Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

યંગસ્ટર્સનો વિષાદયોગ મારે નેતા બનવું છે... પણ...

જેઓ ખરેખર દેશનાં કે રાજ્યના શાસન વ્યવસ્થાના પ્રતિનિધિ બનવા માંગે છે તેઓ કંપનીના સીઈઓ, બિઝનેસમેન ઉચ્ચ અધિકારી કે કિંગમેકર બનીને તેમની લાયકાત સિધ્ધ કરે છે...

દેશભરનું દ્રશ્ય : નેતૃત્વના ગુણો ધરાવતી યુવા પેઢીને રાજકારણનું ક્ષેત્ર આકર્ષતુ નથી અને જેમની પાસે ક્ષમતા અને રૃચિ છે તેઓ આજના રાજકારણી જેવી લાયકાત નથી ધરાવતા

લીડર એટલે નેતા. ટુ લીડ એટલે દોરવું. લીડરશિપ એટલે નેતૃત્વ. આમ તો વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં નેતૃત્વશક્તિ કઈ રીતે ખીલવવી તે સમાજવિદ્યાના વિષયનો દસેક માર્કનો એક પ્રશ્ન હોય છે. આગળ જતા મેનેજમેન્ટની ડિગ્રી માટેના અભ્યાસમાં વિસ્તૃત સંદર્ભગ્રંથો સાથેનું ખેડાણ કરવું પડતું હોય છે.

વાત આટલેથી નથી અટકતી. નેતૃત્વશક્તિ વિકસાવવાની તાલીમ આપતા વર્કશોપ અને શિબિરોમાં કોર્પોરેટ જગતના મેનેજરોથી માંડી સીઈઓ ત્રણેક દિવસના વીસ પચ્ચીસ હજાર રૃપિયા ભરીને ભાગ લેતા હોય છે મોટા ભાગના મેનેજમેન્ટ ગુરુઓ મૂળ તો શ્રેષ્ઠ લીડરશિપના વિષયની ઈર્દગિર્દ ઘૂમતું પાવર પ્રેઝન્ટેશન જ આપતા હોય છે.

પ્રત્યેક બાળકનું ધ્યેય મોનિટર બનવાનું હોય છે. ખેલાડીને કેપ્ટન અને નંબર વન સુપરસ્ટાર અભિનેતાને દિગ્દર્શક બનવાના જ કોડ હોય છે. અનુભવી રાજકારણીને વડાપ્રધાન બનવાની ધગધગતી તલબ આ જ કારણે હોય છે. કદાચ પ્રત્યેક માનવીમાં લીડર બનવાની ખેવના એક જીનેટિક ગુણધર્મ હશે.

જોકે, અહીં નેતૃત્વ પાછળના તત્ત્વજ્ઞાાન પર વિશેષ પ્રકાશ ફેંકવા કરતાં ભારતમાં જે દુર્દશા પ્રવર્તે છે તેના તાણાવાણા ઉકેલવાનો પ્રયત્ન કરવાનો છે.

એક વિરોધાભાસ પર નજર ફેરવીએ તો નેતૃત્વ અંગે જેઓ વિસ્તૃત આંતરરાષ્ટ્રીય સ્તરનો અભ્યાસ કરી ચૂક્યા છે કે પછી જેઓમાં જન્મજાત આવા ગુણો છે તેઓ એવું માની બેસે છે કે નેતૃત્વને સફળ બિઝનેસમેન, ઉદ્યોગપતિ કે ઉચ્ચ અધિકારી બનવા સાથે જ સંબંધ છે.

સારા નેતાઓ આ જ ધોરણે કોર્પોરેટ જગતમાં તેમનું જીવન અને કારકિર્દી સમર્પિત કરી દે છે. કંપનીઓને તેઓનો લાભ મળે છે પણ દેશ, દેશના પબ્લિક સેક્ટરોને કે સમાજને દ્રષ્ટા કે ક્રાંતિકારીઓ તરીકે આપણને હવે નેતાઓ નથી મળતા. સફળ નેતૃત્વની પરિભાષા કોર્પોરેટ જગતમાં કે મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં સમાઈ ગઈ છે કે સીમિત બની ગઈ છે.

તમે જોઈ શકો છો કે જંગી બજેટ, ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્ટાફ છતાં સરકારી તંત્ર, જાહેર સાહસો કાં તો ખોટ ખાતા હશે અથવા સેવાની રીતે પ્રજાનો રોષ વહોરતા હશે. તેની સામે કંપનીઓ વિપરીત સંજોગો છતાં સંચાલન અને નેતૃત્વના આધુનિક સિદ્ધાંતો અપનાવીને છવાઈ જતી હશે.

ખરેખર જેઓ આધુનિક દેશના ઘડવૈયા તરીકે નેતા બનવાને લાયક છે તેઓ બિઝનેસ મેનેજમેન્ટની પાંખમાં સમાઈ ગયા છે અને લીડર કે નેતા શબ્દ આવે એટલે આપણી નજરમાં રાજકારણીઓ જ તરવરે છે. નેતા અને રાજકારણી શબ્દો એકબીજાના પર્યાય બની ગયા છે. કુશળ નેતાઓ કંપનીઓમાં છે અને દેશ માટે કંઈ નહીં ઉકાળતા રાજકારણીઓને આપણે નેતાનું લેબલ લગાડી દીધું છે.

રાજકારણીઓને પણ નેતા તેમ સહજ શબ્દપ્રયોગ કરો તો જ ગૌરવ અનુભવે છે ખરેખર રાજકારણીઓ પાસે નેતાગીરીના અભ્યાસક્રમમાં બતાવાયા છે કે પછી ઈતિહાસમાં જેઓ પણ ખરા નેતા તરીકે અમર થઈ ગયા છે તેમાંના એક પણ ગુણ નથી હોતા છતાં જે પણ રાજકારણી છે તે નેતાનો દરજ્જો પામે છે.

આપણી ભોળી અને આત્મનિરીક્ષણ વગરની પ્રજા પણ પ્રભાવિત થઈ જઈ આપણામાંની ઘેટા પ્રકૃતિને જે વ્યક્તિ ડંડે હાંકીને લઈ જશે તેની શરણાગતિ સ્વીકારી લેશે. તેને નેતા માનશે. પ્રજાએ બે કે ત્રણ નેતાઓમાંથી કોઈ એકને, અનિવાર્ય અનિષ્ટને પસંદ તો કરવો જ પડે છે. કોઈ પણ નાગરિકને સામૂહિક રીતે એવો વિચાર પણ ઝબૂકવો જોઈએ કે અત્યારે આમાંથી એક પણ નેતા (ઉમેદવાર) સ્વીકાર્ય નથી.

મહાત્મા ગાંધીજી, ઈન્દુલાલ યાજ્ઞિાક અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓ હવે કેમ બહાર નથી આવતા તે પ્રશ્ન જૂની પેઢીને હંમેશા સતાવે છે. સાચો નેતા રાજકારણમાં ન પ્રવેશે તેવા મમતભર્યા સિદ્ધાંતને કારણે રાજકારણીઓને ખંધુ સ્મિત કરીને એક પ્રકારનો ઈજારો મળી ગયો છે. કહેવાય નેતા પણ નેતાનો એક પણ ગુણ ધરાવવાની લાયકાત નથી.

કંપનીઓનું સુકાન નેતાગીરીના ગુણોનો જાણકાર સંભાળે અને દેશના મહત્તમ રખેવાળો અણઘડ, અભદ્ર, ઓછું ભણેલા, અસામાજિક તત્ત્વો જેવાકે જ્ઞાાતિવાદના કાર્ડને કારણે આપણા પર ઠોકી બેસાડેલા હોય છે. ૬૦ ટકાથી વધુ મતદારો ૨૦ થી ૪૦ વર્ષના છે. પણ માત્ર ૧૫ ટકા ઉમેદવારો જ ૪૦ વર્ષની વય નીચેના છે.

જે ઉમેદવારો છે તેઓ પણ નેતા તરીકે તેઓની પાસેથી શું અપેક્ષા રખાય છે તેનાથી તદ્દન અજાણ છે. તેઓને મન તો નેતા એટલે સિસ્ટમમાંથી શક્ય એટલું ઘરભેગું કરવું, લાલ લાઈટવાળી ગાડીમાં ફરવું, ભ્રષ્ટાચાર આદરીને ફાઈલો ક્લીયર કરવી, સરકારના વિશાળ બંગલાઓમાં રહેવું અને સત્તા મળતાં જ હરીફોને કદ પ્રમાણે વેતરવા માંડવા

. ખરેખર તો રાજનીતિ પણ ખરાબ બાબત નથી. રાજકીય વિજ્ઞાાન (પોલિટિકલ સાયન્સ) પણ મેનેજમેન્ટની જેમ એક વિસ્તૃત અભ્યાસની શાખા છે. ભારતની જ વાત કરીએ તો શ્રીકૃષ્ણ જેવા રાજાઓ કે વિદુર અને ચાણક્ય જેવા રાજનીતિજ્ઞા હોવું તે દેશની ગૌરવગાથાનો હિસ્સો છે. રાજાઓ અને મંત્રીઓના અસંખ્ય ઉદાહરણો છે જેઓ કુશળ રાજનીતિજ્ઞા પણ હતા. વખત જતાં જેવું મેનેજમેન્ટમાં થયું તેવું પોલિટિકલ સાયન્સમાં થયું.

જેઓએ પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે તેઓ દૂતાવાસ, વડાપ્રધાન કાર્યાલય કે નેતાઓના કાર્યાલય, સચિવ, યુનાઈટેડ નેશન્સ અને તેના જેવી સંસ્થાઓમાં હોદ્દો સંભાળી લીધો, ખડુશ અને ખંધા રાજકારણીઓની રહેમ નજર હેઠળ રહીને તેઓ ગૌરવ અનુભવવા માંડયા. કેટલીક જ્ઞાાતિઓમાં જન્મજાત દીર્ઘદ્રષ્ટા, બહુમુખી પ્રતિભા ધરાવનારાઓ અને સલાહકારો હતા.

પણ તેઓ પોતાની જાતે નેતા બનવા કરતાં બીજાને નેતા બનાવવાની સિસ્ટમ થકી ફૂલાતા રહ્યા.  જ્યારે વ્યક્તિ તેની મર્યાદાને લાયકાત માની લે તો પછી એક સ્થગિત અવસ્થા આવી જતી હોય છે. આવા કિંગમેકરો તેમની નવી પેઢી માટે કોઈ વારસો ના છોડી ગયા. તેઓ જેમને કિંગ બનાવતા તેઓના વારસો પેઢી દર પેઢી હવે રાજ કરે છે.

મેઘા પાટકર, મમતા બેનરજી, અરૃંધતિ રોય વગેરે જેવા જન્મજાત નેતા બનવાનાં લક્ષણો ધરાવનારાઓ સમાજના બે વર્ગોમાં સંઘર્ષ થાય તેવી ઝુંબેશ લઈને બેઠા છે. આવા નેતા-નેતીઓનો પણ રાજકારણીઓ આબાદ ઉપયોગ કરે છે.

ઈતિહાસ પર નજર નાખશો તો જોઈ શકાશે કે નેતાઓ જ યુગ પરિવર્તન લાવ્યા છે, રાજકારણી નહીં. વિદેશના રાજકારણીઓ મહદઅંશે નેતા રહ્યા છે તેથી વિશ્વ રાજકારણ, માનસ અને અર્થતંત્રને તેઓ દિશા આપે છે. બે દેશો વચ્ચેના સંબંધો કેવા રાખવા તે પણ શક્તિશાળી દેશોના સત્તાધીશો નક્કી કરતા હોય છે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની, સોવિયટ (યુનિયન હતું ત્યારે)ના શાસકો નેતા હતા, કુશળ રાજનીતિજ્ઞા હતા.

જોકે રાજકારણીઓના સ્તરની વાત માત્ર ટોચના કેન્દ્ર સુધી સીમિત રાખવા કરતાં જુદા જુદા પક્ષોના નેતાઓ, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને પંચાયતો સુધી વિહંગાવલોકન કરવાની જરૃર છે. તમામ પક્ષોના રાજકારણીઓની ફોજ ક્યારેય ભારતને સુપરપાવર બનાવે તે વાતમાં માલ નથી. જ્ઞાાતિવાદ, કોમવાદ, ધર્મવાદ, આતંકવાદ કે ગુંડાગીરી, માફિયાઓ અને ભ્રષ્ટાચારને મેનેજ કરી શકે તે જ રાજકારણીની એકમાત્ર લાયકાત બનતી જાય છે.

રાજકારણીઓએ 'નેતાગીરી'ના ગૌરવને એ હદે હડસેલી દીધું છે કે, નવી પેઢીના દ્રષ્ટા અને દેશને કાંઈક નક્કર પ્રદાન કરવાની તલબ ધરાવનારા રાજકારણમાં રસ જ નથી લેતા. જેઓ મનસૂબો કેળવે છે તેઓની પહેલા જ્ઞાાતિ કે સમાજ શું તે જાણીને જ ઉપરીઓ પ્લેટફાર્મ આપવા તૈયાર થાય છે. જો વોટબેંક ધરાવતી જ્ઞાાતિ-જાતિ કે ધર્મ હોય પછી તેની આર્થિક સદ્ધરતા અને પીઠબળ જોવાય છે.

સ્વાભાવિક રીતે આવી સ્થિતિ જમીનોના ભ્રષ્ટ સોદાઓ, માથાભારે ઈમેજ, હરીફોને ઠંડા પાડી દેવા માટેની તાકાતવર ટોળકી વારસામાં અને અસામાજિક પ્રવૃત્તિઓ થકી મેળવી હોય તો જ રાજકારણમાં ઊભા રહી શકાય છે. આવો માહોલ ધરાવતા હોય તે જ નેતા બની શકે છે. ચૂંટણી લડવા માટે સહેજે કરોડો રૃપિયા વેરી નાખવા પડે છે.

આવી રાજકીય સિસ્ટમમાં અમુક અપવાદોને બાદ કરતાં કોણ ક્વોલિફાય હોય. ઉમેદવાર જીતે તેવો હોવો જોઈએ તે પાયાની શરત છે અને તેના માટે કોઈ ને કોઈ કાર્ડ વટાવતા તેને આવડવું જોઈએ. આપણે નાત-જાત કે ધર્મ-સંપ્રદાયના ભેદભાવમાં ભલે ન માનીએ પણ એક વાત તો સ્વીકારવી જ પડે તેમ છે કે, તમે અમુક જ્ઞાાતિ કે સમાજના હો તો જ તમને મતો મળી શકે.

જેમ ધર્મમાં લઘુમતી છે તેમ લઘુમતી જ્ઞાાતિની ટેલેન્ટ બહાર નથી આવી શકતી તેનું શું ? દેશમાં ઘણા યુવાન મતદાતાઓની આવી જ માનસિકતાને કારણે તેઓ રાજકારણમાં પ્રવેશવાનું સ્વપ્ન જ સેવતા નથી. મુરઝાવાની વાત તો દૂરની થઈ. નેતાઓના આવા રાજકારણી માપદંડને કારણે વ્યક્તિના નેતૃત્વના ગુણો કે પ્રતિભાનો તો સદંતર છેદ જ ઉડી જાય છે.

જે પણ યુવા રાજકારણીઓને પ્રતિભા તરીકે જોવાય છે તે બધા કોઈ ને કોઈ વગદાર રાજકારણીના સંતાનો કે જ્ઞાાતિ, જાતિનું મત વજન ધરાવે છે. દેશના એક બાહોશ દ્રષ્ટા અને કુનેહસભર યુવાનને આ રીતે પણ નિરાશ થવું પડે છે.

આપણા દેશના ડઝનથી પણ વધુ યુવા નેતાઓ છે, જેઓને ફિલ્મી દુનિયામાં જેમ વારસાઈ ચાલે છે તેમ સીધું જ ટોપ લેવલનું પ્લેટફોર્મ મળી ગયું છે.

૨૧મી સદીની ભારતની આગેકૂચ કેવી હશે તે જાણવું હોય તો દેશભરના તમામ પક્ષોના ઉમેદવારોને જોઈ લેજો.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments