Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત

નેપાળમાં જન્મેલા શાર્પશૂટરને ભારતીય સૈન્યે સુવર્ણપદે પહોંચાડયો

ઈન્ડિયન આર્મીના શાર્પશૂટર યુનિટમાં બબ્બે વખત રિજેક્ટ થયાં બાદ જીતુએ નિશાનેબાજીને જ જિંદગીનો એકમાત્ર ધ્યેય બનાવ્યો

જિંદગીની દરેક સફળતા નવા ઈતિહાસનું સર્જન કરે છે. ક્યારેક નાનકડો પ્રયાસ અસાધારણ સફળતા અપાવી દે છે, તો ક્યારેય પ્રયત્નોની હારમાળા પણ સંઘર્ષના પ્રમાણમાં સફળતાના ગ્રાફને રાઈઝ કરી શકતી નથી. એકાદ-બે પ્રયાસ બાદ મેદાન છોડી દેવાની સાથે એક સ્પર્ધક તત્કાળ પ્રેક્ષકમાં ફેરવાઈ જાય છે.

જેની પાસેથી ઈતિહાસના નવસર્જનની આશા હતી, તે પોતાની ભૂમિકા છોડીને અન્યની સિદ્ધિને પોતાની માનીને તેની ઉજવણીમાં મશગૂલ બની જાય છે. તાળીઓનો ગડગડાટ એ ટોચ પર ઉભા રહીને માણવા માટે છે, નહિ કે પોતાની અણઆવડતના ખાલીપાને અન્યોની સાથે ખખડાવીને કોઈના પર અભિષેક કરવા માટે !

'હું શા માટે આ ન કરી શકું ?' એ વિચારનો પાયો દરેકમાં નંખાયેલો હોય છે, પણ તેના પર ઈમારત ચણવાની હિંમત ખુબ જ ઓછા બતાવી શકે છે. જેઓ આ કરી જાણે છે તેઓ દુનિયામાં પોતાના માટે નવી ઓળખ ઉભી કરે છે અને બાકીના તમામ તેની તરફ અહોભાવથી અને પોતાની ભીતરમાં અફસોસભરી નજરે જોઈ રહે છે. નેપાળમાં જંગલોથી ઘેરાયેલા એક નાનકડા ગામડામાં જન્મેલો એક ગોરખા આજે આંતરરાષ્ટ્રીય શૂટિંગની દુનિયામાં ભારતની ઓળખ બની રહ્યો છે. આંતરરાષ્ટ્રીય શૂટિંગમાં ભારતને મેડલ્સની સાથે રેકોર્ડ્સ પણ અપાવનારા આ નેપાળમાં જન્મેલા શૂટરનું નામ છે જીતુ રાઈ.

ભારતીય સૈન્યની ગોરખા રેજિમેન્ટના નાયબ સુબેદાર જીતુ રાઈ આજે શૂટિંગની દુનિયામાં ધાર્યા નિશાન પાર પાડવા માટે જાણીતો છે. શૂટિંગમાં તેના નામે જુદા-જુદા રેકોર્ડ તો અંકિત થયેલા જ છે, સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતના ગોલ્ડન શૂટર તરીકેની ઈમેજ પણ તેણે વર્ષોની મહેનત અને સફળતાથી ઉભી કરી છે. જીતુની જિંદગી દરેક માટે પ્રેરણાનો સ્રોત છે. દુનિયાના કોઈ પણ છેડેથી જો માણસ પોતાની પ્રતિભાને વિકસાવવા માટે કટિબદ્ધ બને અને તેના ઈરાદા જેટલી જ મક્કમતાથી પરસેવો પણ પાડે તો કોઈ લક્ષ્ય અશક્ય નથી.

નેપાળમાં જંગલથી ઘેરાયેલા નાનકડા ગામડામાં જન્મેલા જીતુની સામે તેની જિંદગીને આરામથી ખેતી કરતાં કરતાં પુરી કરવાનો ખુબ જ આસાન વિકલ્પ હતો, પણ જીતુને તે મંજૂર ન હતો. પરિસ્થિતિની સામે બાથ ભીડવાની અને આસાન રાહને ઠુકરાવીને કંઈક નવું - આસ-પાસની દુનિયાથી અગલ કરવાની ચાહતે તેને દુનિયાના ટોચના શૂટરોમાં સ્થાન અપાવી દીધું છે.

ક્રિકેટની જેમ ભારતનું કલ્ચર શૂટિંગની રમતમાં પણ અત્યંત વૈભવી રહ્યું છે. અનેક મેડલ્સની સાથે મહાન ખેલાડીઓને ભારતીય શૂટિંગને એટલી ઉંચાઈએ પહોંચાડી દીધું છે કે, તેમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવવી તે જવલ્લે જ બનતી ઘટના છે. આમ છતાં જીતુ રાઈએ શૂટિંગની વર્લ્ડ કપ ઈવેન્ટમાં એકથી વધુ મેડલ જીતવાની જે સિદ્ધિ હાંસલ કરી તે ભારતીય શૂટિંગ જગતમાં પહેલી વખત કોઈએ હાંસલ કરી હતી. આ ઉપરાંત વર્ષમાં એક જ વખત યોજાતી અને દુનિયાભરના ટોચના શૂટર્સને આકર્ષતી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જીતુ રાઈને રજત સફળતા મળી ચૂકી છે.

આટલું ઓછું હોય તેમ કોમનવેલ્થ ગેમ્સમાં ડબલ ગોલ્ડ તેમજ એશિયાડની સુવર્ણ સિદ્ધિ તો તેના નામે અંકિત છે જ. જીતુએ ઓછામાં ઓછા એક ડઝનથી વધુ આંતરરાષ્ટ્રીય મેડલ્સ જીત્યા છે, અને જુદા-જુદા પાંચથી વધુ રેકોર્ડ્સ પણ સર્જ્યા છે. આટલું જ નહિ તેણે ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જોકે તેમાં તેને હજુ મેડલનો ઈંતજાર છે.

ભારતના આ ટોચના પિસ્તોલ શૂટરની એકાગ્રતા ગજબનાક છે. આ ઉપરાંત ન્યુરો-મસ્ક્યુલર-કોડનેશન એટલે કે મગજની સાથે શરીરના સ્નાયુઓની નિયંત્રિત ગતિમાં તેણે ભારે અભ્યાસ બાદ કુશળતા મેળવી છે અને આ જ બાબત તેને અન્ય શૂટરો કરતાં અલગ ઓળખ અપાવે છે.

જોકે, જીતુ નિખાલસતાથી કહે છે કે, 'મેં બાળપણમાં તો ઠીક યુવાનીમાં પણ ક્યારેય શૂટર બનવા માટે વિચાર્યું નહતુ. ઈન્ડિયન આર્મીમાં જોડાયા બાદ પણ મને શૂટિંગમાં રસ નહતો. જોકે અમારા કોચ જીઆર ગરબરાજ રાઈએ અમને લાકડી ફટકારી-ફટકારીને શૂટિંગ શીખવ્યું. હું આજે જે કંઈ છું તે મારા કોચ અને ઈન્ડિયન આર્મીના કારણે જ છું.' ભૂતકાળને યાદ કરતાં જીતુની આંખોની સમક્ષ તેનું બાળપણ જ નહિ પણ સંઘર્ષના દિવસો પણ તરવરવા માંડે છે.

જીતુ રાઈનો ઉલ્લેખ આવે એટલે ભારતીય મીડિયામાં તેની ઓળખ ઉત્તર પ્રદેશના ખેલાડી તરીકેની થાય કારણ કે ભારતીય સૈન્યનું નિશાનેબાજી માટે એક્સપર્ટ યુનિટ ઉત્તર પ્રદેશના મઉમાં આવેલું છે. દરેક આર્મીમેનની ઓળખ તેનો બેઝ જ હોય છે. આમ પણ જીતુની કારકિર્દીમાં ઈન્ડિયન આર્મીનું મહત્વ વિશેષ રહ્યું છે. તેના પિતા પણ ભારતીય સૈન્યમાં જવાન હતા અને ભારત તરફથી ચીન અને પાકિસ્તાન સામેના યુદ્ધમાં લડી ચૂક્યા હતા. તેમની શોર્યગાથાઓ સાંભળીને ઉછરેલા જીતુના મનમાં આર્મીનું આકર્ષણ રહ્યું હતુ.

જીતુ ૧૯ વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યારે તેના પિતાનું અવસાન થયું. પાંચ ભાઈ-બહેનોના પરીવારમાં ઉછરી રહેલા જીતુએ ખેતી છોડીને પિતાના પગલે ભારતીય સૈન્યમાં જોડાવાનું નક્કી કર્યું. ગોરખા રેજિમેન્ટમાં જોડાયા બાદ પણ તેને શૂટિંગમાં ખાસ રસ નહતો, પણ ટ્રેનિંગના ભાગરૃપે શૂટિંગ શીખ્યા બાદ તેણે જે ચોકસાઈથી નિશાન પાર પાડયા તેનાથી તેના સિનિયરો ખુબ જ પ્રભાવિત થયા. આ પછી તેને ઉત્તર પ્રદેશમાં આવેલા આર્મીના નિશાનેબાજીના યુનિટમાં મોકલવામાં આવ્યો. અહી જ તેની ખરી કસોટી શરૃ થઈ.

આર્મીના નિશાનેબાજીના યુનિટે બબ્બે વખત જીતુ રાઈને રિજેક્ટ કર્યો હતો. તે સમયને યાદ કરતાં જીતુ કહે છે કે, 'આર્મીમાં દરેક યુનિટના શ્રેષ્ઠ શૂટરોને મઉના યુનિટમાં વધુ સઘન તાલીમ માટે મોકલવામાં આવે છે અને તેમાંથી પર્ફોમન્સને આધારે ટીમનું સિલેક્શન થાય છે.

જ્યારે મને પહેલી વખત નિશાનેબાજીના યુનિટમાં મોકલવામાં આવ્યો ત્યારે મને પહેલી વખત ૯એમએમની પિસ્તોલથી શૂટિંગ કરવાની તક મળી. જોકે મારો દેખાવ અત્યંત સરેરાશ રહ્યો અને આખરે મને 'આરટીયુ' મળ્યું ! આરટીયુ એ કોઈ મેડલ નથી, પણ સિલેક્ટ ન થયેલા ખેલાડીઓને પાછા જવાના ઓર્ડર છે, જે 'રિટર્ન ટુ યુનિટ' તરીકે ઓળખાય છે.

જીતુને એક નહિ, પણ બે વખત નિશાનેબાજીના યુનિટમાંથી 'આરટીયુ' આપવામાં આવ્યું. આ પ્રકારનો ઓર્ડર મેળવ્યા બાદ ભલભલાનો આત્મવિશ્વાસ ડગી જાય, પણ જીતુના ઈરાદાને 'આરટીયુ'એ વધુ મક્કમ બનાવ્યો. જીતુએ થોડા સમય માટે શૂટિગમાંથી બ્રેક લીધો અને ત્યાર બાદ ફરી શૂટિંગ રેન્જ તરફ ડગ માંડયા.

હવે તેણે માત્રને માત્ર પિસ્તોલ શૂટિંગ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને ૧૦ મીટર એર પિસ્તોલ અને ૫૦ મીટર પિસ્તોલ ઈવેન્ટને ટાર્ગેટ કરીને નિશાન સાધવા માંડયા. માત્ર ચાર વર્ષની સખત મહેનતને પરીણામે આખરે જીતુને નેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મળ્યો. આ ગોલ્ડ મેડલ જ જીતુના ભાગ્યની ચાવીરૃપ બન્યો અને તેની સાથે શરૃ થયેલી સફળતાનો સિલસિલો આજે છ વર્ષ બાદ પણ જારી રહેવા પામ્યો છે.  જીતુને ૨૦૧૪માં માત્ર દેશમાં જ નહી પણ દુનિયાભરમાં ભારતીય શૂટર તરીકે નવી ઓળખ મળી.

તેણે આ જ વર્ષે શૂટિંગની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં, વર્લ્ડ કપમાં, કોમનવેલ્થ ગેમ્સમાં અને એશિયન ગેમ્સમાં એક પછી એક મેડલ્સ જીતીને ઈતિહાસ રચી દીધો. આ કારણે આર્મીમાં તેને નાયબ સુબેદાર તરીકેનું પ્રમોશન મળી ગયું અને તેની જિંદગી એક નવી જ ઉંચાઈએ પહોંચી. આ પછી ઉત્તરોત્તર તેની રમતમાં નિખાર આવતો ગયો અને ગત વર્ષે તેને દેશનો સર્વોચ્ચ રમત એવોર્ડ - ખેલ રત્ન પણ એનાયત કરવામાં આવ્યો. આ પછી પણ તેની જીતનો સિલસિલો જારી જ  અને હવે તેણે વર્ષના અંત ભામાં રમાનારી એશિયન ગેમ્સ તરફ મીટ માંડી છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments