Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

રોમ્યુલસ વ્હિટેકર : કિંગ કોબ્રાના સંશોધનમાં 'કિંગ'

છેલ્લાં છ દશકાથી જંગલો ખૂંદીને સરીસૃપ સજીવો અંગે સંશોધનો કરનારા રોમ્યુલસ વ્હિટેકર કિંગ કોબ્રાના સંશોધનમાં વૈશ્વિક ઓથોરિટી ગણાય છે. 

૧૯૬૦ પછીનું ભારત. આઝાદી વખતે લોકોએ સપનાના ભારતની જે કલ્પના કરી હતી તે કલ્પના ધીમે ધીમે ધૂંધળી થવા માંડી હતી. શાસકોની અણઆવડત છતી થવા લાગી હતી. સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનો લૂણો લાગવા માંડયો હતો. નિ:સ્વાર્થ ભારતીયોમાં સ્વાર્થીવૃત્તિના બીજ રોપાવા લાગ્યા હતા. ધનવાન-ગરીબો વચ્ચે આછેરી ખાઈ દેખાવાની શરૃઆત થઈ ચૂકી હતી.

ચીન-પાકિસ્તાન જેવા અવળચંડા પાડોશી દેશોએ સરહદો સળગાવવાનું શરૃ કર્યું હતું. અંગ્રેજોના સિતમથી છૂટયા પછી તુરંત સોનાનો સૂરજ ઉગશે એવી જે આશા હતી તે નિરાશામાં પરિણમવા લાગી હતી. આઝાદીને ૧૨-૧૫ વર્ષ વીતી ગયા હતા અને વિદ્યાર્થીઓ પણ નવી તક મળે તો વિદેશની વાટ પકડવા બૈતાબ બન્યા હતા. અમેરિકા-બ્રિટન જેવા દેશોમાં જઈને અભ્યાસ કરીને ત્યાં જ સેટ થઈ જવાનું વલણ ભારતીય યુવાનોમાં કેળવાતું જતું હતું.

બરાબર એ જ અરસામાં અમેરિકાથી એક ભણેલો-ગણેલો ખંતીલો, ધીરગંભીર, ગોરો, ઊંચો, હટ્ટોકટ્ટો જુવાન ભારતમાં આવીને રહેવા લાગ્યો. તેના પિતા ન્યૂયોર્કમાં રહેતા હતા અને એ યુવાને પણ વ્યોમિંગ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. એ અરસામાં વિએટનામ વોર ચાલતી હતી. ૨૦ વર્ષનો યુવાન અમેરિકન લશ્કરમાં જોડાઈ ગયો.

લશ્કરની તાલીમ દરમિયાન યુવાનના રસ-રૃચિને જોતાં તેને હોસ્પિટલની કામગીરી સોંપવામાં આવી. સૈનિકોને ઝેરી જીવ-જંતું કરડે તો તેની સારવાર કઈ રીતે થાય એની તાલીમ યુવાનને આપવામાં આવી. એ વખતે ફ્લોરિડામાં બિલ હાસ્ટ નામના એક સંશોધકે સાપના ઝેરમાંથી દવા બનાવવા માટે લેબોરેટરી શરૃ કરી હતી. તાલીમના ભાગરૃપે યુવાનને બિલ હાસ્ટનો પરિચય થયો. પડકારજનક અને અનોખું કામ કરતા બિલ પાસેથી યુવાને સાપનું ઝેર કાઢીને તેનો ઉપયોગ મેડિકલમાં કેવી રીતે થાય તે શીખી લીધું.

થોડો વખત અમેરિકન આર્મીમાં કામ કર્યું પણ એ યુવાનનું મન એમાં બહુ લાગ્યું નહીં. એને બિલ હાસ્ટ જેવું કામ કરવું હતું એટલે યુવાને ભારતની વાટ પકડી હતી. સાપની પ્રજાતિના વૈવિધ્યને જાણવા માટે જગતભરના સંશોધકો માટે ભારત મહત્વનું સ્થળ હતું, પરંતુ એ યુવાન ભારતમાં આવ્યો એ પાછળ તે એકમાત્ર કારણ જવાબદાર ન હતું. બીજાં ય કારણો હતા, જે તેને ભારત આવવાનું આમંત્રણ આપતા હતાં.
ભારતમાં તેની મા રહેતી હતી. અમેરિકામાં જન્મેલા એ યુવાને ભારતમાં શાળાનું શિક્ષણ લીધું હતું. અમેરિકન આર્મીમાં કારકિર્દી શરૃ કરનારો એ યુવાન ભારતીય નાગરિક પણ હતો. અમેરિકાની સુખ-સુવિધા મૂકીને ૬૦-૭૦ના દશકામાં ભારતના જંગલો ખૂંદવા આવેલો એ યુવાન એટલે આજના વિશ્વવિખ્યાત સરીસૃપ વિજ્ઞાાની - રોમ્યુલસ વ્હિટેકર.

રોમ્યુલસ વ્હિટેકરનો જન્મ ૧૯૪૩માં ન્યૂયોર્કમાં થયો હતો, પણ તેમની વય ૭ વર્ષની હતી એ વખતે માતા-પિતાએ અલગ થવાનો નિર્ણય કર્યો. માતા ડોરિસ નોર્ડને રામ ચટ્ટોપાધ્યાય નામના ભારતીય નાગરિક સાથે બીજા લગ્ન કર્યાં. રામ ચટ્ટોપાધ્યાય બોલિવૂડમાં કલર ફિલ્મ પ્રોસેસિંગના પાયોનિયર ગણાતા હતા અને બોલિવૂડમાં તેમને સારાં માન-પાન મળતા હતાં.

રામ ચટ્ટોપાધ્યાય અને ડોરિસ લગ્ન પછી પરિવાર સાથે અમેરિકાથી ભારત આવી ગયાં. એમાં રોમ્યુલસનો પણ સમાવેશ થતો હતો. રોમ્યુલસ, તેમની બહેન ગેઈલ અને સૌથી નાની બહેન નીના એમ પાંચ સભ્યોનો પરિવાર મુંબઈમાં રહેવા લાગ્યો. રોમ્યુલસે તમિલનાડુની શાળામાં અભ્યાસ કર્યો અને પછી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની વાટ પકડી.

સાવકા પિતા ભારતીય નાગરિક હોવાથી માતા ડોરિસની સાથે રોમ્યુલસ સહિતના સંતાનો પણ ભારતીય નાગરિક બન્યાં. વળી, અમેરિકામાં જન્મ થયો હોવાથી અને અમેરિકન પિતાના કારણે રોમ્યુલસ અમેરિકન નાગરિક પણ હતા એટલે તેમણે અભ્યાસ પૂરો કરીને અમેરિકન આર્મીમાં કારકિર્દી શરૃ કરી.

પણ ભરયુવાનીમાં બિલ હાસ્ટ સાથે પરિચય થયો પછી સરીસૃપ સજીવોનો અભ્યાસ કરવાની લગની લાગી ને એ જ અરસામાં દિલનો અવાજ સાંભળીને ભારતમાં આવી વસ્યા. ભારતમાં આવીને વાઈલ્ડલાઈફનું કામ કરતી સંસ્થા માટે કામ કરવા લાગ્યા. જે પ્રકારનું કામ કરવું હતું તે કામ રોમ્યુલસને કરવાની તક મળતી ન હતી. મુંબઈની એક બાયોમેડિકલ ઈન્સ્ટિટયૂટમાં કામ કરતા હતા તે દરમિયાન અવારનવાર તમિલનાડુ જવાનું બનતું. તમિલનાડુમાં, ખાસ તો ચૈન્નઈમાં તેમને મગર અને સાપ અંગે સંશોધન થઈ શકે તેવી શક્યતા દેખાઈ.

૧૯૭૨માં તેમણે ચેન્નઈ સ્નેક પાર્ક ટ્રસ્ટની સ્થાપના કરી. આ દેશનો પ્રથમ સરીસૃપ પાર્ક હતો. અગાઉ કોઈએ કલ્પના પણ નહોતી કરી તે કામ ૨૮-૨૯ વર્ષના યુવાન રોમ્યુલસે ભારતમાં આવીને કર્યું હતું. તેમના નવા વિચારની, નવી સંશોધન પદ્ધતિની દેશના પર્યાવરણવિદેમાં નોંધ લેવાઈ. એક એકરમાં ફેલાયેલા પાર્કમાં દેશમાં મળતા વિભિન્ન પ્રકારના સર્પોને રાખવામાં આવ્યાં. રોમ્યુલસે સંસ્થા સ્થાપવાની સાથે સાથે સાપ અંગે દેશમાં પ્રવર્તી રહેલા ભ્રમને તોડવાનું કાર્ય પણ શરૃ કર્યું.

બધા જ સાપ ઝેરી છે એમ માનીને લોકો સાપને જુએ કે મારી નાખતા. પણ રોમ્યુલસે દક્ષિણ ભારતના ગામડાંઓમાં ફરી ફરીને એવી જાગૃતિ લાવી કે દરેક સાપ ઝેરી જ નથી હોતા. વળી, સાપથી બચવાના ઉપાયો પણ તેમણે બતાવ્યાં. આ બધી જ પ્રવૃત્તિની સાથે સાથે તેમણે સાપના લક્ષણો, તેના વિવિધ પ્રકારો, તેનું ઝેર અને તેનો ઉપયોગ વગેરે બાબતો ઉપર વિગતવાર અભ્યાસ કરીને પુસ્તકો તૈયાર કરવા માંડયાં.

સ્નેક પાર્કમાં જ શરૃઆતમાં મગર અંગે પણ સંશોધન થતું હતું, પણ ૧૯૭૬માં તેમણે મદ્રાસ ક્રોકોડાઈલ બેંક ટ્રસ્ટની અલગથી સ્થાપના કરી. આ સંસ્થાના નેજા હેઠળ રોમ્યુલસે મગરના સંશોધન ને શિક્ષણનું કામ શરૃ કર્યું. એશિયામાં આવા પ્રકારની આ એકમાત્ર અને પહેલી સંસ્થા હતી. પછી તો સરકારને પણ આ પ્રોજેક્ટમાં રસ પડયો એટલે હવે આ સંસ્થા સરકારના પર્યાવરણ મંત્રાલયનો ભાગ છે.

આ બંને કામથી રોમ્યુલસ વ્હિટેકરની ઓળખ સરીસૃપ વિજ્ઞાાની, વનસંરક્ષક તરીકે પ્રસ્થાપિત થઈ. ૧૯૮૬માં ૪૨-૪૩ વર્ષની વયે તેમણે પેસિફિક વેસ્ટર્ન યુનિવર્સિટીમાં જઈને નવેસરથી વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટમાં બીએસસીનો અભ્યાસ કર્યો. એકાદ દશકામાં આંદામાન એન્ડ નિકોબાર એન્વાયર્મેન્ટ ટ્રસ્ટ જેવી સંસ્થાઓની પણ સ્થાપના કરી અને સરીસૃપ સજીવો અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો સઘન બનાવ્યાં.

સરીસૃપ સજીવોના સંશોધનની સાથે સાથે રોમ્યુલસ વ્હિટેકરે ઈરૃલા આદિવાસીઓ માટે ય કામ કર્યું. એ અરસામાં સાપનું ખરીદ-વેંચાણ કરીને આ જાતિના લોકો પેટ ભરતા હતા. સરકારે તેના ઉપર પ્રતિબંધ મૂક્યો પછી ઈરૃલા આદિવાસીઓની આર્થિક સ્થિતિ વધુ દયનીય બની ગઈ. એમાંથી ઘણાં યુવાનો સાપનું ઝેર કાઢવાની કળા જાણતા હતા. રોમ્યુલસે આવા યુવાનોને વૈજ્ઞાાનિક ઢબે તાલીમ અપાવીને તેને આ કામમાં લગાડયા. આ રીતે કાઢવામાં આવેલા ઝેરમાંથી બનતી દવા સર્પદંશના દર્દીઓની સારવારમાં વપરાતી હોય છે. ઝેર કાઢવાના કામ માટે યુવાનોને વળતર પણ મળતું હતું.

સરીસૃપ સજીવોના સંશોધન દરમિયાન રોમ્યુલસ વ્હિટેકરને દુનિયાના સૌથી ઝેરી ગણાતા કિંગ કોબ્રાના સંશોધનમાં વધુ રસ પડયો. ૧૯૯૦ પછી તેમણે સૌથી વધુ ધ્યાન કિંગ કોબ્રાના સંશોધનમાં આપવાનું શરૃ કર્યું.

વર્ષો સુધી કિંગ કોબ્રા પર સંશોધન કરનારા રોમ્યુલસ વિશ્વમાં એ વિષયના અધિકૃત વ્યક્તિ છે. ભારતના કિંગ કોબ્રાની બાબતે પ્રોજેક્ટ-સંશોધન થતું હોય તો રોમ્યુલસના ઓપિનિયન વગર એ કામ અધૂરું ગણાય છે. ૧૯૯૬માં તેમણે નેશનલ જીયોગ્રાફિક ચેનલ માટે 'ધ કિંગ' નામની ૫૩ મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી, તેને વૈશ્વિક પ્રસિદ્ધિ મળી હતી. કિંગ કોબ્રા ઉપર બનેલી તેમની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ - ધ લાર્જેસ્ટ વેનમસ સ્નેક ઈન ધ વર્લ્ડને ૧૯૯૮માં એમી એવોર્ડ મળ્યો હતો. કિંગ કોબ્રાની ફોટોગ્રાફી માટે તેમને શ્રેષ્ઠ ફોટોગ્રાફરનો એવોર્ડ ય મળી ચૂક્યો છે.

સરીસૃપ સજીવોના સંરક્ષણ અને સંશોધનમાં આખું જીવન આપી દેનારા ૭૪ વર્ષના રોમ્યુલસ વ્હિટેકર આજે એકાદ ડઝન ગણમાન્ય ઈન્ટરનેશનલ વન્યપર્યાવરણની સંસ્થાઓમાં સલાહકાર છે. તેમણે લખેલું પુસ્તક - 'ધ સ્નેક્સ ઓફ ઈન્ડિયા : ધ ફીલ્ડ ગાઈડ' ભારતમાં વિવિધ પ્રકારના સાપ અને તેની લાક્ષણિકતા સમજવા માટે રેફરન્સ બુક છે.

દુનિયાભરના અસંખ્ય એવોર્ડ મેળવી ચૂકેલા રોમ્યુલસ વ્હિટેકરને આ વર્ષે ભારત સરકારે પદ્મશ્રી આપીને સન્માનિત કર્યા હતા. ભારતની નોંધપાત્ર વન્યજીવ સંરક્ષણ સંસ્થાઓના સ્થાપક રોમ્યુલસ વ્હિટેકર ભારતના કેટલાય જીવ વિજ્ઞાાનીઓના ગુરૃ છે. અસંખ્ય ભારતીય મૂળના અમેરિકનોની ગાથા આપણે હોંશે હોંશે સાંભળતા હોઈએ છીએ, ત્યારે આ અમેરિકન મૂળના સવાયા ભારતીયની જીવનકથા પણ પ્રેરક છે. એક જ ક્ષેત્રમાં, એકધારા જોમથી આખું જીવન સમર્પિત કરનારા લોકો બહુ જૂજ હોય છે. કિગ કોબ્રાના સંશોધનમાં અને નોલેજમાં 'કિંગ' કહેવા પડે એવા રોમ્યુલસ વ્હિટેકર એવા જ જૂજ લોકોમાં એક છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments