્થળ પર તાકીદ ઉકેલ લઈ આવે તેવા આકરા તથા ઝડપી છે. પરિણામે કર્મચારી એકધારી (મોનોટેનસ) કામગીરીથી કંટાળતો નથી.

ચોથું, આવી ચીલાચાલુ અને કંટાળાજનક કારકૂની કામગીરી મોટે ભાગે માણસો નહીં, પણ યંત્રો જ કરે છે. જેમ કે, સતત એકની એક વાત લખલખ કરીને ગમે તેવો કામઢો માણસ પણ ત્રાસી જાય ત્યાં આવા કામ કોમ્પ્યુટર પ્રોગ્રામથી કરવામાં આવે છે. કાયમ ટિકિટો ફાડી ફાડીને બુકિંગ ક્લાર્ક નેચરલી ચીડિયો થઈ જાય ત્યાં આ કામ માટે ઓટોમેટિક મશીન્સ છે!

પાંચમું, પ્રજા શિસ્તબદ્ધ અને શિક્ષિત હોઈ કામગીરી ઉકેલવામાં લાંબી માથાકૂટ થતી નથી. ફટાફટ પરિણામો લાવી શકાય છે. છઠ્ઠું યુરોપ- અમેરિકામાં તો કુદરતી આબોહવા જ માણસને વર્કોહોલિક થવા પ્રેરે તેવી હોય છે. સૂરજ આગ ઓકતો નથી. હવામાં મજેદાર ઠંડક હોય છે. હવામાન વાદળછાયું રહે છે. ફૂલો, હરિયાળી, સ્વચ્છતા અને ઓછી વસતિને લીધે ઉપલબ્ધ થતી વિશાળ જગ્યાને લીધે વાતાવરણ કામ કરવાનો પોરસ ચડાવે તેવુ ંહોય છે.

આપણો મુલક કાળઝાળ ગરમીમાં સાડા આઠ મહિના બફાય છે. સાંકડમોંકડ ગંદી જગ્યામાં, વીજળી- પાણીના ધાંધિયા વચ્ચે કામ કરવું પડે છે. વાતાવરણ સૂકું, ધૂળિયું, બદરંગ, પ્રદૂષિત હોય છે. ઉપરથી સતત બીજાની વાતમાં માથુ મારવાનો કચકચિયો સ્વભાવ અને ઉપરીઓની કાયમી કટકટ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

બફારામાં કાર્યક્ષમતા ઘટે એ તો વૈજ્ઞાાનિક હકીકત છે! વર્ષમાં સરેરાશ માત્ર ૯ દિવસ રજા ભોગવતા જાપાનીઓમાં 'કારોશી'નું પ્રમાણ ચિંતાજનક હદે વધવા લાગ્યું. 'કારોશી' એટલે વધુ પડતા કાર્યબોજના ટેન્શનમાં થતી આત્મહત્યા! એ ઘટાડવા સરકારે 'હેપી મન્ડે'ની સ્કીમ દાખલ કરી છે. મતલબ, શનિ- રવિ- સોમ ત્રણેય દિવસ કામમાંથી મુક્તિ!

તો પછી રજાઓને લીધે કથળતી જતી આર્થિક હાલતનું શું? વેલ, એકાદ દિવસની વાત જવા દો, પણ સળંગ રજાઓ મળે એટલે માણસ શું કરે? નેચરલી, કુટુંબ કબીલા સાથે ફરવા જાય- દૂરના સ્થળોએ સહેલગાહ કરે... બહાર જમવા જાય.. વોટર પાર્કમાં ધૂબાકા મારે... એમ્યુઝમેન્ટ પાર્ક કે મેળા કે મ્યુઝિયમમાં જાય.. દોસ્તો સાથે સિનેમા જોવા કે સંગીતનો જલસો સાંભળવા જાય... ડિસ્કોથેકમાં સવારે કામ પર જવાની ચિંતા મૂકી વધુ સમય નાચવા જાય... પુસ્તકો કે મેગેઝિન્સ ખરીદી વાંચે, ડી.વી.ડી. લઈ આવી નિહાળે... નવરા બેઠા શોપિંગ કરે,

નવી ઘરવખરી વસાવે, ઘરમાં રિનોવેશન કરાવે, પાર્ટીઓ આપે... કોઈ કોચિંગ ક્લાસ કે કેમ્પમાં જોડાય...સ્પોર્ટ્સ ક્લબ, બોલિંગ એલી, પૂલ પાર્લર... ગોલ્ફ ક્લબ વગેરેની મુલાકાત લે.. કશીક સર્જનાત્મક પ્રવૃત્તિનો આરંભ કરે, કાર્યક્રમો કે પ્રદર્શન યોજે, શોખ વિકસાવવા કે પૂરો કરવાના પ્રયત્નો કરે - રાઇટ? રેસ્ટોરન્ટી શોપિંગ મોલ સુધીની માર્કેટ અહીં મંદીની વચ્ચે પણ વધતી જ જાય છે. રજામાં નવરો થયેલો સમુદાય નોર્મલ રૃટિન કરતા વધુ કાવડિયા ખર્ચતો અને હરતો ફરતો થઈ જાય છે!

અહીં આવા રિઝલ્ટ માટે 'સ્ટ્રેટેજીક હોલિડે મેનેજમેન્ટ'ની કામગીરી સરકારે રજા રાખ્યા વિના શરૃ કરવાની જરૃર છે. આપણે ત્યાં રજાઓ છે એ એટલી બધી નુકસાનકારક નથી. પણ અસંતુલિત રજાઓ અને પરિશ્રમ પ્રત્યે સૂગ છે એ હાનિકારક છે.

અમેરિકા જેવા ખ્રિસ્તી દેશોમાં જે 'ગુડ ફ્રાઇડે'ની રજા નથી, એ આપણે ત્યાં છે! બધી ઈદ ને પતેતી ય. વિદેશમાં વ્યક્તિગત કે રાષ્ટ્રીય કારણોસર છૂટ્ટી જાહેર કરવી બહુ કપરું કામ છે. આપણે ત્યાં બધા આવી લીંબુઉછાળ રજાઓને સહર્ષ વધાવી લે છે! કોઈ પણ મહાનુભાવ ગુજરી જાય, એટલે  સ્વર્ગસ્થને અંજલિ આપવા રૃપાળા પણ દંભી ઓઠા હેઠળ બધા કામકાજ પડતું મૂકશે!

પોતાના વ્હાલેશરી ધર્મગુરુ પધાર્યા હોય, એટલે એમના જાતભાતના પ્રોજેક્ટમાં સેવા આપવા માટે કર્મચારીઓ દોથો ભરીને 'લીવ એપ્લીકેશન' ઠઠાડશે. આપણી કામ ન કરવાની માનસિકતા છૂપાવવા રજાનું બહાનું હાથવગું રહે છે. યાદ રાખો કે ગાંધીજીથી લઈ રાજા રામ સુધીના કોઈ મહાનુભાવે અંગત જિંદગીમાં વિના કારણે રજા ભોગવી નહોતી, માટે મહાન થયા હતા!

હા, ગુ્રપ હોલીડેઝનો આડકતરો ફાયદો આપણે આગળ જોઈ ગયા. જન્માષ્ટમીના તહેવારોમાં સૌરાષ્ટ્રમાં કર્મચારીઓ તો શું, વેપારીઓ પણ રજા રાખે છે. ભાઈ બીજથી લાભ પાંચમ પણ, બધી સડકો સૂમસામ- બધા ઘરોમાં કોલાહલ! કામ કરીને તૂટી મરો અને દેશ- દુનિયાનું કલ્યાણ કરો એના કરતા આરામમાં પડીને આ ઘડી જ આપણા આત્માનું કલ્યાણ કરી લેવું - આવી અદ્ભુત આધ્યાત્મિક ફિલસૂફી લોહીમાં છે. શારીરિક મજૂરી કરતા પણ દિમાગી કરનારાઓને વધુ થાક લાગતો હોય છે.

શિક્ષક, ડોક્ટર, કલાકાર, દિગ્દર્શક, સંગીતજ્ઞા... આ બધા જ જોબ ક્રિએટીવ છે - અને બેટરી રિચાર્જ કરવા માટે વાર- તહેવારે એમાં રજાનું રિફ્રેશમેન્ટ મળવું જોઈએ. રજા હોય તો સપરિવાર બધા બહાર નીકળે ને તો ખર્ચ કરે ને અર્થતંત્રમાં મૂડીરૃપી લોહી ફરતું રાખે. પોર્ટુગલમાં રાજકોટની જેમ બપોરે નેપ મારી લેવાની ટેવ છે. ફ્રેન્ચ રીવિએરા (સાગરકાંઠો) વસેલા નગર નીડમાં ય બપોરે ઘણાં સૂઈ જાય ને રેસ્ટોરાં કે શોપ પણ બંધ રાખે!

વર્ક લેસ, વર્ક બેટર!
    
ઓગસ્ટ મહિનો આપણે ત્યાં જેમ તહેવારો અને રજાઓનો ગણાઈ ગયો છે, એવું જ ફ્રાન્સમાં છે. યુરોપ કે વેસ્ટમાં કામ તો ટકોરાબંધ ટાઇમ પર શરુ કરવું પડે. મોટા ભાગની શોપ્સમાં કે હોટલમાં તો કર્મચારીને બેસવાની ચેર જ ન હોય. ખડે પગે કામ કરવું પડે. પણ જેટલું કામ એટલો જ નક્કર આરામ. ૩૧ દિવસનું વેકેશન તો લેવાનું જ.

સ્વાસ્થ્ય સુધરે, તાણ ઘટે અને રિફ્રેશ થયા બાદ પ્રોડક્ટિવિટી વધે. કામ કરવામાં ઉત્સાહ ને સ્ફૂર્તિનો નવો સંચાર થાય અને એ વેકેશનના મોટા ભાગના દિવસો ત્યાં બરફ વિનાની ખુશનુમા ને વધુ લાંબો સમય અજવાળાંવાળી સમર સીઝનમાં ઓગસ્ટ મહિના તણા પસંદ કરવાની વણલખી પરંપરા છે.

પાર્કિન્સન ડીસીઝ છે એમ એક પાર્કિન્સન લૉ પણ છે. જે નિયમ એમ કહે છે કે, કોઈ કામ ખત્મ કરવા માટે જેટલો વધુ સમય ફાળવો એટલું જ એ કામ લંબાતુ જાય. અજાણતા જ કામ કરવાની રીધમ ને સ્પીડ ધીમી પડે. કામ કરવામાં વચ્ચે વચ્ચે લાંબા સમયને લીધે મોનોટોની ઉર્ફે એકધારાપણું ઉભું થાય અને સરવાળે કંટાળો આવે, ફટીગ મતલબ થાક વધે. પરિણામે કામમાં ડીસ્ટ્રેક્શન્સ આવે. વારેઘડીએ ચંચળ ચિત્તડું ફોકસ ગુમાવી દે. કામ કરતા કરતા ઉભું થઈ કશુંક ખાઈ લેવાનું કે ઘડી ઘડી મોબાઇલ કે ટી.વી. જોવાનો ગીતો સાંભળવાનો ઇત્યાદિ.

વાતો કરવી- સાંભળવી લટારો મારવી.. બધું કામને ખોરંભે ચડાવે.
દિમાગ અને દોલત બંનેમાં આજે સુપરપાવર એવા જર્મનીમાં એવો સ્ટડી થયો કે જે ખરા માસ્ટર્સ છે, એમની ગ્રીપ કામ પર એટલે હોય છે કે એ એમના કામ પાછળ વધુ પડતો સમય વેડફતા નથી. માત્ર જરૃર પૂરતી જ તૈયારી કરે છે. ખોટેખોટી વધારાની પ્રેક્ટિસ કરીને જાતને થકવતા નથી. સંગીત હોય કે સ્પોર્ટ્સ, ખુદને મોટે ભાગે રિલેક્સ રાખે છે. બધું પડતું ઓવરવર્ક કરે તો વચ્ચે બ્રેક લેવા પડે ને એમાં કામ સારું ના થાય.

એના કરતા ઓછા સમયમાં ઝડપથી વધુ સારું કામ ફ્રેશ મૂડમાં થાય! સાયન્સ કહે છે કે કોઈ પણ વ્યક્તિનું એકધારું કામ કરવાનો એટેન્શન સ્પાન મેક્ઝીમમ ૯૦ મિનિટનો જ હોય છે. (અમુક કિસ્સામાં ૫૦ કે ૭૦ કામ બહુ જ ટીડિયસ, બોરિંગ કે ટફ હોય ત્યારે) પછી ૧૭ મિનિટનો બ્રેક જોઈએ. શરીર મનને રિજુવિનેટ થવા!

ઓવરવર્કના ચાર મુખ્ય કારણ હોઈ શકે : કોઈ વધારાનું આકર્ષક વળતર યાને લાલસા કે પછી કોઈ સજાનો ડર, કોઈ ઉપકાર ચૂકવવાનો કે સમાજ, સંસ્થા, સરકાર, પરિવાર, પ્રત્યની ફરજ બજાવવી અને આળસ અથવા આવડતને લીધે રહી ગયેલા કામોને ડેડલાઇન આવી જતા ઢસરડા કરીને ય પૂરા કરવા. એકચ્યુલી, સતત આવા સખત કામનો બોજ રહે તો જીવલેણ નીવડે. પ્રેશર અને સ્ટ્રેસ પ્લસ બેઠાડુપણું એટલે વિવિધ મોટા રોગોને પાઠવેલું ઇન્વિટેશન કાર્ડ.

માનસિક મૂડ સ્વીન્ગ્સ ને ચીડિયાપણું તો નફામાં. ટૂંકમાં ખબર પણ ન પડે એમ જુવાની કામમાં વેડફીને બુઢાપો વહેલો નોતરવો અને આયુષ્ય ઓછું કરવું! ઘણી વાર, ગરીબો કરતા સફળ અમીરો વધુ કામના બોજ નીચે કચડાયેલા હોય છે, કારણ કે એ તૃષ્ણા અને અસલામતીનો ભય વધુ અનુભવે છે.

વાસ્તવમાં વધુ કામ એટલે ઓછું ફોકસ. સચિનના ફટકા કે નેપોલિયનની યુદ્ધકળાની જેમ મહત્ત્વ સાઇઝનું નહિ સ્ટ્રેન્થનું હોય એવી વાત થઈ. જૂના જમાનાના કહેવાય એવા હેન્રી ફોર્ડે એટલે જ અમેરિકા જેવા કામઢા દેશમાં ૪૦ કલાકનું વર્કવીક રાખેલું.

પાંચ દિવસ રોજ આઠ કલાક. શનિ- રવિ રજા ને એ મોડલમાં ૬૦ કલાક સપ્તાહમાં કામ લેતી કંપનીઓ કરતા વધુ સારું ને વિપુલ ઉત્પાદન થતું! સુરતમાં હરિકૃષ્ણ ડાયમંડ જેવી અમુક હીરાની ફેક્ટરીમાં રત્નકલાકારોને બપોરે સુઈ જવાની છૂટ છે, તો હીરા વધુ સારી ક્વૉલિટીના રિચાર્જ થયેલા કારીગરો કટ એન્ડ પોલિશ કરી પગારનું વળતર મેળવે છે.

આપણે ત્યાં કાર્યક્ષમતાના વખાણના નામે વધુ કામ એ જ મોટો સદગુણ છે, એ માન્યતા ઘરી કરી ગઈ છે. પણ એને લીધે વ્યક્તિ કુટુંબ કે તબિયત માટે સમય ના ફાળવે, કાળજી ના રાખે તો ભરપાઈ ન થાય એવું નુકસાન જાય છે. સ્વાભાવિકપણે તમને આનંદ મોંઘા મોબાઈલથી વધુ લાંબો એમાં ટપકતા મનગમતા નામના મેસેજ કે કોલથી થવાનો. આવી ઈમોશનલ સ્પેસ ગુમાવી દેનાર વ્યક્તિ જાત પર જુલમ કરતો હોય એમ પરાણે કામ ખેંચે એમાં કશી ભલીવાર ન હોય. પણ બિઝી રહેવામાં અમુકને ઈમ્પોર્ટન્ટ ફીલ થાય.

નવરા બેસીને આરામ કરીએ છીએ એવું કહો તો ઘણી વાર પારકા શું પોતાના ય ખિલ્લી ઉડાવે! કાર્યના વોલ્યુમ કરતા એની દક્ષતા / એફીશયન્સી અગત્યની છે. માત્રમાં કાર્ય કરવું એ જ મિનીંગફૂલ નોબલ વેલ્યુ છે, એમ નથી યોગ્ય લહેર કરવી અને આરામ કરવો ને બ્રેક ભોગવી તાજામાજા ને નીતનવા થતા રહેવું એ ય અતિ આવશ્યક છે. એ આરામના સમય પર પોતાના કામ માટે તરાપ મારનારા તમામ અહિતચિંતક જ હોવાના!

ફિલસૂફ બટ્રૉન્ડ રસેલે તો ૧૯૩૨માં ''આળસની પ્રશંસા'' એવો નિબંધ લખીને હેપિનેસ કી તરીકે ધીમે ધીમે કામનું ભારણ ઘટાડી એની કમાણી જિંદગી માણવામાં રોકવાની ભલામણ કરેલી. જોન મેનાર્ડ કેઈન્સ જેવા ખાંટુ અર્થશાસ્ત્રીએ તો ગ્રાન્ડચિલ્ડ્રન યાને ૨૧મી સદીમાં માત્ર ૧૫ કલાક જ કામ કરી બાકીનો સમય વધુ આનંદદાયક બાબતો/શોખને સમર્પિત કરતી ક્રીએટીવ માનવજાતના સુખના સપના જોયેલા. પણ એના જ ચીલે ચાલનારા અમેરિકન સમાજમાં તો કલાકદીઠ વળતરના જોબ્સ બન્યા. ટેકનોલોજીની હરીફાઈથી ડરીને લોકો વધુ કામ કરવા લાગ્યા.

ખરીદી અને ખર્ચને પહોંચી વળવા ને અબજો ડોલરની ઉત્પાદકતા ઉપરાંત હેલ્થ પર પણ ભારે અસર આવી! એશિયન દેશોમાં ય આવું છે. તુર્કીમાં ૪૩% લોકો લાંબા કલાકો સુધી કામ કરે છે. વળતર કે સ્પર્ધા માટે.

ફ્રાન્સમાં વધુ લાંબા કલાકો કામ કરનારા માત્ર ૯% છે. ત્યાં ઓબેસિટી ઓછી છે, હાર્ટ એટેક ઓલમોસ્ટ જગતમાં સૌથી ઓછા! સરકાર ભણવાનું ને દવા ને અઢળક સુવિધા મફત આપે ને એક જોબમાંથી તમે નીકળ્યા હો તો નવી ના મળે ત્યાં સુધી ભથ્થું ય રેડીમેઈડ મળે, પણ માત્ર ૩૫ કલાક સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવાનું.

કામના કોલ કે ઈમેઈલ એ સિવાયના આરામના સમયમાં કરવા/લેવા એ કાનૂની પ્રતિબંધ. અને વેકેશન અમુક વર્કલોડ થાય એટલે ફરજીયાત હુકમથી લેવાનું. ના લો તો નોટીસ પણ મળી શકે. ને અમુક તો સાચે જ મોજ કરવા ગયેલા એના પુરાવા ય માંગે - કારણ કે, એ બતાવે કે તમે માનસિક રીતે સ્વસ્થ રહી કામ કરશો!

અલબત્ત, આપણે ત્યાં તો કામચોરી છે. પ્રમાદ છે. લોકો જરા જેટલા ય કામની જવાબદારીમાંથી છટકવા અવનવા જુગાડ કરે છે. બહાના કાઢે છે. લાગવગ લગાડે છે. તરસ લાગે તો શીતળ જળના ઘૂંટડા ભરવાની મજા છે. બાકી એસીમાં બેઠે બેઠા પાણી પીધા કરો તો અહક થઈ જાય. એમ રજાઓનો હક એને જ ભારતમાં હોય જેણે સોંપાયેલું કામ પૂરી નિષ્ઠાથી કર્યું હોય. બાકી તો આપણા પર રાજ કરનારાઓને ય કામ કર્યા વિના મફતનું ખાવાની આદત પડી ગઈ છે.

ટીનએજર્સ અમેરિકાની જેમ મોબાઈલમાં જ એવા હેપી છે કે એમને કામ કરવું જ ગમતું નથી ને બધી રજાઓ ને મજાઓ મફતમાં જ માણી લેવી છે! કર્મણ્યેવાધિકારસ્તેનું કૃષ્ણવચન આપણે અવળી રીતે થવાનું એ થશે, દેવાનું હશે એ દેશે, આપણે નહીં તો કોઈક બીજો એના નસીબમાં લખ્યું હોય તો કર્મ કરશે. હુ કેર્સ જેવી એટીટયુડમાં ટોપ ટુ બોટમ ફેરવ્યો છે.

પછી વેકેશનમાં ય બોર જ થઈ જવાય ને! કારણ કે મહેનત કે શ્રમ કર્યો હોય તો રજા ભોગવવાની તાલાવેલી થાયને અંદરથી! આ તો ચાલુ નોકરી-ધંધે પણ વેકેશન જ હોય છે. ને કાં છેલ્લી ઘડીએ પાછી ઓવરલોડના ઉધામા!

રજા માટે રાજા બનવું પડે, સાજા થવા માટે તાજા રહેવા બ્રેક લેવાનો છે. જવાબદારીને જ બ્રેક મારવા નહી, એ સભાનતા પશ્ચિમમાં જન્મજાત છે. એટલે એમને ફિક્સ્ડ ફ્રેમમાંથી બહાર નિરાંતનો શ્વાસ જોઈએ. આપણે સીસ્ટમ કે ટાઈમને ફેઈલ કરવા ડિસીપ્લીન કે ડેડીકેશનની ફ્રેમ જ તોડી નાખી છે.

સો, પહેલા કૃષ્ણની જેમ અખાડીયન મલ્લ અને બુદ્ધિમાન વિચારક બનીને કામ કરો ને પછી બાંસુરી ને રાસલીલાની પાર્ટીનો આરામ કરો! વર્ક એન્ડ પ્લે! પણ રૃટીનમાંથી રજા લેવાનું ભૂલતા નહી. જસ્ટ ફોર ફન. કોઈ એજેન્ડા નહી, કોઈ નવી તૈયારી નહી. બસ મનગમતા શોખ, મનોરંજન, સ્વજનો ને આળસ મરડવાની મજા આવી જાય એટલો આ...રામ! તનતોડ મહેનત અને પ્રમાણિક કામ કર્યા પછી એકદમ આરામમાં આપણો હક છે. સમાજ આપે નહી, તો છીનવી લેવો!

ફાસ્ટ ફોરવર્ડ

ગ્રીક શબ્દ 'સ્કોલે' એટલે ફુરસદની લહેજત. લીઝર. એમાંથી શબ્દ આવ્યો સ્કૂલ જેમાં એ શીખવાડવામાં આવતું કે કળા, હુન્નર, વિજ્ઞાાન, રમતગમત, ફિલસુફી, વાર્તા, નૃત્ય, નાટકો વગેરેથી કેમ લાઈફમાં એનો રસ માણવા ફ્રી રહેવું. અંતે આપણે સ્કૂલને કામ કરતો ને જોબ મેળવતા શીખવાની ફેક્ટરીઓ બનાવી નાખી!
 

Post Comments