Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

શબ્દ-ધ્વનિના સ્પંદનોથી પ્રભાવિત થતી જડ-ચેતન સૃષ્ટિ

મનુષ્યના શરીરની અંદર પણ સ્વરોનું સૂક્ષ્મ ગુંજન થતું હોય છે. એટલે આપણે શરીરને પણ વાદ્ય કહી શકીએ જેમાં પ્રકૃતિ લયબદ્ધ સંગીત વહાવતી રહે છે.

આખા બ્રહ્માંડમાં વ્યાપેલી ચેતના અને શક્તિનો ઉદ્ભવ ક્યાંથી થયો એનું સંશોધન કરતા ઋષિ-મુનિઓએ જાણ્યું કે એનું ઉદ્ગમ સ્થાન શબ્દ બ્રહ્મ છે. શબ્દ ધ્વનિથી બને છે. એટલે બધાના મૂળમાં ધ્વનિ છે. એમાં પણ આદિમ ધ્વનિ ઓમ્ છે. ઓમ્ શબ્દ અથવા ધ્વનિ સમુચ્ચય અ, ઉ અને મ ના સંયોજનથી બન્યો છે.

માણ્ડૂકય ઉપનિષદ કહે છે કે ઁ (ઓમ્) શબ્દ જ પૂર્ણ અવિનાશી પરમાત્મા છે. એ સમગ્ર જગત અને ત્રણેય કાળને પોતાની અંદર સમાવે છે. ઓમકારના ધ્વનિથી પ્રસ્ફૂટ થનારી બ્રહ્મશક્તિ એટલી શક્તિશાળી છે કે આખા બ્રહ્માણ્ડને પ્રભાવિત કરી શકે છે. સ્વામી વિવેકાનંદ કહે છે - ઓમ્ નો ધ્વનિ બધા નામ અને રૃપોની જનની છે.. (The Sound of Om is mother of all names and forms.) બાઈબલમાં કહેવામાં આવ્યું છે -  ‘‘In the beginning was the word. The word was with God. The Word was God.  આરંભમાં શબ્દ હતો. શબ્દ ઈશ્વરની સાથે હતો. શબ્દ જ ઈશ્વર હતો.''

ભૌતિક વિજ્ઞાનની બીગ બેન્ગ થિયરી બ્રહ્માંડ ક્યારે અને કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તેની અવધારણા રજૂ કરે છે. તે પણ કહે છે કે લગભગ ૧૩.૮ બિલિયન વર્ષ પૂર્વે ઊર્જાના જબરદસ્ત મોટા ધડાકા સાથેના વિસ્ફોટથી આ બ્રહ્માંડનો આરંભ થયો હતો.

આમાં પણ ધ્વનિથી પ્રારંભ થવાની વાત આવે છે. જગતની દરેક વસ્તુ ધ્વનિ કે સ્પંદન જ છે. અમેરિકાના આયોવા સ્ટેટમાં આવેલી મહર્ષિ મહેશ યોગીએ સ્થાપેલી મહર્ષિ યુનિવર્સિટીમાં ધ્યાનનું પ્રશિક્ષણ આપતા રોજર ગેબ્રિઅલે ધ્યાન, આયુર્વેદ અને યોગનો સમન્વય કરી હજારો લોકોને એના વિશે પ્રશિક્ષિત કર્યા છે. ઈંગ્લેન્ડના લિવરપુલ ખાતે જન્મેલા રોજર ગેબ્રિઅલ શરૃઆતમાં યુનાઈટેડ કિંગ્ડમમાં રહી ધ્યાન શીખ્યા હતા. પછી અમેરિકા ગયા ત્યારે મહર્ષિ મહેશ યોગી પાસે ધ્યાન શીખ્યા અને તેના પ્રશિક્ષક પણ બન્યા.

ત્યાં આયુર્વેદનું જ્ઞાાન પણ પ્રાપ્ત કર્યું. ૧૯૮૫માં આયુર્વેદનું સેન્ટર ખોલવાની પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે વૈકલ્પિક ચિકિત્સાના વિશ્વપ્રસિદ્ધ તબીબી સંશોધક ડૉ. દીપક ચોપરાને મળ્યા અને એમના મિત્ર બની ગયા હતા. એ પછી એમની સાથે રોજરે ઘણા પ્રોગ્રામ, સેમિનાર અને વર્કશોપમાં સહકાર્યકર્તા તરીકે કામગીરી પણ કરી હતી. રોજરે ભારતમાં રહીને પણ ઘણું જ્ઞાાન ગ્રહણ કર્યું. ૨૦૦૬માં તેમણે ભારતના વારાણસીના શ્રી સતુવા બાબા મહારાજજી પાસેથી 'રાઘવાનંદ' નામ પ્રાપ્ત કર્યું હતું.

રોજર ગેબ્રિઅલ કહે છે કે જ્યારે જગતની દરેક વસ્તુ ધ્વનિ કે સ્પંદન છે તો તે શરીરને પણ લાગુ પડે છે. જ્યારે આ ધ્વનિ કે સ્પંદનમાં ભંગાણ પડે, અસંતુલન કે વિસંવાદિતા સર્જાય ત્યારે રોગ ઉત્પન્ન થાય છે. માનો કે ઓરકેસ્ટ્રાનો એક મ્યુઝિશિયન 'ઓફ કી' વગાડતો હોય તો ગીતના તેટલા 'પીસ'માં બેસૂરાપણું ઉદ્ભવે. એ વખતે જો બીજા નિષ્ણાત મ્યુઝિશિયનને તેની બાજુમાં ઊભો રાખી તેની પાસે સાચી ટયુન વગાવડાવીએ તો ખોટું વગાડતો વાદક એનું સાંભળી સાચી રીતે વગાડવા લાગશે.

બસ, આ જ રીતે જો તમે તમારા શરીરના તંત્રમાં વિસંવાદિતા આવે ત્યારે એ વિસ્તારના સાચા ધ્વનિ-સ્પંદનને ધ્યાનમાં રાખી એનું ઉચ્ચારણ કરો કે યોગ્ય 'સાઉન્ડ ટોનિંગ' કરી એને સુધારી તો એની તકલીફ કે બીમારીમાંથી મુક્ત થઈ શકો છો. શરીરના દરેક અવયવ, અંગ, ટીસ્યુ અને કોષનું પોતાનું આગવું 'વાઈબ્રેશન' હોય છે. એમાં સંવાદિતા (harmony) જળવાઈ રહે તો સ્વાસ્થ્ય ટકી રહે છે. જો એ સંવાદિતા ખોરવાઈ જાય તો રોગ ઉત્પન્ન થાય છે.

રોજર ગેબ્રિઅલે એમના સંશોધનના આધારે જણાવ્યું છે કે ભિન્ન-વિભિન્ન ધ્વનિ-સંયોજનોનું ટોનિંગ માથાનો અસહ્ય દુખાવો, સાઈનસ, કાન અને નાકના રોગો, પેટના રોગો, લિવર, નાના અને મોટા આંતરડાના રોગો, કિડની, બ્લેડર, પ્રજોત્પત્તિ તંત્રના રોગો, હૃદયરોગ, ફેફસાનાં રોગો, જડબાના રોગ, થાક, અશક્તિ, નબળાઈ, તણાવ, ચિંતા, માનસિક રોગો દૂર કરે છે. કેટલાક ટોન એવા છે જે કોઈપણ રોગ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

તાજેતરમાં થયેલા અનેક સંશોધનોએ એવું સાબિત કર્યું છે કે ઓમ્ જે અક્ષરોથી બન્યો છે તે અ, ઉ, મ ધ્વનિ સ્પંદનો સર્વાધિક શક્તિશાળી છે અને આ ધ્વનિના સ્પંદનોને જે અંગ કે અવયવમાં રોગ હોય તેના તરફ વાળવાથી રોગનિવારક અસર ઉત્પન્ન કરે છે. ઓમ્ ના 'અ' ધ્વનિને નાભિમાં ગૂંજતો હોય એવી અનુભૂતિ કરવી. 'ઉ' ધ્વનિ છાતીમાં ગૂંજતો હોય એવી અનુભૂતિ કરવી. અને 'મ્' ધ્વનિ મસ્તિષ્કમાં ગૂંજી રહ્યો છે એવો અનુભવ કરવો.

ઋષિ-મુનિઓ પાસે મંત્રબળ હતું જેનાથી તે ઘણા કાર્યો કરી શકતા હતા. મંત્રબળથી શરીરમાંથી વહી જતું લોહી પણ અટકાવી શકતા. અત્યારે પણ કેટલાક પ્રદેશમાં જીપ્સી તાંત્રિકો કે આદિવાસી ભૂવાઓ આવી શક્તિ ધરાવે છે. આની પાછળ શબ્દ કે ધ્વનિની શક્તિ જ કામ કરે છે.

આજથી સાઈઠેક વર્ષ પૂર્વે ડૉક્ટર ડોગેલે જંગલના વિસ્તારોમાં ફરી ભૂવાની મંત્રવિદ્યાના મૂળમાં ક્યું 'બાયોમિકેનિક્સ' રહેલું છે તે જાણવાના પ્રયત્નો કર્યા હતા. સંશોધન કર્યા બાદ તેમને ખ્યાલ આવ્યો હતો કે એ મંત્રો બોલવાની પદ્ધતિ ઈચ્છિત પરિણામ લાવવા માટે જવાબદાર હતી. ચોક્કસ માત્રામાં બોલાયેલા શબ્દો દ્વારા ધ્વનિના તરંગોમાં અમુક કંપનો ઉત્પન્ન થાય છે. આ ચોક્કસ માત્રામાં થતાં સ્વર કંપનો લોહીની ગતિને ઓછી કે વધતી કરી શકે છે કે અટકાવી પણ શકે છે. ડૉ. ડોગેલે પોતે પણ મંત્રોચ્ચાર કરવાની રીતો જાણીને આવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેને આધારે તે પણ કોઈ વ્યક્તિ ઘવાઈને આવી હોય તો તે વાગેલી જગ્યાએ ટાંકા લીધા વગર લોહી અટકાવી દેતા હતા.

ડૉ. ડોગેલે એમના સંશોધનમાં એક બીજી બાબત પણ જણાવી હતી કે નદી કિનારે કે જંગલના પ્રાકૃતિક વાતાવરણમાં આ પ્રક્રિયા વધારે સફળ થાય અને ઝડપી થાય છે. નૈસર્ગિક વાતાવરણમાંથી આવતા લયબદ્ધ સ્વરો અને મંત્રોચ્ચાર કરનારના સ્વરોનું સમાયોજન વધારે અસરકારક બને છે. આમ, રોગ નિવારણ કરવાની પ્રક્રિયામાં શબ્દ-ધ્વનિ સાથે કુદરતનું સંગીત પણ સહાયક બને છે.

ધ્વનિ ચિકિત્સા પર થયેલા સંશોધનો દર્શાવે છે કે જુદાજુદા શાસ્ત્રીય રાગો પર આધારિત કંઠય સંગીતના સ્વરોની જેમ તંતુવાદ્યોના સ્વરો પણ રોગનિવારણ માટે મદદરૃપ થાય છે. આ તંતુવાદ્યોની સ્વરાવલિ શરીરના વિવિધ અવયવો, જ્ઞાાનતંતુઓ અને મસ્તિષ્કને પ્રભાવિત કરે છે.

વાંસળી અને કલેરિયોનેટના સૂર હૃદય અને રૃધિરાભિસરણમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરી શકે છે. એટલે હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગના દરદીઓએ આ વાદ્યોનું સંગીત ખાસ સાંભળવું જોઈએ. વાયોલીનના સ્વર જ્ઞાાનતંતુના રોગો દૂર કરવા સહાયક બને છે. તીવ્ર કે પ્રબળ રીતે ઉચ્ચારાયેલા સ્વર સ્નાયુઓના કાર્યને ઝડપી બનાવે છે. ડાયનેમોમીટર અને એરગોગ્રાફ જેવા યંત્રોથી સંગીતની કેવી અસર પેદા થાય છે તે જાણી શકાય છે.

મનુષ્યના શરીરની અંદર પણ સ્વરોનું સૂક્ષ્મ ગુંજન થતું હોય છે. એટલે આપણે શરીરને પણ વાદ્ય કહી શકીએ જેમાં પ્રકૃતિ લયબદ્ધ સંગીત વહાવતી રહે છે. જ્યાં સુધી આ લયબદ્ધતાની સંવાદિતા જળવાઈ રહે છે ત્યાં સુધી સ્વાસ્થ્ય સારું રહે છે. હૃદયના ધબકારા, સ્નાયુઓના વિસ્તરણ-સંકોચન, નાડીઓમાં થતા રક્તવહનની ક્રિયા જેવી અનેક વિદ્યુત-રાસાયણિક પ્રક્રિયાઓનું સૂક્ષ્મ સંગીત શરીરને સતત અસર કરે છે.

આ બાબતમાં ઊંડુ સંશોધન કરનારા શરીર વિજ્ઞાાની પ્રોફેસર ઝાવાધ્યને વિદ્યુત-રાસાયણિક પ્રક્રિયાના સૂક્ષ્મ સંગીતને વિશિષ્ટ ઉપકરણો દ્વારા 'રેકોર્ડ' પણ કર્યું છે. શરીર અને મનથી એકદમ સ્વસ્થ હોય, હકારાત્મક વિચારસરણીવાળી અને પ્રસન્ન ચિત્ત હોય એવી વ્યક્તિના શરીરના આંતર-સંગીતનું રેકોર્ડિંગ બીમાર વ્યક્તિને સંભળાવવામાં આવે તો તેની બીમારી દૂર થઈ જાય છે. પ્રોફેસર ઝાવાધ્યને આ રીતે ઘણા રોગીઓને સ્વસ્થ કર્યા છે.

Post Comments