Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

આકાશી વીજળી જમીન પર મોત બનીને ત્રાટકે ત્યારે...

વિશ્વમાં કુલ ૨૪ હજારથી વધુ લોકોના મોત વીજળી પડવાથી થાય છે. એક માહિતી મુજબ ભારતમાં દર વર્ષે વીજળી પડવાથી ૨ હજારથી વધુ લોકોના મોત થાય છે

દર વર્ષે દુનિયામાં વીજળી ચમકવાના અને પડવાના વીસ કરોડ કરતાં પણ વધુ બનાવ બને છે. આપણા દેશમાં અત્યારે ચોમાસું ચાલે છે.

એટલે આપણે વીજળીના કડાકાભડાકા અનુભવીએ છીએ પણ દુનિયામાં બીજા દેશોમાં પણ તમે આ વાંચતા હશો ત્યારે છસ્સો જેટલાં સ્થળોએ વીજળીનો ગડગડાટ થતો હશે, મેઘગર્જના, તોફાન, વીજળી પડવી વગેરે બનાવો દર વર્ષે કરોડોની સંખ્યામાં બને છે.

ભારતમાં છેલ્લા બે અઠવાડિયામાં આકાશી વીજળી પડવાથી ૧૫૦ થી પણ વધુ લોકોના મોત થયા  હતા.  બિહારમાં  એક ગામની  બહાર નદી કિનારે  એક સાથે ૩૧ જણ વીજળી પડવાથી  મરી ગયા. તાજેતરમાં જ એવા સમાચાર આવ્યા છે કે  વિશ્વમાં કુલ ૨૪ હજારથી વધુ લોકોના મોત વીજળી પડવાથી થાય છે.જયારે ૨.૫ લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે.એક માહિતી મુજબ ભારતમાં  દર વર્ષે વીજળી પડવાથી ૨ હજારથી વધુ લોકોના મોત થાય છે.ભારતમાં આકાશી વીજળીનો  મૃત્યુ આંક  દુનિયામાં સૌથી ઉંચો છે.

આપણા દેશમાં ચોમાસાની ઋતુમાં અવારનવાર વીજળી પડે છે અને તેથી જાનમાલની નુકસાની થાય છે. મકાન પર વીજળી પડે તો ભારે ખાનાખરાબી થાય છે.

હજારો વર્ષોથી માનવી ગાજવીજનાં દ્રશ્યો કુતૂહલતાથી જોતો આવ્યો છે. કેટલાંય લોકો તો મેઘગર્જના અને વીજળીથી ડરીને વરુણ દેવતાની પૂજા કરે છે. વીજળી શાથી થાય છે અને મેઘગર્જનાનું કારણ શું છે તેનું રહસ્ય જાણવાનો સૌ પ્રથમ પ્રયાસ બર્લિનના વિજ્ઞાાની લુડોર્ફે કર્યાે તેમાં વધુ સફળ સંશોધન અમેરિકાના બેન્જામિન ફ્રેંકલિને કર્યું.

ભેજવાળી ગરમ હવા જ્યારે સીધી ઉપર આકાશમાં ચડવા લાગે ત્યારે કોઇવાર તો ૨૫,૦૦૦ મીટર કે તેથી પણ વધુ ઊંચે ચડી જાય છે. આ હવા જેમ વધુને વધુ ઊંચે જાય તેમ ઠંડી પડતાં ઠરી જાય છે અને મેઘાડંબર રચાય છે. જેમાંથી વાદળા બને છે. આ વાદળોનો ભાર વધે છે અને પવનના સપાટામાં તે નીચે આવે છે. ઉપર જતી ગરમ હવા અને નીચે ધસી આવતાં વાદળો બીજા વાદળો સાથે અંદરોઅંદર અથડાવાથી મેઘગર્જના થાય છે. આ વાદળોની નીચે ઋણભાર (નેગેટીવ ચાર્જ) હોય છે.

અને ઉપર ઘનભાર હોય છે. જેમ-જેમ વાદળ આગળ વધે તેમ-તેમ તેની પહોંચની જમીન ઘનભારવાળી બનતી જાય છે. જમીન પરનો ઘનભાર સતત વાદળામાંના ઋણભારને આકર્ષતો હોય છે, પણ વાદળો અને જમીન વચ્ચેની હવા અવરોધરૃપ બનતી હોવાથી વીજળી જમીન પર પડતી નથી. આ દરમિયાનમાં પવનના સપાટામાં વાદળો સતત વલોવાતાં હોય છે તેથી તેમનાં જળબિંદુઓમાં સતત ઘર્ષણ થતાં તેમાં વધુને વધુ વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે.

હવે વાદળોમાંના ઋણભાર અને જમીનપરના ઘનભાર વચ્ચે તીવ્ર આકર્ષણ પેદા થાય છે. વાદળો વધારાના વીજભારમાંથી મુક્ત થવા મથે છે. હવા જે શરૃઆતમાં અવરોધ (ઇન્સ્યુલેટર) રૃપ હતી તે હવામાંના રજકણોનાં ઇલેક્ટ્રોનની વાહક બનતી જાય છે અને છેવટે વીજળીને જમીન તરફ ધસી જવામાં સહાયરૃપ બને છે. જમીન તરફ ધસતી દેખાતી વીજળી ખરેખર તો ઇલેક્ટ્રોન પરમાણુઓનો પ્રવાહ છે.

વીજળી પડતી આપણે જોતા હોઇએ ત્યારે સાથે-સાથે આકાશમાં ગડગડાટી થતી સંભળાય છે. આ બન્ને ક્રિયા આપણને એક સાથે થતી હોય તેવું લાગે છે. વાસ્તવમાં વીજળી પહેલાં દેખાય છે અને પછી મેઘગર્જનાનો અવાજ સંભળાય છે. આનું કારણ એ છે કે પ્રકાશની ગતિ અવાજની ગતિ કરતાં ઘણી તેજ છે. પ્રકાશની ગતિ દર સેકન્ડદીઠ ત્રણ લાખ કિલોમીટર જેટલી છે જ્યારે અવાજ દર ત્રણ સેકન્ડમાં એક કિલોમીટરની ગતિએ આગળ વધે છે.

તેથી વીજળી દેખાયા પછી ત્રણ-ચાર સેકન્ડે ગડગડાટ સંભળાય છે. વીજળી થાય કે તરત જ એક, બે, ત્રણ, ચાર એમ સેકન્ડ  ગણવા માંડીએ પછી ગર્જના થાય ત્યાં સુધીમાં જો પાંચ સેકન્ડ થાય તો વીજળી ૧.૬ કિલોમીટર દૂર થઇ કહેવાય. આમ, વીજળી દેખાવાના અને ગર્જના સંભળાવાની વચ્ચે જે સમય ગાળો હોય છે તેના પરથી કેટલે દૂર વીજળી થઇ હશે તે કહી શકાય.

વીજળીમાં ૧૭,૦૦૦ થી ૨૮,૦૦૦ સેન્ટીગ્રેડ ગરમી હોય છે. આમ, વીજળી સૂર્યની સપાટી કરતાં ત્રણથી પાંચ ગણી વધારે ગરમ હોય છે. આટલી ભયાનક ગરમીને કારણે વીજળીની શક્તિ એવી પ્રચંડ હોય છે કે તે જમીન પર પડે ત્યારે તેના માર્ગમાં જે કોઇ આવે તેને ચીરી નાખે છે. મકાન, બંધ, તોતિંગ ઇમારતો, વૃક્ષ જે કંઇ વીજળીના માર્ગમાં આવે તે ધરાશાયી થઇ જાય છે અને વીજળી જમીનમાં ઉતરી જાય છે.

વીજળીનો પ્રવાહ ૨૦ કરોડ વોલ્ટના દબાણે વહે છે એ વીજળીના લિસોટામાં હોય છે ત્યારે ત્યાં સૂર્યની સપાટી કરતાં ચાર ગણુ ંવધારે તાપમાન થતાં પ્રચંડ ગરમી ઉત્પન્ન થાય છે. આટલો પ્રચંડ વીજળીનો પ્રવાહ આપણાં શરીરમાંથી પસાર થાય તો સ્વાભાવિક જ આપણે ભસ્મીભૂત થઇ જઇએ પરંતુ સદનસીબે આ પ્રવાહ સેકન્ડનાં હજારમાં ભાગ જેટલા સુક્ષ્મ સમય માટે જ વહે છે. અલબત્ત હાનિ તો કરે છે. કેટલીક વાર ત્વરિત હાનિ થાય છે. કેટલીક વાર લાંબા ગાળે હાનિ થાય છે.

એક વખત આ વીજળીનો પ્રવાહ શરીરમાં દાખલ થાય એટલે શરીરમાં જે માર્ગ પર તેને ઓછો અવરોધ નડે તે માર્ગે તે શરીરમાં વહે છે. ક્યા માર્ગે આ પ્રવાહ વહ્યો છે તે જાણવું ઘણું મહત્વનું છે. તે ક્યો માર્ગ લેશે તે બાબત વીજળીના પ્રવાહની તીવ્રતા કેટલી છે તેના પર આધારિત છે. આપણે જાણીએ છીએ કે આપણું શરીર તો જ્ઞાાનતંતુઓ અને રક્તવાહિનીઓની જાળ ધરાવે છે.

તે બધાં હૃદય, મગજ, કરોડરજ્જુ અને પાચનતંત્રમાં પ્રસરેલાં છે. વીજળીના પ્રવાહને કારણે જ્ઞાાનતંતુઓ અને રક્તવાહિનીઓની જે સરકીટ હૃદય અને મગજ સાથે સંકળાયેલ છે તેના પર પ્રભાવ પડતાં હૃદય થંભી જાય છે. અને મગજમાંના જ્ઞાાનતંતુને એવી અસર થાય છે જેથી શ્વાસોચ્છવાસ અટકી જાય છે.

અલબત્ત ઘણાં કિસ્સામાં હૃદય ફરી ચાલુ થઇ જાય છે પરંતુ મગજનો જે ભાગ શ્વાસોચ્છવાસનું નિયમન કરે છે તેને કાર્યરત થતાં સમય લાગે છે. ઘણીવાર તો હૃદય ચાલતું હોવા છતાં શ્વાસોચ્છવાસ ચાલુ નહીં થતાં મૃત્યુ થાય છે. જો વિજળીનો પ્રવાહ ખૂબ તીવ્ર હોય તો શરીરના તમામ ચેતાકોષો તુરંત નાશ પામે છે. આ ચેતાકોષોને કારણે તો આપણામાં ચેતના હોય છે.

તેના થકી તો આપણાં શરીરના અવયવોનું હલનચલન થતું હોય છે. તેથી ચેતાકોષો નાશ પામે તો મોટી સમસ્યા સર્જાય છે. ચેતન વિનાનો માણસ જીવિત હોય તો પણ શું ? ઘણીવાર તાત્કાલિક ચેતાતંત્રને હાનિના કોઇ ચિહ્નો દેખાતાં નથી, પરંતુ પાછળથી દેખાય છે. તેનું કારણ એ છે કે, ઘણીવાર ચેતાકોષો તુરંત નાશ પામતા નથી. પરંતુ વીજળીના પ્રવાહના કારણે ચેતાકોષોના પડમાં સુક્ષ્મ છિદ્રો પડી જાય છે.

આ પ્રક્રિયાને 'ઇલેકટ્રોપોરેશન' કહે છે. જેવી રીતે ચાળણીમાં પાણી રહેતું નથી. તેમ આવા કોષોમાં પોષકતત્વો રહેતાં નથી. આવા કોષ પણ અંતે નાશ પામે છે. આ સ્લો-મોશન એટલે કે ધીમી ગતિએ થતી પ્રક્રિયા છે. જેવા પૂરતાં પ્રમાણમાં કોષ નાશ પામે એવા દર્દીને ચેતાતંત્રની ખામીઓની અસર વિવિધ રીતે થવા લાગે છે.

૧૦ હજાર વોલ્ટનો કરંટ જયારે શરીરમાંથી પસાર થાય ત્યારે ઓર્ગન ડેમેજ થાય છે અને નર્વસ સિસ્ટમ પર ભારે અસર કરે છે. શહેરોમાં ઉંચી બિલ્ડિગો પર લાઇટનિંગ પોલ હોય છે આથી બિલ્ડિંગને નુકસાન થતું નથી. અમેરિકામાં વર્ષે માત્ર ૩૦ થી ૩૫ લોકોના મોત થાય છે. ઇસ ૧૭૮૭માં લંડનમાં વીજળીથી મોતને ભેેટેલા લોકોની યાદમાં મેમોરિયલ પણ બનાવવામાં આવ્યું છે.

'ઈલેક્ટ્રોપોરેશન' ની પ્રક્રિયામાં  ઈજાગ્રસ્તને  એક મિનિટ ઠંડી લાગે છે તો બીજી મિનિટે પરસેવો વળે છે. વારંવાર મૂર્છા આવી જાય. જ્યારે તણાવ ઓછામાં ઓછો હોય ત્યારે પણ અત્યંત ગભરાટ થાય અને ચિત્તભ્રમ  થાય છે. યાદદાસ્તમાં ખામી સર્જાય છે. તમે સાયકલ, સ્કૂટર, કે ગાડી ચલાવતા હો તો તે પણ ભૂલી જાઓ છો. કેટલાકના હાથ-પગમાં કળતર થયા કરે છે.

જમીનમાં પણ ખૂબ કઠોર ખડકોને વીજળી ચીરી નાંખે છે. રેતીને પીગાળી નાંખી કાંચમાં ફેરવી નાખે છે. આવી રીતે બનેલા કાચ જેવા ગઠ્ઠાને ફલ્ગ્યુરાઇટ કહે છે. જમીન પર જે ઠેકાણે વીજળી પડી હોય ત્યાં તે ફાંટાવાળા દર બનાવે છે. ડુંગરો પર પડે તો ત્યાં કાપાકાપાવાળી આકૃતિ જેવું ભંગાણ બનાવે છે. સહારાના રણમાં બે ઇંચના વ્યાસ અને ૪૦ ફૂટની ભંગાણ ધરાવનારા કાચના ગઠ્ઠા મળી આવ્યા છે.

આ ગઠ્ઠા બનાવવા માટે ૧૭૦ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલી ગરમી જોઇએ. વળી, આ ગઠ્ઠાનું પૃથક્કરણ કરતાં ખબર પડી કે તે ધરતીની સપાટી પર જ બની ગયો હતો. આમેય વીજળી જમીન પર પડે પછી અંદર ઉતરી જતી નથી પણ જમીનના સંસર્ગમાં આવતાં જ જમીન પરના પોઝીટીવ ચાર્જ જોડે નષ્ટપ્રાય થઇ જાય છે.

વીજળી સખત ગરમી ધરાવે છે પણ વિજ્ઞાાનીઓ 'ઠંડી વીજળી'નો પણ ઉલ્લેખ કરે છે. આવી વીજળી સેકન્ડના ૧૦૦માં ભાગમાં જ ઝબકીને નષ્ટ થઇ જાય છે તેથી આવી વીજળી નુકસાનકર્તા હોતી નથી. આવી વીજળીથી મોટા કડાકા બોલતા હોય તેવો અવાજ થાય છે.

આકાશમાં થતી વીજળી અને આપણે જે વીજળી ઘરમાં વાપરીએ છીએ તે બન્ને સરખી જ છે. આકાશમાં થતી વીજળી સેંકડો કિલોમીટર લાંબો એક વિદ્યુત પ્રવાહનો પટ્ટો હોય છે. રેડાર વડે એકવાર ૧૬૦ કિલોમીટર લાંબો વીજળીનો લિસોટો મપાયો છે.

હવા ભરેલાં બલૂન આકાશમાં ચડાવીને પણ આકાશી વીજળી વિશે સંશોધન થયું છે. વીજળીનો જે ચમકારો આપણે આકાશમાં જોઇએ છીએ તે તો સેકન્ડના હજારમાં ભાગમાં દેખાઇને અદ્રશ્ય થઇ જાય છે. છતાં એ વીજળીની અસર મગજમાં એવી છાપ છોડી જાય છે કે વીજળી લાંબો સમય દેખાઇ હોય તેવો ભાસ થાય.

વીજળી આપણને અમુક રીતે ઉપકારક છે. વીજળી થાય ત્યારે તે હવામાંનાં પ્રાણવાયુ (ઓક્સિજન)ને ઓઝોન વાયુમાં ફેરવી નાંખે છે. ઓઝોન વાયુ શ્વાસમાં લેવાથી વધુ સ્ફૂર્તિ લાગે છે. વળી, તે વાતાવરણને જંતુરહિત બનાવે છે તેથી વીજળી થવાથી હવા સ્વચ્છ બને છે અને હવા તાજી લાગે છે.

હવામાંના નાઇટ્રોજનની સાથે સંસર્ગમાં આવતા વીજળી એવો ફેરફાર કરી નાખે છે કે વરસાદના ટીપાં સંયોજિત થયેલાં નાઇટ્રોજન સાથે ખેતરમાં પડતાં તે વનસ્પતિ માટે પોષણયુક્ત બને છે. વળી, વીજળીથી વાયુમંડળ દ્વારા છીનવી લેવાયેલા ઇલેક્ટ્રોન વાતાવરણમાં પાછા આવે છે.

જોકે, વીજળીની વિનાશક શક્તિ પારાવાર છે તેથી આપણે તેને હંમેશાં ખતરારૃપ જોતા આવ્યા છીએ. વિજ્ઞાાનીઓના અંદાજે વીજળી પડવાથી કોઇનાં મરણની શક્યતા ચોવીસ લાખ વ્યક્તિઓમાં એક વ્યક્તિની છે.

હવે વીજળી ક્યા વિસ્તારમાં પડશે એ અડધાથી એક કલાક પહેલાં જાણી એનાથી થતા જાનમાલના નુકસાનને નિવારી શકાશે. ઇન્ડિયન મિટિયરોલોજી ડિપાર્ટમેન્ટ (આઇએમડી) અને પુણેની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રોપિકલ મિટિયરોલોજી (આઇઆઇટીએમ)ના સહયોગથી દેશભરમાં ૩૫ સ્થળે આમાટેનાં સેન્ટરો બેસાડવામાં આવશે.

લાઇટનિંગ ડિટેકશન નેટવર્ક નામના પ્રોજેક્ટ હેઠળ બેસાડવામાં આવનારાં આ સેન્સરો વીજળી ચમકાવવાના સ્થળ તેમજ વાદળોની સ્થિતિ, ઝડપ અને દિશા દ્વારા વીજળી પડવાના ચોક્કસ વિસ્તારને નક્કી કરશે.

અત્યારે આ પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જો બધી ફોર્માલિટી સમયસર પૂરી થઇ જશે તો આવતા એપ્રિલ મહિનાથી આ પ્રોજેક્ટનું ંકામ શરૃ થઇ જશે. આ સમગ્ર પ્રોજેક્ટ ટાઇમ ઓફ અરાઇવલ ટેકનિક પર કામ કરશે, જેમાં વાદળોના ગગડાટ, વીજળી ચમકવાના સ્થળ, વાદળોની સ્થિતિ અને દિશા પરથી વીજળી ક્યાં પડશે એ વિસ્તારનું અનુમાન કરી શકાશે. જો કે સેન્સર વીજળી પડવાનું ચોક્કસ સ્થળ નહીં જણાવે. પણ વીજળી પડવાની શક્યતાવાળા દસ કિલોમીટરના વિસ્તારની માહિતી આપી શકશે.

મહારાષ્ટ્રમાં વીજળી પડવાથી છેલ્લા એક વર્ષમાં ૬૬૪ લોકો મૃત્યુ પામ્યા છે. જેમાંથી ૪૬ લોકો તો મરાઠાવાડાના હતા. આ પ્રોજેક્ટથી વીજળીથી થતું નુકસાન અને જાનહાનિ કેવી રીતે નિવારી શકાશે એવા સવાલના જવાબમાં એક અધિકારીએ કહ્યુ ંહતું કે, '' ભારતમાં લાઇટનિંગ ડિટેકશન નેટવર્કનો અમલ પ્રથમ વખત થઇ રહ્યો છે એટલે આ પ્રોજેક્ટ દ્વારા અમારે ઘણુંબધું શીખવાનું છે. પણ અમારો પ્રયત્ન રહેશે કે, પ્રોજેક્ટ સંપૂર્ણપણે સફળ થાય. અમેરિકા, ચીન, યુરોપ અને બ્રાઝિલ જેવા દેશો તો આ પ્રોજેક્ટની સફળતાનો સ્વાદ ચાખી ચૂક્યા છે.

અમેરિકામાં આ પ્રોજેક્ટ છેલ્લાં પંદર વર્ષથી ચાલી રહ્યો છે. સેન્સર દ્વારા ઓળખાયેલા વિસ્તારના લોકોને ચેતવણી આપી ઘરની અંદર જવાની સૂચના આપવામાં આવશે. તેમ જ ઇલેકટ્રોનિક્સનાં સાધનો બંધ કરવાનું પણ કહેવામાં આવશે.

આમ કરવાથી ઘણુંબધું નુકસાન થતું અટકાવી શકાશે. સમગ્ર દેશમાં ૨૦૦ કિલોમીટરના અંતરે લગાડવામાં આવનારાં સેન્સરોનું સંચાલન આઇઆઇટીએમ ઇન્ટરનેટ દ્વારા કરશે. પ્રોજેક્ટના અમલ પછી જરૃર જણાતાં ધીરે-ધીરે સેન્સરોની સંખ્યા વધારવામાં આવશે.''

મહારાષ્ટ્રના મરાઠાવાડા, પશ્ચિમ બંગાળ અને આસામના કેટલાક પ્રદેશોમાં વીજળીથી મૃત્યુનો દર ઘણો ઊંચો છે. આનું કારણ સમજાવતાં તેમણે કહ્યું હતું કે આ વિસ્તારોમાં ખુલ્લા મેદાનો અને ખેતરો વધુ છે. વીજળી હંમેશાં બિલ્ડીંગ, ઝાડ, થાંભલો, માણસ કે પ્રાણીમાં જે ઊંચું હોય તેના પર જ પડે છે.

મરાઠાવાડામાં ઝાડનું પ્રમાણ ઓછું હોવાથી વીજળી ખેતરમાં કામ કરતાં ખેડૂત કે ચરતા પ્રાણી પર પડે છે. આથી ઊંધું કોંકણમાં વૃક્ષોનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં વીજળીથી જાનહાનિ નહીંવત છે. ત્યાં વીજળી ભાગ્યે જ જમીન પર પડે છે. આસામમાં વીજળી પડવાનું પ્રમાણ વધુ છે. આ પ્રોજેક્ટ માટે લગભગ ૫૦ લાખ રૃપિયાનું એક એવાં ૩૫ સેન્સર ખરીદવાનું નક્કી થયું છે.

એક માહિતી મુજબ ખેતરમાં કામ કરતા લાખો મજૂરોની ખુલ્લામાં રહેવાની  ટેવના કારણે વીજળીનો સૌથી વધુ ભોગ બને છે. ચોમાસા દરમિયાન આકાશી વીજળી નીચે આવે ત્યારે તે કોઇ પસાર થવા માટે કોઇ વાહક શોધે છે.માણસનું શરીર વીજળીનું સુવાહક હોવાથી ઝડપથી પસાર થઇ જાય છે.વૃક્ષો નીચે રહેતા લોકો અને પશુઓ પણ વીજળીનો ભોગ બને છે.

આ સેન્સરનો લાભ તો જ્યારે મળવાનો હશે ત્યારે મળશે. પરંતુ વીજળી પડવા જેવા વાતાવરણમાં સલામતી માટે આપણે આટલું કરવું જોઈએ  :  આકાશમાં વીજળી થતી હોય ત્યારે ઘરમાં જતાં રહેવું જોઇએ. જો જંગલમાંથી કે રસ્તા પરથી પસાર થઇ રહ્યા હોઇએ તો પોતાની રક્ષા માટે જમીન પર બેસી જવું જોઇએ, તે વખતે પણ પગની એડી જમીનને અડેલી રહે તેમ બેસવું જોઇએ જેથી વીજળી આપણાં પર પડે તો પણ બરોબર જમીનમાં ઉતરી જાય અને આપણને કોઇ હાનિ ન થાય તેમ જ ખબર ન પડે.

ઝાડ નીચે ઉભા ન રહેવું જોઇએ કારણ કે ઝાડ ઉપર વીજળી પડવાની શક્યતા સૌથી વધુ રહેલી છે. આ જ રીતે તારની વાડ નજીક કે લોખંડના પતરાં કે છાપરાં નીચે ઉભા રહેવું નહીં. પાણીમાં તરતાં હોઇએ તો પાણીની બહાર નીકળી જવું જોઇએ. હાથમાં ધાતુની કોઇ પણ ચીજ હોય તો તે તરત જ ફેંકી દેવી જોઇએ. સાયકલ પર જતા હોઇએ તો નીચે ઉતરી સાયકલને છોડી દેવી જોઇએ.

વીજળી પડવાની હોય તેનાં થોડા સમય અગાઉ આપણા માથાના વાળ અને રૃંવાટીને તે ખબર પડે છે. આવે સમયે માથાના વાળ અને રૃંવાટી ઉભાં થઇ જાય છે. તેમ જ ચામડી ધુ્રજે છે. પરંતુ આપણા કમનસીબે આસપાસના ઘોંઘાટને લીધે આ સૂક્ષ્મ ફેરફારનો આપણને અહેસાસ નથી થતો. વીજળીના ચમકારા થતા હોય ત્યારે રેડિયો, ટેલિવિઝન, ઇલેક્ટ્રીક સગડી વગેરેથી દૂર રહેવું જોઇએ.

વીજળીથી ઇમારતને કે ઘરને થતા નુકસાનથી બચાવવા તેની પર તાંબાની પ્લેટ અને તેની સાથે જોડેલાં તાંબાનો વાયર જમીનમાં દાટવાનો હોય છે. તાંબુ દીવાલ કરતાં વધુ સારું વાહક (કન્ડક્ટર) હોવાથી વીજળીને આકર્ષીને સીધી જમીનમાં ઉતારી દે છે. તેથી ઇમારત કે ઘરને નુકસાન થતું નથી. આ 'કરામત'ને અર્થીંગ કહે છે.
 

Post Comments