Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમયાંતર- લલિત ખંભાયતા

અમદાવાદ સિવાયનો વૈશ્વિક વારસો

હેરિટેજ બેઠકમાં આ વખતે કુલ ૩૩ સ્થળોને 'વર્લ્ડ હેરિટેજ સાઈટ'નો દરજ્જો અપાયો છે. અમદાવાદ અને ભીતરકનિકા એ બે સ્થળો ભારતના છે. બાકી દુનિયાના કેટલાક અત્યંત રસપ્રદ સ્મારક-સ્થળો-અવશેષોને વિરાસતની યાદીમાં સ્થાન મળ્યું છે.

કમર પર વિંટાળેલું ચામડું એ તેના શરીર પરનું એક માત્ર વસ્ત્ર છે. વસ્ત્ર માથે દોરી જેવો પટ્ટો અને તેમાં એકાદુ આયુધ ખોંસેલુ છે. દક્ષિણ આફ્રિકાના ઉત્તર છેડેથી શરૃ થતાં કાલાહારીના રણ વિસ્તારમાં એ રહે છે, પણ માથું ઢાંકવાની એમને ક્યારેય જરૃર નથી પડતી. ઉઘાડા પગે જ એ રણની રેતમાં અનેક કિલોમીટરની સફર કરી શકે છે. પાતળા, સીધા સોટા જેવા શરીર જોઈને અશક્ત હોવાનું લાગે પણ હકીકતમાં સામો સિંહ મળે તો એનોય શિકાર કરી શકે એવી એમની મર્દાનગી છે.

'સાન પીપલ' અથવા તો 'બુશમેન' તરીકે જગત જેને ઓળખે છે એ આદિવાસીઓ કાલહારીના રણમાં રહે છે. એ જનજાતિની સંસ્કૃતિને, જીવન જીવવાની અનોખી પદ્ધતિને આ વખતે 'વર્લ્ડ હેરિટેજ' જાહેર કરવામાં આવી છે. એમની જિંદગાની ભારે રસપ્રદ છે. એ માટે ફરી કાલાહારીના રણમાં ચાલો..

રણમાં પાણી ક્યાં મળે? આમ તો કાલાહારીના રણમાં પાણી શોધવુ અત્યંત મુશ્કેલ છે. પરંતુ સાન પ્રજાને ખબર છે કે સાવ સુક્કાભઠ્ઠ દેખાતા આ રણમાં ઊગેલા છોડ-વેલા પૈકી કોની ડાળીમાં પાણી સંગ્રહાયેલુું છે. એ ડાળખી તોડીને, નીચોવીને તેમાંથી મળતાં ટીપાંથી તરસ છીપાવતા તેમને આવડે છે. પાણી પછીનો પ્રશ્ન ખોરાકનો છે.

શિકાર કરવા માટે તેમની પાસે તીર-કામઠાં છે. પણ લાકડાના તીર વડે કદાચ જંગલી પ્રાણી મૃત્યુ ન પામે તો? એટલા માટે તેની અણી પર ઝેરનો પાશ ચડાવવામાં આવે છે. એ ઝેર ક્યાંથી આવે? વનસ્પતીમાંથી! ક્યા છોડ ઝેરી છે એ પણ તેમને ખબર છે. ખોરાક મળી ગયા પછીનો પ્રશ્ન અગ્નિનો છે. માત્ર લાકડાનો જ ઉપયોગ કરીને કેમ આગ પ્રગટાવવી એ પણ તેઓ જાણે છે.

આખા આફ્રિકા ખંડમાં બુશ કહેવાતા ઘાસનું પ્રભુત્વ છે. એ ઘાસ વચ્ચે જ રહેતા અને ઘાસના વિવિધ ઉપયોગ કરી જીવી જાણતા આ લોકો એટલે જ બુશમેન તરીકે ઓળખાય છે. છેલ્લા ૨૩ હજાર વર્ષથી દક્ષિણ આફ્રિકા, નામિબિયા અને બોત્સવાનામાં ફેલાયેલા કાલાહારી રણ વિસ્તારમાં સાન લોકો રહે છે. તેમની સંસ્કૃતિમાં ખાસ ફરક પડયો નથી. હવે તો સંશોધકો અને પ્રવાસીઓ વારંવાર બહારથી તેમને જોવા-મળવાં-સંશોધન કરવા આવતા રહે છે.

બે લાખ વર્ષ પહેલા ઉદ્ભવેલો મનુષ્ય પૃથ્વી પર કેમ રહેતો હશે તેનો આજેય નમૂનો જોવો હોય તો સાન પ્રજાની રહેણી-કરણી જોવી રહી. આકરા તાપ નીચે રહેતાં હોવા છતાં ઓછામાં ઓછા વસ્ત્રો વડે તેઓ આખી જિંદગી પસાર કરી નાખે છે. 'ખોમાની' તરીકે ઓળખાતી તેમની આ સંસ્કૃતિ જળવાઈ રહે એટલા માટે મોડે મોડે યુનેસ્કોએ તેમની વિશ્વ વિરાસતની ઓળખ આપી છે.
 

ચાંદી અને પાણીનો સંગમ કરતી ખાણ

પોલેન્ડના દક્ષિણ ભાગે આવેલી એ ચાંદીની ખાણનુ ખોદકામ છેક ૧૫૨૬માં શરૃ થયુ હતું. એક તરફ પહાડી ઢોળાવ હતો, બીજી તરફ જમીનમાં સીસું, ચાંદી, ઝિંક સહિતની વિવિધ ધાતુઓ મળતી થઈ. યુરોપ ઉપરાંત દુનિયાના ઘણા દેશોમાં અહીંથી પેદા થતી ધાતુ પહોંચતી હતી. સદીઓ પછી યુરોપમાં ઔદ્યોગિકરણની શરૃઆત થઈ પણ તેના મૂળિયા આ ખાણમાંથી મળતી ધાતુઓએ નાંખી દીધા હતા.

ખાણકામ આગળ વધતુ ગયું એમ જમનીમાં આડા-ઉભા, ઊંચા-નીચા અને પોલાણો થતાં ગયા. એ પછી બીજી સમસ્યા શરૃ થઈ, પાણી ભરાવાની. ઢોળાવ ઉપરથી નીતરતું પાણી ખાણમાં ભરાઈ રહેતુ હતું. તેનું શું કરવુ? પાણીનો જ ઉપયોગ કેમ ન કરી શકાય? પરિણામ એ આવ્યું કે ટ્રનોવ્સ્કી ગોરી શહેરમાં આવેલી આ ખાલી પડેલી ખાણ હવે વોટર મનેેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખાય છે. એ મેનેજમેન્ટ જોકે છેક ૧૭૯૭માં શરૃ થયું હતું.

ખાણમાં ભરાતા પાણીનો પણ વ્યવસ્થિત ઉપયોગ કરીને આ ખાણ બધી રીતે સાર્થક સાબિત થઈ છે. ટનલનું ઝાળું કુલ તો ૧૫૦ કિલોમીટર લાંબુ છે, પણ એમાંથી ૫૦ કિલોમીટર વિસ્તારનો ઉપયોગ જળમાર્ગ તરીકે થાય છે. ખાણ કામ અને જળ વ્યવસ્થાપન બન્નેનો સંગમ અહીં થયો હોવાથી તેને એન્જિનિયરિંગની રીતે પણ માર્વેલસ ગણવામાં આવી છે. ખાણ હવે બંધ છે, પાણીનું વિતરણ ચાલુ છે. પ્રવાસીઓ અહીં આવી, ભૂગર્ભમાં ઉતરીને એન્જિનિયરિંગની કમાલ જોઈ શકે છે.

કંબોડિયાનું ખંડિત શિવાલય

૧૩મી સદીમાં કંબોડિયામાં રાજા ઈશાનવર્માએ એક મંદિર બંધાવ્યુ હતું. 'સામ્બોર પ્રેઈ કૂક' નામે ઓળખાતુ મંદિર, તેની આસપાસ વસેલું શહેર અને અન્ય બાંધકામો હવે માત્ર ખંડેર સ્વરૃપે બાકી રહ્યાં છે. ચો-તરફ ફેલાયેલું વિષુવવૃત્તનું ગાઢ જંગલ અને જંગલ વચ્ચે છૂટાછવાયા અવશેષો. જંગલને કારણે અનેક બાંધકામો ફરતે તો વૃક્ષોના મૂળિયા આલિંગન લઈ વળ્યાં છે.

કંબોડિયા પર એક સમયે હિન્દુ રાજાઓનું રાજ હતું. એ વખતે જ બંધાયેલુ આ નગર ૨૫ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હતું. એ નગરમાં ૧૫૦થી વધારે નાના-મોટા હિન્દુ મંદિરો હતા. અહીંની પ્રજા શિવભક્ત હતી. બધા મંદિરો તો ટકી નથી શક્યા, પણ અવશેષો ઘણા બચી રહ્યાં છે. ઈશ્વરના વાસની હાજરી પૂરાવતા રેતીયા પથ્થરો જમીન પર વિખરાયેલા છે. કંબોડિયાના જગ વિખ્યાત હિન્દુ મંદિર આંગકોરવાટ કરતા પણ પહેલા બનેલું આ બાંધકામ હવે હેરિટેજ કહેવાશે.

વેનિસનું લશ્કરી સંરક્ષણ

વેનિસ, ઈટાલિનું જાણીતું શહેર. વેનિસની પ્રજાને સતત આક્રમમનો ડર રહેતો હતો. એટલે વેનિસિયન સામ્રાજ્યમાં ઠેર ઠેર ખાસ પ્રકારના લશ્કરી બાંધકામો કરવામાં આવ્યા. હજાર કિલોમીટરના પટ્ટામાં કુલ મળીને ૧૫ બાંધકામ હતા. એ બાંધકામમાં કોઈ કિલ્લા હતા, કોઈ મહેલ હતા, કોઈ લશ્કરી સરંજામના ગોદામ હતા. સૌથી વિશિષ્ટ એ દરેક બાંધકામનો આકાર હતો. કોઈના આઠ ખૂણા, કોઈને ત્રણ, કોઈને પાંચ તો કોઈને સાત..

અનેક ખૂણા ધારવતા કિલ્લા વચ્ચે એક પછી એક કોઠા વિંધે ત્યારે દુશ્મન અંદર પહોંચી શકે. ગૂંચવાડો સર્જવા માટે જ આવા દેખાવે આકર્ષક અને સર કરવામાં અઘરા લાગતાં બાંધકામો ૧૬ અને ૧૭મી સદીમાં તૈયાર કરવામાં આવ્યા હતા. એ બધા બાંધકામો હવે 'વેનેટિઅન વર્ક ઓફ ડિફેન્સ' તરીકે ઓળખાય છે. એ વખતે અહીંનું સામ્રાજ્ય 'સેરેનિસિમા રિપબ્લિક' તરીકે ઓળખાતું હતું. એ વખતે થયેલા આ બાંધકામો હવે ઈટાલિ, ક્રોએશિયા અને મોન્ટેનિગ્રો એમ ૩ દેશોમાં ફેલાયેલા છે.

અનાદીકાળથી અણનમ ઊભેલાં પ્રકૃત્તિના સૈનિકો

યુરોપના ૧૩ દેશોમાં બીચ નામના વૃક્ષોના જંગલો ફેલાયેલા છે. સુંવાળી છાલ અને ચળકતાં પાંદડાવાળા વૃક્ષો જોઈને એમ લાગે કે હમણાં જ જંગલની રોપણી થઈ છે. પરંતુ આ જંગલો પ્રાઈમીવલ એટલે કે અનાદીકાળથી અહીં ઊભા છે. અને એટલે જ તેનું મહત્ત્વ છે. યુરોપના ૧૩ દેશોમાં ફેલાયેલા અને 'પ્રાઈમીવલ બીચ ફોરેસ્ટ ઓફ કાર્થેપિયન્સ એન્ડ અધર રિજિયન ઓફ યુરોપ' એવા લાંબા નામે ઓળખાતા વન-વિસ્તારને હેરિટેજનું સ્ટેટસ મળ્યું છે.

પૃથ્વી પર હવામાનનું પરિવર્તન લાવવામાં દસેક હજાર વર્ષ પહેલા ફરી વળેલા છેલ્લા હિમયુગે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એ હિમયુગ વખતની હવા હજુ અહીં વહે છે. એટલે કે બીચ નામના આ વૃક્ષો ત્યારથી અહીં ઊગતા આવે છે.

સંશોધકોએ અહીંના વૃક્ષ-વેલા-છોડ-પ્રકૃત્તિનો અભ્યાસ કરીને પુરાતનકાળના પર્યાવરણ વિશે ઘણી માહિતી હાંસલ કરી છે. બીચના વૃક્ષોના પાંદડા વળી અલગ અલગ કલર ધારણ કરતા હોવાથી આ જંગલો કુદરતે રંગોળી પૂરી હોય એવા પણ લાગે છે. વિશાળકાય જંગલોનો ઘણો ભાગ તો પહેલા જ હેરિટેજ જાહેર થઈ ગયો હતો. બાકી રહેલા જંગલોનો હવે નંબર લાગ્યો.

એકથી વધુ દેશોમાં ફેલાયેલા હોવાથી આ જંગલનું ધ્યાન રાખવું અઘરું પડે છે. દરેક દેશના પોતાના અલગ અલગ કાનૂન હોય. સદ્ભાગ્યે આ દેશોએ જંગલને ખાસ નુકસાન કર્યું નથી એટલે બે-ત્રણ સદી જૂના જાડ-પાદં હજુ અણનમ ઉભા છે. વરુ જેવા ખૂંખાર શિકારી, બ્રાઉન કલરના કદાવર રીંછ, યુરોપિયન બાયસન વગેરે પ્રાણીઓ આ જંગલની શોભા છે. ૩૪ હજાર હેક્ટરમાં ફેલાયેલા જંગલોને હવે આંતરરાષ્ટ્રીય સુરક્ષા કવચ મળ્યું છે.

આફ્રિકામાં સચવાયેલું ઈટાલિયન આર્કિટેક્ટ

ઈટાલિનું આર્કિટેક્ટ આખી દુનિયામાં વખણાય છે. આ આર્કિટેક્ટનો ઉત્તમ નમૂનો ઈટાલિમાં તો જોવા મળે જ. પણ તેનું નવું સ્વરૃપ આફ્રિકન દેશ ઇરિટિયાના પાટનગર અસ્મારામાં નજરે ચડે છે. અસ્મારામાં ૧૯મી, વીસમી સદીના ઈટાલીને રજૂ કરતા ૪૦૦થી વધુ બાંધકામો છે. એ બાંધકામો રજવાડી કે તોતિગં ઊંચા નથી, પરંતુ મોર્ડન શહેરીકરણના નમૂનો રજૂ કરે છે.

૧૮૮૯થી શરૃ કરીને બીજા વિશ્વયુદ્ધ સુધી અસ્મારા ઈટાલિની કોલોની હતું. આખા શહેરમાં અડધો અડધ પ્રજા ઈટાલિયન હતી. એટલે એક તબક્કે આ શહેર 'લિટલ રોમ' તરીકે પણ ઓળખાતું હતું. આઠેક લાખની વસતી ધરાવતું શહેર મોર્ડન ઈટાલિયન સ્થાપત્યકળા સાચવીને બેઠું છે. અહીં ઘણા વર્ષો સુધી યુદ્ધ ચાલતું રહ્યું છતાં એ બાંધકામો સચવાઈ રહ્યા છે. હવે શહેરના એ પુરાતન ભાગને વર્લ્ડ હેરિટેજમાં પ્રવેશ મળ્યો છે.

સૌથી લાંબા મગર ક્યાં જોવા મળશે?

ઓડિશામાં આવેલુ ભીતરકનિકા જંગલ ત્યાં જોવા મળતાં ખારા પાણીના કદાવર મગર માટે જાણીતું છે. કદાવર એટલે ૨૦-૨૨ ફીટ સુધી લંબાતા જુરાસિક યુગના મગર. જગતમાં ખારા પાણીના મગરની સૌથી મોટી વસતી ભીતરકનિકામાં છે. સૌથી મોટાં મગર પણ અહીં જ જોવા મળે છે.

ભીતરકનિકા મૂળભૂત રીતે સુંદરવનની માફક મેન્ગ્રોવ્સનું જંગલ છે. જંગલ, જમીન, પાણી, કાદવ.. બધાનું મિશ્રણ. વિશિષ્ટ રચના ધરાવતા જંગલમાં રહેતા સજીવો પણ થોડા વિશિષ્ટ હોવાના. મગર ઉપરાંત અનેક જાતના પક્ષી, કાચબા, વિવિધ પ્રકારના મેન્ગ્રોવ્સ આ વનવિસ્તારને સમૃદ્ધ બનાવે છે. પોણા સાતસો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલુ આ જંગલ પણ સુંદરવનની માફક બંગાળના ઉપસાગરને સ્પર્શે છે.

ભીતર એટલે અંદર આવેલુ અને કનિકા એટલે અત્યંત સુદંર. ઓડિયા ભાષાના બે શબ્દો મળીને આ જંગલને નામ અપાયું છે, જે સાર્થક પણ છે. આ વખતે ભારતના બે સ્થળોને હેરિટેજનો દરજ્જો મળ્યો એમાં બીજું ભીતરકનિકા નેશનલ પાર્ક છે.

સંસ્કૃતિની સખાતે નીકળેલી સંસ્થા

'યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો)'નું કામ જગતભરની સંસ્કૃતિનું રક્ષણ કરવાનું છે. માટે દર વર્ષે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિની બેઠક મળે છે. તેમાં કેટલાક સ્થળો, કેટલીક સંસ્કૃતિ, કેટલાંક કુદરતી બાંધકામોને હેરિટેજ એટલે કે વિરાસત સ્વરૃપ જાહેર કરવામાં આવે છે.

જાહેર કરવા પાછળનો ઉદ્દેશ જે-તે સંસ્કૃતિ તરફ જગતનું ધ્યાન દોરાવાનો અને તેમનું રક્ષણ કરવાનો છે. આ વખતે મળેલી વર્લ્ડ હેરિટેજ સમતિની ૪૧ બેઠકમાં દુનિયાના કુલ ૩૩ સ્થળોને હેરિટેજ જાહેર કરવામાં આવ્યા. એમાં એક આપણુ અમદાવાદ શહેર પણ હતુ. એ સિવાયના ૩૨ સ્થળો પૈકી કેટલોક સંસ્કાર વારસો તો અત્યંત રસપ્રદ છે.
 

Post Comments