Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

અમારા દેશમાં તો સોનાની ચીડિયા ઉડતી હતી

કાળક્રમ ઘંટીના બે પડમાં ભૂતકાળની ભવ્ય ગાથાઓ ક્યાં સુધી ભરડે રાખીશું ?

શ્રીકૃષ્ણ તો મોડર્ન મેનેજમેન્ટના પણ દ્રષ્ટા હતા અને ભગવદ્ ગીતામાં તો સૃષ્ટિ અને જીવનના તમામ ઉકેલ છુપાયેલ છે કે પછી સરદાર પટેલ હોત તો કાશ્મીરની સમસ્યા ઉકેલી નાંખી હોત - જેવી બડી બડી વાતોના બણગા મારીશું પણ અમલમાં મીંડુ

'જો નેહરૃએ કાશ્મીરનો પ્રશ્ન સરદાર પટેલને સોંપ્યો હોત તો આજે ભારતના અને કાશ્મીરના આવા હાલ ના હોત' ભારતના પાંચમા ધોરણના બાળકથી માંડી શતાયુ ભોગવતા નાગરિકો કાશ્મીર વિશે આટલું જ બોલી શકે છે. કાશ્મીરના વર્તમાન અને ભવિષ્ય અંગે ભારોભાર અજ્ઞાાનતા પ્રવર્તે છે.

કંઈ નક્કર ફોર્મ્યુલા કે વ્યૂહરચના નથી. અવ્યવહારૃ કે આક્રમક ઉકેલ શું હોઈ શકે તે અંગે પણ કોઈ ચિંતન- મંથન નથી થતું. દેશના નાગરિકોની વૈચારિક સામેલગીરી અત્યંત જરૃરી છે. સોશિયલ મિડિયા પરથી 'ઉડાવી દો, બોંબ ફેંકી દો' જેવી ફેધર ટચ આંગળી દબાવવાની તશ્દી લેવી તે આપણી દેશભક્તિ છે.

આપણા સૌની સૌથી મોટી તકલીફ એ છે કે નેતાઓથી માંડી આપણે ભૂતકાળની ભવ્ય પરંપરાઓ અને મહાપુરૃષોની બડી બડી વાતો કરીને પોરસાઈએ છીએ. ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શ્રીરામથી માંડી ચાણક્ય અને ગાંધીજી, સરદાર પટેલ, બોઝ અને એક જમાનાના નેતાઓની સાદગી, પ્રમાણિકતા, બાહોશી, ફૂટનીતિ, સ્વસ્થતા અંગેના પ્રવચનો, લેખો, પુસ્તકોનું રિસાયકલિંગ વર્ષોથી થયે જ રાખે છે. આ બધા ભગવાનો, સંતો, નેતાઓના પ્રેરણાદાયી પ્રસંગો જુદા જુદા હોય છે પણ તેઓની ખાસિયતો, ગુણો, મહાનતા, આપણી સંસ્કૃતિ જેને આદર્શ માન છે તે જ હોય છે.

હવે સવાલ એ થાય છેકે ગાંધીજી રાષ્ટ્રપિતા મનાય છે અને શા માટે તે સાંભળી અને વાંચીને આપણી આંખ કે કાનને વાચા ફૂટે તો કદાચ તે પણ ચિલ્લાઈને કહે કે હા ભાઈ હા.. હવેે કેટલીવાર...  એકસો ને એક વખત કહું છું કે, શ્રીરામથી માંડી સરદાર પટેલ જેવું સનાતન વિશ્વમાં કોઈ ના મળે બસ.'

જો તમે અભ્યાસ કરતા હો અને એકના એક વિષયમાં વર્ષો સુધી પુનરાવર્તન કરો તો તમે નિષ્ફળ અને ઠોઠ તરીકે ખપો છો. ભારતમાં અત્યારે એક પણ નાગરિક એવો નહિ હોય જેને આપણી સંસ્કૃતિ, વારસાની તાકાતનો પરિચય ના હોય. 'અમારા દાદા  કે પરદાદા તો તેમના જમાનામાં શણગારેલી બગીમાં કે ઇમ્પાલા ગાડીમાં ફરતા તેવી ખખડધજ સ્કુટરને કીક મારતા આપણે ગામમાં ડંફાસ મારતા રહીએ તો હાસ્યાસ્પદ તો લાગીએ જ પણ આપણું વર્તમાન અને ભવિષ્ય કેવું બિસ્માર હશે તેનો પણ બધા ક્યાસ કાઢી લે.'

અમારા દાદા તો એવા કદાવર હતા કે બે બહારવટિયાને બંને કાખમાં ભરાવી પછાડતા તેવી બડાશ પાપડતોડ પહેલવાન જેવા તેના વારસો મારે તો કેવા લાગે ! વિશ્વનો કોઈ દેશ આ હદે વર્તમાનમાં તેમના કેવા હાલ છે, દેશમાં કેવી નીતિમત્તા છે તેની સામે આત્મદર્શન કરવાની પરવા કર્યા વગર આઝાદીના ૭૦ વર્ષથી શ્રીકૃષ્ણ, શ્રીરામ, ચાણક્ય, ગાંધીજી, નહેરૃ, સરદાર પટેલથી માંડી ગાંધી વિચારધારાથી પ્રભાવિત ૭૦ના દાયકા સુધીના નેતાઓ અને સમાજ સેવકોની જ મહાનતાને કાળક્રમના ઘંટીના પડમાં નાખીને ભરડે નથી રાખતો નથી.

આપણી કોઈ જીવનની ગુણવત્તા, નથી આરોગ્ય અને શિક્ષણ, નથી યુનિવર્સિટીઓનું વૈશ્વિક સ્તર, નથી નાગરિક શિસ્ત, શોધ- સંશોધન, નથી ઓલિમ્પિક કે નોબેલ વિજેતાઓ, નથી ઇવન પીવાના પાણીની ચોખ્ખાઈ નથી ભૂમિ કે હવાની સ્વચ્છતા.

''અરે ભાઈ, સરદાર પટેલને કાશ્મીરની સમસ્યા સોંપાઈ હોત તો ઉકેલાઈ ગઈ હોત'' પણ હવે કાતો આપણે ૭૦ વર્ષમાં એવી દ્રષ્ટિ કેળવવી જોઈએ કે સરદાર પટેલ આજે હયાત હોત તો તેમણે કઈ રીતે આ પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કર્યો હોત. જો સરદાર પટેલ પ્રત્યે એટલો જ આદરભાવ હોય તેને તેમે અંજલિ આપવા પણ કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવાની તીવ્ર બેચેની હોવી જોઈએ.

સરદાર પટેલ પ્રત્યે એક મહાન હસ્તી તરીકે આદરભાવ જારી રાખી વર્તમાન સંજોગોમાં કાશ્મીરના કોકડાનું શું કરવું તે વિચારવું જોઈએ. મહાન પુરુષોને વંદન જ કરતા રહીએ તે યોગ્ય છે કે તેઓના માર્ગે ચાલીએ તે ? કવિતા લખતા રહેવી આવકાર્ય છે કે કવિતા જીવવી ?

વિશ્વના કોઈ દેશમાં તેમના ઇતિહાસ, સંસ્કૃતિની હસ્તીઓ, સર્જકો, મહાન નેતાઓ કે યોદ્ધાઓનો ભારતની જેમ લેખન, વકતવ્ય, સેમિનારો અને ભાષણોમાં અતિરેક જોવા નથી મળતો.

આ લખનારે વિશ્વના ઘણાં દેશોના પ્રવાસો કર્યા છે ત્યાંના લેખકો, સાહિત્યકારો, નેતાઓના ભાષણો, મોટિવેટરો, વડીલો અને સામાન્ય નાગરિકો જ્યોર્જ વૉશિંગ્ટન, લિંકન, માર્ટિન લ્યુથર કિંગ, ચર્ચિલ, શેક્સપિઅર, મિલ્ટન, થોરો, બર્નાડ શૉ, બીથોવન, ભૂતપૂર્વ નોબેલ વિજેતાઓ, રોકફેલર, હેનરી ફોર્ડ, પીટર ડ્રકર, વોરેન બફેટ, ઇસુની વાતો, નેપોલીયન, દ'ગોલ, ગુર્જિફ, કન્ફ્યુસિયસને ક્વોટ કરતા નથી હોતા.

વારસો, સંસ્કાર અને વર્તન તો સહજ રીતે તે પ્રજામાં વણાઈ જતો હોય છે આ કંઈ ઇન્જેક્ટ કરવાની સારવાર નથી. અગ્રણી દેશોએ જુદા જુદા ક્ષેત્રોના ભૂતપર્વ મહાનુભાવોના વારસાને સીસ્ટમમાં જ એ રીતે ભેળવ્યો છે કે તે પ્રજાનું લોહી અને તાસીર બની જાય. લખનાર કે કહેનાર પોતે દંભી હોય અને પારદર્શકતાની વાતો કરતા જીંદગી વીતાવે તો તેનાથી કદાચ બધા અંજાઈ જાય કે અમુક અરસા સુધી તેના ભક્તો તેને જીવાડે પણ સમાજની તબિયત ફુલગુલાબી ના બનાવી શકે.

ભગવદ્ ગીતામાં જીવનના તમામ ઉકેલ છે તો આપણા પ્રશ્નો કેમ ઉકેલવા નથી માંડતા? ભગવદ્ ગીતાને માથા પર મુકી વિશ્વના જીનિયસ નાચવા માંડેલા તેમ કહેતા રહેવાનો શો અર્થ? જો શ્રીકૃષ્ણના જીવન દર્શનમાં આધુનિક મેનેજમેન્ટનું પણ દર્શન છે તો ભારતની કોઈ કંપની વૈશ્વિક સ્તરે કેમ કોઈ પ્રોડક્ટ નથી ધરાવતી ?

આપણે બર્નાર્ડ શો, લિંકન કે બીજા સેંકડોના પ્રસંગો અને તેમની જીવનગાથા વિશે જાણીએ અને જાહેરમાં તેમની વાતો છેડીએ તો પ્રબુદ્ધ કહેવાઈએ પણ અમેરિકા, યુરોપમાં કોઈ શ્રીકૃષ્ણ, શ્રીરામ કે ચાણક્યથી માંડી વિવેકાનંદ, ગાંધીજી, સરદાર પટેલ, બોઝના નામથી પણ પરિચિત છે ખરા ? ખરેખર દેશ અને પ્રજાની શિસ્ત, ખુમારી સમૃદ્ધિ પ્રમાણિકતા કડક અમલ, ન્યાયપ્રથા, નિર્દંભતા, શૌર્યની રીતે તો એવું લાગે કે અમેરિકા, યુરોપ કે ચીન, ઇઝરાયેલ જેવા દેશોમાં શ્રીકૃષ્ણ, ચાણક્ય, સરદાર પટેલ, કે અન્ય સંતો અને નેતાઓ જાણે જન્મયા ન હોય?

આકાશમાં ઉડતા હોઈએ કે પછી જમીન પણ રમણીય હોય અને ત્યાંથી આકાશના તારા જોતા હોઈએ તો શોભીયે કાદવમાં આળોટતા ગગન નીરખી કવિતા રચતા હોઈએ તેવું આપણું દર્શન છે. ખરેખર તો ગુણવત્તાસભર જીવન અને પ્રત્યેક વ્યક્તિનું આત્મસન્માન કેવું હોઈ શકે તેનું જ આપણને જ્ઞાાન નથી તો પછી અપેક્ષા અને તે તરફની દોડ ક્યાંથી હોય.

ભારતમાં તમામ નાગરિકો, નેતાઓ, અધિકારીઓ, સર્જકો, ચિંતકોએ ભૂતકાળને વાગોળવાના (નોસ્ટાલજિયા) અતિરેકમાંથી તાત્કાલિક બહાર આવીને કે પછી કલ્પના અને ભાવજગતની આભાસી સુખ સર્જતી દુનિયાનો ભ્રમ તોડીને કઠોર વાસ્તવિકતાના ચક્ષુથી આપણા દેશ, નાગરિક શિસ્ત, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને માણસના જીવનું મૂલ્ય જોવું પડશે. આપણે સૌએ તેની  જે પણ ક્ષેત્રની કામગીરી કે કાબેલિયત હોય તેમાં સાંપ્રત સ્થિતિથી ઉપર ઉઠવા સીવાય કોઈ જ ભૂતકાળની વાહવાહ કરીને ચરખો નથી ફેરવતા રહેવાનું.

અખાના છપ્પાના ૫૦૦થી વધુ વર્ષો બાદ પણ આપણી ધાર્મિક, સામાજિક, બૌદ્ધિક ઉત્ક્રાંતિ એ હદે નથી થઈ.   લેખન, વકતવ્ય કે વિચારો  Relevant વર્ગમાં મૂકી શકાય તેવા હોવા જોઈએ. ડિક્શનરીની રીતે જોઇએ તો Relevant એટલે એવું કંઇક યોગ્ય કે જોડાણ ધરાવતું જે હાથ પરની બાબતોને સ્પર્શતુ હોય. તે ઉપયોગી અને 'ટુ ધ પોઇન્ટ' હોય. જે તે સાંપ્રતને વધુ બહેતર કરવા માટેનું નક્કર હોય તેથી હંમેશા તે ચિરંજીવ ના પણ હોય. અત્યારે તો સર્જકો તો જ સર્જન કરે છે જો તેનું કાયમી મૂલ્ય હોય એટલે જ ભવ્ય ભૂતકાળ જ હાથવગો રાખે છે. આપણે સૌએ પ્રક્રિયાનો હિસ્સો બનવાનું છે.

અગાઉના પરિવર્તનકારોની જ પરિક્રમા નથી કરતા રહેવાની. હા, પહેલી કે પાંચમી વખત પણ ભવ્ય ભૂતકાળના વારસાનું પુનરાવર્તન કરો પણ પચ્ચાસ, પાંચસો વખત તેને માણતા 'ઇર્શાદ ઇર્શાદ'એવી દાદ ના આપો. તમે કહેશો કે હવે કંઇક નવસર્જન કરીએ... નવસર્જનની પ્રક્રિયાના પૈડા બનીએ.

એક વિદેશીએ ભારતીયને પૂછ્યું કે અમે જ્યારે ચંદ્રની ધરતી પર ડગ માંડતા હતા ત્યારે તમે શું કરતા હતા ?

ભારતીયે કહ્યું કે અમે તે વર્ષે કોમી હુલ્લડમાં ખરડાયેલા હતા. વિદેશીએ હવે એમ કહ્યું કે 'અને અમે ભૌતિક વિજ્ઞાાન અને મેડિસિનનું નોબેલ પ્રાઇઝ મેળવ્યું ત્યારે.'

ભારતીયે કહ્યું કે અમે મંડલ-કમંડલનું દેશવ્યાપી આંદોલન કરવામાં વ્યસ્ત હતા.

વિદેશીએ વધુ એક સવાલ ફેંક્યો 'અમે જ્યારે ઓલિમ્પિકમાં ૨૦ ગોલ્ડ મેડલ મેળવ્યા તે વર્ષે ?'

ભારતીયે ઝંખવાણા થઇને બચાવ કરતો હોય તેમ કહ્યું કે 'હા, હા, તે વર્ષોમાં તો દેશઆખો મુંબઇ બોંબ બ્લાસ્ટમાં ધણધણી ઊઠયો હતો. ઠેર ઠેર દેખાવો થતા હતા.'

આ જ રીતે વિદેશી નાગરિકો માનવ જગતની તેઓએ મેળવેલી એક પછી એક જુદા જુદા ક્ષેત્રોની સિધ્ધી જણાવતા ભારતીયને પુછે  છે અને દરેક વખતે ભારતીય વર્ગ વિગ્રહ, હડતાળ, આંદોલન, હિંસા, ગૌહત્યા, અસહિષ્ણુતા, જેએનયુ વિવાદ, કાશ્મીર સમસ્યામાં જ દેશ અને મીડિયા ઓતપ્રોત છે તેમ કહેતો રહે છે. આઝાદીથી અત્યાર સુધીમાં આપણે વિદેશી નાગરિકને આવા સવાલ પુછી શકીએ કે 'અમે જ્યારે આ સિધ્ધી મેળવી તે વર્ષે તમે શું કરતા હતા?'
 

Post Comments