Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

આક્રમક વલણ દાખવતા ચીન સામે ભારતની જબ્બર મોરચાબંધી

ચીને સિક્કિમ બાદ હિંદ મહાસાગરમાંથી ભારતમાં ઘુસણખોરી કરી યુદ્ધ સબમરીન તૈનાત કરી છે. સાથે સિક્કિમ મામલે સમાધાન કરવાની પણ ના પાડી દીધી છે.

ચીની  ડ્રેગન ભૂરાટો થયો થયો છે. ભૂતાન, સિક્કીમ, તિબેટ-ટુરાઈ જંક્શનમાં ભારત અને ચીનની વચ્ચે છેલ્લા એક મહિનાથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ચીન રોજેરોજ ઉશ્કેરણીજનક નિવેદનો અને ધમકીની ભાષા વાપરી રહ્યું છે. એટલું જ નહીં, તેના સૈનિકો આપણી હદમાં ઘુસી આવ્યા પછી, બંકરો તોડવાની ચેષ્ટા કરી ચૂક્યા છે. અહીં સીમાની રખેવાળી કરતાં ભારતીય જવાનોએ મક્કમતાથી ચીની સૈનિકોને પાછળ હડસેલ્યા તો ચીન આપણને ૧૯૬૨ના યુદ્ધની કડવી યાદ અપાવે છે.

તેના જવાબરૃપે જ્યારે અરુણ જેટલીએ એમ કહ્યું કે ચીન એ વાત ભૂલી ન જાય કે આજનું ભારત ૧૯૬૨નું ભારત નથી. સંરક્ષણની દ્રષ્ટિએ અમે આજે એકદમ તૈયાર છે. હવે જોવાનું એ છે કે નાણાખાતા ઉપરાંત સંરક્ષણ ખાતાનો કારભાર સંભાળતા અરુણ જેટલીના નિવેદનમાં કેટલું તથ્ય છે.

છેલ્લા ઘણા સમયથી ચીન ભારતને ધમકીઓ આપી રહ્યું છે. જેને પગલે કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથસિંહે હિમાલિયન રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે એક બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન રાજનાથસિંહે ચીન સરહદે આવેલા રાજ્યોને સતર્ક રહેવાની સુચના આપી છે. આ ઉપરાંત આ સરહદે તૈનાત સેનાને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. બીજી બાજુ ભારતીય વાયુસેનાના એર ચિફ માર્શલ બી. એસ. ધનોઆએ તમામ ૧૨ હજાર અધિકારીને એક પત્ર લખીને શોર્ટ નોટિસમાં મળનારા કોઈ પણ અભિયાન માટે તૈયાર રહેવાની તાકીદ કરી છે.

રાજનાથે કાશ્મીર, હિમાચલ પ્રદેશ, સિક્કીમ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ જેવા ચીની સરહદે આવેલા રાજ્યોને જણાવ્યું છે કે તેઓ ભારત-ચીન સરહદે ચાંપતી નજર રાખે. આ વિસ્તારમાં ચીન દ્વારા કોઇ પણ પ્રકારની ગતીવીધી થઇ શકે છે. આ ઉપરાંત સ્થાનીકોમાં પણ ચીનના ભયને કારણે સ્થળાંતર કરવામાં આવી રહ્યું હોવાના પણ અહેવાલો છે.

બીજી તરફ  એર ચીફ માર્શલ ધનોઆએ લખેલો પત્ર વાયુસેનાના ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ પગલું છે. ધનોઆએ લખ્યું છે કે, અત્યારના સંજોગોમાં ખતરાની શંકા વધી ગઈ છે. આપણે ઓછા શસ્ત્રસરંજામ સાથે પણ શોર્ટ નોટિસમાં કોઈ પણ અભિયાન માટે તૈયાર રહેવાનું છે. આપણો ટ્રેનિંગ પ્રોગ્રામ પણ આ બાબતને ધ્યાનમાં રાખીને ચલાવવો જોઈએ.

ચીને સિક્કિમ બાદ હવે હિંદ મહાસાગરમાંથી ભારતમાં ઘુસણખોરી કરી છે. અને અહીં યુદ્ધ સબમરીન તૈનાત કરી દીધી છે. સાથે સિક્કિમ મામલે કોઇ પણ પ્રકારનું સમાધાન કરવાની પણ ના પાડી દીધી છે. ચીને જે સબમરીન હિંદ મહાસાગરમાં તૈનાત કરી છે તેનો ઉપયોગ યુદ્ધ સમયે કરવામાં આવે છે. આ પહેલા આ જ વિસ્તારમાં સાત વખત ચીને પોતાની સબમરીન મોકલી હતી. આ સબમરીનને ચીની નેવી ઓપરેટ કરે છે.

ચીની  સરકારના  'માઉથપીસ'   જેવું  અખબાર ગ્લોબલ ટાઈમ્સ રોજ ભારત વિરુધ્ધ  ઝેર ઓકે છે. બીજી તરફ ચીન સૈન્યની વેબસાઇટ પર ચીમકી આપવામાં આવી છે. આ વેબસાઇટમાં પ્રકાશીત એક આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે સિક્કિમ સરહદે સ્થિતિ વણસી છે અને જો યુદ્ધ થાય તો ભારતને ધુળ ચાંટતુ કરી દઇશું.

ભારત સિક્કિમ સરહદે સૈન્ય મોકલી પોતાના જ પગ પર ગોળી મારી રહ્યું છે તેવી ધમકી  ચીને  આપી હતી. ચીનની સમુદ્રી વિસ્તારોમાં   ઘુસણખોરી દેશ માટે ચિંતાજનક બાબત છે. બીજી તરફ ચીને ધમકી આપી છે કે કોઇ પણ સંજોગોમાં સિક્કિમ મામલે સમજુતી કરવામાં આવશે નહીં.

હાલ જે વિસ્તારને લઇને વિવાદ ચાલી રહ્યો છે તે ભુતાનનો છે અને ચીન તેના પર કબજો કરવા માગે છે. જ્યારે ભારત આ મામલે ભુતાનનો સાથ આપી રહ્યું છે. જેને પગલે ચીનના પેટમાં તેલ રેડાયું છે અને તે સિક્કિમનો મુદ્દો ઉઠાવી ભારતને દબાવી રહ્યું છે.  ચીને સ્પષ્ટ શબ્દોમાં ફરી ધમકી આપી હતી કે કોઇ પણ વાતચીત ત્યારે જ શક્ય બનશે જ્યારે ભારત સરહદેથી પોતાના સૈનિકોને પરત બોલાવી લે. ચીનના ભારત ખાતેના રાજદુત લુઓ ઝાઓહુઇએ જણાવ્યું હતું કે હાલ ચીન અને ભારતની સરહદની સ્થિતિ અતી ચિંતાજનક છે.

કોઇ પણ પ્રકારની સમજુતી વગર ભારતે આ વિસ્તારમાંથી પોતાના સૈનિકોને પરત બોલાવવા જ પડશે. ચીન તરફથી  એવી  ધમકી પણ  અપાઈ રહી છે કે ભારત ભૂતાનની  બાજુ લઈ અમારી સામે રૃઆબ દાખવશે તો અમે પાકિસ્તાન વતી  કાશ્મીરમાં  લશ્કરી કારવાઈ  કરીશું.  

ચીનની ઘુસણખોરી વધી રહી છે જેને પગલે ભારતીય સૈન્ય દ્વારા સુરક્ષાના કડક પગલા લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને લદ્દાખ અને પૂર્વોત્તરમાં આવેલા સરહદી રાજ્યોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અંદામાન નિકોબારમાં પણ ભારતીય સૈન્યએ સુરક્ષા વધારી દીધી છે.

ચીની સૈન્ય દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ૨૦૦ વખત ઘુસણખોરી કરી છે. જેનો જવાબ આપવા માટે આ કાર્યવાહી થઇ રહી છે. અંદામાન નિકોબાર પર ભારતીય સૈન્યએ ૩૦ એમકેઆઇ ફાઇટર જેટ ઉપરાંત અન્ય ડ્રોન મિસાઇલ વગેરે તૈનાત કરીને રાખી છે.

હાલ અંદામાન નિકોબારમાં એરક્રાફ્ટ, એંટી સબમરીન પોસેડિયન-૮ વગેરે પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હિંદ મહાસાગરથી ચીન ભારત સામે દબાણ ઉભુ કરી રહ્યું છે જેને પગલે અહીં ભારતે સુરક્ષા વધારવી પડી છે.

આ ઉપરાંત અરુણાચલમાં પણ ચીન ઘુસણખોરી કરી રહ્યું છે માટે ત્યાં પણ હવાઇ સુરક્ષા વધારાઇ છે, અહીંના સિયાંગ જિલ્લામાં એરફોર્સના પાસીઘાટ એડવાન્સ ગ્રેડિંગ ગ્રાઉંડ (એએલજી)ને સક્રિય કરી દેવામાં આવ્યું છે. અહીંથી એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરને ઓપરેટ કરવા શક્ય બની જશે.

ગયા ઓગસ્ટ મહિનામાં  અરુણાચલ પ્રદેશમાં ભારતીય વાયુસેનાના ત્રણ સુખોઈ ૩૦ ફાઈટર જેટે ઉતરાણ કર્યું  એ  સાથે જ સરહદ સુરક્ષાનો  નવો અધ્યાય  શરૃ થયો છે.  વાત એમ છે કે, વર્ષ ૧૯૬૨થી ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં આવી કોઈ જ સૈન્ય કાર્યવાહી કરી નથી. આજે પણ ચીન અરુણાચલ પ્રદેશ પર દાવો કરી રહ્યું છે.

ભારતીય સેનાએ અરુણાચલના પાસીઘાટમાં નવા જ બનાવાયેલા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનું ગયા ઓગસ્ટમાં  ઉદ્ઘાટન કરવાના હેતુથી અહીં ત્રણ સુખોઈ ૩૦ ફાઈટર જેટનું ઉતરાણ કરાવ્યું હતું.  

પાસીઘાટ ચાઈના ઓક્યુપાઈડ તિબેટની સરહદેથી માંડ ૧૦૦ કિલોમીટર દૂર આવેલું છે. અહીં ભારત અને ચીન ૧,૦૮૦ કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. ભારત સરકારે ચીન સાથેના તંગ સંબંધને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૦૯માં પાસીઘાટમાં સેના માટે જરૃરી સુવિધા વિકસાવી હતી.

નોંધનીય છે કે, આસામના દિબુ્રગઢ જિલ્લામાં આવેલા ચૌબા બેઝ પર સુખોય-૩૦ ની આખી સ્કવોડ્રન ગોઠવવાની  વાત ચાલે છે.

આ  સિવાય દેશની એરલિફ્ટ જરૃરિયાત સંતોષવા  તાજેતરમાં  ભારત સરકારે અમેરિકા પાસેથી સી-૧૭ હેવી લિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાનો નિર્ણય લીધો છે.  

આ એરક્રાફ્ટમાં એક મિસાઇલ વૉર્નિંગ, કાઉન્ટર-મિઝ્યોર ડિસ્પેન્સિંગ અને આઈડેન્ટિફિકેશન ફ્રેન્ડ ઓફ ફો ટ્રાન્સપોડર સિસ્ટમ તેમજ પ્રિસિઝન નેવિગેશન ઇક્વિપમેન્ટનો પણ સમાવેશ કરાયેલો હોય છે. આ એરક્રાફ્ટની મદદથી ૭૮ હજાર કિલો સાધનસરંજામની હેરફેર થઈ શકે છે.

એટલું જ નહીં, આ વિમાન ફૂલ્લી ઈન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રોનિક કોકપિટ અને એડવાન્સ કાર્ગો ડિલિવરી સિસ્ટમ પણ ધરાવે છે.  આ સૂચિત સોદાથી ભારતની હાલની એરલિફ્ટ જરૃરિયાતમાં વધારો થશે. ભારતના અનેક વિસ્તારોમાં કુદરતી દુર્ઘટનાઓની સંભાવના ઘણી વધારે છે.

આ કારણસર અમેરિકાએ આ એરક્રાફ્ટ આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, આ એરક્રાફ્ટ સોદાથી ભારતીય સેનાની રેપિડ સ્ટ્રેટેજિક કોમ્બેટ એરલિફ્ટ ક્ષમતામાં પણ ઘણો વધારો થશે.  અર્થાત્  કટોકટીના સમયમાં ચીની  સરહદે લશ્કર અને તોપ કે ટેન્કો  મોકલવી હોય તો આ વિમાન ખૂબ ઊપયોગી થઈ પડે.

અત્યારે પણ ભારતીય સશસ્ત્ર સેનામાં સી-૧૭નો ઉપયોગ થાય છે, જે અત્યાધુનિક સી-૧૭થી ખાસ જુદા નથી. આ એરક્રાફ્ટની ખરીદીથી પ્રાદેશિક લશ્કરી સંતુલન પણ ખોરવાતું નથી. પેન્ટાગોનના મતે, બોઇંગ સી-૧૭એ ગ્લોબમાસ્ટર-થ્રી મિલિટરી એરલિફ્ટ એરક્રાફ્ટ અમેરિકન એરફોર્સ કાફલામાં સૌથી વૈવિધ્યપૂર્ણ કામ આપતા વિમાનો છે.

આટલું જ નહીં, સરકારે આસામના લીકાબલી નગરમાં 'ધુ્રવ' એડવાન્સડ લાઇટ હેલીકૉપ્ટરની સ્કવોડ્રન પણ તહેનાત કરી છે. આ હેલિકોપ્ટર એર ટુ એર મિસાઇલ, ૭૦ એમએમ રોકેટ અને ૨૦ એમએમ.ની ટરેટગનથી સજ્જ છે. આ સિવાય તેમાં એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, ઇન્ફ્રારેડ જામર્સ જેવી સુવિધા પણ છે.

ઊત્તર-પૂર્વ સીમાડાને સુરક્ષિત રાખવા  મોદી સરકારના આગમન પછી ઘણા પગલાં લેવાયા છે. જેમાં એક મહત્વનું કદમ છે નવી સત્તરમી 'કોર્પ્સ'ની સ્થાપના. માઉન્ટન સ્ટ્રાઇક કોર્પ્સ તરીકે ઓળખાતી આ વિશિષ્ટ ટુકડીની રચના માટે રૃા.૪૦,૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ વિશિષ્ટ ટુકડીને એમ-૭૭૭ અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર તોપ પણ આપવામાં આવશે.

ચીનની આ અવળચંડાઇ ભરી હરકતથી તે એ સંદેશો આપવા માગે છે કે જો ભારત અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મોસ મિસાઇલ તૈનાત કરશે તો ચીન પણ પાછીપાની નહીં કરે. ભારતે કહ્યું હતું કે ચીનની ઘુસણખોરી અરુણાચલ પ્રદેશમાં પણ વધી રહી છે જેને રોકવા માટે બ્રહ્મોસ મિસાઇલ આ રાજ્યમાં તૈનાત કરવામાં આવશે. ચીને આ પગલાનો વાંધો ઉઠાવ્યો હતો અને હવે પોતાના સૌથી લડાકુ વિમાનને ભારતની સરહદે આવેલા તિબેટમાં તૈનાત કરીને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે.  

ચીનને  ભારતનો  વિયેટનામ પ્રેમ પણ  પસંદ નથી!  વિયેતનામ ચીનનું દુશ્મન છે અને તે પણ ભારતની બ્રહ્મોસ મિસાઇલમાં રસ ધરાવે છે. આ ઉપરાંત ભારતે વિયેતનામને સૈન્ય સહાય કરવાની વાત કરી હતી. જેને પગલે હવે ચીન ભારતને આ રીતે દબાવવા અને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

જો કે   ભારતીય સેના આવી ધમકીઓને  અવગણી  પોતાની તૈયારી કરી રહી  છે.  આમ  તો  સાત મહિના પહેલા જ ભારત ચીન સરહદે અરુણાચલ પ્રદેશમાં બનાવાયેલા મેચુકા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ પર વાયુસેનાના સી-૧૭ ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટે પહેલીવાર ઉતરાણ કર્યું હતું. ભારતીય વાયુસેનાએ ચીન સરહદથી ફક્ત ૨૯ કિલોમીટર દૂર આ લેન્ડિંગ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે.  આશરે ૬,૨૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા આ સ્થળની લેન્ડિંગ સરફેસ ફક્ત ૪,૨૦૦ ફૂટ લાંબી છે.

આ લેન્ડિંગ ગ્રાઉન્ડ અરુણાચલ પ્રદેશના વેસ્ટ સિઆંગ જિલ્લાની યાર્ગયાપ રિવર વેલીમાં આવેલું છે. વર્ષ ૧૯૬૨ યુદ્ધમાં આ સ્થળ અત્યંત મહત્ત્વનું અને વ્યૂહાત્મક સાબિત થયું હતું.  ભારતીય વાયુસેનાએ વર્ષ ૧૯૬૨માં પહેલીવાર અહીં ડાકોટા અને ઓટરથી ઓપરેશન શરૃ કર્યું હતું.

બાદમાં એએન-૩૨ વિમાનોનું પણ અહીં ઓક્ટોબર ૨૦૧૩ સુધી ઓપરેશન ચાલ્યું હતું. જોકે, બાદમાં વાયુસેનાએ અહીંની લેન્ડિંગ ફેસિલિટી અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો હતો. આ લેન્ડિંગ ગ્રાઉન્ડ દિબુ્રગઢથી ફક્ત ૫૦૦ કિલોમીટર દૂર છે, જ્યાં સૌથી નજીકનું મોટું એરપોર્ટ અને રેલવે સ્ટેશન આવેલું છે. અહીંથી સેનાને તમામ સુવિધા મળી શકે એમ છે.

ચીન સાથે જોડાયેલી સરહદ પાસે ભારતની  આક્રમક  ક્ષમતા વધારવાના હેતુથી કેન્દ્ર સરકારે  ગયા  વર્ષે જ  પૂર્વ સેક્ટરમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલોની તૈનાતી માટે વધારાની બ્રહ્મોસ મિસાઇલોને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. આ મિસાઇલની ત્રાટકવાની ક્ષમતા ૨૯૦ કિમી સુધીની છે. 

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે ૪૩૦૦ કરોડ રૃપિયાનું ખર્ચ ધરાવતી ચોથી બ્રહ્મોસ રેજિમેન્ટને મંજૂરી આપી છે. આ રેજિમેન્ટમાં ૧૦૦ મિસાઇલો, પાંચ મોબાઇલ સ્વસંચાલિત લોન્ચર, મોબાઇલ કમાન્ડ પોસ્ટ અને હેવી ડયૂટી ટ્રક તથા જરૃરી હાર્ડવેર અને સોફ્ટવેર સામેલ હશે.    આ ક્રૂઝ મિસાઇલ પર્વતોનો આશરો લઇને છૂપાયેલા શત્રુઓને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે.

ભારતીય આર્મીમાં અગાઉથી જ બ્રહ્મોસ મિસાઇલની ત્રણ રેજિમેન્ટ શરૃ કરી દેવામાં આવી છે. આ ત્રણેય રેજિમેન્ટ મિસાઇલના બ્લોક-૩ વર્ઝનથી સજ્જ છે.

જમીન પરથી હુમલો કરવાની ક્ષમતા ધરાવતી બ્રહ્મોસ મિસાઇલ ૨૦૦૭થી ભારતીય સેનામાં કાર્યરત છે. બ્રહ્મોસ એક એવી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે જેને નાની નૌકા,  જહાજ, વિમાન કે જમીનથી પ્રક્ષેપિત કરી શકાય છે. આ મિસાઇલને સેનાની ત્રણેય પાંખોમાં સામેલ કરવામાં આવી છે.

આ   સિવાય  ચીનની  નૌકાદળની  તાકાતનો  સામનો  કરવા  ભારતીય નૌસેનાએ પ્રથમ વખત સમૃદ્રમાં તૈનાત યુદ્ધ જહાજ પરથી જમીન ઉપર પ્રહાર કરી શકે એવા બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. બંગાળની ખાડીમાં થયેલા આ પરીક્ષણની નૌસેનાએ જાહેરાત કરી હતી.

ભારત પાસે જમીન પરથી સમૃદ્રમાં પ્રહાર કરી શકે એવી મિસાઈલની શક્તિ તો હતી, પણ યુદ્ધજહાજ પરથી દુશ્મનની જમીન ઉપર પહોંચીને ખાત્મો બોલાવી શકે એવી સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું પહેલી વખત સફળ પરીક્ષણ થયું છે. ભારત એવા ગણ્યા-ગાંઠયા દેશોની ક્લબમાં સામેલ થયો છે, જેની પાસે જમીન પરથી સમૃદ્રમાં અને સમૃદ્રમાંથી જમીન ઉપર પ્રહાર કરી શકે એવી સુપરસોનિક ક્રુઝ મિસાઈલની શક્તિ છે.

અત્યાર સુધી ભારત પાસે બ્રહ્મોસનું એવું સંસ્કરણ હતું, જે જમીન પરથી મધદરિયે દુશ્મનના યુદ્ધજહાજ ઉપર પ્રહાર કરી શકે. પરંતુ બ્રહ્મોસના એવા વર્ઝનનું પરીક્ષણ થયું ન હતું કે જે યુદ્ધજહાજ ઉપરથી જમીન પર હોય એવા દુશ્મનના સ્થાનો  ઉપર પણ પ્રહાર કરી શકે. એ ખોટ આ પરીક્ષણથી પૂરી થઈ છે.

ભારતે ચીનને અડીને આવેલી સરહદ પર આધુનિક ક્રૂઝ મિસાઇલ તૈનાત કરવાનો નિર્ણય ગયા ઓગસ્ટ મહિનામાં જ લીધો છે.

ભારતના લશ્કરી   ઉચ્ચાધિકારીઓએ કહ્યું છે કે તેઓ ચીન સાથેની સરહદ પર તૈનાત રેજીમેન્ટને આધુનિક બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ કરશે. આ મિસાઇલોનો વિકાસ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે. સહિયારી મિલિટરી અને નાગરિકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાઓ વિકસાવવાના પ્રયાસોના ભાગરુપ આ મિસાઇલનો વિકાસ કરવામાં આવ્યો છે.

ભારત દ્વારા શાસિત ૯૦ હજાર સ્ક્વેર કિમી પ્રદેશ પર ચીને પોતાનો દાવો ઠોક્યો છે. આ પ્રદેશ હિમાલયના પૂર્વીય પ્રદેસમાં છે. તો ભારતની દલીલ છે કે ચીન હિમાલયની પશ્ચિમમાં અક્સાઈ ચીન વિસ્તારમાં ભારતનો ૩૮ હજાર કિમી પ્રદેશ પચાવીને બેઠું છે.

આ  સિવાય ભારતે ૪૦૦૦ કિલોમીટરની રેન્જ સુધી લક્ષ્ય ભેદી શકતી મિસાઈલ અગ્નિ-૪નું સફળ પરીક્ષણ કર્યું છે.  આ મિસાઈલની લંબાઈ ૨૦ મીટર છે. ૧૭ ટન વજન ધરાવતી અગ્નિ-૪ મિસાઈલ ૪૦૦૦ કિલોમીટર સુધી લક્ષ્ય ભેદી શકવા સક્ષમ છે. અગ્નિ-૪ અચૂક નિશાન ભેદી શકે તે માટે તેમાં રિંગ લેયર ગાયરો બેસ્ડ ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમ અને માઈક્રો નેવિગેશન સિસ્ટમ લગાવવામાં આવી છે. અગ્નિ-૪માં એક હજાર ટન સુધી વજનના હથિયારો વહન  કરવાની   ક્ષમતા છે. અગ્નિ-૪ ચીનના ઘણા પ્રદેશ સુધી નિશાન સાધી શકવા સક્ષમ છે.

ગઈ૨૬મી ડિસેમ્બરે ભારતે અગ્નિ-૫ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. અગ્નિ-૫ની નિશાન ભેદવાની રેન્જ ૫૦૦૦ કિલોમીટર સુધીની છે, એટલે કે એ મિસાઈલ અડધી દુનિયા ઉપર પ્રહાર કરી શકવા સક્ષમ છે.  આ  મિસાઈલ ચીનના મોટા ભાગના પ્રદેશ પર વાર કરી શકે છે.

જપાન સાથે સંબંધ સુધારીને મોદી સરકારે ઘોંચમાં પડેલો ૧૨ ેંજી-૨ૈ એમ્ફિબિયસ એરક્રાફ્ટ ખરીદવાની રૃ. દસ હજાર કરોડની યોજના પુનઃજીવિત કરી છે.

આ જાપાનીઝ એરક્રાફ્ટ ખરીદીને નૌસેના અને કોસ્ટ ગાર્ડ સિક્યોરિટી માટે ફાળવવામાં આવશે. જમીન અને પાણી બંને પરથી ટેક ઑફ કરી શકતા આ પ્લેન ખૂબ જ ઓછા સમયમાં ટેક ઑફ કરી શકે છે. એટલું જ નહીં, તેમાં ચાર મોટા ટર્બો પ્રોપ્સ એન્જિન હોય છે. આ એરક્રાફ્ટ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ પ્રકારના એરક્રાફ્ટ ઈમર્જન્સીની સ્થિતિમાં ટૂંક જ સમયમાં કોઈ સ્થળે પહોંચાડી શકાય છે. નૌસેનાના સૂત્રોના જણાવ્યાનુસાર, ેંજી-૨ૈ એરક્રાફ્ટ સબમરિનથી લઈને હેલિકોપ્ટર જેવી ભૂમિકા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

છેલ્લાં ઘણાં સમયથી ચીન આક્રમક રીતે જમીન અને દરિયાઈ ટેરિટરી પર દાવા કરી રહ્યું છે. આ કારણસર ભારત પણ વાયુસેના અને નૌસેનાને ઝડપથી અપડેટ કરી રહ્યું છે. ભારત અમેરિકા અને જાપાન જેવા દેશ સાથે ઝડપથી દ્વિપક્ષીય સંબંધ મજબૂત કરી રહ્યું છે એનું આ તાજું ઉદાહરણ છે.

જોકે ભારતે આટલી સુરક્ષા વધારી હોવા છતા મોટાભાગની ચીન સરહદે ભારત ઘણુ જ નબળુ પડી રહ્યું છે. જેમ કે ૪૦૫૭ કિમી લાંબી એલએસી સરહદે ભારતના રોડ અને રસ્તા બહુ જ ખરાબ છે. અહીં રેલ કનેન્ટિવિટી પણ સાવ નબળી છે.  હાલ સરકાર દ્વારા આશરે ૭૩ જેટલા રોડને ડેવલપ કરવા માટે પસંદ કર્યા છે. પણ અત્યાર સુધીમાં માત્ર ૨૩ રોડ જ વિકસાવી શકાયા છે. આ ઉપરાંત ૧૪ જેટલી રેલવે લાઇનો પણ અહીં નાખવાની બાકી છે. એટલે કે ચીન સામે સુરક્ષા મામલે ભારત હજુ પણ ઘણુ જ નબળું છે. જ્યારે બીજી તરફ ચીન દરેક સરહદે તેની સુરક્ષા વધુ મજબુત બનાવી રહ્યું છે.

 

Post Comments