Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

સતત આગળ વધતું જતું કચ્છ-રાજસ્થાનનું રણ એક 'દી આખા ગુજરાતને ભરખી જશે

રણ પ્રદેશની રેતી પવન સાથે બીજા પ્રદેશોમાં પથરાતા રોજ રોજ ફળદ્રૂપ જમીન ઓછી થતી જાય છે અને સુકી ભઠ્ઠ જમીન  વધતી જાય છે.

ગયા સપ્તાહે પાટનગર દિલ્હીમાં સમી સાંજે ધૂળની એટલી જબ્બર આંધી આવી કે આખું શહેર ધૂળના વાદળો નીચે  ઢંકાઇ ગયું. ધોળે દિવસે રાજધાની દિલ્હી અંધારામાં ગરકાવ થઇ ગઇ. જેને કારણે વાહનવ્યવહાર ઠપ થઇ ગયો. ચારે તરફ ઉડતી ધૂળની ડમરીઓ જોઇને ઘણાંને આશ્ચર્ય થયું હતું.

જો કે આ કંઇ એકલદોકલ ઘટના નથી. ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં અવારનવાર વાં- વંટોળ જેવી સ્થિતિ સર્જાય છે. ઉત્તર ભારતમાં હળવા દબાણના પટ્ટા સર્જાય ત્યારે છેક રાજસ્થાન-થરના રણની રેતી હવામાં ઊડતી ઊડતી આ વિસ્તારમાં પથરાય છે. આંધી- તૂફાનની સ્થિતિ ના હોય ત્યારે પણ પશ્ચિમમાંથી ફૂંકાતા પવનો તેમની સાથે રણની રેતીને ઉત્તરભારતના પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ફંગોળે છે.

બીજા શબ્દોમાં એમ કહી શકાય કે કચ્છ- રાજસ્થાનનું રણ ધીરે ધીરે આગળ વધી રહ્યું  છે. દર વર્ષે અનેક હેક્ટર ખેતીલાયક જમીન પર રણની રેતીના થર જામતા જાય છે.  ગુજરાતના રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં પણ ઊડતી ધૂળનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. ઊનાળામાં તો સમગ્ર ગુજરાતમાં ઊડતી ધૂળની ડમરીઓ જોવા મળે છે. માર્ગો પર બંને કિનારે આવી રણની રેતી જોવા મળે છે.

કહે છે કે કચ્છનું રણ છે ત્યાં કોઈ કાળે જંગલ હતું ત્યાંથી હાથી, હરણ તેમ જ અન્ય પ્રાણીનાં હાડકાં મળી આવ્યાં હતાં. રાજસ્થાનના રણમાં પણ આવું જ હતું. દસ હજાર વર્ષોમાં જંગલોેનો નાશ થયો એટલે ભૂમિ વેરાન બનીને રણમાં ફેરવાઈ ગઈ. કચ્છનું રણ આગળ વધે છે એ ભય સાચો છે. દર વર્ષે દોઢથી બે કિલોમીટર રણ વિસ્તરે છે.

કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે આખા દેશથી નોખો પડે છે. દરિયો, ડુંગર રણએ કચ્છની વિશેષતા છે. પરંતુ એજ વિશેષતામાના દરિયા અને રણે કચ્છીઓમોં ચિંતા પણ જગાવી છે. આજથી ૨૨ વર્ષ પહેલાં સર્વે થયો ત્યારથી જ આજદિન સુધી રણ વિસ્તારમાં સતત વધારો થતો રહ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં કચ્છના રણ વિસ્તારમાં ૨૫ ટકા જેટલો વધારો થયો હતો.

અને ૨.૫૦ લાખ લોકો તેનાથી પ્રભાવિત થતાં સરકારે જમીન સુધારણા માટે ૧૮૮ કરોડની બંધારા યોજના ત્રણ વર્ષ પહેલાં જ અમલમાં મૂકી છે. એકલા કચ્છ અને  રાજસ્થાનની જ વાત નથી.  દુનિયા ભરમાં રણ સતત આગળ વધી રહ્યાં છે. ઈ.સ.૨૦૨૫ સુધીમાં તો વિશ્વના ૧૦૦ જેટલા દેશોની ખેતીલાયક જમીન રણપ્રદેશમાં ફેરવાઈ જશે.  આને કોઈ રોકી શકશે નહિં. આ પ્રદેશમાં હળને બદલે ઊંટ જ ફરી શકશે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ અને દુનિયાભરની સરકારો પોતાના દેશમાં રણ કેટલું વિસ્તરી રહ્યું છે, તેના પર નજર રાખી રહી છે. ઉપગ્રહોના આ યુગમાં હવે જમીનના ફેરફારોનું માપન કરવું જરા પણ અઘરું નથી. ભારત સરકાર દ્વારા ડેઝર્ટિફિકેશન, લેન્ડ ડીગ્રેડેશન (જમીનના પોષકતત્વો ઓછા થવાં) અને ડ્રાઉટ (અકાળ) અંગેના  રિપોર્ટ તૈયાર થઇ ગયો છે. 

રિપોર્ટ પ્રમાણે દેશની ૨૫ ટકા જમીન  વેરાન બની ગઈ છે. એટલે કે દેશની ૩૨ લાખ ચોરસ કિલોમીટર જમીન પૈકીની સાતેક લાખ ચોરસ કિલોમીટર જમીન એવી બની ગઈ છે કે જેમાં ખેતી નથી થઈ શકે એમ. ખેતી પ્રધાન દેશમાં ૨૫ ટકા જમીન બિનઉપજાઉ પડી રહે એ સ્થિતિ કોને પોસાય? વળી ૩૨ ટકા જમીન વળી એવી છે, જે સાવ બંજર તો નથી પણ તેમાં ઉપજાઉ ખેતી થઈ શકે એમ પણ નથી. ટૂંકમાં દેશની જમીન ભારે ઝડપી ગતીએ હરિયાળીમાંથી વેરાન થઈ રહી છે.

રણ પ્રદેશની રેતી પવન સાથે બીજા પ્રદેશોમાં પથરાતા રોજ રોજ ફળદ્રૂપ જમીન ઓછી થતી જાય છે અને સુકી ભઠ્ઠ જમીન  વધતી જાય છે. રાજસ્થાન પાસે તો સત્તાવાર રીતે રણ છે, એટલે ત્યાંની જમીન કસવાળી હોય એવી કોઈ અપેક્ષા ન રાખે એ સ્વાભાવિક છે. પરંતુ અહેવાલમાં ટાંકેલી વિગતો પ્રમાણે જમ્મુ કાશ્મીરનો ઉત્તર ભાગ, ઉત્તર-પૂર્વના સાત રાજ્યો અને કેરળને બાદ કરતાં બાકીના તમામ રાજ્યોની જમીનો ઉજ્જડ થઈ રહી છે. જમીન બંજર થવા પાછળ કારણો પણ ઘણા છે. રણની રેતી પ્રસરવાથી જમીન ઉજ્જડ થતી હોય એવી સ્થિતિ રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબમાં છે.

યુનાઈટેડ નેશન્સના રણને આગળ વધતું  અટકાવવા માટેના  વિભાગના વડાએ  કહ્યું હતું કે આ પ્રક્રિયા વિશ્વની મોટી દુર્ઘટના તરફ દોરી જાય છે અને દુનિયાના એક અબજ જેટલા ગરીબ, ભૂખ્યા લોકોની સંખ્યામાં દરરોજ વધારો કર્યે જાય છે.

૧૯૭૭માં યુનાઈટેડ નેશન્સે રણપ્રદેશને વધતો અટકાવવાનો જે કાર્યક્રમ યોજ્યો હતો એ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો હોવાનું  છેલ્લાં  સાત વરસની આકારણીએ બતાવ્યું છે.  જેનો  મતલબ એ થયો  કે   રણ વિસ્તરતું જતું હોવાની પ્રક્રિયા ચાલુ જ છે. ઈ.સ.૨૦૨૫માં પણ એના અટકાવવાના કોઈ સંજોગો શક્ય નથી લાગતા.  આને અટકાવવા માટે શું કર્યું છે અને શું કરવું જોઈતું હતું  એની તુલના કરવા જતાં આપણે ભયંકર  આફત ભણી જઈ રહ્યાં હોવાનું લાગે છે.

ફળદ્રુપ જમીન પર રેતી આક્રમણ કરે છે, ધસી પડે છે. આ બધુય સરકાર ઊભી ઊભી જોતી જ રહે છે, દર વર્ષે પરિસ્થિતિ વધુ ને વધુ વણસતી જાય છે. ચીનના ગોબીથી માંડી આફ્રિકાના સહારા સુધીના રણ વિસ્તારો દર વર્ષે ખેતીલાયક જમીનને ભરખી જતા હોવાનું તેમણે કહ્યું હતું.

આ એક તરેહની ચેતવણી છે.અમેરિકાની મેરિલેન્ડ યુનિવર્સિટીમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દુનિયાના સૌથી મોટા રણનો પ્રદેશ ૧૦ ટકા વધી ગયો છે. આ અભ્યાસ છેલ્લાં ૧૦૦ વર્ષના આંકડા પરથી થયો છે. રિપોર્ટ મુજબ છેલ્લા એક દાયકામાં સહરાના રણનું ક્ષેત્રફળ ૯ લાખ સ્કવેર કિલોમીટર જેટલું વધ્યું છે. એની પાછળ ગ્લોબલ વોર્મિંગને કારણભૂત માનવામાં આવે છે.

સંશોધકોનું કહેવું છે કે ધરતીનું તાપમાન વધવાને કારણે રણપ્રદેશનું ક્ષેત્રફળ વધ્યું છે. ૧૯૨૦ થી ૨૦૧૨ ની વચ્ચે પડેલા વરસાદ અને એના વિશ્લેષણ પરથી અભ્યાસ કરવામાં આવ્યો છે. સહરાની આસપાસના ઘણા વિસ્તારો પહેલાં રણપ્રદેશ નહોતા, પરંતુ હવે એ પૂરેપૂરા રણમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે. આફ્રિકામાં ગરમી વધી રહી છે એને કારણે ખેતી પર પણ માઠી અસર પડી છે. આનું પરિણામ દુનિયાભરમાં જોવા મળશે.

દર વર્ષે ૨૭  લાખ હેક્ટરથી વધુ જમીન ધસમસતા રણમાં સમાઈ જાય છે. છેલ્લા એક દાયકામાં ઉત્પાદન તથા જમીન પરના પાકની થયેલી નુકસાનીનો આંકડો ૨૬૦ કરોડ ડૉલર ઉપર પહોંચ્યો છે. ૫૧કરોડ  લોકો, એટલે કે દુનિયાની વસતિનો લગભગ ૧૫ ટકા, આજે મરુભૂમિ દ્વારા ભરખી જવામાં આવેલા દેશમાં વસવાટ કરે છે.

આ પ્રદેશોને  સાચવી રાખવા તેમ જ રણપ્રદેશોનો સામનો કરવા માટે આગામી ૨૦ વર્ષોમાં ૯૬  કરોડ અથવા દર વર્ષે ૪૫૦૦ લાખ ડૉલર ખર્ચવાની જરૃર છે. આવડી મોટી રકમ ઊભી કરવાનું અશક્ય હોવાનું યુનોના અધિકારીઓ માને છે.

પરિણામે મૃત્યુ તથા ભૂખમરાની સંખ્યા વધશે. આગામી વર્ષોમાં પણ રણ વિસ્તરણ ચાલુ જ રહેશે. અત્યારની ગતિએ, વરસાદથી તૈયાર થતા પાકવાળી ધરતી માટે આ વધુ ખતરનાક બનશે. આનું કારણ એ છે કે આ પ્રદેશો વિકાસશીલ વિશ્વમાં ગીચ વસતિ ધરાવતા હોય છે. આના મુખ્ય કારણોમાં અર્ધા સુકા પ્રદેશોમાં માનવી દ્વારા સાધનસંપત્તિનો થતો ગેરઉપયોગ, વધુ પ્રમાણમાં જમીનને ચરાવવા માટે છૂટી કરવી, વધુ માત્રામાં ખેતી કરવી અને પાણીનો દુર્વ્યય છે એમ નિષ્ણાતો  જણાવે છે.

રણની ગતિને રોકવા મોટા પાયે જમીન સંરક્ષણને લગતી કામગીરી કરવી જોઈએ. આ કામ પાર પાડવા સોઈલ રીજનરેશન ટેક્નોલોજીકલ ઈન્સ્ટ્ટ્યિૂટ શરૃ કરવી જોઈએ. આવી  સંસ્થા મારફત વૈજ્ઞાાનિકો અને કિસાનોને ખાસ પ્રકારની તાલીમ આપવી જોઈએ.

આપણા દેશની વાત કરીએ તો ધન કમાવામાં પારંગત વતનપ્રેમી કચ્છીઓએ કેટલીક બાબતોમાં વિચારધારા બદલવાનો સમય પાક્યો છે. કચ્છીઓએ એ શીખવાનું અને સમજવાનું છે કે તમારો સાચો ધર્મ ઈકોલોજી (પ્રાકૃતિક સમતુલા) છે. એની પાછળ પૈસો વાપરશો તો ખરેખર સૌનો ઉધ્ધાર થવાનો.

ઈઝરાયલનો દાખલો ટાંકતા એક નિષ્ણાતે જણાવ્યું કે આખું ઈઝરાયલ રણભૂમિ પર બેઠેલું છે. ૫૦ વરસના ગાળામાં એ દેશે રણને નવસાધ્ય કરીને જમીન ફળદ્રુપ કરી છે. અને આશ્ચર્ય થાય  તેવા ફળ-ફુલો ઉગાડે છે. હિટલરનું જર્મની જે સંતરા ખાય છે એ સંતરા ઈઝરાયલમાં પાકે છે. જર્મની ત્યાંથી આયાત કરે છે. પડોેશી ચીને પણ આવું જ કરી બતાવ્યું છે. રણને રોકવા માટે બાકીની ઈકોલોજી બચાવવી જોઈએ. વસ્તી વિસ્ફોટ પણ રણ વધવાનું કારણ છે.

જમીનની જરૃરત પડવાથી વૃક્ષોનો મોટા પાયે વિનાશ કરવામાં આવે છે કે મંદિરોમાં ઈકોલોજી વિષય શીખવવો જોઈએ. ધરતી તમારી સાચી માતા છે. ધર્મની પાછળ પૈસા વાપરીએ એના કરતાં જમીનને ફળદ્રૂપ કરવા લાખો વાપરશું તો લેખે લાગશે. ઈઝરાયલની એક વખતની બિનઉપજાઉ ધરતી બાગબગીચાઓથી શોભી ઉઠી છે. એવા જ બાગ કચ્છની ધરતી પર કરો. ધરતીની આ સાચી પૂજા છે. કેમિકલ ફર્ટિલાઈઝર અને પેસ્ટીસાઈડ્ઝ ધરતીનો નાશ કરે છે. તેને વાંઝણી કરે છે. કુદરતી ખેતી કરો તો જ જમીન બચશે.

ઈકોલોજીનો પ્રચાર સૌથી વધુ ગામડાંઓમાં થવો જોઈએ. ગામડાંમાં ખેડૂત છે. ગામડાંનો માણસ પ્રકૃતિની વધુ નજીક છે. એ જાગશે તો ચળવળ  સફળ થશે. મુંબઈમાં વસતા કચ્છી છોકરા-છોકરીઓએ વેકેશનના દિવસોેમાં વતનનાં ગામડાંમાં જઈને ઝાડ વાવવા જોઈએ.

કચ્છમાં વરસાદ ઓછો અનિયમિત છે. મોન્સુન સિસ્ટમને બદલી શકાય નહિ. દક્ષિણ દિશામાંથી વરસાદનું આગમન શરૃ થાય છે. કચ્છ તો છેવાડે આવે. એટલે વરસાદ પર બહુ ભરોસો રાખી શકાય નહિ. કચ્છમાં ઉષ્ણતામાન ઊંચે જાય છે. છેલ્લાં વીસ વરસમાં ઉષ્ણતામાન ૧ થી ૨ ડિગ્રી ઊંચુ ગયું છે.

કચ્છ પર ઉદ્યોગપતિઓની નજર છે. આ ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવે તેવી શક્યતા છે. આ ઉદ્યોગોે પર્યાવરણ સમતુલા માટે પૂરતાં પગલાં  લે છે કે નહિ એ માટે લોકોેએ જાગૃત રહેવાનું છે. કચ્છ પાસે વિશાળ દરિયાકાંઠો છે. દરિયાનું પાણી પીવાલાયક કરવાની હાલની ટેક્નોલોજી ઘણી મોંઘી છે.

માળિયાથી  માણબા, કોટેશ્વર અને છેક કોરીક્રીક સુધી ૩૬૦ કિ.મી.નો ખારોપાટ ધરાવતા કચ્છમાં ૧૯૮૪માં કે.શિવરાજના વડપણ હેઠળ ઉચ્ચકક્ષા સર્વે સમિતિની રચના કરાઈ હતી.  અભ્યાસના  અંતે સમિતિએ એવું તારણ રજૂ કર્યું હતું કે, ૩૬૫૨ ચો.કિ.મી.માં ક્ષાર વધી રહ્યો છે. જેની અસર સાત તાલુકાના ૨૪૫ ગામડાંની ૨ થી ૩ કિ.મી. સુધીની જમીનમાં થઈ હતી.

આ અસરમાંથી ગામડાંઓને બચાવવા ભલામણો કરાઈ હતી. તે મુજબ  સરકારે ૧૮૬ કરોડના કામો મંજૂર કર્યા. જેમાં ચેકડેમો, રિચાર્જ ટેન્ક, કૂવા રિચાર્જ, બંધારા અને ભરતી  નિયંત્રકોનો સમાવેશ થાય છે. ૨૦૧૩માં સૂચિત કામો ૧૮૫૫.૨૯ લાખના ખર્ચે ક્ષાર અંકુશ વિભાગ પૂરા કર્યા હતા. સૂચવેલા કામો પૂરા થતાં વર્ષ ૨૦૧૪માં સરકારે ફરી પાછો સર્વે કરાવ્યો હતો. જેમાં ચોંકાવનાર પરિણામો બહાર આવ્યાં હતાં. ૧૮૬ કરોડના ખર્ચે થયેલા કામોનો કોઈ ફાયદો ક્ષાર અંકુશમાં દેખાયો  ન હતો.

ક્ષારનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યું હતું. અગાઉ ૧.૨૫ લાખ હેક્ટરથી વધારે જમીન ક્ષાર યુક્ત હતી એ વધીને ૧.૫૭ લાખ હેક્ટરથી વધારે નોંધાઈ હતી. રણકાંઠાના ગામડાઓમાં ક્ષારનું પ્રમાણ વધતાં ખેતી પડી ભાંગી હતી, પાણીમાં ટીડીએસ ૨ હજારથી વધીને ૫ હજાર પીપીએસ સુધી પહોંચી ગયું હતું. ખારેક,  નાળિયર જેવા પાકોમાંથી મીઠાશ ઓછી થઈ ગઈ હતી. ગામડાંઓમાંથી મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં લોકો સ્થળાંતર કરી રહ્યા હતા. આવી સ્થિતિ નિર્માણ થતાં સરકારે સુજલામ્ સુફલામ યોજના હેઠળ તાત્કાલિક ૧૮૮ કરોડની બંધારા યોજના  અમલમાં  મુકી છે.

બીજી તરફ ગુજરાતના અન્ય પછાત, આદિવાસી વિસ્તારોની હાલત પણ ખરાબ છે.

ગુજરાતના દરિયા કિનારાના ગામોમાં ખારાશ દિવસે દિવસે વધી રહી છે. એક અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્રમાં દર વર્ષે અડધો કિલોમીટરના દરે ખારાશ આગળ વધે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ૯૩૩ ગામોમાં પાણીની પરિસ્થિતિ સંદર્ભે અભ્યાસ કરાયો હતો તેમાં ૧ લિટર પાણીમાં ટીડીએસનું પ્રમાણ ૨૦૦૦ કરતાં વધુ હતું. નિયમો મુજબ ૫૦૫ ટીડીએસ સુધીનું પાણી જ પીવાલાયક ગણી શકાય છે.

સૌરાષ્ટ્રમાં દરિયાપટ્ટીના વિસ્તારોમાં ચુનાના પથ્થરો, મિલિયોલાઇટ ચુનાના પથ્થરોનું (બેલા) ખોદકામ મોટા પાયે થઈ રહ્યું છે. હકીકતમાં આ પથ્થરો (એક્વીફર્સ) પોચા અને છિદ્રાળુ હોવાના કારણે ચોમાસુ વરસાદનું મીઠું પાણી સંઘરે છે અને એના કારણે દરિયાનું ખારું પાણી, ખારાશ આગળ વધી શકતા નથી. પીવાનું મીઠું પાણી ઉપલબ્ધ રહે છે. હવે આવા પથ્થરો કે જે ખારાશને રોકતી કુદરતી દિવાલ છે તેને તોડી નાંખવામાં આવે છે. તેનાથી મીઠુ પાણી દુર્લભ બની રહ્યું છે.

નર્મદાનું પાણી રણને હરિયાળું કરે એ પહેલાં રણની રેતી ઉત્તર ગુજરાતને ભરખી જશે. રણ આગળ વધતું જાય છે અને સાંતલપુર તાલુકાનું વડું મથક સાંતલપુરથી વારાહી ફેરવાયું તે પાછળનું આ પણ એક મોેટું કારણ છે. ખરેખર તો વિસ્તરતા જતા રણને ખાળવાની કોઈ યોજના થવી જોઈતી હતી તેને બદલે રણને વધારવાની યોજના સરકારે કરી.

મોટી જળાશય યોજના વધારાના અને વેડફાતા પાણી પર જ બનાવવામાં આવે તેવો નિયમ છે. ખેર, રણના વિસ્તરણને અટકાવવા માટે હવે કોઇ જલદ પગલાં તાત્કાલિક નહીં લેવાય તો અનાજ ઉત્પાદન ઘટતું જશે અને બેરોજગારી તથા ભૂખમરા જેવા દૂષણ વકરી જશે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments