Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા

વેન્ટીલેટર પર રહેલા હિન્દી ફિલ્મસંગીતના મોતનો ઘંટારવ સંભળાય છે!

પચાસ-સાઠના દશકના સુવર્ણયુગ પછી તો '૭૦થી '૯૦માં હીરકયુગ આવેલો, પણ આજે નવી ધૂનોનું દેવાળું ફૂંકાઈ ગયું હોય એમ જૂના જ ગીતોની મૂડીએ ધંધો ચાલે છે!

ટીવી પ્રોમોમાં વગાડવા માટે પરાણે ગીતો બનાવવા પડતા હોય એવો ઘાટ છે. ટીવી પર યુવા ગાયક-ગાયિકાઓની પ્રતિભાશાળી ફોજ દેખાય છે. પણ હોમ ડેસ્ટિનેશન બોલીવૂડની હવેલી ખંડેર થતી જાય છે

ભપ્પી લહેરી (કે લાહિડી)નું નામ પડે તો શું યાદ આવે? યસ. ડિસ્કો. ઢિન્ચાક સોંગ. ફોરેનમાંથી અલબત્ત કોપી કરેલા. પણ તો ય આખી એક જનરેશનને ભારતના ગામડામાં ય ડોલાવનારા. પણ એવું નથી કે ભપ્પીદાએ કાયમ 'કન્ટ્રોલ સી, કન્ટ્રોલ વી'નું કોપી પેસ્ટિંગ કરેલું. એક્ચ્યુઅલી, એમની ઓરિજીનલ રેન્જ પણ જબરદસ્ત હતી. જ્યારે એમણે પોતીકું સંગીત આપ્યું, ત્યારે ય ગીતો મધુર અને યાદગાર જ બનેલા.

'પ્યાર મેં કભી કભી ઐસા હો જાતા હૈ'થી 'દીવાની દીવાના... તેરી બાહો મેં ગુજરે જમાના' જેવા છૂટક સોંગ્સના તો ઢગલા થઈ જાય. પણ આખેઆખા આલ્બમ એવરગ્રીન. સ્પેશ્યલી ફોર અમિતાભ : નમકહલાલ, શરાબી, આજ કા અર્જુન! અપને પરાયે જેવા ગીતો ય ભપ્પીદાના.

એ કે આર.ડી. બર્મન કે કલ્યાણજી આણંદજી કે લક્ષ્મીપ્યારે કે રાજેશ રોશન ઉઠાવતા જરૃર પરદેશી સંગીતમાંથી. રીતસર સોર્સ હન્ટિંગ હતું. અમિતાભે લંડનની ક્લબમાં એક સોંગ સાંભળ્યું ને રમેશ સિપ્પીને સંભળાવી ખાસ સિચ્યુએશન ઉભી કરીને એનું તફડાવેલું હિન્દી વર્ઝન 'મહેબૂબા મહેબૂબા' મૂકાવેલું. પણ એમાં આર.ડી.એ પોતાની આગવી કમાલ કંઠ સહિત મૂકી હતી.

'શોલે'ના વેસ્ટર્ન ફિલ્મ્સના ઢાળમાં અપાયેલા ટાઈટલ મ્યુઝિકમાં પંડિત સામતા પ્રસાદના તબલાં ઉમેરનાર જીનિયસ એટલું તો કરી શકે ને! એમ તો શંકર-જયકિશનથી એસ.ડી. બર્મન ને સી. રામચંદ્રથી હેમંતકુમાર સુધીના બધા જ લીજેન્ડરી હિન્દી ફિલ્મ કમ્પોઝરે દુનિયાભરના સંગીતમાંથી 'પ્રેરણા' લીધી હતી. આ 'પ્રેરણા'નું એવું કે અડધો આથો આવે તો સુરતી લોચો ને આખો આવે તો અમદાવાદી ખમણ!

પણ કેટલીક સંઘેડાઉતાર નકલો સિવાય ઈટાલીયન ફોક મ્યુઝિકથી શરૃ કરીને બોનીએમ-આબા બીટલ્સના આલ્બમની ધુન પણ લીધી હોય, એને માંધાતા સંગીતકારો મઠારતા જરૃર. જેમ કે મોરી કાન્તેનું સોંગ 'થમા થમા નોરે'. આ આફ્રિકન બીટવાળું ઓરિજીનલ સોંગ જરાય ઈમ્પ્રેસિવ નથી. પણ એના બે હિન્દી વર્ઝન એનાથી વધુ બેહતર છે.

લક્ષ્મી-પ્યારેનું 'જુમ્મા-ચુમ્મા' તો મુકુલ એસ. આનંદના એફ્રેડ ઓફ ઈટ્સ ટાઈમ પિક્ચરાઈઝેશનને લીધે સુપરહિટ થયું. પણ આખી 'થાનેદાર' ફિલ્મમાં યાદ રહે એવું એક જ સોંગ ભપ્પી લહેરીનું 'તમા તમા લોગે!' માધુરીનો બેનમૂન ડાન્સ. ને એની છાતી પર ધણના પ્રહાર થતા હોય એવી 'હાથીપગી' ડ્રમ બીટ્સ! આવી ચેસ્ટ થમ્પિંગ બીટ્સ ઓરિજીનલ સોંગમાં ક્યાંય નથી. એ રિધમ ભપ્પીદાનું ક્રિએશન, કહો કે એડિશન હતું!

હવે આ જાણે ચાલીસ-પચાસ વરસ જૂનો જમાનો હોય એમ મોટે ઉપાડે 'બદ્રીનાથ કી દુલ્હનિયાં'માં આ વર્ષે એનું રિમિક્સ કરવામાં આવ્યું. લુખ્ખી કાકડી જેવું ફિક્કું! સારી ક્વૉલિટીની સાઉન્ડ સીસ્ટમમાં બે ય વર્ઝન બેક ટુ બેક સાંભળજો. ભપ્પીદાના લેવલની મેમેરેબલ રિધમનો છાંટો નથી મોડર્ન ડાન્સ ફ્લોર વર્ઝનમાં!

જમાનો જ એવો છે 'જુડવા' ફિલ્મના અનુ મલિકના ગીતો 'હમેબલ' યાને ગણગણવા ગમે એવા હતા. પણ મહાન નહિ. પણ 'જુડવા ટુ' નામે બનેલી રિમેકમાં એ સોંગ ફરીથી મુકવા પડે છે! કારણ કે, આજના કહેવાતા સંગીતકારો સ્પષ્ટ કહીએ તો 'વસૂકી' ગયા છે!

ગણીને પાંચ ટાઈમપાસ સોંગ પણ કમ્પોઝ કરવામાં એ છનુડા-છનુડીઓને ફીણ આવી જાય છે! 'રાબતા' ફિલ્મમાં તો હજુ હમણાં જ આવેલું કહેવાય એવું 'એજન્ટ વિનોદ'નું ગીત રિમિક્સ કરવામાં આવ્યું! દર ત્રીજી ફિલ્મમાં ઓલ્ડ ક્લાસિક નહિ પણ થોડા વર્ષો જૂની ફિલ્મનું સોંગ વળી ધાબડી દેવામાં આવે છે, નવેસરથી વાદ્યો-કંઠ બદલાવીને!

એક સમયે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'ગુલશનયુગ' પછી તો ફિલ્મ કરતાં મ્યુઝિક રાઈટ્સ મોંઘા વેચાતા હોય એવો દૌર હતો. રામગોપાલ વર્મા જેવા સોંગલેસ ફિલ્મો પસંદ કરનાર મેકર્સ પણ રંગીલા, દૌડ, મસ્ત, નાચ બનાવતા હતા! આઠ-દસ ગીતોના આલ્બમ આવતા હતા. ને બધા સોંગ્સ કર્ણપ્રિય હોય! અબ્બાસ મસ્તાનની થ્રીલર હોય કે ડેવિડ ધવન-પ્રિયદર્શનની કોમેડી - પણ ગીતો તો ગમે એવા હોય જ. તે આ સમય કોઈ '૫૦ - '૬૦ના દાયકાનો નહિ, હજુ હમણા સુધીનો હતો.

અને આજે ? આખેઆખા આલ્બમમાં એક મહીના પછી યાદ રહે એવું એક પણ, જી હા - એક પણ ગીત હોતું નથી! ફિલ્મ પૂરી થાય ને સતત યુટયુબ-ટીવી - એફએમમાં હથોડાની જેમ મારવામાં આવતું હોય એમ ભૂલાઈ જાય. આખા મૂવી આલ્બમની તો સસ્તી પાઇરેટેડ સીડીઝ પણ દેખાતી બંધ થઈ ગઈ છે. કોઈ લેવાલ જ નથી, તો મફત આપો તો ય ફેંકી જ દે ને! હિન્દી ફિલ્મ સંગીતના ઈતિહાસનો સૌથી કંગાળ કથીરયુગ અત્યારે ચાલી રહ્યો છે.

શનિ-રવિની સાંજ પર નભતી રેંકડીનુમા રેસ્ટોરાંમાં જેમ એક જ ગ્રેવીમાં જે ઓર્ડર કરો એ શાક વઘારીને પધરાવી દેવામાં આવે, એવો ઘાટ છે. સૂફી રોકના પંજાબી ફલેવરના ડિંડવાણાને અપમાર્કેટ ને ટ્રેન્ડી ગણી એક જ ફિક્સ બીટમાં બીબાંઢાળ સરખા ગીતોનો મોળાંફસ હાઇબ્રીડ ટમેટાં જેવો જથ્થાબંધ ફાલ લેવામાં આવે છે. આવા ઓરિજીનલ કરતાં તો પ્રીતમની કોપી સાંભળવી સારી!

આ ય એક પરિબળ તો છે જ. કોપીરાઇટ એક્ટ કડક થયો ને ખાસ તો ઇન્ટરનેટ- સ્માર્ટફોન ક્રાંતિને લીધે વર્લ્ડ સ્મોલ ને ફ્લેટ રાતોરાત થઇ ગયું. એટલે દલા તરવાડીની અદામાં થતી સીન-સંગીતની ઉઠાંતરી પર ખાસ્સું નિયંત્રણ આવ્યું. એમાં જ વાર્તાના પોતની જેમ જ સંગીતની ભાત પાતળી પડતી ગઈ. ગ્લોબલ સોર્સ પર તાળા લાગી ગયા. કૂલ ફિલ્મમેકર્સનો નવો ફાલ આવ્યો, એ હોટલની લાઉન્જમાં સંગીત સાંભળીને ઉછરેલો હતો.

બહુ-બહુ તો એકાદ લાખોની સાડી પહેરીને સંધ્યામાં માનુનીઓ જતી હોય એવી ભદ્રલોક માટેની ક્લાસિકલ તરજ હિન્દુસ્તાનના નામે આવે. ને બાકી રાજસ્થાની-પંજાબી-મરાઠી ધમાલ. હિન્દી ફિલ્મસંગીત ગુજરાતી થાળી જેવું વિવિધ સ્વાદોનું ક્લાસિક કોમ્બિનેશન છે. એમાં ભારતના પેટ્રોલિયમની જેમ હજારો વર્ષોના વલોણા પછી તૈયાર થયેલા લોકસંગીત (ફોક મ્યુઝિક)ની આગવી સોડમ છે.

જેની જોરે નૌશાદ જેવાઓએ આખી કારકિર્દી બનાવી લીધી. એમાં વધાર થાય છે શાસ્ત્રીય રાગ-રાગિણીઓની બંદિશો. સરગમના સૂરોના અઢળક કોમ્બિનેશન એન્ડ પરમ્યુટેશન મેથેમેટિકલી આપણા વારસામાં જ શક્ય છે. સિમ્ફનીના સીસ્ટમેટિક વેસ્ટર્ન બંધારણની ત્યાં મર્યાદા આવે છે.

એમાં ભળે પોએટ્રી, સ્ટોરીટેલિંગ, વિઝયુઅલાઇઝેશનના મસાલા. વળી પશ્ચિમી તાલ ને નૃત્ય ને ટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટસની ફૂટટેપિંગ ચટાકેદાર ચટણીઓ. બોલીવૂડ મુંબઇમાં પણ બેંગાલૂરૃથી બંગાળ સુધીની ટેલન્ટ ત્યાં એકઠી થાય. ને પછી સર્જાય 'આજા સનમ મધુર ચાંદની મેં હમ'થી શરૃ કરીને 'કબૂરત જા જા જા' અને 'સુનિયે... કહિયે...' થી - 'લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ' જેવા હજારો અવિસ્મરણીય ચાર્ટબસ્ટર્સ.

સેડલી, કારકિર્દીના અસ્તાચળે ઉભેલા ક્રિકેટરના સ્કોરની જેમ એકલદોકલ નહિ, પણ સમગ્ર બોલીવૂડ મ્યુઝિકનું પરફોર્મન્સ દો ગઝ જમીન કે નીચે ધરબાઈ ગયું છે! બેન્કેબલ ગણાતા ફિલ્મમેકર્સને ત્યાં પણ દુકાળ છે.

અતિશય મીઠડાં ગીતો આપતી ભટ્ટ ફેકટરીની વિશેષ ફિલ્મ્સથી લઇને ધર્મા પ્રોડકશન્સ-યશરાજ સુધી. જીનિયસ રહેમાનનો જાદૂ ય ઓસરી રહ્યો છે. ઢંગની હિટ ગઝલ ફિલ્મી પડદે છેલ્લે ક્યારે આવેલી એ તો કેબીસીમાં સાત કરોડોનો સવાલ પૂછી શકાય એમ છે. આઇટેમ કે કલબ સોંગના ઝળહળાટમાં ય કોઇ લૈલા ઓ લૈલા જ ફરીથી મૂકવું પડે છે.

ટીવી પ્રોમોમાં વગાડવા માટે પરાણે ગીતો બનાવવા પડતા હોય એવો ઘાટ છે. ટીવી પર યુવા ગાયક-ગાયિકાઓની પ્રતિભાશાળી ફોજ દેખાય છે. પણ હોમ ડેસ્ટિનેશન બોલીવૂડની હવેલી ખંડેર થતી જાય છે.

બધા જ સંગીતકારો તગડા દામ લઇને ટીવી શોમાં જજ બની બેઠા હોય ને ટવીટર પર ટવીટસ કમ્પોઝ કરતા હોય ત્યાં બીજી અપેક્ષા ય શું રાખી શકો? ભણસાલી જેવા ડાયરેકટરમાંથી સંગીતકાર બનેલા કોઇકનું બે વર્ષે એક એરેન્જમેન્ટ - ધુનમાં મધુર આલ્બમ આવે. એમાં ય ફોર્મેટ તો રિપિટ થાય. બાકી, જરાક મેલોડિયસ સોંગ બનાવો તો મિડિયા તરત એના પર વિન્ટેજ, રેટ્રો, ઓલ્ડ ફેશન્ડ જેવા રેડીમેડિ સ્ટિકર્સ ઠોકી દે!

એકચ્યુઅલી, મેલોડી એટલે શું? સરળ રીતે કહીએ તો ગીતની મીઠાશ. માધુર્ય. ફિલ્મસંગીત આપણી ફિલ્મોમાં આપણી સંસ્કૃતિમાંથી આવ્યું છે. ભારત સંગીતમય દેશ છે. આપણે ત્યાં જન્મથી મૃત્યુ સુધીની ઘટનાઓને સમર્પિત ગીતો છે.

આપણી પ્રાચીન ફિલસૂફી- વેદવેદાંત રામાયણ-મહાભારત સઘળું કાવ્યના સ્વરૃપમાં છે. ગાઇ શકાય એવા છંદમાં શ્લોકો છે. લગ્ન પ્રસંગ હોય કે વાવણી-કાપણી- સઘળાં ઉત્સવોનું સંગીત છે. હજારો વર્ષોથી એ આપણા ડીએનએમાં છે. એટલે જ આપણે ત્યાં હોલીવૂડ મ્યુઝિકલથી જુદી રીતે તમામ પ્રકારની ફિલ્મોમાં ય ગીતો આવ્યા. જીવનની જેમ ગીતો ફિલ્મી કહાનીના હિસ્સા બન્યા.

એ વખતે પ્રિન્ટિંગ ટેકનોલોજી કે રેકોર્ડિંગ ડિવાઇસીઝ તો હતા નહિ. માટે કર્ણોપકર્ણ સાંભળેલું જ પેઢી દર પેઢી યાદ રહેતું. - વોઇસ ટુ ઈયર્સ. હવે એટલે ધુન કે છંદ એવા હોવા જોઈએ કે જેનો ઢાળ મેમરીમાં ઇઝીલી સ્ટોર થઈ જાય, તો શબ્દો આપોઆપ દિમાગમાં છપાઇ જાય.

આવું સંશોધન આપણા સંસ્કૃતપ્રેમીઓએ સાયન્ટિફિકલી કરવું જોઈએ. પણ લોકમુખે ગવાતી અભિવ્યક્તિને લીધે મેલોડી-માધુર્ય ભારતીય સંગીતનું મુખ્ય તત્વ બન્યું. પોપ્યુલર મેઇનસ્ટ્રીમ બન્યું.

અને એમાં જ જગતભરમાં અનોખા સ્વાદવાળો હિન્દી ફિલ્મ સંગીતનો એવો લાખેણો ખજાનો આપણને બધાને સાંપડયો. આપણા અંગત અરમાનો અને પર્સનલ પીડાઓને વાચા આપી આ ગીતોએ. એના ખોળે આપણે ધીંગામસ્તી કરી, અને આનંદ-ઉલ્લાસ- રોમાન્સના સેલ્લારા ખાતા ખાતા હિલોળા લીધા. પ્રેમ અને વિરહ, ભક્તિ અને વીરતા, નૃત્ય અને શૃંગાર, દર્દ અને ભોળપણ, હિંમત અને સંવેદના, માનવતા અને દેશદાઝ- બધું જ આ ગીતોથી શીખ્યા.

પણ મેકર્સ એન્ડ ઓડિયન્સમાં હવે એવી કન્ફયુઝડ જનરેશન ઉમેરાઈ ગઈ છે કે જેમને આટલું ઝીણું કાંતવામાં બોરડમ ફીલ થાય. જેમને અસલી હિન્દુસ્તાનની પહેચાન નથી, ને પશ્ચિમની નકલમાં અક્કલ નથી. માટે જૂનું ઝડપભેર ભૂંસાતું જાય છે, ને આધુનિકતાના નામે નવું ય બરાબર કેળવાતું નથી. સોંગલેસ ફિલ્મો આવી. લિપ સિંક યાને પડદા પર પાત્રો હોંઠ ફફડાવી ગાતા હોય એવા ગીતો આજકાલ બહુ ઘટી ગયા છે (ને હોય ત્યાં મોટે ભાગે માત્ર સ્ટેજ પર ગાય કે સિંગર હોય એવી જ સિચ્યુએશન હોય છે!)

અને તમે નોંધ્યું? ગુ્રપ સોંગ ધમાલિયા બને છે. યાદગાર નહિ, ને તો ય ફિલ્મો કંઇ ઇરાન જેવી અસાધારણ નથી થતી. સાઉથ કે બંગાળ ભોજપુરી જેવા રિજીયોનલ સિનોમામાં મોટે ભાગે એકની એક તરજનો સ્ટોક રિપિટ થતો હોય એમ લાગે છે. બાકી હની સિંઘ બાદશાહ-મિકા સ્ટાઇલમાં (મૂળ તો આફ્રિકન રેપ સિંગર્સની માફક) બધું ભેળપુરી હોય ને પાર્ટીમાં ધૂમ મચાવે એવા જ ગીતો આવે છે.

એમાં ખોવાઈ ગઇ છે મેલોડી. બે વાર સાંભળો ને આખી જીંદગી યાદ આવે કે ચાલતા ચાલતા મગજમાં ધુન ગુંજવા લાગે ને ઘોઘરાબેસુરા સાદે ય એકલાએકલા ગણગણવા લાગીએ એ મેલોડી. ગાયક-સંગીતકાર દોસ્ત ઉદય મઝુમદારે એકવાર કહેલું કે 'સમય બદલે એમ સંગીત બદલાય. ઘોડાગાડીમાં બેસતી પેઢીના ગીતો ય ધીમા ને લિમિટેડ ઇન્સ્ટ્રુમેન્ટવાળા હોય. બીએમડબલ્યુમાં બેસતી પેઢીના ફાસ્ટ ને બોમ્બાસ્ટિક મલ્ટીપલ એરેન્જમેન્ટવાળા હોય!' રાઇટ. પણ મોબાઈલમાં બેસતી જનરેશનના કેવા હોય?

માઇન્ડ વેલ. આપણે કોઈ 'હાય હાય છી છી કેવી બગડી ગઇ છે આ નવી પેઢી!' જેવા પૂર્વગ્રહથી હરગીઝ વાત નથી કરતા. ધોળે ધરમે ય એવું ગમે નહિ. આપણે ત્યાં અમુક ધોળા છાપરા કે બોડા છાપરાવાળા વડીલવર્યો એમની જુવાનીના ફિફ્ટીઝ-સિક્સ્ટીઝમાં ફ્રીઝ થઇ ગયેલા હોય છે.

જેમને એમના જેવા 'મતિલઘુ' જનમઘરડા અમુક જુવાનિયા ય હુક્કામાં દેવતા ભરવાવાળા હજુરિયાઓની જેમ જડી જતા હોય છે. એ ચોખલિયાઓ માટે તો સુવર્ણયુગ આઝાદીના દોઢ દસકામાં ખતમ થઇ જાય છે ફિલ્મસંગીતનો. એમને તો શમ્મીકપૂર-રાજેશ ખન્નાનું અદ્ભુત વૈવિધ્ય પણ કઠે છે.

અપુન કા ઓપિનિયન ડિફરન્ટ હૈ. આ ખાંસાહેબો જેની સતત ટીકા કરે છે, એવા સેવન્ટીઝ-એઇટીઝના યુગમાં એટલા બધા સરસ ને એ ય મેઘધનુષી વૈવિધ્યવાળા ગીતો આવ્યા છે કે માત્ર એનું મુખડું લખી યાદી કરીએ તો લેખ નહિ- પુસ્તક થાય! એ કથિત 'દુકાળ'માં 'ઉમરાવજાન' (ખય્યામ)થી 'અર્થ' (જગજીતસિંહ) જેવા આલ્બ્મસ આજે ય તરોતાજા લાગે તેવા આવ્યા. એ ય ઢગલા મોઢે! બેસ્ટ ગઝલો કમ્પોઝ થઇ. મનમોહન દેસાઈ, પ્રકાશ મહેરા, રમેશ સિપ્પી જેવા કોમર્શિયલ મેકર્સની મસાલા ફિલ્મોમાં પણ સરસ ગીતો આવ્યા.

'યે મુલાકાત ઇક બહાના હૈ'થી શરૃ કરીને 'ક્યા યહી પ્યાર હૈ' સુધી, 'નીલે નીલે અંબર પે'થી શરૃ કરી 'ઇક પ્યાર કા નગ્મા હૈ' સુધી, 'કોઈ રોકો ના દીવાને કો'થી 'દુશ્મન ન કરે દોસ્ત ને વો કામ કિયા હૈ' સુધી-ગણ્યા ગણાય નહિ, વીણ્યા વીણાય નહિ એવા ગીતો! ફૂલો કે શહર મેં ઘર અપના બનાવી દે ને 'યે જમીં ગા રહી હૈ, આસમાં ગા રહા હૈ' કહીને ડોલાવી દે એવા ગીતો. અમિતાભ, મિથુન, રિશી, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, હેમા, રેખા, સ્મિતા, શ્રીદેવી, ટીના, માધુરી, અનિલ, જેકી, મીનાક્ષી, સંજીવ, પર પિકચરાઇઝ થયેલા ગીતો.

આદમીને મુસાફિર બનાવતા ગીતો.ચલ ચલા ચલ અકેલા ચલ ચલા ચલ કહીને મોટિવેટ કરતા ગીતો. રોજ રોજ આંખો તલે, એક હી સપના પલે એવા પ્રેમમાં તરબોળ કરીને આજસુબકા જબ મેં જગા, તેરી કસમ ઐસા લગા, તુને મુજે યાદ કિયા હૈ, તુને મેરા નામ લિયા હૈ સુધીના સોંગ્સ.

અને મનોજકુમાર, સુભાષ થઇ, યશ ચોપરા, ફિરોઝ ખાન, હૃષિકેશ મુખર્જી, બાસુ ચેટર્જી, રાજ ખોસલા, બી.આર.ચોપરા જેવા મેકર્સ હતા કે જે અંગત રસ લઇ ધુન બનાવડાવતા.

જેમના કાનને સંગીતની સૂઝ હતી. ડુ યુ નો? રાજ કપૂરે 'આરાધના' પછી હોટ ફેવરિટ થયેલા કિશોરકુમારના કંઠે 'હમ તુમ એક કમરે મેં બંધ હો' ગવડાવીને રેકોર્ડ સોંગ રિજેક્ટ કરેલું કે ટીનએજર રિશિના ચહેરા સાથે આ વોઇસ નહિ જામે! (પાછળથી કિશોર વોઇસ ઓફ રિશિ પણ બન્યો!) આર.કે.નો હાથ ફરે એટલે રવીન્દ્ર જૈન જેવા મીડિયોકેર સંગીતકાર યાદગાર તરાના આપવા લાગે!

લક્ષ્મી-પ્યારે કે આર.ડી.એ તો ડાયરેક્ટર્સની તકદીર પલટાવી નાખી. 'સીને મેં જલન'થી 'પ્યાર કા દર્દ હૈ' અને 'કહે દો કે તુમ હો મેરી વાર્ના' થી 'જીમી જીમી આજા આજા' સુધી તમામ કલર્સના સોંગ્સ સાંભળીને એવો એ સુવર્ણ નહિ, પાસાદાર હીરાઓનો યુગ હતો.જયદેવની મીઠી સી ચુભન અને શિવહરિના મીઠાં ગીતોવાળો. જ્યાં શ્યામની બંસી રાધાનામ પોકારતી હતી. જ્યાં ચોરી ચોરી જબ આંખે ચાર થતી હતી.

પછીનું જનરેશન ટ્રાન્ઝિશન પણ સ્મુધ હતું. આનંદમિલિંદ, નદીમ શ્રવણ, અનુ મલિક, આનંદરાજ આનંદ, સ્વ. આદેશ શ્રીવાસ્તવ, વિશાલ-શેખર, જતીન-લલિતે મોરચો સંભાળ્યો. શંકર-અહેસાન લોયમાં ય ચમકારા આવી જતા મેલોડીના (જો કે, ઓછા!) એકધારા ફૂટટેપિંગ, ગમ્મતભર્યા છતાં મેલોડિયસ સોંગ્સનો કૂવો આ બધાએ પણ ઉલેચ્યો.

ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં 'કિસ ઓફ ડેસ્ટિની' અનિવાર્ય છે. સક્સેસફુલ પરફોર્મન્સ છતાં ઉત્તમ સિંહ, નિખિલ વિનય, અમર-ઉત્પલ, સંદીપ ચૌટા, હેરિસ જયરાજ (અહાહા... રહના હૈ તેરે દિલ મેં! વોટ એન આલ્બમ!), મોન્ટી શર્મા (સાંવરિયા-મિર્ચ), નરેશ શર્મા, ભાસ્કર ચંદાવરકર (નરગીસ) જેવા સંગીતકારો સફળ થયા પછી પણ ખોવાઈ ગયા.

તો ય મામલો મરશિયા ગાવા જેવો નહોતો જ. વિદ્યાની 'પરણીતા' કે સંજય દત્તની 'મુસાફિર'ના ગીતો પણ આજે ય ફરી ફરી સાંભળવા ગમે એવા આલ્બમ્સ આવતા જ. આરજીવીની અન્ડરરેસ્ટેડ 'નાચ' કે અધ્યયન સુમનની ફ્લોપ 'હાર્ટલેસ'ના ગીતો ય સાંભળ્યા પછી ભૂલાય નહિ. જેમાં સંગીતની અપેક્ષા ય ન હોય એવી 'ગુલાબ' કે 'ગેંગ્સ ઓફ વાસેપુર' કે 'એક વિલન' કે 'બોડીગાર્ડ' કે 'ગોલમાલ' (ફર્સ્ટ)માં ય ગીતો સરસ હતા.

હિમેશ રેશમિયાએ તો એક એકથી ચડિયાતી મૌલિક તરજો આપી છે. (બનારસથી ખિલાડી ૭૮૬ સુધીની અફલાતૂન રેન્જ સાથે) બિપાસાની 'જીસ્મ'નો વન ઓફ ધ ઓલટાઈમ ગ્રેટ આલ્બમ ગણાય. સાજીદ વાજેદે પણ ચમકારા બતાવ્યા છે. અરે શાદ અલીના 'કિલ દિલ'માં ય ધમાકેદાર સોંગ્સ હતા. ને ભૂતનાથ રિટર્ન્સમાં ય તે! 'આશિકી ટુ'નું એસોર્ટેડ આલ્બમ પણ સ્વીટસ્વીટ હતું.

પણ પેટ્રોલનો ભંડાર ખાલી થાય એ પહેલા જ ભારતીય ફિલ્મ સંગીતનું તળિયું દેખાઈ ગયું હોય એવો વર્તમાન છે. ફાસ્ટફૂડિયા ગીતો એકધારા માથા પર મારવામાં આવે છે, તો ય યાદ તો દૂર પછી કોઈ સાંભળતું ય નથી.

આખા આલ્બમને બદલે એક-બે ગીત પર નભવું પડે છે. એમાંય એકાદું તો જુનું જ હોય છે. જાણે નવા એવા રચવાની ત્રેવડ જ ન રહી હોય! ભારતીય ક્રિકેટ ટીમમાં એક જમાનામાં સંજય માંજરેકર હતો. કાયમી નવોદિત. એના ટેકનિકલ પરફેકશનના વખાણ કરીને વળી કોમેન્ટેટર્સ ઉંધી ગુંલાટો મારી જતા. પણ માંજરેકર ક્યારેય મેચ વિનર બનીને ચાલ્યો જ નહિ, ને ખુદ કોમેન્ટેટર બની ગયો!

આવું જ અમિત ત્રિવેદીનું છે. પુરાણો નવોદિત છે. એની ટેલેન્ટની વાતો કરીને હેઠા પડી જાય છે, યંગથીંગ્સ પણ ભાઈસાહેબે કર્કશ ફરગેટેબલ ઘોંઘાટ સિવાય કશું ખાસ ઉકાળ્યું જ નથી. બેશક એકાદ 'ક્વીન' જેવી અકસ્માત ફિલ્મ આપે કે એક 'લૂંટેરા' જેવું ફ્લ્યુક (જેમાં ઉચ્ચારોના ઠેકાણા ન હોય પાછા મુખ્ય સોંગમાં!) બાકી એનો ઇકતારો ક્યારેય ગુલાબો બન્યો જ નહિ.

નવા સાઉન્ડ ને યૂથફૂલ કમ્પોઝિશનના નામે એરેટેડ સોફ્ટ ડ્રિન્ક્સ જેવા એના ગીતો હોય છે. ફિઝ ઉડી જાય કે બનાવટી સ્વાદ પણ ન રહે! સિક્રેટ સુપરસ્ટાર જેવી જે ફિલ્મની થીમ જ મ્યુઝિક હોય, એમાં ય બધા ગીતો ફાલતુ ને બોગસ હોય એને તો કાઠિયાવાડીમાં 'ભૂંહડિયો વાળ્યો' કહેવાય!

જો કે, એની લેક ઓફ ટેલન્ટ તો તરત જ પરખાઈ ગઇ હતી. એના કરતા તો હિન્દીની સાથે 'બેસ્ટ ઓફ લક લાલુ' જેવી ગુજરાતી ફિલ્મમાં વધુ સરસ સંગીત આપતા સચીન-જીગરનું ભાવિ મેલોડી પ્લસ એન્ટરટેઇનમેન્ટને લીધે ખાસ્સું ઉજળું છે.

ગુજરાતી મેહુલ સુરતીના નોનફિલ્મી કમ્પોઝિશન આખા વરસના બોલીવૂડ ટ્રેક્સ કરતા ચડી જાય! બાકી આજે તાલ, ચાંદની, કુરબાની, જાંબાઝ, પરદેશ, પ્રેમરોગ, રામ તેરી ગંગા મેલી, લમ્હે, હમ દિલ દે ચૂકે સનમ અને ત્રિદેવના લેવલનું આલ્બમ ક્યાં?

કારણો ઘણા હશે. ઓવરએક્સ્પોઝરથી દોલત-દાનત સુધીના તારણ એક જ છે. આ ગતિએ હિન્દી સિનેમામાં સંગીત ઝપાટાબંધ ફ્લેશબેકમાં જવાનુ છે. કચરા જેવા ગીતો અગાઉ પણ બનતા. પણ આટલી હદે રેશિયો ઉલટસુલટ નહોતો. ડિસ્કોમાં ય મેલોડી જળવાતી.

જરાક જુઓ, કોન્સર્ટ કે પાર્ટી કે સેલફોનમાં, યુટયુબલિંકની શેરિંગ કે મ્યુઝિકલ કોમ્પિટિશનમાં સ્પોન્સર્ડ પ્રમોશન સિવાય મરજીથી ભાગ્યે જ નવા હિન્દી ફિલ્મગીતો સંભળાશે. સંભળાશે એ ય કોલરટયૂન્સ સુધી પહોંચવાને બદલે ભૂલાશે. ઓલટાઇમ લો પહોંચેલા આ સંગીતને 'રિવાઇવ' કરવા કોઈ મોદી ઘટના કે કે ધોની ઘટના બનશે? કે પછી જીવનમાંથી જ સંગીત ખોવાઈ ગયું છે. એવું આ પ્રતિબિંબ છે? ભૂલા નહિ દેના જી ભૂલા નહિ દેના, જમાના  ખરાબ હૈ દગા નહિ દેના!

ફાસ્ટ ફોરવર્ડ

'માણસ કરતા ઉંચે છે કવિ જે શબ્દોનું પ્રતિનિધિત્વ કરે છે. એથી ઉંચે છે ચિત્રકાર, જે દ્રશ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. એથી ય ઉંચે છે સંગીતકાર જે અદ્રશ્યનું પ્રતિનિધિત્વ કરે છે!' (લિયોનાર્ડ દ વિન્ચી)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments