Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

મહાનગર મુંબઈમાં ગોઠવાયેલું સીસીટીવી કેમેરાનું વિરાટ નેટવર્ક

૧૮૦૦૦ સીસીટીવી ગોઠવાયા પરંતુ પોલીસકર્મીઓને આ ટેક્નોલોજીની  તાલીમ નહીં આપવામાં આવે ત્યાં સુધી આ કવાયત નિરર્થક સાબિત થશે

છેલ્લા થોડા વર્ષોથી મુંબઈ લગાતાર ત્રાસવાદી હુમલાનો ભોગ બનતું રહ્યું છે. આ સાથે જ શહેરમાં ગુનાખોરીનો દર પણ ઝડપથી વધી રહ્યો છે. આ સિનારિયામાં રૃ. ૬૦૦ કરોડના ખર્ચે પાંચ હજાર સીસીટીવી (ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન) કેમેરા બેસાડવાથી જાપ્તો વધી જશે.

મુંબઈમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮ની સાલમાં થયેલાં આતંકવાદી હૂમલા બાદ આઠ  વર્ષમાં ફક્ત સીસીટીવી બેસાડવા અંગે ફક્ત ચર્ચા સુધી જ મર્યાદિત રહ્યું હતું.

પરંતુ હવે  ૬ હજાર સીસીટીવી બેસાડવાના વિષય આખરે ટ્રેક પર આવ્યો છે.  આ માટે એલ એન્ડ ટી (લાર્સન એન્ડ ટુબ્રો) કંપનીને ૯૫૦ કરોડ રૃપિયાનો કોન્ટ્રેક્ટ  અપાયો  હતો.    મુંબઈભરમાં અંદાજે દોઢ હજાર ઠેકાણે સીસીટીવી બેસાડવાનું નકકી કરવામાં આવ્યું છે. આ યોજના શરૃ થયા બાદ લંડન પ્રમાણે જ સીસીટીવીની નજર હેઠળ રહેતું દેશનું પહેલું શહેર બની  રહેશે.

મુંબઈમાં થતાં આતંકવાદી હૂમલા બાદ સુરક્ષા બાબતે વધુ કઠોર ઉપાય સૂચવવા માટે નિમણૂક કરાયેલી સમિતીએ મુંબઈભરમાં અનેક ઠેકાણે સીસીટીવી કેમેરાની નજર રાખવાનો આગ્રહ કરી ભલામણ કરવામાં આવી હતી. પરંતુ ગૃહખાતામાં કેટલાંક અધિકારી અને પોલીસ હેડક્વોટર વચ્ચે મતભેદ અને મગજમારીને કારણે આ યોજના કાગળ પર જ રહી હતી. આ બાબતે ટેન્ડર પ્રક્રિયા બાદ ગયા ડિસેમ્બરમાં બીડ મંજૂર થઈ હતી.

સીસીટીવી દ્વારા શહેર પર નજર રાખવા પેન, ટિલ્ટ અને ઝૂમ એમ પીટીઝેડ કેમેરા વાપરવામાં  આવી રહ્યા છે.    નકકી કરેલાં પ્રત્યેક ઠેકાણે ત્રણથી ચાર કેમેરા બેસાડાઈ રહ્યા છે.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે નાની શેરીઓના અપરાધોથી માંડીને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનના ગુના, શારીરિક સંબંધોના અપરાધોથી  માંડીને ચેનની તફડંચીના બનાવો તથા કયારેક સંજય ગાંધી નેશનલ પાર્કા દીપડા માનવવસતિમાં ટહેલતા હોવાની ઘટના સુધીના જે કોઇ બનાવો મુંબઇ શહેર અને ઉપનગરોમાં બનશે તેને અમારા આ ક્લોઝડ્ સર્કિટ ટીવી (સીસીટીવી) કેમેરા લાઇવ (જીવંત) સ્વરૃપે રેકોર્ડ કરશે.

છ  વર્ષ પહે લાં મહારાષ્ટ્રના  તત્કાલીન  ગૃહપ્રધાન આર. આર. પાટીલ અને તેમની ટીમ સીસીટીવી સિસ્ટમની કાર્યસાધકતાનો અભ્યાસ કરવા લંડનની મુલાકાત લઈ આવ્યા બાદ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પાંચહજાર સીસીટીવી બેસાડવાની યોજના તૈયાર કરવામાં આવી હતી.  પાટીલે કેબિનેટમાં સીસીટીવી વિશેના  પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે લંડનમાં ૧૯૬૭થી સીસીટીવીનો ઉપયોગ કરવામાં આવે છે અને અત્યારે ત્યાં ૧૮ લાખ ૫૦૦ જેટલા કેમેરા પોલીસને મદદ કરી રહ્યા છે.

આ કેમેરાએ જ ૨૦૦૫માં લંડનમાં થયેલા બોમ્બ વિસ્ફોટ ઉપરાંત અન્ય ગુનાઓનું પગેરું શોધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહી પાટીલે ઉમેર્યું હતું કે, મુંબઈમાં ચોરે ન ચૌટે સીસીટીવી કેમેરા લગાડવામા આવશે તો તે કટોકટીના સંજોગોમાં ઝડપી પગલાં લેવામાં સહાયક થશે. અમે કેમેરા, કનેક્ટિવિટી અને કંટ્રોલ એમ ત્રણ બાબતો પર લક્ષ્ય કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે.

અત્રે  એક વાત   ખાસ   નોંધવી પડે કે   આ સીસીટીવી સર્વેલન્સ કેમેરાઓ કાર્યરત થયાના ચોવીસ કલાકની અંદર આ કેમેરાની ઉપયોગીતાનો પરચો મુંબઈ પોલીસને મળી ગયો હતો. કાલબાદેવીના એક માર્ગ પર રસ્તા પરના ખૂમચામાં સિલિન્ડર બ્લાસ્ટ થતા આ વ્યસ્ત જંક્શન પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

કન્ટ્રોલ રૃમમાં બેઠેલા અને સીસીટીવી કેમેરાએ પાઠવેલી તસવીરોનું નિરીક્ષણ કરી રહેલા આધિકારીઓને આની તત્કાળ માહિતી મળી ગઈ અને એમણે તાત્કાલિક પ્રતિસાદ આપીને નજીક રહેલી ટ્રાફિક પોલીસથી ટુકડીને ઘટના સ્થળે મોકલી આપી.  એટલું જ નહીં, આ અધિકારીઓએ    તત્કાળ પરિસ્થિતિ સંભાળી લીધી અને ટ્રાફિક ક્લીયર કરી નાખ્યો.

એજ રીતે વિક્રોલીમાંના એક વ્યસ્ત અને ધમધમતા માર્ગ પર એક કાર ડ્રાઈવરે રોંગ સાઈડમાં ગાડી ચલાવી રિક્ષાને ઠોકર મારી હતી. આની અસરથી રિક્ષામાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ સહિત ડ્રાઈવર બહાર ફેકાઈ ગયા. આ ઘટના થઈ એની ગણતરીની મિનિટોમાં પોલીસ અકસ્માતના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલ થયેલાઓને પોલીસે સમયસર હોસ્પિટલ પહોંચાડયા હતા અને ડ્રાઈવરને ઝબ્બે  કર્યો હતો. સીસીટીવી કેમેરા ન હોત તો બન્ને કિસ્સાઓમાં પ્રતિસાદ મળતા વિલંબ થાત. બીજી ઘટનામાં તો એવી પૂરેપૂરી શક્યતા હતી કે અકસ્માત કરનાર ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય.

જોકે સિક્યુરિટી નિષ્ણાતો આતંકવાદીઓને ઝબ્બે કરવામાં તથા હુમલા બાદ તપાસમાં સીસીટીવી કેમેરાની ઉપયોગિતા વિશે શંકા સેવે છે. કેટલાકનું કહેવું છે કે સીસીટીવી સાવધાની વર્તવામાં મદદરૃપ થઈ શકે પરંતુ આરોપીની તસવીર મળ્યા બાદ પણ કેસ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ થઈ શકે છે.

આતંકવાદી હુમલાના સંદર્ભમાં સુરક્ષા નિષ્ણાતો કહે છે કે આના બદલે ખબરી, સિક્યુરિટી કંપનીઓ, પોલીસ ઉપરાંત વેપારીઓ, કંપનીઓ તથા જનસામાન્યને સમાવીને વ્યવસ્થિત ઇન્ટેલિજન્સ નેટવર્ક ઊભું કરવું જરૃરી છે. વળી સીસીટીવી લગાડી દીધા પછી તેના મોનિટરિંગ માટે પણ સમર્પિત ટીમનું ગઠન કરવું જરૃરી છે. જ્યારે શહેરના પોલીસ સૂત્રો સમર્પિત કર્મચારીઓ સાથેની અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમને જાળવવી મુશ્કેલ હોવાનું કબૂલે છે.

હાલમાં મુંબઈ શહેરમાં અનેક ઠેકાણે સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા છે. હાજીઅલી, મેટ્રો સિનેમા, સીએસટી, મંત્રાલય, ચર્ચગેટ જેવા મહત્ત્વના ટ્રાફિક જંકશન પર વાહનોની અવરજવર પર નજર રાખવા ૨૦૦થી  વધુ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. વાંદરા, ખાર અને વિલે પાર્લેમાં સહિત તમામ પરાઓમાં જાહેરસ્થળે સીસીટીવી છે. અમેરિકા, અફઘાન, ઇઝરાયલ, યુએઇ અને સાઉદી આરબ કોન્સ્યુલેટ જેવા  તમામ  મહત્ત્વના  સ્થળોએ  સીસીટીવી છે.

બાન્દ્રા વરલી-સી લિન્ક ઉપરાંત ફ્રીવે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સીસીટીવ કેમેરા છે. ૧૩/૭ના બોમ્બ વિસ્ફોટ બાદ પોલીસે કેટલાક વ્પારી વિસ્તારમાં સીસીટીવી બેસાડવામાં મદદ કરી હતી. આમાં મંગલદાસ માર્કેટમાં ૧૩૨, ઠાકુર દ્વાર માર્કેટમાં ૧૪૨ અને કાલબાદેવી બોલ બેરિંગ માર્કેટમાં ૬૦ સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા છે.

દક્ષિણ મુંબઈના તમામ પોલીસમથકો, બોમ્બે હાઇકોર્ટ, સેશન કોર્ટ, મંત્રાલય અને મુખ્ય પ્રધાનના રહેઠાણનું પણ સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે, તમામ બેંક, મોટાભાગના એટીએમ, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, મોલ્સ તથા ઘણી દુકાનોમાં પણ સીસીટીવી કેમેરા છે. જ્યારે શહેરના પાંચ ટોલનાકામાંથી પ્રત્યેકમાં ૧૦થી ૧૨ કેમેરા બેસાડવામાં આવ્યા છે.

જોકે ખેદજનક વાત એ છે કે અત્યાર સુધી પોલીસ કેમેરા ચાલુ છે કે નહીં તે બાબત પર જ ધ્યાન આપે છે. મોટાભાગના પોલીસકર્મીઓ સ્ક્રીન પર શું આવે છે તે જોવાની દરકાર સુદ્ધા કરતાં નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી પોલીસને આ બાબતની તાલીમ નહીં આપવામાં આવે ત્યાં સુધી સીસીટીવીની કવાયત નિરર્થક સાબિત થશે. જો કેમેરા સરખા ચાલતાં હશે, તેનું મોનિટરિંગ થતું હોય, ફૂટેજ પરથી સમયની સાચી માહિતી મળી શકે અને પોલીસ એકમો વચ્ચે સહકાર હોય તો જ સીસીટીવી મદદરૃપ સાબિત થઈ શકે. આ ઉપરાંત સીસીટીવીની જાળવણી થવી પણ જરૃરી છે.

ઝવેરી બજાર ખાતે થયેલા બોમ્બવિસ્ફોટમાં સીસીટીવી ફૂટેજ હોવા છતાં પોલીસ કેસ ઉકેલી શકી નથી. આથી નિષ્ણાતો કહે છે કે કેમેરા કરતાં જાસૂસોનું નેટવર્ક વધુ ઉપયોગી સાબિત થાય છે. આમ છતાં જો સરકાર સીસીટીવી બેસાડવાનો જ હઠાગ્રહ રાખતી હોય તો તેમણે પોલીસકર્મીઓને તાલીમ આપવી જોઈએ તથા વિઝ્યુઅલ્સ મોનિટર થઈ શકે તેવી માળખાકીય સવલતો પહેલાં ઊભી કરવી જોઈએ.

અમેરિકામાં ગુપ્તચરોનું નેટવર્ક જ મદદરૃપ સાબિત થઈ રહ્યું છે. સાવધાનીનાં પગલાંરૃપ શહેરભરમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવે તો 'રેડ એલર્ટ' જેવી સ્થિતિ થઈ જાય. અને આ જ રીતે ઠેરઠેર સીસીટીવી લગાડવામાં આવે તો નાગરિકો સતત એક પ્રકારની તાણમાં રહે.

ભીડભર્યા સ્થળે સીસીટીવી બેસાડવા યોગ્ય કહેવાય. પરંતુ આની પાછળ અઢળક રોકાણ કરવાથી સમસ્યા ઉકેલાઈ નહીં જાય. આના બદલે ન્યુ યોર્કની જેમ સરકારી-ખાનગી સહકાર ધરાવતાં ફ્યુઝન સેન્ટર હોવા જોઈએ. સુરક્ષાના મુદ્દે તમામ નાગરિકનો સાથ લેવો જોઈએ. અમેરિકામાં મોલ જેવા ભીડવાળા સ્થળે ખાનગી સિક્યુરિટી ગાર્ડ્ સ પોલીસ સાથે મળીને નજર રાખે છે.

ત્યાંની સ્થાનિક પોલીસ પ્રત્યેક વખતે સીસીટીવી મોનિટર કરતી નથી. તેમને વિવિધ સ્રોતો પાસેથી માહિતી મળે છે અને તેના આધારે તેઓ ટેક્નિકલ નિષ્ણાતોને કહી સીસીટીવી ફૂટેજ મગાવે છે. વળી બીજી મહત્ત્વની વાત એ છે કે ગુનેગારોને સીસીટીવી કેમેરા ચાલુ હોવાની જાણ હોય છે એટલે તેઓ મોઢું સંતાડતાં ફરતાં હોય છે.

સાવધાનીના દ્રષ્ટિકોણથી પણ સીસીટીવી કેમેરા ઉપયોગી સાબિત થાય કે કેમ તે વિશે શંકા ઉદ્ભવે છે. આનું ઉદાહરણ આપતાં નિષ્ણાતો કહે છે કે કોઈ સ્ટેશન પર, મોલ કે માર્કેટમાં આત્મઘાતી બોમ્બર દેખાય તો કંટ્રોલરૃમ પાસે સ્થાનિક પોલીસને આ માહિતી આપવા માટે થોડી ક્ષણો જ હશે. શું આપણે ત્યાં અત્યંત ઝડપી પગલાં લઈ શકાય એવી કોઈ યંત્રણા છે ખરી? વળી વિસ્ફોટ થઈ ગયા બાદ સીસીટીવીથી તપાસ સરળ બને છે એવું જરૃરી નથી. ૨૦૦૭માં ઇંગ્લેન્ડની હેમાર્કેટમાં વિસ્ફોટ થયા પછી પોલીસ અધિકારીઓને સીસીટીવીની ૯૦ હજાર ટેપ જોયા પછી મર્સિડિઝની જાણકારી મળી હતી.

જોકે કેટલાક પોલીસકર્મીઓનું એમ કહેવું છે કે જો સીસીટીવી પોલીસમથક સાથે જોડાયેલા હોય તો તે સહાયક સાબિત થઈ શકે છે. આનાથી વાહનની ચોરી કે બેગ અથવા ચેનની તફડંચી જેવા ગુનાઓમાં ઘટાડો થઈ શકે છે. જો ચોક્કસ વિસ્તારો કવરેજમાં આવતાં હોય તો કેમેરા ગુનાને રોકી શકે છે.

સાયબર નિષ્ણાતોએ શહેરભરમાં સીસીટીવી બેસાડવાની યોજના આવકારવા સાથે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, સીસીટીવીના ફૂટેજમાં ઘાલમેલ કે ભૂંસી શકે તેવા હેકર્સ તથા ત્રાસવાદી સહિતના અન્ય ગુનાખોર તત્ત્વોનો સામનો કરવાની નિપૂણતા મુંબઈ પોલીસમાં નથી. વળી સિદ્ધાંતહીન પોલીસ અધિકારી આ ફૂટેજનો દુરુપયોગ પણ કરી શકે છે.

નિષ્ણાતોએ   ફોડ  પાડીને  જણાવ્યું   હતું  કે,  હૅકર્સ, ત્રાસવાદીઓ અને ગુનેગારો આ સીસીટીવીની માહિતી સાથે ચેડા કરે કે તે કાઢી નાખે તેમને આ વાતની ચિંતા છે. તેમની પાસે   આનો   નિવેડો લાવવા નિષ્ણાતો નથી. તે સિવાય સીસીટીવીની માહિતીનો કેટલાક અનૈતિક પોલીસ અધિકારીઓ દુરુપયોગ કરે તે બાબતે પણ કેટલાક લોકોએ ચેતવણી આપી છે.

વિડીયોમાંથી જરૃરી માહિતી શોધવાની પ્રવૃત્તિ  હવે હેકીંગનો એક પ્રકાર બની ગયા છે. જેમાં હેકીંગ કરનારી વ્યક્તિ ન જોઇતી માહિતી મેળવી લે છે આ માહિતી કાઢવા તે શક્તિશાળી ટ્રાન્સમીટરનો ઉપયોગ કરે છે. ત્યારબાદ તે વાયરલેસ નેટવર્ક આંતરીને વિવિધ ઇમેજ સિક્યુરિટી ડેસ્ક ઉપર પ્રદર્શિત કરે છે, એમ એક  આઇટી નિષ્ણાતે   કહ્યું હતું.

આઇટીસૂત્રોના જણાવ્યા મુજબ નેટવર્ક સુરક્ષિત હોય કે અસુરક્ષિત તેનું હેકીંગ થઇ શકે છે. અમુક સલામતીનાં પગલા લઇને તેનું જોખમ ઘટાડી શકાય છે, એમ  જણાવીને   સેન્ટ્રલ રિજનનાં એડિશનલ પોલીસ કમિશનરે  કહ્યું હતું કે એક સિસ્ટમ પર પોલીસ વિભાગ કામ કરી રહ્યો છે જેમાંથી હેકીંગનું જોખમ ઓછું કરી શકાશે. જેમાં ચોક્કસ આઇપી એડ્રેસ મદદરૃપ થશે  તેમ જ  ૮૫ ટકા નેટવર્ક માટે ફાયબર-ઓપ્ટિક વાયરનો ઉપયોગ થશે જ્યારે બાકી નેટવર્ક વાયરલેસ રહેશે.

ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી વાયપી સિંહે જુદો જ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટ પોલીસો સંવેદનશીલ માહિતી વેચી શકે છે. સંવેદનશીલ રેકોર્ડિંગનો ઉપયોગ કોઇને બ્લેકમેલ કરવામાં થઇ શકે છે.  એવા પણ બનાવો છે જેમાં ખાનગી સીસીટીવી નેટવર્કમાંથી કેટલીક અંગત માહિતી રદ્દ કરી નાંખવામાં આવી હતી. તે સિવાય સરકારી ઓફિસો જેવી કે કસ્ટમ વગેરેમાં સીસીટીવીની માહિતીમાં ચેડા અથવા તેની ચોરી થઇ શકે  છે.

બધી  વાતનો  સાર એ  છે કે સીસીટીવીની  સિસ્ટમ ખૂબ ઊપયોગી તો છે જ પરંતુ તેના વપરાશ માટે યોેગ્ય યંત્રણા સ્થાપવી વધુ મહત્ત્વનું  છે.

સરકારનો હેતુ  શહેર અને રાજ્યના અન્ય ભાગના જાપ્તા માટે શ્રેષ્ઠ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની છે. પરંતુ તેની જરૃરિયાતો તથા સંભવિત જોખમોનો તેમણે  પૂરતો  વિચાર કર્યો હોય એમ લાગતું નથી.  સીસીટીવી કેમેરા બેસાડવાની મમતનું પણ આવું જ ફારસ ન થાય તો સારું.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments