Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

ચમત્કાર એટલે શું ? કાગનું બેસવું અને ડાળનું પડવું !

વ્યકિત પોતાના શારીરિક સ્વાસ્થ્યને બરાબર જાળવે નહીં અને બીમાર પડે અને આવા સંત પાસે ગયા પછી એને એની શ્રદ્ધા અને ભક્તિને કારણે બીમારી ઘટી જતી લાગે, તો તે એક સામાન્ય દશા છે

ચીન અને પાકિસ્તાન જેવા શત્રુઓ કરતાં આપણા દેશના વિશઆળ જનસમૂહને ઘેરી વળેલાં ચમત્કારો વધુ ખતરા રૃપ છે. જેની આસપાસ આવી ઘટનાઓ બની હોય એવા ઇશ્વર કે સંતના જીવનની પવિત્રતાને પામવાને બદલે પ્રજા એમણે કરેલા ચમત્કારોનું ઘૂંટડે ને ઘૂંટડે પાન કરે છે. ભારતીય માનસ જ એવું છે કે જે ગુરુ પામવા ઘેલું બને છે અને ચમત્કાર અનુભવવા આતુર રહે છે.

આને કારણે આપણા ધર્મોમાં પણ ચમત્કારની કથાઓ આવે છે. નરસિંહ મહેતાને પણ જૂનાગઢના રા'માંડલિકે કહેલું કે તને સાચો ત્યારે જાણું કે જ્યારે કૃષ્ણની મૂર્તિ તને હાર પહેરાવે. આમ કહી નરસિંહ મહેતાને અલગ ઓરડામાં કેદ કરવામાં આવ્યા હતા.

શ્રીકૃષ્ણના ચમત્કારની અનેક વાતો આપણે જોઈએ છીએ અને એ જ રીતે આચાર્ય માનતુંગસૂરિ એક એક શ્લોક બોલતા ગયા અને લોખંડની બેડીઓ તૂટતી ગઈ એમ કહેવાયું છે. દરેક ધર્મમાં આવા ચમત્કારો જોવા મળે છે. આ બધા ચમત્કારો ખોટા હોય છે એમ કહી શકાય નહીં, પરંતુ એની સાથોસાથ એમાં દરેક વાતને માની લેવી એ પણ ઠીક ગણાય નહીં.

ઘણીવાર 'કાગનું બેસવું અને ડાળનું પડવું' એવું બનતું હોય છે. ગાંધીજીના આશ્રમમાં અનાજ ખૂટવા લાગ્યું ત્યારે એક શેઠે આવીને ગાંધીજીના હાથમાં તેર હજાર રૃપિયા મૂકી દીધા હતા. ગાંધીજીએ નામ પૂછ્યું, પણ એમણે નામ આપ્યું નહીં. અગાઉ આ ગૃહસ્થ કદી આશ્રમમાં આવેલા નહીં. આશ્રમને આર્થિક ભીડ હશે એવી એમને કોઈ જાણ પણ નહીં હોય, પરંતુ એમને સ્ફુરણા થઈ હશે અને મદદ કરી ગયા.

જો જૂના જમાનામાં આ ઘટના બની હોત તો મોટરમાં બેસીને આવેલા એ શેઠ શામળશા શેઠ હોત, ગાંધીજી આર્થિક ભીડમાંથી ઉગારવા માટે કરુણ સ્વરે ભજન ગાતા હોત અને શામળશા શેઠે મદદ કરી, તેવું કહેવાતું હોત અને પછી ભક્ત ગાંધી વિશે ઘણી કથાઓ રચાઈ હોત.

આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગાંધીજી માટે કહ્યું કે ભવિષ્યની પેઢીને કલ્પના પણ નહીં આવે કે આ પૃથ્વી પર આવો માનવી થયો હતો. જો ગાંધીજીએ પરવાનગી આપી હોત તો એમની ઘણી ચમત્કારકથાઓ લખાઈ હોત અને ગાંધીમંદિરો પણ ઊભાં થયાં હોત !

પરંતુ વાસ્તવિક હકીકત તો એ છે કે વ્યકિતને પોતાના શુભ કાર્યમાં શ્રદ્ધા હોય છે અને એ શ્રદ્ધાને પરિણામે ધૈર્ય દાખવે છે અને એને કોઈ ને કોઈ મદદગાર મળી જાય છે. હૃદયની આ અવિચળ શ્રદ્ધાને પરિણામે થતા કાર્યને ઘણા લોકો ચમત્કારને નામે ઓળખાવે છે. સત્ય પર દૃઢ વિશ્વાસ હોય, તો આશ્ચર્યને પણ સત્ય બનાવી શકે છે. ગાંધીજી દેશને સ્વરાજ અપાવી શક્યા અને વિનોબાજી ચંબલના ડાકુઓને શસ્ત્રો છોડી આત્મસમર્પણ કરાવી શકે એ એનામાં તાકાત હોય છે.

આ આત્મબળથી સર્જાતી ઘટનાને ઘણા ચમત્કારનું લેબલ લગાડે છે. ક્યારેક એવું પણ બને છે કે સંતના મુખમાંથી એકાએક કોઈ વાક્ય સ્ફુરે અને પછી એમણે કહેલી એ વાત સાચી પડે તો એ પ્રસંગને 'ઝડપી' લઈને એમનો શિષ્ય સમુદાય ગુરુના મહિમાગાનની સાથોસાથ આ ચમત્કારોનું વર્ણન કરે છે.

વળી આપણે ત્યાં વાતને મલાવી માનવીને અથવા તો મીઠું- મરચું ભભરાવીને કહેવાની આદત જોવા મળે છે, આથી જ એ સંતની આસપાસ ચમત્કારનું એક દિવ્ય અને ભવ્ય વાતાવરણ સર્જવામાં આવે છે. લોકો એ સંતના સંતત્વની નહીં, બલ્કે એની ચમત્કારશક્તિને પૂજવા લાગે છે અને પછી તો એ સંતની આસપાસ સંપત્તિ પામવા ઇચ્છનારાઓ, સ્વાસ્થ મેળવવા ઝંખનારાઓ અથવા તો જીવનમાં કોઈ વસ્તુના અભાવને પૂરો કરવા માટે લોકો ચમત્કારી સંતનો 'પીછો' કરે છે.

મજાની વાત એ છે કે પછી એ સંત સમાજથી વધુ ને વધુ દૂર રહીને પોતાની આભામાં અને મહત્તામાં વધારો કરે છે. ધીરે ધીરે સંતોને એવો કીમિયો પણ હાથ લાગે છે કે જેમના જીવનમાં આવી ઘટના બની હોય, તેને ઊભા કરીને સત્સંગ સભામાં એનું વર્ણન કરવા કહે છે અને એ વ્યકિત ભોળાભાવે બનેલી ઘટનાને સંત કે બાબાના ચમત્કાર રૃપે બતાવીને વર્ણવતી હોય છે અને એ સાંભળી અનેક લોકોનાં હૃદયમાં 'પોતાના જીવનમાં પણ ચમત્કારથી આવો લાભ થાય' એવી વાત ઊગે છે અને એ આ ચમત્કારી સંત કે બાબાની પાછળ દોડે છે.

ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ જાદુગર કે. લાલે સંતો જેને સમાજમાં ચમત્કાર રૃપે બતાવતા હતા, તે માત્ર જાદુનો ખેલ છે એમ કહીને ચમત્કારી ગણાતા કેટલાક પ્રયોગોને જાદુના ખેલ તરીકે બતાવ્યા હતા. એટલું જ નહીં, પણ એમણે હવામાંથી ભસ્મ ઉત્પન્ન કરવાની જાદુગરી પણ બતાવી હતી અને એમણે ચમત્કારી બાબાઓને પડકાર ફેંક્યો હતો કે તમારામાં તાકાત હોય, તો મારી આગળ તમે કોઈ ચમત્કાર બતાવો.

પણ કોઈ ચમત્કારી બાબા આને માટે આગળ આવ્યા નહોતા. આથી સાચી હકીકત એ છે કે સંતો કોઈ ચમત્કાર કરતા નથી. એમના જીવનમાં સ્વાભાવિકપણે જે ઘટના બનતી હોય, તેને લોકો ચમત્કાર તરીકે ઓળખવા લાગે છે.

અમુક સંતને વચનસિદ્ધ કહેવામાં આવે છે. એ ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વાતો જાણે છે એમ કહેવાય છે. એમની પાસે આવનારના વિચારોમાં પરિવર્તન થઈ જાય છે એવો પ્રચાર કરાય છે. હકીકતમાં આવા સંતોથી સાવધ રહેવું જોઈએ. ઘણા સંતો એમની વાણીની છટાથી પ્રભાવિત કરતા હોય છે, ઘણા એમના શિષ્યસમુદાયની સંખ્યાથી પ્રભાવિત કરતા હોય છે, પણ હકીકત એ છે કે આપણા ધર્મગ્રંથો ક્યારેય એમ કહેતા નથી કે તમને કોઈ છેતરવા આવે તો તમે છેતરાવ, તમને કોઈ ચમત્કારની વાત કરે તો એ ચમત્કારમાં તમે શ્રદ્ધા રાખો.

વેદાંતનો અર્થ જ છે યથાર્થ જ્ઞાાન. એ તો કહે છે કે જે જેવું છે, તેને તેવું જ જુઓ એટલે કે જે સંત છે તેને સંત તરીકે જુઓ, અને જે પાખંડી, તરકટી કે ધનવૈભવની સ્પૃહાવાળો હોય તેને પાખંડી તરીકે જ ઓળખો. દરેક ધર્મો માનવજીવનને ઊર્ધ્વતાભણી લઈ જવાનું કહે છે. પણ કોઈ ધર્મ એમ કહેતો નથી કે ચમત્કારનો આશ્રય લઈને તમે જીવનની આવી ઊર્ધ્વતા પામો.

ચમત્કારના સંદર્ભમાં એક બાબત વિચારવી જોઈએ કે આધ્યાત્મિક યાત્રા કરતા સંતના સાધનાકાળમાં એક વિશિષ્ટ અવસ્થા આવતી હોય છે. આધ્યાત્મિક શ્રેણીનું એક પછી એક પગથિયું ચડતાં એક એવો મુકામ આવે છે અથવા તો એક એવી મસ્ત દશા જાગે છે કે એ સંત કે સાધક 'અગમપિયાલો પીને' અનુભવલાલીની મસ્તીમાં ઝૂમ્યા કરે છે અને આવી અવસ્થામાં એ જે કંઈ કહે તે સાચું પડે તેમ બને છે.

આવી દશામાં એ સંત કે સાધકની વાણીમાં એક પ્રકારની મસ્તી કે 'દર્શન' આવતું હોય છે, પરંતુ એ એક આધ્યાત્મિક અવસ્થાનું પરિણામ હોય છે. સંત કે સાધકની યાત્રા આ મુકામ પછી વધુ ને વધુ ઊર્ધ્વગમન કરતી હોય છે, તેથી તેમના જીવનમાં આ મુકામનો કોઈ મહિમા હોતો નથી. આથી કોઈ સંત રોગીઓને સાજા કરી દે એમ કહેવાતું હોય છે, તે પણ સાચું હોતું નથી. વ્યકિત પોતાના શારીરિક સ્વાસ્થ્યને બરાબર જાળવે નહીં અને બીમાર પડે અને આવા સંત પાસે ગયા પછી એને એની શ્રદ્ધા અને ભક્તિને કારણે બીમારી ઘટી જતી લાગે, તો તે એક સામાન્ય દશા છે.

અને ચમત્કાર માનવાની જરૃર નથી. કેટલાક સંતો એવી પ્રભુમય અવસ્થામાં જીવતા હોય છે કે એમની અમી નજર કે એમનો સ્પર્શ એમને થાય તો એની વેદના ઓછી થતી હોય છે. પરંતુ આવા નિશ્ચિત ઇરાદા સાથે સંતો કાર્ય કરતા નથી. કોઈ ઇરાદાપૂર્વક આવા આશીર્વાદ લેવા માગે તો તે ફળતા નથી.

રામકૃષ્ણ પરમહંસનો આશીર્વાદ મેળવનારા કેશવચંદ્રની બીમારી ઓછી થઈ નહીં. અને રામકૃષ્ણ પરમહંસે પોતાના પરમ પ્રિય સ્વજનને માટે કાલિમાતાને પ્રાર્થના કરી હતી કે, 'મા, કેશવને સારું કરજે' અને થોડાક સમયમાં કેશવચંદ્ર સેન સ્વર્ગસ્થ થયા ! રામકૃષ્ણ પરમહંસ મા કાલી આગળ આવીને કહેવા લાગ્યા, 'મા, તેં મારા કેશવને ઉપાડી લીધો. ચાલ, તારી મરજી એ મારી મરજી.'

એમ કહેવાય છે કે સંતો મરેલાને જીવતા કરે છે. આવી ચમત્કારની ઘણી વાતો સાંભળવામાં આવે છે, પરંતુ એ હકીક્ત છે કે ઇશ્વરના નિયમમાં કોઈ ખલેલ પાડી શકતું નથી.

જો સંતોના ચમત્કારો પાછળ લોકો દોડે તો શું થાય ? હકીકતમાં તો આ સંતો સંસારને સ્વર્ગ બનાવવાનો પ્રયાસ કરતા હોય છે. માનવીમાં રહેલા ઉત્તમ અંશોને પ્રગટ કરવાની કોશિશ કરતા હોય છે. પછી એ રમણ મહર્ષિ હોય કે મા આનંદમયી હોય અથવા તો પૂજયશ્રી મોટા હોય. આ બધાનો એક જ પ્રયત્ન હોય છે કે માનવી વધુ સારો માનવી બને, એનામાં ઉમદા ગુણો આવે, જે માનવી પાપી હોય તે પવિત્ર બને, જગતમાંથી વેરઝેર ઓછાં થાય અને શાંતિ, સમતા અને પ્રેમનું વાતાવરણ સર્જાય.

હવે તમે જ કહો કે સંત ચમત્કાર કરીને એના ધ્યેયને પૂરું કરી શકે ખરા ? હકીકત તો એ છે કે સંત જયારે એમ વિચારે કે હું ચમત્કાર કરું છું, ત્યારે એનો એવો ભાવ, એનો અહંકાર એ જ એના પતનનું કારણ બને છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments