Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજકાલ - પ્રીતિ શાહ

મરજીવો મરિયપ્પન

તામિલનાડુના સેલમ જિલ્લાથી ૫૦ કિ.મી. દૂર આવેલા પેરિયા-વાદાગામપુટ્ટી ગામમાં મરિયપ્પનનો જન્મ થયેલો. બાળપણમાં પિતા ઘર છોડીને ચાલ્યા ગયા અને ચાર બાળકોની જવાબદારી માતા પર આવી. કુટુંબનું ગુજરાન ચલાવવા ઇંટો બનાવવાના ભઠ્ઠામાં કામ કર્યું અને પછી શાકભાજી વેચવા લાગી. તે ઇચ્છતી હતી કે સંતાનો અભ્યાસ કરે અને એમનું ઉજ્જવળ ભવિષ્ય ઘડે.

એમ કહેવાય છે કે મુશ્કેલીઓ એકલી નથી આવતી. એક દિવસ પાંચ વર્ષનો મરિયપ્પન ચાલતો સ્કૂલે જતો હતો, ત્યારે રસ્તામાં સામેથી પુરઝડપે આવતી બસે એને ટક્કર મારી અને બસનું પૈડું એના પગ પર ફરી વળ્યું. લોકોએ એને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ તેની તબિયત બગડતી ગઇ. કોઇએ કહ્યું કે ખાનગી હોસ્પિટલમાં ઇલાજ કરાવો.

ડૉક્ટરે કહ્યું કે ત્યાં ખર્ચ બહુ આવશે. માતા સરોજ કરગરતી રહી, 'કંઇક કરો, મારા દીકરાનો પગ સારો કરી દો.' સરોજે હિંમત હાર્યા વિના ત્રણ લાખ રૃપિયાની લોન લીધી. બધાએ એને ટકોર કરીને કહ્યું કે આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવીશ ? ત્યારે માતાએ કહ્યું, 'મારો દીકરો તેના પગ પર ઊભો થાય, તે માટે હું કંઇ પણ કરવા તૈયાર છું.'

પરંતુ મરિયપ્પનના ઘૂંટણ નીચેનો પગ ક્યારેય સારો થયો નહીં. અકસ્માતે એને કાયમ માટે દિવ્યાંગ બનાવી દીધો. માતા પણ વાસ્તવિકતા સ્વીકારીને શાકભાજી વેચવાની સાથે ઘરનાં કામ કરવા લાગી. સંતાનોને ભણાવવા લાગી, કારણ કે એ માનતી હતી કે શિક્ષણ એક એવી શક્તિ છે કે જે એનાં સંતાનોને સુખી અને બહેતર જિંદગી આપી શકશે. મરિયપ્પનને અભ્યાસની સાથે સાથે રમતમાં ખૂબ રસ પડતો. એને વૉલીબોલ રમવું ખૂબ પસંદ હતું, પરંતુ તેના શિક્ષકને થયું કે તે ઊંચા કૂદકામાં વધુ સફળ થશે, તેના શિક્ષકે તેને ઊંચા કૂદકામાં ભાગ લેવા પ્રેરણા આપી.

મરિયપ્પન માટે દરેક કામ પડકાર બની જતું. વિકલાંગ હોવા છતાં તે સામાન્ય ખેલાડીઓ સાથે જ રમતો. ૧૪ વર્ષની ઉંમરે તેણે ઊંચા કૂદકામાં દ્વિતીય સ્થાન હાંસલ કર્યું. ૧૮ વર્ષની ઉંમરે એણે નેશનલ પેરા એથ્લીટ ચૅમ્પિયનશીપમાં ભાગ લીધો. ત્યાં એના કોચ સત્યનારાયણે એને જોયો અને એને થયું કે આ છોકરાને જો સારી તાલીમ આપવામાં આવે તો તે ઘણો આગળ વધી શકે તેમ છે. સત્યનારાયણ એને તાલીમ આપવા માટે પોતાની સાથે બેંગાલુરુ લઇ આવ્યા.

સખત તાલીમ બાદ ૨૦૧૫માં તે કુશળ ખેલાડી બની ગયો. એકબાજુ એકેડેમીમાં જવું, સંસાધનોની અછત અને બીજી બાજુ શારીરિક મર્યાદાઓ ! પરંતુ મરિયપ્પનની બુલંદ ઇચ્છાશક્તિએ બધી મુશ્કેલીઓ પાર કરી. ગયા વર્ષે રિયો પેરાલમ્પિક્સમાં પુરુષોની ટી-૪૨ હાઈજંપમાં ભાગ લઈને સુવર્ણચંદ્રક મેળવ્યો. ૨૧ વર્ષનો મરિયપ્પન ૧.૮૯ મીટરનો કૂદકો લગાવનાર પ્રથમ ભારતીય બનીને ભારતને ગૌરવ અપાવ્યું. મરિયપ્પન કહે છે, 'મેં ક્યારેય મારી જાતને બીજા કરતાં ઊતરતી માની નથી.

શારીરિક રીતે હું દિવ્યાંગ બની ગયો હતો, પરંતુ મનથી તો હું બધા જેવો સામાન્ય વ્યક્તિ જ હતો. મનની તાકાતે મને અહીં સુધી પહોંચાડયો છે. મારી માતા ક્યારેય હિંમત હારી નહીં અને મને હારવા દીધો નહીં.' પદ્મશ્રીથી સન્માનિત મરિયપ્પનના સંઘર્ષ અને કામયાબીની ગાથાને તામિલનાડુના જાણીતા ડિરેકટર એશ્વર્યા ધનુષ ફિલ્મી પડદે ઉતારવા માગે છે.

પ્રાણી વધુ પ્યારાં

પ્રાણીઓની સૃષ્ટિ અજબ હોય છે અને પ્રાણીપ્રેમ ધરાવનાર વ્યક્તિઓનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ પણ ગજબ હોય છે ! શહેરમાં ઊછરેલી જાનકીને પ્રાણીઓ ગમે ખરાં, પણ એણે ક્યારેય જંગલી પ્રાણીઓ જોયાં નહોતાં, પરંતુ જાણીતા હર્પિટોલોજીસ્ટ અર્થાત્ સરિસૃપ વિજ્ઞાાનના નિષ્ણાત અને વાઈલ્ડ લાઈફ સંરક્ષણવાદી રોમ વ્હીટકરને મળી ત્યારથી પ્રાણીઓમાં તેનો રસ એકદમ વધી ગયો. તે માત્ર પ્રાણીઓના પ્રેમમાં પડી એવું નથી, પરંતુ મદ્રાસ સ્નેક પાર્ક અને મદ્રાસ ક્રોકોડાઈલ બેંકના સ્થાપક રોમ વ્હીટકરના પ્રેમમાં પણ પડી અને બંનેએ લગ્ન કર્યાં.

આજે ચેન્નાઇથી થોડે દૂર પોતાના ફાર્મમાં ચાર કૂતરા, ઓસ્ટ્રેલિયાના બે ઇમુ જે ભારતના શાહમૃગ જેવા દેખાતા હોય છે, તે ઉપરાંત એક પ્રકારના હંસ, ભૂંડ, ડુક્કર જેવા પ્રાણીઓ સાથે આનંદથી રહે છે. એમના ફાર્મમાં જુદા જુદા પ્રકારનાં દેડકાં, અમેરિકા અને મેક્સિકોમાં થતી મોટી ગરોળીઓ જેવાં અનેક પ્રાણીઓ જોવા મળે.

જાનકી કહે છે કે કેટલાંક પ્રાણીઓ મનુષ્ય કરતાં વધુ બુધ્ધિશાળી હોય છે. જાપાનના પ્રાઈમેટોલોજીસ્ટોએ સંશોધન કરીને શોધી કાઢ્યું છે કે ચિમ્પાન્ઝીની યાદશક્તિ એટલી તીવ્ર હોય છે કે જો માનવીમાં એવી યાદશક્તિ હોય તો તેને આપણે જીનિયસ કહીએ છીએ.

હાથીથી માંડીને મધમાખી સુધીનાં પ્રાણીઓમાં એક બીજી વિશિષ્ટ શક્તિ એ છે કે તેઓ પોતાના રહેણાંકથી ગમે તેટલાં દૂર ગયાં હોય, અજાણ્યા પ્રદેશમાં ગયાં હોય તો પણ તે કોઇની મદદ વિના સહીસલામત રીતે પાછાં પોતાના રહેઠાણમાં આવી જાય છે, જ્યારે માનવી પાસે તો જીપીએસ ઉપકરણ કે નકશો ન હોય તો તે ભૂલો પડી જાય છે.

જાનકી લેનિનને દુ:ખ એ વાતનું છે કે શહેરમાં રહેતાં લોકો પ્રાણીઓ પ્રત્યે ઓછા સહિષ્ણુ છે. થોડાં વર્ષો પહેલાં મસૂરમાં બે હાથીઓને ટ્રાંક્વીલાઈઝરનું ઇન્જેકશન આપે તે પહેલાં જ લોકોએ પથ્થરો મારીને ઘાયલ કરી નાખ્યા હતા. નાસિક અને મુંબઇમાં ચિત્તાને મારવાના અનેક બનાવો બને છે.

આ ઉપરાંત જ્યારે હાથી, નીલગાય, ભૂંડ કે ડુક્કરનાં ઝુંડ ખેતરના પાકનો નાશ કરે છે, ત્યારે પણ માનવી અને પશુઓ વચ્ચે સંઘર્ષ થાય છે. આ બધાની સામે ગ્રામીણ લોકો કે આદિવાસીઓ પ્રાણીઓ પ્રત્યે વધુ સહિષ્ણુ હોય છે. આજે પ્રાણીઓની અનેક જાતિ સામે તેના અસ્તિત્વને ટકાવવાનો પ્રશ્ન છે. પ્રાણીસૃષ્ટિની આવી ઘણી બાબતો વિશે તેણે 'માય હસબન્ડ એન્ડ અધર એનિમલ' નામનું પુસ્તક લખ્યું છે. રોમ અને જાનકીએ વાઈલ્ડ લાઇફ વિશે ડોક્યુમેન્ટરી પણ બનાવી છે.

રોમ વ્હીટકર જાનકી કરતાં સત્યાવીસ વર્ષ મોટા છે. જાનકીને તમે આ વિશે પૂછો તો હસતાં હસતાં કહેશે, 'મારા જીવનની એક પણ ક્ષણ નીરસ નથી ગઇ. રોમને વ્યક્તિ કરતાં પ્રાણીઓની કંપની વધુ ગમે છે. અમે બંને પોતપોતાનું કામ આનંદથી કરીએ છીએ. અમે બંને એકબીજા પર અખૂટ વિશ્વાસ મૂકીને અમારી ચિંતાઓ અને સમસ્યાઓને હલ કરીએ છીએ અને એ જ અમારા સંબંધનો મુખ્ય આધાર છે.'
 

Post Comments