Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

ખબરદાર બનીએ હવે !

ભારતને કોબ્રા અને મદારીઓના દેશ તરીકે તથા સ્ત્રીઓ પર અમાનુષી જુલમ ગુજારનાર દેશ તરીકે બ્રિટન જોતું હતું, આજે ય એની આંખોમાંથી એ મોતિયો ઊતર્યો નથી.

ભારત પરથી ભલે બ્રિટિશ શાસન વિદાય પામ્યું હોય, પરંતુ હજી જાણે ભારત બ્રિટનના તાબામાં હોય, તે રીતે એના પ્રત્યે બ્રિટન ઉપેક્ષાભર્યું અને ઘોર અપમાનજનક વર્તન ધરાવે છે. એક સમયે ઇંગ્લેન્ડની ટીમ ભારત ખેલવા આવતી, ત્યારે બ્રિટિશ ખેલાડીઓ ભારતમાં રમવા અંગે સ્પષ્ટ નામરજી દર્શાવતા હતાં એટલું જ નહીં, પરંતુ ભારતમાં આવશે તો જીવલેણ રોગ થશે, એની હૉટલો સાવ ભંગાર છે અને વાહનનાં કોઈ ઠેકાણાં હોતા નથી, આવી ભારતની બદબોઈ કરતી વાતો કરીને બ્રિટનના ખેલાડીઓ ભારત આવવાનું ટાળતા હતા.

જો કે આજે ક્રિકેટમાં ભારતની ગરીમા વધતાં ચૂપચાપ ખેલવા આવે છે અને આઈ.પી.એલ.માં કમાણી કરવા આ ખેલાડીઓ ભારત આવવા માટે અતિ આતુર હોય છે. પણ આજે ભારત વિશે બદબોઈ કરવાની એકેય તક બ્રિટિશ મિડિયા છોડતું નથી. એક જમાનામાં ભારતને રાજા-મહારાજાઓના, કોબ્રા અને મદારીઓના દેશ તરીકે તથા સ્ત્રીઓ પર અમાનુષી જુલમ ગુજારનાર દેશ તરીકે બ્રિટન જોતું હતું, પણ હજી આજે ય એની આંખોમાંથી એ મોતિયો ઊતર્યો નથી.

બ્રિટન એમ માનતું હતું કે આઝાદી મેળવ્યા પછી ભારત લાંબો સમય ટકશે નહીં, હિંદુ અને મુસલમાનના લોહિયાળ ભેદો કરીને દેશના ભાગલા પડાવ્યા પછી આ દેશ સાવ તિતર-બિતર થઇ જશે, એવી એમની ધારણા હતી. બીજા દેશોની માફક અહીં આંતરવિગ્રહ સર્જાશે એવો એમનો ખ્યાલ હતો, પરંતુ આવું કશું બન્યું નહીં.

તેને કારણે એમને ઘોર નિરાશા જાગી. આમ છતાં આજે ભારત પર સતત ટીકાનો મારો ચાલુ છે, વળી બ્રિટિશ અખબારોને ભારતની ટીકા કરવાનું મોકળું મેદાન આજે મળી ગયું છે, એનું કારણ તે ભારતની લોકશાહી છે. એ ચીન કે રશિયા વિશે આક્ષેપો કરી શક્તા નથી, ત્યારે લોકશાહી દેશ ભારતની બદબોઈ કરવી એ એમને માટે આસાન બાબત બની ગઈ છે.

અમેરિકાના પ્રવાસ વખતે મેં જોયું હતું કે એના અગ્રણી અખબારમાં એક પાનું ભરીને ભિંદરાનવાલેનો લેખ પ્રગટ થયો હતો, જેમાં એને વીરપુરુષ અને મહાન શહીદ તરીકે ચીતરવામાં આવ્યો હતો. બીજી બાજુ આજે બ્રિટનમાં એક એવા લેખકોની જમાત ઊભી થઇ છે કે જે ભારત વિશેનું કાળું ચિત્ર આપવામાં માહિર છે.

મજાની વાત એ છે કે ભારતની આવી બદબોઈ કરનારા લોકો લેખક તરીકે 'પ્રતિષ્ઠા' પામે છે અને એમનાં પુસ્તકો બેસ્ટસેલર બને છે ! અરુંધતી રોય અને બીજા લેખકો આનાં ઉદાહરણરૃપ છે. પણ માત્ર લેખકો જ ભારતની નિંદામાં જોડાયેલા નથી. સમાજશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ અને પોતાની જાતને બિનસાંપ્રદાયિક ગણતા વિદ્વાનો પણ આમાં સામેલ થયા છે.

મજાની વાત તો એ છે કે આ બધાને ભારતની સંસ્કૃતિ, એની આધ્યાત્મિક માન્યતાઓ અને એના હેરિટેજની વાત સાંભળતા જ એમાં 'સાંપ્રદાયિકતા'ની ગંધ આવે છે. વળી ભારતીય લોકશાહીની ઠઠ્ઠા-મજાક કરવામાં એ સહેજે પાછા પડતા નથી.

એ કહે છે કે આ લોકશાહી તો જાતિ આધારિત છે અને ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. મજાની વાત એ છે કે આવી ટીકા કરનારા ભારતના મૂળ વતની અને બ્રિટનમાં સ્થાયી થયેલા કોઈ સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી કે વિચારકે ભારતને માટે કશું કર્યું નથી. માત્ર ખુરશીમાં બેઠા બેઠા ભારતની નિષ્ફળતાઓને એ સતત ચગાવ્યા કરે છે ને બતાવ્યા કરે છે.

ભારત જેવા વિશાળ દેશમાં પરિવર્તન લાવવા માટે ઘણો લાંબો સમય જોઇએ અને જો આ મહાનુભાવો અનેક કપરા સંજોગો સામે ભારતની ઘણી સિધ્ધિઓ બતાવતા હોત તો એમની વાત સ્વીકારી શકાય પણ એ તો જૂની પુરાણી ઘસાઈ ગયેલી આઈડિયોલોજીની રેકર્ડ વગાડીને પોતાના લેખો લખે છે અને બ્રિટિશ મિડિયામાં એ 'એક્સપર્ટ ઑપિનિયન' તરીકે સ્થાન પામે છે. વિધિની વક્રતા તો જુઓ, જેમણે ભારતને આટલું બધું નીચું જોવડાવ્યું છે એવા લોકો ભારતમાં આવે ત્યારે ભારતીય બૌદ્ધિકોનો આદર પામે છે. એ બૌદ્ધિકો એમ માને છે કે એમણે બ્રિટનમાં લોર્ડ બનીને સ્વદેશનું ગૌરવ વધાર્યું છે !

ભારતના પ્રત્યેક સ્વાતંત્ર્ય દિને બ્રિટિશ મિડિયા એની ડૉક્યુમેન્ટ્રી દ્વારા અને એનું પ્રિન્ટ મિડિયા એના લેખો દ્વારા ભારત વિશે થોકબંધ નૅગેટિવ લખાણ આપે છે અને ભારતના અસહિષ્ણુ લોકો લઘુમતી પર ભારે જુલમ ગુજારે છે એવી વાત કર્યા કરે છે. 'ગાર્ડિયન' અખબારના મિહિર બોઝ ભારતની થોડી સિધ્ધિઓ દર્શાવીને ભારતના વડાપ્રધાનને 'ડરપોક સુધારાવાદી' તરીકે ઓળખાવે છે.

એથીય વધારે સલમાન રશદી અને પંકજ મિશ્રાએ તો 'ગાર્ડિયન' અખબારમાં ભારતની એકેય સિધ્ધિ દર્શાવી નહોતી અને આખો દેશ નિષ્ફળ ગયો છે તેમ દર્શાવીને આ 'લોસ્ટ સ્ટેટ' છે એવો ફેંસલો જાહેર કર્યો. એમને એ પણ દેખાતું નથી કે આ એવો દેશ છે કે જે દેશના પડોશી દેશો પાસે કોઈ પ્રકારનું સ્વાતંત્ર્ય નથી અને જ્યાં ઘણાં આંતરિક યુદ્ધો થયાં છે. તેઓ એનો પણ સ્વીકાર કરતા નથી કે ૧૯૪૭માં જે દેશની પાસે કશું નહોતું, તે આજે જગતના સૌથી વધુ ઝડપી આર્થિક વિકાસ નોંધાવનારો દેશ બન્યો છે.

ભારત વિશે થતી ચર્ચાઓ પણ સાંભળવા જેવી છે. ગયા વર્ષે ૧૫મી ઓગસ્ટે બીબીસી પર હિંદુસ્તાનના ભાગલા અંગે ચર્ચા રાખવામાં આવી. આ ચર્ચામાં ભારતનું નકારાત્મક ચિત્ર દર્શાવવામાં આવ્યું. એની શરૃઆતમાં જ કહેવામાં આવ્યું કે મહાત્મા ગાંધી અહિંસક માર્ગે ભારતને આઝાદ કરવામાં નિષ્ફળ ગયા અને ૧૯૪૬માં તો ખુદ મહાત્મા ગાંધીજીનું કોઈ વજૂદ નહોતું. આમાં વારંવાર ગૌરક્ષકોની વાત કરવામાં આવી. સૌથી ખરાબ બાબત તો એ હતી કે ભારતના મૂળ વતનીઓ એવા અને ભારત અંગેના નિષ્ણાતો તરીકે વાઘા પહેરનારા આ વિદ્વાનો બીજાઓથી પણ વધારે ખતરનાક હતા.

ક્વિન્સ કૉલેજની ઇન્ડિયા ચૅર પર કાર્યરત પ્રો.સુનિલ ખિલનાનીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સંવાદિતાની વાત કરે છે, પણ હિંદુ હિંસા અટકાવી શક્તા નથી અને પછી જાણે બ્રહ્મવાક્ય ઉચ્ચારતા હોય તેમ વદ્યા, 'એક ભારતીય તરીકે આજનું નેતૃત્વ દેશને જે માર્ગે લઇ જાય છે, તેનાથી હું ખૂબ ચિંતિત છું.'

ચર્ચાની આ પેનલના બીજા મહાનુભાવ એવા ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રો. જોયા ચેટરજીએ તો હિંદુસ્તાનના ભાગલાને 'બેકઝિટ' તરીકે સરખાવ્યું ત્યારે પહેલાં તો સહુ કોઈ હસ્યા, પણ પછી એ અસત્ય વારંવાર પુનરાવર્તન પામ્યું અને બીજાઓનો આદર પામ્યું. આ રીતે ભારતને એક અસહિષ્ણુ દેશ તરીકે બતાવવામાં આવ્યો, જે દેશે પારસીઓ, યહૂદીઓ, તિબેટિયનો સહુને આશરો આપ્યો છે.

મજાની વાત તો એ છે કે બીબીસીનો ભારત પ્રત્યેનો પૂર્વગ્રહ એટલો કે એના ખબરપત્રી સૈનિક વિશ્વાસે કહ્યું કે બાબા રામ-રહિમની ઘટના એ ભારત અને ભારતીય સમાજ કેટલો બધો વહેંચાયેલો છે તે દર્શાવે છે. બ્રિટનમાં ઘણા ક્રિશ્ચિયન ગુરુઓ અંગે આવી ઘટનાઓ બને છે, પરંતુ કોઇએ કહ્યું નથી કે બ્રિટન એ સાવ વહેંચાઈ ગયું છે!

તો બીજી બાજુ અતુલ ભારદ્વાજે એવો આક્ષેપ કર્યો કે ભારતમાં ચીની વેપાર અને ચીની રોકાણ આવે તે માટે ભારતે ચીનને ભૂતાન સોંપી દીધું છે. મજાની વાત એ છે કે ચીને ડોકલામમાંથી પોતાનું સૈન્ય પાછું ખેંચ્યું એની કોઈ વાત કરી નથી. એના એક ખબરમંત્રી જસ્ટિન રોવલેટે તો નોટબંધી વિશે અખબારમાં આર્ટિકલ લખીને જરા છટાપૂર્વક સવાલ કર્યો કે આ નોટબંધી સામે શા માટે ભારતીયો ગુસ્સે થયા નથી ? ત્યારે એના જવાબમાં એમણે કહ્યું કે ઘણાને આ વાત સમજાઈ નથી ને બાકીના સાવ સુસ્ત છે.

એમની વાતને બીજા શબ્દોમાં કહીએ તો બિચારા ભારતના લોકો આ બાબતને સહેજે સમજી શક્યા નથી. પણ હવે ભારત જાગ્યું છે. બ્રિટનના ઇન્ડિયન કલ્ચરલ સેન્ટરના ફાઉન્ડર નીતિન મહેતાએ આ બધી બાબતો અંગે નિર્ભીક્તાથી અખબારોમાં લખ્યું છે અને ભારત-બ્રિટનના સમાજને જાગ્રત કર્યો છે.

ક્ષણનો સાક્ષાત્કાર

વહેલી પ્રભાતે માનવીનું મન જગત તરફ આશાભરી મીટ માંડીને બેઠું હોય છે. એના ચિત્તમાં ઉત્સાહ હોય છે અને આસપાસનું જગત ઉષ્માભર્યું લાગે છે. પરંતુ મધ્યાહ્ન થતાં વળી એ મન ચકરાવે ચડે છે. સવારે જીવન આનંદભર્યું લાગતું હતું,તે મધ્યાહ્ને ઉદાસીથી છવાઈ જાય છે. પ્રભાતે જે પરિચિતો પ્રિય લાગતા હતા, એમની સાથે કોઈ કલહ થતાં બપોરે અપ્રિય થવા માંડે છે.

એ જ મન વળી સાંજે કોઈ જુદો રંગ ધારણ કરે છે. દિવસભરની પ્રવૃત્તિઓના પડછાયા એના પર પડે છે અને એ મન સમીસાંજે ક્યારેક થાકેલું લાગે છે, ક્યારેક પરિચિતોને મળવા માટે ધસમસતું લાગે છે તો ક્યારેક એનામાં કોઈ પ્રસંગને કારણે જાગેલી વેદના કે કટુતા હોય છે.

કોણે કહ્યું કે માનવી પાસે એક જ મન છે ? માનવી પાસે તો કેટકેટલાંય મન છે, એનાં કેટલાંય રૃપ છે અને એના અગણિત તરંગો છે. મન સતત તમને કંઇ ને કંઇ કહેતું હોય છે. મનની આંખે જગત જોનારો માનવી મનના રંગ પ્રમાણે જગતમાં પ્રેમ કે દ્વેષ, દોસ્તી કે દુશ્મનાવટ જોતો હોય છે અને આથી જ જો માનવી પાસે એક જ મન હોત તો એનું એ મન આખો દિવસ એક જ ભાવ અનુભવતું રહેતું હોત.

પરંતુ એને સવારે પોતાનાં સંતાન પ્રિય લાગે છે, પણ કોઈ વિખવાદ થતાં સાંજે એ જ સંતાનો અપ્રિય લાગે છે. એને સવારે જીવન જીવવા જેવું લાગે છે, તો સાંજ પડે એ મોતનો ઇંતજાર કરે છે. આમ તમારી ભીતરમાં એક મન નથી, અનેક મન છે અને એ ક્ષણે ક્ષણે જુદે જુદે રૃપે પ્રગટ થાય છે.

માનીએ છીએ કે આપણું મન આપણી આસપાસની પરિસ્થિતિની તસવીર ખેંચતું હોય છે, પણ હકીકતમાં તો આસપાસની પરિસ્થિતિ આપણા મનના ચિત્રમાં પોતાના મનગમતા રંગો પૂરે છે. મનમાં આવતા સતત પરિવર્તનને કારણે જ મનને ચંચળ કહીએ છીએ. મનને અતિ ઉત્પાદક માનીએ છીએ. એના અવિરત ઉત્પાદન પર અંકુશ મેળવવો એ જ આપણું કર્તવ્ય અને એ જ આપણા મનમાં શાંતિ પામવા માટેનો સબળ પ્રયાસ.

મનઝરૃખો....

૯૦૭નું સાહિત્ય માટેનું નૉબેલ પારિતોષિક મેળવનાર અંગ્રેજ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર રડિયાર્ડ કિપ્લિંગ એમની વ્યવહારકુશળતા અને હાજરજવાબીપણા માટે પ્રસિધ્ધ હતા. એમની આ શક્તિની એમના વિરોધીઓ ઇર્ષ્યા કરતા હતા અને રાહ જોતા હતા કે કોઈ માણસ તો કિપ્લિંગને મહાત કરે ! એવામાં એક દિવસ એમના વિરોધીઓને જાણ થઇ કે એક પત્રકાર રડિયાર્ડ કિપ્લિંગને એવા કપરા અને આઘાતજનક પ્રશ્નો પૂછવાનો છે કે જેથી એમનું આવી બનશે.

આ પત્રકાર કિપ્લિંગના કટ્ટર વિરોધી તરીકે જાણીતો હતો. એણે પહેલો પ્રશ્ન પૂછ્યો, 'સાહેબ, મેં વાંચ્યું છે કે તમે તમારા લેખનમાંથી ધૂમ કમાણી કરો છો.'

ત્યારે કિપ્લિંગે કહ્યું, 'વિચારોને ભાષામાં ઉતારવા માટે હું લેખન કરું છું. લેખનના માધ્યમથી હું મારા વિચારો ઝડપથી લોકો સુધી પહોંચાડી શકું છું.' હજી કિપ્લિંગ જવાબ પૂરો કરે તે પહેલાં પત્રકારે વ્યંગ્ય કરતાં કહ્યું, 'તમારી આ બધી વાત તો ઠીક, પરંતુ મેં એમ સાંભળ્યું છે કે તમારો એક એક શબ્દ એકસો ડોલર જેટલો કિંમતી હોય છે. શું આ વાત સાચી છે ?'

ત્યારે હસીને કિપ્લિંગે કહ્યું, 'આનો જવાબ તો જેણે તમને કહ્યું હોય, તેની પાસેથી જ મળી શકે. હું કઇ રીતે આપી શકું ?'

પત્રકારે કહ્યું, 'જરૃર આપી શકો છો. તમે મને અત્યારે એકસો ડોલરનો એક શબ્દ આપો અને લો આ એકસો ડોલર.'

રડિયાર્ડ કિપ્લિંગે એકસો ડોલરની નોટ લઇને ખીસ્સામાં મૂકી અને હસીને બોલ્યા, 'આભાર'.

પત્રકાર વિચારમાં પડયો, ત્યારે કિપ્લિંગે હસીને કહ્યું, 'મહાશય, મેં તમને એકસો ડોલરનો એક શબ્દ આપી દીધો છે.બરાબર ને !'
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments