Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમયાંતર- લલિત ખંભાયતા

ગુજરાતી રાજાએ કઈ રીતે અમેરિકામાં પક્ષીપ્રેમ વિકસાવ્યો?

૧૨ નવેમ્બર નેશનલ બર્ડ ડે

સલીમ અલી : ધ બર્ડમેન ઓફ ઈન્ડિયા

પક્ષીનો અભ્યાસ અને પક્ષીઓ વિશેની નોંધ કરવી.. એવો તે વળી કંઈ શોખ હોતા હશે? એવી માનસિકતાને કારણે ભારતમાં બર્ડ-વૉચિંગ કે પછી પક્ષીઓનો અભ્યાસ (ઑર્નિથોલોજી)ની શાખાઓ ખાસ વિકસી ન હતી ત્યારે સલીમ અલીએ પક્ષીઓમાં રસ લેવાની શરૃઆત કરી હતી. ૧૮૯૬માં જન્મેલા સલીમ અલીએ પોતાની આખી જિંદગી પક્ષીઓના અભ્યાસ, વર્ગીકરણ, નમૂના એકઠા કરવા, કૂળ-મૂળની શોધ કરવી વગેરેમાં પસાર કરી હતી.

ભારતના કેટલાક મહત્ત્વપૂર્ણ પક્ષી અભયારણ્યો પણ તેમણે જ શોધી કાઢ્યા હતા. માટે હવે તેઓ 'બર્ડમેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખાય છે અને તેમનો જન્મદિવસ ૧૨મી નવેમ્બર 'રાષ્ટ્રીય પક્ષી દિવસ' તરીકે ઉજવાય છે.

ભાવનગર રાજમાં એક એવા પક્ષીવિદ્ હતા, જેમની પક્ષીઓ અંગેની જાણકારીએ તેમને દેશ-પરદેશમાં પ્રસિદ્ધિ અપાવી હતી. આજે પક્ષી દિવસે વાત કરીએ રાજ-ઘરાનાના પક્ષી-પ્રેમની..

સૌરાષ્ટ્ર રાજ્ય હતું એ વખતની વાત છે. આઝાદી પહેલાના એ સમયમાં સૌરાષ્ટ્ર રાજ્યના કોઈ પ્રકૃત્તિ-પ્રેમી મંત્રીએ 'સંયુક્ત રાષ્ટ્રસંઘ'ને પત્ર લખ્યો. પત્રમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ પાસેથી પક્ષી-સર્વે માટે મદદ માંગવામાં આવી હતી.

પત્રમાં લખાયુ હતું કે 'સૌરાષ્ટ્ર રાજ્ય પોતાના પ્રાંતમાં પક્ષીની નોંધણી-સર્વે કરવા માંગે છે. તો આપ મહેરબાની કરીને કોઈ આંતરરાષ્ટ્રીય પક્ષી નિષ્ણાતના નામ અમને આપો, જેની મદદ લઈને અમે કામગીરી કરી શકીએ.' સૌરાષ્ટ્ર રાજ્યનો ઈરાદો બહુ સારો હતો, પણ તૈયારી અધુરી હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘે વળતો જવાબ લખ્યો અને તેમાં કહ્યું કે આ કામના એક નિષ્ણાત ત્યાં તમારી પાસે એટલે કે સૌરાષ્ટ્રમાં જ છે. એનું નામ છે, ધર્મકુમારસિંહ ભાવસિંહ ગોહિલ! ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહના એ નાના ભાઈ.

પછી તો સૌરાષ્ટ્ર રાજ્યએ ધર્મકુમારસિંહનો સંપર્ક કર્યો અને ધર્મકુમારે એ કામ કરી પણ દીધું. એટલે જ આપણને 'બર્ડ્સ ઓફ સૌરાષ્ટ્ર' જેવું પુસ્તક છેક એ જમાનામાં પ્રાપ્ત થયું હતું. ભાવનગરના વિદ્વાન ગંભીરસિંહ ગોહિલે લખેલા અભ્યાસપૂર્ણ પુસ્તક 'પ્રજાવત્સલ રાજવી'માં આ પ્રસંગ ટાંક્યો છે, જેમાંથી ધર્મકુમારનો પક્ષીપ્રેમ અને પક્ષી અંગેની વિદ્વતા જાહેર થાય છે.

ચીન અને રશિયા વચ્ચે આવેલો નાનકડો દેશ મોંગોલિયા હજુ સુધી બાજ સાથે રાખીને શિકાર કરવાની કળા સાચવીને બેઠો છે. 'બાજદારી (ફાલ્કનરી)' નામે ઓળખાતી એ પ્રથા રાજાશાહી યુગમાં ભારતમાં પણ હતી. બાજ પક્ષી મૂભળૂત રીતે શિકારી વૃત્તિ ધરાવે છે. તેને પાળવામાં આવે તો એ શિકાર પણ કરી આપે. ભાવનગર મહારાજ પોતે કૃૃષ્ણકુમાર બાજદારીના શોખીન હતા.

બીજા મહારાજાઓની જેમ શિકારના પણ શોખીન હતા. ઘણા નિર્દોષ સજીવોને તેમણે પણ માર્યા હશે. પરંતુ પછીથી મહારાજા કૃષ્ણકુમારે શિકારને પડતો મુકીને ચિત્તેવાની, બાજદારી, પક્ષીઉછેર જેવા વિવિધ શોખ વિકસાવ્યા હતા. બ્રિટનમાં ભણતી વખતે જ કૃષ્ણકુમાર અને તેમના અનુજ ધર્મકુમારનો પ્રકૃત્તિ પ્રેમ વિકસ્યો હતો.

પ્રકૃતિ અને પર્યાવરણની ભગવદ્ગીતા ગણાતુ 'નેશનલ જ્યોગ્રાફિક' સામયિક એ વખતે મહારાજા અને ધર્મકુમાર વાંચતા હતા. સામયિકમાં એક લેખ હતો, જેમાં અમેરિકાના બે જોડીયા ભાઈઓ જહોન ક્રેગહેડ અને ફ્રેન્ક ક્રેગહેડના બાજ-પ્રેમની વાત હતી. ધર્મકુમારે એ લેખ વાંચી બન્ને ભાઈઓ સાથે પત્ર-વ્યવહાર શરૃ કર્યો અને જાણકારી આપી કે અહીં બાજદારી પૂરબહારમાં ખીલી છે.

ધીમે ધીમે મિત્ર બન્યા અને પછી તો ક્રેગહેડ બંધુઓને ભાવનગર રાજનું આમંત્રણ મળ્યું. એ મુલાકાત અને મૈત્રીનું પરિણામ એ આવ્યુ કે અમેરિકામાં બાજદારીનો શોખ જે સાવ પ્રાથમિક તબક્કામાં હતો એ વિકસ્યો. કેમ કે ક્રેગહેડ બંધુ જ્યારે પરત પહોંચ્યા ત્યારે તેમણે 'લાઈફ વિથ અન ઈન્ડિયન પ્રિન્સ' નામે પુસ્તક લખ્યું. જેમાં બાજદારીના શોખનું સચિત્ર વર્ણન હતું.

ધર્મકુમારે ક્રેગહેડ બંધુઓને પછી કહ્યું હતું કે તમારે મને રાજા-મહારાજા કહેવાની જરૃર નથી, બાપા કહેશો તો ચાલશે. કેમ કે ભાવનગરમાં તેઓ બાપા નામે જ વધારે જાણીતા હતા. બન્ને ભાઈઓ અહીં ઘણો સમય રહ્યા, ભારતીય પરંપરાનો અભ્યાસ કર્યો, ગુજરાતી રાજવીની મહેમાનગતી માણી,

ગુજરાતના ગામડા ફર્યાં, દેશી પોશાક પણ અપનાવી લીધો. ભારતમાં રાજા-મહારાજા મોજમજા માટે નિર્દોષ સજીવોનો શિકાર કરતાં હતા એ શોખ આ બન્ને ભાઈઓને ગમ્યો ન હતો. પણ સામે પક્ષે તેમને હિન્દ પ્રવાસ દરમિયાન બીજી ઘણી નવી રીત-ભાત જાણવા મળતી હતી.

બાજદારી હવે ભારતમાં લોકપ્રિય રહી નથી. એ મોગલકાળની રમત હતી, રાજાશાહી સાથે ખતમ થઈ. પરંતુ ભારતના છેલ્લા મહાન બાજદાર ગણાતા મક્કેખાં ભાવનગર રાજ પાસે હતા. ૧૯૬૮માં ૯૦ વર્ષની ઉંમરે અવસાન પામેલા મક્કેખાં ૧૯ વર્ષના હતા ત્યારથી ગોહિલવાડમાં બાજદારી કરતાં હતા. પંજાબના કપુરથલાના વતની મક્કેખાંનુ મૂળ નામ તો મુબારકખાન ફતેહખાન પઠાણ, પણ મક્કેખાં તરીકે લોકજીભે જાણીતા થઈ ગયા હતા. તેમની સાથે રહીને જ ભાવનગર રાજનો બાજ-પાલન શોખ વિકસ્યો હતો.

અમેરિકી ક્રેગહેડ બંધુ મક્કેખાં અને તેમના દીકરા ગુલામહુસૈન સાથે રહીને બાજદારી પૂરેપૂરી શીખીને અમેરિકા ગયા હતા. એ વખતે તો વિશ્વયુદ્ધ ચાલતુ હતું. એટલે બન્ને નૌકાદળમાં જોડાયા હતા. પણ યુદ્ધ પુરું થયુ, શાંતિકાળ શરૃ થયો એ વખતે ક્રેગહેડ ભાઈઓ પોતાના મૂળ શોખ તરફ પાછા ફર્યા. બાજદારી અંગેના પોતાના અનુભવો નિયમિત રીતે તેઓ નેશનલ જ્યોગ્રાફિકમાં લખતા રહેતા હતા. માટે પ્રકૃત્તિપ્રેમીઓમાં એ વાત ફેલાવા લાગી અને બાજદારીનો શોખ પણ ફેલાતો ગયો.

બન્નેએ મળીને ફાલ્કનરીની સંસ્થાઓ શરૃ કરી. પરિણામે અમેરિકામાં ફાલ્કનરીને પ્રસિદ્ધિ મળી. અમેરિકામાં મળી એટલે બીજા કેટલાક દેશોમાં પણ એ શોખ ફરીથી સજીવન થયો. એ રીતે ભાવનગરના રાજવી ધર્મકુમારને કારણે બાજદારીનો ફેલાવો વધતો ગયો.

બીજી તરફ કાળક્રમે ક્રેગહેડ બેલડી માત્ર અમેરિકાના જ નહીં જગતના જાણીતા પર્યાવરણવિદ્ ગણાયા. અમેરિકાનો જંગલ અને નદીના સંરક્ષણ અંગેનો ૧૯૬૮માં પસાર થયેલો કાયદો પણ આ બન્ને ભાઈઓએ જ તૈયાર કર્યો હતો. બે પૈકીના જોન ક્રેગહેડનું તો હમણાં ૨૦૧૬માં ૧૦૦ વર્ષની ઊંમરે અવસાન થયુ. ફ્રેન્કનું અગાઉ ૨૦૦૧માં ૮૫ વર્ષની વયે અવસાન થયુ હતુ.


ક્રેગહેડ બંધુઓએ બાપા એટલે કે ધર્મકુમારની આવડત વિશે પોતાના પુસ્તકમાં લખ્યું છે. બાજ એ કંઈ કબુતર કે ચકલી જેવુ આંગણે આવીને રહેનારું પક્ષી નથી. એ શિકારી છે, માટે પહેલા તો કોઈના તાબામાં આવવાનું પસંદ ન કરે. અને ત્યાં જ બાજદારીની કળાની જરૃર પડે. એ આવડત ધર્મકુમારસિંહમાં હતી. બાજને બોલાવવું, ક્યારે ક્યાંથી પકડવું, ક્યારે ભોજન આપવું, ક્યારે ક્યા શબ્દ વડે સૂચના આપવી, ક્યારે ઈશારાથી સમજાવવું વગેરે કામગીરીમાં બાપા માસ્ટર હતા.

જેમ કે બાજના પેટને સ્પર્શ કરીને તેઓ જાણી લેતા કે આ બાજ શિકારી પર તરાપ મારવા માટે સ્ફૂર્તિ સાથે તૈયાર છે કે અત્યારે તેને આળસ ચડેલી છે? ભારતમાં બાજદારી અને પક્ષીપ્રેમના વિકાસમાં ધર્મકુમારનો મહત્ત્વનો રોલ હતો એમ કહીએ તો કંઈ ખોટું નથી.

તેમણે તૈયાર કરેલું અને ૬૦૦થી વધુ પાનામાં ફેલાયેલું પુસ્તક 'બર્ડ્સ ઓફ સૌરાષ્ટ્ર' જ તેમનો પક્ષીપ્રેમ અને પક્ષી-સંરક્ષણમાં ધર્મકુમારનું મહત્ત્વ સાબિત કરી આપે છે. બે દાયકા સુધી ગીર, સૌરાષ્ટ્રની ધરા પગતળે કરી એકેએક પક્ષીનો અભ્યાસ કરી ધર્મકુમારે નોંધ કરી હતી. તેના આધારે ૧૯૫૫માં આ ગ્રંથ પ્રગટ થયો હતો. એ પુસ્તક પછી તો તેમની પક્ષીવિદ્ તરીકેની ખ્યાતિ સર્વત્ર ફેલાઈ ગઈ.

જે લોકો તેમને માત્ર મહારાજાના નાના ભાઈ તરીકે ઓળખતા હતા, એ બધા પક્ષીપ્રેમી તરીકે પણ જોતાં થયાં. એ પછી તો એકલુ સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબના પક્ષીઓનો અભ્યાસ પણ સરકારે તેમને સોંપ્યો હતો. લેસર ફ્લેમિંગો (ખડમોર) કે ઘોરાડ આજે બચી શક્યા છે, તેની પાછળ ધર્મકુમારના સંરક્ષણ પ્રયાસો છૂપાયેલા છે.

અભ્યાસ દરમિયાન તેમને ઘણા નવા પક્ષી પણ જોવા મળતા હતા. જેમ કે એક પક્ષીનું નામ તેમણે આપ્યુ હતુ : 'ભાવનગરનો રેતાળ ચંડુલ (ભાવનગર્સ સેન્ડ લાર્ક)'. કેમ કે આ પક્ષી અગાઉ બીજે ક્યાંય જોવા મળ્યું ન હતું. માટે ધર્મકુમારે નોંધ કરી હતી કે આ પક્ષીની પેટાજાતી અહીં જોવા મળે છે અને તે મારા ધ્યાને આવી છે. એટલે કે તેમણે શોધી કાઢી છે. પક્ષીપ્રેમ સાથે અચૂક હોય એવો ફોટોગ્રાફીનો શોખ તેમને હતો, તો વળી ચિત્રકામ પણ કરતા હતા.

પક્ષી અભ્યાસુઓ સાથે સંકળાયેલી મોટી સમસ્યા તેમના નામ અંગેની છે. અંગ્રેજીમાં નામ તો બહુ વિચિત્ર અને ક્યારેક લાંબા હોય. તેનું યોગ્ય ગુજરાતીકરણ થવું જોઈએ. ધર્મકુમારે પોતાના અભ્યાસ દરમિયાન લગભગ ૩૦૦થી વધુ પક્ષીઓના ગુજરાતી નામ શોધી કાઢ્યા હતા. પ્રણાલી પ્રમાણે કોઈ પક્ષીવિદ્ નવી પ્રજાતિ શોધી કાઢે તો તેની સાથે પોતાનું નામ જોડી શકે છે. માટે ચંડુલની એક પેટાજાતીનું નામ બન્ને ભાઈઓના નામે Calandrella Raytal Krishnakumarsinhji Vaurie and Dharmkumarsihji તરીકે ઓળખાય છે!

ધર્મકુમારસિંહે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલને બર્ડ ઓફ સૌરાષ્ટ્રની નકલ મોકલાવી હતી. એ જોઈને જવાહરલાલે વળતો પત્ર લખ્યો હતો : 'તમારો આ ગ્રંથ રસપ્રદ છે. મારા કરતાં પણ તેમાં મારી દીકરી (ઈન્દિરા)ને વધુ રસ પડશે. કેમ કે ઈન્દિરાને પ્રકૃત્તિના અભ્યાસમાં વધુ રસ છે..' વર્ષો પછી ઈન્દિરા ગાંધી સત્તા પર આવ્યા ત્યારે તેમણે વાઈલ્ડલાઈફ બોર્ડમાં ધર્મકુમારસિંહનો સમાવેશ કરી તેમની વિદ્વતાનો ઉપયોગ કર્યો હતો.

હવે તો દર પાંચ વર્ષે સિંહની ગણતરી થાય છે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો રહે છે. પરંતુ શરૃઆતમાં સિંહોની ગણતરી કરવાની પદ્ધતિ ધર્મકુમારસિંહે શોધી હતી. તેના કારણે જ સરકાર પદ્ધતિસર રીતે સિંહોની ગણતરી કરી શકી હતી. પછી તો એ રીત-ભાતનો ઉપયોગ કરીને વાઘની વસતી પણ ગણવામાં આવી હતી.

રાજા કૃષ્ણકુમાર પોતે પણ પ્રાણી-પક્ષીના એટલા જ જાણકાર હતા. પરંતુ તેમની પાસે રાજ-વહિવટનું કામકાજ પણ હોય એટલે કદાચ ધર્મકુમાર જેટલો સમય આપી શકતા ન હતા.

પ્રજાવત્સલ રાજવી પ્રાણીવત્સલ પણ હતા. એટલે શિકારી પ્રવૃત્તિ ઓછી કરતા હતા. પણ એક દિવસ કોઈએ જોયુ કે મહારાજા કૃષ્ણકુમાર તો કબુતરનો શિકાર કરે છે. એટલે લોકચર્ચા ચાલી કે મહારાજા ઉઠીને આવું કૃત્ય કરે એ કેમ ચાલે?

કબુતર જેવા ગરીબડાં પક્ષીને મારવાનો શો લાભ? પણ પછી કોઈએ સમજાવ્યું કે મહારાજા જેને ગોળીએ દે છે એ કબુતર નથી, 'ક્લે પિજિઅન' છે. એટલે કે કબુતર જેવા આકારનું દેખાતુ રમકડું છે. એ હવામાં ઉછાળી તેના પર નિશાનેબાજીની પ્રેક્ટિસ કરવાની હોય. એ કોઈ જીવંત વસ્તુ નથી.

હવે તો ક્લે પિજિઅન એ આંતરરાષ્ટ્રીય રમત બની ગઈ છે અને નિશાનેબાજો તેમાં ભાગ લઈ આવડત સાબિત કરતાં રહે છે. બીજી તરફ એ પણ હકીકત છે કે ખેતરમાં મૌલાત ચરી જતા ભૂંડ-રોઝ-હરણ વગેરેને કાબુમાં ન લેવાય તો વળી એ ખેડૂતોનું મોટું નુકસાન કરી નાખતા હતા. માટે ખેડૂતો જ ઘણી વખત રાજાને મૃગયા ખેલવા વિનંતી કરતા હતા.

કંચનરાય દેસાઈ ભાવનગર રાજમાં પક્ષીનિષ્ણાત હતા. કૃષ્ણકુમાર અને ધર્મકુમાર બન્ને કંચનરાયની સોબત કરતા હતા. કંચનરાય પ્રકૃત્તિ પ્રેમી હતા. પરંતુ સમય જતાં સ્થિતિ એવી સર્જાઈ કે કંચનરાય કરતા પણ બાપા પક્ષીઓની ઓળખમાં વધારે વિદ્વાન થઈ ગયા.

એટલે સાંજના સમયે બતકના શિકારે જાય ત્યારે બાપા કંચનરાયને બતક વિશે જાત-જાતના સવાલો પૂછતા અને તેમની જાણકારીની કસોટી કરતાં હતા. કંચનરાયે અનેક શિકારકથાઓ અને ભાવનગર સાથેના પોતાના અનુભવો પોતાના પુસ્તકો 'શ્રેષ્ઠ શિકારકથાઓ' અને 'કુદરતની કેડીએ'માં વિગતવાર નોંધ્યા છે. એ પુસ્તકોમાં પણ કૃષ્ણકુમાર-ધર્મકુમારનો પ્રકૃત્તિપ્રેમ અને જાણકારી દેખાઈ આવે છે.

૨૦૧૭ એ ધર્મકુમારનું જન્મશતાબ્દી વર્ષ પણ છે. મહારાજા ભાવસિંહ (બીજા) અને મહારાણી નંદકુંવરબાના તેઓ ત્રીજા પુત્ર હતા. એટલે તેમને યાદ કરવાનો (અને તેમના પ્રદાનને ન ભૂલવાનો) આ બેવડો અવસર છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments