Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઈન-ઈન- હર્ષ મેસવાણિયા

વર્લ્ડ હેરિટેજમાં ભારતનું પ્રથમ સ્ટેજ!

યુનેસ્કોએ ૪૧મી વાર્ષિક બેઠકમાં ૪૦મી વખત વર્લ્ડ હેરિટેજ લિસ્ટની જાહેરાત કરી. અગાઉ ભારતની કઈ વિરાસતોને પહેલી હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું હતું?

તાજનું સ્થાન ૧૯૮૩માં જાહેર થયેલા પ્રથમ હેરિટેજ સ્મારકોમાં હતુ. અહીં દેખાતી તસવીર તાજ મહેલના ચારેય ખૂણે ઊભેલા ૧૮૬ ફીટ ઊંચા મિનારા પૈકીના એકની છે.

૧૯૭૮માં પ્રથમ વખત જાહેર થયેલી વિરાસતો

નામ

દેશ

રોમન કેથલિક ચર્ચ આકિન

જર્મની

ક્વિટો શહેર

ઈક્વાડોર

ગાલાપાપોસ ટાપુ

ઈક્વાડોર

ક્રેકોવનું ઐતિહાસિક સેન્ટર

પૉલેન્ડ

ગોરી ટાપુ

સેનેગલ

લાન્સ ઓક્સ મીડોવ્ઝ

કેનેડા

મીસા નેશનલ પાર્ક

અમેરિકા

નાહાન્ની નેશનલ પાર્ક

કેનેડા

રોક-હેન ચર્ચ

ઈથોપિયા

સીમીઈન નેશનલ પાર્ક

ઈથોપિયા

રોયલ સોલ્ટ માઈન્સ

પૉલેન્ડ

યેલ્લોસ્ટોન નેશનલ પાર્ક

અમેરિકા

યુનેસ્કોએ વિશ્વની સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ધરોહરોની જાળવણીનું નક્કર કામ ૭૦ના દશકા પછી વેગીલું બનાવ્યું. સાત-આઠ વર્ષ સુધી તેની રૃપરેખા તૈયાર થઈ અને એ પછી પહેલી વહેલી યાદી ૧૯૭૮માં જાહેર થઈ. વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની પહેલી યાદી જાહેર થઈ તેના ૩૯ વર્ષ પછી પૉલેન્ડના ક્રેકોવમાં મળેલી વર્લ્ડ હેરિટેજ સમિતિની ૪૧મી બેઠકમાં ૪૦મી હેરિટેજ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી.

તેમાં અમદાવાદને દેશના પ્રથમ હેરિટેજ શહેરનો દરજ્જો અપાયો. પ્રથમ વખત ભારતના કોઈ આખા શહેરને આ રીતે વિશિષ્ટ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. યુનેસ્કોના હેરિટેજ વારસામાં સ્થાન પામી હોય એવી ભારતની ઐતિહાસિક અને પ્રાકૃતિક ધરોહરોની સંખ્યા ત્રણ ડઝન થઈ છે. સૌ પ્રથમ ભારતની કઈ ધરોહરોને યુનેસ્કોએ હેરિટેજ વારસામાં સમાવી હતી? ક્યારે? કઈ કેટેગરીમાં?

૧૯૮૩માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની સાતમી બેઠક મળી ત્યારે વિશ્વની ૨૯ વિરાસતોને તેમાં સ્થાન મળ્યું હતું. એ ૨૯માં વિરાસતોમાં સાંસ્કૃતિક ધરોહરની શ્રેણીમાં ચાર વિરાસતો ભારતની હતી. મહારાષ્ટ્રમાં આવેલી અજંતા અને ઈલોરાની ગુફાઓ, તાજમહેલ અને આગ્રાનો કિલ્લો.

મહારાષ્ટ્રમાં આવેલી સદીઓ જૂની અજંતા-ઈલોરાની ગુફાઓ પથ્થરની બેનમૂન કોતરણી માટે જગ વિખ્યાત છે. આ ગુફાઓની નોંધ ૧૬-૧૭મી સદીમાં ચીની પ્રવાસીઓએ કરી હતી. અજંતા-ઈલોરાની આ ગુફાઓ સદીઓ પહેલાંની હિન્દુ, બૌદ્ધ, અને જૈન ધર્મની કલા-સંસ્કૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

અજંતા અને ઈલોરા બંને ગુફાઓને ૧૯૮૩માં વૈશ્વિક ધરોહરમાં સ્થાન મળ્યું પછી તેની ખ્યાતિ દેશ-પરદેશ પહોંચી હતી. મહારાષ્ટ્રમાં આ ગુફાઓ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ બની છે.

અજંતા અને ઈલોરાની ગુફાઓ સિવાય વર્લ્ડ હેરિટેજની એ યાદીમાં પ્રથમ વખત ભારતના મોઘલકાળના બે સ્થાપત્યોનો પણ સમાવેશ કરાયો હતો : તાજમહેલ અને આગ્રાનો કિલ્લો. બાદશાહ શાહજહાઁએ તેમની પ્રિય પત્ની મુમતાજની યાદમાં બનાવેલી આ ઈમારત હવે વિશ્વભરમાં પ્રેમ પ્રતીક છે. ઈ.સ. ૧૬૩૨થી ૧૬૫૩ વચ્ચે બંધાયેલી આ ઈમારત જગતની સાત અજાયબીઓમાં પણ ગૌરવભેર સ્થાન મેળવે છે.

તાજમહેલની ઉત્તર-પશ્વિમ દિશાએ લગભગ અઢી કિલોમીટરના અંતરે આગ્રાનો કિલ્લો બંધાયેલો છે. મોગલકાળનો સાક્ષી એવો આ કિલ્લો કેટલીય લડાઈઓની ઝીંક ઝીલીને આજેય અડીખમ ઊભો છે. ૧૬મી સદીની શરૃઆતમાં બનેલા આ કિલ્લામાંથી શરૃઆતમાં મોઘલ બાદશાહો શાસન કરતા હતા. જ્યાં સુધી મોઘલ રાજાઓએ પાટનગર તરીકે દિલ્હીને પસંદ કર્યું ન હતું ત્યાં સુધી - લગભગ એકાદ શૈકા સુધી રાજ્યનો વહીવટ આગ્રામાંથી જ થતો હતો. એ રીતે આ કિલ્લો એક સમયે દેશનું કેન્દ્રબિંદુ બન્યો હતો.

શસ્ત્રો, ખોરાક અને ખજાનો સુરક્ષિત રાખીને આગ્રાના કિલ્લાએ બાબર, હુમાયુ, અકબર સહિતના રાજાઓનું રક્ષણ કર્યું હતું. મોઘલ બાદશાહોને ભારતભરમાં ફેલાઈ જવાની તક આ કિલ્લાએ આપી હતી.

૧૯૭૮માં યુનેસ્કોએ પહેલી વખત દુનિયાની ૧૨ વૈશ્વિક વિરાસતોના નામ જાહેર કર્યા ત્યારથી લઈને ૨૦૧૭ સુધીમાં ૪૦ વખત વૈશ્વિક ધરોહરોની યાદી જાહેર કરી છે. હવે આ લિસ્ટ મોટું થઈને ૧૦૭૩ સુધી પહોંચ્યું છે. ૮૩૨ સાંસ્કૃતિક, ૨૦૬ પ્રાકૃતિક અને ૩૫ મિક્સ એમ કુલ ૧૬૭ દેશોની વિરાસતોને યુનેસ્કોએ વૈશ્વિક ધરાહરો જાહેર કરી છે.

કોઈ વિસરાયેલી વિરાસતને યુનેસ્કોનું ટેગ મળે એ પછી લોકોની તેના તરફની દૃષ્ટિ બદલાઈ જતી હોય છે. વિશ્વમાં ઘણાં ખરાં કિસ્સામાં એવું બન્યું છે કે યુનેસ્કોએ વૈશ્વિક વિરાસત જાહેર કરી હોય એની સંભાળ સ્થાનિક તંત્ર અને ટૂરિસ્ટ બંને લેવા લાગે છે. ભારતમાં જોકે, દુર્ભાગ્યે હજુ એવું બનતું નથી. આજેય ભારતની ૩૬ વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની સંભાળ લેવાનું આપણે અને આપણી સરકારો ચૂકી જાય છે.

યુનેસ્કો માત્ર વર્લ્ડ હેરિટેજની યાદી જ જાહેર નથી કરતું. જરૃર પડે તો કોઈક સાઈટને ડેન્જર લિસ્ટમાં પણ મૂકે છે. સદ્ભાગ્યે ભારતની એક પણ ઈમારત હજુ સુધી આ યાદીમાં મૂકવી પડી નથી. પણ આપણું અને આપણાં સરકારી તંત્રનું ઉદાસીન વલણ દેશની ઈમારતોને આ લિસ્ટમાં ધકેલી શકે એટલું સક્ષમ તો છે જ!

યુનેસ્કો કહે ત્યારે રહી રહીને આપણે આપણી ધરોહરોની થોડી ઘણી સંભાળ રાખીએ છીએ. યુનેસ્કોની યાદીમાં નામ જાહેર થાય પછી મૂલ્ય વધુ સમજાતું હોય છે. ભલે એ રીતે તો એ રીતે પણ વહેલાં મોડું મહત્વ સમજાય એ જરૃરી છે. નહીંતર, યુનેસ્કો તો ડેન્જર લિસ્ટનું તીર પણ ભાથામાં રાખે જ છે!
 

Post Comments