Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમયાંતર- લલિત ખંભાયતા

કર્નલ પેત્રોવે કઈ રીતે દુનિયાને અણુયુદ્ધથી બચાવી?

૨૦૧૪માં પેત્રોવ પર ડોક્યુમેન્ટ્રી બની, ધ મેન વ્હુ..

થોડા સમય પહેલા મૃત જાહેર કરાયેલા રશિયન અધિકારી સ્તાનિસ્લાવ પેત્રોવે નિયમનો ભંગ કર્યો હતો.. એ માટે આમ તો સજા થવી જોઈએ પણ આખી દુનિયાએ એ પછી તેમનુ સન્માન કર્યું..

૨૬ સપ્ટેમ્બર, ૧૯૮૩ મધરાતનો સમય હતો.

રશિયાના પાટનર મૉસ્કોથી ૩૫ કિલોમીટર દૂર આવેલા લશ્કરી મથક 'સેર્પુખોવ-૧૫'માં કર્મચારીઓ પોતાની રોજિંદી કામગીરી કરતા હતા. એ મથકમાં રશિયાએ 'મિસાઈલ વૉર્નિંગ સિસ્ટમ' ગોઠવી રાખી હતી.

એ રાતે વૉર્નિંગ મથકના ઈન્ચાર્જ લેફ્ટનન્ટ કર્નલ સ્તાનિસ્લાવ પેત્રોવ હતા. લશ્કરી કાયદા આખી દુનિયામાં કડક હોય છે. એમાં પણ રશિયાના તો અત્યંત કડક હતા. કોઈ અધિકારી આદેશનું પાલન ન કરે કે સરકારી ધારા-ધોરણનું પાલન કરવામાં જરા પણ ચૂકે તો ફાંસીનો માચડો તેમની રાહ જ જોતો હોય છે. એ વાત બરાબર જાણતા ૪૪ વર્ષના કર્નલે સરકારી માર્ગદર્શિકાનું પાલન ન કર્યું. એમ કરવામાં તેમની નોકરી અને જીવ બધુ જઈ શકે એમ હતું. છતાં પણ કર્નલ પેત્રોવ પોતાના અંતરાત્માના અવાજને વળગી રહ્યાં.

કોઈનું જીવન બચાવવા માટે બોલાયેલુ અસત્ય, અસત્ય નથી ગણાતુ એવી ઘટના જ ત્યારે કર્નલ પેત્રોવ સાથે બની હતી. જો તેમણે લશ્કરી કોડ-બૂકનું પાલન કર્યું હોત તો આખુ જગત ગણતરીની કલાકોમાં પરમાણુ યુદ્ધનું સાક્ષી બન્યું હોત.

પણ કર્નલ પેત્રોવે પોતાની અક્કલ વાપરી અને દુનિયાને અકારણ યુદ્ધ કરતા અટકાવી દીધી. છેક મે મહિનામાં ૭૭ વર્ષની વયે મૃત્યુ પામેલા કર્નલ પેત્રોવના મોતની રશિયન સરકારે સપ્ટેમ્બરમાં જાહેરાત કરી. ત્યારે ખબર પડી કે 'ધ મેન વ્હુ સેવ ધ વર્લ્ડ' તરીકે ઓળખાતા પેત્રોવ હવે નથી રહ્યાં. પણ એમનું પરાક્રમ દુનિયા ક્યારેય ભુલી નહીં શકે!

એ વખત જ્યારે રશિયા અને અમેરિકા વચ્ચે આજના જેવી મૈત્રી ન હતી. દુશ્મનાવટ હતી અને દુશ્મનાવટ આખી દુનિયામાં 'કોલ્ડવૉર' તરીકે ઓળખાતી હતી. બન્ને દેશો આડકતરી રીતે એકબીજાને પાડી દેવા માટે સતત સક્રીય રહેતા હતા.

બીજા વિશ્વયુદ્ધ પછી સામ્યવાદ ચડે કે મૂડીવાદ એ પ્રશ્ન સોવિયેત સંઘ રશિયા(યુએસએસઆર) અને અમેરિકા વચ્ચેની દુશ્મનીમાં ફેરવાઈ ગયો હતો. રશિયાને સામ્યવાદમાં રસ હતો, અમેરિકાને મૂડીવાદમાં. બન્ને દેશો પોતાના વાદમાં વધુમાં વધુ દેશો માનતા થાય એટલા માટે સામ-દામ-દંડ-ભેદના વાદે ચડી ગયા હતા.

૧૯૬૩માં તો રશિયા અને અમેરિકા ક્યુબાના મુદ્દે અણુયુદ્ધની તૈયારીમાં આવી પહોંચ્યા હતા. બન્ને દેશની પરમાણુ સબમરિન અને મિસાઈલો સામસામી ગોઠવાઈ ચૂકી હતી. એવામાં છેલ્લી ઘડીએ મામલો શાંત પડી જતા બન્ને દેશો ઠરીઠામ થયા હતા. પણ એ શાંતિ ક્યાં સુધી ચાલે?

રશિયા અને અમેરિકા બન્નેને એકબીજા પર રતીભાર પણ ભરોસો ન હતો. બન્ને દેશો પાસે પૃથ્વીનો અનેક વખત નાશ કરી શકાય એટલા પરમાણુ શસ્ત્રો હતા (ઘણા શસ્ત્રોનો નાશ કર્યા પછી આજે પણ અઢળક શસ્ત્રો છે જ).

એટલે એ સંજોગોમાં પહેલો ઘા રાણાનો સાબિત થાય એમ હતો. એવુ ન થાય એટલા માટે રશિયા-અમેરિકા બન્ને પોતાનું સૈન્યબળ, જાસૂસી જાળ અને સત્તાવ્યાપ સતત વધારતા જતા હતા. ભારત-પાકિસ્તાનને કાશ્મીર સમસ્યા શાંતિથી ઉકેલવી જોઈએ એવી સલાહ આપનારા રશિયા અને અમેરિકાએ પોતાના પરમાણુ આયુધો 'સ્ટેન્ડ ટુ' રાખ્યા હતા. એટલે કે આદેશ મળે તેની મિનિટોમાં હુમલો થઈ શકે એમ હતો (સામાન્ય રીતે પરમાણુ પ્રહારની તૈયારી કરવામાં કલાકો નીકળી જતાં હોય છે, કેમ કે એ શસ્ત્રો કોઈ દેશો રેડી ટુ એટેકની સ્થિતિમાં રાખતા નથી).

આકાશમાં કંઈ પણ અજાણ્યુ ઉડતું દેખાય તો રશિયાને એવુ લાગતું કે એ અમેરિકાનું મિસાઈલ હશે અને અમેરિકાને એમ થતું કે એ રશિયાનું ફાઈટર જેટ હશે! માટે બન્ને દેશોએ એકબીજા પર વૉચ રાખવા એલર્ટ સિસ્ટમ ગોઠવી હતી.

'સેર્પુખોવ-૧૫' એવી જ એક એલર્ટ સિસ્ટમ હતી. એ સિસ્ટમ રશિયાના જાસૂસી ઉપગ્રહો સાથે જોડાયેલી હતી. ગોઠવણી ઓટોમેટિક હતી. કોઈ મિસાઈલ રશિયા તરફ આવતું દેખાય તો તેની જાણ ઉપગ્રહોને થાય, ઉપગ્રહો એ જાણકારી વૉર્નિંગ સિસ્ટમ સુધી પહોંચાડે, વૉર્નિંગ સિસ્ટમ ધણધણી ઉઠે અને ત્યાં રહેલા લશ્કરી અધિકારી એ પછીની કાર્યવાહી શરૃ કરે. એ રાતે લશ્કરી અધિકારી તરીકે કર્નલ પેત્રોવ હતા.

લશ્કરે નક્કી કરેલા નિયમો-નીતિ પ્રમાણે વધુમાં વધુ ૧૫ મિનિટમાં હાજર અધિકારીએ ઉપરી અધિકારીને જાણ કરવી રહી. કેમ કે અમેરિકી મિસાઈલ પ્રહાર કરવા દડબડ દડબડ કરતું આવતું હોય ત્યારે ચૂપ રહેવું કેમ પોસાય? ધરતી નીચે પથરાયેલા સિક્રેટ બન્કર સેર્પુખોવની એલાર્મ ઘંટડી રાતે ૩ વાગે વાગી. રેડારની સ્ક્રીનમાં કોઈ મિસાઈલ આવતુ હોવાનું નોંધાયુ હતું. મિસાઈલ દૂર હોય ત્યારે તેના આગમનની જાણકારી ઉપગ્રહ સાથે જોડાયેલા રેડાર દ્વારા જ મળી શકે.

પેત્રોવે જોયું કે રેડારની માહિતી પ્રમાણે અમેરિકાના મિસાઈલો મૉસ્કો તરફ આવી રહ્યા છે. એક નહીં, બે નહીં.. પાંચ બેલાસ્ટિક મિસાઈલ અમેરિકાએ મધરાતે મૉસ્કો તરફ રવાના કરી દીધા છે. મૉસ્કોમાં રશિયાના સત્તાધિશો નિંદર માણતા હોય ત્યારે જ મિસાઈલ ત્રાટકે અને ગણતરીની મિનિટોમાં ખેલ ખતમ કરી નાખે.

રશિયાના પાટનગર પર હુમલો થાય એટલે રશિયાને મોટો આઘાત લાગે, રશિયા કદાચ વળતો પ્રહાર કરવાની સ્થિતમાં પણ ન રહે. અલબત્ત, આવી સ્થિતિ સર્જાઈ શકે, હજુુ સુધી સર્જાઈ ન હતી. એવી સ્થિતિ ન સર્જાય એટલા માટે તો એલાર્મ ગોઠવાયું હતું.

રશિયા-અમેરિકા વચ્ચે સબંધોમાં ઉતાર-ચડાવ આવતો રહેતો હતો. ત્યારે સ્થિતિ તંગ હતી એટલે કે સબંધોમાં ઉતાર આવેલો હતો. હજુ ૩ અઠવાડિયા પહેલા જ ૧લી સપ્ટેમ્બર (૧૯૮૩)ના દિવસે રશિયાએ પોતાના આકાશમાંથી પસાર થઈ રહેલું દક્ષિણ કોરિયાનું વિમાન (અમેરિકા વતી જાસૂસી કરતું હોવાની શંકાએ)તોડી પાડયું હતું.

૧ ભારતીય સહિત વિમાનમાં રહેલા તમામ ૨૬૯ મુસાફરો-ક્રૂ મેમ્બર માર્યા ગયા હતા. એ વિમાન ન્યૂયોર્કથી સેઉલ જઈ રહ્યું હતું. કોઈ વાંક વગર રશિયાએ તેને આંટી દીધું હતું. એ સંજોગોમાં રશિયા પર આખી દુનિયાને રોષ હતો, અમેરિકાને તો દુશ્મની નિભાવવાની હતી. માટે એ રશિયા પર મિસાઈલ પ્રહાર ન કરે તો જ નવાઈ..

બસ એટલે જ અમેરિકાએ 'મિનટમેન' પ્રકારના પાંચ આંતરખંડિય (એક ખંડથી બીજા ખંડ સુધી હુમલો કરી શકે એવા) મિસાઈલો રવાના કરી દીધા હતા. કન્ટ્રોલ મથકમાં સૌ કોઈએ માની લીધું કે ૧૯૪૫ વખતથી ચાલી આવેલી વિશ્વશાંતિનો ભંગ થવાને હવે ગણતરીની મિનિટો બાકી છે.

મધરાતે ખુરશીમાં બેસીને રેડારની સ્ક્રીન તાકી રહેલા સૌ અધિકારીઓ ખુરશીમાંથી ઉભા થઈ ચૂક્યા હતા. પેત્રોવના એક હાથમાં ઈન્ટરકોમનું રિસિવર હતું, બીજો હાથ ઉપરી અધિકારીને જાણ કરી શકતા લાલ ફોનના રિસિવર સુધી પહોંચ્યો હતો. સ્થિતિ એવી હતી કે વધુ સમય બગાડયા વગર વાત છેક રશિયાના પ્રમુખ યુરી એન્દ્રોપોવ સુધી પહોંચવી જોઈએ.

'જટ કરો..', 'જટ કરો..' પેત્રોવને સાથીદારો સૂચના આપી રહ્યાં હતા, પણ પેત્રોવના મનમાં કંઈ કેટલાય વૈચારિક મિસાઈલો છૂટી ગયા હતા.

મિનિટો ગણાઈ રહી હતી. જો વધુ વાર થાય તો ઘણુ ન થવાનું થઈ શકે. એ સંજોગોમાં પેત્રોવે દીમાગ શાંત રાખ્યું અને ઉતાવળે કોઈ પગલું ભરવાને બદલે એવુ તારણ કાઢ્યું કે આ એલાર્મ ખોટું છે. એટલે કે અમેરિકાએ કોઈ મિસાઈલ છોડી નથી, મિસાઈલ આવતી નથી માટે વળતો હુમલો કરવાનો કે મિસાઈલને રોકવાનો પણ કોઈ સવાલ ઉભો થતો નથી. માટે ઉપરી અધિકારીને પણ જાણ કરવાનું કોઈ કારણ નથી. સદ્ભાગ્યે પેત્રોવનું એ તારણ સાચુ હતું!

જો એ ક્ષણે પેત્રોવે એલાર્મ સાચું માનીને કાર્યવાહી કરી હોત તો રશિયા અમેરિકા પર સામો હુમલો કરી દેત અને થોડી વારમાં જગતને ફરી એક જંગ જોવા મળત. આમ તો હુુમલો કરવાની પ્રક્રિયા લાંબી છે, પણ જ્યારે અમેરિકાના મિસાઈલો મૉસ્કોના આકાશી પાદરમાં આવી પહોંચ્યા હોય ત્યારે વિચાર કરવાનો વિચાર રશિયાના શાસકોને ન આવે એ સ્વાભાવિક છે.

રશિયા પર હુમલો કરવામાં અમેરિકા એકલું ન હોય, આખુ 'નાટો' સંગઠન પણ તેની સાથે વગર કહ્યે જોડાઈ જાય. એટલે જ તો નાટોની રચના થઈ હતી. એટલે જંગ થયો હોત તો દાવાનળ સ્વરૃપ ધારણ કરવામાં વાર ન જ લાગી હોત.

પેત્રોવને કેમ એવુ લાગ્યું કે આ એલાર્મ ખોટું છે? વર્ષો પછી 'વૉશિંગ્ટન પોસ્ટ'ને આપેલી મુલાકાતમાં પેત્રોવે કહ્યું હતું : 'અમારી મિસાઈલ વૉર્નિંગ સિસ્ટમ ૧૦૦ ટકા વિશ્વસનિય ન હતી, માટે તેના આધારે ગંભીર નિર્ણય લઈ શકાય નહીં.

ક્રોસ ચેક કરવું પડે. માટે જ મે થોડો સમય જવા દીધો અને પછી ખબર પડી કે ખરેખર વૉર્નિંગ સિસ્ટમમાં ગરબડ હતી..' પેત્રોવે જોકે પછીથી પોતાના ઉપરી અધિકારીને એટલી જાણ કરી હતી કે આવું ખોટું સિગ્નલ મળ્યું છે, પણ ચિંતાનું કોઈ કારણ નથી. પેત્રોવનો બીજો તર્ક એવો હતો કે હુમલો કરવો હોય તો અમેરિકા માત્ર પાંચ મિસાઈલ લઈને દોડયું ન આવે. ચો-તરફથી થાય, માટે બીજા ચેતવણી મથકોમાં પણ ખબર પડવી જોઈએ.. એવુ કશું થયું ન હતું. એટલે પેત્રોવ પોતાની માન્યતા પર અડગ રહ્યા.

ગરમ સ્થિતિમાં ઠંડું દિમાગ રાખીને કામ લેવા બદલ પેત્રોવની શરૃઆતમાં પ્રસંશા થઈ, પછી ટીકા થઈ અને પછી ફરી પ્રસંશા થઈ. લશ્કરી અધિકારીઓ નિયમ ભંગ થાય એ કેમ સાંખી લે? માટે તપાસ-પંચ નિમાયુ. થોડા વખત પછી ખબર પડી કે સૂર્યના કિરણો વાદળની ઓથે થઈને આવતા હતા.

એ કિરણોના પ્રકાશને જ ઉપગ્રહે મિસાઈલ માની લીધા હતા. માટે ઉપગ્રહની સિસ્ટમે 'મિસાઈલ પ્રહાર આવી રહ્યો છે' એમ સમજીને એલર્ટ કરવાની પોતાની ફરજ પૂરી કરી હતી. ઉપગ્રહે પોતાની ફરજ બજાવી હતી, એ વખતે પેત્રોવે પણ પોતાની ફરજ વધુ સમજદારીપૂર્વક બજાવી હતી.

સામાન્ય રીતે ઉત્તમ કર્મચારી તરીકે ત્યારે ગણતરી થાય જ્યારે કર્મચારીની કામગીરી ઘણી વધારે અને અસાધારણ હોય. અહીં એવુ બન્યું હતું કે 'કંઈ ન કરીને' પેત્રોવે રશિયા-અમેરિકાને યુદ્ધમાં ઉતરતા બચાવી લીધા હતા. એટલે જ્યારે કોઈ પૂછે કે તમે એ રાતે શું કર્યું હતું ત્યારે પેત્રોવ કહેતા હતા : 'નથિંગ!'

ઘટના પછી તુરંત રશિયાએ પેત્રોવને શંકાના દાયરામાં રાખ્યા. તેમને બીજા ઓછા મહત્ત્વના પદ પર બદલી કરી દેવાયા. કોઈ પ્રકારનું લશ્કરી સન્માન પણ મળ્યું નહીં અને વહેલા નિવૃત્ત કરી દેવાયા. નિવૃત્તિ પછી પણ સરકાર સતત તેમના પર દેખરેખ રાખતી હતી.

કેમ કે આવા કિસ્સામાં જે-તે અધિકારી દુશ્મન દેશનો જાસૂસ હશે તો? એવો સવાલ સૌથી પહેલો થાય. પેત્રોવના કિસ્સામાં પણ સરકાર પાસે એવા સવાલ કરવાના પૂરતા કારણો હતા. કેમ કે પેત્રોવે જ્યારે ઉપરી અધિકારીને (ખોટી તો ખોટી) મિસાઈલ વૉર્નિંગ અંગે જાણકારી ન આપવાનો નિર્ણય લીધો ત્યારે તેમની પાસે પોતાના નિર્ણયના સમર્થનમાં પૂરતા દસ્તાવેજો ન હતા.

તેઓ માત્ર પોતાના તર્કના આધારે જ માની બેઠા હતા કે આ હુમલો નથી. એ વાત પાછળથી ભલે સાચી થઈ, પણ લશ્કરી દૃષ્ટિએ નિર્ણય લેવાની રીત ખોટી હતી. માટે પેત્રોવ રશિયન સરકારની ખફગીનો ભોગ બન્યા. ૧૯૯૦ના દાયકા સુધી તો પેત્રોવનું પરાક્રમ જાહેર પણ થયું ન હતુ. તો વળી છેલ્લે મે મહિના (૨૦૧૭)માં મૃત્યુ પામ્યા તેની જાણ પણ કોઈ ભેદી કારણોસર આખા જગતને છેક સપ્ટેમ્બરમાં થઈ.

રશિયાએ સન્માન ન કર્યું તો શું થયું? દુનિયામાં તો માનવતા છે ને! અમેરિકા સહિત વિવિધ દેશોએ પેત્રોવનું જાત-ભાતના એવૉર્ડ આપીને સન્માન કર્યું. 'સંયુક્ત રાષ્ટ્રસંઘે' પણ તેમના કામની કદર કરી. કેમ કે આખરે એમના કારણે જ એ વખતે બધા રાષ્ટ્રો સંયુક્ત રહી શક્યા હતા.

જગતને બચાનવનારો બીજો રશિયન

અગાઉ પણ એક વખત એવો આવ્યો હતો, જ્યારે પરમાણુ પ્રહાર થવાને ગણતરીની મિનિટો બાકી હતી. એ વખતે રશિયન નૌકા-કમાન્ડર વસિલી એલેક્ઝાન્ડ્રોવિચ અર્ખીપોવે યુદ્ધને છેલ્લી ઘડીએ અટકાવ્યું હતું. એ વાત ઑક્ટૉબર ૧૯૬૨ની 'ક્યુબન મિસાઈલ ક્રાઈસિસ' વખતની છે. ત્યારે દરિયામાં રહેલી એક રશિયન સબમરિનને બહાર કાઢવા માટે અમેરિકી જહાજો મજબૂર કરી રહ્યાં હતા.

રશિયન સબમરિન રશિયાથી દૂર છેક એટલાન્ટિક મહાસાગરમાં ક્યુબા પાસે હતી. સબમરિન રશિયા સાથે સંપર્ક કરી શકે એમ ન હતી. બીજી તરફ સપાટી પરના અમેરિકી યુદ્ધ જહાજો તેના પર પાણીમાં હુમલો કરી રહ્યા હતા.

એ વખતે સબમરિને પરમાણુ ટોર્પિડો છોડવાનું મન બનાવી લીધું હતું. કેમ કે સબમરિનના ઘણાખરા નાવીકોએ માની લીધું હતું કે અમેરિકા-રશિયા વચ્ચે લડાઈ શરૃ થઈ ગઈ છે. અને એ લડાઈ-જેવી તેવી હોય નહીં. માટે પરમાણુ પ્રહાર જ કરવો રહ્યો. પરમાણુ ટોર્પિડો ફાયર કરવા માટે તૈયાર હતો એ વખતે વસિલીએ કુનેહ વાપરીને રાહ જોવાનું પસંદ કર્યું અને એ નિર્ણય સાચો સાબિત થયો.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments