Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

વેરા રૃબીને 'ડાર્ક મેટર'ની શોધ કરી નથી

મારીઆ મિશેલથી શરૃ થયેલું ખગોળશાસ્ત્રનું એક પ્રકરણ...

તેમણે માત્ર ડાર્ક મેટરનાં અસ્તિત્વને લગતાં પુરાવા મેળવ્યા હતાં !

શું વિજ્ઞાન જગતમાં પણ લીંગભેદ મહત્વનો ભાગ ભજવી જાય છે ? વિજ્ઞાાન જગતમાં પુરૃષોની બોલબાલા છે અને સ્ત્રીઓની સફળતા અને શ્રમને યોગ્ય ન્યાય નથી મળતો. આવો એક મત છે ! ન્યુક્લીઅર ફિશનની શોધમાં લીઝ મેટનરનું મહત્વનું યોગદાન હતું છતાં તેને નોબેલ પ્રાઇઝ મળ્યું નહીં ! જોસલીન બેલ બર્નડે 'પલ્સાર' નામના પલ્સેટીંગ સ્ટારની શોધ કરી પરંતુ, તેને નોબેલ પ્રાઇઝથી વંચીત રાખવામાં આવી. આ લીસ્ટમાં હવે એક નવું નામ ઉમેરાયું છે વેરા રૃબીન. જેણે 'ડાર્ક મેટર'નાં અસ્તિત્વનાં સાંયોગીક પુરાવા મેળવ્યા હતાં. તેને પણ તેનાં એસ્ટ્રોલોજીક્સના ધુરંધર સંશોધન માટે નોબેલ પ્રાઇઝ મળ્યું નહીં. અને... હવે મળશે પણ નહીં.

કારણ.. નોબેલ પ્રાઇઝ ક્યારેય મૃત વ્યક્તિને બિરદાવવા માટે આપવામાં આવતું નથી. યસ... ક્રિસમસના દિવસે એટલે કે ૨૫ ડિસે. ૨૦૧૬નાં રોજ અમેરિકાની ખગોળ ભૌતિકીની નિષ્ણાંત અને એક જન્મજાત અનોખી ક્ષમતા ધરાવનાર ખગોળશાસ્ત્રી મહિલા, વેરા રૃબીનનું ૮૮ વર્ષની ઉંમરે અવસાન થઇ ગયું છે. અમેરિકાને આ બીજો મોટો ઝટકો લાગ્યો છે. ૮ ડિસેમ્બર ૨૦૧૬નાં રોજ, અંતરીક્ષમાં જઇને પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ અમેરિકન નાગરીક ''જ્હોન ગ્લેન''નું પણ અવસાન થયું હતું.

વેરા રૃબીનની સમસ્યા
૧૯૭૦નાં દાયકાની વાત છે. કાર્નેગી ઈન્સ્ટીટયુટ ઓફ વોશિંગ્ટનનાં બે ખગોળશાસ્ત્રી મુંઝવણભરી નજરે પંચકાર્ડ દ્વારા નિકળેલા ડેટાને નિહાળી રહ્યાં હતાં. અવલોકનો દેવયાતી એટલે કે એન્દ્રોએડા નામની આકાશગંગાને લગતા હતાં. ચક્રાકાર આકાશગંગા જાણે ખોટી રીતે ફરી રહી હતી. કેન્દ્રમાં હિલ પદાર્થ અને દૂર આકાશગંગાની ધાર ઉપર આવેલો પદાર્થ, બંને એક સરખી ઝડપે ફરી રહ્યાં હતાં.

દેખીતી રીતે જ ન્યુટને આપેલાં લો ઓફ મોશન એટલે કે ગતિનાં નિયમોનો અહીં ભંગ થતો હતો. બે વર્ષ સુધી વેરા રૃબીનને આ મુંઝવણભરી સ્થિતિનું નિરાકરણ મળ્યું નહીં. છેવટે પંચકાર્ડ અવલોકનોએ ૧૯૩૦નાં દાયકામાં ક્રિટ્ઝ ઝવીકીએ આપેલા અદ્રશ્ય પદાર્થ એટલે કે 'ડાર્ક મેટર'નું અસ્તિત્વ સુચવતા હતાં. વેરા રૃબીન અને કેન્ટ ફોર્ડ નામનાં ખગોળશાસ્ત્રીઓ તેમનાં સંશોધનથી વિજ્ઞાાન જગતમાં જાણીતું નામ બની ગયા હતાં.

વેરા રૃબીનનાં મૃત્યુનાં સમાચાર ધરાવનાર મીડિયા, વેરા રૃબીનને 'ડાર્ક મેટર'નાં શોધક તરીકે આલેખે છે જે સરાસર ખોટું છે. હજી સુધી પૃથ્વી પરની કોઇ પ્રયોગશાળામાં કે ંઅંતરીક્ષમાંથી ''ડાર્ક મેટર'' મળી આવ્યું નથી. વેરી રૃબીને ડાર્ક મેટરની સંભાવનાને વધારે મજબૂત કરે તેવાં સાંયોગિક પુરાવા જ એકઠા કર્યા હતાં. ડાર્ક મેટર નામનાં શ્યામ પદાર્થની નહીં.

વૈજ્ઞાાનિકો માને છે કે બ્રહ્માંડનું ૮૪% મેટર / પદાર્થ અદ્રશ્ય પદાર્થનાં કણોથી ભરપૂર છે. આ પદાર્થ આકાશગંગામાં રહેલા તારાની ગતિને અસર કરે છે. બેશક. જો કોઇ ભૌતિકશાસ્ત્રી 'ડાર્ક મેટર'નાં કણો શોધવામાં કે એકઠા કરવામાં સફળ નિવડે તો નોબેલ પ્રાઇઝ અવશ્ય મેળવે જ. પરંતુ ડાર્ક મેટરની સંભાવનાને આધાર આપે તેવાં પુરાવા મેળવવા બદલ વેરા રૃબીનને 'નોબેલ' પ્રાઇઝ મળ્યું નથી.

આમ છતાં વેરા રૃબીનની આવડત અને સામર્થ્ય તેમનાં સમકાલીન વૈજ્ઞાાનિકો જાણે જ છે. આપણી ભાષામાં વાત કરવી હોય તો વેરા રૃબીન ''ડાર્ક મેટર'' જ્ઞાાતિનાં વૈજ્ઞાાનિકોની 'કુળદેવી' ગણાય. એરિસ્ટોટલ કહે છે કે તમારાં ક્ષેત્રમાં તમે જાણીતા અને માનનાં હકદાર બનો એ વૈશ્વિક ખ્યાતિ કરતા મોટું ઈનામ છે. વેરા રૃબીન પણ એરિસ્ટોટલની વાત સાથે સહમત હતાં. ૧૯૯૦માં 'ડિસ્કવર' મેગેઝિનને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ''મારાં આંકડા અને મારો ડેટા મારા નામ કરતાં વધારે મહાન છે. અત્યારે પણ ખગોળશાસ્ત્રીઓ  મારો ડેટા વાપરે છે તે મારી મોટી સિધ્ધી છે.''

મારીઆ મિશેલનાં પગલે પગલે...
વેરા રૃબીનને પુરુષ પ્રધાન 'સાયંસ ફિલ્ડ'માં એક સ્ત્રી તરીકે ઘણી મુસીબતો પણ વેઠવી પડી હતી. તેમની કેરીયરની શરૃઆતમાં તેઓ સાનદિઆગો બહાર આવેલી પાલોમર ઓબ્ઝરવેટરીમાં ગયા હતાં. ખગોળશાળા જાણે કે પુરૃષોનાં સંશોધન માટેની વિશાળ ગુફા હતી. આ ખગોળશાળામાં એક ખગોળશાસ્ત્રી તરીકે દાખલ થનાર પ્રથમ મહિલા વેરા રૃબીન હતી. આ ખગોળશાળામાં વેરા રૃબીન રહ્યાં ત્યાં સુધી તેમાં સ્ત્રીઓ માટે કોઈ સંડાસ-બાથરૃમની સુવિધા ન'હતી. વેરા રૃબીન પોતાનાં રૃમમાં ગઈ.

એક સ્ત્રીનો મોટો ફોટો કાપીને પુરૃષોનાં બાથરૃમ ઉપર ચોંટાડીને વિધીવત 'લેડીઝ' રેસ્ટ રૃમની શરૃઆત કરી હતી. ત્યારથી વિજ્ઞાાન જગતમાં સ્ત્રીઓનાં હક્ક માટે તેઓ લડતા આવ્યા હતાં. તેમને ખગોળશાસ્ત્ર ઉપર લેકચર આપવા બોલાવવામાં આવતાં ત્યારે તેઓ 'સ્પીકર્સ લીસ્ટ' જોતાં, જો તેમાં યોગ્ય સંખ્યામાં સ્ત્રીઓનો સમાવેશ થયો ન'હોય તો, ઓર્ગેનાઈઝરને કહેતા કે ભાઈ 'આ' સમસ્યા છે. તેનો હલ કરો.

૧૯૨૮માં જન્મેલા વેરા રૃબીનનું કુટુંબ વોશીંગ્ટન ડી.સી.માં આવી ગયું. બારી પાસે જ વેરાની પથારી રહેતી હતી. ખુલ્લી બારીમાંથી રાતભર ફરતાં તારાઓનાં સ્થાને તે નિહાળતી રહેતી. અહીંથી તેનો એસ્ટ્રોનોમીનો પ્રેમ શરૃ થયો હતો.

છેવટે તેણે પોતાનું ટેલિસ્કોપ પણ બનાવ્યું અને બ્રહ્માંડમાં ઉંડા ઉતરવાની શરૃઆત કરી. જોકે શાળામાં પરિસ્થિતિ અલગ હતી. તેણે તેનાં ભૌતિકશાસ્ત્રનાં શિક્ષકને કહ્યું કે તેને વાસાર કોલેજમાં જવા માટે સ્કોલરશીપ મળી છે. ત્યારે શિક્ષકે કહ્યું, ''તું વિજ્ઞાાનથી જેટલું દૂર રહેવાય એટલી રહીશ તો તારાં માટે સારૃ ગણાશે.'' પરંતુ વેરા રૃબિને 'વાસાર' કોલેજમાં પોતાનું ધાર્યું જ કર્યું.

આ વાસાર કોલેજનું એક આગવું પ્રકરણ છે. જે મારીયા મિશેલ નામની ખગોળશાસ્ત્રીનાં નામે લખાયું હતું. વેરા રૃબીન તેનાં રોલ મોડેલ મારીઆ મિશેલનાં પગલે પગલે ચાલવાની હતી. ૧૮૬૫માં મારીઆ મિશેલ વાસાર કોલેજમાં ખગોળશાસ્ત્રની પ્રથમ મહિલા પ્રોફેસર બની હતી. જેણે સાબીત કર્યું હતું કે ખગોળવિદ્યામાં પુરૃષો કરતાં સ્ત્રીઓ વધારે સુવિધાજનક કામ કરી શકે છે. જેણે અમેરિકન મહીલાઓ માટે વિજ્ઞાાન જગતનાં દ્વાર ખોલી આપ્યા હતાં.

મારીઆ મિશેલ અમેરીકાની પ્રથમ પ્રોફેશનલ એસ્ટ્રોનોમર મહિલા હતાં. અમેરિકન એકેડમી ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાં પ્રવેશનાર પ્રથમ મહિલા પણ તેઓ જ હતાં. નોન-ડોમેસ્ટીક વર્ક માટે અમેરિકન સરકારે કામ પર રાખેલા પ્રથમ મહિલા પણ મારીઆ મિશેલ જ હતાં. તેઓ કોમ્પ્યુટર ઓફ વિનસ તરીકે ઓળખાતા જે નાવીકને વગર ય્ઁજી સિસ્ટમે પૃથ્વીની પ્રદક્ષિણા માત્ર તારાંઓનાં આધારે કરાવવાની ક્ષમતા ધરાવતાં હતાં.

છેલ્લું પ્રકરણ  :  સફળતાનો સાથ
આખરે ૧૯૬૫માં જ્યોર્જ ટાઉનમાં એક પ્રોફેસર તરીકે વેરા રૃબીનની કારર્કીદી શરૃ થઈ. અહીં તેમની મુલાકાત કેન્ટ ફોર્ડ સાથે થઈ જેની પાસે દુનિયાનું શ્રેષ્ઠ અને વધારે સંવેદનશીલ સ્પેકટ્રોમીટર હતું. સંવેદનશીલ ઉપકરણથી વેરા અને કેન્ટ ફોર્ડ ''ક્વેસાર'' નામની આકાશગંગાઓનો અભ્યાસ શરૃ કર્યો જેમાં કેન્દ્રમાં વિશાળ દળદાર બ્લેક હોલ્સ/શ્યામ ગર્ત હતાં.

આ સ્પર્ધાત્મક કાર્ય હતું. ૧૯૬૩માં 'કવેસાર'ની શોધ થઈ હતી. હજી તેનું રહસ્ય ખુલવાનું બાકી હતું. વેરા અને ફોર્ડ પાસે તેમનું સ્વતંત્ર ટેલિસ્કોપ ન'હતું. જ્યારે યુનિ.નાં વર્લ્ડ કલાસ ટેલીસ્કોપ ઉપર જાણીતાં એસ્ટ્રોનોમરની મોનોપોલી ચાલતી હતી. તેમનો સ્પર્ધાત્મક અભિગમ વેરાને ક્યારેય પસંદ પડયો નહીં.

છેવટે વેરા રૃબીન અને કેન્ટ ફોર્ડ તેમનું ધ્યાન એન્દ્રોમેડા ગેલેક્સી સ્૩૧ ઉપર કેન્દ્રીત કર્યું. તેમણે હાઈડ્રોજન-૨નાં વિવિધ અવલોકનો લીધા. જે ગેલેક્સીનાં એવા ભાગમાં હતાં જ્યાં તારાઓનો જન્મ થઈ રહ્યો હતો. તે કેન્દ્રથી દુર હતાં. છતાં તેમની ઝડપ સરખી હતી. આ સમસ્યામાં વેરા અને ફોર્ડ ગુચવાઈ ગયો. જેનો જવાબ મળ્યો તે ૧૯૩૨માં જાન ઉર્ટ અને ૧૯૩૩માં ફ્રિડ્ઝ ઝવીકીએ દર્શાવેલ સૈધાન્તિક ''ડાર્ક મેટર'' સાથે સીધો સંબંધ હતો.

છેવટે વેરા રૃબીન અને કેન્ટ ફોર્ડનું સંશોધન પત્ર ૧૯૭૦માં એસ્ટ્રો ફિઝીકલ જર્નલમાં છપાયું. ૧૯૯૩માં બિલ ક્લીન્ટને વેરા રૃબીનને નેશનલ મેડલ ઓફ સાયન્સ એનાયત કર્યો. મારીઆ મિશેલથી શરૃ થયેલું મહિલા ખગોળશાસ્ત્રનું એક પ્રકરણ વેરા રૃબીનનાં અવસાન સાથે પુર્ણ થાય છે. વિજ્ઞાાન જગત હજી પણ વેરા રૃબીન જેવી આશાવાદી સ્ત્રીઓની રાહ જોઈ રહ્યું છે.

વેરાને શા માટે નોબેલ પ્રાઇઝ મળ્યું ન હતું ?
શા માટે વેરા રૃબીનને નોબેલ પ્રાઇઝ ન મળ્યું ? આ સવાલની ચર્ચા લાંબી ચાલે એવી છે. દરેક ભારતીય નાગરિક પણ આવો સવાલ 'ગાંધીજી'ને નોબેલ પ્રાઇઝ શા માટે ન મળ્યું એમ કરી શકે છે ! યાદ રહે કે છેલ્લા ૫૩ વર્ષથી ભૌતિકશાસ્ત્રમાં એક પણ મહિલાને નોબેલ પ્રાઇઝ મળ્યું નથી. આ વિધાન એવું દર્શાવે છે કે વિજ્ઞાાન જગતમાં સ્ત્રીઓને પુરૃષ સમોવડી માનવામાં આવતી નથી.

તેમની સિધ્ધીઓ, પુરૃષોની સફળતાને ઝાંખી પાડે તેવું પરૃષપ્રધાન વિજ્ઞાાન જગતને મંજુર નથી ? ભૌતિક શાસ્ત્રમાં મહત્વનાં બે નોબેલ પ્રાઇઝ મેળવનાર મહિલાઓ છે. મારીયા ગોવર્ટ માયર અને મેરી ક્યુરી. જોકે વિજ્ઞાાન જગતમાં ઘણી સ્ત્રી વૈજ્ઞાાનિકોએ પોતાનું કેલીબર બતાવીને અનોખા સંશોધન અને શોધ છે.

છતાં ભણેલા ગણેલા લોકોનું સામાન્ય જ્ઞાાન ચકાસવા સવાલ કરો કે વિશ્વપ્રસિધ્ધ દસ મહિલા વૈજ્ઞાાનિકોનાં નામ આપો ! તેમનું લીસ્ટ પણ ત્રણ કે ચાર નામ કરતાં વધારે આગળ વધશે નહીં ! આવું શા માટે ? લાગે છે કે મહિલા વૈજ્ઞાાનિકો અને તેમની સિધ્ધીઓને યોગ્ય પ્રસિધ્ધિ મળી નથી. અને એટલે કે વિશ્વની ટોપ ટેન મહિલા વૈજ્ઞાાનિકોનાં નામ આપવાનાં હોય તો આપણે ત્રીજા કે ચોથા ક્રમે આવીને અટકી જઇએ છીએ.

વિલીયમ ગાલ નામનાં વિવેચકે પ્રાઇઝ, સરપ્રાઇઝ અને કોન્સોલેશન પ્રાઇઝ નામનાં લેખમાં સુંદર વાત કરી છે. ''કોઇપણ ફિલ્ડમાં પ્રાઇઝ માત્ર વ્યક્તિનાં મેરીટ પ્રમાણે આપવાની હિંમત કોઇ જ્યુરી કરી શકે નહીં.'' આ હિસાબે પ્રાઇઝ એ નોટોરીઅસલી ચાન્સી બિઝનેસ ગણાય છે.

સાહિત્યની માફક વિજ્ઞાાન જગત માટે પણ આ વાત સાચી છે. વૈજ્ઞાાનિકોનાં એક નાના ગુ્રપને 'નોબેલ' પ્રાઇઝ માટેનાં દાવેદારનાં નામ આપવાનું કામ સોંપાય છે. આવી વ્યક્તિ નોબેલ પ્રાઇઝ વિજેતા, નોબેલ કમીટીનો મેમ્બર અથવા સ્પીડીશ એકેડમીનો સભ્ય હોવો જોઇએ. સિલોેક્ટેડ યુનિવર્સિટીનો નિશ્ચિત સમય પ્રોફેસર હોવો જોઇએ. અથવા કમીટીએ ખાસ આમંત્રણ આપીને વૈજ્ઞાાનિકને બોલાવ્યા હોવા જોઇએ.આ લોકો બેશક મહત્વ ધરાવનાર અને 'બીઝી' લોકો હોય છે.

પોતાની કેરીયર પર તેઓ કોઇ ડાઘ કે વિવાદ ઈચ્છતા નથી. એક ક્ષેત્રમાં નામાંકીત બન્યા પછી અને ટોચ પર પહોંચ્યા પછી તેમણે પણ મિત્રો અને દુશ્મનોનો સમુદાય એકઠો કર્યો છે. તેઓ પણ તેમનાં ઉપકારનો બદલો ચુકવવા માંગતા હોય છે. તેમનાં પ્રેમીપાત્રને એવોર્ડ આપવા માંગતા હોય છે. કદાચ આ કારણે વિજ્ઞાાન જગતમાં માત્ર મેરીટનાં આધારે 'પ્રાઇઝ' આપવું  શક્ય નથી.

કટોકટી કાળ ! કાગડા બધે જ કાળા છે
વાસાર કોલેજમાંથી બેચલર ડિગ્રી લઈને નિકળેલાં વેરા રૃબીન કોર્નેલ યુની.ની એસ્ટ્રોનોમી સ્કુલમાં માસ્ટર થિસીસ માટે દાખલ થયા હતાં. અહીં તેમણે માર્થા સ્ટાર કાર્પેન્ટર સાથે કામ શરૃ કર્યું હતું. ''આકાશગંગા અને તેનાં આંતરીક પદાર્થોની ગતિ'' એ માર્થા કાર્પેન્ટર માટે શોખ અને સંશોધનનો વિષય હતો. જેનો ચેપ વેરા રૃબીનને જીંદગીભર લાગેલો રહ્યો.

એક દિવસ વેરા રૃબીનનાં તાંજા પરણેલા પતિ રોબર્ટ રૃબીન ખગોળશાસ્ત્રી 'જ્યોર્જ ગેમોવ'નો જર્નલમાં છપાયેલો લેખ, વેરાને વાંચવા આપે છે. જેમાં તેમણે સવાલ કર્યો હતો કે સુર્યમાળા અને તેનાં ગ્રહોની ગતિનો ઉપયોગ, બ્રહ્માંડમાં આકાશગંગા કઈ રીતે ફરે છે. એ જાણવા માટે કહીએ તો શું થાય ? આ સવાલે વેરા રૃબીનને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી નાંખ્યાં તેમના મગજમાં એક સવાલ ઘુમરાતો હતો કે આમ થાય... તો શું થાય ?

અહીંથી તેમણે આકાશગંગાનાં ધરીભ્રમણનાં વેગને માપવાનો પ્રયોગો કર્યા. જેનાં પરીણામે 'ડાર્ક મેટર'નો અસ્તિત્વને આધાર આપે તેવાં સાંયોગિક પુરાવાઓ મળી આવ્યા હતાં. તેણે પોતાનાં અવલોકનોના આધારે લખાયેલો 'થિસીસ' તેનાં એક સલાહકાર વિલીયમ શોને બતાવ્યા.

વિલીયમ શોનો જવાબ હતો. એક - ડેટા બધો બહુવચનમાં છે. બે  :  કામ ખૂબ જ ગંદુ છે. છતાં વેરા રૃબીન ચાહે તો અમેરીકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીની મિટીંગમાં તેને રજુ કરી શકે છે. અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીમાં તેમણે પોતાનાં સંશોધનની રજુઆત કરી ત્યારે તેઓ તેમનાં પ્રથમ બાળકને પેટમાં લઈને પ્રેગનન્ટ અવસ્થામાં ગયા હતાં. તેનો વિષય હતો.

''રોટેશન ઓફ યુનિવર્સ'' મિટીંગમાં બધા જ પ્રોફેશનલ એસ્ટ્રોનોમર્સ હતાં. જ્યારે સામા છેડે લેકચર આપનાર નવો નિશાળીયો હતો. વેરા રૃબીન તેમનાં કોઈને ઓળખતા ન'હતાં. અને બધાનો પ્રતિભાવ અને કોમેન્ટસ પણ 'નેગેટીવ' હતો. આ કારણે તેનું પેપર ક્યારેય છપાયું નહીં.

પ્રથમ બાળકનાં જન્મ બાદ, છ મહિના તેઓ ઘરમાં જ રહ્યાં. ઘરે જેટલીવાર એસ્ટ્રોફીવકલ જર્નલ આવતી એટલીવાર વેરા રૃબીન રડતાં હતાં. વેરા રૃબીનનાં બેકગ્રાઉન્ડમાં એવી કોઈ મોરપીચ્છ જેવી ખુબી ન હતી કે પતિ ઘરે રહે અને તે પોતાને ગમે છે તે ખગોળ પ્રવૃતિ માટે બહાર જઈ શકે. વેરા માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો.

તેનાં પતિએ ફરીવાર આગ્રહ કરી આગળ અભ્યાસ કરવાનું સૂચવ્યું. વોશીંગ્ટન ડી.સી.ની જ્યોર્જ ટાઉન યુનીવર્સિટીમાં તેમણે પીએચડી માટે નામ નોંધાવ્યું. છેવટે તેમણે પીએચડીની ડીગ્રી પણ મેળવી છતાં તેમનાં મનમાં એક સવાલ ઘુમરાતો હતો જ. શું પીએચડી મેળવ્યા બાદ પણ હું ખરેખર એસ્ટ્રોનોમર બની શકીશ ?

Post Comments