Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

'સત્યા'વાણી

માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલા ભારતની મુલાકાતે વિચાર વર્તુળ સર્જી ગયા

The 'C' in the CEO is about curator or culture

'મેં કમ્પ્યુટરના નિષ્ણાતને કવિ ઇલિયટના પુસ્તક સાથે જોયો અને સુખદ આશ્ચર્ય અનુભવ્યું'

સફળ થયા પછી જે ગુણોને લીધે સફળ થયા હતા તે ભૂલી જવાતું હોય છે

ટેકનોલોજી આપણા ચેતાતંત્રમાં જ ભળી જાય તેવો ભય

એવું કહેવાય છે કે જ્ઞાની કે દ્રષ્ટા વ્યક્તિ તમને ''આમ કરવું અને આમ ના કરવું'' તેવો સીધો ઉપદેશ નથી આપતી. તેઓની આ પ્રકારની વૃત્તિ જ નથી હોતી. તેઓ જે સહજ રીતે વર્તન કરતા હોય, સાવ ટાઇમપાસ વાતચીત દરમ્યાન પણ મર્મભેદી એક-બે વાક્યોના લસરકા લગાવે કે જે તે ઘટનાના પ્રતિભાવનું પ્રતિબિંબ પાડે તે તમારે ઝીલવાનું છે.

તમે જેનાથી પણ પ્રભાવિત હો અને તેના જેવા બનવાનો પ્રયત્ન કરતા હો તો તેની બીજથી વૃક્ષ સુધીની ઉર્ધ્વગતિનો સ્થૂળ અને સૂક્ષ્મ અભ્યાસ કરો તેને તમારામાં અપનાવવાનો પ્રયત્ન કરો પછી જૂઓ જાણે તેણે તમારી કાયામાં પ્રવેશ કર્યો હોય તેવું પરિવર્તન  પામશો.

બિલ ગેટ્સ જેને પોતાના સ્થાને માઇક્રોસોફ્ટનું આસન આપે તેનાંથી વિશેષ આ કંપનીના સીઇઓ સત્ય નડેલાની પ્રતિભા વિશે આપણે શું પરિચય આપી શકીએ.

ગયા અઠવાડિયે નડેલા ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે એક ઈન્ટરવ્યુ દરમ્યાન તેના મોટાભાગના ઉત્તરોમાં કેટલાક વિચારો એવા રજૂ કર્યા જે આધુનિક દુનિયાની નવી પેઢી માટેનું તત્ત્વજ્ઞાાન કહી શકાય. સત્ય નડેલા પણ સમાજનું આવું જ નિરીક્ષણ કરીને ઘડાયા છે.

નડેલાએ કહ્યું કે ''હું માઇક્રોસોફ્ટમાં યુવાવયે જોડાયો ત્યારે મારી જોડે અન્ય એક યુવાન પણ અમેરિકાના કોઇ શહેરમાં શિફ્ટ થઇ રહ્યો હતો. તેની સાથે સામાનમાં કમ્પ્યુટરના ઢગલાબંધ પુસ્તકો હતા. બીજું એક પુસ્તક મારા આશ્ચર્ય વચ્ચે નજરે ચઢ્યું તે સાહિત્યકાર - કવિ ટી એસ ઈલીયટનું હતું. મેં તેને પૂછ્યું ? (તમે તો ટેકનોક્રેટ છો) આ ઈલિયટનું પુસ્તક ? આ વળી શું ? તે યુવાને ભારે સહજતાથી ઉત્તર આપ્યો કે ''કમ્પ્યુટરના પુસ્તકો મારી કારકિર્દીના સંદર્ભમાં માહિતી માટેના છે અને ઈલિયટનું પુસ્તક જ્ઞાાન માટેનું છે.''

નડેલાનો ઈન્ટરવ્યુ લેનાર પત્રકાર પણ સમાજનો હિતચિંતક હતો. તેઓએ એવી ચર્ચા કરી કે અમેરિકાનો મેનેજમેન્ટ ગુરુ ગેરી હાસેલે પણ શાળા, કોલેજો અને ઉચ્ચ અભ્યાસમાં એવા અભ્યાસક્રમ પર ભાર મૂક્યો હતો કે ભલે તમે મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ, કાયદા, એકાઉન્ટન્સી કે કોઇપણ વિષયના સ્પેશ્યલાઇઝ ઉચ્ચ અભ્યાસ કરતા હો પણ તેના સિલેબસમાં સાહિત્ય, નીતિમત્તા, જીવનમાં રસ પેદા થાય તેવા ગદ્ય-પદ્ય, માનવીય અભિગમ કેળવતા આત્મ ચરિત્રો પણ સામેલ કરો.

ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી એકાદ વિષય અંગ્રેજી સાહિત્યનો પણ અભ્યાસ કરે તો માહિતી સાથે જ્ઞાાન પણ કેળવશે. મેનેજમેન્ટ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો વિદ્યાર્થી જુદા જુદા ધર્મોની સામ્યતા કે ચાણક્યના અર્થતંત્રનું એકાદ પુસ્તક કેમ હસ્તગત ના કરી શકે.

ખરેખર આપણી યુનિવર્સિટીઓ અને સ્પેશ્યલાઇઝ્ડ ડીગ્રી આપતી આંતરરાષ્ટ્રીય ખ્યાત સંસ્થાઓ આ વિચારને અમલમાં ના મૂકી શકે ?

નડેલાનો ઈશારો એ તરફ છે કે આજે વ્યવસાયિક લાયકાત ધરાવનારાઓ તો છે. શ્રીમંતો પણ છે. પણ તેઓમાં માનવતા, કર્તવ્યની ભાવના, મૂલ્યો કે જીવનને માણવાની દ્રષ્ટિ નથી. માહિતીનો ભંડાર બધા બનતા જાય છે પણ જે રીતે વિજ્ઞાાન જોડે આધ્યાત્મને જોડવાની જરૃરિયાત જણાય છે તેમ માહિતી અને જ્ઞાાનનો સુમેળ નહીં સધાય તો રોબોટમાં અને આપણામાં કોઇ ફર્ક નહીં રહે.

આપણે જીવનનાં રંગોને માણવા સાથે કુટુંબ-સમાજના અભિન્ન અંગ બનીને ડીપ્રેશન કે તનાવ દૂર રહેવુંં હશે તો તમે જે પણ ક્ષેત્રના હો પણ તેના સીવાયની જ્ઞાાનની, કળાની, સર્જન, સંગીત કે સાહિત્યની દુનિયાનું પણ રસપાન કરો. વકીલોના કબાટ કાયદાના પુસ્તકોથી, ડોકટરોના કે એન્જિનિયરોના કબાટ તેમના વિષયના થોથાથી ભરેલા જ કેમ ?રામકૃષ્ણ પરમહંસનું વચનામૃત, સ્ટીફન હોકિંગનું વિજ્ઞાાન ૅજવા પુસ્તકો પણ ના હોઇ શકે ?

નડેલાને ટેસ્ટ ક્રિકેટ અને ક્રિકેટરોની એ હદે જાણકારી છે કે જો આજે પણ તેઓ ક્રિકેટ વિશ્લેષક બની જાય તો હર્ષા ભોગલેે ભાગે જે 'હું મેનેજમેન્ટનો અને નડેલા ટેકનોક્રેટ અમારી ગજબની જોડી બને.'

નડેલા કહે છે કે રમત જેવું શિક્ષક કોઈ નથી.

તેના મતે કોઇપણ રમતમાં એક-બે ખેલાડીના દેખાવથી હંમેશા ઝળકી નથી શકાતું. તે ટીમવર્કથી જ શક્ય બને છે. પ્રત્યેક ખેલાડીની પ્રતિભાનો મહત્તમ ઉપયોગ સમય અને સંજોગો પણ બદલાય છે.

નડેલા છેક બાળપણનું સંસ્મરણ વાગોળે છે કે તેની શાળાના કેપ્ટન સ્વરૃપે 'મને બોલીંગ આપી, પણ મારી લાઇન લેન્થનો લય જ નહતો પકડાતો. હું ક્રીઝ પરના બેટસમેનો પર બીનપ્રભાવી પૂરવાર થઈ રહ્યો હતો. અમારી ટીમના કેપ્ટન સ્વરૃપે તરત જ મને બોલિંગમાં ખસેડીને પોતે બોલિંગ લીધી.

તે ખૂબ જ સારો ઓફ સ્પિનર હતો. તેણે તરત જ તે ઓવરમાં જ વિકેટ ઝડપી. હવે નવો બેટસમેન આવ્યો. તે પછીની ઓવર મારા આશ્ચર્ય વચ્ચે મને આપી. ખરેખર મને તે ગમ્યું. મારો તે પછી બોલિંગ દેખાવ ઘણો જ સારો રહ્યો.

મેં તેને સાંજે પુછયું હતું કે, 'તે મને કેમ અચાનક બોલિંગમાં પરત લઇને તારી બોલિંગમાં વિકેટ પડયા બાદ તરત જ તે બોલિંગ છોડીને મને બોલિંગ આપી હતી ?'

તેણે જે જવાબ આપ્યો તે અંગે વિચારીને મારુ મોટા થઇને તેના માટેનું માન ઓર વધી ગયું. આટલી નાની શાળાકિય વયે પણ તેની નેતૃત્વની કળા જૂઓ. તે બાળ કેપ્ટને મને તે વખતે કહેલું કે, 'જે રીતે બેટ્સમેનો તારા પર પ્રભુત્વ મેળવી આસાનીથી તને રમતા હતા.

તેનાથી તારા આત્મવિશ્વાસને ફટકો પહોંચ્યો હતો. તારી ક્ષમતા તો હું જાણતો જ હતો પણ આ જામેલી જોડી સામે નહીં. હું તે જોડી તોડી શક્યો અને તે પછી તને બોલિંગ આપી. હવે તારામાં નવો જ વિશ્વાસ સંચાર થયો હતો. તે પછી તારો દેખાવ સારો થયો હતો.'

નડેલા કહે છે મેનેજમેન્ટ અને નેતૃત્વનું લેશન બાળપણના સંસ્મરણો યાદ કરીશું તો આપણામાંથી અને સાથી મિત્રોમાંથી જ મળી આવશે.

નડેલાનું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણું શિક્ષણ, અભ્યાસક્રમનો બોજ, વાલીઓનું વલણ-અપેક્ષાઓ ખરેખર જે આપણામાં પડેલું તેને જાણે જમીનમાં ધરબી નાંખવાનું કુકર્મ કરતું હોય છે. ખેલાડી, કોઇપણ રમત અને ટીમને માત્ર મનોરંજનની રીતે માણવા કરતા તેની વ્યૂહચના, મનોસ્થિતિનો બારીક અભ્યાસ કરો. તેને જીવન અને કારકિર્દીમાં ઉતારો.

નડેલા ક્રિકેટનું જ તત્વજ્ઞાાન આગળ ધપાવતા કહે છે કે, ''તમે ટીમનો સ્કોર ૧૮ રને ૪ વિકેટ હોય ત્યારે અને ૨૦૦ રને ૧ વિકેટના સ્કોર વખતે મેદાનમાં બેટિંગ માટે ઉતરો બંને વખતે મનોસ્થિતિમાં ફર્ક રહેવાનો પણ બંને વખતે તમારી વિકેટની મહત્તા સમાન જ હોવી જોઈએ.

વિશેષ સાવચેતીના સમયે કે આસાન પ્રવાહમાં સમાન ગાફેલતા રહીને જીવન, કારકિર્દી બિલ્ટ અપ કરતા રહેવાની છે.

'ગુગલ', 'એપલ' અને અન્ય કંપનીઓની સફળતા વચ્ચે તમે કઇ રીતે જુદા પડવાના પ્રયત્ન કરો છો ? તેવા પ્રશ્નનો નડેલાનો ઉત્તર પણ તેની કંપનીના ધ્યેયને સ્પષ્ટ કરે છે. તે કહે છે કે માઇક્રોસોફ્ટ એવી ટેકનોલોજી આધારીત કંપની છે જે અન્ય કંપનીઓને ટેક્નોલોજીમાં તેના કરતા પણ આગળ લઇ જઇ શકે છે. અમે 'ટુલ મેકર' છીએ. અમારી કંપની અન્ય કંપનીઓને વિકસવા માટેનું પ્લેટફોર્મ પુરૃ પાડે છે.

અમારૃ બિઝનેસ મોડેલ જ એવું છે કે બીજી ટેકનોલોજી કંપનીઓ સફળ થાય તો જ અમે સફળ થઇએ. ટોચની કંપનીઓની ક્ષમતા સરખી જ હોય પણ આમ છતાં યોગદાન અને મૂલ્યની રીતે અમે જુદા જ રહેવાના. બાકી તો અગાઉ કહ્યું તેમ શ્રેષ્ઠ કંપની ટીમવર્કથી બનતી હોય છે. માઇક્રોસોફ્ટમાં જે કર્મચારીઓ છે તેમાંના કોઇ ડિઝાઇન, કોઇ ઇલેકટ્રીકલ એન્જિન્યિરિંગના તો કોઇ કમ્પ્યુટર સાયન્સના છે.

તમામ કંપનીઓ જુદી જુદી શાખાના નિષ્ણાતો ધરાવતી જ હોય છે પણ માત્ર શિસ્ત કે ઉંડાણનું જ્ઞાાન નહીં ચાલે ટીમ વર્કની ભાવનાથી જ કંપની અગ્રતા કેળવે છે. તમારે પ્રભાવ પણ પાડવાનો છે અને અન્ય પ્રભાવને તમારામાં પણ ઝીલવાની પારદર્શકતા અને નિખાલસતા રાખવી જ પડે.

અમેરિકાના ગન કલ્ચર અને મોતના તાંડવની વધતી જતી ઘટના અંગે સત્ય નડેલા શાંતિના પુરસ્કર્તા જેવી દ્રષ્ટિ ધરાવે છે. તે આશાવાદી પણ છે. તે કહે છે કે 'કોઈ આવું કૃત્ય કેમ કરે છે તેના મૂળમાં જઇને એક વૈશ્વિક સહમતિ બનાવીને પરિણામ લાવી શકાય. અમેરિકામાં જ નહીં વિશ્વભરમાં આવી ઘટના વધતી જાય છે. જો કે આપણે વૈચારિક અને સારા-નરસાનો ભેદ જાણતી વૈશ્વિક પ્રજા છીએ. ૨૦મી સદી જેવા યુદ્ધો નહીં જ થાય તેવું વિવેકભાન ધરાવતા તો આપણે વિકસ્યા જ છીએ.

નડેલાએ વિચારપ્રેરક વાત એ પણ કરી કે ડિજીટલાઇઝેશનનો જમાનો આવે કે સ્માર્ટ ફોનનો પણ તમે જો બદલાતા જમાના પ્રમાણે તમારામાં પણ પરિવર્તન ન લાવો તો ૨૧મી સદી ખરા અર્થમાં ના કહેવાય. તમે સ્માર્ટ ફોનથી શું કરો છો તે વધુ મહત્ત્વનું છે.

ટેકનોલોજી તમારા વિકાસ, જ્ઞાાન, માહિતી અને વધુ સુખાકારી માટે હોય છે. વ્યક્તિ હોય કે કંપની તેઓએ એ જ બાબત પર ભાર મૂકવો પડશે કે તેઓ સતત બદલાતા જમાના પ્રમાણે અપડેટ થઈ શકે તેમ છે ? અગાઉના વર્ષોમાં એવું રહેતુ કે કોઇ એક પ્રોડક્ટ કે સેવા આપતી કંપની જેટલી જૂની તેટલી તે પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ મનાતી પણ હવે તમારે સ્ટાર્ટઅપ કંપની એવી જ કરવી રહી જે સતત નવા પરિવર્તનો પ્રમાણે ઢળી શકે. તમે જે પણ કાર્ય પ્રારંભો ત્યારે તમારી જાતને પુછો કે બીજા ૧૦-૨૦-૩૦ વર્ષ પછી હું મારી પ્રોડક્ટ - સર્વિસના રંગ બદલી શકીશ ?

નડેલા ફીલસૂફ નિત્સેને ટાંકીને કહે છે કે વાસ્તવિકતાનો સામનો કરવાની તો હિંમત હોવી જ જોઈએ પણ તેના કરતા વધુ હિંમત તક ઝડપવા માટેની હોવી જોઈએ.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments