Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

મૃગતૃષ્ણા : ડિયર ડીઅરનું કલ્ચરલ ચીઅર!

સમાચારોમાં ચમકીને ફરી ભૂલાઈ ગયેલા હરણનો માનવજાત સાથે સાહિત્યિક સંબંધ છે! : ભારતના પ્રાચીન વારસામાં હરણ દરેક કહાનીમાં ઈન્ટીગ્રલ ભાગ ભજવે છે

ઉગતા સૂર્યની સામે આવે છે મૃગ દોડતો
ઉતરે બાગમાં હાવાં ફલાંગે ગઢ કૂદતો
વીણા તણો નાદ તહીં સુણાય
આનંદ લહેરે અનિલો ભરાય
ઝુલે ફૂલો એ કંઈ તાલમાં ત્યાં
વસંત લીલા સ્વર બેવડી રહ્યાં
ભીતિ કશી એ મૃગને દિસે ના
પિછાન જુની સ્થળની નકી આ
નમાવી શૃંગો ચળ પીઠમાં કરે
યથેચ્છ પર્ણો તરુનાં જરા ચરે
ઊડી રહ્યો છે જલનો ફુવારો
હોજે તરે રંગીન માછલીઓ
ત્યાં કાન માંડી મૃગ તે ઢળે છે
જરા નમીને જલ એ પીએ છે
પાસેથી ત્યાં તો સ્વર આવ્યા
વાયુ તણી લહેર મહીં ગુંથાયા
કૂદી ઉમંગે ચમકાવી કર્ણો
સ્વરો ભણી એ મૃગ દોડતો ગયો
હીંચકે ખાટમાં બેઠી કુંજમાં દિવ્ય સુન્દરી
બીનની મીંડ મીઠીમાં એ છેક ગળી ગઈ
દિસે અંગો નાનાં હૃદયમય કે તાનમય શાં
લતા શા ડોલે છે કટિ ઉપરના સૌ અવયવો
અહા કાળા ઝુલે કમર પર એ વાળ સઘળા
દિસે તારા જેવાં ચકચકિત શાં સ્નિગ્ધ નયનો
મળી છે શું આંહીં જગત પરની સૌ મધુરતા
અહીં વેળાનું ના કરવત ઘસાતું નકી હશે
ગ્રહો તારા ભાનુ જરૃર પણ આંહીં અટકતા
સ્વરોની દેવીનાં નમી નમી અહીં દર્શન કરે
દૂરથી આવતો દોડી વ્હાલો એ મૃગ જોઈને
કન્યા તે હસ્ત લંબાવી હેતથી આવકાર દે
આનંદભીનાં નયને નિહાળી પંપાળતી તે મૃગને કરેથી
દાસત્વ મીઠું મૃગમાં દિસે છે
પ્રેમાળ ભીનાં નયને વસે જે
પછી વીણા તારો મધુર સ્વર દૈવી જગવતા
હવામાં નાચન્તી સ્વરની કંઈ મૂર્તિ ખડી કરે
જડી જાણે રાખે નયન મૃદુ કન્યા મૃગ પરે
અને એ ચ્હેરામાં નવીન કંઈ ભાવો પલટતા
મૃગે એ ભાસે છે વશ થઈ જતો કે ગળી જતો
જરા ડોલે શૃંગો વળી અરધ મીંચ્યાં નયન છે
નિસાસા લેતો એ મૃગ હૃદય જાણે ઠલવતો
અને કન્યા શિરે રસમય અભિષેક કરતો
અહો ક્યારે થનનથન નાચી કૂદી રહે
વળી એ કન્યાના ઘડીક પદ ચાટે જીભ વડે
ફરે વીણા તેવાં હૃદય નયનો અંગ ફરતાં
દિસે બન્ને આત્મા અનુભવી રહ્યાં એકમયતા
પ્રભાત કાલે મૃગ આમ આવતો
વીણા સુણીને વનમાં ફરી જતો
સ્વરો ન મીઠા મૃગ વીણ ઊઠતાં
સુખી થતી ના મૃગ વીણ કન્યકા
લગની કો લગાડે છે ઉરોની રસએકતા
પશુ આ માનવી આ એ કાંઈ ભેદ ન પ્રેમને
દિનો કૈં આનન્દે રસભર ગયા આમ વહેતા
સદા રહેતાં ધૂને મધુર સ્વરની આમ દિલ આ
પ્રભાતે કોઈ એ પથિક ગઢ પાસે અટકતો
ઘડી સુણી વીણા નિજ પથ જતો આશિષ દઈ
    
તહીં ઉગ્યો છે હજુ અર્ધ ભાનુ
નવીન રંગે નભ છે ભરેલું
શુકો ઉડે ગીત હજાર ગાઈ
સહુ સ્થળે છે ભરપૂર શાન્તિ
ઉદાસ શાન્ત સ્વર બીન છેડે
ઉદાર ભાવો મૃગ નેત્ર રેડે
મચી રહી આદ્રૅ સ્વરોની હેલી
મહાન આનંદની રેલ રેલી
સરરર સુસવાટો થાય ત્યાં બાગમાં કૈં
અરર મૃગ બિચારો ઉછળી પડે છે
થર થર થર ધૂ્રજે કન્યકા ત્રાસ પામી
શિથિલ કર થતાં એ બીન તૂટે પડીને
મૃગહૃદય મહીં છે તીર લાગ્યું અરેરેરે
ખળખળ ઢળતું હા રક્ત ભૂમિ પરે એ
નયનજલ વતી એ કન્યકા ઘા ધુવે ને
મૃગ તડફડ થાતો હાંફતો શ્વાસ લે છે
મીંચાઈ એ જાતાં નયન દરદે બે ક્ષણ અને
ઘડી કન્યા સામે રુદનમય એ શાં નિરખતાં
અરે છેલ્લે યાચે નિજ પ્રિય કને એક નજરે
વદે છે કૈં આવું નયન મૃદુ ચોંટી રહી હવે
કરીને શીર્ષનું તુમ્બું નેત્રની નખલી કરી
બજાવી લે બજાવી લે તારું બીન હજી હજી
કૃપા હોજો દયા હોજો પ્રભુની બીનની પરે
અનુકૂલ સ્વરો મીઠા હજો આ તુજ હસ્તને
કન્યા બિચારી દુ:ખણી થઈને
એ શીર્ષ ખોળે મૂકતી રડે છે
ત્યાં પાછળેથી નર કોઈ આવે
વાત્સલ્યભાવે વદતો જણાયે
અયિ પુત્રી શિકારી તો પાપી છે તુજ આ પિતા
ભૂલી જા એ બજાવી લે તારું બીન હવે જરા
હૃદય સ્થિર નથી એ કન્યકા બાપડીનું
નજર નવ કરે તે કોણ આવ્યું ન આવ્યું
પણ દ્રઢ થઈ અન્તે અશ્રુમાં તે ગળન્તી
દરદમય છતાં એ કાંઈ મીઠું લવે છે
તુમ્બું તૂટી પડયું અરે જિગરના ચીરા થયા છે પિતા
રે આ સાંભળનારના જગતમાં એવું થયું છે પિતા
વીણા બંધ થઈ સ્વરો ઊડી ગયા ખારી બની જિંદગી
સાથી ન જગમાં રહ્યો પ્રભુ તણી આશિષ એવી મળી
મૃત્યુને વશ આ કલા થઈ ગઈ હુંએ બની મૃત્યુની
આ સંસાર અસાર છે અહહહા એ શીખ આજે મળી
વ્હાલાં હાય અરે અરે જગતમાં વ્હાલાં ઉરો ચીરતાં
ભૂલોની જ પરંપરા જગત આ એવું દિસે છે પિતા
ક્યાં શ્રદ્ધા અને પ્રેમ ક્યાં જગત આ આખું અકસ્માતનું
જે પ્યાલું મૃગને મળ્યું મરણનું તે હુંય માગું પ્રભુ
જોઈ બે ઘડી આ લઉં મૃગને અને વીણા તૂટેલી પિતા
એ નિર્માણ અનન્તના જલ મહિં ડૂબું પછી હું પિતા

    
દિનો કૈં કન્યાના દરદમય ઓહો વહી ગયા
ફર્યાં છે એ ગાત્રો મુખ પણ કર્યું છેક જ અરે
હવે જો કોઈએ પથિક ગઢ પાસે અટકતો
શિલા ત્યાં આ વાંચી કંઈક દુ:ખમાં તે ડૂબી જતો
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.'


સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'ની આજની જનરેશનને 'અઘરી' લાગે એવી આ કવિતા ગુજરાતી વારસાનું 'ક્લાસિક' ઘરેણું છે. રાજવી કવિ કલાપી એકદમ ઋજુ હૃદય સંવેદનશીલ યુવક. પંખી પર ફેંકાતા પથરાને જોઈને એમના દિલમાંથી ચિત્કાર સરી પડે ને ખેતર જોઈને લલચાતા રાજા વિશે ય 'દયાહીન થયો છે નૃપ' લખી શકે. એક યુવતી સાથે મૈત્રી કરતા હરણનું રસાળ શબ્દચિત્ર લખ્યા પછી એના શિકારી પિતાએ તીર ચલાવી એનો ભોગ લેતા ક્રૂરતા જોઈ સૂનમુન બનેલી કન્યાનો વિષાદયોગ અહીં છે. સંગીતવાદ્ય વીણા અને મૃગ બંને આમ તો સિમ્બોલિક છે.

કોઈ વ્યક્તિ સાથે સંબંધ બંધાય, એકબીજાને સમજી શકાય એવું 'ટયુનિંગ' બંને ત્યારે એક અદ્રશ્ય સંગીત વહે છે. સોનાર વેવ્ઝની જેમ એ સાઉન્ડ બધાને સંભળાતો નથી. પણ એ ઉષ્મા અને આનંદના તરંગો હોય છે. પ્રેમ અને વિશ્વાસની સૂરાવલિ રણઝણે છે. એ રિશ્તાનો વિચ્છેદ થાય ને જે વિયોગનો ખાલીપો સર્જાય એમાં પેલો કુદરતી રીતે સંધાયેલો અંતરનો તાર તૂટી જાય છે! તૂટેલા દિલનું હાર્ટબ્રેક સાયલન્ટ મોડમાં હોય છે, પણ વીણાનું તૂટવું એ ભગ્નહૃદયની ગમગીનીની નિશાની છે.

અને એક સમયે ગુજરાતીના ક્વૉટેબલ ક્વૉટ તરીકે યાદગાર બની ગયેલી કવિતાની છેલ્લી પંક્તિ જે છે, એ લાજવાબ છે. આજે ય ઈન્ટરનેશનલી રિલેવન્ટ છે. આગળ ઘરના જ ઘાતકી અને બને એ સનાતન સત્ય સંભળાવી પ્રકૃતિના ખોળે વીણાવાદન કરતી અને એ સાંભળવા આવતા મૃગ સાથે દોસ્તી કરતી યુવતી હવે પહેલા જેમ વગાડી નહિ શકે એવો સંકેત મૃત્યુને વશ થયેલી કલા કહીને આપે છે. એનામાં આ જગત, સંસાર માટે કસમે વાદે, પ્યાર વફા સબ બાતે હૈ, બાતોં કા ક્યા જેવો દર્દીલો વિરક્તિભાવ જાગે છે. હિચકારા કૃત્યથી હચમચીને એલર્જી અનુભવે છે આસપાસના વિશ્વથી.

સમય જતાં એ સેન્સેટિવ ગર્લ તો જેમતેમ કરી જાતને સમેટે છે. પણ અંદર જે કશુંક છેદાઈ ગયું એ ફરી સંધાતું નથી. અને પછી પેલી યાદગાર પંક્તિઓનું 'ક્લોઝર' આવે છે. સર્જક, કલાકાર, ઈન્સાન ગમે તેટલો મહાન હોય, પ્રતિભાશાળી હોય, વિદ્વાન હોય, આવડત અને ઉત્સાહથી થનગનતો હોય અને ઈશ્વરીય કૃપાથી કોઈ અનોખી કળાથી સજ્જ હોય - ભોક્તા વિણ કળા નહિ!

એને સાચી રીતે સમજી શકનાર, એના માટે અખૂટ સ્નેહ રાખનાર કોઈ ભાવક નથી તો એ કળાનું કશું મૂલ્ય નથી. જંગલ મેં મોર નાચા, કિસને દેખા? ગોપીઓ નથી તો માધવની મુરલી ખામોશ રહે છે. કુરૃક્ષેત્રમાં બંસરી વગાડી શકાતી નથી. નકલી, બનાવટી, ભ્રષ્ટ કે દૂષિત નહિ પણ સાચી કળા જે છે, એ એના ઉત્તમ કદરદાન વિના વ્યર્થ છે. કલાકાર રાઈટ રિસ્પોન્સ વિના પૂરેપૂરો નીચોવાઈને ખીલી શકતો નથી. એ જો ટ્રાન્સમીટર છે, તો સામે રિસિવર પણ જોઈએ. તો જ કમ્પલીટ કોમ્યુનિકેશન થાય!

જગતમાં સર્જકતાના દુકાળ કરતા તો મોટો દુકાળ એને સમજીને સ્વીકારી શકતા રસિક ભાવકોનો છે. અધૂરી અક્કલવાળાઓ માટે વીણાના વાજીંત્ર અને તાપણાંના સાઠીકડા વચ્ચે ફરક નથી. રૃથલેસલી, એ મજાક ઉડાડી કે લેગ પુલિંગ કરી સંવેદનોને પજવવામાં વિકૃત આનંદ લે છે. આપણે ત્યાં ફિલ્મ શોઝમાં ટિકિટ લઈને રાજાપાઠમાં આવી જતી પબ્લિક નથી? બીજાને ખલેલ પહોંચે એમ જોરશોરથી વાતો કરે, ઠઠ્ઠાની કોમેન્ટ્સ કરે છે કે મોબાઈલ મચડે! આખું વાતાવરણ એમની કાળાશથી વીંખાઈપીંખાઈ જાય.

અસલી ભાવકનું પ્રતીક કલાપીની કવિતામાં મૃગ છે. સામાન્ય શબ્દોમાં હરણ. પણ સાયન્ટિફિકલી એમાં ઘણા પ્રકાર હોય છે. નીલગાય, ચિંકારા, ચૌશિંગા, કાળિયાર (બ્લેક બક), ચિત્તલ, સાબર, ભૈકર... ગુજરાતમાં દેખાતા આ બધા પ્રાણી હરણ કે મૃગ કૂળમાં આવે. પણ આપણે સાયન્સની નહિ, સાહિત્ય-સંસ્કૃતિ-સંવેદનાની વાત કરીએ છીએ.

વર્ષોથી ડીઅર કે મૃગ તરીકે લાંબી પિંજણ વિના જેમની પ્રજાતિઓ ઓળખાય છે, એ હરણ પૃથ્વીના પોષણચક્રની મહત્વની કડી છે. તૃણાહારી એટલે વેજીટેરિયન અને ગભરૃ, હરણો તમામ માંસાહારી એટલે નોન વેજીટેરિયન પ્રાણીઓનું જીવન ટકાવવા મહત્વનો ભાગ ભજવે છે. શિકારીઓ માટે યુગોથી એ મેઈન ટાર્ગેટ હોય છે. ભારતમાં તો શબ્દ જ આવ્યો : મૃગયા. એટલે જ હન્ટિંગ. પ્રકૃતિએ એટલે જ એમને શરમાળ, નિરૃપદ્રવી બનાવવાની સાથે વર્ષમાં બે વાર વિપુલ પ્રજનનક્ષમતા આપી એની સંખ્યા વધારે રાખી છે!

અને એટલે જ વિશ્વની જેમ જ ભારતના પ્રાચીન વારસામાં હરણ દરેક કહાનીમાં ઈન્ટીગ્રલ ભાગ ભજવે છે. રામાયણ-મહાભારત જ જોઈ લો ને!
    
રામાયણના બે મોટા ટર્નિંગ પોઈન્ટ મૃગને કારણ છે. મૃગયા કરવા નીકળેલા રાજા દશરથહરણ સમજીને શ્રવણને તીર મારે છે, અને પુત્રવિયોગમાં તડપીને મરવાનો શ્રાપ મેળવે છે. વનવાસના પાયા અહીંથી નખાય છે. અને પછી અતિશય જાણીતો રાવણના મામા મારીચે સુવર્ણમૃગનું માયાવી સ્વરૃપ ધારણ કર્યું એ પ્રસંગ. જ્યાંથી સીતાહરણવાળો મેજર ટ્વીસ્ટ આવે છે.

વાલ્મીકિ રામાયણના અરણ્યકાંડમાં સુવર્ણમૃગનું ભારે લોભામણું કાવ્યાત્મક વર્ણન છે. એમાં પરસ્પર પ્રેમમાં રહેલા યુગલનો સંવાદ પણ છે. વાઈફ હબીને કેવી રીતે ગમતી ગિફ્ટ માટે મનાવે એનું ય રસઝરતું વર્ણન છે. વાલ્મીકિ રામાયણના ત્રીજા અધ્યાયના તેંતાળીસમાં સર્ગના પહેલા જ શ્લોકની શરૃઆત સીતાના સૌંદર્યવર્ણનથી થાય છે.

રૃપવતી વૈદેહી પતિને લક્ષ્મણની શંકાશીલ ચેતવણી છતાં સુવર્ણમૃગની ઓજસ્વી ત્વચાનું વર્ણન કરે છે. સોનેરી ચામડી પર રૃપેરી હીરા ટાંકેલા હોય એવા ટપકાં જોઈ આવું હરણ વનવાસ પછી મહેલમાં સોબત આપશે અને જીવતું ન પકડાય તો એનું મૃગચર્મ શોભશે એમ કહે છે. ડાયરેક્ટ ડિમાન્ડ નથી, પણ હિડન કમાન્ડ પ્રિયજન રામ સમજે છે. એ સુવર્ણમૃગ સીતાના શબ્દોમાં નક્ષત્રમાં ઝગમગતા તારા જેવી ત્વચા ધરાવે છે!

ડિટ્ટો, મહાભારત. એમાંય મૃગ બે મહત્ત્વના પ્રસંગોમાં છે. ભરતવંશ જ્યાંથી શરૃ થયો, એના બેકડ્રોપમાં તો દુષ્યંત અને શકુંતલાની લવસ્ટોરી છે. દુષ્યંત પણ મૃગયા કરવા જ નીકળેલો રાજવી છે. કલાપીની નાયિકાની જેમ શકુંતલા કણ્વ ઋષિના આશ્રમમાં મૃગ-મૃગલી અનેે એમના બચ્ચાંઓ સાથે રમીને મોટી થઇ છે. વિહ્વળ થઇ ભાગાભાગી કરતા હરણોનો જીવ એને વ્હાલો છે. એમાં જ એનો અને દુષ્યંતનો આમનોસામનો થાય છે. પ્રિયજન સામે શસ્ત્ર મ્યાન હોય, એમ દુષ્યંત ત્યારે શિકાર પડતો મૂકે છે, પણ શકુંતલાના પ્રેમપાશનો શિકાર બને છે.

અભિજ્ઞાાન શાંકુતલમાં ય રૃપકોથી છલોછલ વર્ણન છે કવિ કાલિદાસનું મૃગસૃષ્ટિનું. એમાં ય આર્ટીસ્ટિક સિમ્બોલ છે. દુષ્યંત જેવા પુરૃષો ભ્રમરવૃત્તિની નવીનતાભોગી ચંચળતા ધરાવતા હોઈને, અને મધુરસ માટેએક પછી બીજા પુષ્પતરફ જતા હોઇને એની સાથે ભમરાને જોડયો. અને નારીની સાથે હરણી જોડી. ભોળી, રમતિયાળ, નાજુક. મૃગનયની જેવા તો આપણે ત્યાં વિશેષણ પણ છે જ.

એક વિદેશી ટૂંકી વાર્તામાં શિકારીઓ સગર્ભા હરણીનો શિકાર કરે છે, અને પેરેલલ જ્યાં ઉતારો લીધો છે, એ પરિવારની કન્યા પર બળજબરી કરે છે. સ્ત્રી ને હરણી બેઉનો શિકાર થાય છે. બેયની કરૃણ આંખો એકસરખી લાગે છે ! કાલિદાસે હજારો વર્ષો પહેલા આ કલ્પન કરેલું છે! દુષ્યંત શકુંતલાના વિરહ (અને ભાવિ મિલનની પ્રતીક્ષા)ની અવસ્થાએ દુષ્યંત ચિત્ર બનાવે છે, એનાં મૃગના શિંગડાની અણીએ મૃગી આંખ ખંજવાળે છે, એ સ્થિરતા અને ભરોસાનું પ્રસન્ન દાંપત્ય પણ છે.

પણ મહાભારતમાં રામાયણની શ્રવણકથાને પેરેલલ જ ટર્નિંગ પોઇન્ટ પાંડુના કિસ્સામાં મૃગે લઇ આવેલ શ્રાપનો છે. ઋષિકુમાર પ્રિયતમા સાથે મૃગ-મૃગલીનું રૃપ ધારણ કરી વનમાં રતિક્રીડા કરતા હતા, ત્યારે મૃગયા કરવા નીકળેલ પાંડુનું તીર લાગતાં ખુલ્લા વનમાં મદમસ્તવિહાર કરવા માટે રૃપ બદલતી એ જોડી ખંડિત થઇ, અને પાંડુને અન્યના આનંદમાં ભંગ પડાવવા બદલ શ્રાપ મળ્યો કે સ્ત્રીનો સ્પર્શ પણ કરશે તો મૃત્યુ પામશે. અને એટલે ધૃતરાષ્ટ્રને રાજપાટ સોંપી પાંડુએ વનમાં જવું પડયું અને પત્ની માદ્રી પાછળ મોહિત થતાં એનું અકાળ અવસાન નીપજ્યું અને એટલે કુંતીએ વરદાનનો ઉપયોગ કરી નિયોગથી પાંડવો પેદા કર્યા!

મૃગ તો જાતકકથાઓ અને પંચતંત્રની બોધકથાઓમાં પણ આવે છે. ઇસપની પેલી વાર્તા યાદ છે? સાબરના શિંગડા? પોતાના રૃપાળાં શિંગડા પર ગુમાન ધરાવતું સાબર એ જ શિંગડા ફસાઈ જતાં મૃત્યુ પામે છે! આપણા પંચાંગમાં તો આકાશમાં જ હરણી નક્ષત્ર છે. મૃગશીર્ષ યાને માગશર એવો મહિનો છે. હરણના રૃપનો ઉપયોગ કરી રાવણ છળથી સીતાને ઉપાડી ગયો, એ પછી જ અપહરણ કે હરણ શબ્દ આવ્યા હશે?

પણ હરણ-મૃગ પાલતુ પશુ ન હોવા છતાં માનવજાત સાથેનો અને સાંસ્કૃતિક નાતો જગમશહૂર છે. ખ્રિસ્તી ધર્મમાં ય મૃગ પવિત્ર ગણાય છે. જર્મન પરીકથાઓમાં ય જાદૂઈ ને દેવતાઈ હરણ છે. ઇજીપ્તની એક દેવી મૃગમુખી હતી. હરક્યુલિસના પરાક્રમોમાં હરણ આવે છે. ગ્રીક દેવતાઓનાં દેવી ડાયેના સાથે હરણ જોડાયેલું છે. સાન્તાક્લોઝના વાહનમાં રેન્ડીઅર હરણના પિતરાઈ ગણાય. સેલ્ટસ પ્રજાની દંતકથાઓમાં ય હરણ રહેતું.ટ્રોયના ઘેરામાં પવિત્ર હરણની વાત હતી. જાપાનમાં ય હરણ પવિત્ર ગણાય. લાયન કિંગની ફિલ્મોથી વોલ્ટ ડિઝનીના પેલા ક્યુટ હરણબાળ 'બામ્બી'ને તો કેમ ભૂલાય?

ઉછળતું હરણ આમ જ હિસ્સો થઇ બેઠું છે. આપણા વારસાનું (હેરિટેજ, યુ નો?) અભિન્નઅંગ થતું જાય છે, દેશ-પરદેશ, પ્રાચીન અર્વાચીન માટે પણ ઢીલીઢફ સીસ્ટમમાં માં...ડ ચાલતા કેસોના માધ્યમે વર્ષો બાદ ફરી કાળિયારના શિકાર બાબતે ચર્ચાની ડમરી ઉઠે એ પહેલા તો શમી ગઈ.
    
દલપત પઢિયારની કવિતાની પંક્તિઓ કંઇક એવી હતી કે 'નાભિ જેવું નગર વસાવી, મૃગ ભટકે વને વને!' કસ્તૂરી મૃગની કીમતી મહેકદાર કસ્તુરી એની ડૂંટીમાં જ હોવા છતાં એની પાછળ એ દર-બ-દર ભટક્યા કરે છે. આ કટાક્ષ ટેલન્ટ હોય. પણ વિઝન ન હોય એવાને પણ લાગુ પડે. અધ્યાત્મિક સાધનાનો સંકેત પણ મળે. ભીતરમાં જ અપાર ક્ષમતા છુપાયેલી હોય, ને બહાર મામૂલી બાબતો પાછળ ભટકવામાં સમય-શક્તિ જાય.

એટલે જ માયાવી મારીચને અંજલિ આપવા જાણે 'મિરાજ' પરથી ગુજરાતી શબ્દ રચાયો મૃગજળ. કસ્તૂરીમૃગ જેવા લોકોને ખુદને જ પોતાની સાચી ઓળખ નથી, ને બીજે એ શોધવા જાય છે. જ્યારે મૃગજળ ઉર્ફે ઝાંઝવાના જળ તો આભાસ છે. જે નથી, હાથમાં આવવાનું નથી, એની પાછળ દોડવામાં ઊર્જા ખર્ચી નાખવી, એ માનવસ્વભાવ છે. કાલ્પનિક બાબતોના આભાસનું મૃગજળ વળગે એ માનસિક અંધાપો છે! સંભવત: કાંતિ મડિયાના નાટકનું નામ હતું 'મૃગજળ સીંચીને ઉછેરી વેલ!'

મૃગતૃષ્ણા જ કાયદાનો સજાપાત્ર ભંગ કરીને કોઈ મજાઓ લેવા મજબૂર કરે. એ મૃગતૃષ્ણા જ એની સમજ્યા વિના ચોવટ કરે. સોહામણું અને નુકસાન પહોંચાડવાની ક્ષમતા વિનાનું સલામત પ્રાણી હોઇને, સર્વત્ર ઉપલબ્ધ હોઇને હરણ, સ્ટેગ  માણસ માટે મનગમતું ચિહ્ન બનતા ગયા. કલાકારોનું ચિત્ત હરતા ગયા!

ફાસ્ટ ફોરવર્ડ

'પુરૃષાર્થે સિધ્ધતિ કાર્ય, ન ચ મનોરથે

સુપ્તસ્ય સિંહસ્ય મુખાતિ ન પ્રવેશન્તિ મૃગા:'

(મહેનતથી કાર્ય સફળ થાય છે. એના વિચાર-વાતો કર્યા કરવાથી નહિ. સૂતેલા સિંહના મુખમાં મૃગ પ્રવેશતા નથી!)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments