Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઈન-ઈન- હર્ષ મેસવાણિયા

ફ્રેન્ક લિબર્ટો ખરેખર ફાધર ઓફ 'નાચોઝ' હતા?

વિશ્વ વિખ્યાત વાનગી નાચોઝના જનક ગણાતા ફ્રેન્ક લિબર્ટોનું ૮૪ વર્ષની વયે નિધન થયું. ફ્રેન્કને ભલે 'ફાધર ઓફ નાચોઝ' કહેવાતા હોય, પણ સૌપ્રથમ ડિશ બીજા કોઈએ તૈયાર કરી હતી...

૧૯૭૦ પછીનો સમયગાળો હતો. અમેરિકામાં સ્પોર્ટ્સની લોકપ્રિયતા વધવા લાગી હતી. લોકો સ્પોર્ટ્સ પાછળ ટાઇમ એન્ડ મની - બંને આપતા થયા હતા. રમત-ગમત હોય એટલે ખાણી-પીણી ય હોવાની. પરંપરાગત પોપકોર્ન કરતા લોકો કંઈક નવું ઈચ્છતા હતા. એના ભાગરૃપે નાસ્તાવાળા નવી નવી વાનગીઓ બનાવીને ગ્રાહકો સમક્ષ પેશ કરતા હતા.

એવી જ એક નવી ડિશ રિકોઝ ચીઝ રેસ્ટોરન્ટના માલિક ફ્રેન્ક લિબર્ટોએ ટેક્સાસના એરિંગ્ટન સ્ટેડિયમમાં પેશ કરી. સ્ટેડિયમમાં બેઝબોલની સીરિઝ ચાલતી હતી. બેઝબોલની એ સિઝનમાં ફ્રેન્ક લિબર્ટોએ ચીઝ સૉસ અને અમેરિકન મકાઈમાંથી બનાવેલી પાતળી રોટીના ત્રિકોણાકાર ટૂકડાંની બનેલી ચિપ્સની ડિશ રજૂ કરી. મકાઈમાંથી બનેલી એ ત્રિકોણ ચિપ્સ સાથેનું ચીઝનું કૉમ્બિનેશન તુરંત ક્લિક થઈ ગયું! સ્ટેડિયમના પ્રેક્ષકોમાં પોપ્યુલર થયેલી એ ડિશનું નામ હતું - નાચોઝ.

બેઝબોલની સિઝન પૂરી થઈ ત્યાં સુધીમાં તો રિકોઝ રેસ્ટોરન્ટના માલિક ફ્રેન્કે નાચોઝની અસંખ્ય ડિશ વેંચીને માતબર નફો રળ્યો. પણ ફ્રેન્કે એ વેંચાણથી સંતોષ ન માન્યો. ટેક્સાસ આસપાસના ગ્રાહકોની પસંદને બરાબર પારખીને નાચોઝમાં ચીઝ ઉપરાંત પણ જરૃરી ઉમેરણ કર્યું.

સ્ટેડિયમના પ્રેક્ષકોની જરૃરિયાતને પણ ધ્યાનમાં રાખી. એક જ પ્રકારની ચિપ્સને બદલે નાચોઝમાં અલગ અલગ રંગ અને ફ્લેવર રજૂ કર્યા પછી તો એકાદ વર્ષમાં ટેક્સાસ અને તેની આસપાસ રમાતી લગભગ તમામ રમતોમાં પ્રેક્ષકો માટે રિકોઝ રેસ્ટોરન્ટ દ્વારા બનેલી નાચોઝની ડિશ અનિવાર્ય થઈ પડી.

જેમ ફિલ્મ સાથે પોપકોર્ને જુગલબંદી કરી એમ રમતના મેદાન સાથે નાચોઝે જુગલબંદી કરી લીધી. ટેક્સાસમાં એ વખતે નાચોઝે પોપકોર્નના વેંચાણની બરાબરી કરી લીધી. એક જ વર્ષમાં ફ્રેન્કે નાચોઝનું વેંચાણ ૮ લાખ ડોલર એટલે કે લગભગ ૫ કરોડ રૃપિયા સુધી પહોંચાડી દીધું. ફ્રેન્ક લિબર્ટોનું નામ આખા ટેક્સાસમાં જાણીતું થઈ ગયું.

ફ્રેન્કના દાદાએ ૧૮૯૦માં રિકોઝ રેસ્ટોરન્ટની શરૃઆત કરી હતી. રેસ્ટોરન્ટ્ની બીજી ય એક બે બ્રાન્ચ ઓપન થઈ હતી. ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે રેસ્ટોરન્ટમાં કંઈ કેટલીય વાનગી બનતી હતી, પણ નાચોઝ વેંચવાના ફ્રેન્કના બિઝનેસ મોડેલના કારણે જે સફળતા મળી હતી એ અદ્વિતીય બની રહી.

એક્ચ્યુઅલી, ફ્રેન્કે નાચોઝની રેસિપીમાં જેટલું ધ્યાન આપ્યું હતું એના કરતા વધુ ધ્યાન ગ્રાહકોની પસંદ-નાપસંદ પારખીને નાચોઝ તેના સુધી પહોંચે એ માટેની ચેનલ બનાવવામાં આપ્યું હતું. જે નફો મળતો હતો એમાંથી અડધો અડધ જાહેરાતો પાછળ ખર્ચીને નાચોઝનો ફેલાવો કરવામાં પૂરતું ધ્યાન આપ્યું હતું.

રમતગમતના મેદાનોમાંથી મોટાભાગની આવક થતી હતી એટલે રમતના મેદાનોમાં હોર્ડિંગ લગાવવાથી લઈને સ્પોન્સરશીપ સુધી ફ્રેન્કે છૂટથી ખર્ચ પણ કર્યો. બદલામાં થોકબંધ આવક રળી. બદલાતા સમય સાથે તાલ મિલાવીને ફ્રેન્કે ડિલિવરી પ્રોસેસ અને પેકિંગમાં કૂનેહ વાપરી હતી.

અમેરિકોની જીભને સોલ્ટી ટેસ્ટ માફક આવી રહ્યો છે એ પારખી ગયેલા ફ્રેન્કે નાચોઝને એક દાયકામાં તો આખાય અમરિકા અને મેક્સિકોમાં પોપ્યુલર બનાવીને રિકોઝનું આર્થિક સામ્રાજ્ય વિસ્તારી દીધું હતું. ૧૯૮૭માં ફ્રેન્ક લિબર્ટો અમેરિકન ફૂડ ઈન્ડસ્ટ્રીના 'મેન ઓફ ધ યર' જાહેર થયા હતા.

પણ હા, મેક્સિકનોની જીભ માટે આ વાનગી જરાય અજાણી ન હતી!

૧૯૪૩માં કેટલાક અમેરિકન સૈનિકોની પત્નીઓ ટેક્સાસની સરહદે આવેલા મેક્સિકન સિટી પિઆડ્રસ નેગ્રાસમાં શોપિંગ કરવા પહોંચી હતી.

ટેક્સાસના ફોર્ટ ડંકનમાં અમેરિકી સૈન્યનો કેમ્પ હતો અને આ મહિલાઓ સૈનિક પતિઓને મળવા આવી હતી. ત્યાંથી શોપિંગ કરવા યોગ્ય મેક્સિકોનું આ એક માત્ર ઠીકઠીક મોટું શહેર હતું, સૈનિકોની પત્નીઓએ આખો દિવસ પિઆડ્રસ નેગ્રાસમાં શોપિંગ અને મનોરંજનમાં વીતાવ્યો.

દિવસ લગભગ પૂરો થઈ ચૂક્યો હતો. દુકાનો અને રેસ્ટોરન્ટ્સ લગભગ બંધ થઈ રહી હતી. સૈનિકોની પત્નીઓ કંઈક નાસ્તાની આશાએ એક નાનકડી રેસ્ટોરાંમાં પ્રવેશી. રેસ્ટોરાં સંચાલક કમ કૂક ઈગ્નેસિયો એનાયાએ ખાવા-પીવાનું કશું જ અવેલેબલ ન હોવાનું જણાવ્યું, પણ સૈનિકોની પત્નીઓએ ઈગ્નેસિયોને કશુંક પીરસવાની વિનંતી કરી.

રેસ્ટોરન્ટમાં સામાન પણ લગભગ બધો પૂરો થઈ ચૂક્યો હતો. ઈગ્નેસિયોએ કિચનમાં જઈને જોયું તો મકાઈની રોટી સિવાય કંઈ જ બચ્યું ન હતું. તેણે એ રોટીને ફરીથી શેકી. તેના ત્રિકોણ આકારમાં ટૂકડાં કર્યાં. તેને તેલમાં તળીને એના ઉપર ચીઝ ઉમેર્યું. એ ત્રિકોણ ટૂકડાં ઉપર મરી-મસાલો ભભરાવ્યો અને પેલી સ્ત્રીઓને એ વાનગી પીરસી દીધી.

પેલી સ્ત્રીઓને એ ટેસ્ટ બહુ ભાવ્યો. એણે ઈગ્નેસિયોને વાનગીનું નામ પૂછ્યું. વાનગીને શું નામ આપવું એની થોડી અવઢવ પછી ઈગ્નેસિયોએ નામ આપ્યું - નાચોઝ સ્પેશિયલ. સૈનિકોની પત્નીઓએ ઈગ્નેસિયોની તેની રેસિપી પણ પૂછી લીધી.

હસતા હસતા ઈગ્નેસિયોએ એ નવી વાનગીની રેસિપી જણાવી. એ મહિલાઓ તો નવી વાનગીના વખાણ કરતા કરતા જતી રહી, પણ પછી ઈગ્નેસિયોના દિમાગમાં આ ડિશને દરરોજ ગ્રાહકોને પીરસવાનો વિચાર ઘર કરી ગયો.

થોડા સમયમાં એ શહેરના ગ્રાહકોને નવી વાનગી નાચોઝ પસંદ પડી ગઈ. નાચોઝની ડિશ બનાવવામાં આમ તો ઈગ્નેસિયાની મોનોપોલી હતી એટલે શરૃઆતમાં તેના સિવાય કોઈને ય આ વાનગી આવડતી ન હતી, પણ રેસિપી એટલી અઘરી ય ન હતી કે સ્વાદ શોખીન માણસ એક વખત ખાઈને ન બનાવી શકે! એ હિસાબે આખાય પિઆડ્રસ નેગ્રાસમાં નાચોઝની રેસિપી પહોંચી ગઈ. જોતજોતામાં નાચોઝે ધૂમ મચાવી દીધી.

ઈગ્નેસિયોએ એકાદ-બે વર્ષમાં પોતાની રેસ્ટોરાં બનાવી. એનું નામ જ રાખ્યું : નાચોઝ રેસ્ટોરન્ટ. ઈગ્નેસિયોએ એ રેસ્ટોરન્ટમાં મેઈન ફોકસ નાચોઝ ઉપર જ આપ્યું હતું એટલે રેસ્ટોરન્ટની લોકપ્રિયતા વધી હતી. પછી તો એ વખતની લોકપ્રિય રેસિપી બુક એન્નીસ કૂકબુકમાં પણ ઈગ્નેસિયોની નાચોઝ રેસિપીને સ્થાન મળ્યું.

અચ્છા, અહીં સવાલ એ થાય કે મકાઈની રોટીના ત્રિકોણ ટૂકડાં અને ચીઝની બનેલી આ વાનગીને નાચોઝ નામ કેમ મળ્યું? તો એનો જવાબ બહુ સિમ્પલ છે : મેક્સિકોમાં સ્પેનિશ નામ ઈગ્નોસિયોને 'નાચો'ના નિકનેમથી પણ ઓળખવામાં આવે છે.

જ્યારે સૈનિકોની પત્નીઓએ ઈગ્નેસિયો એનાયાને નવી વાનગીનું નામ પૂછ્યું ત્યારે તેણે પોતાના નામના નિકનેમ પરથી નવી ડિશનું નામ 'નાચોઝ સ્પેશિયલ' પાડી દીધું. સમયાંતરે એ ડિશ નાચોઝ સ્પેશિયલ, સ્પેશિયલ નાચો અને હવે નાચોઝ બનીને વિશ્વભરમાં ફેલાઈ ચૂકી છે.

ઈતિહાસમાં ઘણાં બધાં કિસ્સામાં બન્યું છે એમ નાચોઝમાં પણ તેની મૂળ રેસિપી બનાવનારાને એટલા નામ-દામ ન મળ્યાં. ઈગ્નેસિયોએ જીવનભર રેસ્ટોરન્ટ ચલાવીને સંતોષ માન્યો અને તેની રેસિપી પરથી કેટલીય કંપનીઓએ અબજો રૃપિયાનો નફો રળ્યો.

બે-એક દશકામાં એ વાનગી ટેક્સાસમાં પહોંચી ચૂકી હતી. ટેક્સાસમાં પહોંચેલી આ ડિશને મોડિફાઈ અને પોપ્યુલર કરવાનું કામ ફ્રેન્કે કર્યું. ઈગ્નેસિયો સહિતના નાચોઝ વેચતા કોઈ પણ રેસ્ટોરાં માલિકમાં જે સૂઝ નહોતી એ બિઝનેસ ટ્રિક ફ્રેન્ક પાસે હતી. જે કામ ઈગ્નેસિયોથી ન થયું એ માર્કેટિંગ-પેકેજિંગનું કામ ફ્રેન્કે કરી બતાવ્યું.

રેસ્ટોરન્ટના ફેમિલી બિઝનેસમાં જે સફળતા ફ્રેન્કની અગાઉની બબ્બે પેઢીને મળી ન હતી એ ફ્રેન્કે એવી મેળવી કે આજે રિકોઝ કંપનીનું વાર્ષિક ટર્નઓવર ૮૦ મિલિયન ડોલર યાને લગભગ ૫ અબજ રૃપિયાએ પહોંચી ચૂક્યું છે. ૫૭ દેશોમાં રિકોઝ કંપનીનું સામ્રાજ્ય ફેલાયું છે અને લગભગ ૨૦૦ સ્ટોર્સમાં નાચોઝનું વેચાણ થાય છે.

૮૪ વર્ષના ફ્રેન્કે ફાધર ઓફ નાચોઝ બનીને ૭મી નવેમ્બરે પૃથ્વી પરથી વિદાય લીધી ત્યાં સુધીમાં નાચોઝનો ફેલાવો ૬૦ ટકા ભૂભાગ ઉપર થઈ ચૂક્યો હતો!

આમ જૂઓ તો નાચોઝના જનકનું સન્માન બેશક ઈગ્નેસિયો એનાયાને મળવું જોઈએ. ઈગ્નેસિયોને જો નાચોઝના પિતા ગણીએ તો જે સ્ટાઈલથી ફ્રેન્કે નાચોઝનું પાલન-પોષણ કર્યું એ જોઈને તેમને નિ:સંદેહ નાચોઝના પાલક પિતા ગણવા રહ્યા!

ઈગ્નેસિયોના પુત્રએ પેટન્ટ માટે મથામણ કરી હતી!

- ઈગ્નેસિયો એનાયાએ અનાયાસે જ નાચોઝની રેસિપી બનાવી પછી એ વખતે તેણે પેટન્ટ નોંધાવી ન હતી. રેસિપી બહુ અઘરી ન હતી એટલે મેક્સિકોમાં તો ઘણાં રેસ્ટોરાંમાં 'નાચોઝ' બનવાની શરૃઆત થઈ ચૂકી હતી. દોઢેક દશકામાં નાચોઝની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ હતી.

એ પછી ઈગ્નેસિયોના પુત્રએ ૧૯૬૦માં કોર્ટના દ્વાર ખટખટાવ્યાં હતાં. રેસિપીની પેટન્ટ ઈગ્નેસિયોના નામે નોંધાઈ શકે કે કેમ તેની શક્યતા તપાસાયા પછી એવો નિર્ણય આવ્યો હતો કે હવે આ વાનગી ઘરે ઘરે પહોંચી ચૂકી છે અને તેની પેટન્ટ નોંધાવાનો કોઈ અર્થ રહેતો નથી. એ પછી નાચોઝની રેસિપીને ફ્રી ટુ ધ પબ્લિક જાહેર કરાઈ હતી.

- દુનિયાભરમાં નાચોઝ તરીકે ઓળખાતી આ વાનગીનું તેના જન્મસ્થળ એવા મેક્સિકોમાં બીજું ય એક નામ પ્રચલિત છે - ટોટોપોસ. 'ટેસ્ટ ઓફ ટેક્સાસ' નામની અંગ્રેજી બુકમાં પહેલી વખત ૧૯૪૯માં 'નાચોઝ' શબ્દને વાનગીના સંદર્ભમાં સ્થાન મળ્યું હતું.

- વિશ્વની સૌથી મોટી નાચોઝ પ્લેટનો રેકોર્ડ કેન્સાસની સ્કૂલના નામે નોંધાયો છે. ૨૧૨૬ કિલોની એ પ્લેટમાંથી થયેલી આવક ચેરિટી માટે વપરાઈ હતી.

- દર વર્ષે છટ્વી નવેમ્બરે નાચોઝ ડેની ઉજવણી થાય છે. જોકે, હજુ આ ઉજવણી અમેરિકા પૂરતી જ સીમિત છે. નાચોઝ પ્રેમીઓ આ દિવસે સમુહમાં નાચોઝ આરોગે છે!
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments