Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમયાંતર- લલિત ખંભાયતા

રશેલ : પુરાતન જીવસૃષ્ટિની શોધમાં નીકળેલી યુવતી

રશેલ સુસમાને બાર વર્ષ સુધી દુનિયા રખડીને પૃથ્વી પરના સૌથી જૂનાં પણ આજે ય જીવંત હોય તેવા પદાર્થોની તસવીરો એકઠી કરી છે. કોઈ તરૃવરની વય ૫ લાખ વર્ષ હતી તો કોઈની ૩ હજાર વર્ષ..

અમેરિકાના ન્યૂયોર્કથી રવાના થઈ આખા પસેફિક મહાસાગર પરથી ઊડીને રશેલ જાપાની શહેર ટોકિયોમાં પહોંચી. ટોકિયોથી દૂર દરિયાંકાઠા પર તેણે એક નાનકડું બંદર શોધ્યુ જ્યાંથી રહસ્યમ મનાતા યાકુશીમા ટાપુ પર જઈ શકાય. એક હોડીમાં તેને લિફ્ટ મળી એટલે એ યાકુશીમાં પહોંચી.

ટાપુ પર પહોંચ્યા પછી વધુ કપરી સફર શરૃ થઈ. અહીં રહેેતા એક સ્થાનિક પરિવારની મદદથી રશેલે ડૂંગર ચડવાની શરૃઆત કરી. બે દિવસનું હાઈકિંગ એટલે કે ચાલીને ટેકરી ચડયાં પછી એ આખરે મંઝિલે પહોંચી શકી.

અહીં શું જોવા આવી હતી?

એક વૃક્ષ!

વૃક્ષ જોવા કોઈ અહીં સુધી ધક્કો ખાય?

હા!

કેમ?

કેમ કે દેવદારનું એ વૃક્ષ પાંચ હજાર વર્ષથી વધારે જૂનું હતું.

ન્યૂયોર્કથી જાપાન પોતાની બહેનપણીને મળવા આવેલી રશેલને ફોટોગ્રાફી માટે અણદિઠેલી ભોમકાની શોધ હતી. એમાં આ ટાપુ વિશે સાંભળ્યુ એટલે અહીં સુધી પહોંચી હતી. આમ તો ટાપુની ટોચ પર સફર પૂરી થતી હતી, પણ ત્યાં જ રશેલને પોતાની મંજિલ મળી આવી.

રશેલ ઘણા સમયથી પોતાના ફોટોગ્રાફી પ્રોજેક્ટ માટે કોઈ વિષય શોધતી હતી. યાકુશીમા ટાપુ પર પહોંચીનેે દેવદારનું કદાવર વૃક્ષ જોયા પછી રશેલને વિચાર આવ્યો. પૃથ્વી પરના સૌથી જૂના છોડ-વેલાં-વનસ્પતીના ફોટા પાડયા હોય તો? આઈડિયા ગ્રેટ હતો માટે રશેલે તેને 'ધ ઓલ્ડેસ્ટ લિવિંગ થિંગ્સ ઓન ધ વર્લ્ડ' એવું નામ આપીને શરૃ કરી દીધો.

યાકુશીમા ટાપુ પર પહોંચી ગઈ હતી એટલે રશેલે ૫૪ ફીટની ત્રિજ્યા ધરાવતા અને અંદાજે ૩૦૦ ઘન મિટરનું કદ ધરાવતા તથા જાપાની ભાષામાં 'જામોન સુગી' કહેવાતા વૃક્ષના તો ફોટા પાડી લીધા. પરંતુ બીજા જીવંત પદાર્થો શોધવા નીકળી ત્યારે ખબર પડી કે કામ ઘણુ અઘરું છે. દુનિયાના ખૂણે ખૂણે, ક્યાંક પહાડ ઉપર, ક્યાંક રણ વચ્ચે, ક્યાંક પાણીની નીચે તો ક્યાંક જમીન નીચે આવા વૃક્ષ-વેલા-છોડ-સજીવો ફેલાયેલા હતા. રશેલ ત્યાં પહોંચવાનું હતુ.

સૌથી પહેલી મુશ્કેલી વૃક્ષોને ઓળખવાની હતી. રશેલ પોતે વનસ્પતિશાસ્ત્રી નહીં કલાકાર હતી. ફોટા પાડવા તેનું કામ હતું. એટલે કોઈ વૃક્ષ જોઈને તેને ખબર ન પડે કે આ પાંચ વર્ષ જૂનું છે કે પાંચ હજાર! બીજી મુશ્કેલી લિસ્ટની હતી. પૃથ્વી પર લાખો પ્રજાતિના તરૃવરોમાં દરેકની ઉંમર જાણી શકાઈ નથી. એટલે સૌથી જૂનાં વૃક્ષો ક્યા છે અને ક્યાં છે એ શોધવાનું હજુ બાકી છે.

રશલે જોકે એક વાત નક્કી રાખી હતી કે કોઈ પણ પ્રાકૃતિક રચનાની ઓછામાં ઓછી ઊંમર ૨ હજાર વર્ષની હોવી જોઈએ. એટલે કે ૨ હજારથી નાની ઊંમરના છોડ-વેલા-વનસ્પતીને 'સગીર' ગણીને રશેલે બાદ કર્યા હતા. એ પછી જે માહિતી મળી તેના આધારે રશેલે લિસ્ટ બનાવ્યું અને નીકળી પડી દરેક લિવિંગ થિંગ્સની શોધમાં. લિવિંગ થિંગ્સમાં પ્રાણી-પશુ-જીવ-જંતુનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

દક્ષિણ અમેરિકાનું અતકામા રણ પૃથ્વી પરના સૌથી સુક્કા પ્રદેશોમાં સ્થાન ધરાવે છે. ૪૦૦ વર્ષ પછી ત્યાં હમણાં વરસાદ પડયો હતો. એ રણ વળી એન્ડિઝ પર્વતમાળામાં આવેલુ હોવાથી ઊંચાઈ પર પણ છે. રશેલ અહીં અગિયારેક હજાર ફીટની ચઢાઈ કરીને પહોંચી ત્યારે તેના અચરજનો પાર ન રહ્યો. રણમાં કોઈએ શેવાળનો ઢગલો કર્યો હોય એવા ઢગલા પડયાં હતા. ઢગલા જોકે શેવાળની જેમ ફસકી પડેલા ન હતા, પણ હવા ભરેલા ફૂગ્ગા પાથર્યાં હોય એમ એકબીજાને અડકીને ગોઠવાયેલા હતાં.

કોઈ જૂરાસિક કાળનું એ સજીવ હતું, કોઈ પ્રવાહી ઢોળાઈને દસ-બાર ફીટ લાંબા ઢગલા થયા હતા, જમીનમાંથી કોઈ પ્રવાહી નિકળ્યું હતું..  કોઈ ત્યાં જાય કે પછી તેનો ફોટો જૂએ.. આ બધા સવાલો થવા સ્વાભાવિક છે. રશેલે નજીક જઈને જોયું ત્યારે ખબર પડી કે નક્કર ખડક પર લીલાં કલરનું મલમલ ચડાવ્યું હોય એવુ તેનું બંધારણ હતું.

દૂરથી દેખાતો ફૂલાયેલો ફૂગ્ગો 'યારેટા' કહેવાતો ગાજરના કૂળનો છોડ છે. ઉંમર ૩ હજાર વર્ષ કરતાં વધુ. દર વર્ષે દોઢ સેન્ટિમિટર જેટલી તેમાં વૃદ્ધિ થાય. ફણસનું ફળ જેમ એક લાગે પણ અનેક નાની-નાની પેશીને સમુહ છે, એમ યારેટાના છોડવા દૂરથી એક લીલું પડ દેખાય પણ હકીકતે પાસપાસે ખીચોખીચ દબાયેલા અનેક કડક પાંદડા ભેગા થઈને સરપ્રાઈઝિંગ આકારની રચના કરે છે.

અતકામાના રણમાં આવી લીલોતરીનો પાર નથી. માત્ર એન્ડિઝ પર્વતમાળાની ઊંચાઈ પર જોવા મળતાં યારેટાને ઉગવા કે વિકસવા માટે અવિરત પાણીની જરૃર નથી. પ્રવાસીઓ ખાસ અહીં આ છોડવા જોવા આવે છે અને કોઈ કોઈ તેના ઉપર સૂઈને ફોટા પણ પડાવે છે. ફૂલ-છોડ તો નાજૂક પ્રકૃત્તિના હોય, તેને હાથ કારણ વગર હાથ પણ અડાડવો ન જોઈએ. પરંતુ યારેટા ભીમની પાંખીના છોડવા છે. લોકો તેના પર કુદકા મારે તો પણ તેમને કશો ફરક પડતો નથી! એન્ડિઝ પરોહણ કરીને અહીં સુધી પહોંચવાનો રશેલનો શ્રમ સફળ થયો.

રશેલ પાણીથી દૂર રહેવાનું પસંદ કરતી હતી. પણ લિસ્ટમાં જોયુ તો ખબર પડી કે ફોટો પાડવા માટે દરિયામાં ડૂબકી મારવી પડે એમ છે. માટે તેણે સ્કૂબા ડાઈવિંગની તાલીમ લીધી અને પછી પહોંચી વેસ્ટ ઈન્ડિઝ ટાપુ સમુહના ટોબેગો ટાપુ પર. ટોબેગોના દરિયા કાંઠે કોરલ એટલે કે પરવાળાની વિવિધતા જોવા મળે છે.

અહીં કેટલાક પરવાળાનો આકાર માનવનું મગજ કાઢીને પાણીમાં નીચે ગોઠવી દીધું એવી રચના હોવાથી તેને 'બ્રેઈન કોરલ' તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ 'મગજ'નું કદ માનવમગજ કરતાં હજાર-બે હજાર ગણુ મોટું છે. રશેલે ફોટો લીધો એ પરવાળાનો ફેલાવો ૧૮ ફીટમાં પથરાયેલો હતો. ઉંમર ૨ હજાર વર્ષથી વધારે.

આખા જગતમાં જોવા મળતાં પરવાળા અમુક સો વર્ષ કરતાં વધારે જૂના જ હોવાના. કેમ કે પોલિપ કહેવાતા સજીવો એક પછી એક ઉપરાઉપરી પોતાનું શરીર ગોઠવતા જાય અને પરવાળાની રચના કરે એમાં ઘણા વર્ષો નીકળી જાય.

પરસેવે રેબઝેબ થઈ ત્યારે રશેલ આફ્રિકા ખંડના દેશ નામિબિયાના રણમાં પહોંચી શકી. અહીં તેણે કોઈ પરગ્રહી સજીવ જમીન પર મૃત હાલતમાં પડયું હોય એવું દૃશ્ય જોયું. હકીકતે એ 'વેલ્વિશિયા' કહેવાતો છોડ હતો. જમીન પર ઢળી પડયો હોય એવો દેખાતો છોડ માત્ર બે પાંદડાનો જ હોય છે.

૧૮૫૯માં ઓસ્ટ્રિયન પ્રકૃતિશાસ્ત્રી ફ્રેડરીક વેલ્વિશ આ રણપ્રદેશને ધમરોળતા હતા ત્યારે પ્રથમવાર તેમણે છોડને જોયો હતો અને તેનો અભ્યાસ કરી પ્રકૃતિજગત સામે વિગતો મુકી હતી. માટે તેમના નામે છોડ ઓળખાય છે. વચ્ચે તેમાં કંઈ ફળ પણ ઉગે છે. આ પાંદડા ભેજનો સંગ્રહ કરીને બેઠા હોય છે, માટે રણમાં રખડતા સજીવો પાણીની જરૃર પડે ત્યારે પાંદડા ચાવી પાણીની જરૃર પૂરી કરી લે છે.

બે પાંદડે થતો આ છોડ જોકે રણના તોફાનો સામે ટકી રહેવા ડાઉન ટુ અર્થ રહેવાનું પસંદ કરે છે. એટલે છોડ ઉભો વધવાને બદલે આડો પથરાય છે. વળી છોડ ટકી રહે એટલા માટે બે પાંદડાને રિબિન લહેરાતી હોય એવા ભાગોમાં ફેરવી નાખે છે. એ પછી આ છોડને વર્ષો સુધી કોઈ ઉખેડી શકતું નથી. એટલે જ તેનું આયુષ્ય ૨ હજાર વર્ષથી વધુનું નોંધાયુ છે. નામિબિયા સરકારે પોતાના રાષ્ટ્રીય ચિહ્નમાં ફૂલ કે છોડ જે ગણો તેને સ્થાન આપ્યું છે.

જમીન ફળદ્રૂપ કરવામાં મહત્ત્વનો રોલ ભજવતા 'એક્ટિનોબેક્ટેરિયા' સાઈબિરિયાના રણમાં થાય છે. પણ નામ જેનું બેક્ટેરિયા, એ આસાનીથી થોડા જોવા મળે? અત્યંત શક્તિશાળી વૈજ્ઞાાનિક ટેલિસ્કોપ વગર બેક્ટેરિયાના દર્શન શક્ય નથી. એટલુ જ નહીં ધુ્રવ પ્રદેશમાં ધરતીના ઉપલા પડ નીચે 'પર્મફ્રોસ્ટ' કહેવાતું ઠંડું પડ જોવા મળે છે.

એ પડ જ આ બેક્ટેરિયાનું રહેણાંક છે. એટલે કે સાઈબિરિયામાં પણ ઊંડા ઉતયાંર્ વગર આ બેક્ટેરિયાનો પત્તો લાગી શકે નહીં. વળી તેની ઊંમર ૪થી ૬ લાખ વર્ષની હોય છે. એટલે રશેલના પ્રોજેક્ટમાં તેને સ્થાન તો મળ્યું હતું પણ ફોટો ક્યાંથી મેળવવો?

ડેન્માર્કના પાટનગર કોપનહેગનનમાં 'નિલ્સ બોહ્ર ઈન્સ્ટિટયૂટ'માં આ બેક્ટેરિયા સાચવી રખાયા છે, સાઈબિરિયા જેવું જ ઠંડું વાતાવરણ ઉભું કરીને. રશેલ ત્યાં પહોંચી અને ત્યાંથી બેક્ટેરિયાના ફોટા હાંસલ કર્યા.

શ્રીલંકામાં આવેલુ મહાબોધિ વૃક્ષ ૨૩૦૦ વર્ષ જુનું છે. બિહારના બોધગયામાં આવેલા મહાબોધિ વૃક્ષની જ ડાળખી ત્યાં લઈ જઈ તેને ઉગાડાયું હતું. એ વૃક્ષના ફોટા પણ રશેલના કલેક્શનમાં શામેલ છે. કેમ કે અંજીરનું એ વૃક્ષ સૌથી જૂનાં વૃક્ષોમાં જૂનાં વખતથી સ્થાન ધરાવે છે. કોઈ મનુષ્ય દ્વારા રોપવામાં આવેલું હોય એવુ સૌથી જૂનું વૃક્ષ શ્રીલંકાનું મહાબોધિ વૃક્ષ છે.

એવી રીતે સ્વીડનમાં આવેલું ફરનું વૃક્ષ ૯,૫૫૮ વર્ષ જૂનું છે. દૂરથી સુકલકડી દેખાતું વૃક્ષ કોઈ રીતે પાંચ-પંદર વર્ષ કરતાં જૂનુ દેખાવે લાગે નહીં. પણ એ છેક હિમયુગ વખતથી અણનમ ઉભું છે. ડૂંગર પર આવેલાં અને 'ઓલ્ડ ત્જીક્કો' નામે ઓળખાતા એ વૃક્ષની ઊંમર શહસ્ત્રાબ્દી જૂની હોવા છતાં ઊંચાઈ માત્ર ૧૬ ફીટની જ છે!

ડુંગર ઉપરથી નીચે ઉતરીએ તો ભૂમધ્યસાગરના કાંઠે દરિયામાં જોવા મળતું 'દરિયાઈ ઘાસ' ૧ લાખ કરતા વધારે વર્ષથી પાણી સામે ઝીંક જીલી રહ્યું છે. બીજો એવો કાંઠો ઓસ્ટ્રેલિયાનો 'શાર્ક બે' કહેવાતો દરિયાઈ વિસ્તાર છે. છીછરા પાણીમાં ઠેર ઠેર પથ્થર વેરાયેલા એવુ દૃશ્ય અહીં જોવા મળે છે, જે હકીકતે પુરાતન જીવાશ્મો છે. સ્ટ્રોમાટોલાઈટ તરીકે ઓળખાતા આ જીવાશ્મો ૩.૫ કરોડ વર્ષ જૂના છે.

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા શહેર પાસે રસ્તો બાંધવા માટે ખોદકામ ચાલતુ હતું. જમીન પર ફેલાયેલા કેટલાક પાંદડાને સામાન્ય ધારીને ત્યાં પણ બુલડોઝર ફેરવ્યું. પણ જમીન નીચે ખોદકામ આગળ ચાલ્યું એમ રહસ્ય બહાર આવતું ગયું. હકીકત એવી હતી કે સુક્કી ભઠ્ઠ જમીન પર ઉપર પાણી કે ભીનાશ ન મળે. એટલા માટે બાઓબાબના વૃક્ષો જમીન નીચે ઊંધા વિકસ્યા હતા.

મતલબ એમ થયો કે જમીન બહાર દેખાતા પાંદડા હકીકતે વૃક્ષના મૂળિયા હતાં! બાઓબાબના વૃક્ષો હજારો વર્ષના આયુષ્ય માટે જાણીતા છે. રશેલે ફોટો પાડયો, એ વૃક્ષ એટલે કે બહાર દેખાતા તેના મૂળિયા ૧૩૦૦૦ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. રસ્તા કાંઠે જોવા મળતાં વડલા-પીપળાં જેવો દેખાવ જમીન નીચે ઊગેલા બાઓબાબનો નહીં હોય, તો પણ જમીન નીચે એ પૂર્ણ કદના વૃક્ષ તરીકે વિકસે જ છે.

આપણને આ બધા સજીવોનું આયુષ્ય ખુબ મોટું લાગે કેમ કે માનવ તરીકે આપણે ૮૦-૧૦૦ વર્ષ જીવવા ટેવાયેલા છીએ. પણ કુદરતે વિવિધ સજીવોને જીંદગીની લંબાઈનું વૈવિધ્ય આપ્યું છે. માટે કોઈ સજીવો હજાર વર્ષે હજુ યુવાન ન થયા હોય એમ પણ બને!

રશેલને આ શોધયાત્રામાં ક્યાંક પરવળાની અણીદાર ધારથી ઈજા થઈ, ક્યાંક કાંડુ તૂટયુું, પાણીનો ભય લાગતો હોવા છતાં ડૂબકી મારવાની તાલીમ લીધી અને પછી એકલી પાણીમાં પણ ઉતરી, જગતના સૌથી લાંબા હાઈ-વે પાન અમેરિકા પર સફર કરવી પડી, રણની રેતી ખૂંદવી પડી તો વળી દક્ષિણ અમેરિકા ખંડના છેડે તોફાની એટલાન્ટિ મહાસાગરમાંથી નીકળવું પડયું.. એ સિવાય તો આવુ કામ ક્યાંથી પાર પડે?

રશેલ દરેક ફોટોગ્રાફી પહેલા અને પછી જીવશાસ્ત્રીઓ સાથે સંપર્કમાં રહેતી હતી. જેથી તેણે પાડયા એ ફોટા બરાબર જ છે કે કેમ તેની ખાતરી થઈ શકે. વળી જે-તે છોડની વૈજ્ઞાાનિક માહિતી પણ મળી શકે. તેણે કુલ મળીને ૨૦ જીવંત પદાર્થોના ફોટા ભેગા કર્યા છે અને પછી પુસ્તકરૃપે પ્રગટ કર્યાં છે.

પૃથ્વી પરના દરેક સજીવનું મોત નક્કી જ છે. પણ કેટલાક સજીવો આયુષ્ય જરા વધારે લાંબું ખેેંચી નાખે છે. આ બધા એવા સજીવો છે. રશેલે ભેગા કર્યા એ દરેક છોડ-વેલા એવા સ્થળે છે, જ્યાં મનુષ્યો માટે પહોંચવુ અત્યંત મુશ્કેલ છે અને મુશ્કેલ છે એટલા માટે જ આ બધા લિવિંગ થિંગ્સ સલામત છે!
 

Post Comments